Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

22 June 2022

વિભ્રમ (અં. hallucination)

વિભ્રમ (અં. hallucination)

વિભ્રમ (અં. hallucination) : માત્ર વિચારની કક્ષાએ અનુભવાતી વસ્તુઓ કે ઘટનાઓને ખરેખરી વસ્તુ કે ઘટના તરીકે સ્વીકારી લેવાની ભૂલભરેલી જ્ઞાનાત્મક ક્રિયા. જેને માટે કોઈ બંધબેસતા બાહ્ય ઉદ્દીપનનો આધાર હોતો નથી એવું ખોટું પ્રત્યક્ષ જ્ઞાન; દા.ત., વાતાવરણ તદ્દન શાંત હોવા છતાં અવાજો ‘સાંભળવા’, જે ખરેખર હાજર જ નથી એવી વસ્તુઓ કે ઘટનાઓ ‘જોવી’, કે ચામડી સાથે કોઈ પણ વસ્તુનો પ્રત્યક્ષ સંપર્ક થયા વગર જ ‘સ્પર્શ’ અનુભવવો, વગેરે. વિભ્રમમાં અનુભવાતું જ્ઞાન વાસ્તવિક પરિસ્થિતિમાંથી નહિ પણ વ્યક્તિના મનમાંથી ઉદ્ભવેલું હોય છે.


મોટાભાગના વિભ્રમો માનસિક રીતે વિકૃત વ્યક્તિઓને થાય છે, પણ કદી કદી માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પણ વિભ્રમ અનુભવે છે.

વિભ્રમની અવસ્થા થોડી મિનિટોથી માંડીને કેટલાંક સપ્તાહો સુધી ટકે છે. વિભ્રમિત વ્યક્તિ જે અનુભવે છે તેને સાચું માનીને તેના સંબંધમાં ક્રિયા પણ કરે છે; દા.ત., (1) વ્યક્તિને સામેની ભીંતમાંથી કોઈ માણસ છરો લઈને આવતો દેખાય એટલે તે ચીસ પાડી ઊઠે છે; તેને એ માણસનો (કલ્પિત) હુકમ સંભળાય એટલે કબાટની ચાવી લાવીને તેને આપતો હોય એમ આગળ ધરે છે. (2) ભૂતકાળમાં કોઈનું ખૂન કરનાર વ્યક્તિને (ખરેખર ચોખ્ખા હોવા છતાં) પોતાના હાથ લોહીથી ખરડાયેલા દેખાય છે. તેથી એ ‘ડાઘા’ને કાઢી નાખવા માટે વારંવાર પોતાના હાથ ધોયા કરે છે.

વિભ્રમનો અનુભવ ભ્રમ (અં. ઇલ્યૂઝન) કરતાં જુદો હોય છે. બાહ્ય જગતમાં વસ્તુ ખરેખર હાજર હોય, પણ તેનું સ્વરૂપ ઓળખવામાં જે ભૂલ થાય એને ભ્રમ કહે છે; દા.ત., જમીન પર ગૂંચળું વળીને પડેલા દોરડાને સાપ તરીકે જોવો, કે ઍલ્યુમિનિયમના ગોળ ચળકતા ટુકડાને રૂપિયાના સિક્કા રૂપે જોવો એ ભ્રમ છે. વિભ્રમમાં તો બહારના પર્યાવરણમાં તે વસ્તુ, કે તેના જેવી બીજી કોઈ વસ્તુ પણ હાજર હોતી જ નથી, છતાં ‘તે વસ્તુ હાજર છે’ એવો વ્યક્તિને અનુભવ થાય છે.

વિભ્રમો અનેક પ્રકારના થાય છે. અવાસ્તવિક દૃશ્યોનો વિભ્રમ, ધ્વનિતરંગની ગેરહાજરીમાં અવાજ સંભળાવાનો વિભ્રમ કે ખરેખર જેનું અસ્તિત્વ નથી એવા ગંધ, સ્વાદ કે સ્પર્શના અનુભવનો વિભ્રમ. કેટલાક વિભ્રમો અસ્પષ્ટ હોય છે; જેમ કે, ‘રાતે મને ભૂત જેવું કંઈક દેખાયું.’ (વ્યક્તિ તેનાં કદ, આકાર કે દેખાવ વિશે કોઈ વિગત આપી શકતી નથી.) બીજા વિભ્રમો વિગતથી ભરપૂર હોય છે, જેમાં દેખાયેલી વસ્તુનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. કેટલાક વિભ્રમોમાં વ્યક્તિને પોતાની ટીકા કરતા કે પોતાને ધમકાવતા અવાજો સંભળાય છે. કેટલાક વિભ્રમોમાં તે પોતાના ઉપર ગુનાનો આરોપ મૂકતા, તો બીજા વિભ્રમોમાં તે પોતાને કોઈ ક્રિયા કરવાના આદેશરૂપ અવાજો સાંભળે છે. મોટાભાગના વિભ્રમો દુ:ખદ અને ત્રાસદાયક હોય છે; પણ અપવાદ રૂપે કેટલાક વિભ્રમોમાં વ્યક્તિ રાહત, આરામ કે પોતાની ઇચ્છાઓનો સંતોષ પણ અનુભવે છે.

વિભ્રમ થવાનાં વિવિધ કારણો હોય છે. 

શારીરિક કારણોમાં સંવેદનવંચિતતા, થાક, મદ્યપાનનો નશો કે એલ.એસ.ડી. કે મેસ્કેલાઇન જેવા નશીલા પદાર્થોના સેવનનો સમાવેશ થાય છે. કૅનેડાની મેકગિલ યુનિવર્સિટીમાં થયેલા પ્રયોગો સૂચવે છે કે દિવસોના દિવસો સુધી જે માણસની જ્ઞાનેન્દ્રિયોને કોઈ નોંધપાત્ર ઉદ્દીપન ન મળે તેને વિભ્રમો થાય છે. મોટા મસ્તિષ્કના સંવેદક વિસ્તારમાં ગાંઠ કે સિફિલિસજન્ય બીજી વિકૃતિ ઊપજવાને લીધે પણ વિભ્રમ થાય છે. ટાઇફૉઇડ, યુરેમિયા, ન્યૂમોનિયા, ડિપ્થેરિયા કે પર્નિશિયસ એનિમિયા જેવા દૈહિક રોગોના કેટલાક કિસ્સાઓમાં પણ વિષજન્ય વિભ્રમો થાય છે. મોં વાટે ઝેરી ધાતુનાં સંયોજનો પેટમાં જવાથી કે ઝેરી વાયુઓ ફેફસાંમાં જવાથી પણ વિભ્રમ થઈ શકે. વૃદ્ધત્વ અંગેની મનોવિકૃતિના કેટલાક દાખલામાં વિભ્રમો નોંધાયા છે.

માનસિક કારણો : જે માણસને કલ્પનાના તરંગોમાં જ રાચવાની અને આખો દિવસ દીવાસ્વપ્નો જોવાની ટેવ પડી ગઈ હોય તેને વિભ્રમો થાય છે. સ્વપ્નાવસ્થા દરમિયાન (ઊંઘમાં) કલ્પનાના તરંગો ઉપર વિવેકબુદ્ધિનું નિયંત્રણ ન હોવાથી ઘણાં સ્વસ્થ લોકોને પણ વિભ્રમ થાય છે. ઇચ્છાપૂરક વિચારોનો અતિરેક કરવાથી પણ વિભ્રમ ઊપજે છે. પ્રક્ષેપણ જેવી બચાવ-પ્રયુક્તિઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી વિભ્રમ થાય છે. તીવ્ર આવેગોમાંથી ઊપજતી વ્યાકુળતાને લીધે પણ વિભ્રમો થાય છે. દમન કરવા છતાં પોતાની તીવ્ર જાતીય ઇચ્છા વિસ્ફોટ રૂપે પ્રગટ થઈ જશે એવો ભય અનુભવતી વ્યક્તિ પણ વિભ્રમનો ભોગ બને છે. પોતે કરેલા અપરાધની લાગણી અસહ્ય બને ત્યારે પણ વિભ્રમ થાય છે. વિભ્રમો એ છિન્ન વ્યક્તિત્વ કે ઉન્મત્ત-ખિન્ન મનોવિકૃતિ જેવા માનસિક રોગોનું એક અગત્યનું લક્ષણ છે.

કેટલાક વિભ્રમિત માણસો તીવ્ર ઉદ્વેગને કારણે બીજાઓ ઉપર અથવા પોતાની જાત ઉપર પણ હુમલો કરી ઈજા કરી બેસે છે. વિભ્રમ દરમિયાન તેને પોતે ચોક્કસ કઈ જગ્યાએ છે, અને તે વખતે કેટલો સમય થયો છે તેનું ભાન રહેતું નથી. કેટલીક વિભ્રમિત વ્યક્તિઓને પોતાનો આત્મા શરીરમાંથી બહાર નીકળતો હોય એવો અનુભવ પણ થાય છે.

મોટાભાગના વિભ્રમના દર્દીઓની સફળ સારવાર રેસપોઇન અને ક્લોરપ્રોમેઝીન જેવાં ઔષધો વડે થાય છે. એના નિયમિત ઉપયોગથી આશરે 15 દિવસમાં વિભ્રમો કાબૂમાં આવી જાય છે.

ચન્દ્રાંશુ ભાલચંદ્ર દવે

17 June 2022

પાયરોમેનિયા: એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર, જે તરુણો અને યુવાનોમાં સતત સ્ટ્રેસ અને ભયથી વધ્યો છે

પાયરોમેનિયા: એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર, જે તરુણો અને યુવાનોમાં સતત સ્ટ્રેસ અને ભયથી વધ્યો છે



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને જાદવ તૌફીકે વાલીઓ, યુવાનો, તરુણો ઍમ કુલ 940 વ્યક્તિઓને રૂબરૂ મળીને સર્વે કર્યો છે. આ સર્વેનું પરિણામ બતાવે છે કે, તરુણો અને યુવાનોમાં પાયરોમેનિયાના લક્ષણો આ લોકડાઉન અને કરફ્યુની સ્થિતિમાં વધ્યા છે
  • 36 ટકા યુવાનોમાં આવેગ પર નિયંત્રણનો અભાવ જોવા મળ્યો છે
  • 54 ટકા તરુણમાં હળવાથી વધુ લક્ષણો જોવા મળ્યા છે
  • યુવાનો અને તરુણોમાં કરફ્યુમાં પાયરોમેનિયાના લક્ષણો વધ્યા છે
રાજકોટ: કેટલાક તરુણો અને યુવાનોને કારણ વગરની મારામારી કે ગાળાગાળી કરતા આપણે જોયા છે. આ કુસંસ્કાર કરતા માનસિક બીમારી વઘુ છે. કાચ ફોડતી ગેંગ, વાહનની કતાર હોય તેને પાડીને આનંદ લેતા તરુણો, કોઈના ઘરના કાચ તોડવાની વૃત્તિ વગેરે આવેગ નિયઁત્રણ વિકૃતિઓ છે.

છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરુણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે

છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરુણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને જાદવ તૌફીકે વાલીઓ, યુવાનો, તરુણો મળીને કુલ 940 વ્યક્તિઓનો સર્વે કર્યો છે. આ સર્વેનું પરિણામ બતાવે છે કે, તરુણો અને યુવાનોમાં પાયરોમેનિયાના લક્ષણો આ લોકડાઉન અને કરફ્યૂની સ્થિતિમાં વધ્યા છે. 36 ટકા યુવાનોમાં આવેગ પર નિયઁત્રણનો અભાવ જોવા મળ્યો છે, જયારે 54 ટકા તરુણોમાં પાયરોમેનિયાના હળવાથી વઘુ લક્ષણો જોવા મળ્યા છે.

પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે

પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે, જે પરિણામોને ધ્યાનમાં લીધા વિના હાનિકારક અથવા ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી પાયરોમેનિયાના ધરાવતા વ્યક્તિમાં હોય છે. પાયરોમેનીયાને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -5)માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે આવેગ નિયંત્રણ વિકાર છે.

કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે

જ્યારે કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે. કેટલાક લોકો કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે એક માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર)છે, જેને મનોવિજ્ઞાનમાં પાયરોમેનિયા કહે છે. પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે.

જે ડિસઓર્ડરથી પીડાય છે તેમના માટે કામ કરવું મજબૂરી બની જાય છે

વિશેષ બાબત એ છે કે, જે લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે, તે કામ કરવું તેમના માટે મજબૂરી બની જાય છે. જો તેઓ આ કામ ન કરે અથવા કામ કરવાનું બંધ કરે તો બેચેની, ગભરાહટ, અનિચ્છનીય વિચારો આવવા લાગે છે, તેથી મજબૂરીમાં તે કામ કરે છે અને તે વ્યક્તિ સમજે છે તે કામ કરવું જોખમી હોય શકે છે તેમજ તે કરી રહ્યું છે તે ખોટું છે તે જાણતા હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી અને તક મળે એટલે તરત કંઇપણ બાળી નાખે છે. જો કે, પીડિત વ્યક્તિ વારંવાર એવું નહીં કરે, કરવાના વિચારો તેના મગજ તરફથી મળતા હોય છે.

પાયરોમેનિયા ધરાવતા લગભગ 90 ટકા વ્યક્તિઓ યુવાન પુરુષો છે

- લક્ષણો તરુણાવસ્થા દરમિયાન શરૂ થઈ શકે છે અને પુખ્તાવસ્થા સુધી અથવા ત્યાં સુધી ચાલે છે.
- પાયરોમેનિયાની શરૂઆત 3 વર્ષની ઉંમરે થઈ શકે છે.

પાયરોમેનિયાના કારણો

જે આવેગાત્મક સમસ્યાઓથી પીડાય છે અને વ્યક્તિગત રીતે ભૂતકાળમાં કેટલીક બાબતોને લઈને હતાશા, ચિંતા, ડિપ્રેશનનો ભોગ બનેેલા હોય છે, તેના કારણે વ્યક્તિમાં રોષ પેદા થાય છે. આ અવ્યવસ્થામાં, અસંતોષકારક વ્યક્તિત્વની હાજરી પ્રવર્તતી રહે છે તેમજ સરેરાશથી આઇક્યુ ઓછો હોવો,(જો કે આ બધા કિસ્સાઓમાં સાચું નથી). બાળપણમાં દુર્વ્યવહારનું ભોગ બનવું, જાતીય શોષણનો ભોગ બન્યા હોય, ઉચ્ચ સ્તરે હતાશા, આવેગ નિયંત્રણનો અભાવ, હીનતાભાવ, પોતાના મૂલ્યને વધારવાની તીવ્ર ઈચ્છા, માનસિક અસ્વસ્થ હોવું, મગજના રસાયણો, વધુ સમય તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો અથવા આનુવંશિકતાના કેટલાક અસંતુલનને સંબંધિત હોઈ શકે છે.

સંશોધનના આધારે વિવિધ કારણો જાણવા મળે છે

સંશોધનોના આધારે કેટલાંક કારણો જાણવા મળે છે. જેમ કે, ડ્રગ્સનો દુરૂપયોગ, સામાજિક કુશળતા અથવા બુદ્ધિ ખામી, હેતુપૂર્વક એક કરતા વધારે જગ્યા પર આગ લગાડવી, આગ લગાડતા પહેલા તીવ્ર તણાવની સ્થિતિ, આગ લગાડીને અથવા આગ જોઈને આનંદનો અનુભવ કરવો, એક પ્રકારના લાભ મેળવવા (પૈસાની જેમ), વૈચારિક કારણોસર ગુસ્સો અથવા વેર વ્યક્ત કરવા, અન્ય ગુનાહિત કૃત્યને આવરી લેવા, પોતે અન્યથી અલગ છે તેવું બતાવવા, અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર બનવા.

ફ્રન્ટલ લૉબ અને ઓરબીટોફ્રન્ટલ કોર્ટેક્સ વર્તન અવરોધવાની પ્રક્રિયાને અસર કરે છે

ન્યુરોબાયોલોજીકલ સ્તરે જોઈએ તો, મગજમાં રહેલો ન્યુરોટ્રાન્સમીટર્સ જેમકે, સેરોટોનિન અને ડોપમાઇન અને પ્રમાણ ઘટવું, તેવી જ રીતે, આવેગો અને લાગણીઓના સંચાલનને કારણે ટેમ્પોરલ લોબ અને લિમ્બીક સિસ્ટમમાં અવ્યવસ્થા, અને ફ્રન્ટલ લોબ અને ઓર્બિટોફ્રન્ટલ કોર્ટેક્સ જે વર્તન અવરોધવાની પ્રક્રિયાને ખાસ અસર કરે છે.

આવેગ નિયંત્રણ અને મનોચિકિત્સા

આવેગ નિયંત્રણ, આત્મ-નિયંત્રણ કરવુ, મનો-શિક્ષણ, સમસ્યા હલ કરવાની કુશળતા, આંતરવ્યક્તિત્વપૂર્ણ સંચાર વ્યૂહરચના શીખવી અને ક્રોધ, ગુસ્સાનું નિયમન કરવું, સંઘર્ષનું નિરાકરણ જલ્દી લાવવું, કેટલાક કિસ્સાઓમાં, મનોરોગ ચિકિત્સાને ડ્રગ થેરેપી સાથે જોડી ઇમ્પલ્સ નિયંત્રણના અભાવની સારવાર આપવામાં આવે છે.

સારવાર

પિરોમેનીયા એ એક દુર્લભ વિકાર છે. તેમની સારવાર મુખ્યત્વે બોધનાત્મક-વર્તણૂકીય ઉપચાર, મનોવૈજ્ઞાનિક વર્તન સુધારણા તકનીકીઓ, વિરોધાભાસી નિરાકરણ તકનીકીઓ, તણાવના સ્તરની સ્વ-તપાસ અને ડીપ મસલ્સ રિલેક્શન ટેક્નિક, આ તકનીકો વ્યક્તિની સમસ્યાઓનો સામનો કરવામાં મદદરૂપ બને છે અને કેટલીક વખત એન્ટીડિપ્રેસન્ટ્સ, જેમ કે પસંદગીયુક્ત સેરોટોનિન રીઅપપેક ઇન્હિબિટર (એસએસઆરઆઈ) ચિંતા વિરોધી દવાઓ(એસિઓલિઓટીક્સ),એન્ટિપાયલેપ્ટિક દવાઓ આપવી પડે છે તેમજ યોગ, ધ્યાન, પ્રાણાયામ પણ મદદરૂપ બની રહે છે.

05 June 2022

ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ...2022

 ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ...2022

ધો .10 ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 



                  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૦ ના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૬ /૦૬/૨૦૨૨ નાં રોજ સોમવારે સવાર 8 કલાકે  બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન




 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "

                                                            - ડો.જીજ્ઞેશ વેગડ

03 June 2022

ધોરણ: -૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ...૨૦૨૨

 ધોરણ: -૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ...૨૦૨૨


ધો .૧૨  સામાન્ય પ્રવાહના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 



         
                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ , ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૪/૦૬/૨૦૨૨નાં રોજ શનિવારે સવારે 8 કલાકે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રીઝલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રીઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.



ઓફિસિયલ નોટિફિકેશન 





 ધોરણ: -૧૨  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                  - ડો.જીજ્ઞેશ વેગડ



01 June 2022

લઘુતાગ્રંથિ (inferiority complex)

લઘુતાગ્રંથિ (inferiority complex)

લઘુતાગ્રંથિ (inferiority complex) : શારીરિક/માનસિક ખોડ, કાર્યોમાં નિષ્ફળતા કે પ્રતિકૂળ વાતાવરણમાંથી ઉદભવતી અંગત હીનતાની એવી લાગણી, જેને આળા સ્વભાવ, ખિન્નતા અને નિરુત્સાહ દ્વારા અથવા આપવડાઈ કે આક્રમકતા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ ગ્રંથિનો ભોગ બનનાર વ્યક્તિને પોતાની જાતમાં અવિશ્વાસ હોય છે. પોતે ઘણાં રાબેતા મુજબનાં કામો કરવા પણ અસમર્થ છે એવું તે માની લે છે. સામાન્ય સંજોગોમાં પણ તે ભીરુતા (ડર) અનુભવે છે. તેને ખાસ કરીને સ્પર્ધાત્મક સંજોગોમાં નિષ્ફળ થવાનો ભય હોય છે. તે પોતાની સફળ થવાની શક્તિમાં હદ બહારની શંકા કર્યા કરે છે. કેટલીક વાર તો તે પોતાને સફળ થવા માટે તદ્દન અપાત્ર પણ ગણે છે. અન્ય વ્યક્તિઓ કે ઊભા થતા નવા નવા સંજોગો, તેની પાસેથી જે જે કાર્યની અપેક્ષાઓ રાખે છે તેને તે પહોંચી વળી નહિ જ શકે એવું તેને લાગે છે.



લઘુતાની લાગણી, પોતાની વાસ્તવિક મર્યાદાઓના ભાન ઉપરથી કરેલી માત્ર બૌદ્ધિક આશંકા નથી. પોતાની સાચી અશક્તિઓ જાણવી એ એક ગુણ છે, પણ લઘુતા-ગ્રંથિમાં વ્યક્તિ પોતાની અશક્તિઓની અતિશયોક્તિ કરે છે અને તેના પ્રત્યે ભયની આવેગાત્મક પ્રતિક્રિયા આપે છે. રોજના તણાવ વિનાના પ્રસંગોમાં પણ તે ધમકી અનુભવે છે. તેને લાગે છે કે મારાં ધ્યેયો મેળવવા માટે કે બીજાઓનું સમર્થન મેળવવા માટે જરૂરી શારીરિક, માનસિક કે સામાજિક લક્ષણો મારામાં નથી જ.

ઍડલરના વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના સિદ્ધાંતમાં લઘુતાગ્રંથિને મહત્વ અપાયું છે. તેને મતે, લોકો મૂળભૂત રીતે જાતીય પ્રેરણાથી નહિ, પણ લઘુતાની લાગણીથી ક્રિયાતત્પર બને છે. બધી વ્યક્તિઓ બાળપણમાં લઘુતાની લાગણી અનુભવે છે, કારણ કે પુખ્ત લોકો કરતાં બાળકનું શરીર નાનું હોય છે અને તે પુખ્ત વ્યક્તિની જેમ બધાં કાર્યો કરી શકતું નથી. બાળપણની આ તીવ્ર લઘુતાની અસર વ્યક્તિના વિકાસ સાથે ઘટતી જાય, પણ તદ્દન નાબૂદ થતી નથી. તેથી પુખ્ત વ્યક્તિ પણ ઉપર દર્શાવેલાં કારણસર વધતી કે ઓછી લઘુતા અનુભવે છે. મોટાભાગના પુખ્ત લોકોમાં આ લઘુતાની લાગણી ઉચ્ચતાપ્રાપ્તિ માટેની તીવ્ર પ્રેરણા જગાડે છે; તેથી તે સિદ્ધિ, અગ્રતા અને વર્ચસ્ મેળવવા ઝઝૂમે છે. કહેવાય છે કે લૉર્ડ બાયરનને પગે ખોડ હતી, છતાં તેઓ વિક્રમી તરવૈયા બન્યા. બીથોવનની બહેરાશ વધતી જતી હતી, તો પણ તેમણે અદભુત સંગીત-રચનાઓ કરી. વ્યક્તિના ‘અહમ્’નું કાર્ય તેને પ્રગતિના પ્રયત્નો તરફ દોરીને તેને લઘુતાગ્રંથિથી બચાવવાનું છે.

‘ગ્રંથિ’ શબ્દ સૂચવે છે કે એમાં લઘુતા સાથે સંલગ્ન વિવિધ અનુભૂતિઓનો સમાવેશ થાય છે. મનશ્ચિકિત્સક વૉલિન લઘુતાગ્રંથિના વિવિધ કિસ્સાઓના અભ્યાસના આધારે તેનાં નીચેનાં પાસાં જણાવે છે : (1) વારંવાર છોભીલા પડી જવું; (2) પોતાની ક્ષમતામાં શંકા કરવી; (3) દરેક પ્રયત્ન નિષ્ફળ જ બનશે એમ માની લેવું; (4) અન્ય લોકો સાથે ભળવામાં અશક્તિ અને અરુચિ અનુભવવી; (5) વારંવાર પોતાની દયા ખાવી; (6) કાર્યનો આરંભ કરતાં બીવું; (7) પ્રવૃત્તિઓ અસાર અને નિરર્થક છે એમ માનવું; (8) બીજાંઓની સફળતાની ઈર્ષ્યા કરવી; (9) પોતે તુચ્છ, પામર છે, પોતાનું કોઈ મૂલ્ય જ નથી એમ માનવું; (10) બીજા લોકો પોતાની ઉપેક્ષા કે અનાદર કરે છે એવું લાગવું; (11) હળવાં ઉદ્દીપકો પ્રત્યે પણ વધુ પડતા સંવેદનશીલ બનવું; (12) સતત અસલામતી અનુભવવી; (13) પોતાના ભવિષ્ય વિશે અનિશ્ચિતતા અનુભવવી; (14) ક્રમશ: વધુ ને વધુ ચિંતિત, આત્મસભાન અને આળા બનવું.

જે લોકો પોતાની લઘુતાને ભૂલવા માટે અતિ પૂરક પ્રવૃત્તિ કરે છે તેમનામાં ‘ગુરુતાગ્રંથિ’ ઊપજી શકે છે. તેઓ અભિમાની, આડંબરી અને બડાઈખોર બની જાય છે.

લઘુતાગ્રંથિ અપરાધગ્રંથિ કરતાં જુદી છે. લઘુતાગ્રંથિમાં વ્યક્તિ માને છે કે ‘હું નબળો, અસમર્થ છું’; જ્યારે અપરાધગ્રંથિમાં તે માને છે કે ‘મેં કોઈ અન્યાય, ગુનો, કે પાપ કર્યું છે’ જો લઘુતાગ્રંથિવાળી વ્યક્તિને સમર્થન આપતા રહીને તેને સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે, તો તે પોતાની ઉચ્ચતા દર્શાવી આપે છે. અપરાધ-ગ્રંથિવાળી વ્યક્તિ પોતાને નૈતિક રીતે ઉતારી પાડે છે અને સજાને લાયક ગણે છે.

એક બાજુ વ્યક્તિમાં પોતાનો વિકાસ સાધીને પુખ્ત બનવાની ઇચ્છા હોય, તો બીજી બાજુ, જવાબદારીઓ ટાળીને પરાવલંબી રહેવાની પરાગામી (regressive) ઇચ્છા હોય ત્યારે તે વચ્ચેનો સંઘર્ષ લઘુતાગ્રંથિમાં પરિણમે છે.

વિવિધ શારીરિક અને માનસિક કારણોથી લઘુતાગ્રંથિ ઉદભવે છે. શરીરની ખોડ, નબળો કે અસમતોલ શરીરનો બાંધો, કોઈ અવયવનો વિકાસ અટકી જવો, રોગનો ચેપ લાગવો, માંદગી બધા જોઈ શકે એવી પ્રગટ શારીરિક ખામી – આ ગ્રંથિનાં મહત્વનાં કારણો છે. ખરેખરી ઉપરાંત કલ્પી લીધેલી મર્યાદાને લીધે પણ આ ગ્રંથિ ઉદભવે છે. એમાં શારીરિક ખામી પ્રત્યેનું વ્યક્તિનું મનોવલણ નિર્ણાયક ભાગ ભજવે છે.

માનસિક કારણો શારીરિક ખામીઓની સાથોસાથ અથવા સ્વતંત્ર રીતે પણ લઘુતા-ગ્રંથિ ઉપજાવે છે. ભૂતકાળના હતાશાના પ્રસંગો, આઘાતજનક અનુભવો, માતાપિતાએ વર્તન ઉપર મૂકેલા પ્રતિબંધો, બીજી વ્યક્તિ સાથેની તુલના દ્વારા પોતાને ઉતારી પાડવાનો પ્રયત્ન, ટીકા, અપમાન, મશ્કરી, ગજા ઉપરાંતના કાર્યની સોંપણી, વ્યક્તિનો અસ્વીકાર, તેની સાથેનું ભેદભાવભર્યું વર્તન, આર્થિક-સામાજિક–સાંસ્કૃતિક લાચારી, પરસ્પર-વિરોધી આદેશો, સ્નેહીઓ દ્વારા અસ્વીકાર કે તેમનો વિરહ વગેરે લઘુતા-ગ્રંથિ ઉપજાવે છે.

વ્યક્તિ ઉપર લઘુતાગ્રંથિની થતી મોટાભાગની અસરો નિષેધક હોય છે; પણ અપવાદ રૂપે તેની વિધાયક અસર પણ થઈ શકે.

નિષેધક અસરોમાં અનિર્ણાયકતા, નિષ્ક્રિયતા અને સ્થગિતતાનો સમાવેશ થાય છે. આવી વ્યક્તિમાં, પરિસ્થિતિમાંથી પલાયન કરવાની વૃત્તિ વધારે હોય છે. તે વ્યક્તિને સ્વ-અવમૂલ્યન કરવા પ્રેરી તેને ખિન્ન અને હતાશ કરે છે. તે વ્યક્તિમાં સતત આંતરિક સંઘર્ષ ચાલુ રાખે છે. તેને લીધે વ્યક્તિ એક વિષચક્રમાં ફસાય છે. પોતાની ખામીઓનું ભાન વ્યક્તિમાં લઘુતાગ્રંથિ ઉપજાવે છે. પછી એ જ લઘુતાગ્રંથિને લીધે તે નિષ્ક્રિય બની જાય; એને લીધે તેને વધારે નિષ્ફળતા મળે, જેમાંથી એની લઘુતાગ્રંથિમાં વધારો થાય છે.

ઘણા લઘુતાગ્રંથિનો ભોગ બનનારા માણસો દિવાસ્વપ્નશીલ અને તરંગી બની જાય છે. તેઓ પોતાની ઉંમર કરતાં વધારે અપરિપક્વ વર્તન કરે છે. કેટલાક દાખલામાં સતત, તીવ્ર લઘુતાગ્રંથિ અનુભવનારી વ્યક્તિ હળવી કે તીવ્ર મનોવિકૃતિમાં સરી પડે છે.

કેટલાક લઘુતાગ્રંથિવાળા માણસો પોતાના લઘુતાના અનુભવને દૂર કરવા માટે પૂરક પ્રવૃત્તિ કરે છે. તે ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અથવા કોઈ બીજા ક્ષેત્રમાં આગળ વધીને સિદ્ધિ મેળવવા મથે છે. આ ઇષ્ટ અને વિધાયક અસર છે; પણ કેટલાક લોકો પૂરક પ્રવૃત્તિનો પણ અતિરેક કરે છે.

લઘુતાગ્રંથિને દૂર કરવા કે કાબૂમાં લેવા માટે વ્યક્તિએ પોતાની વાસ્તવિક ખામીઓને ઓળખીને તેનો યથાર્થ સ્વીકાર કરવો, પણ તેનાથી ડઘાઈ ન જવું, વિધાયક અભિગમવાળા અને મદદ કરે એવા મિત્રો સાથે હળતા-મળતા રહેવું, અને તેમનું અનુકરણ કરવું. પોતાની સાચી શક્તિઓને ઓળખીને તેને વિકસાવવાના અને તેના ઉપયોગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધવાના પ્રયત્નો કરવા, એ આ ગ્રંથિમાંથી છૂટવાના ઉપાય ગણાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે