Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 June 2020

ઈન્ટરનેટનું વ્યસન

ઈન્ટરનેટનું વ્યસન


                ઈન્ટરનેટ પણ એક ગજબ નુ વ્યસન છે જેને લત લાગી જાય એ ઈન્ટરનેટ વગર નથી રહી શકતા, જાણી લો એના લક્ષણો:

          તબીબી અભિપ્રાય એ વ્યક્ત કરવામાં આવે છે કે શું ઈન્ટરનેટની વ્યસન તેના પોતાના અધિકારમાં માનસિક વિકાર તરીકે અસ્તિત્વ ધરાવે છે કે પછી તે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા માનસિક વિકૃતિઓ અથવા વર્તણૂક સમસ્યાઓનું અભિવ્યક્તિ છે. ઉદાહરણ તરીકે, એક એવી વ્યક્તિ કે જે ઈન્ટરનેટની જુગાર માટે ઈન્ટરનેટ લેવલને બદલે જુગારની સમસ્યાને લલચાવી શકે છે. પોતાના શોખ મુજબ લોકો ઈન્ટરનેટ નો ઉપયોગ કરે છે પણ ધીમે ધીમે એની આદત પડી જાય છે. શરાબી ને શરાબ, જુગારી ને જુગાર, એમાં ઈન્ટરનેટ user ને પણ ઈન્ટરનેટ ની લત લાગી જાય છે.

            કોઈ પણ નિર્ણાયક જવાબો ઓળખાય તે પહેલાં ઇન્ટરનેટની વ્યસનના આ ‘ચિકન અથવા ઇંડા’ પાસામાં વધુ સંશોધન જરૂરી છે. યુએસએના તાજેતરના એક અભ્યાસમાં દર્શાવ્યું હતું કે 18 થી 20 વર્ષની વયના કોલેજ (યુનિવર્સિટી) વિદ્યાર્થીઓમાં ચાર ટકાએ સમસ્યાવાળા ઇન્ટરનેટ વર્તન દર્શાવ્યું હતું.

          કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખાસ કરીને વ્યસન માટે સંવેદનશીલ હોઇ શકે છે, તેમ છતાં, વિદ્યાર્થીઓમાં ઈન્ટરનેટની વ્યસનનો અભ્યાસ સામાન્ય રીતે માત્ર સ્વ-પસંદગીિત ઓનલાઇન સર્વેક્ષણોનો ઉપયોગ કરે છે, જે સરખામણી માટે કોઈ નિયંત્રણ સમૂહો નથી. કેટલાક મોજણી અભ્યાસો વિશ્વસનીય પરિણામો આપતા નથી કારણ કે તેઓ ફક્ત એક જ વર્ગનો અભ્યાસ કરી શકે છે, જેથી માહિતીને વ્યાપક જૂથ અથવા વસતીમાં સામાન્ય કરી શકાતી નથી,

ઈન્ટરનેટ વ્યસનના લક્ષણો

          અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશનના જણાવ્યા મુજબ, ઈન્ટરનેટના વ્યસનમાં નીચેનામાંથી ત્રણ અથવા વધુનો સમાવેશ થઈ શકે છે:

        ઈન્ટરનેટ વપરાશકર્તા સંતોષના સમયની સંખ્યામાં વધારો કરતા જાય છે. જેમ બને એમ એ પોતાનો સમય ઈન્ટરનેટ જ ગુજારે છે.

         જો તેઓ ઓનલાઈન ન જઈ શકે, તો વપરાશકર્તા ઈન્ટરનેટ વિશે અસ્વસ્થતા, ગુસ્સો, બેચેની, વ્યગ્રતા અને અનિવાર્ય કલ્પનાઓ જેવા અનિચ્છનીય ઉપાડના લક્ષણોનો અનુભવ કરે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આ લક્ષણો થવાય છે

          વપરાશકર્તા, અપરાધ, અસ્વસ્થતા અથવા ડિપ્રેશન જેવા નકારાત્મક લાગણીઓ સાથે સામનો કરવા માટે ઇન્ટરનેટ પર વળે છે.

          વપરાશકર્તા ઇન્ટરનેટથી સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ (જેમ કે ઇન્ટરનેટ વિક્રેતાઓ, ઇન્ટરનેટ પુસ્તકો સંશોધન કરવા) માં વ્યસ્ત રહે તેટલા સમયનો ખર્ચ કરે છે.

        વપરાશકર્તા ઇન્ટરનેટ પરના સમયની તરફેણમાં જીવનના અન્ય ક્ષેત્રો (જેમ કે સંબંધો, કાર્ય, શાળા અને લેઝર વ્યવસાયો) ને અવગણના કરે છે. તેને જીંદગી માં બસ ઈન્ટરનેટ જ બતાઈછે. એ સંબંધો, કાર્ય, શાળા વગેરે જેવા કામ માં રસ રેતો નથી.

        વપરાશકર્તા ઇન્ટરનેટની તરફેણમાં સંબંધો, નોકરી અથવા અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમાવવા માટે તૈયાર છે.

            વપરાશકર્તા ને ઇન્ટરનેટ ના મળે તો તે અજીબ જ વર્તન કરે છે, તે બીજા કોઈ કામ માં ધ્યાન જ ના આપે,

વ્યસન વિવિધ પ્રકારના હોઈ છે જે નીચે પ્રમાણે છે.

  • પોર્નોગ્રાફી: વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ પોર્નોગ્રાફીને જોવા, ડાઉનલોડ કરવા અથવા સ્વેપ કરવા માટે અથવા અન્ય વપરાશકર્તાઓ સાથે હંગામી સાયબરક્સમાં કરવા માટે કરે છે. તેના પરિણામે તેમના જીવનસાથી અથવા જીવનસાથી સાથેના તેમના વાસ્તવિક દુનિયાની જીવનની અવગણના થાય છે. રોજ રોજ પોર્નોગ્રાફી જોઈ ને એને લત લગીં જાય છે, જેને તે ઈન્ટરનેટ થી દુર ના જવા મજબૂર કરે છે.
  • સંબંધ –વ્યક્તિ વાસ્તવિક જીવન કુટુંબ અને મિત્રો સાથે સમય વીતાવતા ખર્ચ પર ઑનલાઇન સંબંધો (‘ઑનલાઇન ડેટિંગ’) રચવા ચેટ રૂમ્સનો ઉપયોગ કરે છે. આમાં ઑનલાઇન બાબતો (‘સાયબરડ્યુલરી’) હોવાનો સમાવેશ થઈ શકે છે. આજ ના સમય માં facebook ને whatsapp જેવા સોશીયલ મીડિયા ને લીધે પોતાનો સમય ત્યાં જ વિતાવતા થઇ જાય છે.
  • રમતો –આમાં રમતો, જુગાર, શોપિંગ અથવા ટ્રેડિંગ વગાડવા સમયનો અતિશય પ્રમાણમાં ખર્ચ કરવો શામેલ હોઈ શકે છે. આ ગંભીર નાણાકીય મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.
                                                                         સ્ત્રોત : પોર્ટલ કન્ટેન્ટ ટિમ

23 June 2020

ચોરીની બિમારીઃ ક્લેપ્ટોમેનિયા

ચોરીની બિમારીઃ ક્લેપ્ટોમેનિયા

Image result for cleptomainiya

          આ મારી દીકરી નવ્યા છે. કોલેજ પાસ થયા પછી તરત જ મારી દસ વર્ષ જૂની બુટિક અને કોસ્મેટિક શોપમાં જોઇન થઇ ગઇ. શી ઇઝ વેરી બ્રિલિયન્ટ. એનું માર્કેટિંગ એટલું સરસ છે કે તમે બે હજારની વસ્તુ લેવા આવ્યા હો તો દસ હજારની ખરીદી કરીને જાવ. બોલવામાં બહુ સ્માર્ટ, અને એની ડ્રેસિંગ સેન્સ તો અદભૂત છે.' વિભૂતિબહેન બોલ્યા.

          ‘પણ હું આજે એની એક ગંભીર આદત માટે તમારી પાસે આવી છું. નવ્યાને ચોરી કરવાની આદત પડી ગઇ છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અમારા ઘરમાં કોઇ વાતની કે વસ્તુની કમી નથી. નવ્યાને જે જોઇએ, જ્યારે જોઇએ ત્યારે મળી જાય એવું છે. તો પણ ખબર નહીં કેમ એ કોઇ ને કોઇ વસ્તુ ઉઠાવી જ લે છે. લગભગ અઠવાડિયે એકાદ વખત આવું બનતું હશે. છેલ્લે તો એવું બન્યું કે એ એની ફ્રેન્ડ સાથે એક જ્યુલરી શોપમાં ગઇ હતી. ત્યાંથી એણે એક દસેક હજારની વિંટી નજર ચૂકવીને પર્સમાં સેરવી લીધી. અને પોતે પાછી બિંદાસ જાણે કંઇ બન્યું જ ન હોય એમ પોતાના માટે ક્રેડિટ કાર્ડથી દોઢ લાખની ડાયમન્ડની બુટ્ટીઓની ખરીદી કરી નાંખી. એની ખરીદીની તો અમને વાંધો નથી કારણ કે આમ પણ એને અપાવવાની જ હતી. પણ પેલી રીંગવાળી વાત સી.સી.ટી.વી.માં પકડાઇ ગઇ અને મામલો પોલીસ સુધી પહોંચ્યો. પછી અમને થયું કે નક્કી આ ચોરી કરવાનો કોઇ બિેહેવીયર પ્રોબ્લેમ જ લાગે છે. શું છે આ પ્રોબ્લેમ ?' વિભૂતિબહેને સાયકોલોજીસ્ટ સામે કંપલેઇન્સ પુરી કરી..

              રિતિકાને જે ડિસઓર્ડર છે તેને ક્લેપ્ટોમેનિયા કહે છે. આમાં દર્દીને ચોરી કરવાની માનસિક ફરજ પડે કે કંપલ્શન થાય છે. પોતાને જરૂર ન હોય કે જેમાં કોઇ નાણાકિય ફાયદો ઉઠાવવાની ઇચ્છા પણ ન હોય તેવા સંજોગોમાં ચોરી કરવાના તરંગને રોકી નહીં શકવાનું વર્તન જોવા મળે છે. ક્લેપ્ટોમેનિકને ચોરી કરતા પૂર્વે એક અલગ જ પ્રકારનું ટેન્શન થાય છે. જેવી ચોરીની ક્રિયા પતે પછી જ એ તણાવ શાંત થાય અને સંતોષ થાય. આ સંતોષ ફરી ને ફરી મેળવવાની ઇચ્છાથી ચોરીનું પુનરાવર્તન થયા જ કરે. પોતે જાણતા હોવા છતાં ચોરીની ક્રિયાને અટકાવી શકતા નથી. ક્યારેક આ ક્રિયા સાથે અપરાધભાવ, પસ્તાવો કે ડિપ્રેશન જોડાયેલા જોવા મળે છે.સામાન્ય ચોરી અને વિકૃત ચોરી વચ્ચે હેતુભેદ છે. ક્લેપ્ટોમેનિકની ચોરી કોઇ પ્લાનિંગવાળી હોતી નથી. તેમજ એક મહત્વનું લક્ષણ એ હોય છે એ ચોરીમાં બીજા લોકોને વ્યક્તિ ક્યારેય ઇન્વોલ્વ કરતી નથી. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ક્લેપ્ટોમેનિકનું અંતિમ ધ્યેય પૈસા કે વસ્તુ નથી હોતું પણ ‘ચોરવાની ક્રિયા પોતે જ' એક ધ્યેય હોય છે. પુરૂષો કરતા સ્ત્રીઓમાં આશરે ત્રણ ગણું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા લોકોને આસપાસના અન્ય લોકો સાથેના સંબંધોમાં પણ મુશ્કેલી પડે છે..

            ક્લેપ્ટોમેનિયા થવાના મનોવૈજ્ઞાનિક કારણો રસપ્રદ છે. વ્યક્તિનો બાળપણમાં આવેગાત્મક તિરસ્કાર થયેલો હોય તેવા લોકો શરૂઆતમાં માતા-પિતાનું કે અન્ય સગાંનું ધ્યાન ખેંચવા આવી પ્રવૃત્તિ અજાણપણે શરૂ કરે છે. પછી જ્યારે જ્યારે સ્ટ્રેસફુલ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ત્યારે ચોરવાની ક્રિયા વધતી જાય. અને જો પકડાય નહીં તો તો ક્લેપ્ટોમેનિયાના મૂળ મજબૂત થતા જાય. વળી આવા લોકોમાં સેપરેશન એંઝાયટી પણ મૂળમાં જોવા મળે છે. બની શકે કે કેટલાક ઇમોશનલી તરછોડાયેલા તરૂણો મોટી ઊંમરે આ લતમાં પડતા હોય પણ દરેકને આવું જ થાય એમ નથી.રિતિકાને પોતાની આ ક્ષોભજનક કૂટેવમાંથી મુક્ત થવું હતું પણ સાયકોલોજિકલ સપોર્ટની જરૂર હતી. સાયકોએનાલિસિસ કર્યા બાદ રિતિકાની સારવાર માટે ‘ઇનસાઇટ ઓરિએન્ટેડ સાયકોથેરાપી' આપવામાં આવી જે દર્દીઓનું મોટીવેશન લેવલ સારૂ હોય તેઓ ઝડપથી બહાર આવી શકે છે. રિતિકાના માતા-પિતાએ પણ ભૂતકાળમાં કરેલી ભૂલોને સુધારવાની ટિપ્સ લેવાની હતી. રિતિકા હવે ક્લેપ્ટોમેનિયાથી મુક્ત છે.

લેખક, ઉતસવી ભીમાણી, હેલ્થ, નવગુજરાત સમય

19 June 2020

ડિપ્રેશન વિશે જાણવા જેવું

ડિપ્રેશન વિશે જાણવા જેવું

Image result for depression

                       એ વાત જાણીને આપને આંચકો લાગશે કે યુવાનોની આત્મહત્યાના સંદર્ભમાં ભારત પહેલો ક્રમ ધરાવે છે એવું WHOએ ગયા વર્ષે જાહેર કર્યું. આ અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે. અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલું સ્થાન ભોગવે છે. એનો અર્થ એ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે જેના મૂળમાં મુખ્યત્વે ડિપ્રેશન હોય છે.

          નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ ૨૦૦૪-૨૦૧૪ના વર્ષ દરમિયાન દર વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. અને ૨૦૦૪ની સરખામણીમાં ૨૦૧૪ આ આત્મહત્યા ૧૬ ટકા જેટલી વધી છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ ઓફિશ્યલ કેસ નોંધાયા હતા. જે ૨૦૧૪માં ૧,૩૧,૬૬૬ સુધી પહોંચ્યા હતા. અલબત્ત, ભારતના સરકારી આંકડા જણાવે છે કે રોજે સરરેશા ૩૭૫ જેટલા આપઘાત થાય છે.

                   ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં જ ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતની હિસ્સેદારી ૫.૫ ટકા છે. ગયા વર્ષે ભારતમાં ૧૮ થી ૩૦ વર્ષની વય વચ્ચેના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી હતી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી માંડીને બેરોજગારી તેમજ રિલેશનશિપના બધા મુદ્દાઓ આવી જાય છે. આપઘાત માટેનો જે નિરાશાજનક વાતાવરણ સર્જાયું છે તે માટે આપણા સમાજથી લઇ સરકાર સુધી બધા કંઇક કરશે તો જ આનો ઉકેલ આવશે. મનોવિજ્ઞાન એવું માને છે કે, ડિપ્રેશનની ઉચ્ચતમ અવસ્થા એટલે આપઘાત. આપઘાતને નિવારવા ડિપ્રેશનને દૂર કરવું ખૂબ જરૂરી છે.

           એક ઉદાહરણ જોઈએ. ૪૧ વર્ષીય વિધવા મનિષાબેનને છેલ્લા કેટલાંય અઠવાડિયાથી એવું લાગતું હતું કે, જીવન જીવવા જેવું નથી. મારી કોઇને જરૂર નથી. એમને થયા કરતું કે તેમના કુટુંબના સભ્યો તેમને બરાબર સાચવતા નહીં હોય. સારવાર માટે સાયકોલોજીસ્ટ પાસે ગયા ત્યારે એમણે ક્લિનિકલ હિસ્ટ્રી લીધા બાદ કુટુંબના સભ્યોને-દીકરો, દીકરી, દીકરાની વહુ વગેરેને બોલાવ્યા. તેઓએ કહ્યું, અમે તેમને બહુ વધારે સાચવીએ છીએ. ખાવાપીવા સાથેતેમની તબિયત અને માનસન્માન બધાનું ઘણું ધ્યાન રાખીએ છીએ.

                ફરી એકવાર મનિષાબેન સાથે સાયકોલોજીસ્ટની વાતચીત થઇ. તેમણે કહ્યું, મને એકલતા લાગે છે. સાચું કહું તો મને એક પુરુષની જરૂર છે. સમાજના લોકો શું કહેશે તેની બીક પણ લાગે છે. જો હું મારી મરજીથી બીજા કોઇ સાથે જીવન વિતાવું. હૂંફ મેળવું આ ઉંમરે, તો લોકો શું કહે? મનિષાબેનના દિલની વાત બે મહિને બહાર આવી. ધીરે ધીરે તેમના કુટુંબના સભ્યોને આ વિશે વાત કરી. બધા સંમત થયા અને આજે તેઓ ઘણી વ્યવસ્થિત રીતે, સ્વસ્થતાથી જીવન વ્યતીત કરે છે..

          આ કેસમાં મનિષાબેનના મનમાં પતિને ગુમાવવાનો ખેદ હતો. તેમના વગર બાકીનું જીવન કેમ કરીને વીતશે તે માટે શંકા હતી. તેમના બાળકો પોતપોતાના જીવનમાં સુખી અને સેટલ થઇ રહ્યા હતાં. એટલે હવે તેમનું કોણ? એ પ્રશ્ન તેમને સતાવતો હતો. અને અંતમાં બીજાની (પુરુષ) હૂંફ મેળવવા આગળ વધતા તેમના બાળપણના સંસ્કારો અને લોકો શું કહેશે નો ડર બધું ભેગું હતું.તેથી તેઓ રડ્યાં કરતાં અને મનની વાત કોઇને કહી ન શકતાં.

           આપણા સમાજમાં કેટલાય લોકો માનસિક રીતે ચિંતિત છે. મીનાકુમારી, મેરીલીન, મનરો, પ્રિન્સેસ, ડાયેના, વર્જીનીયા વુલ્ફ, વિન્સ્ટન ચર્ચિલ આ બધા વચ્ચે શું સામ્ય છે? જાણો છો? બધા ડિપ્રેશનના દર્દી હતા. લગભગ દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક હતાશાનો સામનો કરવાના પ્રસંગો આવે જ છે. પણ જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તે ડિપ્રેશન તરીકે ઓળખાય છે. આપણે હતાશ વ્યક્તિને સરળતાથી કહી દઇએ છીએ કે નિરાશા છોડી દો, ચિંતામુક્ત થાવ, સુખી થવાશે વગેરે વગેરે.. કંઇ કેટલાય કહેવાતા મસીહાઓ, મોર્ડન ગુરુઓ, સક્સેસ શિખવનારાઓ વગેરે આવા પ્રયત્નો કરતા હોય છે, પણ ડિપ્રેશન સરળ રીતે દૂર થાય તેવી તકલીફ નથી. દર ૨૦ પુખ્ત વ્યક્તિમાંથી ઓછામાં ઓછા એકને તો મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર પડે જ છે. મનોચિકિત્સા ક્ષેત્રમાં માનસિક બિમારીઓમાં ડિપ્રેશનનું શરદી-ખાંસી જેવું સ્થાન છે. વ્યક્તિની ઉંમર, જાતિ, જ્ઞાતિ, સંપત્તિ, ખ્યાતિ કાંઇ પણ હોય, ડિપ્રેશન નવજાત શિશુ સિવાય કોઇને પણ થઇ શકે છે. ક્યારેક તે વ્યક્ત થાય તો ક્યારેક નથી થતું.


ડિપ્રેશનની સારવાર


ડિપ્રેશનના બાયોલોજીકલ, સાયકોલોજીકલ, સોશિયો-કલ્ચરલ કે અન્ય કારણો હોઈ શકે. ડિપ્રેશનના નિદાન માટે કોઇ ટેસ્ટ નથી. આ માટે સાઇકોલોજિકલ ટેસ્ટ દ્વારા અને ક્લિનિકલ ડાયોગ્નોસિસથી ડિપ્રેશનને ઓળખી શકાય., ડિપ્રેશનની સારવાર જુદી જુદી રીતે શક્ય છે જેમાં:
  • એન્ટિડિપ્રેસન્ટ દવાઓ.
  • સાઇકોથેરાપી.
  • કોગ્નિટીવ થેરાપી.
  • બિહેવિયર થેરાપી.
  • હિપ્નોપ્સીસ થેરાપી.
  • ગ્રૂપ થેરાપી.
  • ફેમિલી થેરાપી વગેરેનો સમાવેશ થાય છે..
મોટાભાગના કિસ્સામાં દવાઓનું યોગ્ય પ્રમાણ અને સાયકોથેરાપીને સંતુલિત રીતે ચાલુ રાખવામાં આવે તો દર્દી ચોક્કસપણે રોગમુક્ત થઇ શકે છે. મનોવૈજ્ઞાનિક સારવાર કે મદદ કોઇપણ વ્યક્તિને ગમે ત્યારે જરૂરી બને છે. ક્યારેક કાઉન્સેલિંગ કે સલાહ માટે પણ લોકો જતા હોય છે. આપણા દેશમાં હવે મનોચિકિત્સા લેનાર પ્રત્યે દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઇ રહ્યો છે. માનસિક તકલીફ પ્રત્યે આપણે સૌએ પાળેલો સામાજિક સંકોચ દૂર કરીશું તો માનવતાના નાતે અનેકને નવજીવનનો આનંદ થશે.


ડિપ્રેશનને દૂર રાખવાના સૂચનો

  • નિયમિત અને સંતુલિત આહાર લેવો.
  • કેફીન અને ખાંડની માત્રામાં નિયંત્રણ મૂકવું.
  • દરરોજ ૨૦-૪૦ મિનિટ સુધી કસરત કરવી અથવા ચાલુ, દોડવું કે સાયક્લિંગ કરવું.
  • હંમેશા સ્વચ્છ અને સારા કપડાં પહેરવાં, વિવિધ લોકોને મળતાં રહેવું.
  • રમૂજવૃત્તિ વિકસાવો.
  • કોમેડી સિરિયલ્સ, નાટક કે ફિલ્મો જોવી.
  • નિરાશ વ્યક્તિને કેવી રીતે મદદ કરી શકો?
  • તેમના પર જે વીતતું હોય તે માટે સહાનુભૂતિ દર્શાવવી.
  • તેમનો આત્મવિશ્વાસ વધારતાં સૂચનો અને વાતો કરવી.
  • તેમને પોતાની શક્તિઓ અને મર્યાદાઓની જાણ કરવી.
  • શાંતિથી એ સક્રિય રીતે તેમને સાંભળવા.
  • દર્દી પાસે ધીરે ધીરે સ્વીકાર કરાવો કે એમના જેવી પરિસ્થિતિ બીજાને પણ હોઇ શકે, એટલે કે આ દુનિયામાં તેઓ એકલા નથી.
  • ક્યારે પણ આપઘાતના કે અન્ય ધમકીને સાવ અવગણશો નહીં.
  • જરૂરપડે તો નિષ્ણાતને મળવા સૂચન કરવું.
  • રોજિંદા જીવનક્રમને તેમજ બોડી ક્લોક ને ખલેલ ન પહોંચાડવી.
  • રિલેકસેશનની ટેકનિક શિખવી જેવી કે ધ્યાન, યોગ, સેલ્ફ હિપ્નોસિસ વગેરે.
           માસ્ટર માઈન્ડઃ આપણે મનની વ્યથા કે ચિંતા દૂર કરવા માટે સ્પેશ્યાલિસ્ટ પાસે જઇએ તો ગાંડપણ છે તેવું ના કહેવાય. માથું દુઃખે તો ફિઝીશિયન પાસે નથી જતા તો પછી ચિંતા કે નિરાશામાં સાયકોલોજીસ્ટ પાસે કેમ ન જવાય?

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત હેલ્થ

18 June 2020

ડિપ્રેશન દૂર કરવા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો


ડિપ્રેશન દૂર કરવા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો

          ‘ડિપ્રેશન' દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે

         ડિપ્રેશન તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયત્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતાપૂર્વક સ્વીકારી લો.

         હા, હું ડિપ્રેશનથી પીડાઉ છું, મારે મદદની જરૂર છે' સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે. અંદરો અંદર રીબાવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા છતાં વ્યક્તિઓ પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારવા આનાકાની કરતાં હોય છે! ‘મને ડિપ્રેશન હોઈ જ ના શકે, મને કોઈ ચિંતા જ નથી' એવો નન્નો આ વ્યક્તિઓ આસાનીથી ભરી દેતી હોય છે કારણ કે જો તે પોતે પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારે તો પોતાની જાતને અન્યની સામે નબળી જાહેર કરે છે અને કઈ વ્યક્તિનો અહમ આ બાબત સ્વીકારી શકે!? માની લો કે કોઈ સ્વીકારી પણ લે કે મને ડિપ્રેશન અથવા હતાશા અનુભવાય છે તો તેના જીવનસાથી કે કુટુંબના અન્ય સભ્યોને લાગી આવે ‘અમે છીએ, બધું જ છે પછી આવા વિચારો કરવાના જ ના હોય ને!?' પછી શરૂ થઈ જાય તેના ડિપ્રેશનનું એનાલિસીસ અને ઢગલો સલાહો, સરવાળે વ્યક્તિ એના લાગતા-વળગતા બધા માટે પરિસ્થિતી વધુ વિકટ અને અસહ્ય બને.

          ડિપ્રેશનની આવી અસ્વીકૃતિ વચ્ચે આ મનોરોગ સાથે સંકળાયેલી વાસ્તવિક્તાઓ ગંભીર છે. ડિપ્રેશન અંદરો અંદર રીબાવતી એક બીમારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુમાન મુજબ આવનારા દસકામાં માનવજાતને રીબાવનારી બીમારીઓમાં ડિપ્રેશન પ્રથમ ક્રમે હશે. આ સંસ્થાના સર્વેક્ષણ મુજબ આજે વિશ્વમાં પાંત્રીસ કરોડ લોકો ડિપ્રેશનથી પિડાય છે પરંતુ આ આંકડા હિમશીલાની ટોચ જેવા છે, અથાર્ત જેમ હિમશીલા બહાર દેખાય તેના કરતાં અંદર સાત ગણી મોટી હોય તેમ ડિપ્રેશનથી પીડાનારા લોકોની સંખ્યા આ આંકડાઓથી અનેકગણી મોટી છે. શરૂઆતમાં આપણે વાત કરીએ મુજબની અસ્વીકૃતિ આ પાથળનું મોટું કારણ છે.

        એક સમયે જીવનની વિટંબણાઓ અને સમસ્યાઓ સાથે સાંકળવામાં આવતા ડિપ્રેશનને આજે તબીબી વિજ્ઞાન મગજના કેમિકલ સાથે સાંકળે છે. મગજમાં ન્યુરો-ટ્રાન્સમીટર્સ (ચેતાઓ વચ્ચે સંવેદનાઓના વહન માટે જરૂરી એવા રસાયણો) તરીકે કામ કરતાં રિરોટોટનીન, નોર-એપીનેફ્રીન, ડોપામીન વગેરે જેવા ઘણાં રસાયણો વચ્ચેનું સંતુલન ખોરવાતા થતી જૈવિક બીમારીને તબીબી વિજ્ઞાન આજે ડિપ્રેશન તરીકે ઓળખે છે. એક જમાનામાં ફોન એટલે દોરડાવાળું મોટું કાળુ ડબલું પરંતુ આજે ફોન એટલે હથેળીમાં સમાઈ જાય એટલું ટચૂકડું વગર વાયરનું યંત્ર, બસ એ જ રીતે એક સમયે મનની નબળાઈ ગણાતું ડિપ્રેશન આજે રસાયણોના કુદરતી અસંતુલનને કારણે થતી જૈવિક બીમારી. જેમ ડાયાબિટીસ એટલે ઈન્સ્યુલીનનું અસંતુલન, હાયપો કે હાઈપર થાઈરોઈડ એટલે થાયરોક્ષીનનું અસંતુલન, તેમ ડિપ્રેશન એટલે ન્યુરો-ટ્રોન્સમીટર્સનું અસંતુલન. તમારી બુધ્ધી આ વાત સ્વીકારી શકે અને તેને સાચા અર્થમાં સમજી શકે તો તમે ડિપ્રેશનને એક બીમારી તરીકે સ્વીકારી શકો. એક એવી જૈવિક બીમારી કે જેની પાછળ વ્યક્તિ પોતે નહીં પણ તેના મગજના રસાયણો જવાબદાર છે. તમારી આ સ્વીકૃતિ ડિપ્રેશનને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અલબત્ત જેમ બેઠાડું જીવન જીવનારને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે છે તેમ ડિપ્રેશન સાથે જીવનશૈલી, વારસાગત પરિબળો, વ્યક્તિત્વ, વિચારસરણી એમ ઘણું બધું સંકળાયેલું રહે છે. સરવાળે દવાઓની સાથે બીજું ઘણું તમને મદદરૂપ નિવડી શકે છે, જેમ ડાયાબિટીસની દવાઓ સાથે આહારનું નિયમન કરસત વગેરે.

           ડિપ્રેશનના દરેક દર્દીને પોતાની બીમારી સ્વીકાર્યા અને સારવાર શરૂ કર્યા બાદ દવાઓ બંધ કરવાની તાલાવેલી રાત-દિવસ રહેતી હોય છે. સહેજ સારું લાગ્યું નથી કે દવાઓ ઓછી કે બંધ કરી નથઈ. કેટલાક જાતે જ નક્કી કરી નાખે અને બીજા કેટલાક ડોક્ટરને દવાઓ ઘટાડવા કે બંધ કરવા દબાણ કરતાં રહે. પરિણામ એ એવા કે મૂળમાંથી ઠેકાણે ના પડેલો રોગ પાછો ઉથલો મારે અને દર્દી-સગાઓનાં મનમાં અનેક નકારાત્મક માન્યતાઓ મુકતો જાય. જેમ કે, દવાઓ લઈશ ત્યાં સુધી જ સારું રહેશે, દવાઓનું વ્યસન થઈ ગયું છે, આ તો જીવનભરનું લફરું ઘુસી ગયું, ડોક્ટર તો ક્યારેય બંધ કરવાનું નહીં કહે, આડઅસરો થશે તો ઉલમાંથી ચૂલમાં પડીશ વગેરે.

            ડિપ્રેશનની સારવામાં યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમય માટે દવાઓ ખૂબ મહત્વની છે. પરંતુ તેની સાથે સાથે એ પણ જરૂરી છે કે તમે તમારી જાતને આ અવસ્થામાંથી બહાર લાવવામાં મદદ કરો. કમનસીબે મોટાભાગના જાતને મદદ કરવાને બદલે ડોક્ટરને દવાઓ ઓછી કરવા દબાણ કરતાં હોય છે. સાચો અભિગમ એ છે કે ડોક્ટરને એનું કામ કરવા દો, દવાઓ ગોઠવવી એ એનું કામ છે તેમાં માથું મારીને તમારી સારવારમાં અડચણ ના નાંખો, એ સરવાળે તમારા માટે નુક્સાનકારક છે. એના બદલે ડોક્ટર પાસેથી એ જાણવાની કોશિશ કરો કે તમે તમારી જાતને કેવી રીતે મદદ કરી શકો. તમારો આ અભિગમ તમને ઝડપથી સાજા કરશે અને ભવિષ્યમાં ઉથલાની સંભાવનાઓથી બચાવશે. ડિપ્રેશનમાં વ્યક્તિ પોતાની જાતને મદદરૂપ થઈ શકે તે માટેની વાતો આમ જોવા જશો તો ખુબ સરળ અને નાની લાગશે પરંતુ તેને પકડી રાખીને પોતાના મનની નકારાત્મક અવસ્થા સામે લડવું એ પ્રયત્ન અને સાતત્ય માંગી લે તેમ છે. માત્ર આ બાબતો એક જ બેઠકે વાંચી જવાથી પોતાની જાતને મદદ નહીં થાય પરંતુ દરેક બાબત શાંતિથી વાંચો, જે તે મુદ્દા વિશે વિચારો, તામારા કિસ્સામાં એ મુદ્દો કેટલો અગત્યનો છે તે મૂલવો અને તેને અનુરૂપ તમારે તમારામાં જે ફેરફારો લાવવા પડે તે માટે માનસિક રીતે તૈયાર થાવ. તમે રાતોરાત આ પરિવર્તનો નહીં લાવી શકો પરંતુ ધીરજ પૂર્વક સાતત્યપૂર્ણ અભિગમ ચોક્કસ પરિણામો આપશે જ.

               ડિપ્રેશન તમારા મનની નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે. આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતું હોય છે. સમજી શકાય એવું છે કે ડિપ્રેશન સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ લડત આપવી અશક્ય પણ નથી. માત્ર મન મક્કમ કરવાથી તે જતું નથી રહેવાનું પણ થોડું મનોબળ એકઠું કરીને તેની સામે પડવાથી તમે તમારી જાતને મદદ ચોક્કસ કરી શકો છો. તમને સારું લાગે તેવી પરિસ્થિતિ સર્જાતા થોડો સમય લાગે પરંતુ એ માટે તમારે રોજ-બરોજ પ્રયત્નશીલ રહેવું પડશે અને નાની નાની હકારાત્મકતાઓ ધ્યાનમાં રાખવી પડશે. યાદ રાખો જ્યારે તમે હતાશા અનુભવતા હોવ અને તમે દ્વઢતા પૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થાવ ત્યારે ડિપ્રેશન સામેનો તમારો જંગ જીતવાના પાયા નંખાઈ જાય છે. તમારી આ માનસિક તૈયારી તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે અને દવાઓ ઉપરનું તમારું અવલંબન ઘટાડે છે.

              નાના પ્રયત્નોથી તમારી જાતને મદદ કરવાનું ચાલુ કરવાનું છે અને ધીમે ધીમે મક્કમતા પૂર્વક આગળ વધતા જવાનું છે. તમારી જાતને મદદ કરવાના તમારા નાના પ્રયત્નો સરવાળે તમને જલ્દી સાજા થવામાં મોટી સફળતા અપાવશે. ભલે ધીમે ધીમે આગળ વધો પણ રોજ રોજ તેની પાછળ લાગેલા રહો. તમારી જાતને મદદ કરવા માટે સૌથી જરૂરી અને પહેલી બાબત એ છે કે તમે ડિપ્રેશનને મનની નબળાઈ તરીકે નહીં પરંતુ એક બીમારી તરીકે સ્વીકારો. મોટાભાગની વ્યક્તિઓ અને તેમના સગાઓ આ બીમારીને સ્વીકારતા ખચકાય છે અને સરવાળે વધારે રીબાય છે. ડિપ્રેશનન મનની નબળાઈ નથી પરંતુ મગજના રસાયણોના સ્તરમાં ઊભી થતી ગરબડને કારણે થતો એક જૈવિક રોગ છે. આ સમજ તમને ઝડપથી સાજા થવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તમારી આ સ્વીકૃતિ તમારી જાતને મદદ કરવાનું પહેલું પગલું છે. ડિપ્રેશનમાં પોતાની જાતને મદદ કરવાનું બીજું પગલું એ સમજ છે કે તમે એકલા નથી કે જેને ડિપ્રેશન થયું હોય, દુનિયાના ખૂણે ખૂણે એવા અસંખ્ય લોકો છે કે જેઓ હતાશાથી પિડાય છે અને તેની સામે જંગ ખેલે છે. આ વાસ્તવિકતા વ્યક્તિને ડિપ્રેશન સામે ટક્કર ઝીલવા માટેનું એક નવું બળ આપે છે.

           હતાશા દૂર કરવામાં તમારી જાતને મદદ કરવા માટે ત્રીજી અગત્યની સમજ એ છે કે તમારી સારવારમાં સૌથી અગત્યનો ભાગ તમે પોતે જ ભજવી શકો છો. તમારા કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ કે તમારા ડોક્ટર તમને જેટલી મદદ કરી શકે છે તેના કરતાં ઘણી વધુ મદદ તમે તમારી જાતને કરી શકો છો. ડોક્ટર દવા કરશે, કાઉન્સેલિંગ કરશે અને બીજા ટેકો આપશે, હિંમત આપશે પણ બધો જ બદલાવ તો તમારે જાતે જ લાવવાનો છે તેવી સ્પષ્ટ સમજ તમારા મનમાં હોવી જોઈએ.

           ડિપ્રેશન એ મનની નકારાત્મક અવસ્થા છે, જેમાં વ્યક્તિનું મનોબળ નબળું પડતું હોય છે અને તેને અન્ય વ્યક્તિઓના સહારાની એક માનસિક જરૂરિયાત રહેતી હોય છે. તમારી સાથે સાચી લાગણીથી જોડાયેલા મિત્રો-સ્નેહીઓ તમને ખુબ જરૂરી એવો ટેકો ચોક્કસ આપી શકે છે અને તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થઈ શકે છે પરંતુ, આ તબક્કે એક બાબત બરાબર યાદ રાખવી પડે કે જે વ્યક્તિ તમારી લાગણીઓને સાચા અર્થમાં સમજી શકતી ના હોય અથવા જેને તમારી માનસિક અવસ્થા સાથે કોઈ લેવા દેવા ના હોય તેવી વ્યક્તિઓ સાથે ક્યારેય તમારી મનોવ્યથાની ચર્ચા ના કરો. આવી વ્યક્તિઓને માત્ર સલાહો આપવા સિવાય બીજો કોઈ રસ નથી હોતો અને એ સરવાળે તમારી હતાશામાં વધારો કરતી હોય છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવામાં હંમેશા યાદ રાખો કે સાચી વ્યક્તિ સાથે તમારી લાગણીઓ વહેંચવાથી તમે ઝડપથી સાજા થાવ છો અને ખોટી વ્યક્તિઓ મનઘડત સલાહ સૂચનોથી તમારી તકલીફોમાં વધારો કરે છે. ઘણાં લેભાગુઓ (ભુવાઓ, તાંત્રિકો, જ્યોતિષો, કાઉન્સેલરો વગેરે) વ્યક્તિની હતાશ મનોદશાનો પોતપોતાની રીતે લાભ ઉઠાવવામાં માહેર હોય છે. વ્યક્તિની નકારાત્મક અવસ્થાનો લાભ ઉઠાવીને પોતાનો ધંધો કરતાં હોય છે કારણ કે હતાશ વ્યક્તિ પોતાની હતાશા દૂર કરવા ગમે તેવી અંધશ્રધ્ધામાં સહેલાઈથી દોરાઈ જતાં હોય છે અને સરવાળે સરળતાથી છેતરાઈ જતાં હોય છે. તમારા ડિપ્રેશનના ઈલાજ માટે માત્ર વૈજ્ઞાનિક રીતે સિદ્વ થયેલા ઉપચાર ઉપર જ વિશ્વાસ રાખો અને તમારી આ અવસ્થાનો ગેરલાભ ઉઠાવી શકે તેવા લેભાગુઓથી દૂર રહીને તમારી જાતને મદદ કરો.

            વ્યક્તિઓની હાજરી અને ગેરહાજરી તમારા મૂડ ઉપર અસર કરતી હોય છે. હંમેશા તમારી આજુબાજુ કેવી વ્યક્તિઓ રહે છે તે બાબતનો પ્રભાવ તમારી મનોદશા ઉપર સતત પડતો રહેતો હોય છે. હકારાત્મક, આશાવાદી અને વાઈબ્રન્ટ વ્યક્તિઓ તમારો મૂડ પોઝીટીવ બનાવે છે માટે એવી વ્યક્તિઓના સંપર્કમાં વધુ રહેવાનો પ્રયત્ન કરો. આ વ્યક્તિઓની હાજરી, વાતો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થાય છે. એથી ઉલટું નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિઓ તમારી હતાશ મનોદશા વધુ ઘેરી બનાવે છે. એમના સંપર્કમાં તમને વધુ હતાશા અનુભવાય છે અને તમને સારા થવામાં વધુ વાર લાગે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે તમે સ્વ-મદદ કરવા માંગતા હોવ તો તમે કોની વચ્ચે રહો છો, કોની સાથે ઉઠો-બેસો છો એ બાબતનું સતત ધ્યાન રાખો. જ્યારે તમારા નજીકના જ માણસો નકારાત્મક અને નિરાશાવાદી હોય ત્યારે તેમની સાથે સંભાળ પૂર્વક વ્યવહાર કરો.

            ઘણી વ્યક્તિઓના જીવનચરિત્રો તમને ડિપ્રેશન સામે લડવા માટે મનોબળ પૂરું પાડી શકે એમ હોય છે, તેમાંય ખાસ કરીને એવી વ્યક્તિઓ કે જે પોતે હતાશ મનોદશામાંથી અથવા અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા હોય. આ ઉપરાંત પ્રેરણાદાયક વાંચન-પ્રવચન વ્યક્તિને હતાશાની સામે લડવાનું બળ આપે છે. જો તમે તમારી જાતને મદદ કરવા માંગતા હોવ તો ફાલતું વ્યક્તિઓ દ્વારા અપાયેલી બોગલ સલાહો કરતાં સાચા અર્થમાં પ્રેરણા આપે તેવા વાંચનો કે પ્રવચનો વાંચવા-સાંભળવાનો આગ્રહ રાખો. યાદ રાખો સામાન્ય અવસ્થા કરતાં હતાશ અવસ્થામાં તમે તમારા મનને કેવા વિચારોનો ખોરાક આપો છો તે વધારે અગત્યનું છે.

           હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને, અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતાં હોય છે. ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે. યાદ રાખો દોષ દેવાની વૃત્તિ એ ભાગેડુ વૃત્તિનો એક પ્રકાર છે, જે સરવાળે વ્યક્તિ માટે નુક્શાનકર્તા છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયક્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતા પૂર્વક સ્વીકારી લો.

16 June 2020

સ્ટ્રેસ સામે લડવાની ચાવી


સ્ટ્રેસ સામે લડવાની ચાવી
Pintar Carinya Cepat Suksesnya: Mengatasi Stress di Kantor
           સ્ટ્રેસ ઓછો કરવા માટે વિચારસરણીમાં પરિવર્તન લાવવાથી જ જીવનભરનો કે લાંબા ગાળાનો ફાયદો થાય છે.

           ડોક્ટરો કહે છે કે પ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ, એસિડીટી, પાચનમાર્ગ કે ચેતાતંતુની કોઈ બિમારી, લાંબા સમયના માથાના, સ્નાયુના કે સાંધાના દુખાવાની પાછળ સ્ટ્રેસ જવાબદાર છે. આપણે સહુ આ સ્ટ્રેસ શબ્દનો બહુ છૂટથી ઉપયોગ કરીએ છીએ પણ સ્ટ્રેસ કેવી રીતે થાય છે એ સમજવામાં કાચા પડીએ છીએ. વળી આપણે જોઈએ છીએ કે એક જ સરખી પરિસ્થિતિમાંથી પસાર થતી બે વ્યક્તિમાંથી એકને બહુ સ્ટ્રેસ થાય અને એકને જરાયે સ્ટ્રેસ ન થાય એમ પણ બને છે.આપણે ચર્ચા કરી એ મુજબ સ્ટ્રેસ માટે કામનો બોજ ભાગ્યે જ જવાબદાર હોય છે. ખરેખર તો સ્ટ્રેસ નીચે જણાવ્યા છે એવાં કારણોસર થાય છે.
  1. જીવનની કટોકટીની સ્થિતિ વખતે નકારાત્મક અથવા ડરપોક વિચારસરણી રાખવાથી.
  2. મુશ્કેલ સમયે ભવિષ્યની થોડીઘણી અનિશ્ચિતતાનો સ્વીકાર કરવાની તૈયારીનો અભાવ હોવાથી.
  3. જડ વિચારસરણીને કારણે અચાનક આવી પડેલી પરિસ્થિતિ પ્રમાણે તાત્કાલિક વ્યૂહ બદલવાની અક્ષમતા હોવાથી.
  4. પોતાની પાસે અને બીજાની પાસે પરફેક્શનનો આગ્રહ રાખવાથી.
  5. અવાસ્તવિક અપેક્ષાઓ કે તરંગી યોજનાઓ શરૂ કર્યા પછી સાકાર કરવાની અસમર્થતા હોવાથી.
  6. વાસ્તવિકતાને બદલે પોતાની જિદને વધુ મહત્વની ગણી અસમાધાનકારી અભિગમ રાખવાથી.

          મોટેભાગે વર્કલોડના કારણે નહીં પરંતુ ઉપર જણાવ્યા તેવા વલણ ધરાવવાને કારણે સ્ટ્રેસ થાય છે. આવા વલણ ધરાવનારી વ્યક્તિઓને ડિપ્રેશન કે એંઝાઈટીની બિમારી સીધેસીધી ન થાય પરંતુ ‘સાઈકોસોમેટિક' બિમારી થાય એવું ઘણીવાર બને છે. જો તમને નીચે જણાવેલા લક્ષણોમાંથી કોઈ લક્ષણો લાંબા સમયથી હોય તો તમારી આ તકલીફ સ્ટ્રેસના કારણે હોવાની સંભાવના છે.
  1. માથાનો દુખાવો, આધાશીશી કે માઈગ્રેન
  2. એસિડીટી, ખાટા ઓડકાર, ઉબકા
  3. ગભરામણ, બેચેની, અનિદ્રા
  4. ચક્કર, આંખે અંધારા આવવા
  5. હાથપગના તળિયે બળતરા, ઝણઝણાટી
  6. ચહેરા પર કે દાઢનો દુખાવો
  7. પીઠ, કમર, ઘૂંટણ કે પગના તળિયાનો દુખાવો
  8. સ્નાયુઓનો દુખાવો.


                સ્ટ્રેસ ન થાય એ માટે વિચારસરણી અથવા જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી છે એ અન્ય લોકોને તરત સમજાય છે પરંતુ સ્ટ્રેસથી પીડાતી વ્યક્તિને પોતાને ‘ફિક્સ્ડ' આઈડિયાઝનો પ્રોબ્લેમ હોવાને કારણે તેઓ પોતાની અંદર પરિવર્તન જરૂરી છે એમ સમજતાય નથી અને પરિવર્તન લાવવા તૈયાર થતા પણ નથી. આ તો એવી ઘટના છે જેમ કે કોઈની નજર કમજોર હોય એને આપણે ઝીણા અક્ષરે લખી આપીએ કે તને આટલા નંબર છે તો એ ન જ વાંચી શકે અને બહેરાશવાળી વ્યક્તિને ધીમા અવાજે કહીએ કે તમને બહેરાશ છે, તો એને ન જ સંભળાય! એમ સ્ટ્રેસથી પીડાતી વ્યક્તિ પરિસ્થિતિ પર, વિશ્વ પર દોષારોપણ કરીને ય પોતાની જાતમાં ફેરફારનો અવકાશ છે, એમ જલદી સમજી શકતી નથી. વળી એમને સીધેસીધું ‘તમારો સ્વભાવ બદલવાની જરૂર છે' એમ કહીએ તો એ અપમાનિત થયાની લાગણી અનુભવે છે. ઘણીવાર ડોક્ટરો પણ આવી વ્યક્તિઓ સાથે ચર્ચા કરવાનું ટાળીને માનસિક તાણ ઓછી કરવા માટે દવા લખી આપી છૂટી જાય છે. ઘણા કિસ્સામાં આ દવા જરૂરી પણ હોય છે, પણ એ કાયમી ઉકેલ નથી. સ્ટ્રેસ ઓછો કરવા માટે વિચારસરણીમાં પરિવર્તન લાવવાથી જ જીવનભરનો કે લાંબા ગાળાનો ફાયદો થાય છે.

          આવો સ્ટ્રેસ ઓછો કરવાની કેટલીક સાર્વત્રિક ચાવીઓ (માસ્ટર કીઝ) વિચારીએ.
  1. યાદી, લિસ્ટ, ટાઈમ ટેબલ વગેરે બનાવવું જરૂરી છે પણ એને કોઈપણ સંજોગોમાં વળગી જ રહેવું શક્ય નથી.
  2. જગત સંપૂર્ણ નથી. તમે પણ સંપૂર્ણ નથી. પોતાની કે બીજાની ભૂલ કે ચૂક બદલ આકરા ન થવું.
  3. પ્લાન A હંમેશા વર્ક ન પણ કરે. પ્લાન A સફળ થાય એ માટે પૂરું જોર લગાવો પરંતુ પ્લાન A ફેલ જવા માંડે તો પ્લાન B તૈયાર રાખો. .
  4. પૂરી તૈયારી પછી પણ રણમેદાનમાં ‘પડશે તેવા દેવાશે'ની નીતિ જ વધુ કારગત નીવડે છે.
  5. જીવન એક પછી એક કાર્યોની હારમાળા છે. તેથી તાણયુક્ત રહીને કાર્ય કરવાથી કોઈ ફાયદો નથી. કાર્ય બને એટલું આનંદથી થાય એ જરૂરી છે. ઘણીવાર કાર્ય પરફેક્ટ થાય એના કરતાં કાર્ય આનંદથી થાય એ વધારે જરૂરી હોય છે.
  6. લાંબો વિચાર કે આયોજન ક્યારેક જરૂરી છે પરંતુ કાયમ એનો ભાર રાખી ન ફરાય. સૂતા પહેલાં મન પરથી બધા કામ ખંખેરી નાખવા જરૂરી છે. પોતાના મન અને શરીરને આરામની છૂટ પોતે જ આપવી પડે છે. લાંબા ગાળાનું પ્લાનિંગ ઉપરછલ્લું રાખી માત્ર આજના પ્લાનિંગ પર ધ્યાન રાખવું જરૂરી છે. ‘લીવ વન ડે એટ અ ટાઈમ' એ શાંતિનો મહામંત્ર છે.
  7. બીજાઓની અનિયમિતતા કે બિનજવાબદારીને કારણે તમારું આયોજન ખોરવાઈ શકે છે. આ વિશાળ જગતમાં ક્યાંક ને ક્યાંક અનિયમિતતા, અરાજકતા ચાલતી જ હોય છે, એનો ભેટો તમને ન થાય તો જ નવાઈ. કોઈ પણ કામમાં બધી તૈયારી કરી હોય તે છતાં જરાતરા અડચણ આવવાની તૈયારી રાખો.

              ચોકલેટ : કાર્યમાં તૈયારી કરતાં એલર્ટનેસ વધુ જરૂરી છે. તૈયારીનો સ્ટ્રેસ રાખનારની એલર્ટનેસ ઓછી થાય છે. જે સ્ટ્રેસમાં હોય એ પ્રસન્ન ન હોય. જે પ્રસન્ન ન હોય એ એલર્ટ ન હોય. જે એલર્ટ ન હોય એ સફળ ન થાય.

સ્ત્રોત; ફેમિના રઈશ મણિયાર

14 June 2020

ધોરણ: -૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ...

ધોરણ: -૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ...

ધો .૧૨  સામાન્ય પ્રવાહના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 

           
         
                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૧૫ જૂન ૨૦૨૦ નાં રોજ સોમવારે સવારે 8 કલાકે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રીઝલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રીઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન 



 ધોરણ: -૧૨  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. હાલમાં જ ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                  - ડો.જીજ્ઞેશ વેગડ




10 June 2020

મનોદૈહિક માથાનો દુખાવો


મનોદૈહિક માથાનો દુખાવો


‘તમે માનશો!, આ સુનંદાએ એટલી બધી ગોળીઓ ખાધી હશે કે જો માત્ર ગોળીઓનું વજન કરવામાં આવે તો કિલોમાં હશે’ શશાંકભાઇએ જરા અતિશયોક્તિ સાથે સુનંદાબહેનની ફરિયાદોનું વર્ણન ડૉક્ટરને કરવા માંડ્યું.


‘ગમે ત્યારે સુનંદાનું માથું પકડાઇ જાય. એટલું બધું દુઃખે કે જો ઘરમાં એકલા હોઇએ તો તો દીવાલ પર માથું પછાડે. જોરથી કપાળ ફરતે કપડું કે રૂમાલ બાંધી દે. સહેજ પણ મોટો અવાજ સહન ન થાય. ફોનની રીંગ વાગે તો પણ અકળાઇ જાય. અમારે તો કોઇ બાળક નથી. પણ બીજા કોઇનું બાળક ઘરે આવે તો એકદમ ચિડિયાપણું વધી જાય. ઘરમાં બધું જ વ્યવસ્થિત એની જગ્યાએ ગોઠવાયેલું જોઇએ. જો એક પણ વસ્તુ આઘી પાછી થઇ તો આવી બને. અમારે ચોવીસ કલાકનો નોકર પ્રેમજી છે. એની તો લગભગ રોજ એક વાર તો હાલત ખરાબ થઇ જ જાય. વાતે વાતે એના પર સુનંદા બહુ જ ચિડાઇ જાય પણ પછી શાંત થાય એટલે પ્રેમજીને જાતે શીરો કરીને ખવડાવે. એટલં સાચવે. એટલે હવે તો પ્રેમજી પણ સમજી ચૂક્યો છે કે શેઠાણી ગરમ થાય પણ એમના દિલમાં ખોટ નથી... આખું ઘર એકદમ ચકચકાટ ચોખ્ખું રાખે. બારી-બારણા બંધ રાખે. પડદા પણ ઢાંકેલા રાખે. ઘરે કોઇ ગેસ્ટ આવે તો એને બહુ સરસ સાચવે. પણ બહાર જવાનું મોટે ભાગે ટાળે. જ્યારે જબરજસ્તી જવું પડે ત્યારે એને ઉલ્ટી થાય કાં તો ગભરામણ થઇ જાય. ક્યારેક તો ચક્કર પણ આવી જાય. એટલે અમારે ચાલુ ફંક્શને સીધા ડૉક્ટર પાસે દોડવું પડે. એની ટ્રીટમેન્ટ થાય પછી જ રાહત થાય.

સુનંદાબહેનની ક્લિનિકલ હિસ્ટ્રી સૂચક છે. એમના ફેમિલીમાં એ એકની એક દીકરી. એમના ફાધર બેંકમાં મેનેજર અને મમ્મી સ્કૂલમાં ટીચર. બંનેના સ્વભાવ બહુ જ ડિસીપ્લીન વાળા. આમ સુનંદાબહેન પરફેક્ટ રીતે ઉછેરાયેલા. પણ ડિસીપ્લીનની કાંટાળી બાઉન્ડ્રીમાં જ, એટલે શિસ્ત તો જાણે એમના DNAમાં દોડતું. પરફેક્શન એમનો પ્રાણવાયુ હતો. ઓર્ગેનાઇઝ્ડ રહેવું એમની ઓળખાણ હતી પણ મુખ્ય વાત એ હતી કે મેરેજના પાંચ વર્ષ થયા તો પણ એમને કોઇ બાળક નહતું. મમ્મી પાસેથી સાંભળેલું કે લગ્નના બે-ત્રણ વર્ષમાં તો ચાઇલ્ડ જોઇએ જ. તો જ આખી લાઇફ પ્લાનિંગથી જાય. આ વાત સુનંદાબહેનના અચેતન માનસમાં ઘર કરી ગઇ હતી. ‘આટલા બધા’ વર્ષો થઇ ગયા તો પણ હજુ મારૂ ફેમિલી કંપલીટ નથી એવી અપૂર્ણતાની ભાવના માથાના દુઃખાવામાં પરિણમી હતી.

અચેતન માનસમાં દમિત થયેલા સંઘર્ષો કે અપૂર્ણ ઇચ્છાઓ હંમેશા બહાર આવવા મથે છે. ક્યારેક સ્ટ્રેસના સ્વરૂપમાં તો ક્યારેક મોટી મનોવિકૃત્તિના સ્વરૂપમાં દેખા દે છે. આ કિસ્સામાં પેલી દમિત ચિંતા અને ઇચ્છા માથાના દુઃખાવા સ્વરૂપે બહાર આવી. જે શારીરિક રોગના મૂળમાં માનસિક કારણો પડેલા હોય તેને મનોદૈહિક બિમારીઓ કહેવાય છે.

સુનંદાબહેનને ‘સપોર્ટીવ સાયકોથેરપી’ આપવામાં આવી. બાળક મોડું થવું કોઇ અપરાધજન્ય ભૂલ નથી. એનાથી કોઇ મોટું પ્લાનિંગ ખોરવાઇ જતું નથી. માતા-પિતાના વિચારો અને માન્યતાઓનો પૂરતો આદર થવો જ જોઇએ. પણ લગ્ન પછી પરિસ્થિતિ બદલાતી હોય છે તેવામાં જરૂરિયાત મુજબની અનુકૂલનવૃત્તિ કેળવવી પડે છે. થોડી ફલેક્સિબિલીટીની ટેવ હોય તેવા લોકો વધુ સારી ક્વોલિટી લાઇફ જીવી શકે છે. સુનંદાબહેન કાઉન્સેલિંગ અને થેરાપી આપવાથી રિલેક્સ થઇ રહ્યા છે.

સ્ત્રોત: ઉત્સવી ભીમાણી, નવગુજરાત સમય હેલ્થ

09 June 2020

ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ

ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ  ... 

ધો .10 ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 


                           ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૦ ના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૯ જૂન  ૨૦૨૦ નાં રોજ મંગળવારે સવાર 8 વાગે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન

 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. હાલમાં જ ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "

                                                            - ડો.જીજ્ઞેશ વેગડ