Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

06 April 2020

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

(Evolutionary psychology)

Photograph of Charles Darwin


                ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

          આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલેજમાં આર્ટસનાં વિદ્યાર્થી ના છૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલેજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલેજોમાં ભણાવતા હશે કે કેમ?

            સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

            એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

             ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

            “In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

         —Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

            ૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

                   નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

              પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

            હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

No comments:

Post a Comment