Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

31 March 2020

કોરોના વાયરસની મનોવૈજ્ઞાનિક અસર

કોરોના વાયરસની મનોવૈજ્ઞાનિક અસર 
આજનું ગુજરાત સમાચાર  

28 March 2020

બજેટમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે ચોક્કસ ફાળવણી થતાં આભાર માનતી ટિમ મનોવિજ્ઞાન, સૌરાસ્ટ્ર યુનિવર્સિટી

બજેટમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે ચોક્કસ ફાળવણી થતાં આભાર માનતી ટિમ મનોવિજ્ઞાન, સૌરાસ્ટ્ર યુનિવર્સિટી

દેશના લોકોની મનોસ્થિતિ સમજવી અને તેની કાળજી રાખવી એ હાલના સમયમાં (ખાસ કરીને કોરોના મહામારીની અસરોમાં) ખુબ જ જરૂરી છે.

તાજેતરમાં જે બજેટ રજુ થયું અને તેમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ચોક્કસ બજેટની ફાળવણી કરવામાં આવી તે બદલ અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતી ટીમ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

અમે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્યની કાળજીનો ઉલ્લેખ બજેટમાં થયો તે બદલ આપ સાહેબને ધન્યવાદ અર્પણ કરીએ છીએ. મનોવિજ્ઞાનના અભ્યાસુ અને વિદ્યાર્થી તરીકે અમે આપ સાહેબની સમક્ષ કેટલાક વિચારો રજુ કરવા જઈ રહ્યા છીએ. તેની અમલવારી આપ સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ થાય તો દેશમાં માનસિક રીતે લોકોજે નબળા પડી રહ્યા છે તેને સધિયારો મળી શકે.

(1) મનોવિજ્ઞાન ભવન દ્વારા 26 માર્ચ 2020થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને બોટાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને આશરે એક લાખ લોકોનું કાઉન્સેલિંગ કર્યું જેઓ મનોવૈજ્ઞાનિક ભયથી પીડાતા હતા તેને જોઇને અનુભવાયું કે મનોવિજ્ઞાન વિષયની તાતી જરૂરિયાત છે

(2) ગ્રામ્ય વિસ્તારોમાં જયારે વેક્સિન જાગૃતિ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો જયારે જતા ત્યારે પણ ત્યાં અંધશ્રદ્ધાઓ ખુબ જોવા મળી જેને મનોવિજ્ઞાન ભવન દુર કરવામાં ઘણા અંશે સફળ ગયું જેનો ઉલ્લેખ પણ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો

(3) દેશભરમાં ઓનલાઈન શિક્ષણનો અન્ય વિકલ્પ શોધવો જરૂરી છે. ઇલેક્ટ્રિક ગેજેટ્સથી બાળકોમાં ધાર્યા ન હોય એવા માનસિક પરિવર્તનો આવ્યા છે અને ઘેલું લાગી રહ્યું છે. તેને આ પ્રકારના વળગણ વધતા જાય છે. આપણી ગુરુ પરંપરા માટે આ માધ્યમ ઘાતક પુરવાર થતું જાય છે.

(4) OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તત્કાલ લગામની જરૂરત છે. હજુ વધુ સખ્ત નિયંત્રણ આવશે તો જ બાહ્ય સંસ્કૃતિના આક્રમણથી આપના તરુણો અને દેશના યુવા ધનને બચાવી શિશુ. મનોવિજ્ઞાન ભાવને તાજેતરમાં જ એક સર્વે કર્યો જેમાં 88% લોકોનું માનવું છે કે OTT પ્લેટફોર્મને કારણે બાળકો બગડે છે.

(5) વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાનનું મહત્વ છે. વિજ્ઞાન યોગ્ય રીતે તો જ આગળ વધી શકશે કે જયારે તેનો ઉપયોગ કરનાર સામાજિક વિજ્ઞાનને જાણતો હશે. ધોરણ 9થી મનોવિજ્ઞાન વિષય દાખલ કરવો ખુબ જરૂરી છે. જો આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવું હશે તો માનસિક રીતે આપણા યુવાનોને મજબુત રાખવા મનોવિજ્ઞાન ભણાવવા ખુબ જરૂરી છે.

(6) દેશની તમામ શાળાઓમાં ફરજીયાતપણે એક મનોવૈજ્ઞાનિક સલાહકાર મુકવો જરૂરી છે. આપ સાહેબ સુપેરે જાણો છો કે શાળાના બાળકોમાં ઈન્ટરનેટ એડીકશન, પોર્ન સાઈટ વળગણ અને ડ્રગ્સ જેવા નિષેધક ભાવો વિકસી રહ્યા છે તેના નિવારણ માટે અને સમાધાન માટે તેને મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવવા જરૂરી છે.

(7) દેશમાં એઈમ્સની જેમ મોટા શહેરોમાં અને ખાસ વિશ્વ વિદ્યાલયોમાં સાયકોલોજીકલ વેલનેસ સેન્ટરો ખોલવા જોઈએ. મનોવિજ્ઞાન ભવને ગુજરાત સરકાર પાસે આવું વેલનેસ સેન્ટર ખોલવાની માંગણી કરેલ છે.

(8) મોબાઈલ રીંગટોનમાં જે કોરોના વિશેની કોલરટયુન સંભળાય છે તે સત્વરે બંધ કરવી જરૂરી છે. આ સાંભળીને લોકોનું મન મહામારી માંથી બહાર નથી આવતું

(9) દરેક શાળા કોલેજમાં મનોવિજ્ઞાન વિષય ફરજીયાતપણે ભણે એવી વ્યવસ્થા ખાસ જરૂરી છે

(10) ભારતીય અભિગમ સમજાવવા માટે વિજ્ઞાનણી સાથે સામાજિક વિજ્ઞાનનું પ્રભુત્વ ઉભું થાય તે માટે સરકારશ્રીએ પ્રયત્ન કરવા જરૂરી છે

(11)ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કારો આપણા યુવા માનસમાં મનોરંજન સ્વરૂપે દાખલ થાય તે માટે ટી.વી. સીરીયલોમાં ભારતીય ગુરુ પરંપરાને અનુરૂપ સંસ્કૃતિક વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી છે.

ઉપરોક્ત સુચનો મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ દરમિયાનના અનુભવોના આધારે કરી રહ્યા છીએ. તારીખ 26 માર્ચ 2020થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ સાથે રહીને કોરોનાનો ભય અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ અનુભવતા આશરે એક લાખ લોકોના કાઉન્સેલિંગ અને વિવિધ સર્વે દ્વારા કરી રહ્યા છીએ. આ વિવિધ આર્ટીકલ અને સર્વે માટે એક વર્લ્ડ રેકોર્ડ પણ મનોવિજ્ઞાન ભવનને એનાયત થયો છે

ટીમ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ

27 March 2020

સાયક્લોથાયમિક ડિસઓર્ડર

સાયક્લોથાયમિક ડિસઓર્ડર



                ઉત્કર્ષભાઇનો મૂડ રોકિંગ લાગતો હતો. ડૉક્ટરને ક્લિનિકમાં પ્રવેશતા જ જાણે બધાને નિકટથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. પત્ની સંજનાબહેન એમનો હાથ પકડીને શાંત રાખવાની કોશિષ કરી રહ્યા હતા. જો કે વેઇટીંગ રૂમમાં બેઠેલા બીજા બધાને પણ મજા પડી ગઇ હતી. એમનો વારો આવવાની રાહ જોયા વગર સીધા જ પોલિટીશીયનના રૂઆબ સાથે કન્સલ્ટિંગ રૂમની અંદર પ્રવેશ્યા. ડૉક્ટર સાથે હસ્તધૂનન કરીને પાછા બીજા રૂમમાં જઇને ગોઠવાઇ ગયા. આજનું ન્યૂઝપેપર મંગાવી વાંચવા લાગ્યા. જો કે એમનાથી મોટા મિહિરભાઇ સાથે હતા એટલે થોડા શાંત પડ્યા.


                      સંજનાબહેને ડૉક્ટરને વાત શરૂ કરી. ‘છેલ્લા અઢી વર્ષથી અમારા ઘરમાં આવું જ ચાલ્યા કરે છે. એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે. કોઇ આશ્રમમાં સેવામાં લાગી જવું છે. પોતાનું વિલ પણ કેટલીય વાર તૈયાર કરાવીને બદલાવ્યું છે. હજુ ઉંમર એકતાલીસ વર્ષ છે તો પણ આવા મૂડના ચક્કરો ચાલે તેમાં બધુ દાન કરી દેવાની પ્રબળ ઇચ્છા થઇ આવે. અરે ક્યારેક તો કારણ વગર કોઇ નવી કાર બૂક કરાવી આવે. ઘરે બે ટી.વી. છે તો પણ ત્રીજું લેટેસ્ટ ૬૦ ઇંચનું ટી.વી. ગઇ કાલે જ લઇ આવ્યા. અમે બે માણસ છીએ. કોઇ સંતાન નથી. કોના માટે આટલી વસ્તુઓ કામની. અમે અમારા ઘરમાં પૈસે ટકે ખૂબ સુખી છીએ. પણ મારી સાથે વાત-વાતમાં કકળાટ કરી મૂકે છે. બધા મિત્રો સાથે પણ સંબંધો સારા નથી રાખ્યા. એટલું જ નહીં પણ મને તો કહેતા ય શરમ આવે છે એ ઘણી બધી વાર અનેક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ પણ રાખી ચૂક્યા છે. અમારા આગળના ડૉક્ટરે કહ્યું હતું કે એમના માનસિક રોગનું આ એક લક્ષણ છે એટલે હું કંઇ બોલી નહીં, પણ દુઃખ તો થાય જ ને ? અને હા... વારે ઘડીએ બિઝનેસ બદલવાની વાતો કરે છે. ક્યારેક શેરબજારમાં ઓવર ઇન્વેસ્ટ કરી નાંખે તો ક્યારેક કવિતા લખવા માંડે... એમની દવાઓ તો ચાલુ જ છે પણ મને એવી સલાહ મળી કે સાથે સાયકોથેરપી થાય તો વધારે સારૂ પરિણામ મળે..

                       સંજનાબહેનની વાત સાચી છે. ઉત્કર્ષભાઇને જે તકલીફ છે તેને ‘સાયક્લોથાયમિક ડિસઓર્ડર' કહે છે. લક્ષણોની દ્રષ્ટિએ આ તકલીફ ‘બાઇપોલર ટાઇપ-૨ ડિસઓર્ડર'નું હળવું સ્વરૂપ છે. આમાં મંદ ડિપ્રેશન અને આનંદના અતિરેકના ચક્રિય હુમલાઓ આવ્યા કરે છે. ફરિયાદો લગભગ બે વર્ષથી વધારે જૂની હોય છે. ઘણી વાર સાયક્લોથાયમિક ડિસઓર્ડર સાથે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર પણ જોવા મળે છે. મોટા ભાગનાને મુખ્ય લક્ષણ તરીકે ડિપ્રેશન હોય છે અને હતાષાના સંજોગોમાં જ દર્દી ડૉક્ટરનો સંપર્ક પ્રમાણમાં વધારે કરે છે. જ્યારે યુફોરિયા એટલે કે આનંદના અતિરેકના સમયે દર્દી ટ્રીટમેન્ટ માટે તૈયાર થતા નથી. કારણ કે એને બધુ બરાબર લાગે છે. યુફોરિયામાં તો કેટલાક રૂટિનમાં લાંબા સમય સુધી કામ કર્યા કરે છે. એમાં ક્યારેક ખૂબ સર્જનાત્મકતા કે હાઇ અચિવમેન્ટ પણ મેળવે છે. અલબત્ત ઊંઘ ખૂબ ઓછી થઇ જાય છે. તેમજ સામાજીક સંબંધો પણ હચમચી જાય છે. દર્દીમાં આલ્કોહોલિઝમ પણ જોવા મળે છે..

                      ઉત્કર્ષભાઇની મૂડ સ્ટેબિલાઇઝર દવાઓ ચાલુ જ હતી. એમને સાથે સાયકોથેરપી આપવાની જરૂર હતી. સાયકોથેરપીને લીધી ઉત્કર્ષભાઇને પોતાના મૂડ સ્વીંગના આ ડિસઓર્ડર વિશે વધારે સભાનતા અને સમજણ પ્રાપ્ત થઇ. પોતાને માનસિક સમસ્યા છે એવો સ્વીકાર પણ વ્યક્તિની સારા થવાની શક્યતાને વધારી દે છે. ઉત્કર્ષભાઇને થેરાપીના સિટિંગ્સ મળ્યા પછી કામમાં સ્થિરતા પ્રાપ્ત થઇ. અન્ય ફેમિલી મેમર્સનું કાઉન્સેલિંગ થવાથી એ બધાને પણ વિકૃતિ વિશે વૈજ્ઞાનિક સમજ સ્પષ્ટ થતા સંબંધો સુધર્યા. અલબત્ત ઉત્કર્ષભાઇ જેવાને આવી ચક્રિય મનોવિકૃતિમાંથી મુક્ત થવા ઘણી ધીરજ રાખવી જરૂરી છે.

                 એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે આપણી નિષ્ફળતા કે દુઃખના ઇન્કારની પ્રતિક્રિયા ક્યારેક ‘કૃત્રિમ અતિ ઉત્સાહ'નું મહોરૂં ધારણ કરી લે છે..



  • ઉત્સવી ભીમાણી, સાયકોલોજી, નવગુજરાત હેલ્થ

25 March 2020

તમારા બિમાર શરીરના બદલાયેલ સ્વભાવને થોડો સમજો

તમારા બિમાર શરીરના બદલાયેલ સ્વભાવને થોડો સમજો

Image result for swabhav



                     બિમારીમાં શરીર બહુ ઓછો ખોરાક જ સંભાળી શકે છે. આ મર્યાદા જાળવી રાખવાજ શરીર આંતરિક અડચણો ઉભી કરી આપણે વધુ ખાતા રોકે છે.પણ ''નથી ભાવતુ-નથી ભાવતું'' કરીને અજાણ્યા અને આડાઅવળા ખોરાકથી પેટ ભરી લેવાય ત્યારે શરીરની સાજા થવાની શકિત અને ઝડપ વધવાને બલે ઝડપથી ઘટવા લાગે છે બિમારી દરમ્યાન થતી શરીરની દરેક હલચલ આપણા અકિલા સારા માટેજ થતી હોય છે પછી ભલે તેમાંની થોડીજ ગમતી હોય અને બાકીની જરાપણ ગમતી ના હોય. બધાનો સ્વીકારજ આપણી સહનશકિતમાં અને સાજા થવાની ઝડપમાં વધારો કરી શકે છે દરેક સેલને શરીરનો નકશો અને અંગોની પુરેપુરી અકીલા જાણકારી શરીરે આપેલી હોય છે. શરીર હુકમ કરે ત્યારે, સંકટ સમયે દરેક સેલ ઉભી થયેલી મુશીબતમાં સીધી કે આડકતરી મદદ કરીને જીવને બચાવી લે છે. દરેક સેલ અને અંગો પોતાને સોપાયેલ કામો સમજીવિચારીને, ચીવટપૂર્વક અને હોશીયારીથી કરતા હોવાથી શરીરને પોતાના કામોમાં આપણી કોઇ મદદની જરૂર પડતી નથી. હવા-પાણી-ખોરાકના સંપર્કમાં આવતા ઉત્પન્ન થતાં રાસાયણીક એકશન - રીએકશનના ફોર્સથી શરીર પોતાના બધા કામ કરી લે છે. કામો સરળતાથી ઓછા ખર્ચે અને સમયસર કરવા અસ્તિત્વની મીકેનીકલ, ઇલેકટ્રીકલ, મેગ્નેટીક, થર્મલ, ન્યુમેટીક, ઓટોમીક જેવી બધી શકિતઓનો સદ્દઉપયોગ પણ શરીર કરી લે છે. શરીર પોતાના થોડા કામોમાં આપણી આડકતરી મદદ પણ, આપણી જાણ બહાર, લઇ લેતું હોય છે. જેમ કે ભૂખલગાડીને, તરસ લગાડીને, શ્વાસ ચડાવીને, બગસા ખવડાવીને, છીંક ખવડાવીને, ઝોંકા ખવડાવીને, ઉંઘ અવડાવીને -ઉલ્ટી કરાવીને, સુલ્ટી કરાવીને, ટેમ્પરેચર વધારીને, શર્દી કરાવીને વિગેરે કામો શરીર પોતાની જાળવણી, પોષણ, વિકાસ, રીપેરીંગ, આરામ, સંતુલન, અને રક્ષણ કરવા આપણી પાસે કરાવી લે છે. આવા કામો આપણને ગમે કે નગમે પણ શરીરને પોતાની સારસંભાળ રાખવા તે કરવા જરૂરી હોય છે. જન્મથી-મૃત્યુ સુધી હવાપાણી ખોરાક સાથે શરીરમાં ઘુસી જતા જીવાણુઓ, વાયરસો, ઝેરીતત્વો, દવાઓ વિગેરે સાથે શરીરને સતત સંઘર્ષ કર્યે રાખવો પડતો હોય છે. શરીર આવા ઘુસણખોરોને બરોબર પહોચી વળતું હોય છે. શરીર તંદુરસ્ત અને શકિતશાળી હોય (ઇમ્યુનીટી) ત્યાં સુધી વાયરસ કે ચેપી જીવાણુથી જરાપણ ડરતું નથી. હવાપાણી બન્નેનું બંધારણ આખા વિશ્વમાં એકસરખુ, સરળ અને કુદરતી હોવાથી તેને પચાવવા-પ્રોસેસ કરવાનુ કામ શરીર માટે સહેલું છે. પણ ખોરાક જરૂરી હોવા છતા સાથે માથાકુટ વાળો પણ છ.ે ખોરાકની પસંદગીના, ગુણવત્તાના, કિમ્મતના, પુરવઠાના પ્રશ્નો સતત ઉભા થતા રહે છ.ે અંદાજે ૭૦૦ પ્રકારની ખાદ્યચીજોના અલગ અલગ સંયોજનોથી હજારો ભોજનની વાનગીઓ બનતી હોય છે. ભોજનની પસંદગી અને રીતરસમો વાનગીની સ્વાદ સુગંધ, રૂપરંગ અને ગમાઅણગામાની આદતો પર વધુ અવલંબતી હોય છે, પણ તેની પોષણક્ષમતા તરફ ઓછું ધ્યાન અપાય છે. ''બહુ થોડા લોકો ઘરનું ભોજન સંતુલીત, સપ્રમાણ અને વ્યવસ્થિત રીતે લેવાની મર્યાદા પાળીને શરીરની તંદુરસ્તી જાળવી શકે છે પણ મોટા ભાગના લોકો ઘેર ભોજન લેવામાં પોતાની સ્વતંત્રતા અકબંધ રાખીને પોતાના મનને ગમે તેવુ ખાયને (આડાઅવળુ) શારીરિક તકલીફો પોતેજ ઉભી કરતા હોય છે. માત્ર મહેમાન બનીને જમવાના પ્રસંગે અને બહાર હોટલમાં જમવા જવાના પ્રસંગે સામાજીક અને આર્થિક કારણોસર સંતુલીત, સપ્રમાણ અનેવ્યવસ્થિત રીતે ભોજન લેવાતું હોય છે પરંતુ જયાં કાયમ જમવાનું છે તેવા ઘરના ભોજનમાં સ્વતંત્ર રીતે મનપડે તેવું (આડાઅવળું) ખવાતું હોય છે.'' ભોજનની ચીજોનો ઉપયોગ કરવામાં શરીર એક મર્યાદા અને સજગતા રાખેલી હોય છે એટલે જ વધુ ખાવાથી વજન વધી શકતું નથી અને ખાવાનું ઓછુ પ્રમાણ કરવા છતાં વજન સરળતાથી ઘટાડી શકાતું નથી. ભોજનમાં કાર્બોદીત, પ્રોટીન અને ચરબીવાળી ચીજો મુખ્ય હોય છે. ભોજનની ચીજો સ્વાદ, સુગંધ કે આદતોને કારણે, શરીરની સંભાળવાની મર્યાદાથી વધારે પ્રમાણમાં, લેવાતી રહે ત્યારે આંતરડા, ફેફસા, કિડની, લિવર, હૃદય, પેનક્રિઆસ જેવા એક કે વધારે અંગો નબળા પાડવા લાગે છે. શરીરનું એકાદ અંગ નબળું કે બીમાર પડે ત્યારે બીજા અંગોના કામો પણ અવળાસવળા થવા લાગે છે. શરીરની બીમારીનેો સૌપ્રથમ ભોગ પાંચનતંત્ર બને છે. પાનચતંત્ર નબળું પડવાથી તેની કેપેસીટીથી વધુ ખોરાક પાચનતંત્ર પચાવી શકતું નથી, અને પચ્યા વિનાનો ખોરાક શરીરને વધુ નબળુ પાડી શરીરમાં ઉપદ્રવો શરૂ કરે છે. આપણને બચાવી લેવાજ શરીર પાંચકરસોના સ્ત્રાવ ઘટાડી દે છે અને સ્વાદ પારખતી ગ્રંથીઓની કાર્યક્ષમતા પણ ઘટાડી દે છે એટલે ભુખ લાગતી નથી, પાણી પણ બે સ્વાદ લાગે છે જેથી પાચનતંત્ર પર ખોરાક પચાવવાનું ભારણ ઓછુ થાય છે. ખોરાક લેવાથીજ શરીરમાં શકિત વધે તેવી આપણી માન્યતાના કારણે બીમાર વ્યકિત ભૂખ લાગતી ન હોવા છતાં નવી નવી અજાણી ચીજોથી પેટ ભરીને માંદગીને વધારે ગંભીર બનાવી દે છે.


જલદી સાજા થવા શું ધ્યાનમાં રાખવું?
  1. બીમારી માટે દવા ચાલુ કરેલ હોય તો દવા ગરમ પડવાની કે દવાથી શરીરને નુકશાન થવાની ચિંતા છોડાય/ ઘટાડાય. ડોકટરે આપણા શરીરની સ્થિતી ધ્યાનમાં રાખી, સમજીવિચારીને લખેલ દવાઓ સુચના મુજબ લઇ લેવાય.
  2. ભુખ લાગી હોય તેટલોજ ખોરાક લેવો અને શરીર જેનાથી પરીચીત હોય તેવોજ ખોરાક (બાપદાદા લેતા તેવો) લેવો. કંઇ ભાવતું નથી તેવી ફરીયાદો કરીને નવા પ્રકારનો કે અજાણ્યો ખોરાક ન લેવાય.
  3. શાકભાજી / સૂપ / ફ્રુટ / જયુશ / બાફેલ કે શેકેલ જેવા ખોરાક (અનાજ) લેવાય અને ખોરાક ઓછો લેવાયા કે સાવ ઓછો લેવાય તો પણ શરીરની સાજા થવાની શકિત વધવા લાગે છે.
  4. બિમારી દરમ્યાન શરીરમાં કસરત કરવાની શકિત હોતી નથી પણ શરીરમાં શ્વાસ લેવાની શકિત હોય છે. દિવસ દરમ્યાન દર ર-૩ કલાકે પ-૧૦ મીનીટ થોડા ઉંડા ઉચ્છવાસ અને ઉંડા શ્વાસની કસરતો કરતા રહેવાથી સારો ખોરાક / દવા કરતા પણ અનેકગણી ઝડપે શરીરની સાજા થવાની શકિતમાં વધારો કરી શકાય છે.
  5. નોકરી ધંધાનીે શારીરીક - માનસીક ભાગદૌડમાં સવારથી બપોર સુધીના અને બપોરથી સાંજ સુધીના સમયગાળામાં, માત્ર ૧૦-૧૦ મીનીટ મગજ તથા શરીર 'શાંત' પડે તેવા પ્રયાસો કરવાથી (વાંચન / સંગીત / પ્રભુસ્મરણ / શ્વાચ્છોશ્વાસ જોવા) શરીરની સાજા થવાની શકિતમાં ઝડપી વધારો કરી શકાય છે.
સ્ત્રોત : ડૉ.એસ.કે. મારૂ

પરીક્ષાઓ આવે તો વિધાર્થીઓ સાથે માં-બાપ પણ સ્ટ્રેસમાં આવે છે


23 March 2020

22 March 2020

વાયુ પ્રદૂષણ અને મગજના રોગો


વાયુ પ્રદૂષણ અને મગજના રોગો

હવાના પ્રદૂષણને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ અને એની અસરથી થતા મગજના રોગો વિષે વધુને વધુ જાગરૂકતા લાવવી જોઈએ.




           તાજેતરના એક અંદાજ મુજબ “વાયુ પ્રદૂષણ”ને લીધે વિશ્વભરમાં દર વર્ષે નેવું લાખ લોકોના મૃત્યુ થાય છે. જેના કારણોમાં મુખ્યત્વે હૃદય રોગનો હુમલો, મગજના ગંભીર રોગો, ફેફસાના રોગો અને કેન્સર જવાબદાર છે. વાયુનું પ્રદૂષણ એ હાનિકારક રસાયણિક (કુદરતી અને માનવસર્જિત) , જૈવિક (બાયોઅરોસોલ્સ) અને કેટલાક રજકણીય પદાર્થોથી થાય છે, જે માનવી અને અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે, તે ઉપરાંત વાતાવરણના પ્રાકૃતિક પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે કેટલાક વાયુ પ્રદૂષણના સ્ત્રોતો કુદરતી હોય છે જેમ કે જ્વાળામુખી ફાટવો, દાવાનળ, આગ,પરંતુ મોટાભાગના માનવસર્જિત હોય છે. આધુનિકતાની સાથે દહનીય અશ્મિભૂત ઇંધણનો વપરાશ ખુબજ વધ્યો છે, એ સિવાય વનનાબૂદી, પશુપાલન અને ખેતીવાડી વગેરે વાયુ પ્રદૂષણના માનવસર્જિત સ્ત્રોતો છે.


  • શું વાયુ પ્રદૂષણથી મગજના ગંભીર રોગો થઇ શકે છે?

            “ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ”ના હાલના એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણ લકવા એટલે કે પક્ષઘાત માટેના પરિબળોમાં ૩૦ ટકા જેટલું જવાબદાર છે. ભારતમાં આશરે દર વર્ષે ૧ લાખે ૧૫૦ને પક્ષઘાત થાય છે. વિશ્વમાં દર ૨ સેકન્ડે એક વ્યક્તિને પક્ષઘાત થાય છે, જેમાંથી ૩૦ ટકા લોકો ૧ થી ૪ અઠવાડિયામાં મૃત્યુ પામે છે. વિશ્વભરમાં લગભગ ૮૦ મિલિયન સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ છે જેમાંથી ૫૦ મિલિયનથી વધુ લોકો કાયમી અપંગતા સાથે જીવે છે. લકવા ઉપરાંત વાયુ પ્રદૂષણની મગજ પર આશંકિત અસર એક ઊભરતો અને ચિંતાજનક મુદ્દો છે. વાયુ પ્રદૂષણ એ મગજના લકવા અને કેટલાક ન્યુરો-ડિજનરેટીવ રોગો જેવા કે ડિમેન્સિયા માટેનું એવું જોખમી પરિબળ છે જેને બદલી શકાય છે અને તેથી મગજ ના આવા ગંભીર રોગોને રોકવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને ભારત જેવા મધ્યમ આવક ધરાવતા દેશ માટે વાયુ પ્રદૂષણની અસરો આવનારા દિવસોમાં બહુજ ગંભીર બની શકે છે.

  • શું વાયુ પ્રદૂષણથી ડિમેન્સિયા (ચિત્તભ્રમ) થઇ શકે ?

                       ગયા મહિને લન્ડનમાં એક રિસર્ચ પેપર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં એવું જોવા મળ્યું કે જે લોકો ટ્રાફિકને લીધે થતા વાયુ પ્રદૂષણના સતત સંપર્કમાં રહેતા એવા મેટ્રો સિટીમાં રહેતા ૫૦ થી ૮૦ વર્ષની ઉંમરના 1.૩0 લાખ લોકોમાંથી લગભગ ૨૦૦૦ને ડિમેન્સિયાનું નિદાન થયું હતું જેમાં ૩૯%માં અલ્ઝાઇમર રોગ થયો હતો. ડિમેન્શિયા એ ઉમર સાથે થતો કોઈ સામાન્ય રોગ નથી. તે થાય છે ત્યારે મગજને એક ચોક્કસ રોગ દ્વારા અસર થાય છે. ડિમેન્શિયાના દર્દીમાં અલગ અલગ અસર જોવા મળે છે, જેમકે યાદશક્તિ, એકાગ્રતા, દિશાઓની ઓળખ, સ્વભાવ, વર્તન, વાણી અને ભાષા સહીતની સમસ્યાઓ થઇ શકે છે. ડિમેન્શિયા ક્રમશઃ આગળ વધી શકે છે તેથી સમય જતા દર્દીની તકલીફો ખુબજ વધી શકે છે. ટ્રાફિક અને વાહનોને લીધે થતા વાયુ પ્રદૂષણમાં મુખ્યત્વે NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, PM2 .5 નામના પાર્ટિકલ્સ અને ઓઝોન ગેસ જવાબદાર હોય છે, જે મગજ માટે હાનિકારક હોય છે.
  • વાયુ પ્રદૂષણની સામે શું પગલાં લઇ શકાય ?

                 વ્યક્તિગત સ્તરે વાયુના પ્રદૂષણની અસર ઓછી કરવા માટે આમાંના કેટલાંક પગલાંઓ લઇ શકાય છે. વ્યક્તિગત મોટરવાહનોના ઉપયોગને બદલે પબ્લિક વાહનવ્યવહાર કે શક્ય હોય તો સાઇકલિંગનો ઉપયોગ કરવો જોઈએ, વધુ પ્રદૂષિત સમયગાળા દરમિયાન બહાર રહેવાનું ટાળવું જોઈએ, ટ્રાફિકજામની પરિસ્થિતિ ટાળવી જોઈએ અને જરૂર પડે તો એન્ટીપોલ્યુશન માસ્ક (N95 ,N99) પહેરવો જોઈએ. ચાલતા જતા હોઈ ત્યારે મુખ્ય ટ્રાફિક-રૂટથી દૂર રહેવું જોઈએ. રેડ સિગ્નલ પર વાહન બન્ધ કરવું જોઈએ. ઘરમાં રસોઈ અને ગરમાવા માટે લાકડા અને બીજા બાયોમાસ ઇંધણનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને રસોડામાં ચિમનીનો ઉપયોગ કરવો જોઈએ અને ઘરમાં હવાની મુકત અવરજવર માટે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જે દર્દીને પહેલેથી જ હૃદય અને મગજની તકલીફ હોય તેમણે હવાના પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ.

                “વર્લ્ડ બ્રેઈન ડે”ની આ વર્ષની ઝુંબેશની થીમ પણ “મગજની તંદુરસ્તી માટે સ્વચ્છ હવા” છે. તો સુશિક્ષિત વાચકમિત્રોને મારો અનુરોધ છે કે હવાના પ્રદૂષણને ખુબજ ગંભીરતાથી લેવું જોઈએ અને એની અસરથી થતા મગજના રોગો વિષે વધુને વધુ જાગરૂકતા લાવવી જોઈએ. સર્વે ડૉક્ટરમિત્રોને પણ મારી અપીલ છે કે મગજના લકવાથી પીડિત દર્દીની સારવાર કરવાની સાથે સાથે હવાના પ્રદૂષણથી મગજના સ્વાસ્થ્યને થતા જોખમો વિશેની સમજણ પણ આપવી જોઈએ અને એની અસરોથી સમાજને વાકેફ કરવો જોઈએ અને વિશ્વભરમાં આ વધતી જતી જાહેર આરોગ્યની સમસ્યા માટે સરકારે પણ સક્ષમ પર્યાવરણીય અને આરોગ્ય નીતિઓ બનાવવાની જરૂર છે કે જેથી હવાના પ્રદૂષણને ઓછું કરી શકાય કે જે ના માત્ર ફેફસા,પણ મગજની તંદુરસ્તીની સુરક્ષા માટે હવે જરૂરી છે.

  • સ્ત્રોત: ડો. શૈલેષ દરજી(કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ)