Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label મનોવૈજ્ઞાનિક શબ્દ સમજ. Show all posts
Showing posts with label મનોવૈજ્ઞાનિક શબ્દ સમજ. Show all posts

07 April 2026

અફવા

અફવા 


અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર (Rumor) ’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય છે અને તેમાં વાતનું વતેસર કઈ રીતે થાય છે તે અંગે નોંધપાત્ર પ્રમાણમાં પ્રાયોગિક અધ્યયનો થયાં છે. આ અધ્યયનોમાં એક વ્યક્તિ ચિત્ર જોઈને કે વાર્તા સાંભળીને બીજી વ્યક્તિને તે અંગેનો અહેવાલ આપે છે અને બીજી વ્યક્તિ તે અહેવાલ ત્રીજી વ્યક્તિને અને ત્રીજી ચોથીને અને ચોથી વ્યક્તિ પાંચમીને અહેવાલ આપે એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાર્તા કે અહેવાલ એક વ્યક્તિ પાસેથી બીજી પાસે જાય તે દરમિયાન તેમાં કેવા ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. પ્રાયોગિક અધ્યયનોએ સ્પષ્ટ કર્યું છે કે વાર્તા કે અહેવાલ એક મુખેથી બીજે મુખે જાય ત્યારે કેટલીક વિગતો છૂટી જાય છે (levelling), કેટલીક વિગતો પર વધારે પડતો ભાર મુકાઈ જાય છે (sharpening), જ્યારે કેટલીક વિગતોમાં પ્રયોગપાત્રોનાં આશા-અરમાનો-ઇચ્છાઓ અને અપેક્ષાઓ ભળી જાય છે (assimilation). આ ત્રણે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને લીધે મૂળ વાર્તામાં વિકૃતિઓ આવે છે. ઑલપોર્ટ અને પોસ્ટમૅનના આ વિશ્લેષણથી વિરુદ્ધ કેટલાક અભ્યાસીઓનું મંતવ્ય એવું છે કે અફવાના શ્રીગણેશ એક સરળ વિધાન કે વિગતથી થાય છે. આ વિધાન કે વિગત શરૂઆતથી જ ખોટું કે વાહિયાત હોય છે. તેને જ જાણ્યેઅજાણ્યે આગળ ને આગળ ધપાવવામાં આવે છે. કોઈ પણ અફવા કેટલી આગળ વધશે તેનો આધાર તે અફવાનો વિષય કેટલો ‘મહત્વપૂર્ણ’ છે અને તે સમયે પરિસ્થિતિ કેટલી ‘સંદિગ્ધ’ છે તેના પર છે. નજીવી બાબતો કે નગણ્ય વ્યક્તિઓ વિશે અફવાઓ ફેલાતી નથી. સંદિગ્ધ પરિસ્થિતિમાં અફવાને પાંખો આવે છે. અંધાધૂંધી, હુલ્લડ, યુદ્ધ કે રમખાણના સમયે અફવાઓનું બજાર ગરમ થઈ જાય છે. અફવાથી ટોળાંઓ સર્જાય છે અને ટોળાંઓ સર્જાતાં અફવાને વધુ વેગ મળે છે. લોકલાગણીને ઉશ્કેરે તેવી કોઈ બાબત હોય અને વિશ્વસનીય સાધનો દ્વારા ત્વરિત ખુલાસો ન થાય તો અફવા દાવાગ્નિની જેમ ફેલાય છે. અફવાઓમાં બન્યું હોય તે નહિ પણ શું બન્યું હોત તે ઘણી વાર તો રજૂ કરવામાં આવે છે. અફવાઓમાં કેટલીક વાર વ્યક્તિઓ ‘ઇચ્છાપૂર્તિ’ પણ કરે છે. દા.ત. હુલ્લડ, રમખાણ કે યુદ્ધમાં જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં હોય તેઓ મરણનો આંકડો આસમાને ચઢાવે છે. આ રીતે તેમણે એકલાએ ગુમાવ્યું નથી પરંતુ તેની જેમ ઘણાં બધાંએ ગુમાવ્યું છે એવું તે આશ્ર્વાસન મેળવે છે. અફવામાં પોતાની માનસિક સ્થિતિ કે પ્રેરકબળોનું પ્રક્ષેપણ થાય છે. કેટલાક અભ્યાસીઓ એવું માને છે કે પ્રજાના જીવનમાંથી રસકસ ઊડી ગયો હોય અને પ્રજા એક પ્રકારનો કંટાળો કે અકળામણ અનુભવતી હોય તો તેવા સંજોગોમાં પણ અફવાઓને મોકળું મેદાન મળે છે. અફવાઓથી પ્રજાજીવનમાં ઉશ્કેરાટ અને ઉત્તેજના આવે છે અને લોકોને જીવનમાં રસ પેદા થાય છે. કેટલીક વ્યક્તિઓ પોતે બહુ મહત્વની વાત જાણી લાવેલ છે અને મહત્વની વાતની જાણ તો મહત્વના લોકો હોય તેમને જ થાય એવું દર્શાવવામાં અફવાઓ ફેલાવે છે. વર્તમાનપત્રો જેવાં સમૂહમાધ્યમો અને ટેલિફોન જેવાં સંચારમાધ્યમો અફવા ફેલાવવામાં નિમિત્તરૂપ બને છે. અફવાને સાધારણ રીતે વખોડી કાઢવામાં આવે છે, પરંતુ અફવા એક રીતે સાંભળનારને ચેતવે છે, સાવધાન કરે છે.

અફવાઓના મનોવિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા વ્યવસ્થાપન-મૅનેજમેન્ટ ક્ષેત્રના અભ્યાસીઓએ પારખી છે. અર્વાચીન વ્યવસ્થાપન પદ્ધતિઓમાં કંપનીઓમાં કેવી ગુસપુસ ચાલે છે તે જાણવા માટે કર્મચારીઓની સાથે નાનાં નાનાં જૂથમાં અનૌપચારિક મિલનમુલાકાતો ગોઠવવા પર ભાર મુકાવા માંડ્યો છે. આવાં મિલનમુલાકાતોમાં ગપસપને બદલે સાચી માહિતી અને તથ્યો કર્મચારીઓને આપવામાં આવે છે અને કર્મચારીઓ કર્ણોપકર્ણ તે માહિતી બીજાઓને પહોંચાડે છે. પ્રત્યાયન(communication)ની આ અનૌપચારિક પદ્ધતિને ‘ગ્રેઇપવાઇન મેથડ’ કહેવામાં આવે છે. ‘ગ્રેઇપવાઇન’ એટલે દ્રાક્ષનો વેલો. દ્રાક્ષનો વેલો જેમ આડોઅવળો ફેલાય તેમ અહીં પ્રત્યાયન એક મુખેથી બીજા મુખે એમ ચારે તરફ ફેલાય છે અને વ્યવસ્થાપન તંત્રનું ધાર્યું લક્ષ્ય પાર પડે છે.

હુલ્લડ, રમખાણ કે યુદ્ધની પરિસ્થિતિમાં અફવા ફેલાતી રોકવી તે અનિવાર્ય બની જાય છે.

નટવરલાલ શાહ

14 February 2026

ટી.એ.ટી. કસોટી (Thematic Apperception Test)

ટી.એ.ટી. કસોટી
(Thematic Apperception Test)

                ટી.એ.ટી. કસોટી(Thematic Apperception Test) : મનોવિજ્ઞાનને લગતી એક પ્રક્ષેપણાત્મક કસોટી. હાર્વર્ડ સાઇકોલૉજિકલ ક્લિનિકના ડૉ. મરે અને મૉર્ગને 1938માં તે રચી. વ્યક્તિત્વ માપવા માટે આ કસોટી વ્યાપક રીતે વપરાય છે. એના ઉપયોગ અંગે પુષ્કળ સંશોધનો થયાં છે. ડૉ. મરે ‘Thema’ શબ્દ વડે વ્યક્તિની જરૂરિયાતો તેમજ તેને સંતોષવા અંગે વ્યક્તિના અનુભવો સૂચવે છે. તેમને મતે જ્યારે વ્યક્તિને અર્ધસ્પષ્ટ ચિત્રો બતાવવામાં આવે ત્યારે તેનું પ્રત્યક્ષીકરણ કરીને વ્યક્તિ જે વાર્તા બનાવે છે તેમાં તેની જરૂરિયાતોના અનુભવોનું પ્રતિબિંબ અચૂક રીતે પડતું જ હોય છે.

સામગ્રી : આ કસોટીમાં તદ્દન સ્પષ્ટ નહિ કે તદ્દન અસ્પષ્ટ નહિ એવાં દસ ચિત્રોની ત્રણ શ્રેણીઓ હોય છે. કોઈ પણ એક વ્યક્તિને એમાંથી સામાન્ય રીતે દસ અને વધુમાં વધુ વીસ ચિત્રો બતાવાય છે. એમાંનું એક કાર્ડ તદ્દન કોરું હોય છે, બાકીનાં 19 કાર્ડમાં જીવનની જુદી જુદી પરિસ્થિતિઓનાં ર્દશ્યો ચીતરેલાં હોય છે. એમાંનાં સાત ચિત્રો પુરુષો અને સ્ત્રીઓ માટે જુદાં જુદાં હોય છે, જ્યારે બે ચિત્રો બાળકો અને પુખ્ત વ્યક્તિઓ માટે જુદાં જુદાં હોય છે.

પ્રક્રિયા : વ્યક્તિએ દરેક શ્ય જોઈને વાર્તા કહેવાની હોય છે. એ દ્રશ્યમાં અત્યારે શું બની રહ્યું છે, એની પહેલાં શું બન્યું હતું, હવે પછી શું બનશે તેમજ દ્રશ્યનાં વિવિધ પાત્રોને કેવા વિચારો અને લાગણીઓ થાય છે તેનું વર્ણન અને અર્થઘટન, જોનાર વ્યક્તિએ આપવાનાં હોય છે. દ્રશ્યને જોતાં જોતાં જેમ જેમ વિચારો આવતા જાય તેમ તેમ તેણે મનોવૈજ્ઞાનિકની સમક્ષ તે કહી સંભળાવવાના હોય છે. મનોવૈજ્ઞાનિક એની નોંધ રાખે છે. દરેક દ્રશ્યની વાર્તા કહેવા માટે પાંચ મિનિટની મર્યાદા હોય છે.

વિશ્લેષણ : દ્રશ્ય જોનારે કહેલી વાર્તાનું નીચે પ્રમાણે વિવિધ રીતે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે : 
(1) કથાવસ્તુ, તેમાં આવતા પ્રસંગો, 
(2) વાર્તાનાં પાત્રો, 
(3) વાર્તા કહેનાર વ્યક્તિ કયા પાત્ર સાથે તાદાત્મ્ય અનુભવે છે, 
(4) વાર્તામાં નાયકનાં કયાં કયાં મનોવલણો, જરૂરિયાતો, હતાશાઓ અને સંઘર્ષો દર્શાવ્યાં છે, 
(5) દ્રશ્યની કઈ વિગતો જોનારના ધ્યાન બહાર ગઈ છે, 
(6) વાર્તામાં વડીલો અને ઉપરીઓ તરફ કેવું વલણ દર્શાવ્યું છે,
(7) વાર્તામાં કંઈક અસામાન્ય બનાવ બનતો વર્ણવ્યો છે, 
(8) વાર્તાનો અંત કેવો છે વગેરે મુદ્દાઓના આધારે વાર્તા રચનાર વ્યક્તિના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં વિશે અનુમાન કરવામાં આવે છે.


ટી.એ.ટી.માં સમાવિષ્ટ થતાં ચિત્રો જેવું એક ચિત્ર

વૈજ્ઞાનિકતા : ટી.એ.ટી.ની વિશ્વસનીયતા અને યથાર્થતા સંતોષકારક છે.

અન્ય સ્વરૂપો અને સમાન કસોટીઓ : ટી.એ.ટી.ની જેમ બાળકોનું વ્યક્તિત્વ માપવા માટે બેલાકે સી.એ.ટી. (ચિલ્ડ્રન્સ એપર્સેપ્શન ટેસ્ટ) બનાવી છે. ટી.એ.ટી.નું ભારતીય રૂપાંતર ડૉ. ઉમા ચૌધરીએ કર્યું છે. એ ચિત્રોમાં ભારતીય પોશાક, રાચરચીલું અને ભારતીય ગૃહરચના અને વાતાવરણ દર્શાવ્યાં છે. સિદ્ધિપ્રેરણા માપવા માટે મૅકલેલૅન્ડે ટી.એ.ટી. જેવી જ ચાર ચિત્રોની પ્રક્ષેપણ-કસોટી બનાવી છે. ભારતમાં ડૉ. પ્રયાગ મહેતાએ એનું રૂપાંતર કર્યું છે.

વ્યક્તિત્વમાપનમાં ટી.એ.ટી.નું મૂલ્ય : ઉત્તરદાતા ટી.એ.ટી.નો સાચો હેતુ ન જાણતો હોવાથી તે વાર્તા કહેતી વખતે પોતાનાં વિચારો, માન્યતાઓ, વલણો, લાગણીઓ અને પ્રેરણાઓને સંકોચ વગર સહજ રીતે વ્યક્ત કરે છે. કસોટીમાં રજૂ થતાં ચિત્રો ઠીક ઠીક સંદિગ્ધ હોવાથી તેનાં અનેક અર્થઘટનો થઈ શકે છે. તેથી લગભગ દરેક જોનારને તેમાં પોતાના આગવા અનુભવોને લગતું કંઈક દેખાય છે. આ ચિત્રોમાં ઘણું વૈવિધ્ય હોવાથી વાર્તા કહેનારના વ્યક્તિત્વનાં અનેક પાસાં વિશે માહિતી મળે છે. વાર્તાઓના વિશ્લેષણની પદ્ધતિ વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક છે. ટી.એ.ટી. ઉપર અવારનવાર સંશોધનો થતાં રહે છે. તેથી વાર્તાઓને આધારે વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ વર્ષોવર્ષ વધુ અસરકારક બનતી જાય છે.

પણ ટી.એ.ટી. તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ માટે વાપરવી અયોગ્ય છે. કેટલાક ઉત્તરદાતાઓ ચિત્રનું માત્ર વર્ણન કરીને અટકી જાય છે, તેનું અર્થઘટન કરતા નથી. કેટલાક લોકો ચિત્રોને જોતાં પોતાના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી પડે છે અથવા તો બહુ જ વ્યાકુળ બની જાય છે અને કંઈ જ બોલતા નથી. ઉપરાંત, જો ટી.એ.ટી. તાલીમ વિનાની વ્યક્તિના હાથમાં જાય તો ખોટો ઉપયોગ કરે અને ગેરરસ્તે દોરવતાં તારણો આપે એવું જોખમ રહે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

22 January 2026

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ : બુદ્ધિકસોટીઓ

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ : બુદ્ધિકસોટીઓ




વ્યક્તિત્વના આંતરિક ગુણોના આવિષ્કૃત સ્વરૂપના વ્યવસ્થિત અભ્યાસ પરથી સંખ્યાત્મક સ્વરૂપ આપીને પરીક્ષા કરવી તે માનસિક પરીક્ષણ-કસોટીની પદ્ધતિ મનોવિજ્ઞાનની અન્ય પદ્ધતિ કરતાં વધારે વૈજ્ઞાનિક ગણાય છે. તેનાં કારણો નીચે મુજબ છે :
 (1) પ્રાપ્ત થયેલી માહિતીની યથાર્થતા (validity), 
(2) પ્રાપ્ત થયેલી માહિતીની વસ્તુલક્ષિતા (objectivity), 
(3) માહિતીની ચકાસણી કે પરીક્ષણની સુવિધા, 
(4) વર્તન વિશેનું વસ્તુલક્ષી અને સંખ્યાત્મક જ્ઞાન, (5) એક જ વ્યક્તિના વ્યક્તિત્વના વિવિધ પાસાંની તુલના, 
(6) વિવિધ વ્યક્તિઓ વચ્ચે એક જ માનસિક પરિબળને અનુલક્ષીને થતી તુલના, 
(7) સંખ્યાત્મક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિના ઉપયોગની સુગમતા, 
(8) વ્યક્તિત્વના સામાન્યીકરણમાં વધારે ઊંડા જવાની સુગમતા.

આ પ્રકારના પરીક્ષણનો ઉદભવ ફ્રાંસમાંથી 1905થી થયો. આલ્ફ્રેડ બીને (1857–1911) અને તેના મદદનીશ સાયમને વિવિધ ઉંમર માટેની ત્યાંની શાળામાં ભણતાં બાળકોની બૌદ્ધિક શક્તિ માપવા માટેનું કાર્ય શરૂ કર્યું. બૌદ્ધિક કે માનસિક માપન એટલે વિવિધ ઉંમર માટેની દરેક પ્રકારની માનસિક પ્રક્રિયાઓનાં લાક્ષણિક ધોરણોની વાસ્તવિક ધોરણોને આધારે કરવામાં આવતી સ્થાપના.

તેમાં નીચેનાં લક્ષણો મહત્વનાં ગણાય છે : 
(1) વ્યક્તિની ઉંમરને અનુરૂપ સ્વરૂપ, 
(2) ચિકિત્સકનો કસોટી સાથેનો પરિચય, 
(3) કસોટીની વિશ્વસનીયતા (reliability), 
(4) કસોટીની યથાર્થતા (અ) નિષ્ણાતનો અભિપ્રાય, (બ) ભવિષ્યકથનની સચોટતા (prediction), (ક) સમાન કસોટીનાં પરિણામો સાથે યોગ્ય સહસંબંધ, (5) કસોટીનાં પરિણામો માટેનાં યોગ્ય ધોરણો, 
(6) કસોટીનાં પરિણામોનો વર્તન સાથેનો સહસંબંધ.

બુદ્ધિકસોટીનો વિકાસ : 1905 : બીને – સાયમનની પ્રથમ કસોટી. 1908 : પ્રથમ સુધારો – 3 વર્ષથી 13 વર્ષ સુધીનો ગાળો વાર્ષિક રીતે વહેંચી નાખવામાં આવ્યો છે. માનસિક વય અને બુદ્ધિલબ્ધિના ખ્યાલો ઉમેરાયા છે.

1911 : કસોટીની વ્યાપકતા કસોટીને 15 વર્ષ સુધીનો વધારો. દરેક કસોટીમાં સરખી સંખ્યામાં મુદ્દાઓનો સમાવેશ.

1916 : એલ. એમ. ટર્મેન દ્વારા બુદ્ધિકસોટીનું અમેરિકામાં સ્થળાંતર – સ્ટેનફૉર્ડ – બીને કસોટી એ તેનું નવું નામ રાખવામાં આવ્યું. ‘બુદ્ધિ એટલે અમૂર્ત વિચારણા કરવાની શક્તિ.’ એમ બુદ્ધિની નવી વ્યાખ્યા કરવામાં આવી. સામાન્ય અને તેજસ્વી પુખ્ત વયની વ્યક્તિ માટેની બે વિશેષ કસોટીનો પણ ઉમેરો થયો – શાળાકીય પ્રવૃત્તિઓમાંથી બહાર લાવીને બૌદ્ધિક વ્યાખ્યામાં સામાન્ય અનુભવનો પણ ઉમેરો.

1937 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો પ્રથમ સુધારો – આ કસોટીના બે સમાંતર વિભાગ બહાર પાડવામાં આવ્યા છે. તેને Form L & M તરીકે ઓળખવામાં આવે છે. – 2 વર્ષથી શરૂ થતી આ કસોટીઓ 16 વર્ષ સુધી ચાલુ રહે છે. ઉપરાંત બે વર્ષ વધારીને અઢાર વર્ષ સુધી વિસ્તૃત કરી છે.

1960 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો દ્વિતીય સુધારો – 1937ના બુદ્ધિકસોટીના બંને વિભાગોમાંથી વધારે યથાર્થતા ધરાવતા મુદ્દાઓનું સંકલન – 2 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમર સુધીનો વ્યાપ – 1937થી 1960 સુધીની અમેરિકાની વૈજ્ઞાનિક પ્રગતિની કસોટી પર જણાતી અસર – Z scoreના ખ્યાલનો ઉમેરો.

સ્ટેનફૉર્ડ–બીને બુદ્ધિકસોટીની મર્યાદાઓ : (1) વ્યક્તિનો બુદ્ધિલબ્ધિનો કુલ ગુણાંક જાણી શકાય છે. પરંતુ કઈ વ્યક્તિ કઈ પ્રવૃત્તિમાં નિષ્ણાત છે તે કહી શકાતું નથી. (2) એક વ્યક્તિની અન્ય વ્યક્તિઓ સાથે વિવિધ પ્રવૃત્તિમાં સરખામણી થઈ શકતી નથી. (3) આ કસોટી શાબ્દિક જ્ઞાનને અતિ મહત્ત્વ આપે છે. (4) આ કસોટી મુખ્યત્વે શાળામાં ભણતાં બાળકો માટેની છે. પુખ્ત વયની વ્યક્તિઓ માટે વાપરી શકાતી નથી. (5) તે વ્યક્તિગત કસોટી હોવાથી મોટા સમૂહોને એકસાથે આપી શકાતી નથી.

વેશ્લર-બેલેવ્યૂ બુદ્ધિમાપન સામૂહિક કસોટી : આ કસોટી પુખ્ત વયની વ્યક્તિઓને ખ્યાલમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જે વ્યક્તિઓ શાળામાં ન જતી હોય તેમજ જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય તેવી વ્યક્તિઓના બુદ્ધિમાપનને માટે ડૅવિડ વેશ્લર નામના બેલેવ્યૂ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકે 1942માં આ કસોટીઓ વિકસાવી છે. તેમાં શાબ્દિક ને અશાબ્દિક કસોટીઓ આપવામાં આવી છે. આ કસોટીઓ સામૂહિક કસોટી તરીકે વપરાય છે.

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ મનોમાપન કસોટી : આ કસોટીને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવી છે : શાબ્દિક અને અશાબ્દિક. દરેક વિભાગના પેટાવિભાગો નીચે પ્રમાણે છે :

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ બુદ્ધિકસોટી

શાબ્દિક (verbal)અશાબ્દિક (non verbal)
1.શબ્દભંડોળ (vocabulary)ચિત્રની ગોઠવણી (picture arrangement)
2.માહિતી (information)ચિત્રપૂર્તિ (picture completion)
3.સામાન્ય સમજૂતી (comprehension)પાસાંની ગોઠવણી (block design)
4.સામ્ય (similarities)વસ્તુસંકલન (object assembly)
5.આંકડા વિસ્તાર (digit speen)આંકડા પ્રતીક કસોટી (digit symbol test)
6.ગાણિતિક તર્કવિચારણા (arithmetical reasoning)

ક્રિયાલક્ષી બુદ્ધિમાપન કસોટીઓ (performance tests) : અન્ય માતૃભાષા ધરાવતા તેમજ શ્રવણ અને કથનમાં મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓ માટે ક્રિયાલક્ષી કસોટીઓનો વિકાસ કરવામાં આવ્યો છે. અહીં વાતચીતને બદલે વ્યક્તિને મનોવૈજ્ઞાનિક એક કાર્ય કરી બતાવવામાં આવે છે. પછી તે પ્રકારનાં અન્ય કાર્યો વ્યક્તિએ ઝડપથી અને ભૂલ વિના કરવાનાં હોય છે. આ કસોટીને આર્થર પોઇન્ટ સ્કેલ એવું નામ આપવામાં આવ્યું છે.

આર્થર પોઇન્ટ સ્કેલમાં આવતી કસોટીઓ : (1) નોક્સ ઘનની કસોટી (Knox cube test), (2) સેંગ્વીનનું આકૃતિદર્શક પાટિયું (Senguine form board), (3) દ્વિ પ્રતિમાદર્શક પાટિયું (two figures form baord), (4) કેશુઇસ્ટ આકારનું પાટિયું (casuist form board), (5) મેનિકીન અને ચહેરાકૃત કસોટી (Manikin & feature profile), (6) ઘોડી અને વછેરો સમજૂતી દર્શક કસોટી (mare & focal distinction), (7) હિલિ-ચિત્રપૂર્તિ કસોટી (healy-picture competition), (8) પોર્શિયસ ભુલભુલામણીની કસોટી (poreteus mares), (9) કોહસી બ્લૉકરચના કસોટી (Kohsi block design).

ગુજરાતની મનોમાપન કસોટીઓ : આ કસોટીઓ મુખ્ય બે વિભાગમાં છે : 1. વ્યક્તિગત અને 2. સામૂહિક.

1. વ્યક્તિગત કસોટીઓ : આ કસોટીઓમાં મુખ્ય બે કસોટીઓનો સમાવેશ થાય છે. (i) WISC (વેશ્લર ઇન્ટલિજન્સ સ્કેલ ફૉર ચિલ્ડ્રન) : આ કસોટી ડૉ. મહેન્દ્રિકા ભટ્ટે 1971માં બહાર પાડેલ છે અને તેમાં 2થી 10 વર્ષ સુધીનાં બાળકો માટેની શાબ્દિક અને અશાબ્દિક કસોટીઓનો સમાવેશ થાય છે. (ii) સ્ટેનફૉર્ડ – બીનેની 1960ની કસોટીનું ગુજરાતીમાં રૂપાંતર – આ કસોટી ડૉ. જે. એચ. શાહે 1971માં પ્રસિદ્ધ કરેલ છે. તેમાં ગુજરાતી સંસ્કૃતિને ખ્યાલમાં રાખીને મૂળ કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

2. સામૂહિક બુદ્ધિકસોટીઓ : (i) દેસાઈ સામૂહિક બુદ્ધિકસોટીઓ આ કસોટી ડૉ. કે. જી. દેસાઈએ 1952માં પ્રસિદ્ધ કરેલ છે અને આઠમાંથી અગિયારમા ધોરણ સુધી ભણતાં બાળકો માટે વાપરી શકાય તેવી છે.

(ii) અશાબ્દિક બૌદ્ધિક કસોટી : આ કસોટીઓ મુખ્યત્વે લેખનની કે ઇન્દ્રિયની કોઈ પણ ક્ષતિ ધરાવતાં હોય તેવાં બાળકો માટે તૈયાર કરવામાં આવી છે.

(iii) સામૂહિક શાબ્દિક અને અશાબ્દિક બૌદ્ધિક કસોટીઓ : ધોરણ પાંચથી સાતમાં ભણતાં બાળકો માટે આ કસોટીઓ 1962માં પ્રસિદ્ધ થયેલ છે.

(iv) અશાબ્દિક સામૂહિક બૌદ્ધિક કસોટીઓ : 1966માં પ્રસિદ્ધ થયેલ આ કસોટીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓના વર્ગીકરણ માટે વાપરવામાં આવે છે. તે પણ અત્યારે શાળાઓમાં વપરાય છે અને વિદ્યાર્થીઓને તેમની યોગ્ય કક્ષા પ્રમાણે વર્ગમાં મૂકવામાં આવે છે.

બૌદ્ધિક કસોટીઓની મર્યાદાઓ : (1) ભાષાકીય મર્યાદા : બધી જ કસોટીઓ બધે વાપરી શકાતી નથી. (2) સંખ્યાત્મક મર્યાદા : એક કસોટી વધારેમાં વધારે કેટલા વિદ્યાર્થીઓ ઉપર વાપરી શકાય તેની માહિતી ઘણી કસોટીઓમાં આપી હોતી નથી. (3) સ્થળ અને સમયની મર્યાદા : સ્થળ અને સમય બદલાતાં દરેક કસોટીમાં જરૂરી સુધારા ઉમેરવા પડે છે. જે દરેક કસોટીમાં બની શકતું નથી. (4) વયની મર્યાદા : નાનાં બાળકો સ્કૂલના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિશે જેટલી કસોટીઓ અત્યારે અસ્તિત્વ ધરાવે છે તેટલી પ્રૌઢ અને વૃદ્ધત્વ માટે નથી. (5) નાણાંની મર્યાદા : અતિશય ગરીબ દેશો આ કસોટીઓનો લાભ મેળવી શકતા નથી.

કુસુમ ભટ્ટ

19 January 2026

માનસિક યુદ્ધ

માનસિક યુદ્ધ



માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ હોય છે; પરંતુ જે પ્રજા કે લશ્કરનું મનોબળ નીચું હોય છે તે લશ્કર પાસે ગમે તેટલાં ચઢિયાતાં શસ્ત્રો કે સાધનો હોય તોપણ તે પ્રજા કે તે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા અસમર્થ નીવડે છે.

માનસિક યુદ્ધનો ઉપયોગ સામાન્ય રીતે વાસ્તવિક યુદ્ધની પૂર્વભૂમિકા બાંધવા માટે કરવામાં આવે છે અને તે માટે પ્રચારતંત્રનો બહોળો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જર્મનીમાં હિટલરના શાસનકાળ (1933–45) દરમિયાન નાઝી જર્મનીના પ્રચારમંત્રી જોસેફ ગૉબેલ્સ(1897–1945)ને હિટલર અને તેની નાઝી વિચારસરણીની છબી વિશ્વના જનમતમાં ઊંચે લઈ જવાનું કામ મુખ્યત્વે સોંપવામાં આવ્યું હતું અને તેમ કરવા માટે જર્મનીના લગભગ બધાં જ પ્રચાર-માધ્યમો તેને હસ્તક મૂકવામાં આવ્યાં હતાં. તેમાં રેડિયો અને છાપાંઓ ઉપરાંત ચલચિત્રો, નાટ્યક્ષેત્ર અને અન્ય કળાઓનાં ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

હવે વિશ્વના બધા જ દેશો માનસિક યુદ્ધના તંત્રનો ઉપયોગ ઓછાવત્તા પ્રમાણમાં કરતા હોય છે; એટલું જ નહિ, પરંતુ યુદ્ધ ઉપરાંત જ્યાં જ્યાં સ્પર્ધાનું તત્વ દાખલ કરવામાં આવે છે ત્યાં ત્યાં સામા પક્ષને નાસીપાસ કરી તેનું મનોબળ છિન્નભિન્ન કરવા માટે પણ આ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં વિશ્વ રમતસ્પર્ધાઓમાં પણ તે સવિશેષ જોવામાં આવે છે.

11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયૉર્કના વિશ્વ વ્યાપાર કેન્દ્ર (World Trade Centre) અને વૉશિંગ્ટન ખાતેના અમેરિકાના મુખ્ય લશ્કરી મથક પેન્ટાગૉન પર આતંકવાદી હુમલાઓ થયા. પછી અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો સામે અમેરિકાની લશ્કરી કાર્યવાહી શરૂ થઈ તે દરમિયાન તેમની વચ્ચે માનસિક યુદ્ધ ચાલતું હતું જે અંતે 7 ઑક્ટોબર 2001ના રોજ વાસ્તવિક યુદ્ધમાં ફેરવાઈ ગયું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

02 July 2025

વિલિયમ મૅકડૂગલ

વિલિયમ મૅકડૂગલ


મૅકડૂગલ, વિલિયમ (જ. 22 જૂન 1871, ચેડરટન, ઇંગ્લૅન્ડ; અ. 28 નવેમ્બર 1938, ડરહામ, નૉર્થ કૅરોલાઇના, યુ.એસ.) : બ્રિટનમાં જન્મેલા અમેરિકન મનોવિજ્ઞાની અને મનોવિજ્ઞાનના હેતુવાદી સંપ્રદાયના સ્થાપક. એમનો જન્મ લૅંકેશાયર પરગણામાં ઓલ્ડહામ પાસેના ચેડરટન ગામમાં એક રસાયણશાસ્ત્રીને ત્યાં થયો. નાનપણથી જ તેમણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનપિપાસાનો પરિચય આપવા માંડ્યો. 15 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય તરીકે જીવવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. અગ્રણી વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓના સિદ્ધાંતો અને ધાર્મિક સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. આ વિવિધ અભ્યાસોના પરિપાક રૂપે તેમણે મનોવિજ્ઞાન વિશે આગવી સમજ મેળવી અને માત્ર 17મા વર્ષે યુનિવર્સિટીની પદવી મેળવી.

અભ્યાસના અંતે તેઓ કેમ્બ્રિજ સેંટ જૉન કૉલેજમાં ફેલો બન્યા. યુનિવર્સિટીમાં પ્રાયોગિક અને શારીરિક મનોવિજ્ઞાનના અધ્યાપનનો આરંભ કરાવવામાં તેમનો મોટો ફાળો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિની વચ્ચે આવેલા ટૉરસ સ્ટ્રેઇટ વિસ્તારમાં વસતા લોકોના નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટે મોકલેલા જૂથમાં તેઓ જોડાયા હતા. તેમણે ત્યાંના આદિવાસીઓનું મનોવૈજ્ઞાનિક કસોટીઓ વડે પરીક્ષણ કર્યું. પહેલા વિશ્વયુદ્ધ વખતે સૈનિકોના માનસોપચારનું કાર્ય પણ તેમણે કર્યું હતું.

જર્મનીની ગોટિંજન યુનિવર્સિટીમાં જઈને તેમણે રંગદર્શન ઉપર મહત્વનું સંશોધન કર્યું; કેટલુંક પરામનોવૈજ્ઞાનિક સંશોધન પણ કર્યું.

સન 1901માં તેઓ બ્રિટન પાછા ફર્યા અને લંડનની યુનિવર્સિટી કૉલેજમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળામાં મદદનીશ તરીકે જોડાયા. ત્યાં પણ તેમણે પ્રાયોગિક મનોવિજ્ઞાનના અધ્યાપનને સુર્દઢ બનાવી સંશોધનોને મદદ કરી. 1904માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં માનસિક તત્વજ્ઞાનના રીડર બન્યા.

1920 પછી તેઓ યુ.એસ. ગયા; ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. 1927માં તેઓ ડરહામમાં ડ્યૂક યુનિવર્સિટીમાં જોડાયા; ત્યાં મનોવિજ્ઞાન વિભાગનો વિકાસ કરી પરામનોવિજ્ઞાન સહિત વિવિધ વિષયોમાં સંશોધનો કર્યાં.

તેમણે મનોવિજ્ઞાનના વિવિધ વિષયો પર 24 પુસ્તકો અને 167 સંશોધનલેખો લખ્યાં છે. ‘ફિઝિયોલૉજિકલ સાયકૉલૉજી’ (1905), ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકૉલૉજી’ (1908), ‘બૉડી ઍન્ડ માઇન્ડ’ (1911), ‘ગ્રૂપ માઇન્ડ’ (1920), ‘આઉટલાઇન ઑવ્ સાયકૉલૉજી’ (1923) અને ‘આઉટલાઇન ઑવ્ ઍબનૉર્મલ સાયકૉલૉજી’ (1926) તેમનાં જાણીતાં પુસ્તકો છે. ‘ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકૉલૉજી’ પુસ્તક સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સંખ્યાબંધ સંશોધનોને માટે પ્રેરક બન્યું અને એ પુસ્તકે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં નવો યુગ શરૂ કર્યો. તેની 30 આવૃત્તિઓ થઈ છે. ‘ગ્રૂપ માઇન્ડ’માં રાષ્ટ્રીય જીવન અને રાષ્ટ્રીય ચારિત્ર્ય પર તેમણે પોતાના આગવા વિચારો રજૂ કર્યા છે.

સહજવૃત્તિ અંગેનો તેમનો સિદ્ધાંત ખૂબ જાણીતો પણ ચર્ચાસ્પદ બન્યો. તેમાં નિરીક્ષણો સાથે ન ચકાસેલી અટકળોનું મિશ્રણ હોવાથી આજનું મનોવિજ્ઞાન તેનું માત્ર ઐતિહાસિક મૂલ્ય આંકે છે. તેમનાં સંશોધન અને લેખોના વિષયોનું વૈવિધ્ય તેમની વિદ્વત્તાનો જીવંત પુરાવો છે. ખાસ કરીને સામાજિક મનોવિજ્ઞાનમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય જણાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

25 March 2025

રૉરશાખ કસોટી

રૉરશાખ કસોટી

રૉરશાખ કસોટી : વ્યક્તિત્વમાપન માટે વપરાતી એક પ્રક્ષેપણ-કસોટી. પ્રક્ષેપણકસોટીઓના વિવિધ પ્રકારોમાં સંપૂર્ણ સંદિગ્ધ અને અશાબ્દિક કસોટી તરીકે રૉરશાખ એકમાત્ર સર્વસ્વીકૃત કસોટી છે આ કસોટીની સામગ્રીમાં વપરાતાં 10 કાર્ડમાંથી પ્રત્યેક કાર્ડ શાહીનાં ધાબાંઓના અનિયમિત છતાં બંને બાજુ સમાન રીતે પ્રસરેલા આકારોને આધારે તૈયાર કરવામાં આવ્યું હોય છે. આ શાહીના ધાબામાં કોઈ અર્થ નીકળે તેવા આકારો હોતા નથી. તેમાં કોઈ અર્થ હોતો નથી. પણ જે વ્યક્તિ તેના પર પ્રતિક્રિયાઓ આપે છે, તે વ્યક્તિ એ આકારોને અર્થ આપે છે. અનિયમિત આકારમાં વ્યક્તિ પોતાને પરિચિત એવી વસ્તુઓનાં આકાર, કદ, રંગ વગેરેનું પ્રક્ષેપણ કરે છે. આથી જ આને પ્રક્ષેપણ કસોટી કહેવાય છે. પ્રત્યેક કાર્ડ ઉદ્દીપક તરીકે રજૂ થાય છે અને ઉત્તર આપનાર વ્યક્તિ તે જોઈને તેને લગતી પ્રતિક્રિયા રજૂ કરે છે. આમાં કોઈ ઉત્તરો સાચા કે ખોટા હોતા નથી; પણ દરેક ઉત્તરનું ચોક્કસ નિદાનમૂલ્ય હોય છે. એના પરથી વ્યક્તિત્વમાપન થાય છે.



રૉરશાખનો મૂળ હેતુ વ્યક્તિત્વમાપન અને ચિકિત્સાત્મક અને ભેદલક્ષી નિદાન કરવાનો છે. વ્યક્તિના મનોવ્યાપારોનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે રૉરશાખ કસોટી ખૂબ જ સંવેદનશીલ સાધન મનાય છે. સારા તાલીમ પામેલા અને અનુભવી મનોવૈજ્ઞાનિકો રૉરશાખ કસોટીના નિદાનમૂલ્યનો ઘણો ઉપયોગ કરી શકે છે.

આ કસોટી સ્વિસ મનશ્ચિકિત્સક હર્માન રૉરશાખે 1921માં પ્રગટ કરી તે અગાઉ પણ શાહીનાં ધાબાંનો ઉપયોગ કરવાના પ્રયત્નો થયા હતા. પ્રથમ બુદ્ધિ-કસોટી બતાવનાર મનોવૈજ્ઞાનિક બીનેએ 1895માં આ પ્રકારની કસોટીની જરૂરિયાત ઓળખીને તે બનાવવાનું સૂચન કર્યું હતું. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિગત તફાવતો જાણવા પણ આ રીતે પ્રયત્ન કર્યો હતો. ડિયરબોર્ને શાહીનાં ધાબાંઓનો ઉપયોગ સ્મરણશક્તિ, પ્રતિક્રિયાસમય, વિચારપ્રક્રિયા વગેરે માપવા માટે કર્યો હતો. ઘણાબધા મનોવૈજ્ઞાનિકોએ બાળકોના મનોવ્યાપારોનો અભ્યાસ કરવા આ પદ્ધતિ વાપરી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે. પણ શાહીનાં ધાબાંનો મોટાપાયે વ્યવસ્થિત ઉપયોગ કરીને કસોટી તૈયાર કરવાનું શ્રેય તો ડૉ. હર્માન રૉરશાખને ફાળે જ જાય છે. પ્રારંભમાં તેમણે અસંખ્ય આકારો પ્રાયોગિક કક્ષાએ તૈયાર કર્યા અને તેમાંથી પ્રાથમિક પ્રયત્નોમાં ચકાસણી કરી 60 કાર્ડ તૈયાર કર્યાં. બીજા તબક્કામાં સૌથી વધારે ઉદ્દીપનમૂલ્ય ધરાવતાં સૌથી વધુ પ્રતિક્રિયાઓ ધરાવતાં 10 કાર્ડ પસંદ કર્યાં. આ દસ કાર્ડ ઉપર 405 જેટલી વ્યક્તિઓની પ્રતિક્રિયાઓ એકઠી કરવામાં આવી, જેમાંની 117 વ્યક્તિઓ ‘નૉર્મલ’ અને બાકીની બધી કોઈક ને કોઈક પ્રકારની માનસિક તકલીફ અનુભવનારી હતી. આ બધાની પ્રતિક્રિયાભાત શોધવામાં આવી અને તેને આધારે નિર્ણાયક પ્રતિક્રિયાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તેની સામગ્રીનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને ઘટકોનો આંતરસંબંધ શોધવામાં આવ્યો. સામાન્ય પ્રતિક્રિયાઓ કરતાંય મૌલિક પ્રતિક્રિયાઓના વિશ્લેષણને મહત્ત્વ આપવામાં આવ્યું.

તે પછી વિશાળ સંખ્યામાં માનસિક રોગીઓ ઉપર અજમાયશ કરીને શોધવામાં આવ્યું કે જુદા જુદા પ્રકારના રોગીઓ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપે છે અને એક જ પ્રકારના રોગીઓની પ્રતિક્રિયાઓમાં ચોક્કસ પ્રકારની સમાનતા જોવા મળે છે. આ ઉપરથી અર્થઘટન અને નિદાન માટેની પદ્ધતિઓ તૈયાર કરવામાં આવી. તેનામાં રહેલી આ ભેદ પારખવાની શક્તિને આધારે રૉરશાખ કસોટીનું નિદાનમૂલ્ય અને ભેદક મૂલ્ય ઘણું ઊંચું હોવાનું જણાયું.

રૉરશાખની કસોટીથી બુદ્ધિમાપન, સર્જનશક્તિનું માપન, વિચારશક્તિ, પરિવર્તનક્ષમતા, સમાયોજન-શક્તિ, અચેતન પ્રેરણાઓ, અચેતન સંઘર્ષો, મનના સંવેદનશીલ વિસ્તારો, ચોક્કસ વિકાસના તબક્કામાં વ્યક્તિનું સ્થગિતીકરણ જેવી ઘણી બધી બાબતોનું માપન ‘નૉર્મલ’ વ્યક્તિઓ માટે પણ થાય છે. આ કસોટીની ખાસિયત એ છે કે શાહીના ડાઘાઓ જોઈને વ્યક્તિ પોતે પોતાના માટે જાણતી ન હોય તેવી તેની બાબતો પણ તેની પ્રતિક્રિયાઓમાં વ્યક્ત થાય છે. ઉત્તર આપતી વખતે વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો કે પોતે આપેલો ઉત્તરનો શો અર્થ થતો હશે. આથી જ વ્યક્તિત્વ-માપનની પ્રત્યક્ષ કસોટીઓ કરતાં આ અપ્રત્યક્ષ કસોટીઓ વ્યક્તિત્વના ઊંડાણને સમજવાનું મહત્વનું સાધન બની શકી છે.

હર્માન રૉરશાખ પાતાની આ કસોટીઓ પર ઘણું બધું કામ કરવા માગતા હતા. પણ આટલું કરવા માટે જ એમણે એટલું બધું કામ કર્યું હતું કે 30–32 વર્ષની વયે ટી.બી.ની બીમારીથી એમનું મૃત્યુ થયું.

આ જે કાંઈ કામ એમણે કર્યું હતું તે કામ તેમના અનુયાયીઓ અને દુનિયાના વિવિધ દેશોના મનોવૈજ્ઞાનિકોએ એટલું બધું આગળ વધાર્યું કે આજે રૉરશાખ એક કસોટી ન રહેતાં એક વ્યાપક સંશોધન અને નિદાન-ક્ષેત્ર બની ગયું છે. એક તરફ મનોવૈજ્ઞાનિક કસોટીકારો માપનના વસ્તુલક્ષી પાસા પર ભાર મૂકે છે અને રૉરશાખને આત્મલક્ષી પદ્ધતિ ગણી તે પ્રત્યે અસંતોષ બતાવે છે, તો બીજી તરફ ચિકિત્સકો આ કસોટીમાં એના આત્મલક્ષી પાસાને લીધે આવેલ માપનની સચ્ચાઈ અને ઊંડાણનો અનુભવ કરી એની પ્રશંસા કરે છે. ઘણા મનોવૈજ્ઞાનિકોએ આત્મલક્ષી પાસાની સારી બાજુના ફાયદા લઈ શકાય, છતાં માપનમાં વસ્તુલક્ષિતા જળવાઈ રહે તે જાતના સમન્વયકારી અભિગમોનો વિકાસ કર્યો છે.

પ્રતિક્રિયાઓ પરથી પ્રાપ્તાંકો તૈયાર કરીને તેનું અર્થઘટન કરવાની વિશિષ્ટ પદ્ધતિઓ વિકસાવાઈ છે અને આ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવા માટે સંશોધન થતું જ રહ્યું છે; નવા પ્રયોગો પણ થતા રહે છે. આ કસોટી પર જુદાં જુદાં સાંસ્કૃતિક જૂથો, વિવિધ વ્યાવસાયિકો, કલાકારો, લેખકો, રમતવીરો, નેતાઓ વગેરેને લગતી સમાન પ્રતિક્રિયાભાતના અભ્યાસો થયા છે. રૉરશાખ એ પુખ્ય વયનાંઓ માટેની જ કસોટી હોવા છતાં યેલ યુનિવર્સિટીની ગૅસેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં 1971થી ’74 સુધી 2 વર્ષથી 10 વર્ષનાં બાળકો, 10થી 16 વર્ષનાં તરુણો અને 70થી વધુ ઉંમરનાં વૃદ્ધોના અભ્યાસોને આધારે, ઉંમરને આધારે પ્રતિક્રિયાભાતમાં થતા ફેરફારોની વાસ્તવિક ચકાસણી કરવામાં આવી છે. આ અને આવા બીજા 15થી વધુ અભ્યાસોને આધારે રૉરશાખનાં સંખ્યાત્મક પરિમાણો પણ વિકસાવવામાં આવ્યાં છે.

આ કસોટીનું નિદાનમૂલ્ય અને વસ્તુલક્ષિતા જળવાઈ રહે તે માટે તેના ઉપયોગ ઉપર અને તેને લગતા સાહિત્યના પ્રકાશન ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. તેના ઉપયોગની બાબતમાં ઘણાં ઊંચાં અને કડક ધોરણોનો અમલ કરવામાં આવે છે. આ કસોટી વાપરવા માટે પર્યાપ્ત શૈક્ષણિક લાયકાત, વ્યાવસાયિક લાયકાત, તાલીમ અને મનોવૈજ્ઞાનિક પરિપક્વતા અને ‘નૉર્માલિટી’નાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે.

અધૂરી તાલીમે કે તાલીમ વિના આ કસોટીને આડેધડે વાપરી શકાતી નથી. તેની ખરીદી માટે પણ ચોક્કસ ધોરણો છે અને લાઇસન્સ ધરાવતી વ્યક્તિઓને જ તે પ્રાપ્ત થઈ શકે છે. તેનાં દસ કાર્ડમાંથી માત્ર પહેલું એક જ કાર્ડ પુસ્તકોમાં પ્રકાશિત કરવાની મંજૂરી અપાઈ છે. માત્ર જોવા ખાતર કે રસ ખાતર બાકીનાં કાર્ડ પ્રાપ્ત થતાં નથી. તેનું સંકેતીકરણ, પ્રાપ્તાંકો ગણવાની કે અર્થઘટન કરવાની રીતો જાહેર કરવામાં આવતાં નથી. એને લગતાં સંશોધનો અને તારણો ચોક્કસ વ્યાવસાયિકોને માટે જ ઉપલબ્ધ થાય છે.

આ કસોટી સિગ્મંડ ફ્રૉઇડના અચેતન મનના સિદ્ધાંતના માળખા પર રચાયેલ હોઈ વ્યક્તિનાં અંગતમાં અંગત ઊંડાણો જાણવાની ક્ષમતા ધરાવે છે; તેથી જ તેના ઉપયોગની બાબતમાં કડક આચારસંહિતાનું પાલન કરવામાં આવે છે. તેને લગતું સંશોધન પણ કરકસરના સિદ્ધાંત પર ચાલે છે, અને નાછૂટકે જનસમુદાય માટે તેનો ઉપયોગ થાય છે.

જ્યારે પણ રૉરશાખ કસોટી વાપરવામાં આવે છે ત્યારે પ્રત્યક્ષ કસોટીથી મેળવેલી વિગતો સાથે તેનાં તારણો ચકાસવામાં આવે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ કસોટીથી કે અન્ય પ્રક્ષેપણ-કસોટી કે અર્ધ-પ્રક્ષેપણ કસોટીથી નિદાન થઈ શકતું હોય ત્યાં સુધી રૉરશાખનો ઉપયોગ ટાળવામાં આવે છે. જ્યારે અન્ય કસોટી અપર્યાપ્ત નીવડે ત્યારે જ તેનો ઉપયોગ કરવાની ભલામણ વ્યાવસાયિકોને કરવામાં આવે છે. આ કસોટીનો ઉપયોગ જેટલો મર્યાદિત હોય તેટલી તેની નિદાનમૂલ્યને સાચવવાની ક્ષમતા જળવાઈ રહે છે.

અત્યારે રૉરશાખ કસોટીનાં પરિણામોને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા વધારે ચોક્કસ અને પરિમાણાત્મક બનાવવામાં આવ્યાં છે. એક જ પ્રતિક્રિયા પરથી વિવિધ અર્થઘટનો કરવાની પદ્ધતિઓ વિકસી છે. સમયની સાથે સાથે થતાં સંશોધનોને પરિણામે રૉરશાખે આપેલા મૂલ્યનું મહત્વ અનેકગણું વધી રહ્યું છે.

રૉરશાખ કસોટી ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે અને તેમાં તાલીમ પામેલા નિષ્ણાતો અલ્પ સંખ્યામાં હોવાથી તેની ફીનું ધોરણ ઘણું ઊંચું હોય છે. ભારતમાં આ કસોટી હજુ ભણવા ભણાવવાના વિષય તરીકે જ રહી છે. તેના ચિકિત્સાત્મક ઉપયોગમાં જોઈએ એવું સ્તર સચવાતું નથી. તેના નિદાન મૂલ્યનો બહુ ઓછો ભાગ વપરાય છે. તેની તાલીમની પણ ખાસ વ્યવસ્થા નથી અને સાચા અર્થમાં તેના નિષ્ણાતો ગણ્યાગાંઠ્યા જ હોવાનું જણાય છે.

તેનો સીધો ઉપયોગ તો માત્ર નિષ્ણાતો જ કરી શકે; પણ તેને આધારે મેળવેલાં તારણોનો ઉપયોગ અત્યારે માનસચિકિત્સા, મનોવિજ્ઞાન સલાહકાર્ય ઉપરાંત નૃવંશશાસ્ત્ર, સંસ્કૃતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સંચાલનશાસ્ત્રમાં તેમજ ફિલ્મો, સાહિત્ય અને કલાના ક્ષેત્રે પણ થાય છે.

નિદાન માટે અને વ્યક્તિત્વમાપન માટે શોધાયેલી આ કસોટી દર્દીની સારવાર દરમિયાન મૂલ્યાંકન કરવા માટે અને સુધારાનું પ્રમાણ જાણવા માટે થાય છે. આ ઉપરાંત કસોટી પર પ્રતિક્રિયા આપવાનો અનુભવ પોતે જ એક પ્રકારની સારવારનું કામ કરે છે. એટલે એક જ દરદીને વારંવાર આ કસોટી આપીને એને સારવારની પદ્ધતિ તરીકે વાપરવાનો અભિગમ પણ વધ્યો છે.

પ્રતીક્ષા રાવલ

04 March 2025

કાર્લ ગુસ્તાવ યુંગ

કાર્લ ગુસ્તાવ યુંગ


યુંગ, કાર્લ, ગુસ્તાવ (જ. 26 જુલાઈ 1875, કેસવિલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 6 જૂન 1961, ક્યુસનાક્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ મનોવૈજ્ઞાનિક, મનશ્ચિકિત્સક અને વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના સ્થાપક. પ્રસિદ્ધ મનશ્ચિકિત્સક સિંગમંડ ફ્રૉઇડના શિષ્ય અને સાથી.

તેમના પિતા વ્યવસાયે પાદરી હોવા ઉપરાંત એક અચ્છા ભાષાવિજ્ઞાની પણ હતા. વિશિષ્ટ પરિસ્થિતિને લીધે કાર્લનું બાળપણ એકલતામાં વીત્યું. તેથી તેમની કલ્પનાશક્તિ ખીલી ઊઠી. બાળપણથી તેઓ પોતાના વડીલોના વર્તનનું નિરીક્ષણ કરી તેને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેમણે પ્રારંભિક શિક્ષણ બર્સેલમાં મેળવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તેમણે તત્વજ્ઞાન વિશે વિસ્તૃત વાચન કર્યું. કાર્લનાં માતા અને પિતા બંનેના પક્ષે ઘણાં કુટુંબીઓ પાદરી હોવાથી કાર્લ પણ મોટો થઈ પાદરી બનશે એમ લોકો ધારતા હતા; પણ તેમણે ચિકિત્સક બનવાનું પસંદ કર્યું અને બેઝલ અને ઝૂરિક યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ સન 1895થી 1900 સુધી તબીબી વિજ્ઞાન અને મનશ્ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

યુંગે સન 1900થી 1908 દરમિયાન બર્ગોલ્ઝલી હૉસ્પિટલમાં બ્લ્યૂલરના માર્ગદર્શન નીચે માનસિક રોગો અંગેનાં સંશોધનોમાં ભાગ લીધો અને ત્યાં મનોવિકૃતિઓના નિદાન માટે શબ્દસાહચર્યની કસોટીનો સફળ ઉપયોગ કર્યો. યુંગની આ અને બીજી કેટલીક શોધો ફ્રૉઇડના મનોવિશ્લેષણ-સિદ્ધાંતને સમર્થક બની. તેથી તેઓ 1907થી 1912 દરમિયાન ફ્રૉઇડના ગાઢ સંપર્કમાં રહ્યા. તેમણે સહકાર્યકર તરીકે ફ્રૉઇડની મનોવિશ્લેષણની ચળવળમાં ઉચ્ચ સ્થાન શોભાવ્યાં અને સન 1911માં મનોવિશ્લેષણના આંતરરાષ્ટ્રીય મંડળના પહેલા પ્રમુખ બન્યા. તેમને ફ્રૉઇડના સૌથી વધારે સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા.

પણ ફ્રૉઇડે સૌમ્ય મનોવિકૃતિના ઉદભવમાં જાતીય પ્રેરણા પર મૂકેલા આત્યંતિક ભાર સાથે યુંગ અસંમત થયા અને 1914માં તેમણે મનોવિશ્લેષણના એ મંડળમાંથી રાજીનામું આપ્યું.

1921થી 1930 સુધીમાં તેમણે ઉત્તર અને પૂર્વ આફ્રિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો, યુ.એસ. તેમજ ભારતના પ્રવાસો કરી જગતની જુદી જુદી સંસ્કૃતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. તેમાંથી ત્યાંનાં વિચારો, માન્યતાઓ, લોકકથાઓ, પૌરાણિક કથાઓ અને એમાં વપરાતાં પ્રતીકો અને કલ્પનાસૃષ્ટિનું વિશ્લેષણ કર્યું. તેના આધારે યુંગે વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન વિકસાવ્યું.

તેઓ 1933થી 1941 દરમિયાન ઝૂરિકની ફેડરલ પૉલિટેક્નિકલ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના અને 1942–43 દરમિયાન બેઝલ યુનિવર્સિટીમાં તબીબી મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા.

યુંગનાં મૌલિક પ્રદાનો આ પ્રમાણે ગણાવી શકાય :

(1) શબ્દસાહચર્ય વડે મનોવિકૃતિનાં કારણોના નિદાનની પદ્ધતિ.

(2) વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી પ્રકારો.

(3) મનનાં ચાર કાર્યોનું વર્ગીકરણ : વિચાર, લાગણી, સંવેદન અને અંત:સ્ફુરણા.

(4) સામૂહિક અચેતનનું વિશ્લેષણ અને તેની સાથે સંલગ્ન આદ્યસંસ્કારો(archetypes)નો ખ્યાલ.

(5) આવેગાત્મક ભાવગ્રંથિઓ(emotional complexes)નો ખ્યાલ

(6) વહેમો, પુરાણકથાઓ અને રહસ્યમય ઘટનાઓનો અભ્યાસ.

(7) મનોવિજ્ઞાન અને ધર્મના સંબંધોનું વિશ્લેષણ.

(8) મધ્યવય અને વૃદ્ધાવસ્થામાં થતા માનસિક રોગોના મનોપચાર માટેની આગવી પદ્ધતિનો નિર્દેશ.

યુંગનાં જાણીતાં પુસ્તકોમાં ‘સાઇકૉલૉજી ઑવ્ ધી અનકૉન્શિયસ માઇન્ડ’ (1916), ‘કલેક્ટેડ પેપર્સ ઑન ઍનેલિટિકલ સાઇકૉલૉજી’ (1920), ‘સાઇકોલૉજિકલ ટાઇપ્સ’ (1923), ‘કૉન્ટ્રિબ્યૂશન્સ ટુ ઍનેલિટિકલ સાઇકૉલૉજી’ (1928), ‘મૉડર્ન મૅન ઇન સર્ચ ઑવ્ અ સોલ’ (1933), ‘એસેઝ ઑન કરન્ટ ઇવેન્ટ્સ’ (1946) અને ‘મેમરિઝ, ડ્રીમ્સ ઍન્ડ રિફલેક્શન્સ’(મૃત્યુ પછી પ્રકાશિત આત્મકથા) (1962)નો સમાવેશ થાય છે.

યુંગે પોતાના કાર્ય દ્વારા માત્ર મનશ્ચિકિત્સા ઉપર જ નહિ, પણ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, સાહિત્ય, તત્વજ્ઞાન તેમજ ધર્મશાસ્ત્ર ઉપર પ્રભાવ પાડ્યો છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

10 December 2024

વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)

વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)

વૃત્તિવિરેચન (catharsis) : ભૂતકાળના આઘાત આપનારા પ્રસંગોને મનમાં ફરીથી અનુભવીને, સંબંધિત આવેગોનો સંઘરાયેલો બોજો હળવો કરવાની, અને એ દ્વારા પોતાના તણાવો અને ચિંતાઓને દૂર કરવાની પ્રક્રિયા; દા. ત., એક બાળક માબાપની જાણ વિના મિત્રો સાથે નાળામાં નહાવા જાય અને અચાનક પાણીમાં તણાવા માંડે. એને મિત્રો માંડમાંડ બચાવી લે. આને લીધે એ બાળકને આઘાત લાગવાથી એના મનમાં પાણીનો તીવ્ર ભય પેસી જાય. મોટો થયા પછી પણ એ બાથરૂમની ડોલમાં ભરેલા પાણીને જોતાં જ ફફડી ઊઠે, ત્યારે એની આ વિકૃત ભીતિને દૂર કરવા માટે મનોચિકિત્સા કરવામાં આવે છે. ચિકિત્સક એના મનના ઊંડાણમાં રહેલા પાણી સાથેના આઘાતજનક અનુભવનું અને ભયનું વિરેચન કરે છે. એ વ્યક્તિના અજ્ઞાત મનમાં ભરાઈને જામી પડેલો પાણીમાં તણાઈ જવાનો અનુભવ (વિરેચનને કારણે) એના જ્ઞાત મનમાં બહાર આવે છે. એ બાળપણનો પ્રસંગ યાદ કરવાથી, પોતે હાલ પાણીથી કેમ ગભરાઈ જાય છે તેનું મૂળ કારણ વ્યક્તિને સમજાય છે. તેથી એનો પાણીનો ભય દૂર થાય છે.

આમ વ્યક્તિની દબાઈ રહેલી જાતીયતા કે આક્રમકતા જેવી વૃત્તિઓનું, ભય કે ચિંતા જેવા આવેગોનું કે ભાવગ્રંથિઓ(complexies)નું વિરેચન થાય છે. એને ભાવવિરેચન પણ કહે છે.

બીજી વ્યક્તિ સમક્ષ પોતાના આવેગો કે લાગણીઓનો ઊભરો ઠાલવવાની ક્રિયા પણ એક જાતનું વૃત્તિવિરેચન જ છે. એને લીધે વ્યક્તિની માનસિક હાલત સુધરે છે. તેથી આ પ્રક્રિયાને ‘સંભાષણ વડે ઉપચાર’ (અં. ટૉકિંગ ક્યૉર) પણ કહે છે.

ચિકિત્સાપ્રક્રિયાના એક વ્યવસ્થિત તબક્કા તરીકે વૃત્તિવિરેચનનો આરંભ ઓગણીસમી સદીના અંતભાગમાં વિયેનામાં ચેતાશાસ્ત્રી બ્રુઅર અને મનોવિશ્લેષક ફ્રૉઇડે કર્યો. શરૂઆતમાં અસીલ(client)ને સંમોહિત કર્યા પછી જ તેની વૃત્તિનું વિરેચન કરવામાં આવતું હતું, પણ પછીથી સંમોહન(hypnosis)નો ઉપયોગ કર્યા વિના પણ વિરેચનની આ પ્રક્રિયા પ્રચલિત બની.

વૃત્તિવિરેચનને આ રીતે સમજાવવામાં આવે છે : વ્યક્તિને આઘાત લાગે એવો અનુભવ થવાથી એના મનમાં ભાવાત્મક ઉત્તેજનાનો અને માનસિક ઊર્જાનો વિશાળ જથ્થો ભેગો થાય છે. જો ટૂંક સમયમાં એ ઉત્તેજનાને સીધી રીતે કે રૂપાંતર દ્વારા બહાર લાવવાનો માર્ગ ન મળે તો તેનું દમન થાય છે. એ ઉત્તેજના વ્યક્તિના અજ્ઞાત મનમાં ચાલી જાય છે. પણ અજ્ઞાત મનમાં જવાથી એની ઊર્જાનો નાશ થતો નથી પણ એ વ્યક્તિના વિકૃત વર્તનનાં ચિહ્નો રૂપે પ્રગટે છે. જો ઊર્જાના આ જથ્થાને વિરેચન વડે વ્યક્તિના સભાન મનમાં લાવવામાં આવે તો એના ઉપરનો ઊર્જાનો બોજો હળવો થાય છે. તેથી ચિકિત્સકનું કાર્ય એ છે કે એ વ્યક્તિને એના જીવનના આવેગાત્મક કે સંઘર્ષોથી ભરેલા પ્રસંગોને યાદ કરાવી એ પ્રસંગોને પહેલાંની જેમ ફરીથી અનુભવવામાં મદદ કરવી.


આમ વૃત્તિવિરેચન દમનની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. દમનમાં વૃત્તિઓ અને આવેગોની બાહ્ય સપાટીથી મનના ઊંડાણ તરફ, નીચાણ તરફ ગતિ થાય છે. વૃત્તિવિરેચનમાં વૃત્તિઓ અને ભાવોની મનના ઊંડાણમાંથી મનની બાહ્ય સપાટી તરફ ઉપરની તરફ ગતિ થાય છે.

અજ્ઞાત વૃત્તિઓનું વિરેચન કરાવવા માટે કેટલીક પ્રવિધિઓનો ઉપયોગ થાય છે; દા. ત., વ્યક્તિને સંમોહિત કરવી, પોતાના વિચારોનું મુક્ત રીતે સાહચર્ય (જોડાણ) કરવા માટે વ્યક્તિને પ્રેરવી, વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતાં વચ્ચે અટકી જાય ત્યારે મૌન રહીને પણ મુખભાવ દ્વારા તેને પ્રોત્સાહન આપીને વધારે બોલવા માટે પ્રેરવો, વ્યક્તિના વ્યક્ત થયેલા વિચારો ઉપર ટીકા-ટિપ્પણ કરવાનું ટાળવું, વ્યક્તિ પોતાના દમન કરેલા અનુભવો વર્ણવતી હોય ત્યારે તેને ધ્યાનથી સાંભળવું, તેના વર્ણનમાં દખલ ન કરવી, પણ અભિવ્યક્તિને અંતે રસ લઈને ટૂંકા પ્રશ્ર્નો પૂછવા, વ્યક્તિએ જણાવેલા વિચારોને એ જ કે સમાનાર્થી શબ્દો વડે ફરી વ્યક્ત કરવા વગેરે.

યોગ્ય રીતે વૃત્તિવિરેચન થવાને લીધે અસીલ કે દર્દી શાંતિ, રાહત, સલામતી અને પ્રસન્નતા અનુભવે છે. તે આવેગોના ભાર અને તણાવમાંથી મુક્ત થાય છે. ભૂતકાળના બનાવો કે તેના જેવી અત્યારની પરિસ્થિતિઓ તેને આકળવિકળ બનાવી દેતી નથી. તેને પોતાને થતા અનુભવોમાં સૂઝ આવે છે, અને તે પરિસ્થિતિનો સામનો સ્વસ્થ રીતે કરી શકે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

26 November 2024

સાહચર્ય–કસોટી (Association test)

સાહચર્ય–કસોટી (Association test)



સાહચર્ય–કસોટી (Association test) : મનોવિશ્લેષણમાં ઉપયોગી બનતી એવી પ્રવિધિ (ટૅકનિક) જેમાં અસીલ શાંત બનીને પોતાના મનમાં જે કાંઈ આવે તે [ગમે તેટલું ક્ષોભ કે પીડા ઉપજાવે એવું હોય કે ક્ષુલ્લક જણાય તોપણ] કહે છે. સાહચર્ય-કસોટી એક પ્રકારની ભાવવિરેચન(Catharsis)ની પદ્ધતિ છે.

આપણા એક અનુભવનું અન્ય અનુભવો સાથે મનમાં સાહચર્ય વડે જોડાણ થાય છે. વ્યક્તિના મનમાં કયા કયા વિચારો વચ્ચે જોડાણ છે તે જાણવા માટે સાહચર્યની કસોટી કરવામાં આવે છે. એ મોટેભાગે શબ્દ-સાહચર્યના પ્રયોગના રૂપમાં હોય છે, જેમાં પ્રયોગકર્તા એક શબ્દ (ઉદ્દીપક શબ્દ) બોલે છે. અસીલ કે પ્રયોગપાત્ર એ શબ્દ સાંભળીને પોતાના મનમાં જે પહેલો વિચાર આવે તેને એક શબ્દ (પ્રતિક્રિયા-શબ્દ) બોલીને વ્યક્ત કરે છે; દા.ત., પતંગ (ઉદ્દીપક શબ્દ) → ફીરકી (પ્રતિક્રિયા-શબ્દ).

સાહચર્યની કસોટી વિવિધ પ્રકારે થાય છે. જ્યારે આપેલા ઉદ્દીપક શબ્દ પ્રત્યે એક જ પ્રતિક્રિયા-શબ્દ બોલીને જવાબ આપવાનો હોય ત્યારે તેને પૃથક (discrete) સાહચર્ય-કસોટી કહે છે; દા.ત., રાત-દિન. જ્યારે એકથી વધુ શબ્દોની હારમાળા વડે જવાબ આપવાનો હોય ત્યારે તે સતત (continuous) સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., સફેદ (ઉદ્દીપક શબ્દ) → કાળો, કાગડો, પોપટ, જામફળ વગેરે (પ્રતિક્રિયા-શબ્દો). એક ઉપરથી બીજો અને તેના ઉપરથી ત્રીજો એમ વિચારોની સાંકળ રચાય છે.

જ્યારે વ્યક્તિએ મનમાં આવતો ગમે તે વિચાર શબ્દ વડે વ્યક્ત કરવાનો હોય ત્યારે તે મુક્ત સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., ‘નદી’ શબ્દના જવાબમાં કોઈ પણ નદીનું નામ અથવા ‘તળાવ, સરોવર’ અથવા ‘હોડી, વહાણ’ અથવા ‘પ્રવાસ’ કે ‘માછલી’ જેવા શબ્દ બોલી શકાય છે. જ્યારે પ્રયોગ કરીને દર્શાવેલી શરત પ્રમાણે સંબંધ ધરાવતા શબ્દ વડે જ જવાબ આપવાનો હોય ત્યારે તેને નિયંત્રિત (controlled) સાહચર્ય-કસોટી કહે છે. શરત વિવિધ પ્રકારની હોઈ શકે; દા.ત., જાતિ-ઉપજાતિ કસોટીમાં ઉદ્દીપક શબ્દ વડે સૂચવાતી જાતિ(વ્યાપક વર્ગ)માં સમાઈ જતી ઉપ(પેટા)જાતિ વ્યક્ત કરતો શબ્દ જવાબમાં કહેવાનો હોય છે; દા.ત., માણસ → એશિયાવાસી. ખંડ-અખંડ કસોટીમાં પ્રયોગકર્તા ભાગનું નામ બોલે છે. તે સાંભળીને પ્રયોગપાત્રે એ જે આખી વસ્તુનો ભાગ છે એ વસ્તુનું નામ કહેવાનું હોય છે; દા.ત., સૂંઢ → હાથી. વિરુદ્ધાર્થ કસોટીમાં આપેલા શબ્દના વિરોધી અર્થવાળો શબ્દ જવાબમાં બોલવાનો હોય છે; દા.ત., ઢીલું → સખત.

સાહચર્ય-કસોટીમાં પ્રયોગપાત્રે ઉચ્ચારેલો પ્રતિક્રિયા-શબ્દ, તેણે એ પ્રતિક્રિયા શરૂ કરવામાં લીધેલો સમય (પ્રતિક્રિયા-કાળ) અને પ્રતિક્રિયા દરમિયાન તેના મુખભાવ તથા તેની આવેગની અભિવ્યક્તિઓ નોંધવામાં આવે છે.

મુક્ત સાહચર્ય-કસોટીમાં મોટાભાગનાં પ્રયોગપાત્રોએ આપેલી પ્રતિક્રિયાઓ આ પ્રમાણે કોઈ એક પ્રકારની હોય છે : 

(1) (ક) વ્યાખ્યારૂપ કે સમાનાર્થી શબ્દ; દા.ત., માણસ → નર. 
     (ખ) ઉપલી જાતિ કે વ્યાપક વર્ગ સૂચવતા શબ્દ; દા.ત., પીપળો →ઝાડ. 

(2) પૂરક કે વિધેયરૂપ શબ્દ; દા.ત., મરચું → તીખું. હરણ → દોડે. 

(3) (ક) સમવર્ગી શબ્દ; દા.ત., વાઘ → સિંહ. શાળા → કૉલેજ (એ જ કક્ષાનો અન્ય વર્ગ). 
      (ખ) વિરોધી શબ્દ; દા.ત., ઠંડું → ગરમ, ચડતી → પડતી. 

(4) મૂલ્યાંકનરૂપ અને અંગત પ્રતિક્રિયાઓ; દા.ત., બાળકો → ભોળાં. અમદાવાદી → કંજૂસ. વ્યક્તિએ સેંકડો શબ્દોને આપેલી પ્રતિક્રિયાઓમાંથી કયા પ્રકારની કેટલી પ્રતિક્રિયાઓ છે તેનું વિશ્લેષણ કરવાથી તેનાં માનસ અને વ્યક્તિત્વ ઉપર ઠીક ઠીક પ્રકાશ પડે છે.

સાહચર્ય-કસોટીના વિવિધ ઉપયોગો છે : પ્રક્ષેપણ-પ્રવિધિ તરીકે તેના વડે વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ્યાં પાસાં ઓળખી શકાય છે. તેનો કેટલીક વાર ગુનાશોધનમાં પણ ઉપયોગ થાય છે. ગુનાના સ્વરૂપ-સ્થળ વગેરે સાથે સંકળાયેલા ઉદ્દીપક શબ્દો બોલીને શકમંદોને તેમનો જવાબ આપવાનું કહેવાય છે. તેમના પ્રતિક્રિયા-શબ્દ, સમય અને તેમના હૃદયના ધબકારા જેવા શરીરના આંતરિક ફેરફારોની અસત્યશોધકયંત્ર (lie detector) વડે નોંધ લેવાય છે. એના આધારે ગુનામાં ખરેખર સંડોવાયેલ વ્યક્તિ ઓળખાઈ જાય છે. કેટલીક વાર સાહચર્ય-કસોટી વડે મૂંઝવણો અને મનોવિકૃતિઓનું નિદાન પણ થાય છે.

સ્વસ્થ વ્યક્તિઓના વ્યક્તિત્વની વિશિષ્ટતાને ઓળખવા માટે કૅન્ટ અને રોઝાનૉફ-રચિત સાહચર્ય-કસોટી વપરાય છે. એમાં અંગ્રેજી ભાષાનાં પરિચિત નામો, વિશેષણો, ક્રિયાપદો વગેરે મળીને 100 ઉદ્દીપક શબ્દો રજૂ કરાય છે. વ્યક્તિએ દરેક શબ્દના આપેલા જવાબો નોંધી એ જવાબો કેટલા પ્રચલિત કે વિરલ (અનોખા) છે તેનું આંકડાકીય વિશ્લેષણ થાય છે; દા.ત., ‘સોય’ શબ્દ 1000 વ્યક્તિઓને સંભળાવાયો, ત્યારે તેમાંના 160 માણસોએ ‘દોરી’, 158 વ્યક્તિઓએ ‘ટાંકણી’, 152 વ્યક્તિઓએ ‘અણીદાર’ અને 242 વ્યક્તિઓએ ‘સીવવું’ એવા જવાબ આપ્યા. આ બધા પ્રચલિત જવાબો છે; પણ 11 જણાએ ‘વાગવું’, 2 જણાએ ‘ઈજા’, 2 જણાએ ‘ઇન્જેક્શનની’ અને 1 વ્યક્તિએ ‘લોહી’ કે ‘શસ્ત્ર’ એવો જવાબ આપ્યો. આ વિરલ જવાબો છે. વ્યક્તિના જવાબોની વ્યાપકતા/સામાન્યતા ઉપરથી તેનું વ્યક્તિત્વ અમુક અંશે ઓળખાય છે.

વ્યક્તિની ભાવગ્રંથિઓને શોધવા માટે મનોચિકિત્સક યુંગે બીજી સાહચર્ય-કસોટી રચી છે. ભાવગ્રંથિ (complex) વ્યક્તિની ઇચ્છાઓ, આવેગો અને સ્મૃતિઓનું એક વસ્તુ કે ઘટનાની આસપાસ ગૂંથાયેલું તંત્ર હોય છે. એમાં તણાવ, નિષ્ફળતા, અસંતોષ કે દોષની લાગણી પણ સમાવિષ્ટ હોય છે. મોટાભાગે પ્રેમલગ્ન અને જાતીય પ્રેરણા, કૌટુંબિક કે આર્થિક મુશ્કેલીઓ, પોતાની મર્યાદાઓથી અસંતોષ, અન્યાયની લાગણી, મૈત્રી કે દુશ્મનાવટ કે માંદગી ઈજા કે મૃત્યુના ભય જેવી બાબતો અંગે ભાવગ્રંથિ રચાય છે. ઘણી ભાવગ્રંથિઓ અજ્ઞાત હોય છે, જ્યારે બીજી કેટલીક જ્ઞાત હોવા છતાં વ્યક્તિ તેમને ટાળે છે. વ્યક્તિ કઈ ભાવગ્રંથિથી પીડાય છે તે સાહચર્ય-કસોટીથી શોધી શકાય છે. એ માટે ઉપર દર્શાવેલી બાબતો સાથે સંકળાયેલા શબ્દોવાળી કસોટી રચાઈ છે.

યુંગની સાહચર્ય-કસોટી વ્યક્તિને બે વખત આપવામાં આવે છે. બીજી રજૂઆત વખતે વ્યક્તિને કહેવામાં આવે છે કે તેણે બને ત્યાં સુધી પહેલી વખત આપેલો પ્રતિક્રિયા-શબ્દ બોલવો.

પોતાના જીવનની જે બાબતો વિશે વ્યક્તિના મનમાં ભાવગ્રંથિ હોય તેને લગતા શબ્દો અંગે તે નીચેની વિશિષ્ટ પ્રતિક્રિયા આપે છે : 
(1) તેનો પ્રતિક્રિયાકાળ લાંબો હોય છે. 
(2) તે પ્રતિક્રિયા આપતો જ નથી. 
(3) તે ઉદ્દીપક શબ્દનું જ પુનરાવર્તન કરે છે. 
(4) તે ઉદ્દીપક શબ્દનો ખોટો અર્થ સમજે છે. 
(5) તે ઉદ્દીપક શબ્દ સાથે બિલકુલ સંબંધ ન હોય એવી કે અંગત પ્રતિક્રિયા આપે છે. 
(6) તેના ચહેરા ઉપર ક્ષોભ કે ઉત્તેજનાનાં ચિહ્નો દેખાય છે. 
(7) તે તોતડાય છે, હસી પડે છે કે બહુ જ ધીમેથી અથવા ઘાંટો પાડીને પ્રતિક્રિયા-શબ્દ બોલે છે. 
(8) તે બીજી રજૂઆત વખતે નવો પ્રતિક્રિયા-શબ્દ બોલે છે.

સાહચર્ય-કસોટી દ્વારા વ્યક્તિની ભાવગ્રંથિ ઓળખવાથી તેનો મનોપચાર વધારે અસરકારક રીતે કરી શકાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

25 October 2024

ગુનાશાસ્ત્ર (criminology)

ગુનાશાસ્ત્ર (criminology) :



ગુનાશાસ્ત્ર (criminology) : ગુના સંબંધી વિજ્ઞાન. ‘ગુનાશાસ્ત્ર’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેંચ માનવશાસ્ત્રી પી. ટોપિનાર્ડનાં લખાણોમાં ઓગણીસમી સદીના અંત ભાગમાં થયેલો. વ્યક્તિના ગુના સ્વરૂપના ગેરકાયદેસર વર્તનનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ‘ગુનાશાસ્ત્ર’ને વિકસાવવામાં મુખ્ય ભાગ ભજવનારાં વિજ્ઞાનોમાં મુખ્યત્વે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનોચિકિત્સાશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, તેમજ કાયદાશાસ્ત્રને ગણાવી શકાય.

આધુનિક સંદર્ભોમાં, ગુનાશાસ્ત્ર એટલે ગુનો ગણાતું વર્તન, તેનાં કારણરૂપ પરિબળો અને પરિણામો, તેમજ તેનાં નિવારણ અને નિયંત્રણ અંગેનો અભ્યાસ કરનારું તથા તેમાંથી તે અંગેની સૈદ્ધાંતિક સમજ અને જરૂરી પરિભાષા વિકસાવતું વિજ્ઞાન.

સામાન્ય રીતે, આ વિજ્ઞાનમાં મુખ્યત્વે નીચેના વિષયવસ્તુને આવરી લેવામાં આવે છે :

(1) ગુનાઇત વર્તન, તેનું સ્વરૂપ (nature) તથા વિવિધ ર્દષ્ટિએ તેના પ્રકારો. સમાજવિરોધી પરંતુ ગુનો ન ગણાતું વર્તન; ખાસ કરીને જે વર્તન અમુક સમાજમાં ગુનો ગણાય છે; પરંતુ અન્ય દેશોમાં ગુનો ગણાતું નથી.

(2) ગુનેગારોની શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓ; તેમનાં ભૂતકાલીન જીવન, ઉછેર અને ગુનાઇત કારકિર્દી (વિશેષ કરીને, રીઢા અને સતત ગુના કરનારાઓનાં); તેમની ગુનાઇત વૃત્તિનાં કારણો; ગુનેગારોનું અન્ય અસામાન્ય (વિકૃત) વર્તન અને તેમનો ગુનાઇત વૃત્તિ સાથેનો સંબંધ;

(3) ગુનેગારોનો શિકાર બની જનારા તથા તેમની ખાસિયતો;

(4) ગુનાઇત વર્તન શક્ય એટલે અંશે અટકાવવાનાં તથા નિયંત્રિત કરવાનાં પદ્ધતિઓ અને પ્રયત્નો. તેમાં પોલીસતંત્ર તથા ન્યાયતંત્રનાં કાર્યો અને સ્થાન. ગુનેગારોને સજા કરવી, યથાર્થ રીતે કેળવવા તેમજ તેમની સાથે વ્યવહાર કરવા માટેની નીતિ, પદ્ધતિ અને સંસ્થાઓ; તેમનાં (ખાસ કરીને, સજા/સુધારા સંબંધી) માળખાં, સંગઠનો અને કામગીરીઓ.

આ ઉપરાંત, કેટલાક વિદ્વાનો ગુનાઓ શોધી કાઢવાની તથા ગુનેગારોને પકડી પાડવાની પદ્ધતિઓ, ફોજદારી (ગુનાઇત વૃત્તિ સૂચક) સંવિધાનના ઉદભવ અને વિકાસ તેમજ ગુના તથા ગુનેગારો પ્રત્યેનાં લોકવલણોને પણ આ વિજ્ઞાનના અભ્યાસક્ષેત્રમાં આવરી લે છે.

ગુનાશોધન : કાયદાનું ઉલ્લંઘન કરતી સજાપાત્ર પ્રવૃત્તિઓની તપાસનું કાર્ય.

ગુનાશોધન એ કેટલીક કાર્યપદ્ધતિનો સરવાળો છે, જેમાં ગુનાથી અસર પામેલ વ્યક્તિની ઓળખ, ગુનો કરવા પાછળ ગુનેગાર વ્યક્તિનો ઇરાદો, ગુનેગારે ગુનો કરવા માટે અને ગુનો પકડાઈ ન જાય તે માટે અપનાવેલ ગુનાઇત પદ્ધતિનું શોધન, ગુનેગારની પહેચાન, અને ગુનો થયો હોય તે સ્થળનું ચોક્કસપણે નિરીક્ષણ તથા ગુનો સાબિત કરવા માટે પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ વગેરેનો સમાવેશ થાય છે.

ગુનાનાં કારણોમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ ન થવાનું કારણ અને જાતિભેદ, વર્ણભેદ, ધર્મ અને સંપ્રદાયભેદ અને પેઢી દર પેઢી ઊભું કરવામાં આવેલ પૂર્વગ્રહગ્રસ્ત ધિક્કારનું માનસ પણ ગુનાઓને વધારે છે. વસ્તીવધારો પણ ગુનાનું બીજ છે.

ભૌગોલિક સ્થિતિ, વસ્તીમાં પુરુષો અને સ્ત્રીઓના પ્રમાણમાં તફાવત, યુવાનો અને વૃદ્ધોની વસ્તીમાં સંખ્યાનું વધુ પ્રમાણ, અક્ષરજ્ઞાનનો અભાવ અને એકબીજાંને સહી લેવાની અનિચ્છા પણ ગુના પ્રેરે છે.

નિરાશા, હતાશા, નિષ્ફળતા, શારીરિક ક્ષમતાનો અભાવ, વ્યસન અને રુગ્ણ, માનસિક કે શારીરિક સ્થિતિ પણ ગુના નિપજાવે છે. ગુનાશોધન અભ્યાસીઓ આવાં બધાં પાસાં લક્ષમાં લઈને નિયમો, ધારાઓ, કાયદાઓ અને નીતિઓ ઘડે છે. સંશોધન માટે આ સર્વ નોંધાતા ગુનાઓ, પુરવાર થતા ગુનાઓ અને ન પુરવાર થતા ગુનાઓના આંકડા ઉપરથી અભ્યાસ કરવામાં આવે છે, પણ સામાજિક ર્દષ્ટિએ નીચા પડવાનો ભય, અન્ય ભય, આબરૂ જવાના ભયથી કે ગુનાના કેસોના નિકાલ માટે થતા વિલંબને કારણે ઘણા ગુના નોંધાવવામાં આવતા નથી. એટલે આવી અધૂરી નોંધને કારણે ગુનાશોધન માટે થતી જોગવાઈઓ અધૂરી અને ખામીભરી બની જાય છે. ગુનાશોધન માટે જે તે વિસ્તારમાં થતા ગુનાઓનો ઇતિહાસ અને રેકૉર્ડ (નોંધ) ઉપયોગી બની રહે છે.

ગુનાશોધન માટે ગુનાશોધક તંત્ર, ગુનાશોધન પૃચ્છાની ટૅકનિક, ગુનાશોધન પ્રયોગશાળાઓ અને ગુનાશોધન સંસ્થાઓ તથા ગુનાના સ્થળેથી મેળવાયેલ પુરાવા ઉપર કામ કરનાર ગુનાશોધક ડિટેક્ટિવ(detective)ની સૂઝ ઘણું કામ કરી જાય છે.

મોટા ભાગના ગુનાઓમાં ર્દશ્ય કે અર્દશ્ય રીતે ગુના કર્યાનાં પુરાવારૂપ નિશાનો રહી જતાં હોય છે. ગુનાશોધનની ટૅકનિક અને તંત્ર, ગુનાશોધન પ્રયોગશાળા, ધારા કે અન્ય રીતે ગુનેગારને મોટે ભાગે પકડ્યા વિના રહેતાં નથી.

ગુનાશોધન તંત્ર : ગુનાની શોધ કરવા માટે ઊભું કરવામાં આવેલું શાસકીય અથવા ખાનગી તંત્ર. ભારતમાં તથા વિશ્વના બધા દેશોમાં ગુનાશોધન માટે પોલીસ ચોકીઓની વ્યવસ્થા હોય છે. ભારતના તાલુકાઓમાં તે માટે સવિશેષ વ્યવસ્થા હોય છે, જેમાં આંગળાંની છાપ લેવાય છે. પગના જોડા કે ચંપલની છાપ, પ્લાસ્ટર ઑવ્ પૅરિસની મદદથી ઉપાડાય છે, એનાં બીબાં કે ઢાંચાને સાચવી રાખે છે. આ બધી છાપના રેકૉર્ડ રાખે છે.

ચોરી, હિંસા, લૂંટ, ખૂનની ઘટનાના સ્થળના ફોટા લેવા, ગુનો થયાના સ્થળેથી મળી આવેલ પુરાવા સાચવવા, સાઇકલ, રિક્ષા, ખટારો, મોટર વગેરેનાં ટાયરની છાપ ઉપસાવવા ગુનેગારનાં પગરખાં ઉપર ચોંટેલી માટી તપાસવા, ગુનામાં વપરાયેલ સાધન, રિવૉલ્વર, પિસ્તોલ, બંદૂક, રાઇફલ આદિમાંથી છૂટેલી ગોળી સાચવીને કાઢવાં, તેની ઓળખ માટે તેવા જ પ્રકારની ગોળી છોડવાની સગવડ (રેંજ જાણવાનાં), ગુનેગારોએ પીધેલા દારૂના માદક દ્રવ્યનું પ્રમાણ તપાસવું, અથડામણમાં ઘા પડતાં ગુનાના સ્થળેથી મળી આવેલ કપડામાં લોહીના ડાઘ પરથી લોહી તપાસવું, મળી આવેલાં કપડાંમાંનાં પસીના-ડાઘ, ધોબીનાં નિશાન, કપડાંના ટુકડા કે તાંતણા વગેરે તપાસવા માટેનાં સાધનો અને વ્યવસ્થા હોય છે.

શહેરમાં ચોરી, ખૂન કે અન્ય ગુના વધુ બનતા હોઈ, ગુનેગારની ગંધ ઉપરથી સગડ મેળવવા કેળવાયેલાં કૂતરાંની ટોળી જિલ્લા પોલીસ ચોકીઓ પર હોય છે.

તાલુકાની પોલીસ ચોકીઓ ગામડાં કે શહેરોમાંથી આવેલ ગુનાની ફરિયાદ નોંધીને તેની તપાસ આગળ ચલાવે છે. ગુનામાં હિંસા, બળાત્કાર, અથડામણ કે ખૂન થયાં હોય ત્યારે તેનો ભોગ બનેલી વ્યક્તિની ડૉક્ટરી તપાસ કે મરી ગયેલ વ્યક્તિની ઑટૉપ્સિ (શબ ચીરીને તેમાં વણપચ્યા ખોરાકના આધારે તથા શબનાં અન્ય ખાસ અંગોની સ્થિતિ જાણી ગુનાનું કારણ જાણવાની રીત) માટે ડૉક્ટરની મદદ લેવાય છે.

ગુનાના પુરાવા તપાસવા માટે મુખ્ય જિલ્લા મથકોમાં સૂક્ષ્મદર્શક યંત્ર, જૂઠ પકડવા માટે ડર્મલનાઇટ્રેટ ચકાસણી થાય છે એટલે કે ઘાયલ વ્યક્તિને ગોળી જો નજીકથી છોડાઈ હોય તો એનો સ્ફોટક પદાર્થ પણ અડ્યો હોય છે, જ્યારે દૂરથી ગોળી છૂટી હોય તો એ સ્ફોટક પદાર્થ ન લાગ્યો હોય, માત્ર ગોળીનો જ આઘાત હોય. આવી રાસાયણિક પદાર્થથી થતી ચકાસણી માટેની વ્યવસ્થા પણ હોય છે.

સીમા-સુરક્ષા, સમુદ્ર રસ્તે થતી કસ્ટમ-જકાતની ચોરી રોકવા કે પકડવા, હથિયારોની ગેરકાનૂની હેરાફેરી રોકવાની કામગીરી, માદક દ્રવ્યો કે લોહીનો વેપાર રોકવા સમુદ્ર ચોકિયાતોનું દળ – ‘સાગરતટ રક્ષકદળ’ એક અલગ તંત્ર તરીકે કામ કરે છે.

આતંક ફેલાવનારાઓ, દેશની કીમતી ચીજવસ્તુઓ, ઐતિહાસિક અગત્યની વસ્તુઓ કે સુંદર મૂર્તિઓની ચોરી, રાજકીય કે લશ્કરી ગુપ્ત માહિતીની ચોરીઓ પકડવા અલગ ગુનાશોધન તંત્ર હોય છે જેને ભારતમાં સી.બી.આઈ. અને રૉ કહેવાય છે. આવાં તંત્ર કેન્દ્રીય સ્તરે કામગીરી બજાવતાં હોય છે.

ગુનાશોધન પૃચ્છા : ગુનાની શોધ કરી ગુનેગારને પકડી પાડવા માટે કરાતી તપાસ દરમિયાનની અગત્યની પ્રક્રિયા.

કેટલાક સાંયોગિક પુરાવાના આધારે કે શકને કારણે ગુનેગાર જેવા અન્ય શખ્સો સાથે ગુનેગારને – શકમંદને ઊભો કરી, સાક્ષી કે ઘાયલ થનાર અથવા ફરિયાદી દ્વારા ઓળખી બતાવેલ ગુનેગાર પાસેથી ગુનાની વિગત મેળવવા માટે પૂછપરછ કરવા માટે તેના નિષ્ણાતો કે તાલીમી પોલીસો કાર્ય કરતા હોય છે.

જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી આવી માહિતી મેળવવા સહાનુભૂતિભર્યું વલણ અપનાવાય છે. ક્યારેક ઓછી સજાની લાલચ અપાય છે. આરોપી કે સાક્ષી ખોટું બોલે છે કે સાચું તે જાણવા ‘લાઇ-ડિટેક્ટર’, જૂઠું પકડવા સ્કોપોલેમાઇન, સોડિયમ પેન્ટોથેલ, સોડિયમ એમાટેલ વગેરે સત્યાન્વેષી પ્રવાહી પગની, હાથની કે કમર ઉપરની નસના માર્ગે ધીમે ધીમે લોહીમાં દાખલ કરવામાં આવે છે. પહેલી વાર ગુનો કરનાર, નવા કે નબળા મનના ગુનેગારો ઉપર કે સ્ત્રીઓ ઉપર એની વધુ અસર થાય છે. આવી આલ્કલી દવાઓને કારણે તે અર્ધજાગ્રત તંદ્રામાં સરી જાય છે, તેથી તેનો બચાવવ્યૂહ તૂટી પડે છે અને વધારે વિચારવાની શક્તિનો હ્રાસ થતાં તે સાચા જવાબો આપી દે છે.

લાઇ-ડિટેક્ટર – પૉલિગ્રાફ (lie-detector and poligraph) અસત્યશોધક નામના યંત્ર દ્વારા આરોપી કે શકદારના હૃદયની ગતિ શરીરમાં ખોટું બોલવાને કારણે સુકાતી ભીનાશ, લોહીનું દબાણ, શ્વાસોચ્છવાસ, ચામડીની કુમાશ, પ્રતિકારશક્તિ વગેરે માપી લઈ તેમાં થતા ફેરફાર નોંધી તે દ્વારા એ શકદાર આરોપી છે કે નહિ તે નક્કી કરી શકાય છે. રીઢા આરોપી જ્યારે આવી કસોટીઓમાંથી છટકી જાય ત્યારે પોલીસ અધિકારી તેને ઢોરમાર મારી અથવા લાલચો આપી સત્ય કઢાવે છે. ઘણીવાર બે અધિકારીઓ યુક્તિ ગોઠવે છે. એક ઉચ્ચ અધિકારી પૃચ્છા કરનાર સબ ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટરને ખોટુંસાચું ધમકાવી, ડીગ્રેડ કરવાની ધમકી આપી, શકદાર પ્રત્યે સહાનુભૂતિ બતાવી તેને વિશ્વાસમાં લઈ, મિત્રતા બતાવીને ગુનેગાર પાસેથી ગુનાની હકીકતો બહાર લાવે છે.

ગુનાના શકદારના માનસને જાણી લઈ પૃચ્છા કરનાર તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું કે જબરજસ્તીપૂર્વક તેનો કુનેહથી નિર્ણય લે છે. કોઈ કોઈ વાર તો તેને વ્યવસાય કે ઇનામની લાલચ પણ અપાય છે.

પૃચ્છા કરનાર પોલીસ અધિકારી પહેલાં તો ગુનાનો હેતુ જાણવાનો પ્રયત્ન કરે છે. ગુનાથી કોને અને કેટલો લાભ મળશે તે જાણવા માટે મિત્રો તથા ઓળખીતાઓ વચ્ચે તેના મિત્ર તરીકે બેસે છે. થોડું ઘણું પોતે જે જાણતા હોય તેમાં અનુમાનનો આધાર ઉમેરી જાણકાર હોય તે રીતે વાતની રજૂઆત કરીને અનાયાસ સામી વ્યક્તિથી બોલાઈ જાય તેમાંથી સત્ય તારવવાની કોશિશ કરે છે.

પૃચ્છા કરનાર અધિકારી પોતે બધું જાણી ગયા છે એવા આત્મવિશ્વાસથી ગુનેગાર કે શકદાર સાથે વાતો કરે છે ત્યારે શકદાર એનો પ્રતિભાવ ખચકાઈને આપે છે કે તેનો ટોન બદલીને સજાગ થઈને ગોખેલું બોલતો હોય એમ આપે છે. તે ઉપરથી પણ સત્ય માહિતી પ્રાપ્ત કરે છે.

મોટે ભાગે તો જ્યારે ગુનેગારને ઇનામની અને પૂરા રક્ષણની લાલચ અપાય છે ત્યારે વધુ સાચી ને સારી એવી માહિતી મળે છે. સહાનુભૂતિનાં પરિણામો વધુ સારાં આવે છે. આ પૃચ્છાને આધારે કબૂલાત લખાવી લઈને તેમાં લાગતાવળગતાની સહી કરાવાય છે.

તે પ્રકારે કબૂલાત લખાવી, સાક્ષી રૂબરૂ સહી મેળવી લે તે પછી પણ ગુનેગાર છેલ્લી ઘડીએ ફરી જતા હોય છે.

ગુનાશોધન પ્રયોગશાળા (forensic laboratory) : ગુનેગારને પકડી પાડવા માટે ખાસ પ્રકારની રાસાયણિક પ્રકિયાઓ હાથ ધરવામાં આવે છે તે સ્થળ. આ પ્રયોગશાળામાં ગુનાના સ્થળેથી મળી આવેલા પુરાવારૂપ પદાર્થ ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ કરીને અથવા પારજાંબલી (ultra-violet) કે અધોરક્ત (infra-red) કે ક્ષ-કિરણો (એક્સ-રે) દ્વારા પુરાવાઓ તપાસાય છે.

મરહૂમ માણસનાં કપડાં ઉપર પડેલ લોહીના ડાઘ કે મારામારી કે સ્વબચાવમાં કે વળતા પ્રહારમાં નખમાં ભરાયેલ મેલ કે લોહીના ડાઘ, મૃતકની લાળ તથા પસીનાના ડાઘને રસાયણો દ્વારા ઓળખી, મરનાર કે મારનારના લોહીનું ગ્રૂપ જાણી શકાય છે તેવી જ રીતે ગુનાના સ્થળેથી મળી આવેલ વાળ, પગરખાંને ચોંટેલા ધૂળમાટીના કણો, ગુના માટે વપરાયેલાં માદક અને વિષભરેલાં દ્રવ્યો, ખૂનીનાં કપડાંના તાંતણા, ગુનાના સ્થળેથી મળેલાં દીવાસળી વગેરે આ પ્રયોગશાળાઓમાં નિષ્ણાતો દ્વારા તપાસાય છે. તેના આધારે ગુનેગારનું પગેરું મળે છે.

આવી પ્રયોગશાળામાં જૂના લખાણ તરીકે ગણાવેલ દસ્તાવેજ, તેની શાહી, સહીની બનાવટી નકલ વગેરે રાસાયણિક પ્રક્રિયાથી સાચું છે કે ખોટું તે પારખી શકાય છે. બનાવટી ચલણી નોટ કે સિક્કાઓ પણ આ જ રીતે ઓળખી શકાય છે. હિંસામાં વપરાયેલ ધાતુની બુલેટ – ગોળીના માપ ને ઢાંચો સરખાવવા માટે બીજી તેવી જ ગોળી તે જ માપની રિવૉલ્વર દ્વારા છોડે છે અને પરખ કરે છે. તે માટે સૂક્ષ્મદર્શક યંત્રો હોય છે. આ યંત્રોથી હસ્તાક્ષર, ટાઇપ કરેલ લખાણ અને અન્ય ટાઇપરાઇટરના અક્ષરો, ગુનાના સ્થળેથી મળી આવેલ રંગ, આગ લગાડવામાં વપરાયેલ રસાયણ જાણવા માટે મળી આવેલ રાખ વગેરે તપાસવામાં પણ આ ખાસ પ્રકારનાં સૂક્ષ્મદર્શક યંત્રો (સ્ટીરિયોસ્કોપિક બાયનૉક્યુલર) વપરાય છે.

સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા મનુષ્યની આંખ દ્વારા ખોળી ન કાઢી શકાય તેવાં ઉષ્ણતા અને પ્રકાશનાં કિરણો નોંધી હસ્તાક્ષરોની નકલો ન દેખાય તેવી રીતે કાગળો કે દસ્તાવેજો ઉપરથી ભૂંસેલ અક્ષરોની વિગતો જાણી શકાય છે.

‘ગૅસ ક્રોમેટોગ્રાફ’ દ્વારા મનુષ્યના લોહીમાં ભળેલ દારૂનું પ્રમાણ જાણી શકાય છે. પોલેરાઇઝિંગ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા ધાતુના કણો, માદક દ્રવ્યો, નારકોટિક્સ ઓળખાય છે. ભારતના દરેક રાજ્યના મુખ્ય શહેરમાં આવી પ્રયોગશાળા હોય છે.

ગુનાશોધન સંસ્થાઓ (ખાનગી) : ગુનો કે ગુનેગારની ભાળ મેળવવાના કાર્યમાં રોકાયેલી વ્યાવસાયિક સંસ્થા. વિદેશોમાં ખાનગી ગુનાશોધન સંસ્થાઓની બહુ જ માગ રહે છે. કાયદા દ્વારા બધે જ તેને માન્યતા છે. જોકે તે તેવું બધું કબૂલ કરે નહિ છતાં પણ તે સંસ્થાઓ ઘણીવાર કાયદા ઉવેખીને પણ ગુનાશોધન કરતી હોય છે. એટલે સરકારી રીતે કે પોલીસ વડે જ્યારે ગુનો શોધાતો ન હોય, સરકાર અને પોલીસ તંત્રમાં આસ્થા ન હોય ત્યારે આવી સંસ્થાઓની મદદ લેવાય છે. પોલીસને યશ મળે તે રીતે તે સંસ્થાઓ પોતાની શોધ-તપાસ પોતે ભૂગર્ભમાં રહીને કરે છે, જેથી પોલીસ પાસે આવતી માહિતીનો લાભ તેને મળી શકે. ભારતમાં આવી જૂજ સંસ્થાઓ છે. અને તે પણ કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ જેવાં મેટ્રોપૉલિટન કે મોટાં શહેરોમાં આવેલી છે.

પોલીસ જ્યારે ગુનો શોધી શકતી ન હોય અથવા ગુનાશોધનમાં તેની ગતિ ધીમી હોય, કોઈ વાર ઉચ્ચ અધિકારીઓ કે રાજકારણીઓ આ તપાસને ધીમી કરી દેતા હોય ત્યારે ગુનાથી જેને અસર પહોંચી હોય તેવા લોકો ખાનગી ગુનાશોધન સંસ્થાની સેવા મેળવે છે.

આવી સંસ્થાઓ મેળવેલી માહિતી કે તપાસની વિગત પ્રથમ પોતાના ગ્રાહકને આપે છે, અને પછી તેની પરવાનગીથી પોલીસને પહોંચાડે છે, પણ તે તપાસ દરમિયાન જો તેને એવી માહિતી મળે કે જે કાયદાકીય રીતે ગુનાઇત હોય તો તેના ગ્રાહક તેને પરવાનગી ન આપે તોપણ તેને તે માહિતી કે તપાસનો નિષ્કર્ષ પોલીસને પહોંચાડવાની ફરજ પડે છે નહિ તો તેનું લાઇસન્સ રદ કરાય છે. આવી સંસ્થાઓ મેળવેલ માહિતી વડે તેના ઍાપરેટર – કર્મચારી કોઈને તે માહિતી જાહેરમાં ખુલ્લી કરવાની ધમકી આપી વધારે પૈસા પડાવી શકે નહિ. કાયદો તેમ કરતાં તેને રોકે છે. વળી આ માહિતી પ્રથમ તેને મળે ત્યારે તે સંભવિત ગુનેગારને પણ જાણ કરી પૈસા પડાવી શકે નહિ. ખાનગી સંસ્થાઓ આ શિસ્ત પાળતી હોય છે પણ અપવાદરૂપ આવી કોઈ સંસ્થા બ્લૅકમેલિંગ (ધમકી આપી ડરાવે) કરે તો તે પોતે કાયદેસર ગુનેગાર બને છે.

આ સંસ્થાના કર્મચારીઓ બહુ જ સામાન્ય માણસ હોય તેમ વર્તતા હોય છે. શંકા હોય તેવા લોકોને ત્યાં કોઈ વાર તેઓ હંગામી નોકરી કરીને, અન્ય કોઈ નજીકના સ્થળે છુપાઈને કોઈ વાર શંકા હોય તેનું પગેરું દબાવી તે દિવસરાત કાર્ય કરતા હોય છે. કોઈ વાર શંકા હોય તેવા મનુષ્યના રહેણાકની બાજુમાં રહી વચ્ચે સહમાલિકીની દીવાલ ઉપર ઉપકરણો ગોઠવી તેના રહેણાકમાં થતી માહિતીઓ મેળવતા રહે છે. વીજળીનું બિલ વાંચનારા, તેના ટેલિફોનના થાંભલેથી તેનો ટેલિફોન કાપી, પછી ઠીક (રિપૅર) કરવાને બહાને તે શંકાસ્પદ વ્યક્તિના ઘરમાં ઉપકરણ છુપાવી અન્ય સ્થળે તે રહેણાકમાંથી વાતચીત ટેપ કરી લેતા હોય છે.

વિદેશમાં એક ભાગીદાર અન્ય ભાગીદાર ઉપર કે પતિપત્ની એકબીજાં ઉપર શક કરતાં હોય ત્યારે આવી સંસ્થા-એજન્સીઓની મદદ મેળવી પુરાવા એકઠા કરતા હોય છે. આવી સંસ્થાના કર્મચારીઓ વિશેષ ફી મેળવી તેના માલિકની પરવાનગીથી કે પોલીસ દબાણ કરે ત્યારે કોર્ટમાં સાક્ષી આપતા હોય છે. ધંધાની હરીફાઈ માટે, ઉદ્યોગોની હરીફાઈ માટે પણ એકબીજાંની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી સંસ્થાની મદદ લેવાય છે. જોકે તેમ કરવું સ્વયં એક ગુનો છે. આપણી કલ્પનામાં ન આવે તેવાં કામો માટે પણ આવી સંસ્થાની મદદ લેવાય છે.

ખોવાઈ ગયેલ વ્યક્તિ કે વારસદાર કે સંભવિત વારસદારને શોધવા કે બચાવવા આવી સંસ્થા કામ કરે છે. તાતાનાં યેલો પેજમાં જાહેર થયેલાં નામો ઉપરથી તેનાં નામોનો ખ્યાલ આવશે. મુંબઈમાં એડવૉટર્સ (Adworts), કૉમર્શિયલ સર્વિસીસ, લીટલ મોર સર્વિસીસ જેવા ખબર ન પડે તેવાં નામો પણ તેનાં હોય છે. તો એબીસી સિક્યિૂરટી ઍન્ડ (ગનમૅન) ડિટેક્ટિવ, એવર્ક્સ ઇન્વેસ્ટિગેશન ઍન્ડ ડિટેક્શન, બૉમ્બે ઇન્ટેલિજન્સ , સિક્યૂરિટી બૉમ્બે ઇન્વેસ્ટિગેટર્સ, ડૅગર સિક્યૂરિટી ઍન્ડ ફાયર સર્વિસીસ, ફેડરલ પ્રોટેક્શન ઍન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ, આઇ.બી.આઇ. ડિટેક્ટિવ (પ્રા.) લિ. વગેરે. તેની જાહેરાતમાં ટ્રેડમાર્ક કે પેટન્ટની ચોરી, ધંધાકીય છેતરપિંડી, ઘરેલુ વિશ્વાસઘાત, મૂંઝવણો, નોકરીએ રાખતાં પહેલાં તેની તપાસ (એમ્પ્લૉયમેન્ટ સ્ક્રીનિંગ) લેબર કોર્ટ બાબતો, સંભવિત કોઈ પણ બાબતો, કોઈ પણ જગ્યાએ જ્યાં મુશ્કેલી હોય કે આવી પડવા સંભવ હોય તેની સેવા માટે તેવું દર્શાવાય છે. (વીમાનું ખોટી રીતે કોઈ વળતર ન મેળવી લે તે માટે પણ.)

આ કાર્યમાં કામ કરતા ઑપરેટરને ઈજાનું અને કોઈ વાર મૃત્યુનું જોખમ પણ હોય છે. સ્વસુરક્ષા માટે તેઓ હથિયારનું લાઇસન્સ ધરાવતા હોય છે.

હસમુખભાઈ હરજીવનદાસ પટેલ

16 May 2024

કંટાળો (boredom)

કંટાળો (boredom)



કંટાળો (boredom) : એક પ્રકારની માનસિક સ્થિતિ. વ્યક્તિને જે કામ ચાલુ રાખવા અથવા પૂરું કરવા માટે ફરજ પાડવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતી વૃત્તિ તે કંટાળો. કોઈ પણ કામ કરવાનું આજે ગમે, તે કરવામાં કાલે કંટાળો પણ ઊપજે. કામ બધા જ માણસોને એકસરખું કંટાળાજનક ન પણ લાગે. કંટાળાની લાગણી કામ વાસ્તવિક રૂપમાં કેવું છે તે ઉપર નહિ, પરંતુ વ્યક્તિને કેવું લાગે છે તેના ઉપર આધાર રાખે છે. કંટાળો એ વ્યક્તિનું લક્ષણ છે, કાર્યનું નહિ.

કોઈ કામ પુન: પુન: એકધારું કરવું પડે તેના પરિણામે ઉત્પન્ન થતી એકવિધતા(monotony)ની માનસિક સ્થિતિ અને કંટાળો બંને એક નથી. એકવિધતાના અનુભવમાં કાર્ય પ્રત્યે અણગમો હોવાનો ભાવ સંકળાયેલો નથી, જ્યારે કંટાળામાં વ્યક્તિના કાર્ય પ્રત્યેના પ્રતિકૂળ વલણ તેમજ કાર્ય પ્રત્યેના અણગમાનો સમાવેશ થાય છે. એકવિધતાનો અતિરેક પણ કંટાળામાં પરિણમે.

કાર્ય કરવાથી થાક લાગે છે, કાર્ય કરવામાં કંટાળો પણ ઊપજે છે. બંનેનાં પરિણામોમાં કાર્ય-ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. પરંતુ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ થાક અને કંટાળા વચ્ચે તફાવત છે. જે કામ કરવાથી કંટાળો ઊપજતો હોય તેને બદલીને બીજું કામ કરવાથી કંટાળો દૂર થાય; પરંતુ કામ બદલવાથી થાક દૂર થતો નથી. કંટાળો કાર્યમાં પરિવર્તન લાવવા માટેની ઇચ્છાનું પ્રતિબિંબ છે, કામ કરવામાંથી છૂટવા માટેનું નહિ. કંટાળાથી માનસિક વ્યગ્રતા, અસુખ, અજંપો પ્રગટે છે અને તેથી કાર્યઉત્પાદનના વક્રમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે અને ઉત્પાદન ઘટે છે; જ્યારે થાકમાં કાર્યશક્તિમાં ઘટાડો થાય છે, પરિણામે ઉત્પાદનનો આંક એકસરખી રીતે નીચે ઊતરતો જાય છે. કંટાળો આવે ત્યારે વ્યક્તિને કામ કરવામાં અરુચિ તથા ઉત્સાહનો અભાવ ઊપજે છે, ચહેરા ઉપર ભાતભાતનાં પરિવર્તનો દેખાય છે, વારંવાર શરીરનાં આસનો બદલાય છે અને જરાક બહાનું મળતાં માણસ કામ છોડવા તૈયાર થઈ જાય છે. કંટાળો ઊપજવાથી કામમાં ધ્યાન ચંચળ બને છે, તેથી ભૂલોનું પ્રમાણ અને અકસ્માતનું પ્રમાણ પણ વધે છે. કંટાળાજનક પ્રવૃત્તિ કરવામાં વ્યક્તિનો સમયનો અંદાજ પણ વધી જાય છે.

કામ કરવામાં કર્મચારીને દિવાસ્વપ્નોમાં રાચવાની સરળતા વધારે, તેમ તેને કંટાળાનું ભાન ઓછું લાગે છે. અલબત્ત, આવી રીતે દિવાસ્વપ્નોમાં રાચવાની ટેવની પ્રતિકૂળ અસર વ્યક્તિના માનસ અને વ્યક્તિત્વ ઉપર થાય છે. કંટાળો આત્યંતિક રૂપ ધારણ કરે ત્યારે નિરાશાથી માંડીને અજંપો, વિરોધ અને ચિત્તભ્રમ જેવાં વર્તનલક્ષણો પ્રગટાવે છે અને ઘણી વાર તે ગુનાખોરી, આપઘાત, લગ્નભંગ જેવી સામાજિક સમસ્યાઓ માટે જવાબદાર બને છે.

જે કાર્યો વ્યક્તિની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિને અનુકૂળ હોય, તે માટે અભિરુચિ હોય, કાર્યસાથીઓનું જૂથ ને કાર્યસ્થળનું વાતાવરણ સાનુકૂળ હોય, કાર્યને વૈવિધ્યપૂર્ણ અને લયબદ્ધ બનાવવામાં આવે, કાર્યપદ્ધતિમાં પરિવર્તનોને સ્થાન હોય, કાર્યાવધિમાં વચમાં વિશ્રાંતિનો સમય રાખવામાં આવે, કાર્યને અર્થપૂર્ણ વિભાગોમાં વહેંચી ટુકડે ટુકડે કરવામાં આવે તેમજ કાર્ય વ્યક્તિને હેતુલક્ષી, ધ્યેયલક્ષી લાગે તો કંટાળો કે અરુચિ ઊપજવાનું પ્રમાણ ઘટે છે.

ભાનુપ્રસાદ અ. પરીખ