Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

05 November 2021

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ : પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ. ડૉ. સિગ્મંડ ફ્રૉઇડના સિદ્ધાંત અનુસાર પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની શારીરિક આસક્તિ અને જાતીય સહચાર માટેની ગ્રંથિ તેમજ એથી ઊલટા પ્રકારે પુત્રની પિતા પ્રત્યેની અને પુત્રીની માતા પ્રત્યેની ઈર્ષ્યાની ગ્રંથિ. આ બંને ગ્રંથિઓને ગ્રીક દંતકથાનાં બે જુદાં જુદાં પાત્રો સાથે સાંકળી લઈને તેમને અનુક્રમે ઈડિપસ ગ્રંથિ તથા ઇલેક્ટ્રા ગ્રંથિના નામે ઓળખવામાં આવે છે. વિધિની વક્રતાનો માર્યો ઈડિપસ પોતાના જ પિતાની હત્યા કરીને પોતાની માતા સાથે લગ્ન કરે છે એવું દંતકથાનું વસ્તુ છે. બીજી એક કથા અનુસાર ઇલેક્ટ્રા પોતાની માતાની હત્યા કરાવવામાં કારણભૂત બને છે અને પિતા સાથે જાતીય સંબંધ બાંધે છે.

ડૉ. ફ્રૉઇડે ‘ઇન્ટરપ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’ (1899) નામના પોતાના ગ્રંથમાં આ મતનું પ્રતિપાદન કર્યું છે. એ મુજબ 3થી 6 વર્ષનાં સંતાનોમાં વડીલો પ્રત્યેની આવી લાગણી તીવ્ર હોય છે.



પુત્રનાં માતા પ્રત્યેનાં અને પુત્રીનાં પિતા પ્રત્યેનાં આકર્ષણ તથા આસક્તિમાં અનુક્રમે પિતા તેમજ માતા ભાગ પડાવે છે એવા મનોભાવથી પીડાતાં આ બાળસંતાનોના મનમાં પિતા કે માતા પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ તથા ધિક્કાર જન્મવા ઉપરાંત અજ્ઞાત ભાવે હિંસાત્મક વલણો પણ સળવળતાં હોય છે; પણ અગિયારેક વર્ષની આસપાસ શૈશવની સમાપ્તિની સાથોસાથ, વડીલો પ્રત્યેની આસક્તિ અને ઈર્ષ્યાની ગ્રંથિનું નિવારણ થાય છે. ઉંમર વધતાં પુત્ર અને પુત્રી અનુક્રમે પિતા અને માતાના વ્યક્તિત્વ સાથે તાદાત્મ્ય અનુભવે છે અને ઘણુંખરું માબાપને જીવનના આદર્શ તરીકે જોતાં થાય છે. અજ્ઞાત મનનો જાતીય સહચારનો ઉદ્રેક પણ શમવા માંડે છે; તેના સ્થાને સમાજસ્વીકૃત માતૃભક્તિ તથા પિતૃપ્રેમની ભાવના બંધાતી જાય છે. જે કુટુંબોમાં માબાપ સાથેનો સંબંધ વાત્સલ્યપૂર્ણ અને લાગણીક્ષોભ વગરનો હોય છે તથા માબાપના વ્યવહારમાં નિષેધ કે વહાલનો અતિરેક નથી હોતો ત્યાં આ ગ્રંથિનું નિરાકરણ સહજ અને સરળ બની રહે છે.

બાલમાનસમાં ગંઠાયેલા આ મનોભાવનું કેટલાક કિસ્સામાં નિવારણ નથી પણ થતું. વય વધવા છતાં વણઉકેલાયેલી રહેતી આ ગ્રંથિ ખાસ કરીને વ્યક્તિના જાતીય વ્યવહારમાં સમસ્યા સર્જે છે. બાળપણની માતૃ-આસક્તિની ગ્રંથિના માર્યા કેટલાક યુવકો એટલા માતૃભક્ત બની જાય છે કે લગ્ન પ્રત્યે તેમનામાં અણગમો તથા અનિચ્છા જન્મે છે; તેઓ લગ્ન કરે તોપણ ‘માવડિયા’ બની રહેવાથી પત્નીને લગ્નસુખનો સંતોષ આપી શકતા નથી. એ જ રીતે પુત્રી પણ પિતૃપ્રેમની ગ્રંથિથી દોરવાઈને યુવાનવયે પરપુરુષ પ્રત્યે દેહાકર્ષણ અનુભવી શકતી નથી. તે લગ્ન કરે તોપણ પતિ સાથે તેનો મનમેળ કે લાગણીમેળ ગોઠવાઈ શકતો નથી. આમ ડૉ. ફ્રૉઇડના મતે વડીલો પ્રત્યેના આકર્ષણ તથા અણગમાની આ ઉભય ગ્રંથિઓ બાળસંતાનોના વ્યક્તિત્વવિકાસમાં નિર્ણાયક બની રહે છે.

એસ. ટી. રાજદેવ

04 November 2021

આંતરસૂઝ દ્વારા અધ્યયન-કોહલર

આંતરસૂઝ દ્વારા અધ્યયન - કોહલર
Theory of Insightful learning - 

Kohler





પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનના ફરજિયાત એકાંતવાસના ફલસ્વરૂપે કોહલર, કોફકા અને વર્ધીમર જેવા જર્મન મનોવૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો :

‘ Gestalt ' એ જર્મન શબ્દ છે જેનો અર્થ “ Organised whole ' કે સમગ્રતા ' કરી શકાય . સમગ્રતા પર ભાવ મૂકવાને કારણે આ મનોવૈજ્ઞાનિકો સમગ્રતાવાદીઓ તરીકે ઓળખાયા. તેઓના મતે અધ્યયન પ્રક્રિયા એ માત્ર દેવનું અધ્યયન કે ઉત્તેજક - પ્રતિચારનું જોડાણ નથી. અધ્યયનને તેઓ માત્ર અધ્યયન તરીકે કે પ્રયત્ન અને ભૂલ તરીકે જોવાને બદલે હેતુપૂર્વકની સર્જનાત્મક કામગીરી તરીકે જુએ છે. સમગ્રતાવાદ અનુસાર અધ્યયન એક પ્રક્રિયા છે, જેમાં પ્રાણી ક્રિયા પ્રતિક્રિયા કરે છે, આદાનપ્રદાન કરે છે અને તેના આધારે પ્રતિચારો આપે છે. તેઓના મતે જ્ઞાન ટુકડે ટુકડે નહિ પરંતુ સમગ્ર રીતે અપાવું જોઈએ. નવા જ્ઞાન સાથે હંમેશા જૂના જ્ઞાનનો સંદર્ભ લેવો જોઇએ. અધ્યયન કરનાર હંમેશા સમગ્ર પરિસ્થિતિને જુએ છે અને વિવિધ સંબંધોને ચકાસે છે. તેનાં આધારે બુદ્ધિપૂર્વક નિર્ણય લે છે. પ્રાણી હંમેશાં કોઇ ચોક્કસ ઉત્તેજકને પ્રતિચાર આપતું નથી. પરંતુ; યોગ્ય સંબંધ કે અનુબંધને પ્રતિચાર આપે છે. સમગ્રતાવાદ આંતરસૂઝ શબ્દ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દર્શન અને પ્રતિચાર આપવામાં બુદ્ધિ જેવાં તત્ત્વનો ઉપયોગ આ બાબત સમજાવવા પ્રયત્ન કરે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનને મનોવિજ્ઞાનીઓ બોધાત્મક શિક્ષણ ( Cognitive Learning ) ના એક પ્રકાર તરીકે ઓળખાવે છે. બોધાત્મક શિક્ષણ એટલે ઘટનાના અનુભવને કારણે કોંઈપણ દેખીતા પ્રબલન વગર પ્રાણી ઘટનામાંના નવા સંબંધો કે સાહચર્યો શીખે. તે પર્યાવરણમાંથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતી માહિતીની પ્રક્રિયાકરણની રીતમાં અનુભવને પરિણામે પ્રગટ પ્રબલન વિના, જયારે ફેરફાર થાય છે ત્યારે તેને બોધાત્મક શિક્ષણ કહે છે.


" આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેનો પરસ્પર સંબંધ સમજવો તે. આંતરસૂઝ એટલે સમગ્ર પરિસ્થિતિના જુદા જુદા ભાગો વચ્ચેનો આંતરસંબંધ સમજવો તે. આંતરસૂઝયુક્ત શિક્ષણ એટલે એવું શિક્ષણ જેમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણના પુર્નસંગઠનનો સમાવેશ થાય છે અને લાંબા સમય સુધી કોઇ પ્રગતિ વિના એકાએક સમસ્યાનો ઉકેલ જડી આવે છે. "


આંતરસૂઝ એ એવી પ્રક્રિયા છે કે જેના વડે સમસ્યાના મૂળભૂત સ્વરૂપમાં અંદર ડોકિયું કરીએ છીએ અને તેની મદદથી ઉકેલ શોધીએ છીએ. આવા ઉકેલો અચાનક મળે ત્યારે તેને અંતઃસૂઝનો ઝબકારો કહેવાય છે.


કોહલરનો ચિમ્પાન્ઝી પર પ્રયોગ :




એક પ્રયોગમાં કોહલરે ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર કેળું રહે તે રીતે એક દોરીનો છેડો પાંજરાની નજીક રાખી દોરીના બીજા છેડે કેળું બાંધવામાં આવ્યું. થોડીક વિચારણા બાદ તેણે દોરી ખેંચી કેળું મેળવ્યું.

અન્ય એક પ્રયોગમાં ચિમ્પાન્ઝી સુલતાનને પાંજરામાં પૂર્યા બાદ પાંજરાની છત પર એક કેળું લટકાવ્યું. એક ખોખું મૂકવામાં આવ્યું હતું. સુલતાને કેળું મેળવવા કૂદકા માર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. અચાનક તેની નજર ખોખા પર પડી. તેણે ખોખાનો ઉપયોગ કરી છત પર લટકતું કેળું મેળવ્યું. આથી આગળ વધી કોહલરે કેળું વધુ ઊંચે લટકાવ્યું કે જેથી સુલતાનને તે કેળું મેળવવા એકથી વધુ ખોખાનો ઉપયોગ કરવો પડે. સુલતાનને આ પ્રયોગમાં પણ કેળું મેળવવામાં સફળતા મળી.

બીજા એક પ્રયોગમાં કોહલરે સુલતાનના પાંજરાની બહાર થોડે દૂર એક કેળું મૂક્યું. પાંજરામાં એકબીજામાં ભરાવી શકાય તેવી બે લાકડી મૂકવામાં આવી. સુલતાને બંને લાકડી કે કેળું મેળવવાના પ્રયત્નો કરી જોયા, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી. તે લાકડી વડે રમવા લાગ્યો . અચાનક તેને ઉકેલ જડી આવ્યો. બંને લાકડી જોડી સુલતાને પાંજરાથી દૂર રહેલું કેળું મેળવ્યું.


પ્રયોગોના આધારના કોહલરે કરેલા આંતરસૂઝ દ્વારા અધ્યયનનાં નીચેનાં લક્ષણો તારવી શકાય.

  1. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનો સહારો લેવામાં આવે છે. નવી પરિસ્થિતિમાં આ અનુભવો કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે.
  2. બુદ્ધિશાળી પ્રાણી આ પ્રકારે અધ્યયન કરી શકે છે. પ્રાણી જેમ વધુ બુદ્ધિશાળી તેમ તેનામાં આંતરસૂઝનું પ્રમાણ વધુ.
  3. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સમાયેલ છે તેમ કહી શકાય. પરંતુ, આ પ્રયત્ન અને ભૂલ આંતરસૂઝ દ્વારા અધ્યયનનું અંતિમ સોપાન નથી.
  4. આંતરસૂઝ દ્વારા અધ્યયન માટે પ્રાણી સમક્ષ સમગ્ર અને સ્પષ્ટ પરિસ્થિતિ હોવી જરૂરી છે. પરિસ્થિતિનું અપૂરતું દર્શન આંતરસૂઝને અવરોધે છે.
  5. આંતરસૂઝ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવ્યા બાદ મહાવરો જરૂરી છે.
આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનું નવીન સંયોજન વિચારવામાં આવે છે. વિષયવસ્તુનું નવીન સંયોજન અને અર્થઘટન વ્યક્તિને અચાનક સમસ્યાનો ઉકેલ મેળવી આપે છે. વ્યક્તિ " આહ " સાથે સફળતાનો આનંદ મેળવે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થ :
  1. આંતરસૂઝ દ્વારા અધ્યયન પ્રતિચારોમાં યાંત્રિકતાને સ્થાન અપાતું નથી. આ સિદ્ધાંત અધ્યયનને હેતુપૂર્વકની પ્રક્રિયા તરીકે નિહાળે છે.
  2. બાળકનામાં આંતરસૂઝ વિકસાવવા માટે તેની સમક્ષ સમગ્ર પરિસ્થિતિ હોવી જોઈએ. બાળકની જિજ્ઞાસા વધે તે માટેના પ્રયત્નો શિક્ષક દ્વારા કરાવા જોઈએ.
  3. શિક્ષણ હેતુકેન્દ્રી છે અને તેથી તેની ઉપયોગિતા બાળકને સમજાવવી જોઈએ.
  4. " સમગ્રતા તરફથી વિભાગો તરફ " " સંશ્લેષણ તરફથી વિશ્લેષણ તરફ " જેવાં શિક્ષણનાં સૂત્રોને ધ્યાનમાં રાખી તે પ્રમાણેની શિક્ષણ પદ્ધતિઓ શિક્ષક દ્વારા પસંદ કરાવી જોઈએ. આ ઉપરાંત સમસ્યા ઉકેલ પદ્ધતિ પણ બાળકમાં આંતરસૂઝ વિકસાવવામાં ઉપયોગી બની શકે.
  5. “ જ્ઞાન અખંડ છે ” આ બાબતનો અનુભવ કરાવવા શિક્ષકે હંમેશા નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિવિધ વિષયો અને પેટામુદા સાથેના અનુબંધ દ્વારા જ આ અનુભવ બાળકને થઈ શકે. પરંતુ, તે માટે શિક્ષકપણે ઘણી તૈયારી હોવી જરૂરી છે.
  6. આંતરસૂઝનો આધાર અધ્યયન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ પર રહેલો છે, તેથી શિક્ષણ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણને સ્થાન અપાવું જોઈએ.

02 November 2021

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે

 

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે



માનસિક વિકૃતિનો સહુથી ખતરનાક ચહેરો મર્ડર અને પછી આવે છે આપઘાત અને રેપ. આ બધું ટેન્શન, ડીપ્રેશન અને માનસિક વિકૃતિઓની ઉપજ છે. આજકાલ આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ મોટાભાગના આત્મહત્યાનું કારણ પણ માનસિક તાણ હોવાનું નજરે પડે છે. આજે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તાણ જન્મવાનું કારણ કેવું હશે ,તેમની મનોવ્યથા કેટલી દુઃખ કારક હશે? આ વિકૃતિઓનો જન્મ બાળપણ થી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આજના વર્કિંગ પેરેન્ટસના વ્યસ્ત જીવનમાં બાળકોને અપાતો સમય ઓછો થતો જાય છે. આવા સમયમાં બાળકો પોતાના વિચારોમાં કેદ થતા જાય છે અને આ ગુંગણામણ અને એકલતા તેમના મગજમાં વિકૃતિઓને અને ડીપ્રેશનને જન્મ આપે છે.

હાલ NBC ( એન બી સી )ન્યુઝ ચેનલમાં ન્યુઝ સાંભળતાં મનમાં એક ઊંડી ટીસ ઉભરી આવી, કેલીફોર્નીયાના સેન હોઝેમાં રહેતા ૫૯ વર્ષના મૂળ બાંગ્લાદેશી ગોલામ રાબી અને તેમના ૫૭ વર્ષના વાઈફ સમીમાં રાબીનું ગન શોટ દ્વારા મર્ડર થયું. અને તે પણ તેમના જ બે પુત્રો દ્વારા, જેમાં એક ૧૭ વર્ષનો અને બીજો ૨૨ વર્ષનો હસીબ બિન ગોલાર્બી બંનેએ ભેગા મળીને આ અધમ કૃત્ય કર્યું હતું. તેઓ પોતે બાંગ્લાદેશ થી ત્રીસ વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હતા. કેટલીય મહેનતથી પોતાનું ઘર વસાવીને બાળકોને સારી લાઈફ આપવા પ્રયત્નશીલ રહ્યા હતા.

તેમના કુટુંબીજનો નું કહેવું હતું કે તેઓને આજ કપલે અહી અમેરિકા બોલાવીને રહેવાની અને કામ માટે મદદ કરી હતી. તેમને ઓળખતા મિત્રો અને સગાવહાલાનું કહેવું છે કે કદી આ પેરેન્ટ્સને તેમના બંને દીકરાઓ સાથે લડતાં ઝગડતાં નથી જોયા. હંમેશા દીકરાઓ પણ તેમના પેરેન્ટ્સ સાથે પ્રેમથી વર્તતા હતા.

તો પછી આમ થવાનું શું કારણ હશે? હજુ આ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી . વધારે આશ્ચર્ય અને દુઃખ ત્યારે થયું કે પોલીસની કસ્ટડી દરમિયાન મોટા દીકરાએ સાવ ઠંડે કલેજે શાંતિથી જવાબ આપ્યો ” સોરી માય ફસ્ટ કિલ વોઝ ક્લ્મ્ઝી ” તેના ચહેરા ઉપટ ગીલ્ટનું નામોનિશાન જોવા મળ્યું નહોતું .

૨૨ અને ૧૭ વર્ષના બે બાળકોને પ્રેમાળ માતા પિતા તરફ એવો તે કેવો ગુસ્સો કે નફરત થયા હશે કે આટલા હીન શબ્દો તેમના ખૂન કર્યા પછી બોલી રહ્યા છે. આ માનસિક વિકૃતિ સિવાય બીજું શું હોઈ શકે ?

ક્યારેક લાગે છે કે માત્ર બાળકોને લકઝરીયસ લાઈફ આપવાથી કે ઉચ્ચ શિક્ષણ આપવાથી પેરેન્ટ્સનું કામ પૂરું નથી થઇ જતું. બાળકોને તેમના બચપણથી લઇ યુવાની સુધી પુરતો સમય આપવો અત્યંત જરૂરી બની રહે છે. તેમની બાળ હઠને જાણવા સમજવાની પણ બહુ જરૂરી છે. કેટલીક વખત શિસ્તના નામે તેમની સાથે થતી સખતાઈ પણ માનસિક વિકૃતિઓને જન્મ આપે છે. અને તેના વિપરીત પરિણામે બાળક જડ અને લાગણીવિહીન બનતો જાય છે.

એક સર્વે મુજબ અમેરિકમાં ૯.૫ ટકા લોકો ડીપ્રેશન થી પીડાય છે જેમાં ૪૦ મિલિયન પીપલ જે ૧૮ થી મોટી ઉંમરના લોકોમાં એન્કઝાઈટી ડીસઓર્ડર નામની માનસિક બીમારીનો ભોગ બનેલા જાણવા મળ્યું છે. આ બીમારી ૧૦ થી ૨૫ ટકા વુમન અને ૫ થી ૧૨ ટકા મેન માં જોવા મળી છે. આ બીમારી ઉંમર સાથે વધતી જાય છે.

આજે અમેરિકામાં ૪ % ટકા લોકો આપઘાત કરે છે અને આપઘાત કરનાર ૬0% લોકો ડિપ્રેસન અથવા અન્ય મૂડ ડિસઓર્ડરથી પીડાતા હોવાનું અનુમાન કરાય છે. આમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા નોધપાત્ર હોય છે. આ અવસ્થામાં બાળક ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. તેમના વધતો જતો અભ્યાસક્ર સાથે એક્સ્ટ્રા એક્ટીવીટીનો બેવડો બોજ તેના ઉપર પડે છે ,ત્યારે થાક અને તાણ અને એકલતા તેમને અવળે માર્ગે દોરે છે. આ બધાનું મૂળ કારણ આપણી હંમેશા પ્રથમ રહેવાની અભિલાષા. જેના પરિણામે બાળકો ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.

મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન દર્દીની વર્તણૂક અને માનસિક સ્થિતિ કસોટીને આધારે થાય છે. આ બિમારી વધારે કરીને સમય 20થી 30 વર્ષની વચ્ચેની ઉંમરનો છે, આગળ જતા તેમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ . આ મોટાભાગે જન્મજાત કે ભૂતકાળ નાં કડવા અનુભવોને આધારે ઉદ્ભવે છે. દર્દીઓને એન્ટીડિપ્રેસન્ટ ની દવાઓ આપી સારવાર કરવામાં આવે છે. આ પ્રકારનું ડીપ્રેશન ભોગવતા દર્દીઓ કાયમ શંકાનો ભોગ બનતા હોય છે જે છેક આપઘાતનું કારણ પણ બની જાય છે .

કોઈ પણ પ્રકારના ડીપ્રેશન થી દૂર રહેવા માટે મેડીટેશન,યોગા,કસરત અને ગમતી રૂચી પ્રમાણેની એક્ટીવીટી રામબાણ ઉપાય છે. સારી ક્વોલીટી ઘરાવતા પુસ્તકો દવા કરતા પણ વધુ અસરકારક પુરવાર થયા છે. આજના આધુનિક જમાનામાં જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે.

રેખા વિનોદ પટેલ (યુએસએ)

01 November 2021

માર્ગારેટ મીડ

માર્ગારેટ  મીડ


મીડ, માર્ગારેટ (જ. 16 ડિસેમ્બર 1901, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા; અ. 15 નવેમ્બર 1978, ન્યૂયૉર્ક સિટી) : વિશ્વવિખ્યાત અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક અને ચર્ચાસ્પદ રહ્યું છે. તેઓ વર્ષો સુધી અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં એથ્નૉલૉજીના ઍસોસિયેટ ક્યુરેટર અને કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનાં અધ્યાપક રહ્યાં હતાં. તેમણે 1929માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

દક્ષિણ પૅસિફિક ટાપુઓ, ન્યૂ ગિની અને બાલી પ્રદેશોમાં ક્ષેત્રકાર્ય દ્વારા સામાજિકીકરણ અને સંસ્કૃતિ અંગેનાં તેમનાં સંશોધનોએ માનવશાસ્ત્રમાં નવી ભાત અને પરંપરાઓ સર્જી છે. જૈવિક, કુદરતી કે વારસાગત વાતાવરણ કરતાં સંસ્કૃતિની ભૂમિકા અને અસરકારકતા વ્યક્તિના ઉછેર અને વર્તનમાં મહત્વની છે એવી રજૂઆત મીડના આદિમ જાતિઓના સંશોધનમાં કેન્દ્રવર્તી રહી છે. સમાજોના તુલનાત્મક અભ્યાસોમાં માનસશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પરિબળોને વિશેષ ધ્યાનમાં લેવાં જોઈએ તે મુદ્દો તેમનાં લખાણોમાં સ્પષ્ટ થાય છે.


મીડના મહત્વના અભ્યાસોમાં Coming of Age in Samoa (1928), Growing Up in New Guinea (1930) અને Set and Temperament in Three Primitive Societies (1935)નો સમાવેશ થાય છે. આ અભ્યાસોમાં કુદરત કરતાં ઉછેર (nurture over nature) વધુ પ્રસ્તુત અને બળવત્તર છે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. મીડનાં માનવશાસ્ત્રીય લખાણોએ નારીવાદને એક નવી ઔદ્યોગિક દિશા આપી છે. તેમના Male and Female (1949) પુસ્તકમાં નીતિમત્તાના રાજકારણના વિકાસના મુદ્દાને છેડીને નવતર નારીવાદી ર્દષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. આદિમ સમાજો ખાસ કરીને પશ્ચિમના (પ્રૉટેસ્ટંટ) સમાજો કરતાં નીતિમત્તાની બાબતમાં કેવા ઉદાર અને સહિષ્ણુ છે તે માર્ગારેટ મીડે પોતાના અભ્યાસોમાં દર્શાવ્યું છે. પેઢીઓ વચ્ચેના સંઘર્ષનો અભ્યાસ Culture and Commitment (1970) પુસ્તકમાં રજૂ કર્યો છે. વીસમી સદીમાં જાતિ(race)નાં સમાજવિજ્ઞાનોની ચર્ચામાં મીડનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. માનવશાસ્ત્રીય અભ્યાસોના સંદર્ભમાં તેઓ ચર્ચાસ્પદ રહ્યાં છે. ખાસ કરીને આદિવાસીઓના ક્ષેત્રકાર્ય પર આધારિત અભ્યાસોની પદ્ધતિ અને તારણો અંગે તેમની સતત ટીકા થતી રહી છે. તેઓ રૂથ બેન્ડિક્ટનાં વિદ્યાર્થી તરીકે, નીતિમત્તા તેમજ સંસ્કૃતિની નિર્ણાયક ભૂમિકાના અભ્યાસોના સંદર્ભમાં વીસમી સદીના મહત્વના સામાજિક વૈજ્ઞાનિકોમાં સ્થાન પામ્યાં છે. 19 જાન્યુઆરી, 1979ના રોજ પ્રેસિડન્ટ જિમી કાર્ટરે પ્રેસિડેન્સિયલ મેડલ ઑવ્ ફ્રિડમનો ઍવૉર્ડ જાહેર કર્યો જે મરણોત્તર ઍવૉર્ડ હતો. 1970માં તેમને કલિંગ પ્રાઈઝથા સન્માનિત થયા હતા.

ગૌરાંગ જાની