Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label માનોવૈજ્ઞાનીક પ્રયોગ. Show all posts
Showing posts with label માનોવૈજ્ઞાનીક પ્રયોગ. Show all posts

29 July 2022

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક



પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન
Trial and Error - Theory of Learning :



પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ.થોર્નડાઈક ( 1874 – 1949 ) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા છે . તેણે બિલાડી , ઉંદર અને અન્ય પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો હતો . તેમણે ઈ.સ. 1899 થી 1939 સુધી કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી .

થોર્નડાઈકનો બિલાડી પરનો પ્રયોગ :



          થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને કોયડા પેટીમાં પૂરી . આ કોયડા પેટીને માત્ર એક માર્ગ હતો કે જેમાંથી બિલાડી બહાર આવી શકે . પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી . બિલાડી પેટીના બારણાની કડી અમુક દિશામાં ફેરવે તો બારણું ખૂલી શકે . બિલાડી બહાર નીકળવાના ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક રાખવામાં આવ્યો . પેટીની બહાર રહેલ ખોરાકની વાસ , ભૂખી બિલાડીને બહાર નીકળવા માટે પ્રેરણારૂપ બની રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી . બિલાડી કોયડાપેટીની બહાર નીકળવા પ્રયત્નો કરવા લાગી , બિલાડીએ અનેક પ્રયત્નો કર્યા , જે અસ્તવ્યસ્ત હતા . આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કડીંખૂલી ગઈ . આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી . આ સમયે બિલાડીને બહાર નીકળવામાં લાગેલો સમય પ્રથમ પ્રયત્ન કરતાં ઓછો હતો . ફરીથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા થોર્નડાઈકે જોયું કે , પછીના દરેક પ્રયત્નોમાં બિલાડી દ્વારા કરાતાં દિશાવિહીન પ્રયાસોમાં તથા તેને બહાર આવવામાં લાગેલ સમયમાં ઘટાડો નોંધાયો છેવટે બિલાડી પ્રથમ પ્રયત્ન જ કોયડા પેટીમાંથી બહાર આવતા શીખી શકી.


પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાને નીચેનાં સોપાનો દ્વારા વર્ણવી શકાય .
  1. ઇરણ : પ્રસ્તુત પ્રયોગમાં બિલાડી ભૂખી હતી . અને ખોરાકની વાસ દ્વારા તેને પ્રેરિત કરવામાં આવી .
  2. ધ્યેય : બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવવો આ બાબત અંતિમ ધ્યેય હતું .
  3. સમસ્યારૂપ પરિસ્થિતિ : બિલાડી સમક્ષ કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી . પેટીમાંથી બહાર આવવું એ સમસ્યાના ઉકેલ દ્વારા બિલાડી ખોરાકરૂપ ધ્યેય પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી .
  4. દિશાવિહીન પ્રયત્નો : ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગથી અજાણ બિલાડી બહાર આવવા માટેના અસ્તવ્યસ્ત પ્રયત્નો કરતી હતી .
  5. સાચા માર્ગની પસંદગી : અનેક અસ્તવ્યસ્ત પ્રયત્નો પૈકી ખોટા માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાચી દિશાના પ્રયત્નો જાળવી રાખવા પ્રયત્ન કરાય છે .
  6. અધ્યયન : અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે છે કે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર ધ્યેય પ્રાપ્તિ થઈ શકે .

પોતાના દષ્ટિબિંદુને સ્પષ્ટ કરવા થોર્નડાઈક જણાવે છે “ The cat does not look over the situation much less think it over and then decide what to do . It bursts out at once into the activities . helped by instincts and experiences . "

અધ્યયનના નિયમો :


વિવિધ પ્રયોગોના અંતે થોર્નડાઈકે અધ્યયન પ્રક્રિયા વિશે નીચેના નિયમો આપવામાં પ્રયત્ન કર્યો .

1. તત્પરતાનો નિયમ :

નિયમમાં થોર્નડાઈક અધ્યેતા માટે ( Conduction unit ) શબ્દનો ઉપયોગ કરે છે . તેના જણાવ્યા અનુસાર ,
  • જયારે અધ્યેતા ( વહન - એકમ ) શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ આપવું સંતોષપ્રદ બને છે .
  • જયારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર ન હોય ત્યારે શિક્ષણ આપવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે .
  • જ્યારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ ન આપવું તે બાબત પણ અધ્યયનને નિષ્ફળ બનાવે છે . 
 તેમના મતે જ્યારે બાળક શિક્ષણ મેળવવા ઉત્સુક હોય ત્યારે અચૂક શીખવવું જોઈએ . આ સમયે ઓછા પ્રયત્ન બાળક ઝડપથી શીખી શકે છે . શિક્ષક દ્વારા આ તકનો લાભ લેવાવો જોઈએ , તેમ જ બાળક શીખવા માટે પ્રેરાય તેવી અધ્યયન પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ .


2. અસરનો નિયમ :

થોર્નડાઈકના મતે અધ્યયન ત્યારે જ સાચા અર્થમાં શક્ય બને છે જયારે અધ્યયનમાંથી આનંદ અને સંતોષની લાગણી જન્મે . થોર્નડાઈકે પોતાના શબ્દોમાં આ જ વાત આ પ્રમાણે રજૂ કરેલ છે . “ When a modifiable connection between stimulus and response is made and is accompanied or followed by a satisfying state of affairs , that connection's strength is increased , when made and accompanied or followed by an annoying state of affairs , its strength is decreased . '

બાળક માટે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ કે જેના કારણે બાળક અસંતોષ કે દુઃખની લાગણી ન અનુભવે . અસંતોષ કે દુઃખદ પરિસ્થિતિ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે .

થોર્નડાઈકનો આ નિયમ અધ્યયન પ્રક્રિયામાં બદલો અને શિક્ષાની અસર સમજાવે છે . બાળકને પૂરો પડાયેલ બદલો તેને નવું શીખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે . જ્યારે શિક્ષા બાળકને અધ્યયન માટે હતોત્સાહ કરે છે.


3. પુનરાવર્તનનો નિયમઃ ( The law of exercise )

પુનરાવર્તનનો નિયમ અધ્યયનપ્રક્રિયામાં મહાવરાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે . પુનરાવર્તનને કારણે ઉદ્દીપક પ્રતિચાર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બને છે . પુનરાવર્તનના નિયમના બે પેટાનિયમો છે .

  1. ઉપયોગનો નિયમ : ઉત્તેજક અને પ્રતિચારનું જોડાણ તેના વારંવારના ઉપયોગને કારણે વધુ સુદઢ થાય છે . વારંવાર ઉપયોગમાં લેવાતી બાબતો સરળતાથી યાદ રહે છે . ટાઇપ શીખનાર વ્યક્તિ , વાહન ચલાવતાં શીખનાર વ્યક્તિને મહાવરાની જરૂર પડે છે . વારંવાર તે ક્રિયા કરવાથી વધુ સારું અધ્યયન થઈ શકે છે .
  2. અનુપયોગનો નિયમઃ થોડો સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે એટલે કે ઉત્તેજક – પ્રતિચારનું જોડાણ નબળું પડે છે . ઘણા સમય સુધી ઉપયોગમાં ન લેવાતો ફોન નંબર ભૂલાઈ જાય છે . બાળકે એક સમયે મોઢે કરેલ કાવ્ય જો ફરી ફરીને તેની પાસે બોલાવવામાં ન આવે તો બાળક તે કાવ્ય ભૂલી જાય છે .
આમ પુનરાવર્તનનો નિયમ મહાવરાને મહત્ત્વ આપે છે . બાળકને જરૂરી કૌશલ્યો શીખવવા માટે પુનરાવર્તનની જરૂર પડે છે .

4. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થઃ

શિક્ષણનાં ક્ષેત્રમાં થોર્નડાઈકના પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનું પ્રદાન ઘણું છે . વિવિધ શોધ એ પ્રયત્ન અને ભૂલનું જ પરિણામ છે .

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના ફલિતાર્થ નીચે મુજબ છે .
  1. શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્ત્વ સમજી લેવું જોઈએ . શિક્ષકે વિદ્યાર્થીઓને વિષયવસ્તુની ઉપયોગિતા સમજાવી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ .
  2. બાળકની શીખવાની ઇચ્છા , પરિપક્વતા વગેરે બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરાવવા જોઈએ .
  3. થોર્નડાઈકના મતે માત્ર મહાવરો પૂરો પાડવાથી અધ્યયન શક્ય બનતું નથી . મહાવરાની સાથે સાથે બાળકને તેનાં પરિણામ / પ્રગતિ વિશેની માહિતી પૂરી પાડવાથી બાળક વધુ શીખવા માટે પ્રેરાય છે . અધ્યયન પ્રક્રિયાને વેગ મળે છે .
  4. શિક્ષકે બાળકને સમગ્ર અધ્યયન પરિસ્થિતિની સમજ આપવી જોઇએ . તેમ જ વિવિધ વિષયમુદ્દાની સમગ્ર સમજ આપી તેમાં રહેલ સામ્ય અને તફાવત સમજાવવો જોઈએ .
  5. બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ .
  6. નવા વિષયમુદ્દાની શરૂઆત સમયે તેને બાળકના પૂર્વજ્ઞાન સાથે ખસેડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ મળે છે .
ટૂંકમાં , થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો નિયમ સમગ્ર અધ્યયન પ્રક્રિયામાં પ્રેરણા , બદલો અને મહાવરાનું મહત્ત્વ દર્શાવે છે.

04 November 2021

આંતરસૂઝ દ્વારા અધ્યયન-કોહલર

આંતરસૂઝ દ્વારા અધ્યયન - કોહલર
Theory of Insightful learning - 

Kohler





પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનના ફરજિયાત એકાંતવાસના ફલસ્વરૂપે કોહલર, કોફકા અને વર્ધીમર જેવા જર્મન મનોવૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો :

‘ Gestalt ' એ જર્મન શબ્દ છે જેનો અર્થ “ Organised whole ' કે સમગ્રતા ' કરી શકાય . સમગ્રતા પર ભાવ મૂકવાને કારણે આ મનોવૈજ્ઞાનિકો સમગ્રતાવાદીઓ તરીકે ઓળખાયા. તેઓના મતે અધ્યયન પ્રક્રિયા એ માત્ર દેવનું અધ્યયન કે ઉત્તેજક - પ્રતિચારનું જોડાણ નથી. અધ્યયનને તેઓ માત્ર અધ્યયન તરીકે કે પ્રયત્ન અને ભૂલ તરીકે જોવાને બદલે હેતુપૂર્વકની સર્જનાત્મક કામગીરી તરીકે જુએ છે. સમગ્રતાવાદ અનુસાર અધ્યયન એક પ્રક્રિયા છે, જેમાં પ્રાણી ક્રિયા પ્રતિક્રિયા કરે છે, આદાનપ્રદાન કરે છે અને તેના આધારે પ્રતિચારો આપે છે. તેઓના મતે જ્ઞાન ટુકડે ટુકડે નહિ પરંતુ સમગ્ર રીતે અપાવું જોઈએ. નવા જ્ઞાન સાથે હંમેશા જૂના જ્ઞાનનો સંદર્ભ લેવો જોઇએ. અધ્યયન કરનાર હંમેશા સમગ્ર પરિસ્થિતિને જુએ છે અને વિવિધ સંબંધોને ચકાસે છે. તેનાં આધારે બુદ્ધિપૂર્વક નિર્ણય લે છે. પ્રાણી હંમેશાં કોઇ ચોક્કસ ઉત્તેજકને પ્રતિચાર આપતું નથી. પરંતુ; યોગ્ય સંબંધ કે અનુબંધને પ્રતિચાર આપે છે. સમગ્રતાવાદ આંતરસૂઝ શબ્દ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દર્શન અને પ્રતિચાર આપવામાં બુદ્ધિ જેવાં તત્ત્વનો ઉપયોગ આ બાબત સમજાવવા પ્રયત્ન કરે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનને મનોવિજ્ઞાનીઓ બોધાત્મક શિક્ષણ ( Cognitive Learning ) ના એક પ્રકાર તરીકે ઓળખાવે છે. બોધાત્મક શિક્ષણ એટલે ઘટનાના અનુભવને કારણે કોંઈપણ દેખીતા પ્રબલન વગર પ્રાણી ઘટનામાંના નવા સંબંધો કે સાહચર્યો શીખે. તે પર્યાવરણમાંથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતી માહિતીની પ્રક્રિયાકરણની રીતમાં અનુભવને પરિણામે પ્રગટ પ્રબલન વિના, જયારે ફેરફાર થાય છે ત્યારે તેને બોધાત્મક શિક્ષણ કહે છે.


" આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેનો પરસ્પર સંબંધ સમજવો તે. આંતરસૂઝ એટલે સમગ્ર પરિસ્થિતિના જુદા જુદા ભાગો વચ્ચેનો આંતરસંબંધ સમજવો તે. આંતરસૂઝયુક્ત શિક્ષણ એટલે એવું શિક્ષણ જેમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણના પુર્નસંગઠનનો સમાવેશ થાય છે અને લાંબા સમય સુધી કોઇ પ્રગતિ વિના એકાએક સમસ્યાનો ઉકેલ જડી આવે છે. "


આંતરસૂઝ એ એવી પ્રક્રિયા છે કે જેના વડે સમસ્યાના મૂળભૂત સ્વરૂપમાં અંદર ડોકિયું કરીએ છીએ અને તેની મદદથી ઉકેલ શોધીએ છીએ. આવા ઉકેલો અચાનક મળે ત્યારે તેને અંતઃસૂઝનો ઝબકારો કહેવાય છે.


કોહલરનો ચિમ્પાન્ઝી પર પ્રયોગ :




એક પ્રયોગમાં કોહલરે ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર કેળું રહે તે રીતે એક દોરીનો છેડો પાંજરાની નજીક રાખી દોરીના બીજા છેડે કેળું બાંધવામાં આવ્યું. થોડીક વિચારણા બાદ તેણે દોરી ખેંચી કેળું મેળવ્યું.

અન્ય એક પ્રયોગમાં ચિમ્પાન્ઝી સુલતાનને પાંજરામાં પૂર્યા બાદ પાંજરાની છત પર એક કેળું લટકાવ્યું. એક ખોખું મૂકવામાં આવ્યું હતું. સુલતાને કેળું મેળવવા કૂદકા માર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. અચાનક તેની નજર ખોખા પર પડી. તેણે ખોખાનો ઉપયોગ કરી છત પર લટકતું કેળું મેળવ્યું. આથી આગળ વધી કોહલરે કેળું વધુ ઊંચે લટકાવ્યું કે જેથી સુલતાનને તે કેળું મેળવવા એકથી વધુ ખોખાનો ઉપયોગ કરવો પડે. સુલતાનને આ પ્રયોગમાં પણ કેળું મેળવવામાં સફળતા મળી.

બીજા એક પ્રયોગમાં કોહલરે સુલતાનના પાંજરાની બહાર થોડે દૂર એક કેળું મૂક્યું. પાંજરામાં એકબીજામાં ભરાવી શકાય તેવી બે લાકડી મૂકવામાં આવી. સુલતાને બંને લાકડી કે કેળું મેળવવાના પ્રયત્નો કરી જોયા, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી. તે લાકડી વડે રમવા લાગ્યો . અચાનક તેને ઉકેલ જડી આવ્યો. બંને લાકડી જોડી સુલતાને પાંજરાથી દૂર રહેલું કેળું મેળવ્યું.


પ્રયોગોના આધારના કોહલરે કરેલા આંતરસૂઝ દ્વારા અધ્યયનનાં નીચેનાં લક્ષણો તારવી શકાય.

  1. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનો સહારો લેવામાં આવે છે. નવી પરિસ્થિતિમાં આ અનુભવો કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે.
  2. બુદ્ધિશાળી પ્રાણી આ પ્રકારે અધ્યયન કરી શકે છે. પ્રાણી જેમ વધુ બુદ્ધિશાળી તેમ તેનામાં આંતરસૂઝનું પ્રમાણ વધુ.
  3. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સમાયેલ છે તેમ કહી શકાય. પરંતુ, આ પ્રયત્ન અને ભૂલ આંતરસૂઝ દ્વારા અધ્યયનનું અંતિમ સોપાન નથી.
  4. આંતરસૂઝ દ્વારા અધ્યયન માટે પ્રાણી સમક્ષ સમગ્ર અને સ્પષ્ટ પરિસ્થિતિ હોવી જરૂરી છે. પરિસ્થિતિનું અપૂરતું દર્શન આંતરસૂઝને અવરોધે છે.
  5. આંતરસૂઝ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવ્યા બાદ મહાવરો જરૂરી છે.
આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનું નવીન સંયોજન વિચારવામાં આવે છે. વિષયવસ્તુનું નવીન સંયોજન અને અર્થઘટન વ્યક્તિને અચાનક સમસ્યાનો ઉકેલ મેળવી આપે છે. વ્યક્તિ " આહ " સાથે સફળતાનો આનંદ મેળવે છે.


આંતરસૂઝ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થ :
  1. આંતરસૂઝ દ્વારા અધ્યયન પ્રતિચારોમાં યાંત્રિકતાને સ્થાન અપાતું નથી. આ સિદ્ધાંત અધ્યયનને હેતુપૂર્વકની પ્રક્રિયા તરીકે નિહાળે છે.
  2. બાળકનામાં આંતરસૂઝ વિકસાવવા માટે તેની સમક્ષ સમગ્ર પરિસ્થિતિ હોવી જોઈએ. બાળકની જિજ્ઞાસા વધે તે માટેના પ્રયત્નો શિક્ષક દ્વારા કરાવા જોઈએ.
  3. શિક્ષણ હેતુકેન્દ્રી છે અને તેથી તેની ઉપયોગિતા બાળકને સમજાવવી જોઈએ.
  4. " સમગ્રતા તરફથી વિભાગો તરફ " " સંશ્લેષણ તરફથી વિશ્લેષણ તરફ " જેવાં શિક્ષણનાં સૂત્રોને ધ્યાનમાં રાખી તે પ્રમાણેની શિક્ષણ પદ્ધતિઓ શિક્ષક દ્વારા પસંદ કરાવી જોઈએ. આ ઉપરાંત સમસ્યા ઉકેલ પદ્ધતિ પણ બાળકમાં આંતરસૂઝ વિકસાવવામાં ઉપયોગી બની શકે.
  5. “ જ્ઞાન અખંડ છે ” આ બાબતનો અનુભવ કરાવવા શિક્ષકે હંમેશા નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિવિધ વિષયો અને પેટામુદા સાથેના અનુબંધ દ્વારા જ આ અનુભવ બાળકને થઈ શકે. પરંતુ, તે માટે શિક્ષકપણે ઘણી તૈયારી હોવી જરૂરી છે.
  6. આંતરસૂઝનો આધાર અધ્યયન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ પર રહેલો છે, તેથી શિક્ષણ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણને સ્થાન અપાવું જોઈએ.

24 September 2021

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ - થોર્નડાઈકનો પ્રયોગ

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ - થોર્નડાઈકનો પ્રયોગ


શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો  વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે . તેને શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ન થયેલ સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે .

આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે થોર્નડાઈકે બિલાડી ઉપર કરેલ પ્રયોગ જે સમજીએ .






થોર્નડાઈકનો પ્રયોગ :
  • અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે એક સમસ્યાપેટી બનાવી હતી .
  • આ સમસ્યાપેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતાં પેટીનો દરવાજો ખૂલી જતો હતો .
  • આ સમસ્યાપેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડી મૂકી , અને સમસ્યાપેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો .
  • સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યાપેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી .
  • શરૂઆતમાં સમસ્યાપેટીના સળિયા પર પંજા માર્યા , સળિયાને બચકાં ભર્યા , સમસ્યાપેટીમાં આમ થી તેમ આંટા માર્યા કર્યા .
  • ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યાપેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યું .
  • પરંતુ બિલાડીને સમસ્યાપેટીની બહાર નીકળવામાં સફળતા મળી શકી નહીં .
  • આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા .
  • જેમાં અચાનક જ તેનો પંજો સમસ્યાપેટી ખૂલવાની કળ પર પડી જતાં સમસ્યાપેટીનો દરવાજો ખૂલી ગયો .
  • અહીં સમસ્યાપેટીના દરવાજાનું ખૂલવું એ એક આકસ્મિક ઘટના હતી .
  • બિલાડીએ કોઈપણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી , એટલું જ નહીં આ કળ દબાવવાથી જ દરવાજો ખૂલ્યો છે એવો પણ તેને ખ્યાલ નહોતો અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યાપેટીમાં મૂકવામાં આવતાં જ તેણે પહેલાના જેવા જ વ્યર્થ પ્રયત્નો ચાલુ કર્યા , જેથી બિલાડીને કળ અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી તે બાબતને સમર્થન મળી ગયું .
  • આ રીતે થોર્નડાઈકે સતત 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતાં 24 મે પ્રયત્ન પાંજરામાં મૂકતાંની સાથે જ કળ દબાવીને સમસ્યાપેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી .
  • સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે .
  • અહીં પણ બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્નો વધતાં સમસ્યાપેટી ખોલવાના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો .
  • પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યાપેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ જેટલો સમય લાગ્યો .
  • જ્યારે 24 મે પ્રયત્ન બિલાડીએ ફક્ત 10 સેકન્ડમાં જ સમસ્યાપેટીનો દરવાજો ખોલી , બહાર નીકળી , ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું .
  • આમ , પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતાં છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે .



29 August 2021

સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ


સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ
  • સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ
  • સ્કિનરના પ્રયોગના મૂળભૂત ખ્યાલોની સમજૂતી :
( A ) પ્રબલન :
         (1) વિધાયક પ્રબલન :
         (2) નિષેધક પ્રબલન :
( B ) વિલોપન :
( C ) ઉદીપક સામાન્યીકરણ:
( D ) ઉદીપક ભેદબોધન :


  • સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ
સ્કિનરના મત પ્રમાણે પ્રબલને આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે . આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે તેમણે એક સમસ્યાપેટીની રચના કરી , જે સ્કિનર પેટી તરીકે ઓળખાય છે .

આ સમસ્યાપેટીની વિશેષતા એ હતી કે તેમાં અન્નગુટિકા સંચયપેટીને અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચયપેટીમાંથી અન્નપાત્રમાં આવી જાય .

આવી સમસ્યાપેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો . ઉંદરે શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા .

જેમાં પેટીમાં દોડાદોડ કરવી સમસ્યાપેટીના સળિયાઓ પર પ્રહારો કરવા , સળિયાને બચકાં ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો .
આવી અનેક ક્રિયાઓ દરમ્યાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્તત કરવાનો હાથો દબાઈ ગયો .

ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત - બેખબર હોવાથી તેને અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેવો કોઈ જ ખ્યાલ નહોતો .પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતાં તેણે અન્નગુટિકા આરોગી .

ઉંદર દ્વારા થયેલ આ પ્રતિક્રિયા તદન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયેલ નહોતું .

આથી ફરી એને સમસ્યાપેટીમાં મૂકતાં સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા , આ દરમ્યાન તેનાથી ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ .



પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી પ્રાપ્ત થઈ હતી .

જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની 35 મિનિટે એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની 20 મિનિટ પછી પ્રાપ્ત થઈ .

ત્યારબાદ 47 મિનિટે ત્રીજી અન્નગુટિકા અને ચોથી અન્નગુટિકા ઉંદરને પાંજરામાં મૂક્યાની 71 મી મિનિટે પ્રાપ્ત થઈ .

આ ચાર વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાઓને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત થઈ કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે .

ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવતો થાય છે , તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને અન્નગુટિકાની પ્રાપ્તિ અંગેનું અભિસંધાન જોવા મળ્યું .જે સ્પષ્ટ રીતે તેણે મેળવેલા શિક્ષણનો નિર્દેશ કરે છે .

આમ , સમસ્યાપેટીમાં પુરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો કરતાં કરતાં હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો , જેનાથી તેની પ્રતિક્રિયાઓને પ્રબલન પ્રાપ્ત થયું અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દઢીકરણ થયું .


  • સ્કિનરના પ્રયોગના મૂળભૂત ખ્યાલોની સમજૂતી :
( a ) પ્રબલન :

કોઈપણ શિક્ષણના દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે .
પ્રબલન એટલે કે શીખેલી - શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દઢ કે બળવત્તર કરનારું ઘટક .
સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળસ્રાવ માટે ખોરાક એ પ્રબલન તરીકેની ભૂમિકા ભજવે છે .
જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં ઉંદરની હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્નગુટિકા ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે .
પ્રબલનના બે પ્રકારો છે . ( 1 ) વિધાયક પ્રબલન અને ( 2 ) નિષેધક પ્રબલન

(1) વિધાયક પ્રબલન :

જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે . વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે . સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદીપક એટલે વિધાયક પ્રબલન . દા.ત. માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને ચોકલેટ આપે છે . અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન છે .

(2) નિષેધક પ્રબલન :

સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણાવી શકાય પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી . નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદીપક . કારક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ બાળક - પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે જ કરવામાં આવે છે . સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યાપેટીમાં હાથો દબાવવાથી ઉંદર ઈલેક્ટ્રીક શોકથી રાહત મેળવી શકે તો ઉંદર આ કષ્ટદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે . પ્રબલન વિધાયક હોય કે નિષેધક , તેને પ્રબલનની કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજવાની સંભાવના પહેલાં કરતાં વધે . ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનને ઉંદર ઉપર પ્રબલનનું કદ , બે પ્રબલન વચ્ચેનો સમયગાળો , પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અભિસંધાનમાં પ્રબલનની અસરકારકતા અંગે રસપ્રદ તારણો તારવ્યાં છે .


( b ) વિલોપન :

શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન . એકવાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો તે શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે , જેને વિલોપન કહેવાય છે .

પ્રાણીને વિલોપનનું શિક્ષણ આપવા માટે પ્રાણી એકવાર સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂક્યા પછી તે ચોક્કસ ઉદીપક માટે શીખેલી પ્રતિક્રિયા કરે , તેમ છતાં તેને ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં ન આવે તો પ્રાણીમાં તે પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જઈને છેવટે પ્રતિક્રિયાનો સદંતર અભાવ જોવા મળે છે .

પ્રાણીમાં સ્થપાયેલા અભિસંધાનમાં ઘટાડો થઈ પ્રતિક્રિયા લુપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત કરેલ શિક્ષણનું વિલોપન થાય છે .

સ્કિનર પેટીમાં ઉંદર એકવાર હાથો દબાવી અન્નગુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યાર બાદ તે પ્રતિક્રિયા કરે છતાં તેને અન્નગુટિકા આપવામાં ન આવે .

આવું વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદરમાં હાથો દબાવવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે જેને ઉંદરમાં શીખેલા શિક્ષણનું વિલોપન થયું કહેવાય .


( C ) ઉદીપક સામાન્યીકરણ :

સામાન્યીકરણ જે રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદીપકનું સામાન્યીકરણ જોવા મળે છે તે રીતે કારક અભિસંધાનમાં સ્કિનરના પ્રયોગમાં ઉદીપકનું સામાન્યીકરણ થઈ શકતું નથી , કારણ કે કારક અભિસંધાનમાં સમગ્ર સ્કિનરપેટી એ જ ઉદીપકીય પરિસ્થિતિ છે .

જો કે , રોજબરોજના જીવનમાં કારક અભિસંધાનમાં પણ ઉદીપકનું સામાન્યીકરણ થવાનાં અનેક ઉદાહરણો જોવા મળે છે .દા.ત. બાળક રમકડાંથી રમતું હોય અને તમે તેનું રમકડું સંતાડો તો , થોડી જ વારમાં બાળક તે રમકડું શોધી કાઢે છે .આવું વારંવાર કરવાથી તમે તેનું રમકડું સંતાડો કે તરત જ તે જગ્યાએથી બાળક રમકડું શોધી કાઢવાની ક્રિયા કરતાં શીખી લે છે .આ ક્રિયાને અભિસંધાન કહી શકાય . હવે તમે કોઈ અન્ય જગ્યાયે તેનું રમકડું સંતાડો છો તો થોડા પ્રયત્નોને અંતે બાળક નવી જગ્યાએથી પણ રમકડું શોધી કાઢે છે .

આમ , બાળકની નવી જગ્યાએથી રમકડું શોધી કાઢવાની ક્રિયાએ રમકડું સંતાડવાની જૂની જગ્યા સાથે રમકડા સંતાડવાની નવી જગ્યાનું સામાન્યીકરણ થયાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે .


( d ) ઉદીપક ભેદબોધન :

શાસ્ત્રીય અભિસંધાનની જેમ કારક અભિસંધાનના પ્રયોગમાં ઉંદરને પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતાં શીખવવામાં આવે છે .

જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થતી હતી , પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં થોડા પ્રયત્નોને અંતે ઉંદર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતાં શીખી લે છે .

તેથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે જે ઉંદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું શિક્ષણ પ્રાપ્ત થયું તે ભેદબોધનનું શિક્ષણ .