Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

05 November 2021

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ

ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ : પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ. ડૉ. સિગ્મંડ ફ્રૉઇડના સિદ્ધાંત અનુસાર પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની શારીરિક આસક્તિ અને જાતીય સહચાર માટેની ગ્રંથિ તેમજ એથી ઊલટા પ્રકારે પુત્રની પિતા પ્રત્યેની અને પુત્રીની માતા પ્રત્યેની ઈર્ષ્યાની ગ્રંથિ. આ બંને ગ્રંથિઓને ગ્રીક દંતકથાનાં બે જુદાં જુદાં પાત્રો સાથે સાંકળી લઈને તેમને અનુક્રમે ઈડિપસ ગ્રંથિ તથા ઇલેક્ટ્રા ગ્રંથિના નામે ઓળખવામાં આવે છે. વિધિની વક્રતાનો માર્યો ઈડિપસ પોતાના જ પિતાની હત્યા કરીને પોતાની માતા સાથે લગ્ન કરે છે એવું દંતકથાનું વસ્તુ છે. બીજી એક કથા અનુસાર ઇલેક્ટ્રા પોતાની માતાની હત્યા કરાવવામાં કારણભૂત બને છે અને પિતા સાથે જાતીય સંબંધ બાંધે છે.

ડૉ. ફ્રૉઇડે ‘ઇન્ટરપ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’ (1899) નામના પોતાના ગ્રંથમાં આ મતનું પ્રતિપાદન કર્યું છે. એ મુજબ 3થી 6 વર્ષનાં સંતાનોમાં વડીલો પ્રત્યેની આવી લાગણી તીવ્ર હોય છે.



પુત્રનાં માતા પ્રત્યેનાં અને પુત્રીનાં પિતા પ્રત્યેનાં આકર્ષણ તથા આસક્તિમાં અનુક્રમે પિતા તેમજ માતા ભાગ પડાવે છે એવા મનોભાવથી પીડાતાં આ બાળસંતાનોના મનમાં પિતા કે માતા પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ તથા ધિક્કાર જન્મવા ઉપરાંત અજ્ઞાત ભાવે હિંસાત્મક વલણો પણ સળવળતાં હોય છે; પણ અગિયારેક વર્ષની આસપાસ શૈશવની સમાપ્તિની સાથોસાથ, વડીલો પ્રત્યેની આસક્તિ અને ઈર્ષ્યાની ગ્રંથિનું નિવારણ થાય છે. ઉંમર વધતાં પુત્ર અને પુત્રી અનુક્રમે પિતા અને માતાના વ્યક્તિત્વ સાથે તાદાત્મ્ય અનુભવે છે અને ઘણુંખરું માબાપને જીવનના આદર્શ તરીકે જોતાં થાય છે. અજ્ઞાત મનનો જાતીય સહચારનો ઉદ્રેક પણ શમવા માંડે છે; તેના સ્થાને સમાજસ્વીકૃત માતૃભક્તિ તથા પિતૃપ્રેમની ભાવના બંધાતી જાય છે. જે કુટુંબોમાં માબાપ સાથેનો સંબંધ વાત્સલ્યપૂર્ણ અને લાગણીક્ષોભ વગરનો હોય છે તથા માબાપના વ્યવહારમાં નિષેધ કે વહાલનો અતિરેક નથી હોતો ત્યાં આ ગ્રંથિનું નિરાકરણ સહજ અને સરળ બની રહે છે.

બાલમાનસમાં ગંઠાયેલા આ મનોભાવનું કેટલાક કિસ્સામાં નિવારણ નથી પણ થતું. વય વધવા છતાં વણઉકેલાયેલી રહેતી આ ગ્રંથિ ખાસ કરીને વ્યક્તિના જાતીય વ્યવહારમાં સમસ્યા સર્જે છે. બાળપણની માતૃ-આસક્તિની ગ્રંથિના માર્યા કેટલાક યુવકો એટલા માતૃભક્ત બની જાય છે કે લગ્ન પ્રત્યે તેમનામાં અણગમો તથા અનિચ્છા જન્મે છે; તેઓ લગ્ન કરે તોપણ ‘માવડિયા’ બની રહેવાથી પત્નીને લગ્નસુખનો સંતોષ આપી શકતા નથી. એ જ રીતે પુત્રી પણ પિતૃપ્રેમની ગ્રંથિથી દોરવાઈને યુવાનવયે પરપુરુષ પ્રત્યે દેહાકર્ષણ અનુભવી શકતી નથી. તે લગ્ન કરે તોપણ પતિ સાથે તેનો મનમેળ કે લાગણીમેળ ગોઠવાઈ શકતો નથી. આમ ડૉ. ફ્રૉઇડના મતે વડીલો પ્રત્યેના આકર્ષણ તથા અણગમાની આ ઉભય ગ્રંથિઓ બાળસંતાનોના વ્યક્તિત્વવિકાસમાં નિર્ણાયક બની રહે છે.

એસ. ટી. રાજદેવ

04 November 2021

આંતરસૂઝ દ્વારા અધ્યયન-કોહલર

આંતરસૂઝ દ્વારા અધ્યયન - કોહલર
Theory of Insightful learning - 

Kohler





પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનના ફરજિયાત એકાંતવાસના ફલસ્વરૂપે કોહલર, કોફકા અને વર્ધીમર જેવા જર્મન મનોવૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો :

‘ Gestalt ' એ જર્મન શબ્દ છે જેનો અર્થ “ Organised whole ' કે સમગ્રતા ' કરી શકાય . સમગ્રતા પર ભાવ મૂકવાને કારણે આ મનોવૈજ્ઞાનિકો સમગ્રતાવાદીઓ તરીકે ઓળખાયા. તેઓના મતે અધ્યયન પ્રક્રિયા એ માત્ર દેવનું અધ્યયન કે ઉત્તેજક - પ્રતિચારનું જોડાણ નથી. અધ્યયનને તેઓ માત્ર અધ્યયન તરીકે કે પ્રયત્ન અને ભૂલ તરીકે જોવાને બદલે હેતુપૂર્વકની સર્જનાત્મક કામગીરી તરીકે જુએ છે. સમગ્રતાવાદ અનુસાર અધ્યયન એક પ્રક્રિયા છે, જેમાં પ્રાણી ક્રિયા પ્રતિક્રિયા કરે છે, આદાનપ્રદાન કરે છે અને તેના આધારે પ્રતિચારો આપે છે. તેઓના મતે જ્ઞાન ટુકડે ટુકડે નહિ પરંતુ સમગ્ર રીતે અપાવું જોઈએ. નવા જ્ઞાન સાથે હંમેશા જૂના જ્ઞાનનો સંદર્ભ લેવો જોઇએ. અધ્યયન કરનાર હંમેશા સમગ્ર પરિસ્થિતિને જુએ છે અને વિવિધ સંબંધોને ચકાસે છે. તેનાં આધારે બુદ્ધિપૂર્વક નિર્ણય લે છે. પ્રાણી હંમેશાં કોઇ ચોક્કસ ઉત્તેજકને પ્રતિચાર આપતું નથી. પરંતુ; યોગ્ય સંબંધ કે અનુબંધને પ્રતિચાર આપે છે. સમગ્રતાવાદ આંતરસૂઝ શબ્દ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દર્શન અને પ્રતિચાર આપવામાં બુદ્ધિ જેવાં તત્ત્વનો ઉપયોગ આ બાબત સમજાવવા પ્રયત્ન કરે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનને મનોવિજ્ઞાનીઓ બોધાત્મક શિક્ષણ ( Cognitive Learning ) ના એક પ્રકાર તરીકે ઓળખાવે છે. બોધાત્મક શિક્ષણ એટલે ઘટનાના અનુભવને કારણે કોંઈપણ દેખીતા પ્રબલન વગર પ્રાણી ઘટનામાંના નવા સંબંધો કે સાહચર્યો શીખે. તે પર્યાવરણમાંથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતી માહિતીની પ્રક્રિયાકરણની રીતમાં અનુભવને પરિણામે પ્રગટ પ્રબલન વિના, જયારે ફેરફાર થાય છે ત્યારે તેને બોધાત્મક શિક્ષણ કહે છે.


" આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેનો પરસ્પર સંબંધ સમજવો તે. આંતરસૂઝ એટલે સમગ્ર પરિસ્થિતિના જુદા જુદા ભાગો વચ્ચેનો આંતરસંબંધ સમજવો તે. આંતરસૂઝયુક્ત શિક્ષણ એટલે એવું શિક્ષણ જેમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણના પુર્નસંગઠનનો સમાવેશ થાય છે અને લાંબા સમય સુધી કોઇ પ્રગતિ વિના એકાએક સમસ્યાનો ઉકેલ જડી આવે છે. "


આંતરસૂઝ એ એવી પ્રક્રિયા છે કે જેના વડે સમસ્યાના મૂળભૂત સ્વરૂપમાં અંદર ડોકિયું કરીએ છીએ અને તેની મદદથી ઉકેલ શોધીએ છીએ. આવા ઉકેલો અચાનક મળે ત્યારે તેને અંતઃસૂઝનો ઝબકારો કહેવાય છે.


કોહલરનો ચિમ્પાન્ઝી પર પ્રયોગ :




એક પ્રયોગમાં કોહલરે ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર કેળું રહે તે રીતે એક દોરીનો છેડો પાંજરાની નજીક રાખી દોરીના બીજા છેડે કેળું બાંધવામાં આવ્યું. થોડીક વિચારણા બાદ તેણે દોરી ખેંચી કેળું મેળવ્યું.

અન્ય એક પ્રયોગમાં ચિમ્પાન્ઝી સુલતાનને પાંજરામાં પૂર્યા બાદ પાંજરાની છત પર એક કેળું લટકાવ્યું. એક ખોખું મૂકવામાં આવ્યું હતું. સુલતાને કેળું મેળવવા કૂદકા માર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. અચાનક તેની નજર ખોખા પર પડી. તેણે ખોખાનો ઉપયોગ કરી છત પર લટકતું કેળું મેળવ્યું. આથી આગળ વધી કોહલરે કેળું વધુ ઊંચે લટકાવ્યું કે જેથી સુલતાનને તે કેળું મેળવવા એકથી વધુ ખોખાનો ઉપયોગ કરવો પડે. સુલતાનને આ પ્રયોગમાં પણ કેળું મેળવવામાં સફળતા મળી.

બીજા એક પ્રયોગમાં કોહલરે સુલતાનના પાંજરાની બહાર થોડે દૂર એક કેળું મૂક્યું. પાંજરામાં એકબીજામાં ભરાવી શકાય તેવી બે લાકડી મૂકવામાં આવી. સુલતાને બંને લાકડી કે કેળું મેળવવાના પ્રયત્નો કરી જોયા, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી. તે લાકડી વડે રમવા લાગ્યો . અચાનક તેને ઉકેલ જડી આવ્યો. બંને લાકડી જોડી સુલતાને પાંજરાથી દૂર રહેલું કેળું મેળવ્યું.


પ્રયોગોના આધારના કોહલરે કરેલા આંતરસૂઝ દ્વારા અધ્યયનનાં નીચેનાં લક્ષણો તારવી શકાય.

  1. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનો સહારો લેવામાં આવે છે. નવી પરિસ્થિતિમાં આ અનુભવો કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે.
  2. બુદ્ધિશાળી પ્રાણી આ પ્રકારે અધ્યયન કરી શકે છે. પ્રાણી જેમ વધુ બુદ્ધિશાળી તેમ તેનામાં આંતરસૂઝનું પ્રમાણ વધુ.
  3. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સમાયેલ છે તેમ કહી શકાય. પરંતુ, આ પ્રયત્ન અને ભૂલ આંતરસૂઝ દ્વારા અધ્યયનનું અંતિમ સોપાન નથી.
  4. આંતરસૂઝ દ્વારા અધ્યયન માટે પ્રાણી સમક્ષ સમગ્ર અને સ્પષ્ટ પરિસ્થિતિ હોવી જરૂરી છે. પરિસ્થિતિનું અપૂરતું દર્શન આંતરસૂઝને અવરોધે છે.
  5. આંતરસૂઝ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવ્યા બાદ મહાવરો જરૂરી છે.
આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનું નવીન સંયોજન વિચારવામાં આવે છે. વિષયવસ્તુનું નવીન સંયોજન અને અર્થઘટન વ્યક્તિને અચાનક સમસ્યાનો ઉકેલ મેળવી આપે છે. વ્યક્તિ " આહ " સાથે સફળતાનો આનંદ મેળવે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થ :
  1. આંતરસૂઝ દ્વારા અધ્યયન પ્રતિચારોમાં યાંત્રિકતાને સ્થાન અપાતું નથી. આ સિદ્ધાંત અધ્યયનને હેતુપૂર્વકની પ્રક્રિયા તરીકે નિહાળે છે.
  2. બાળકનામાં આંતરસૂઝ વિકસાવવા માટે તેની સમક્ષ સમગ્ર પરિસ્થિતિ હોવી જોઈએ. બાળકની જિજ્ઞાસા વધે તે માટેના પ્રયત્નો શિક્ષક દ્વારા કરાવા જોઈએ.
  3. શિક્ષણ હેતુકેન્દ્રી છે અને તેથી તેની ઉપયોગિતા બાળકને સમજાવવી જોઈએ.
  4. " સમગ્રતા તરફથી વિભાગો તરફ " " સંશ્લેષણ તરફથી વિશ્લેષણ તરફ " જેવાં શિક્ષણનાં સૂત્રોને ધ્યાનમાં રાખી તે પ્રમાણેની શિક્ષણ પદ્ધતિઓ શિક્ષક દ્વારા પસંદ કરાવી જોઈએ. આ ઉપરાંત સમસ્યા ઉકેલ પદ્ધતિ પણ બાળકમાં આંતરસૂઝ વિકસાવવામાં ઉપયોગી બની શકે.
  5. “ જ્ઞાન અખંડ છે ” આ બાબતનો અનુભવ કરાવવા શિક્ષકે હંમેશા નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિવિધ વિષયો અને પેટામુદા સાથેના અનુબંધ દ્વારા જ આ અનુભવ બાળકને થઈ શકે. પરંતુ, તે માટે શિક્ષકપણે ઘણી તૈયારી હોવી જરૂરી છે.
  6. આંતરસૂઝનો આધાર અધ્યયન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ પર રહેલો છે, તેથી શિક્ષણ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણને સ્થાન અપાવું જોઈએ.

02 November 2021

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે

 

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે



માનસિક વિકૃતિનો સહુથી ખતરનાક ચહેરો મર્ડર અને પછી આવે છે આપઘાત અને રેપ. આ બધું ટેન્શન, ડીપ્રેશન અને માનસિક વિકૃતિઓની ઉપજ છે. આજકાલ આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ મોટાભાગના આત્મહત્યાનું કારણ પણ માનસિક તાણ હોવાનું નજરે પડે છે. આજે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તાણ જન્મવાનું કારણ કેવું હશે ,તેમની મનોવ્યથા કેટલી દુઃખ કારક હશે? આ વિકૃતિઓનો જન્મ બાળપણ થી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આજના વર્કિંગ પેરેન્ટસના વ્યસ્ત જીવનમાં બાળકોને અપાતો સમય ઓછો થતો જાય છે. આવા સમયમાં બાળકો પોતાના વિચારોમાં કેદ થતા જાય છે અને આ ગુંગણામણ અને એકલતા તેમના મગજમાં વિકૃતિઓને અને ડીપ્રેશનને જન્મ આપે છે.

હાલ NBC ( એન બી સી )ન્યુઝ ચેનલમાં ન્યુઝ સાંભળતાં મનમાં એક ઊંડી ટીસ ઉભરી આવી, કેલીફોર્નીયાના સેન હોઝેમાં રહેતા ૫૯ વર્ષના મૂળ બાંગ્લાદેશી ગોલામ રાબી અને તેમના ૫૭ વર્ષના વાઈફ સમીમાં રાબીનું ગન શોટ દ્વારા મર્ડર થયું. અને તે પણ તેમના જ બે પુત્રો દ્વારા, જેમાં એક ૧૭ વર્ષનો અને બીજો ૨૨ વર્ષનો હસીબ બિન ગોલાર્બી બંનેએ ભેગા મળીને આ અધમ કૃત્ય કર્યું હતું. તેઓ પોતે બાંગ્લાદેશ થી ત્રીસ વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હતા. કેટલીય મહેનતથી પોતાનું ઘર વસાવીને બાળકોને સારી લાઈફ આપવા પ્રયત્નશીલ રહ્યા હતા.

તેમના કુટુંબીજનો નું કહેવું હતું કે તેઓને આજ કપલે અહી અમેરિકા બોલાવીને રહેવાની અને કામ માટે મદદ કરી હતી. તેમને ઓળખતા મિત્રો અને સગાવહાલાનું કહેવું છે કે કદી આ પેરેન્ટ્સને તેમના બંને દીકરાઓ સાથે લડતાં ઝગડતાં નથી જોયા. હંમેશા દીકરાઓ પણ તેમના પેરેન્ટ્સ સાથે પ્રેમથી વર્તતા હતા.

તો પછી આમ થવાનું શું કારણ હશે? હજુ આ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી . વધારે આશ્ચર્ય અને દુઃખ ત્યારે થયું કે પોલીસની કસ્ટડી દરમિયાન મોટા દીકરાએ સાવ ઠંડે કલેજે શાંતિથી જવાબ આપ્યો ” સોરી માય ફસ્ટ કિલ વોઝ ક્લ્મ્ઝી ” તેના ચહેરા ઉપટ ગીલ્ટનું નામોનિશાન જોવા મળ્યું નહોતું .

૨૨ અને ૧૭ વર્ષના બે બાળકોને પ્રેમાળ માતા પિતા તરફ એવો તે કેવો ગુસ્સો કે નફરત થયા હશે કે આટલા હીન શબ્દો તેમના ખૂન કર્યા પછી બોલી રહ્યા છે. આ માનસિક વિકૃતિ સિવાય બીજું શું હોઈ શકે ?

ક્યારેક લાગે છે કે માત્ર બાળકોને લકઝરીયસ લાઈફ આપવાથી કે ઉચ્ચ શિક્ષણ આપવાથી પેરેન્ટ્સનું કામ પૂરું નથી થઇ જતું. બાળકોને તેમના બચપણથી લઇ યુવાની સુધી પુરતો સમય આપવો અત્યંત જરૂરી બની રહે છે. તેમની બાળ હઠને જાણવા સમજવાની પણ બહુ જરૂરી છે. કેટલીક વખત શિસ્તના નામે તેમની સાથે થતી સખતાઈ પણ માનસિક વિકૃતિઓને જન્મ આપે છે. અને તેના વિપરીત પરિણામે બાળક જડ અને લાગણીવિહીન બનતો જાય છે.

એક સર્વે મુજબ અમેરિકમાં ૯.૫ ટકા લોકો ડીપ્રેશન થી પીડાય છે જેમાં ૪૦ મિલિયન પીપલ જે ૧૮ થી મોટી ઉંમરના લોકોમાં એન્કઝાઈટી ડીસઓર્ડર નામની માનસિક બીમારીનો ભોગ બનેલા જાણવા મળ્યું છે. આ બીમારી ૧૦ થી ૨૫ ટકા વુમન અને ૫ થી ૧૨ ટકા મેન માં જોવા મળી છે. આ બીમારી ઉંમર સાથે વધતી જાય છે.

આજે અમેરિકામાં ૪ % ટકા લોકો આપઘાત કરે છે અને આપઘાત કરનાર ૬0% લોકો ડિપ્રેસન અથવા અન્ય મૂડ ડિસઓર્ડરથી પીડાતા હોવાનું અનુમાન કરાય છે. આમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા નોધપાત્ર હોય છે. આ અવસ્થામાં બાળક ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. તેમના વધતો જતો અભ્યાસક્ર સાથે એક્સ્ટ્રા એક્ટીવીટીનો બેવડો બોજ તેના ઉપર પડે છે ,ત્યારે થાક અને તાણ અને એકલતા તેમને અવળે માર્ગે દોરે છે. આ બધાનું મૂળ કારણ આપણી હંમેશા પ્રથમ રહેવાની અભિલાષા. જેના પરિણામે બાળકો ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.

મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન દર્દીની વર્તણૂક અને માનસિક સ્થિતિ કસોટીને આધારે થાય છે. આ બિમારી વધારે કરીને સમય 20થી 30 વર્ષની વચ્ચેની ઉંમરનો છે, આગળ જતા તેમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ . આ મોટાભાગે જન્મજાત કે ભૂતકાળ નાં કડવા અનુભવોને આધારે ઉદ્ભવે છે. દર્દીઓને એન્ટીડિપ્રેસન્ટ ની દવાઓ આપી સારવાર કરવામાં આવે છે. આ પ્રકારનું ડીપ્રેશન ભોગવતા દર્દીઓ કાયમ શંકાનો ભોગ બનતા હોય છે જે છેક આપઘાતનું કારણ પણ બની જાય છે .

કોઈ પણ પ્રકારના ડીપ્રેશન થી દૂર રહેવા માટે મેડીટેશન,યોગા,કસરત અને ગમતી રૂચી પ્રમાણેની એક્ટીવીટી રામબાણ ઉપાય છે. સારી ક્વોલીટી ઘરાવતા પુસ્તકો દવા કરતા પણ વધુ અસરકારક પુરવાર થયા છે. આજના આધુનિક જમાનામાં જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે.

રેખા વિનોદ પટેલ (યુએસએ)

01 November 2021

માર્ગારેટ મીડ

માર્ગારેટ  મીડ


મીડ, માર્ગારેટ (જ. 16 ડિસેમ્બર 1901, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા; અ. 15 નવેમ્બર 1978, ન્યૂયૉર્ક સિટી) : વિશ્વવિખ્યાત અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક અને ચર્ચાસ્પદ રહ્યું છે. તેઓ વર્ષો સુધી અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં એથ્નૉલૉજીના ઍસોસિયેટ ક્યુરેટર અને કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનાં અધ્યાપક રહ્યાં હતાં. તેમણે 1929માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

દક્ષિણ પૅસિફિક ટાપુઓ, ન્યૂ ગિની અને બાલી પ્રદેશોમાં ક્ષેત્રકાર્ય દ્વારા સામાજિકીકરણ અને સંસ્કૃતિ અંગેનાં તેમનાં સંશોધનોએ માનવશાસ્ત્રમાં નવી ભાત અને પરંપરાઓ સર્જી છે. જૈવિક, કુદરતી કે વારસાગત વાતાવરણ કરતાં સંસ્કૃતિની ભૂમિકા અને અસરકારકતા વ્યક્તિના ઉછેર અને વર્તનમાં મહત્વની છે એવી રજૂઆત મીડના આદિમ જાતિઓના સંશોધનમાં કેન્દ્રવર્તી રહી છે. સમાજોના તુલનાત્મક અભ્યાસોમાં માનસશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પરિબળોને વિશેષ ધ્યાનમાં લેવાં જોઈએ તે મુદ્દો તેમનાં લખાણોમાં સ્પષ્ટ થાય છે.


મીડના મહત્વના અભ્યાસોમાં Coming of Age in Samoa (1928), Growing Up in New Guinea (1930) અને Set and Temperament in Three Primitive Societies (1935)નો સમાવેશ થાય છે. આ અભ્યાસોમાં કુદરત કરતાં ઉછેર (nurture over nature) વધુ પ્રસ્તુત અને બળવત્તર છે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. મીડનાં માનવશાસ્ત્રીય લખાણોએ નારીવાદને એક નવી ઔદ્યોગિક દિશા આપી છે. તેમના Male and Female (1949) પુસ્તકમાં નીતિમત્તાના રાજકારણના વિકાસના મુદ્દાને છેડીને નવતર નારીવાદી ર્દષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. આદિમ સમાજો ખાસ કરીને પશ્ચિમના (પ્રૉટેસ્ટંટ) સમાજો કરતાં નીતિમત્તાની બાબતમાં કેવા ઉદાર અને સહિષ્ણુ છે તે માર્ગારેટ મીડે પોતાના અભ્યાસોમાં દર્શાવ્યું છે. પેઢીઓ વચ્ચેના સંઘર્ષનો અભ્યાસ Culture and Commitment (1970) પુસ્તકમાં રજૂ કર્યો છે. વીસમી સદીમાં જાતિ(race)નાં સમાજવિજ્ઞાનોની ચર્ચામાં મીડનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. માનવશાસ્ત્રીય અભ્યાસોના સંદર્ભમાં તેઓ ચર્ચાસ્પદ રહ્યાં છે. ખાસ કરીને આદિવાસીઓના ક્ષેત્રકાર્ય પર આધારિત અભ્યાસોની પદ્ધતિ અને તારણો અંગે તેમની સતત ટીકા થતી રહી છે. તેઓ રૂથ બેન્ડિક્ટનાં વિદ્યાર્થી તરીકે, નીતિમત્તા તેમજ સંસ્કૃતિની નિર્ણાયક ભૂમિકાના અભ્યાસોના સંદર્ભમાં વીસમી સદીના મહત્વના સામાજિક વૈજ્ઞાનિકોમાં સ્થાન પામ્યાં છે. 19 જાન્યુઆરી, 1979ના રોજ પ્રેસિડન્ટ જિમી કાર્ટરે પ્રેસિડેન્સિયલ મેડલ ઑવ્ ફ્રિડમનો ઍવૉર્ડ જાહેર કર્યો જે મરણોત્તર ઍવૉર્ડ હતો. 1970માં તેમને કલિંગ પ્રાઈઝથા સન્માનિત થયા હતા.

ગૌરાંગ જાની

25 October 2021

સામાજિકીકરણ (Socialization) :

સામાજિકીકરણ (Socialization) :

સામાજિકીકરણ (Socialization) : વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા. માનવ-બાળક જન્મ સમયે માત્ર જૈવિક અસ્તિત્વ ધરાવતું હોય છે; અર્થાત્, પ્રાણી-બાળ જેવું જ હોય છે. ત્યારપછી તેને સમાજનાં પ્રચલિત ધોરણો, મૂલ્યો, સામાજિક સંબંધોની વિવિધ ઢબો શીખવવામાં આવે છે. આ શિક્ષણ આપતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. દરેક સમાજ તેનાં નવાં જન્મેલાં બાળકોને નિશ્ચિત ઢબે અને આગવાં સાધનોની મદદથી સમાજમાં જીવવાની તાલીમ આપે છે, જેથી એ વ્યક્તિ પોતાના સમાજને લક્ષમાં રાખીને પોતાનું વ્યક્તિત્વ વિકસાવી શકે. આમ, આ પ્રક્રિયા જૈવિક (biological) વારસો અને પ્રાણીજન્ય જરૂરિયાત સાથે જન્મતા નવજાત શિશુને સામાજિક અસ્તિત્વ પ્રદાન કરે છે. આથી સામાજિકીકરણને જૈવિક વ્યક્તિનું માનવીકરણ (Humanization) કરતી પ્રક્રિયા પણ કહે છે. એક તરફ આ પ્રક્રિયા બાળકને તેના પોતાના ‘સ્વ’થી સભાન કરે છે, તેનું એક સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરે છે અને તેના વ્યક્તિત્વને સામાજિક આકાર અને વળાંક આપે છે તો બીજી તરફ સામાજિકીકરણની આ સમગ્ર પ્રક્રિયા જે તે સમાજ અને સંસ્કૃતિનાં પ્રવર્તમાન ધોરણો, મૂલ્યો અને અપેક્ષાઓ મુજબ થાય છે. આથી સમાજ અને સંસ્કૃતિનું અસ્તિત્વ અને સાતત્ય ટકી રહે છે. આ રીતે આ પ્રક્રિયા વ્યક્તિ અને સમાજ બંને માટે મહત્વની છે.

સામાજિકીકરણની પ્રક્રિયા પ્રત્યેક સમાજમાં પ્રત્યેક સમયે અપવાદ વગર જોવા મળે છે. તેમાં સામાજિક આંતરક્રિયાને આનુષંગિક વિવિધ પ્રક્રિયાઓ (સહકાર, સંઘર્ષ, સ્પર્ધા, સમન્વય, દભાણ વગેરે) ગૂંથાયેલી હોય છે, જે વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે તે સમાજનાં ધોરણો, મૂલ્યો અને ધ્યેયો શીખવે છે. આમ કરતાં વ્યક્તિ વિકસે છે; પરંતુ સમગ્ર પ્રક્રિયા સમાજલક્ષી છે. તેમાં સામાજિકીકરણ કરનાર (શીખવનાર) અને જેનું સામાજિકીકરણ થાય છે (શીખનાર) તે બંને પક્ષો સક્રિય રહે છે. વળી, આ પ્રક્રિયા વ્યક્તિના જન્મથી શરૂ કરી મૃત્યુપર્યંત ચાલે છે. સામાજિકીકરણની આ વિશેષતાઓ જ માનવજીવનને અન્ય પ્રાણીઓ કરતાં જુદું અને વિશિષ્ટ બનાવે છે.

માનવીમાં માનવીય ગુણોના વિકાસ માટે સામાજિકીકરણ અનિવાર્ય અને અવિચ્છેદનીય પ્રક્રિયા છે; પરંતુ આ પ્રક્રિયા માટે પણ માનવને મળતો વિશિષ્ટ જૈવિક વારસો, માનવ-સમાજનું અસ્તિત્વ અને વ્યક્તિનો માનવ-સ્વભાવ હોવો એ પૂર્વશરત છે. આ મુદ્દાનું થોડું વિવરણ અત્રે પ્રસ્તુત છે.

વિશિષ્ટ જૈવિક વારસો એ સામાજિકીકરણનો પાયો છે. ભૂખ, તરસ, ઊંઘ, જાતીય સંતોષ વગેરે સહજવૃત્તિ જીવમાત્રમાં હોય છે; પરંતુ માનવીમાં નરી સહજવૃત્તિ જ નથી હોતી; વળી લાંબું પરાવલંબી બાળપણ, આંતરક્રિયાની જરૂરિયાત, ભાષા, અભિવ્યક્તિ અને અન્ય પ્રાણીઓની તુલનામાં શીખવાની અનન્ય શક્તિ વગેરે જેવી જૈવિક વિશેષતા એ માનવને જન્મથી જ જૈવિક વારસા સ્વરૂપે મળે છે. આ વારસો જૈવિક માનવનું સામાજિકીકરણ શક્ય બનાવે છે; પરંતુ માનવીની જૈવિક પ્રકૃતિનું માનવસ્વભાવમાં રૂપાંતર કરવાનું કાર્ય માનવસમાજ અને સંસ્કૃતિના સંપર્કથી જ શક્ય બને છે. આથી સામાજિકીકરણ માટે માનવસમાજનું અસ્તિત્વ અને તેની સાથે સતત સંપર્ક અને સાતત્યપૂર્ણ આંતરક્રિયા જરૂરી છે. માનવ-બાળકને માનવસમાજથી અલિપ્ત રાખીને તેનું કેવું ઘડતર થાય છે તે તપાસવા માટેના પ્રયોગો ન કરી શકાય. અલબત્ત, અનાયાસે અને આકસ્મિક રીતે અમલા અને કમલા (વરુ બાળકો), અન્ના અને ઈઝાબેલા, કાસ્પર-હાઉસર જેવા કિસ્સાઓ મળી આવ્યા છે. એ સામાજિકીકરણ માટે સમાજના અસ્તિત્વની જરૂરિયાતને સ્પષ્ટ કરે છે. આ સિવાય વ્યક્તિનો માનવ-સ્વભાવ હોય એ પણ સામાજિકીકરણની મહત્વની પૂર્વશરત બની રહે છે; અર્થાત્, માનવ-બાળક નરી પશુવૃત્તિ ધરાવતું હોય કે ગાંડું હોય તોપણ માનવનું સામાજિકીકરણ શક્ય ન બને.

અલબત્ત, માનવ-સ્વભાવ જૈવિક વારસામાં ન મળે; છતાં સામાજિકીકરણ કરનારાઓની લાગણીની/ભાવની અભિવ્યક્તિને ઝીલી શકે એવો માનવ-સ્વભાવ હોય એ અપેક્ષિત છે.

વ્યક્તિના સામાજિકીકરણની આ પ્રક્રિયા પરોક્ષ રીતે ગર્ભાધાનથી શરૂ થાય છે; પણ પ્રત્યક્ષ રીતે જન્મ પછીથી શરૂ થઈને મૃત્યુપર્યંત ચાલે છે. સામાજિકીકરણ માટે બાળપણ અને યૌવનકાળ વધારે મહત્વનો બને છે, આથી તેને આધારે સામાજિકીકરણના તબક્કાઓ સૂચવવામાં આવે છે. વાસ્તવમાં આ પ્રક્રિયા અખંડિત અને અસ્ખલિત છે. તેની પાછળ કેટલાક સામાજિક ઉદ્દેશો છે; જેમ કે, નર્યો જૈવિક વારસો લઈને જન્મેલા બાળક્ધો મૂળભૂત શિસ્ત અને સંયમ શીખવવાં, તેનામાં સમાજમાન્ય મહત્ત્વાકાંક્ષા અને આદર્શો આરોપિત કરવા તેને યથાર્થ સામાજિક ભૂમિકા અને વિવિધ કૌશલ્યો શીખવવાં વગેરે.

માનવ-બાળકનું સામાજિકીકરણ કરવામાં અનેક વ્યક્તિઓ, નિકટવર્તી તેમજ દૂરવર્તી જૂથો તેમજ સાધનોનો ફાળો હોય છે. સામાજિકીકરણ માટે કુટુંબ, સમકક્ષ જૂથો કે મિત્રો, શાળા અને સંચાર-માધ્યમો મહત્વનાં છે. તેને સામાજિકીકરણનાં ઉપકરણો કે એજન્ટો કહેવામાં આવે છે.

કુટુંબ વ્યક્તિને સમાજનાં મૂલ્યો, ધોરણો, વ્યવહારો તેમજ ભાષા શીખવે છે. કુટુંબ બાળકને સત્તાના સંબંધો તેમજ સમાનતાના સંબંધો – એ રીતે બંને પ્રકારના સંબંધો પૂરા પાડે છે. કુટુંબને (nursery of human nature) માનવ-સ્વભાવની ઉછેરવાડી કહે છે. કુટુંબમાં દબાણ (repression) દ્વારા તેમજ ભાગીદારીપૂર્વકનું (partici- patory) -એમ બંને ઢબે સામાજિકીકરણ થાય છે. કુટુંબ બાળકનું સામાજિકીકરણ કરતાં કરતાં જૈવિક વૃત્તિનું નિયમન અને નિયંત્રણ, તેના વ્યક્તિત્વનો વિકાસ અને સમાજની સંસ્કૃતિનું હસ્તાંતરણ કરે છે. વળી બાળકનો સામાજિકીકરણનાં અન્ય એજન્ટો/ઉપકરણો સાથેનો સંપર્ક પણ તે કરાવે છે. આથી તેને વ્યક્તિના જીવનનું સૌથી પહેલું અને અત્યંત મહત્વનું ઉપકરણ કહેવામાં આવે છે.

સમવયસ્કો કે સમકક્ષ જૂથો (peer group) અર્થાત્, મિત્રો આકસ્મિક રીતે સામાજિકીકરણ કરે છે; છતાં મિત્રો વ્યક્તિને કે મિત્રને સામાજિક જીવનની તાલીમ સહજ રીતે અને ધોરણ-પાલનના ભાર વગર આપે છે. સમવયસ્કો ખેલદિલી, ઉદારતા અને સ્વયંશિસ્ત જેવા ગુણો રમતાં રમતાં જ શીખવી દે છે. મિત્રો/સમવયસ્કો વ્યક્તિને માતા-પિતા કરતાં પણ વધારે સ્થિર ‘મૉડલ’ પૂરું પાડે છે. આથી વડીલોનો ડર ઘટે છે અને વ્યક્તિ પોતાના ભાવો/લાગણીની અભિવ્યક્તિ યોગ્ય રીતે કરી શકે છે.

જ્યાં મિત્રો સૌથી વધારે થઈ શકે એવી શક્યતા છે એ શાળા માનવ-બાળકનું આયોજનપૂર્વક સામાજિકીકરણ કરે છે. શાળામાં સામાજિકીકરણ કરવામાં શિક્ષકોનો ફાળો સવિશેષ હોય છે.

સાંપ્રત સમયમાં સંચાર-માધ્યમો પણ સામાજિકીકરણનું મહત્વનું ઉપકરણ (એજન્ટ) છે. તે લેખિત, શ્રાવ્ય અને દૃશ્ય-શ્રાવ્ય એમ ત્રણ સ્વરૂપનાં હોય છે. સાંપ્રત સમયમાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમનું મહત્વ વધ્યું છે. આ અવૈયક્તિક સાધન છે. તેમાં રજૂ થતા વિચારો અને મૂલ્યોને લગતા કાર્યક્રમોની પસંદગી યોગ્ય ઢબે થાય તો તે સામાજિકીકરણના અસરકારક માધ્યમ તરીકે પ્રસ્થાપિત થઈ શકે.

ટૂંકમાં, વ્યક્તિના સામાજિકીકરણમાં અનેક ઉપકરણોનો ફાળો છે; પણ કુટુંબ સૌથી પહેલું અને મહત્વનું ઉપકરણ છે. તેની સરખામણી અન્ય કોઈ ઉપકરણ સાથે થઈ ન શકે; છતાં પ્રત્યેક વિકસિત સમાજ સામાજિકીકરણ માટે કેળવણીની જુદી જુદી ઢબો રચે છે, વળી ધર્મ અને રાજ્ય પણ સામાજિકીકરણ કરે છે.

અંતે કહી શકાય કે સામાજિકીકરણ એ જન્મસમયે માત્ર શારીરિક અસ્તિત્વ ધરાવતા માનવ-બાળને પોતાના સ્વ અને સ્વતંત્ર અસ્તિત્વનો ખ્યાલ આપતી; તેનામાં સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યો અને ધોરણો તેમજ સામાજિક માનવ તરીકેના ગુણો આરોપિત કરતી, બાળકોને ભાવિ સામાજિક ભૂમિકા માટે તૈયાર કરતી અને તેને સામાજિક ક્ષમતા બક્ષતી મહત્વની પ્રક્રિયા છે; જે વય વધવા સાથે કુટુંબના સભ્યો, સમવયસ્કો, શાળા અને સંચાર-માધ્યમો દ્વારા શક્ય બને છે. બાળપણથી જ સામાજિક વાતાવરણથી અલિપ્ત વ્યક્તિ સામાજિક બની શકતી નથી. વ્યક્તિને સમાજથી અલિપ્ત રાખવાના પ્રયોગો થઈ ન શકે, પણ મળી આવેલા કેટલાક કિસ્સાઓએ સામાજિકીકરણના મહત્વને પુરવાર કર્યું છે. ટૂંકમાં, સામાજિકીકરણ જૈવિક વ્યક્તિને સામાજિક બનાવી તેના વ્યક્તિત્વનો વિકાસ કરે છે, સંસ્કૃતિનું સંવહન કરી સમાજ અને સંસ્કૃતિનું સાતત્ય ટકાવે છે અને સમાજને સભાનતા-સભર સભ્યો પૂરા પાડે છે. આમ, આ પ્રક્રિયા વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ – એમ ત્રણેયને ટકાવતી અને ત્રણેયનો સમન્વય કરતી અત્યંત મહત્વની પ્રક્રિયા છે.

નલિની કિશોર ત્રિવેદી
માનવશાસ્ત્ર (anthropology)
અધ્યયનપદ્ધતિ

પ્રારંભિક કાળમાં માનવશાસ્ત્રીઓ, પ્રવાસીઓ, પાદરીઓ, વહીવટદારો વગેરે દ્વારા કૂતૂહલવશ ભેગી કરાયેલી વર્ણનાત્મક તથા અતિશયોક્તિભરી કે અંગત માન્યતાઓના ઘેરા રંગે રંગાયેલી માહિતી પર આધાર રખાતો અને તેને ભેગી કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ ન હતી. આ પછી 19મી સદીના મધ્યભાગમાં અમેરિકામાં સૌપ્રથમ મૉર્ગને (1870) પ્રશ્નાવલી દ્વારા ક્ષેત્રીય વ્યવસ્થિત માહિતી ભેગી કરી. જેમ્સ ફ્રેઝરે ‘ગોલ્ડન બો’ પુસ્તકમાં નિરીક્ષણને મહત્વ આપ્યું. ત્યારબાદ યુનિવર્સિટી કક્ષાએ વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો પ્રયત્ન ફ્રાન્સ બોઆસ દ્વારા 1896માં અને તેમના વિદ્યાર્થીઓ એલ. એ. ક્રોબર, રૂથ બેનેડિક્ટ, માર્ગરેટ મીડ દ્વારા અને યુરોપમાં બ્રિટિશ માનવશાસ્ત્રીઓમાં હેડન (1898, 99) દ્વારા થયો અને તે પછી તેમના વિદ્યાર્થી રેડક્લિફ બ્રાઉને 1906થી 1908 દરમિયાન આંદામાન આઇલૅન્ડર્સનો અભ્યાસ આપ્યો. આ પછી હૉબહાઉસ, રિવર્સ અને રોલિંગમૅનના અભ્યાસો ઉપરાંત તેમના વિદ્યાર્થી મેલિનૉવ્સ્કીએ 1914–18 સુધી ટ્રોબ્રિયાન્ડ ટાપુઓના લોકો સાથે સૌથી લાંબો સમય સાથે રહી, તેમની બોલી શીખીને પ્રત્યક્ષ જાતતપાસ કરી ઊંડાણભર્યું ક્ષેત્રકાર્ય કર્યું. ત્યારબાદ ક્ષેત્રકાર્ય પર આધારિત વૈજ્ઞાનિક અભ્યાસો બહાર આવ્યા, જેમાં ઇવાન્સ પ્રિચાર્ડે કરેલ સુદાનની એઝેન્ડે અને ન્યુયર જાતિઓ, મેયર ફૉર્ટિસે કરેલ પશ્ચિમ આફ્રિકાની અશાંત જાતિઓનો તેમજ ઓસ્ટ્રેલિયાની જાતિઓ વિશે એસ. એફ. નડેલે કરેલા અભ્યાસ ખાસ ઉલ્લેખનીય છે. આ સમયે બ્રિટનની રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ સોસાયટી દ્વારા ‘નોટ્સ્ ઍન્ડ ક્વેરિઝ ઑન ઍન્થ્રોપૉલોજી’ (1874) પુસ્તક આ પ્રકારના સંશોધન માટે માર્ગદર્શિકારૂપે પ્રગટ થયું. આથી માનવશાસ્ત્રીય અભ્યાસોમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય આવશ્યક બન્યું. સંશોધક અભ્યાસના સમુદાયનો ઊંડાણભર્યો, સર્વાંગીણ અભ્યાસ કરે તે માટે તથા સ્થાનિક સમુદાયનો આત્મવિશ્વાસ–મૈત્રી પ્રાપ્ત કરે તે હેતુથી સહભાગી અવલોકનપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો અને સમુદાયના જીવનના વાર્ષિક ચક્રની તથા પ્રાસંગિક બનાવોની પૂરતી માહિતી પ્રાપ્ત થઈ શકે તે હેતુથી સંશોધક ઓછામાં ઓછો 12થી 18 માસ જેટલું અભ્યાસના સમુદાય વચ્ચે સહનિવાસ કરે, તેમની ભાષા-બોલી શીખી લે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું. આ અધ્યયન અંગે ત્રણ પદ્ધતિઓ પ્રચારમાં આવી :

(1) ઐતિહાસિક પદ્ધતિ : માનવજીવન શરૂ થયું ત્યારથી તેણે સાધેલાં સાંસ્કૃતિક સ્વરૂપોને સમજવા ભૂતકાળની વિગતોને તપાસવા ઐતિહાસિક પદ્ધતિ(historical method)નો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ઑગુસ્ત કૉમ્તે, હબર્ટ સ્પેન્સરે, હૉબહાઉસે અને વેસ્ટર્ન માકર્સે History of Human Marriage(1926)માં કર્યો. એલ. એ. ક્રોબરે પણ માનવશાસ્ત્રમાં તેની અગત્ય દર્શાવી છે. સમાજ કે સંસ્કૃતિમાં વિકસેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, તંત્રો, પ્રથાઓ કેવી રીતે વિકસ્યાં તથા પરિવર્તન પામ્યાં તેમનો ક્રમિક વિકાસ સમજવા માટે તથા તે સંબંધી નિયમો તારવવા માટે આ પદ્ધતિ ઉપયોગી બની છે.

(2) તુલનાત્મક પદ્ધતિ (comparative method) : વિવિધ આદિમ સમુદાયો, સંસ્થાઓ અને સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરી સમગ્ર (total) માનવસમાજ અને સંસ્કૃતિઓની સામાન્ય વિશેષતાઓને આ પદ્ધતિ દ્વારા તારવવાનો પ્રયત્ન થાય છે. સૌપ્રથમ ફ્રેન્ચ સામાજિક માનવશાસ્ત્રી એમિલ દર્ખેમે આ પદ્ધતિનો ઉલ્લેખ કર્યો. રેડક્લિફ બ્રાઉને સ્પષ્ટ કર્યું કે તુલનાત્મક અધ્યયન એટલે વિવિધ સમાજોની સંસ્થાઓ, તંત્રોની તુલના, પણ મુશ્કેલ કાર્ય છે. વાસ્તવમાં સાંસ્કૃતિક તત્વો અથવા સાંસ્કૃતિક ક્ષેત્રો(culture areas)ને માપદંડ માનીને વિભિન્ન તત્વો કે વિસ્તારો–વિગતોની તુલના કરી તેના આધારે સામાન્ય પરિણામો તારવવાં જોઈએ. ફ્રાન્સ બોઆસે (1896) સમગ્ર વિશ્વને વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિભાજિત કરીને તુલનાત્મક અધ્યયન કરવા સૂચવ્યું છે. પરંતુ આ વધુ વ્યાપક ક્ષેત્ર હોઈ મોટેભાગે સમુદાય કે સંસ્કૃતિનાં વિવિધ તથ્યો કે પાસાં લઈને તેનું તુલનાત્મક અધ્યયન કરવાનું વધુ સુગમ પડવાથી તે અભિગમનો વધુ સ્વીકાર થયો.

(3) તંત્રકાર્ય પદ્ધતિ (functional method) : સંશોધનક્ષેત્રમાં માનવશાસ્ત્રમાં આજે આ પદ્ધતિનું વધુ પ્રચલન કે મહત્વ છે. સાંસ્કૃતિક તત્વોનું અલગ અલગ અધ્યયન કરવાને બદલે સમગ્ર (total) સંસ્કૃતિના અધ્યયન પર ભાર મૂકવામાં આવે છે. સમાજના પ્રત્યેક સાંસ્કૃતિક તત્ત્વનું કોઈ ને કોઈ પ્રકારનું સામાજિક કાર્ય હોય છે. તેથી સમાજમાં વિવિધ સંસ્થાઓ, રિવાજો, પ્રથાઓ, માન્યતાઓ વગેરે વિવિધ સાંસ્કૃતિક તત્વોના અધ્યયન દ્વારા તેમાં રહેલાં કાર્યોનું વિશ્લેષણાત્મક અધ્યયન કરવા પર ભાર મુકાય છે. આ પદ્ધતિનું માળખું પ્રથમ મેલિનૉવ્સ્કીએ 1944માં આપ્યું. અને રેડક્લિફ બ્રાઉન, ઇવાન્સ પ્રિચાર્ડ અને લૉવી સ્ટ્રૉસે તેને પરિમાર્જિત કર્યું. સંસ્કૃતિના ઘટકો સમગ્ર સંરચના સાથે સંબંધિત હોય છે. સંશોધકે આ સંબંધ કેવો છે તે શોધી તેની ક્રિયાશીલતાનું પ્રેરક તત્વ શું છે તેને સ્પષ્ટ કરવું જોઈએ. સંસ્કૃતિનાં બધાં તત્ત્વો કુટુંબ, લગ્ન, ધર્મ, રીતરિવાજો, પ્રથાઓ વગેરે પરસ્પર એકબીજાં સાથે સંકળાયેલાં છે અને દરેકનું કોઈ ને કોઈ કાર્ય (social function) છે; તેની ઉપયોગિતા છે. આમ સંસ્કૃતિ કે સમાજનાં ભિન્ન ભિન્ન પાસાંઓમાં રહેલા કાર્યસાધક (functional) સંબંધોને શોધી તેનું સમગ્ર સાંસ્કૃતિક વ્યવસ્થામાં શું કાર્ય છે તે શોધવાનો, તથા તેની ભિન્નતાનું સ્વરૂપ કેવું છે તે સ્પષ્ટ કરી તે અંગેના સામાન્ય નિયમો શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

અરવિંદ ભટ્ટ

માનવશાસ્ત્ર (anthropology) પેટાશાખાઓ

માનવશાસ્ત્ર (anthropology)
પેટાશાખાઓ
માનવશાસ્ત્ર માનવીનો સર્વાંગીણ અભ્યાસ કરતું શાસ્ત્ર હોઈ તેનું અભ્યાસક્ષેત્ર ઘણું વિસ્તૃત છે. 20મી સદીમાં બીજા વિશ્વયુદ્ધ પછી તેની પેટાશાખાઓ દ્વારા વિશેષીકરણ શરૂ થયું. આજે તેણે ભૌતિક વિજ્ઞાનો તથા સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ વિકસાવી માનવ, તેનાં કાર્યો તથા સમસ્યાના સંદર્ભમાં વિવિધ પેટાવિજ્ઞાનો વિકસાવ્યાં છે. જીવવિજ્ઞાનના સાથ દ્વારા ‘શારીરિક માનવવિજ્ઞાન’, ગણિતના સાથ દ્વારા ‘મેથેમૅટિકલ ઍન્થ્રોપૉલોજી’, ભૂગોળના સાથ દ્વારા ‘ઈકોલૉજિકલ ઍન્થ્રોપૉલોજી’, પુરાતત્વના સાથથી ‘આર્કિયોલૉજિકલ ઍન્થ્રોપૉલોજી’, ભાષાશાસ્ત્રના સાથથી ‘લિંગ્વિસ્ટિક ઍન્થ્રોપૉલોજી’, અર્થશાસ્ત્રના સાથથી ‘ઈકોનૉમિકલ ઍન્થ્રોપૉલોજી’, સમાજશાસ્ત્રના સાથથી ‘સોશ્યલ ઍન્થ્રોપૉલોજી’, શિક્ષણશાસ્ત્રના સાથથી ‘એજ્યુકેશનલ ઍન્થ્રોપૉલોજી’, રાજ્યશાસ્ત્રના સાથથી ‘પોલિટિકલ ઍન્થ્રોપૉલોજી’ જેવાં આગવાં પેટાશાસ્ત્રો કે શાખાઓ વિકસાવી છે. તે ઉપરાંત માનવજીવનનાં પાસાંઓને સમજવા માટે ‘રુરલ ઍન્થ્રોપૉલોજી’, ‘અર્બન ઍન્થ્રોપૉલોજી’, ‘મરીન ઍન્થ્રોપૉલોજી’, ‘ઇન્ડસ્ટ્રિયલ ઍન્થ્રોપૉલોજી’, ‘વિમેન ઍન્થ્રોપૉલોજી’, ‘એજિંગ ઍન્થ્રોપૉલોજી’, ‘મેડિસિન ઍન્થ્રોપૉલોજી’, ‘ઍન્થ્રોપૉલોજી ઑવ્ ડેવલપમેન્ટ’, ‘એપ્લાઇડ ઍન્થ્રોપૉલોજી’ ‘સ્પિરિચ્યુઅલ ઍન્થ્રોપૉલોજી’ વગેરે જેવી આગવી પેટા વિજ્ઞાન-શાખાઓ પણ તેણે વિકસાવી છે. અહીં તેની મુખ્ય શાખાઓ વિશે વિચાર કરીશું.


શારીરિક માનવશાસ્ત્ર : આ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને તેનાં પેટાવિજ્ઞાનો માનવસ્વરૂપશાસ્ત્ર (human morphology), માનવ-ઉત્પત્તિશાસ્ત્ર (human genetics), માનવમિતિશાસ્ત્ર (anthropometery), રક્તવિજ્ઞાન (serology) વગેરેની મદદ લઈને માનવીનું ‘એક જૈવકીય પ્રાણી’ તરીકે તેની ઉત્પત્તિ, શારીરિક અવયવોનું બંધારણ, ઘાટ, લંબાઈ-પહોળાઈ, રંગ-રૂપ, પ્રકૃતિ તથા તેની વિભિન્નતાઓનું અધ્યયન કરે છે. સસ્તન પ્રાણીઓ, વાનર, એપ વાનર, આદિમાનવ, મેધાવી માનવથી આધુનિક માનવશરીર, તેનાં લક્ષણો, પ્રજાતિજૂથો અને તેનું વર્ગીકરણ વગેરેને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં રક્તવિજ્ઞાનનો ઉપયોગ આજે મહત્વનો બન્યો છે. મનુષ્ય અંદાજે પાંચ કરોડ વર્ષો પહેલાં સૃષ્ટિમાં આવ્યો હશે. તે વાંદરામાંથી ઊતરી આવ્યો નથી, તથા ઉચ્ચ કોટિના ગોરીલા, ચિમ્પાન્ઝીની જાતનો પણ નથી તે વાત આ વિજ્ઞાને સ્પષ્ટ કરી છે. માનવ તેના શારીરિક બંધારણ અને મગજના વિકાસને લીધે પશુજગતથી જુદો પડ્યો છે તથા બુદ્ધિ તથા હાથનો ઉપયોગ કરી તેણે સાધનો અને સંસ્કૃતિનું સર્જન કર્યું છે. માનવશરીરની શારીરિક ભિન્નતાઓ છતાં માનવજીવન એકસરખું છે તથા જાતિજૂથોના ભેદો અને ભ્રમોને દૂર કરવામાં આ વિજ્ઞાને ઘણો મોટો ફાળો આપ્યો છે. માનવશરીરના વિકાસમાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે. તથા માનવે અનેક કારણોસર ઘણાં સ્થળાંતરો કર્યાં છે, તેથી આંતરપ્રજનન અને સંમિશ્રણ ઘણું થયું છે. પરિણામે માનવશરીરનાં લક્ષણોમાં ભેળસેળ થયેલી છે. તેથી આજે કોઈ શુદ્ધ જાતિજૂથો જોવા મળતાં નથી. આધુનિક શારીરિક માનવશાસ્ત્ર આજે માત્ર શારીરિક રચનાની માહિતી પૂરતું મર્યાદિત ન રહેતાં તે વિશ્વનાં વિવિધ વસતીજૂથોના રચનાતંત્રને તથા તેની કાર્યવાહી, તેનાં ક્ષય અને વૃદ્ધિ, વિકાસગતિ (growth rate) વગેરે પણ સ્પર્શતું રહ્યું છે. વધુમાં અમેરિકન પ્રો. શેરવુડ વૉશબર્નના મત મુજબ તેને ‘નૂતન શારીરિક માનવશાસ્ત્ર’ (new physical anthropology) તરીકે ઓળખાવી તેના અભ્યાસમાં માનવઉત્પત્તિને કેન્દ્રમાં રાખી માનવજૂથોમાં ભૂતકાળ અને વર્તમાનમાં થતાં જનીનિક (genetic) રૂપાંતરો વિશે સંશોધનો કરવા પર ભાર મૂકવામાં આવે છે.

સાંસ્કૃતિક માનવશાસ્ત્ર : માનવે પોતાના જીવનને ચલાવવા માટે પોતાની બુદ્ધિ અને અંગોનો ઉપયોગ કરીને કોઈ ને કોઈ પ્રકારની એક વ્યવસ્થાનું સ્વરૂપ ઊભું કર્યું છે. આ સમગ્ર વ્યવસ્થાસ્વરૂપને ‘સંસ્કૃતિ’ કહેવામાં આવે છે. આ સંસ્કૃતિના સર્જનથી તે પશુસમાજથી જુદો પડ્યો છે. આ સંસ્કૃતિ માનવસમાજનો વારસો છે. પરંતુ તે શારીરિક અંગોની જેમ આનુવંશિક નથી. તે બુદ્ધિ તથા અંગોથી શીખી શકાય છે. આમ સંસ્કૃતિ માનવે શીખેલા વ્યવહારોનો સરવાળો કે સંકલન છે, જે તેનો વિશાળ અનુભવવારસો છે. તે માનવથી પર છે. માનવવ્યવહારોનું તે નિયંત્રણ કરે છે તથા માનવસમાજનું પોષણ કરે છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્ર માનવીની આ ‘સંસ્કૃતિ’નો અભ્યાસ કરે છે. તેથી કેટલાક તેને ‘સંસ્કૃતિશાસ્ત્ર’ (culturology) નામે પણ ઓળખાવે છે. આ સંસ્કૃતિનાં ભૌતિક અને અભૌતિક એમ બે પાસાં છે. ભૌતિક સંસ્કૃતિમાં સાધનો, વાસણો, વસવાટવ્યવસ્થા, આવાસરચના, પોશાક, શૃંગાર, હથિયારો વગેરેનું અધ્યયન થાય છે. જ્યારે અભૌતિક સંસ્કૃતિમાં ભાષા, કલા, સંગીત, નૃત્ય, વાદ્યો, રિવાજો, પ્રથાઓ, રૂઢિઓ, માન્યતાઓ, શ્રદ્ધાઓ તથા કુટુંબ, લગ્ન, સગાઈસંબંધ, કુળ, રાજ્ય, અર્થ, ધર્મસંસ્થાઓ, સામાજિક નિયમનવ્યવસ્થા, ખેતી, શિકાર, પશુ-પંખીપાલન અને તેનો ઉપયોગ કરવાની કલા, મચ્છીમારી, સિંચાઈ, વેપાર, વિનિમયવ્યવસ્થા, નાણાવ્યવસ્થા, સંપત્તિની માલિકીની ભાવના તથા તેનાં સ્વરૂપો, લિપિ, વણાટકામ, છપાઈ, જમીન, પાણી અને હવા તથા અંતરીક્ષમાં ચાલવાનાં તથા લડવાનાં સાધનો, ઍટમ અને ટૅકનૉલૉજીની શોધ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ઉપરાંત તે બધી વ્યવસ્થામાં આવતાં પરિવર્તનો, સમસ્યાઓ તથા તેનાં પરિબળો વગેરેના અભ્યાસવિસ્તારનો સમાવેશ કરે છે. આ વિશાળ ફલકવાળા અભ્યાસવિસ્તાર માટે તે વિવિધ સામાજિક વિજ્ઞાનોનાં જ્ઞાનોનો ઉપયોગ કરે છે અને વિભિન્ન માનવસમુદાયો, એથ્નિક જૂથો, આદિમ-જાતિઓ, પ્રજાતિજૂથો, ગ્રામીણ તથા શહેરી સમુદાયો, ઔદ્યોગિક સમુદાયો વગેરેની આંતરવ્યવસ્થા અને વર્તનો, સર્જનોનો–તેના સમગ્રપણા(holistic opproach)ના અભિગમથી અભ્યાસ કરે છે.

માનવજાતિવિજ્ઞાન : એ સાંસ્કૃતિક માનવશાસ્ત્રની મહત્વની શાખા ગણાય છે. તેમાં વિવિધ માનવસંસ્કૃતિઓ અને સમૂહોના જીવન-ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે છે. તે ખાસ કરીને પ્રાથમિક કે આદિમ જાતિસમુદાયોનાં કુટુંબ, લગ્ન, સગાઈ, અર્થપ્રવૃત્તિઓ, કાયદો, સરકાર, ધર્મ, ભૌતિક, સાંસ્કૃતિક ટૅકનૉલૉજી, ભાષા, ચિત્રકલા, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, લોકવાર્તાઓ, પૌરાણિક આખ્યાનો વગેરે – આદિ માનવસમાજનાં સર્વ પાસાંઓનો તથા તેમનો તુલનાત્મક અભ્યાસ કરે છે.

માનવજાતિવર્ણન પણ સાંસ્કૃતિક માનવશાસ્ત્રનું એક મહત્વનું અંગ છે. અગાઉ વિવિધ મુસાફરો, પ્રવાસીઓ, વેપારીઓ, મિશનરીઓ અને વહીવટદારો દ્વારા વિવિધ માનવસમુદાયો વિશેનાં – રિવાજો, પ્રથાઓ, ધર્મ, સંસ્કૃતિ વગેરે અંગેનાં–વર્ણનો બહાર આવ્યાં ત્યારે તે માનવજાતિવર્ણનોને નામે ઓળખાતાં હતાં, જે સાંસ્કૃતિક માનવશાસ્ત્રના વિકાસના પ્રાથમિક સ્વરૂપ કે તબક્કારૂપ હતાં. એ પછી 19મી સદીમાં તાલીમ પામેલા વિવિધ માનવશાસ્ત્રીઓ પહેલપ્રથમ અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસ(1858–1942)થી પ્રત્યક્ષ નિરીક્ષણો અને મુલાકાતની પદ્ધતિ દ્વારા આદિમ સમાજો વિશે શાસ્ત્રીય વર્ણનો આપવાની શરૂઆત થઈ.

સામાજિક માનવશાસ્ત્ર (social anthropology) : સાંસ્કૃતિક માનવશાસ્ત્ર સમગ્ર સંસ્કૃતિ અને તેનાં વિવિધ સ્વરૂપોનો અભ્યાસ કરે છે. જ્યારે સામાજિક માનવશાસ્ત્રમાં સંસ્કૃતિના ભાગરૂપ એવા સમાજનાં સામાજિક માળખાંઓ(social structures)ના અભ્યાસને કેન્દ્રસ્થાને રાખીને સામાજિક સંબંધોનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે છે. આ વિજ્ઞાનનો વિકાસ ઇંગ્લૅન્ડમાં 1920ની આસપાસ એમિલ ડર્ખેમ, રેડક્લિફ બ્રાઉન, મેલિનૉવ્સ્કીના વિચારોમાંથી થયો છે. સામાજિક ઘટનાઓને સમજવા માટે ઉત્ક્રાન્તિવાદી અભિગમને બદલે રચનાતંત્રીય અને કાર્યવાદી અભિગમ દાખલ થયો છે. તથા સામાજિક સંસ્થાઓ અને તેના આંતરગુંફનને સમજવા તુલનાત્મક અભ્યાસની શરૂઆત થાય છે. લૉવી સ્ટ્રોસ (1949) દર્શાવે છે કે માનવીને બે પ્રકારે દર્શાવી શકાય : (1) ઉપકરણનિર્માણકારી, (2) સામાજિક પ્રાણી તરીકે. માનવીનો જો ઉપકરણનિર્માણ કરનાર પ્રાણી તરીકે અભ્યાસ કરીએ અને પછીથી સામાજિક પ્રાણી તરીકે સંસ્થાઓના અભ્યાસને અગત્ય આપીએ તો તે સાંસ્કૃતિક માનવશાસ્ત્રનો વિષય બને છે. પરંતુ માનવીને પ્રથમ સામાજિક પ્રાણી તરીકે સ્વીકારી તેણે વિકસાવેલી સામાજિક સંસ્થાઓ અને સંબંધોના અભ્યાસને મહત્ત્વ આપી પછી તેનાં ઉપકરણોના નિર્માણને વિચારીએ તો તે સામાજિક માનવશાસ્ત્રના અભ્યાસનો વિષય બને છે.

આમ, સમાજ-માનવશાસ્ત્ર સમગ્ર સંસ્કૃતિનો ‘whole’ તરીકે અભ્યાસ કરતું નથી. પરંતુ સંસ્કૃતિના ભાગરૂપ સામાજિક સંસ્થાઓ કે – કુટુંબ, સગાઈસંબંધો, લગ્ન, અર્થ, ધર્મ, રાજ્યસંસ્થાઓ, માન્યતાઓ, તેની વ્યવસ્થા તથા નિયમનતંત્રોનું તુલનાત્મક અધ્યયન કરનારું શાસ્ત્ર છે. તેથી કેટલાક વિદ્વાનો તેને ‘તુલનાત્મક સમાજશાસ્ત્ર’ (comparative sociology) તરીકે પણ ઓળખાવે છે. પરંતુ તે પોતાના અભ્યાસમાં આદિમ સમુદાયોને પ્રાથમિકતા જરૂર આપે છે.

સાધારણ રીતે વૈજ્ઞાનિક અભ્યાસોમાં અભ્યાસનું સ્વરૂપ સરળતામાંથી જટિલતા તરફની પ્રક્રિયાવાળું હોય છે. એટલે સરળ સમુદાયોના અધ્યયનથી જટિલ વિશાળ સમુદાયોના અધ્યયન તરફ જવું સુગમ હોય છે. આદિમ સમુદાયો કદમાં નાના, પ્રાથમિક જીવનસ્વરૂપની સમાજરચનાવાળા, સરળ અને સાદું રચનાતંત્ર ધરાવનારા હોઈ તેમનું અધ્યયન, આધુનિક જટિલ સામાજિક રચનાતંત્રો કરતાં આવા સરળ સમુદાયોના અધ્યયનથી જે જ્ઞાન, અનુભવ મળે છે તેના આધારે આધુનિક, વિશાળ અને જટિલ સમુદાયોને સમજવામાં તથા તેનું વિશ્લેષણ કરવામાં સહાયક બને છે. બીજું, આદિમ સમુદાયો માનવ-સાંસ્કૃતિક વારસાની કડી સમા હોઈ તેમના અભ્યાસો જેટલા જલદીથી થઈ શકે તેટલા જલદીથી કરી લેવા જરૂરી છે; તથા સંપર્કોને પરિણામે ઝડપી પરિવર્તનોથી તેમનાં વિશિષ્ટ સાંસ્કૃતિક તત્વો નાશ પામે તે પહેલાં તેમના અધ્યયન દ્વારા તેમનો વારસો જાળવવા શક્ય તેટલા ઉપાય કરી લેવા તે આવશ્યક છે.

ત્રીજું, તેમનામાં માનવજીવનની વાસ્તવિકતા અને સ્વાભાવિકતાની ઝલક વધુ જોવા મળે છે. માનવશાસ્ત્રી કલખોન (1949) દર્શાવે છે કે માનવસભ્યતાને વધુ સારી રીતે સમજવા માટે આદિમ સમુદાયોનું અધ્યયન એક સરળ માર્ગ છે. રેડમંડ ફર્થ (1964) દર્શાવે છે કે તેથી સૂક્ષ્મદર્શીય અભ્યાસો કરવામાં સરળતા રહે છે, જે દ્વારા બૃહદ્ર્શીય (macrocosm) અભ્યાસો કરવાની તક મળે છે. ઉપરાંત વિશ્વમાં ઘણા આદિમ સમુદાયો સભ્ય સમાજના સંપર્કમાં આવવાને કારણે જે સાંસ્કૃતિક સંઘાત થયો છે તેથી તેઓ તેમનાં સાંસ્કૃતિક મૂલ્યો ગુમાવતા જાય છે. આ સ્થિતિ અમેરિકામાં રેડ ઇંડિયનોમાં, દક્ષિણ અમેરિકામાં, આફ્રિકા, અગ્નિ એશિયા, ઑસ્ટ્રેલિયા, ભારતમાં ટોડા, નાગા તથા આસામની જાતિઓમાં વિશેષ જોવામાં આવે છે. વેરિયર એલ્વિન (1943) તેને સાંસ્કૃતિક પતન(Loss of Nerves)ની સ્થિતિ ગણાવે છે. આવા સમુદાયો અત્યંત નિરાશાજનક સ્થિતિમાં છે. પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઈ છે અને નવામાં શ્રદ્ધા બેઠી નથી. તેથી ત્રિશંકુ જેવી સ્થિતિ પેદા થઈ છે. આમ સાંસ્કૃતિક પરિવર્તનની સ્થિતિએ તેમને માટે વિશિષ્ટ સમસ્યાઓ ઊભી કરી છે. આ સ્થિતિ સમાજમાનવશાસ્ત્રીને એક નવી દિશા તરફના અધ્યયન માટે દોરે છે.

વ્યવહારલક્ષી માનવશાસ્ત્ર : માનવશાસ્ત્રની આ પેટાશાખા છે. માનવસમાજોમાં આવતાં પરિવર્તનોને સમજી તેને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ તે અંગેના સિદ્ધાંતોને સ્પષ્ટ કરવા તથા તેમની સમસ્યાઓના ઉકેલ માટે માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનું કાર્ય તે કરે છે. માનવશાસ્ત્ર આદિમ સમાજો અને તેમની સંસ્કૃતિને અભ્યાસમાં મહત્વ આપતું હોઈ શરૂઆતના સમયમાં બ્રિટિશ વહીવટદારો, રાજ્યકર્તાઓ, વેપારીઓ તથા મિશનરીઓ સાથેનો તેમનો સંપર્ક થયો હતો. આ સાંસ્કૃતિક સંપર્કને પરિણામે આદિમ સમાજો પર પોતાના વિચારો, રિવાજો, આચારો, ધર્મ લાદવાના તથા રાજકીય પ્રભુત્વ સ્થાપવાના પ્રયત્નો કરેલા હતા. આદિમ સમાજોએ તેનો સમયે સમયે વિરોધ કર્યો અને તેમાંથી સંઘર્ષો પણ થયા છે. આમ સાંસ્કૃતિક સંપર્કને પરિણામે પેદા થયેલી સમસ્યાઓને સમજવા તથા તેના ઉકેલ માટે માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનું કાર્ય આ વ્યવહારલક્ષી માનવશાસ્ત્રનું ક્ષેત્ર છે.

અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસે 1928માં સૌપ્રથમ માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો. આ ઉપયોગ કેવળ આદિમ સમાજો પૂરતો મર્યાદિત ન રાખતાં સભ્ય સમાજમાં થતા અપરાધ, પ્રજાતીય સમસ્યાઓ, વંશાનુક્રમણ તથા અપરાધની સજા વગેરે બાબતોમાં ઉપયોગ કરવાનું સૂચવ્યું અને પોતે તેનો અમેરિકન ઇંડિયનોના સંદર્ભમાં તથા અન્ય સમુદાયો માટે ઉપયોગ પણ કર્યો. આ પછી રેડક્લિફ બ્રાઉને જણાવ્યું કે ‘સંસ્કૃતિ’ કેવળ વ્યક્તિને નહિ, પરંતુ સમગ્ર સમાજના અસ્તિત્વને તેની સંસ્થાઓ દ્વારા ટકાવી રાખવામાં સહાયક થાય છે. તેથી વ્યક્તિ અને સમાજનું અસ્તિત્વ સરળ અને સુંદર બને તથા માનવસમાજ પ્રકૃતિ તથા જૈવકીય ગુલામીમાંથી મુક્ત થઈ ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્ત કરે તેમ થવું જોઈએ. આ માટે માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ સમાજના હિત માટે કરવો જાઈએ. મેલિનૉવ્સ્કીના મતે ‘સંસ્કૃતિ’ મનુષ્ય માટે કાર્ય કરે છે. તેથી તે મનુષ્યને પ્રકૃતિ તથા જૈવકીય પ્રાણી તરીકેની ગુલામીમાંથી મુક્ત કરી તેના માનસિક જીવનને ઉચ્ચ સ્તર પર લાવવાનો પ્રયત્ન કરે છે. આમ સાંસ્કૃતિક તત્વોનાં કાર્યોની જાણકારી તથા તેના જ્ઞાનનો ઉપયોગ સમગ્ર માનવસમાજના હિત માટે કરવા પર તેઓ ભાર મૂકે છે.

માનવશાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ રીતે કરવામાં આવ્યો છે. માનવશાસ્ત્રે વિશ્વના અનેકવિધ આદિમ સમુદાયોના અભ્યાસો કરીને જગત સમક્ષ વિવિધ માનવ-સમાજોમાં જોવા મળતી સાંસ્કૃતિક ભિન્નતાઓને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે દ્વારા તેઓ જંગલી, અજ્ઞાન, ક્રૂર, પછાત, બુદ્ધિહીન છે તેવા પ્રકારની સભ્ય સમાજોમાં રહેલી ખોટી માન્યતાઓને દૂર કરવામાં મદદ મળી છે. ઘણી એવી સંસ્કૃતિઓ છે જેમનાં તત્વો આધુનિક સમાજોની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. એટલે ગેરસમજો, પૂર્વગ્રહો દૂર કરવામાં તથા માનવ તરીકે સૌ સરખા છે તે ભાવના સ્થાપવામાં ઘણી મદદ મળી છે. શરૂઆતમાં આ શાસ્ત્રના અધ્યયનથી જાતિજૂથોનાં લક્ષણો અંગેની એકાંગી સમજ ઊભી થતાં જાતિજૂથવાદનો વિકાસ થયો અને કાળા-ગોરા, યહૂદી-નૉર્ડિક વગેરે ભેદભાવ ઊભા થયા. પછીના સમયમાં સાચી સમજ પ્રવર્તતાં જાતિજૂથોનાં લક્ષણોની યોગ્ય સમજ અને માનવ-માનવ વચ્ચેની સમાનતાની ભાવનાને વિકસાવવા તરફ સ્તુત્ય પ્રયત્નો થયા છે. કેટલાક વહીવટકર્તાઓએ આદિમ સંસ્કૃતિને સમજ્યા વિના તેમની પ્રથાઓ, રિવાજો, જીવનપદ્ધતિઓમાં ફેરફાર કરવા કાયદા ઘડી અન્યાય કર્યો. દા.ત., ફરતી ખેતી જંગલને નુકસાન કરનાર છે. જમીન અંગેના, જંગલ અંગેના તેમના હક્કોને માન્ય ન રાખ્યા. તેમની આંતરિક ન્યાય અને વહીવટી વ્યવસ્થાના અસ્વીકારને કારણે અનેક સંઘર્ષો પેદા થયા છે. વિવિધ માનવશાસ્ત્રીય અધ્યયનોએ આ બધા અંગે સાચી સમજ દર્શાવી છે. તેથી કેટલાક સંઘર્ષો ટાળી શકાયા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માનવશાસ્ત્રીઓનો ઉપયોગ ખૂબ થયો છે. સૈનિક સેવાઓનાં સંગઠનોમાં, યુદ્ધના સૂચના વિભાગમાં, સૈનિકોની તાલીમમાં, રાજ્ય વિભાગોમાં, આર્થિક યુદ્ધના બૉર્ડમાં તેમણે મહત્વની કામગીરી બજાવી હતી. તેમણે નાગરિકોની નીતિમત્તાનું સ્તર ઊંચું લાવવામાં, તેમનો સહકાર પ્રાપ્ત કરવામાં, તેમની સમસ્યાઓનો ઉકેલ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કોરિયાના યુદ્ધમાં પણ માનવશાસ્ત્રીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. રૂથ બેનિડિક્ટને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં રહેતા જાપાનીઓના નિરીક્ષણને આધારે તેમની સામૂહિક અભિવૃત્તિઓ વિશે અભ્યાસ સોંપાયો હતો, જેમાંથી તેમના રાષ્ટ્રીય ચારિત્ર્ય અંગેનો ખ્યાલ પ્રાપ્ત થયો. બ્રિટનમાં ઔદ્યોગિક સમસ્યાને હલ કરવા એલ્ટન મેયો અને સહાધ્યાયીઓએ માનવશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તે જાણીતું છે. માર્ગરેટ મીડ(1929)ને અમેરિકન તરુણ-તરુણીઓની સમસ્યાઓને સમજવા સામોઆ આદિમ સમાજનાં તરુણ-તરુણીઓના અભ્યાસથી વધુ સમજ પ્રાપ્ત થઈ. મેલિનૉવ્સ્કી(1922)ના ટ્રોબ્રિયન્ડ જાતિનાં રિવાજો, પ્રથાઓ, ઉત્સવો તથા ‘કુલા’ વિનિમયપ્રથાના અભ્યાસથી બ્રિટનના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સમસ્યાઓ પર પ્રકાશ પડ્યો. ઇવાન્સ પ્રિચાર્ડ(1937)ના એઝેન્ડે જાતિના ડાકણવિદ્યા વિશેના અભ્યાસથી સામ્યવાદી રશિયાને સમજવાની એક વધુ તક મળી.

અરવિંદ ભટ્ટ

માનવશાસ્ત્ર (anthropology)

માનવશાસ્ત્ર (anthropology)

માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતા વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર. વસ્તુત: આ શાસ્ત્ર એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરે છે તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા સામાજિક સંસ્કૃતિમાં ભાષા, સાહિત્ય, ધર્મ, માન્યતાઓ, રૂઢિઓ, પ્રથાઓ, રિવાજો, પરંપરાઓ, લગ્ન, કુટુંબ, સગાઈવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય નિયમન વગેરે સંસ્થાઓની રચના તથા કાર્યવ્યવસ્થા, આદિમ જૂથો, એથ્નિક જૂથોથી માંડી આધુનિક સમુદાયોના સંબંધમાં ઉત્પત્તિ અને વિકાસની પ્રક્રિયાનું, તેમાં થતા ફેરફારો, તેના પ્રશ્નો અને તેના ઉકેલ વગેરે બાબતોને આવરી લેતું વિશાળ અભ્યાસફલક ધરાવે છે. તે માનવ અને તેનાં કાર્યોનો જેટલો વિસ્તાર અભ્યાસમાં સમાવે છે તેટલું વિશાળ ફલક અન્ય કોઈ વિજ્ઞાનનું નથી. તે એક બાજુ માનવશરીરનો અભ્યાસ કરતું હોઈ પ્રાકૃતિક કે ભૌતિક વિજ્ઞાન છે તો બીજી બાજુ સામાજિક વિજ્ઞાન પણ છે. તે વિવિધ ભૌતિક તથા સામાજિક વિજ્ઞાનો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. આથી સર્વ વિજ્ઞાનોમાં એક મહત્વના અને અગત્યના વિજ્ઞાન તરીકે તેનું મહત્વ સ્થપાયું છે.

યુરોપમાં નવજાગૃતિકાળ પછી ભૌતિક વિજ્ઞાનોની સાથે સામાજિક વિજ્ઞાનોનો વિકાસ થયો, જેમાં ભૂગોળ, ખગોળ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો વિકાસ થયો. ઉપરાંત માનવસંસ્કૃતિ પરત્વે ભાર મુકાતાં તેમાંથી માનવશાસ્ત્રનો વિકાસ થયો. આ વિજ્ઞાનની પાયાની ભૂમિકા ફ્રેન્ચ વૈજ્ઞાનિક સેન્ટ સાઇમન (1760–1825) દ્વારા બંધાઈ અને ઓગુસ્ત કૉમ્તે(1798–1857)થી વૈજ્ઞાનિક પાયો નંખાયો. 19મી સદીમાં. બ્રિટિશ વહીવટકારોએ વિશ્વમાં પોતાની હકૂમત હેઠળના દેશોમાં શાસનને મજબૂત કરવા આફ્રિકા, ભારત તેમજ એશિયાના અન્ય દેશોમાં અને અમેરિકા વગેરેમાં સ્થાનિક પ્રજા વિશેની–જીવન, રીતરિવાજો, પ્રથાઓ, ભાષા, ધર્મ, અર્થવ્યવસ્થા, મહેસૂલ વગેરે વિશે–માહિતી એકઠી કરવાના પ્રયત્નો કર્યા. આ સંદર્ભમાં પ્રવાસીઓ, વેપારીઓ, મિશનરીઓ અને વહીવટી અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારનાં વર્ણનોવાળી વિપુલ સામગ્રી બહાર આવી. આ બધાંને આધારે માનવસંસ્કૃતિ, ધર્મ, સ્વભાવ વગેરે વિશે કેટલાક વિદ્વાનોએ અભિધારણાઓ બાંધવાનું શરૂ કર્યું. તેઓ ‘આરામખુરશીના વિદ્વાનો’ (armchair scholars) તરીકે ઓળખાયા.

આ પછી 19મી સદીના ઉત્તરાર્ધમાં માનવશાસ્ત્રનું અધ્યયનક્ષેત્ર અને અભ્યાસપદ્ધતિ અંગેનું માળખું વિવિધ વિદ્વાનો દ્વારા આકાર પામ્યું. એમાં વિવિધ સમુદાયોના વ્યવસ્થિત અભ્યાસો બહાર આવતાં માનવ-સંસ્કૃતિ અને તેના વિકાસના તુલનાત્મક અધ્યયનમાંથી સિદ્ધાંતો તારવવાની શરૂઆત થઈ. આમાં સર હેનરી માઇન(1861)ના ‘એન્શ્યન્ટ લૉ’, લોવિસ હેનરી મૉર્ગન(1870)ના ‘સિસ્ટિમ ઑવ્ કૉન્સૅન્ગ્વિનિટી ઍન્ડ ઍફિનિટી ઑવ્ ધ હ્યૂમન ફૅમિલી’ અને ઈ. બી. ટાઇલર (1871) કૃત ‘પ્રિમિટિવ કલ્ચર’ તેમજ એમાઇલ ડર્કહૅમ (1893–95) દ્વારા સામાજિક વર્તનના અભ્યાસનો પાયો નંખાયો. એમાંથી માનવશાસ્ત્રનું અભ્યાસક્ષેત્ર અને તેની અભ્યાસપદ્ધતિઓ અંગેનું માળખું આકાર પામ્યું. આ સમય દરમિયાન ચાર્લ્સ ડાર્વિન(1859)ના અભ્યાસે ઉત્ક્રાન્તિવાદની ભૂમિકા પૂરી પાડી અને માનવશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સ્થાપવામાં મદદ મળી. હબર્ટ સ્પેન્સર (1876) અને હૉબહાઉસે ડાર્વિનના વિચારોની અસર હેઠળ માનવસમાજ, લગ્ન, કુટુંબ, ધર્મસંસ્થા વગેરેની ઉત્પત્તિમાં ઉત્ક્રાન્તિવાદના સિદ્ધાંતને લાગુ કરવાનો પ્રયત્ન કર્યો. આદિકપિ(ape)માંથી મનુષ્ય ક્રમશ: પ્રગતિ કરતાં શારીરિક વિકાસ થતાં આજની સ્થિતિએ પહોંચ્યો છે તેવી માન્યતા વિકાસ પામી. બીજી બાજુ આદિમ સમુદાયોના અભ્યાસો પરત્વેનો ઝોક વધ્યો અને નક્કર માહિતી મેળવવા પર ભાર મુકાયો તથા તુલનાત્મક સંશોધન-પદ્ધતિનો ઉદભવ થયો. મૅકલે નન, ટેઇલર અને મૉર્ગનના અભ્યાસોથી ઉત્ક્રાન્તિવાદની ટીકા થઈ અને વાસ્તવિક હકીકતોના આધારે તારણો આપવાનો પ્રયત્ન થયો.

20મી સદીમાં જેમ્સ ફ્રેઝર દ્વારા 1922માં ‘Golden Bough’ દ્વારા પ્રત્યક્ષ નિરીક્ષણોવાળી માહિતીની રજૂઆત થઈ. ઉત્ક્રાન્તિવાદની ટીકા થઈ તથા સાંસ્કૃતિક પ્રસારનો વિચાર રજૂ થયો. આ બાબતને જી. ઈ. સ્મિથ (1871–1973), ડબ્લ્યૂ. જે પેરી (1887–1949), ડબ્લ્યૂ. એચ. રિવર્સ (1914), જર્મન માનવશાસ્ત્રી એફ રિટ્ઝલે, એફ. ડબ્લ્યૂ. સ્મિથ (1868–1954), અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસ (1928), એલ. એ. ક્રોબર (1923) વગેરે દ્વારા સમર્થન મળ્યું તથા કલ્પના કે માની લીધેલી વિગતોને બદલે વાસ્તવિક હકીકતો મેળવી તેને આધારે સૈદ્ધાંતિકીકરણ કરવા પર ભાર મુકાયો તથા પ્રત્યક્ષ અભ્યાસોની પ્રણાલિકાનું મહત્વ સ્થપાયું. આ સમય દરમિયાન રેડક્લિફ બ્રાઉન (1922), મેલિનૉવ્સ્કી (1922), માર્ગરેટ મીડ (1928), રૉબર્ટ રેડફીલ્ડ (1953), લૉવી સ્ટ્રોસ (1966) વગેરે માનવશાસ્ત્રીઓએ માનવશાસ્ત્રના અધ્યયનમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્યની અનિવાર્યતા અને સામાજિક સંરચના તથા તેનાં કાર્યાત્મક પાસાંઓનાં અધ્યયનો પરત્વેનો નવો અભિગમ આપ્યો તેમજ સામાજિક સંસ્થાઓને સમજવા પર ભાર પણ મૂક્યો. ઈ. ઈ. ઈવાન્સ પ્રિચાર્ડે (1951) માનવશાસ્ત્રમાં ઐતિહાસિક પદ્ધતિની ઉપયોગિતા દર્શાવી. રૉબર્ટ રેડફીલ્ડ અને મિલ્ટન સિંગરે (1972) લઘુ સમુદાયોના અધ્યયનની ઉપયોગિતા સ્પષ્ટ કરી તથા સાંસ્કૃતિક લઘુ તથા બૃહદ્ પરંપરાઓ પરત્વે ધ્યાન ખેંચ્યું. માર્ગરેટ મીડ (1944) અને રૂથ બેનેડિક્ટે (1934) માનવશાસ્ત્રમાં મનોવૈજ્ઞાનિક અભિગમ સ્થાપ્યો. લૉવી સ્ટ્રોસે (1966) સાંસ્કૃતિક સાપેક્ષતાના સિદ્ધાંતને નકાર્યો અને નૂતન ઉત્ક્રાંતિની સામાજિક પરિકલ્પનાને ટેકો આપ્યો. તેમણે દંતકથાના ઊંડાણભર્યા અધ્યયનને મહત્વ આપ્યું, વિકસિત અને ઓછા વિકસિત સમુદાયો વચ્ચેનું અંતર કાયમી છે તે વાતને રદિયો આપ્યો અને અનુકૂલન દ્વારા સામાજિક પરિવર્તનની પ્રક્રિયા વધુ વેગવાન બને છે તે બાબત પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં દેખાતા પરિવર્તન પરથી સ્પષ્ટ કર્યું.

20મી સદીના મધ્યકાળમાં તો માનવશાસ્ત્રે અધ્યયનમાં સામાજિક સંરચનાત્મક તથા સામાજિક કાર્યાત્મકતાના અભિગમો અપનાવી સૈદ્ધાંતિક ઉચ્ચતા પ્રાપ્ત કરી. ક્ષેત્રકાર્ય દ્વારા પ્રત્યક્ષ અધ્યયનપદ્ધતિનું નિર્માણ કર્યું અને તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી વિવિધ સમુદાયોનાં અધ્યયનોમાંથી સૈદ્ધાંતિકીકરણ કર્યું. માનવજીવનનાં વિવિધ પાસાંઓ પરત્વેનાં અધ્યયનોમાંથી માનવશાસ્ત્રની વિવિધ વિશેષ શાખાઓ વિકાસ પામી. આમાંથી વ્યવહારલક્ષી માનવશાસ્ત્રનો વિકાસ થયો. રેડમંડ ફર્થ (1955) દર્શાવે છે કે માનવશાસ્ત્રે ‘સોશ્યલ એન્જિનિયરિંગ’નું કામ કર્યું છે. તે આદિમ સમાજ અને આધુનિક સમાજો વચ્ચે એક સેતુ બાંધવાનું કાર્ય કરે છે. કલખોન (1950) દર્શાવે છે કે માનવશાસ્ત્રી સમાજના એક ડૉક્ટર તરીકે સામાજિક રોગોનું નિદાન અને પરીક્ષણ કરે છે, તથા તેનો ઉપચાર કરવાનું પણ કાર્ય કરે છે. આમ તે ‘સોશ્યલ મેડિસિન’નું કામ કરતું પણ થયું છે. ભારતમાં શરદચંદ્ર રૉયે ઉરૉવ આદિજાતિના સંદર્ભમાં પેદા થયેલા સંઘર્ષને ખાળવામાં ભાગ ભજવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં કોરિયાના યુદ્ધમાં, આફ્રિકામાં આદિવાસી જાતિઓમાંના સંઘર્ષને ટાળવામાં માનવશાસ્ત્રીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રૂથ બેનેડિકટે (1946) જાપાનીઓ વિશેનો રાષ્ટ્રીય ચારિત્ર્યનો અભ્યાસ કરવામાં તેમજ એલટન મેયો, ગાર્ડનર મરફી, વ્હાઇટ વગેરેએ આધુનિક ઔદ્યોગિક સમસ્યાઓ હલ કરવામાં માનવશાસ્ત્રીય ર્દષ્ટિકોણનો ઉપયોગ કર્યો હતો. આમ જનસંખ્યા, લઘુમતી કોમો, એથ્નિક સમુદાયો વચ્ચેના સંઘર્ષો ટાળવામાં, સામાજિક સ્વાસ્થ્ય, અપરાધચિકિત્સા, ગ્રામપુનર્નિર્માણ, ગ્રામપુનર્વસવાટ વગેરેમાં માનવશાસ્ત્રનું જ્ઞાન આધુનિક સમાજને ઘણું સહાયક થયું છે.

અરવિંદ ભટ્ટ

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology)

પ્રાકૃતિક માનવવિજ્ઞાન 
(ecological anthropology) 

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology) : છેલ્લા સૈકામાં વિકાસ પામેલું વિવિધ સજીવોના સંતુલનના આંતરસંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ રજૂ કરતું વિજ્ઞાન. ‘પ્રકૃતિ’ શબ્દ કુદરત–વાતાવરણ માટે વપરાય છે. આ માટે ગ્રીક શબ્દ ‘Okios’ છે, જેનો અર્થ ‘નિવાસસ્થાન–ઘર’ એવો થાય છે. વનસ્પતિ, જીવજંતુ, પશુ, પંખી, માનવ – એ સૌનું નિવાસસ્થાન પૃથ્વી છે. માનવીની આજુબાજુનું સર્વ કાંઈ વાતાવરણનો ભાગ છે. આ વિશ્વ-વાતાવરણમાં સૌની સહિયારી ભાગીદારી છે. સૌ પરસ્પર અવલંબિત છે. તેમની વચ્ચે એક પ્રકારનું સંતુલન છે. માનવજીવનના વિકાસમાં તે સૌની મોટી અને સક્રિય ભૂમિકા રહી છે. માનવસંસ્કૃતિ અને વિકાસને તેણે પ્રભાવિત કર્યું છે.

1866માં જર્મન વૈજ્ઞાનિક અર્ન્સ્ટ હેકલે ‘Ecology’ શબ્દનો નિર્દેશ કર્યોં. આ વિજ્ઞાન પ્રારંભમાં જંગલ, જીવો અને આબોહવા પૂરતું મર્યાદિત રહ્યું; પરંતુ માનવશાસ્ત્રના વિકાસ પછી માનવ અને પર્યાવરણ સાથેના ગાઢ સંબંધનો સ્વીકાર થયો. જુલિયન સ્ટેવર્ડે 1930માં પ્રાકૃતિક માનવવિજ્ઞાનની રજૂઆત કરી. પર્યાવરણ અને સંસ્કૃતિ જુદાં નથી; પરસ્પરને અસરકર્તા છે તે બાબતનો સ્વીકાર થયો. આ વિજ્ઞાન સર્વ જીવંત પદાર્થોને – જીવોને પોતાના અભ્યાસક્ષેત્રમાં આવરી લે છે. તેમાં નીચેનો અભ્યાસ સમાવેશ પામે છે :

(1) વાતાવરણ સાથેની આંતરક્રિયાઓ અને તેમાંથી ક્રમશ: શિકાર, પશુપાલન, ખેતી અને ટેક્નૉલોજી તથા પરમાણુયુગ સુધીના વિવિધ તબક્કાઓના વિકાસનો અભ્યાસ.

(2) માનવવર્તન સાથે સંકળાયેલા પારસ્પરિક સંબંધો – ઉત્પાદન, ટેક્નૉલોજી, માનવવસ્તી વગેરેનો અભ્યાસ.

(3) સંસ્કૃતિનાં પાસાંઓને અસર કરનારી માનવ-પ્રણાલીઓનો અભ્યાસ.

કુદરતમાં સૌ જીવોમાં ‘માનવપરિબળ’ સૌથી વધુ પ્રભાવશાળી હોઈ પ્રારંભમાં ‘માનવપરિસ્થિતિવિજ્ઞાન’ તરીકે તે શરૂ થયું. માનવશાસ્ત્ર એ માનવીનો સર્વાંગીણ અભ્યાસ કરનારું વિજ્ઞાન હોવાથી માનવવિકાસના તબક્કાઓ, માનવી અને અન્ય જીવોનાં અસ્તિત્વ-જાળવણી, વિકાસ વગેરેને લગતા નિયમો તથા સિદ્ધાંતો તારવવાનું કાર્ય આ વિજ્ઞાને કર્યું છે.

મનુષ્યનું અને તેની આજુબાજુનાં વિવિધ વાતાવરણો અને તેનાં વિવિધ પાસાંઓ સાથેનો – તેનો જગત સાથેનો સંબંધ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. માનવ આ સૌમાં કેન્દ્રસ્થાને છે. તેનો સૌ સાથે પારસ્પરિક સંબંધ છે અને તે આપસઆપસમાં અસરકર્તા પણ છે.



આદિમાનવનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિને અધીન હતું; પરંતુ ખેતીનો વિકાસ થતાં પ્રકૃતિના શોષણની પ્રક્રિયાનો આરંભ થાય છે અને તે ઔદ્યોગિક વિકાસના સ્તરે ચરમ સીમાએ પહોંચે છે. તેની દૂરગામી અસરો પશુ-પંખી, જીવ-જંતુ, ઝાડ-પાન વગેરે તમામ જીવ-સૃષ્ટિ પર થઈ છે. એ સૌમાંથી નીપજતી આડ અસરો અંતે તો માનવજીવનને જ ઘાતક બને તેવી સ્થિતિ પેદા થતી જાય છે. આજે માનવીની ઉપભોક્તાવાદી વૃત્તિને કારણે વૈશ્વિક પર્યાવરણનાં તત્વોમાં ભારે અસમતુલા ઊભી થતાં વિક્ષેપો પેદા થવાની શરૂઆત થઈ ગઈ છે. પરિણામે સૌ જીવો વચ્ચેની કુદરતી સંવાદિતા–સમતુલા પણ જોખમાતી જાય છે. પર્યાવરણ માનવ અને સૌ જીવોનું પોષક, રક્ષક અને આશ્રયદાતા છે; પરંતુ માનવની શોષણવૃત્તિને પરિણામે વિઘાતક અસરોની શૃંખલા ઊભી થવા માંડી છે. પ્રાકૃતિક સાધનોના કેવળ ઉપભોગના આશયથી ઊભા થયેલા ઉદ્યોગો, રાસાયણિક ખાતરો, વૈજ્ઞાનિક ટેકનિકોનો અવિચારીપણે ઉપયોગ, વસ્તી-વધારો, માનવ-આવશ્યકતાઓમાં બેફામ વૃદ્ધિ, પરમાણુપરીક્ષણો વગેરેને કારણે જમીન, હવા, પાણી, ખોરાક, આકાશ વગેરે પ્રદૂષિત થતાં જાય છે અને તેથી જે અસરો થઈ રહી છે તે ખતરનાક બનતી જાય છે. આમ માનવ અને પર્યાવરણ વચ્ચેની તૂટતી જતી સમતુલાને અનુલક્ષીને સર્વગ્રાહી અધ્યયન કરી, તેમાં કારણભૂત તત્વોનું નિદાન, નિયમન અને નિરાકરણ કરવાનું કાર્ય આ પ્રાકૃતિક માનવવિજ્ઞાનના ફાળે આવ્યું છે અને તેના અભ્યાસનું ક્ષેત્ર વિસ્તરવા સાથે તેનું મહત્વ પણ વધતું જાય છે.

અરવિંદ ભટ્ટ

22 October 2021

એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ- ડેવિડ ઓસુબેલ

એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડે- ડેવિડ ઓસુબેલ


એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ મુદ્દાઓ :

  • એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ
  • ધ્યેયો
  • ધારણાઓ ( Assumptions ) :
  • એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સંરચના
  • સોપાન 1 : એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
  • સોપાન 2 : અધ્યયન વસ્તુની રજૂઆત
  • સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.
  • શિક્ષકની ભૂમિકા
  • પ્રતિચારના નિયમો / મૂલ્યાંકન

આ અધ્યાપન મોડેલ ડેવિડ ઓસુબેલે રજૂ કરેલ છે . તે જ્ઞાનાત્મકવાદી મનોવિજ્ઞાની છે. તેણે અધ્યેતાના અધ્યયનમાં તેના પૂર્વજ્ઞાનનું મહત્ત્વ સ્વીકાર્યું. એટલે કે અધ્યયનને પૂર્વજ્ઞાન સાથે જોડી તેને અર્થપૂર્ણ બનાવવા ઉપર ભાર મૂકવો. આ માટે તેણે એડવાન્સ ઓર્ગેનાઈઝર અધ્યયન મોડેલ રજૂ કર્યું.


અધ્યેતા ત્યારે જ અધ્યયન કરે છે કે જયારે તે નવું જ્ઞાન કે નવી માહિતીને પોતાને જરૂરી એવા માળખામાં ગોઠવી શકે છે અને પછી પોતાના મનમાં પૂર્વજ્ઞાનના પડેલા જ્ઞાન માળખા સાથે આ નવા માળખાનું સંયોજન થાય છે. આમ, અધ્યતા જ્ઞાનનું માળખું રચવાનું પહેલું કામ કરે છે, તેથી આને એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ કહેવામાં આવ્યું.
  • ધ્યેયો
વિદ્યાર્થીને નવું વિષયવસ્તુ પ્રાપ્ત કરવામાં મદદ કરવી . શિક્ષક માહિતી રજૂ કરે છે. વિદ્યાર્થી માહિતી ગ્રહણ કરે છે. એડવાન્સ ઓર્ગેનાઈઝર વિદ્યાર્થીને માહિતી અંતર્ગત કરવામાં મદદ કરે છે.

વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ કરવી. અર્થાત્ વ્યક્તિ પાસેના કોઈપણ સમયે ચોક્કસ વિષય અંગેના જ્ઞાનને સંગઠિત, સ્પષ્ટ અને સ્થિર બનાવવું. જ્ઞાનાત્મક સંરચના એ નવા અધ્યયન વરતુની સક્ષમ અર્થપૂર્ણતા, પ્રાપ્તિ અને ધારણ પર અસર કરનારું મુખ્ય પરિબળ છે. નવી વસ્તુ અસરકારક રીતે રજૂ કરવા માટે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની સ્થિરતા અને સ્પષ્ટતા વધારવી જોઈએ. આથી વિદ્યાર્થીની જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ બનાવવાથી તેની પ્રાપ્તિ અને ધારણને મદદ મળે છે.
  • ધારણાઓ ( Assumptions ) :
નવું જ્ઞાન આપતાં પહેલાં વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની સ્થિરતા અને સ્પષ્ટતા વધારવી જરૂરી છે.
ગ્રહણશીલ અધ્યયન એ ગોખણિયું અધ્યયન નથી. અધ્યયન વસ્તુની અર્થપૂર્ણતા અધ્યયન વસ્તુ અને અધ્યેતા એમ બન્ને પર આધાર રાખે છે.
અધ્યયન વસ્તુ બિનચક્રિય અને રૂપાંતરક્ષમ હોય તેમજ અધ્યેતા પાસે સંબંધિત પૂર્વજ્ઞાન હોય ત્યારે અધ્યયન વસ્તુ અર્થપૂર્ણ ગણાય.
અર્થપૂર્ણ અધ્યયનમાં વિષયવસ્તુની સ્વીકૃતિ નિષ્ક્રિય રીતે થતી નથી. અધ્યેતા અધ્યયન વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી જોઈને; જૂના અને નવા વસ્તુઓની સમાનતા અને ભિન્નતા અંગે સમાધાન કરીને; નવા વસ્તુને પોતાની જ્ઞાનાત્મક સંરચનાના સંદર્ભમાં રૂપાંતર કરીને; એમ વિવિધ ક્રિયાઓ દ્વારા સક્રિય રહીને અધ્યયન કરે છે . પરંતુ આ આપોઆપ થતું નથી. નિગમનાત્મક અધ્યયન માટે એવી અધ્યાપન યોજનાનો ઉપયોગ કરવો જોઈએ જે આવી સક્રિય માનસિક ક્રિયાઓને મદદ કરે.
  • સંરચના : એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સંરચના


એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સમગ્ર પ્રવૃત્તિઓનાં ત્રણ સોપાનો છે.


સોપાન -1 : એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
સોપાન 2 : અધ્યયન વસ્તુની રજૂઆત
સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.


આ ત્રણ સોપાનોની ચર્ચા “ શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત ” ના શિક્ષણ માટે એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલના ઉપયોગના સંદર્ભમાં કરવામાં આવી છે.

  • સોપાન 1 :   એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
અધ્યેતા જ્ઞાનનું માળખું રચે છે અર્થાત વિષયવસ્તુ (જ્ઞાન) ના હેતુઓના સ્પષ્ટીકરણો આપે છે, ત્યારબાદ એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત કરે છે અને છેલ્લે અધ્યેતાના પૂર્વજ્ઞાન માળખાને સક્રિય કરી અનુભવને જાગૃત કરે છે.



એટલે કે અધ્યાપન પહેલા વિષયવસ્તુના હેતુઓ સ્પષ્ટ કરવાથી અધ્યતાનું અધ્યયન ઝડપથી અર્થપૂર્ણ બની શકે છે. એટલે કે જ્ઞાનના માળખામાં પ્રથમ બાબત છે જ્ઞાન (પાઠ) ના ઉદેશો સ્પષ્ટ છે કે આ ઉદ્દેશો, ધ્યેયો કે હેતુઓ જ્ઞાનની આસપાસ ગુંથાયેલા હશે. વળી આ હેતુ સરળ અને અસંદિગ્ધ ભાષામાં કરવા જોઇએ. વળી વિષયવસ્તુના કયા મુદ્દા સાથે સંકળાયેલા છે તેનો સંદર્ભ પ્રગટ કરનારા હોવા જોઈએ.


આમ, હેતુઓની રચના કર્યા પછી આ હેતુઓને સિદ્ધ કરવા માટેની જરૂરી પ્રવૃત્તિઓની યાદી બનાવવી જોઈએ. આ જવાબદારી અધ્યેતા ઉપર છોડી શકાય.


  • સોપાન 2 :  અધ્યયન વસ્તુની રજૂઆત

આ સોપાને અધ્યયન વિષયવસ્તુની રજૂઆત અંગે વિચારણા કરવાની હોય છે. એટલે કે શિક્ષકે જ્ઞાનાત્મક વર્ગ વ્યવહાર અંગે વિચારણા કરવાની હોય છે. ટુંકમાં, આ નવું વિષયવસ્તુ અધ્યેતાના મસ્તિષ્કમાં અનુકૂળ માળખારૂપે ગોઠવાય એ જરૂરી છે. આ માટે શિક્ષક વિવિધ પ્રયુક્તિઓ અજમાવી શકે, પ્રવિધિઓ અજમાવી શકે, ટૂંકમાં, આ સોપાને અધ્યાપન વિધિ અંગે આયોજન કરવાનું રહે છે. એ દ્રષ્ટિએ શૈક્ષણિક ઉપકરણો અંગે પણ વિચારણા થવી જોઈએ.


અધ્યાપકની ફરજ છે કે તે વિષયવસ્તુને એવા સરળ અને સળંગ ક્રમમાં રજૂ કરે કે જેથી અધ્યેતા નવું જ્ઞાન માળખું સરળતાથી રચી શકે.

  • સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.
જ્ઞાનનું નવું માળખું અને પૂર્વજ્ઞાનના માળખા વચ્ચે સંયોજનની વિધિ આ તબક્કે કરવાની થાય છે. આથી શિક્ષક નવા જ્ઞાન માળખાને વધુ સ્પષ્ટ, સ્વચ્છ અને સ્થિર કરે છે ( સ્થિર એટલે દઢ ) અહીં તે જ્ઞાન માળખાને પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજિત કરવાના કૌશલોને વિકસાવવા મથે છે. એટલે કે વિવેચનાત્મક વિચાર કૌશલ વિકસાવે છે; રૂપાંતરણ કૌશલ વિકસાવે છે. જ્ઞાન અને અનુભવનું અભિસંધાન કૌશલ કેળવે છે.

આ અધ્યાપન પ્રતિમાનમાં અધ્યેતા નવી માહિતી મેળવનાર નવું જ્ઞાન ધારણ કરનારની ભૂમિકામાં છે, જયારે શિક્ષક જ્ઞાન માળખાની રચનામાં અને તેના પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજન કરવામાં માર્ગદર્શક, સહાયકની ભૂમિકા ભજવે છે. આ માટે તે જ્ઞાનનું વર્ગીકરણ કરી તેમાંથી સંકલ્પના, તથ્યો અને સિદ્ધાંતોને તારવે છે. ત્યારબાદ તેમની ક્રમિક રજૂઆતની યોજના ઘડે છે, સીકરણો માટે જરૂરી ઉદાહરણ, દ્રષ્ટાંતો શોધી એકઠાં કરે છે. પછી જ્ઞાનની ક્રમિક ગોઠવણી કરે છે અને છેવટે પૂર્વાનુભવ જોડે નવા જ્ઞાનને સાંકળવા સક્રિય બને છે.

જયારે અધ્યેતા રજૂ થતા જ્ઞાનને પોતાની રીતે ગ્રહણ કરી માળખાગત કરે છે. માળખામાં સુધારો - વધારો કરે છે અને પછી પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજે છે.
  • શિક્ષકની ભૂમિકા
શિક્ષકની ભૂમિકા - એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડલના અમલ દરમિયાન શિક્ષક નીચેનાં કાર્યો કરે છે. :

  1. તે નક્કી કરે છે કે કયા ખ્યાલ, સિદ્ધાંત કે ઘટના સાથે નવા અધ્યયન વસ્તુને જોડવું.
  2. અધ્યયન વસ્તુની ક્રમિક ગોઠવણી કરે છે .
  3. અધ્યયન વસ્તુ રજૂ કરે છે.
  4. પ્રવર્તમાન જ્ઞાન અને નવા અધ્યયન વસ્તુ વચ્ચેની ભિન્નતા, સંઘર્ષ અને સમાનતા રજૂ કરે છે.
  5. નવા અધ્યયન વસ્તુનું અધ્યેતાના વ્યક્તિગત અનુભવના સંદર્ભમાં રૂપાંતર કરે છે.

સામાજિક તંત્ર

સમગ્ર મૉડલના અમલ દરમિયાન એકંદરે શિક્ષક વધુ પ્રભાવી છે. પ્રથમ બે સોપાનો દરમિયાન શિક્ષક રજૂઆત કરે છે. અર્થાત શિક્ષક વધુ સક્રિય છે. આંતરક્રિયા ઓછી છે. ત્રીજા સોપાન દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા વધે છે. આ તબક્કે વિદ્યાર્થી પ્રશ્નો પૂછીને કે વિવેચન કરીને શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા શરૂ કરે છે.

  • પ્રતિચારના નિયમો / મૂલ્યાંકન

વિદ્યાર્થીમાં અધ્યયન વસ્તુનો અર્થ સ્પષ્ટ કરવા, પ્રવર્તમાન જ્ઞાન સાથેના તફાવતનું સમાધાન કરવા, પોતાના અનુભવો સાથે સંબંધિતતા સ્થાપવા, અને વિવેચનાત્મક અભિગમ વિકસાવવાના સંદર્ભમાં વિદ્યાર્થીને પૂછેલા પ્રશ્નોના સંદર્ભમાં વિદ્યાર્થીઓની ક્રિયાઓને સ્વીકૃતિ કે અસ્વીકૃતિ આપવામાં આવે છે. અધ્યયન વસ્તુનો અર્થ સમજવા વિદ્યાર્થી પ્રશ્નો પૂછે છે. જો વિદ્યાર્થી પ્રશ્ન ન પૂછે તો તેને માટે શિક્ષક દ્વારા પ્રેરિત કરવામાં આવે છે.

16 October 2021

હર્બટેની સ્મૃતિસ્તરનું પ્રતિમાન

હર્બટેની સ્મૃતિસ્તરનું પ્રતિમાન




સ્મૃતિ સ્તરનું અધ્યાપન મોડલ સમજાવનાર હર્બટ છે માટે તેને હર્બાડિયન મૉડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે સ્મૃતિ સ્તરનું મૉડલ આ મુજબ સમજાવ્યું છે.


કેન્દ્રબિંદુ / હેતુ :

  • હકીકતોને યાદ રાખવા પર ભાર આપવો અને નિખ લિખિત ક્ષમતાઓનો વિકાસ કરવો.
  • માનસિક કાર્યની તાલીમ
  • હકીકતો વિશેનું જ્ઞાન પ્રદાન કરવું.
  • શીખેલી હકીકતોનું ધારણ કરવું.
  • શીખેલી હકીકતોને પુનઃ સ્મરણમાં લાવવું અને પુનઃ ૨જૂ કરવું.

સંરચના : હર્બાટે સ્મૃતિ સ્તરના અધ્યાપનને પાંચ સોપાનોમાં વિભાજિત કર્યું હતું હે હર્બાટેની પંચપદી તરીકે પ્રચલિત બન્યું. શિક્ષક આ પાંચ સોપાનોને અનુસરીને વર્ગમાં સ્મૃતિ સ્તરનું અધ્યાપન માટે વાતાવરણ સર્જી શકે. આ સોપાનો આ મુજબ છે.


1. તૈયારી અને હેતુકથન

વિષયાભિમુખ એ સૌ પ્રથમ સોપાન છે. આ સોપાને શિક્ષક અધ્યતાઓને કેટલાક પ્રશ્નો પૂછે છે અને તેમનું પૂર્વજ્ઞાન જાણવા પ્રયત્ન કરે છે. તે સાથે જ કેટલાક એવા પ્રશ્નો પણ પૂછે છે જેથી અધ્યેતાઓ નવા જ્ઞાન માટે જિજ્ઞાસુ બને. ત્યારબાદ શિક્ષક અધ્યેતાઓને ધીમે ધીમે શીખવાના મુખ્ય મુદ્દા તરફ લઈ જાય છે. એકવાર અધ્યેતાઓના મનમાં શીખવાના વિષયવસ્તુ અંગે સ્પષ્ટતા થઈ જાય પછી શિક્ષક તેમને વિષયાંગ જણાવે છે અને ચાક ફલક પર નોંધે છે.


2. રજૂઆત :

આ સોપાને શિક્ષક અધ્યેતાઓ સમક્ષ નવું વિષયવસ્તુ રજૂ કરે છે. આ રજૂઆત સમયે શિક્ષક અધ્યેતાઓની માનસિક પ્રવૃત્તિને ઉત્તેજે છે. શિક્ષક પ્રયત્ન કરે છે કે મોટાભાગની હકીકતો તે અધ્યેતાઓ પાસેથી પ્રાપ્ત કરે જેથી પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે એક સેતુ રચાય. શિક્ષક મુખ્ય મુદ્દાથી જરા પણ વિચલિત થતા નથી. આ સોપાને જેનું મૂલ્યાંકન થઈ શકે તેવું જ્ઞાન શિક્ષક અધ્યેતાઓને આપે છે.

3. તુલના અને જોડાણ :

આ સોપાન શિક્ષક તુલના થકી બે વિષયો, હકીકતો કે ઘટનાઓ વચ્ચે સંબંધ ઊભો કરે છે. આમ કરવાથી અધ્યેતાઓના મનમાં અધ્યયન સામગ્રી પર જાય છે તથા કાયમી ધોરણે અધ્યેતાના મનમાં તે અંકાય જાય છે.


4. સામાન્યીકરણ :

વિષયવસ્તુની પ્રાથિમક માહિતી પૂરી પાડ્યા પછી શિક્ષક અધ્યેતાઓને વિચારવાની તક આપે છે. તે કે કેવી રીતે પ્રાપ્ત હકીકતો અને માહિતીના આધારે નવા નિયમો અને સિદ્ધાંતો રચી શકાય. આ સોપાને અધ્યેતાઓ ભવિષ્યમાં વાસ્તવિક જીવનમાં ઉપયોગી બને તેવા નિયમો અને સિદ્ધાંતો રચે છે.


5. ઉપયોગ :

આ હર્બટની પંચપદીનું અંતિમ સોપાન છે. આ સોપાને અધ્યેતાઓ શીખેલા જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરે છે. વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવાથી અધ્યેતા તારવેલા નિયમો કે સિદ્ધાંતોની ચકાસણી કરી લે છે અને વિષયવસ્તુ આજીવન યાદ રાખી શીખવે લે છે.

સામાજિક પ્રણાલી :

સ્મૃતિ સ્તરનાં અધ્યાપનમાં શિક્ષક તેમના અધ્યેતાઓ પર હાવી થતો જોવા મળે છે. અધ્યેતાઓને લગભગ કોઇપણ પ્રકારની સ્વતંત્રતા મળતી હોતી નથી. તેઓ પોતાની જાતને રજૂ કરી શકતા નથી. આના પરિણામે અધ્યેતાઓ માત્ર નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. અહીં તમામ પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા હાથ ધરાય છે અને અધ્યેતાઓએ તે આદર્શ ગણી સ્વીકારવાની હોય છે. અહીં શિક્ષક પ્રથમ અને અધ્યેતા દ્વિતીય સ્થાન ધરાવે છે તેમ કહી શકાય. શિક્ષકનું કાર્ય વિષયવસ્તુની રજૂઆત કરવાનું, અધ્યતાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનું અને પ્રેરણા આપવાનું છે.

સહાયક મૂલ્યાંકન પ્રણાલી :

સ્મૃતિ સ્તરમાં તેના નામ પ્રમાણે સ્મૃતિ પર જ ભાર આપવામાં આવે છે. જેથી આ સ્તરના અધ્યાપનના મૂલ્યાંકનમાં મૌખિક અને લેખિત એમ બંને પ્રકારની પરીક્ષાઓને સ્થાન છે. તેમાં વસ્તુલક્ષી કે નિબંધ પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે. અધ્યેતાઓ કેટલા સાચા ઉત્તરો આપે છે તે મહત્ત્વનું હોય છે.

13 October 2021

મૅક્સ વર્ધીમર

મૅક્સ વર્ધીમર 

વર્ધીમર મૅક્સ (જ. 15 એપ્રિલ 1880, પ્રાગ ચેકોસ્લોવૅકિયા; અ. 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમદૃષ્ટિવાદના મુખ્ય પ્રવર્તક. મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્ધીમર મૅક્સનું નામ જાણીતું છે. રચનાવાદ, કાર્યવાદ તેમજ સાહચર્યવાદમાંથી કોઈ પણ સંપ્રદાયે પ્રત્યક્ષ જ્ઞાન સંબંધી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને અભ્યાસ કર્યો ન હતો; પણ સમદૃષ્ટિવાદી મનોવિજ્ઞાને (Gestalt psychology) સૌપ્રથમ પ્રત્યક્ષ જ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એનો સઘળો યશ આ સંપ્રદાયના સ્થાપક વર્ધીમર મૅક્સના ફાળે જાય છે.


તેમનું કુટુંબ પ્રાગ શહેરમાં બૌદ્ધિક વર્ગમાં અગ્રેસર ગણાતું હતું. તેમના નાના એક કૉમર્શિયલ સ્કૂલના નિયામક હતા. તેમના પિતા કેળવણીકાર હતા. ઈ. સ. 1890 થી ઈ. સ. 1898 સુધી પ્રારંભિક શિક્ષણ પ્રાગમાં લીધું હતું. એ પછી 1901 સુધી પ્રાગ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1901 થી 1904 સુધી પ્રાગ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1904માં વુઝબર્ગ યુનિવર્સિટીમાંથી મનોવૈજ્ઞાનિક ડૉ. કુલ્પેના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. પીએચ.ડી.નો તેમનો વિષય ‘ધી ઇન્વેસ્ટિગેશન ઑવ્ ક્રેડિટેબિલિટી (ક્યુ.બી.) ઇન ધ સેન્સ ઑવ્ ધ ડિટેક્શન ઑવ્ ધ ગિલ્ટી નૉલેજ’ એ હતો.

ઈ. સ. 1905-12 સુધી તેમણે કોઈ પણ જાતના અગાઉથી નિયત કરેલ વળતર વગર પ્રાગ, બર્લિન અને વિયેના યુનિવર્સિટીમાં શૈક્ષણિક હોદ્દાઓ પર રહી મનોવૈજ્ઞાનિક સંશોધનો કર્યાં.

બચપણથી જ મૅક્સ વર્ધીમર ગણિત, વિજ્ઞાન, તત્વજ્ઞાન, સાહિત્ય અને સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવતા હતા. તેઓ વાયોલિન અને પિયાનો વગાડતા હતા. સંગીતની મૌલિક તરજ પણ તેઓ સર્જતા. સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ ઘણાં લખાણમાં મૂકેલાં ઉદાહરણોમાં જોવા મળે છે. યુવાવયે તેઓ સાહિત્ય તરફ વળ્યા હતા. તેઓ કાવ્યસર્જન પણ કરતા. પ્રાગના સાહિત્યવર્તુળમાં તેઓ સક્રિય રહેતા. તત્વચિંતક બારૂચ બેનીડિક્ટ સ્પિનોઝા(16321677)થી તેઓ પ્રભાવિત હતા. તેમની વિચારધારા પર સ્પિનોઝાના તત્વજ્ઞાનની ઘેરી અસર જોવા મળે છે.

ઈ. સ. 1910થી 1916 દરમિયાન ફ્રૅન્કફર્ટ ખાતે વુલ્ફ ગગ કોહલર અને કર્ટ કોફ્કા સાથે ગૅસ્ટાલ્ટ થિયરી અને ગૅસ્ટાલ્ટ લૉ સંબંધી પ્રાયોગિક સંશોધનો કર્યાં. ઈ. સ. 1916થી ઈ. સ. 1929 સુધી તેમણે બર્લિન યુનિવર્સિટીમાં ‘પ્રાયવેટડોઝન્ટ’ (privatdozent) તરીકે સેવાઓ આપી હતી. ઈ. સ. 1929થી ઈ. સ. 1933 સુધી નાઝીવાદથી બચવા ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે કામ કર્યું. ઈ. સ. 1933માં ચેકોસ્લોવૅકિયા થઈને તેઓ ન્યૂયૉર્ક સિટીમાં આવેલી ‘ધ યુનિવર્સિટી ઇન એક્સાઇઝ’માં ‘ન્યૂ સ્કૂલ ઑવ્ સોશિયલ રિસર્ચ’ સંસ્થામાં જોડાયા. ત્યાં તેમણે મૃત્યુ સુધી (1943) કામ કર્યું.

સમદૃષ્ટિવાદનાં બીજ ફ્રૅન્કફર્ટમાં રોપાયાં હતાં અને બર્લિનમાં તેનો વિકાસ થયો હતો. 1910માં મૅક્સ વર્ધીમર ઉનાળાની રજાઓમાં ટ્રેન દ્વારા પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે રેલવે-ટ્રેનમાં પસાર થતાં ગતિના પ્રત્યક્ષીકરણ વિશે મંથન ચાલ્યું. આગળનો પ્રવાસ અટકાવી તેઓ ફ્રૅન્કફર્ટ સ્ટેશને ઊતરી ગયા. ત્યાં એક રમકડાંની દુકાનમાંથી સ્ટ્રોબોસ્કૉપ નામનું બાળકોને પ્રિય એવું રમકડું ખરીદ્યું. આ રમકડા દ્વારા ફ-પ્રતિભાસ(Phi-phenomenon)નો અભ્યાસ કર્યો. મૅક્સ વર્ધીમરના ગૅસ્ટાલ્ટ મનોવિજ્ઞાનનો આધારસ્તંભ આ ફ-પ્રતિભાસનો પ્રયોગ છે. વર્ધીમરે આ રમકડાની મદદથી પ્રયોગ માટે એક ઊભી રેખામાં 20°થી 30°ના ખૂણા પર પ્રથમ એક કાણામાંથી અને પછી બીજા કાણામાંથી પ્રકાશ ફેંક્યો અને પ્રકાશની ગતિનો અનુભવ કર્યો. આ પ્રયોગ દ્વારા જાણવા મળ્યું કે જ્યારે બે વારાફરતી પ્રકાશ ફેંકવાની વચ્ચે સમયનું અંતર 60 મિલિ હતું ત્યારે પ્રકાશ એક સ્થાનેથી બીજા સ્થાને કૂદકા મારી ખસતો હોય, એટલે કે ગતિ કરતો લાગતો હતો. જ્યારે સમયનું અંતર 30 મિલિ કરવામાં આવ્યું, ત્યારે બંને સ્થાન પર એકસાથે પ્રકાશ થતો હોય એવું લાગ્યું. મૅક્સ વર્ધીમરે આ સમગ્ર ઘટનાને ‘ફ’ પ્રતિભાસ એવું નામ આપ્યું. આ પ્રયોગ મૅક્સ વર્ધીમર માટે અને સમદૃષ્ટિવાદી મનોવિજ્ઞાન માટે એક સંપ્રદાયના રૂપમાં વિકાસ પામ્યો. આ પ્રયોગથી પ્રત્યક્ષીકરણના વિસ્તૃત અભ્યાસનો આરંભ થયો; પ્રત્યક્ષીકરણનાં સંગઠનો રચતા ઘટકોનો અભ્યાસ થયો. સામીપ્ય, સમાનતા, અવકાશપૂર્તિ, સુંદર આકાર, સાતત્ય, પરિચિતતા તથા સમાવેશકતાના નિયમોની સમજૂતી ગૅસ્ટાલ્ટ સંપ્રદાયે ભૌતિક વિજ્ઞાનના નિયમોને આધારે સમજાવી. આમ, વૈજ્ઞાનિક તથ્યોને આધારે પ્રાયોગિક સમજૂતી આપવાનું કામ આ સંપ્રદાયે કર્યું છે.

મૅક્સ વર્ધીમરે સર્જનાત્મક વિચારણાનો પણ અભ્યાસ કર્યો છે. તેમની પ્રમુખ રચનાઓમાં ‘એ સોર્સબુક ઑવ્ ગૅસ્ટાલ્ટ સાઇકૉલોજી’ (1938); બિયર્ડસાલ ડી. સી. સાથે સંપાદિત ‘રિડિંગ્ઝ ઇન પર્સેપ્શન’ (1958) અને અનસેન આર. એન. સાથે સંપાદિત ‘ફ્રીડમ ઇટ્સ મિનિંગ’ (1940) તથા ‘સોશિયલ રિસર્ચ જર્નલ’(1935)માં પ્રકાશિત ‘સમ પ્રૉબ્લેમ્સ ઇન ધ થિયરી ઑવ્ એથિક્સ’નો સમાવેશ થાય છે. તેમણે ‘Psychologische Forschung’ નામનું સામયિક શરૂ કર્યું હતું. તેમના મૃત્યુ પછી તેમની હસ્તપ્રતોને આધારે ‘પ્રોડક્ટિવ થિંકિંગ’ નામનું પ્રખ્યાત પુસ્તક 1945માં પ્રકાશિત થયું. તેની બીજી આવૃત્તિ તેમના પુત્ર માઇકલ વર્ધીમરે ઈ. સ. 1959માં પ્રકાશિત કરી હતી.

મૅક્સ વર્ધીમરે પ્રત્યક્ષ જ્ઞાન સંબંધી અભ્યાસ કર્યો અને ચાક્ષુષ પ્રત્યક્ષ જ્ઞાનના ક્ષેત્રે મહત્વપૂર્ણ નિયમો આપ્યા. રચનાવાદ, કાર્યવાદ અને સાહચર્યવાદથી મનોવિજ્ઞાનને મુક્ત કરવાનો ભગીરથ પ્રયત્ન તેમણે કર્યો તથા સમદૃષ્ટિવાદી વિચારધારાથી મનોવિજ્ઞાનને પ્રભાવિત કર્યું.

શાંતિલાલ છ. કાનાવાલા