Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

31 May 2020

બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર


બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર

Untitled


            ‘અમારે તો સમાજમાં નીચા જોવા જેવું થઇ જશે. ડૅાક્ટર, આ અમારી દીકરી અમાયાની વાત છે. એના લગ્ન વસંતપંચમીના સારા મુહૂર્તમાં એટલે કે ગઇ બાવીસમી તારીખે લેવાના હતા પણ એણે છેલ્લી ઘડીએ ના પાડી દીધી. અમારી સાથે મેરેજનું કાર્ડ સિલેક્ટ કરવા પણ આવી. પણ અચાનક બીજા દિવસે સવારે અમારા ફેમિલીમાં એણે ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ મિટિંગમાં એનો આ ફરીથી થયેલા એંગેજમેન્ટને બ્રેક કરી નાંખવાની જાહેરાત કરી. મારૂં તો એ જ વખતે બી.પી. લો થઇ ગયું. અને જાણે એવું થઇ ગયું કે આ બધું જ છોડીને ક્યાંક જતી રહું. મારા અને અમાયાના ડૅડી વચ્ચે પણ સખત બોલચાલ થઇ ગઇ. અમારે વેવાઇને ના કેવી રીતે કહેવું ! અને શું કારણ આપવું ? ધામધૂમથી સગાઇ કર્યાના છેલ્લા છ મહિનાથી અમાયા અને નીલ બંને જોડે ફરે છે. સમાજમાં અમારે શું મોં બતાવવું ? અને ખાસ વાત તો એ છે કે આવું બીજી વાર બન્યું. અમને થયું કે ખરેખર અમાયાને કોઇ બિહેવીયરલ પ્રોબ્લેમ તો નહીં હોય ?' અનિષાબહેને આશ્ચર્યસહિત વેદના ઠાલવી.



             અમાયાની ક્લિનિકલ હિસ્ટ્રીથી જાણવા મળ્યું કે એને છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી પાંચ સિરિયસ રિલેશનશીપ થઇ હતી. એની વર્તણૂંકની પેટર્ન કંઇક આવી હતી. પોતે બહુ જ દેખાવડી એટલે ડ્રેસિંગના, સ્કિન ટૅન કે ફિચર્સના કોઇપણ છોકરો વખાણ કરે એટલે એ ખૂબ ઝડપથી એનાથી ઇમ્પ્રેસ થઇ જાય. પછી સંકોચ વગર તરત મોબાઇલ નંબર એક્સચેન્જ થઇ જાય. વોટ્સએપ કનેક્શન ચાલુ થઇ જાય. ઇમોશનલી અને ફિઝીકલી નજીક આવી જાય. પછી એ છોકરા ઉપર સખ્ખત પ્રેમ ઊભરાઇ આવે. થોડો સમય જાય એટલે પ્રેમ તરત પઝેશનમાં પરિવર્તિત થઇ જાય. એ બૅાયફ્રેન્ડની બધી હરકતો પર જાસૂસી કરવાનું શરૂ કરી દે. અને પછી અકારણ શંકા અને દૈનિક તકરારો ચાલુ થઇ જાય. પછી અચાનક બ્રેક-ઑફની જાહેરાત થઇ જાય. વળી પાછી બીજા બૅાયફ્રેન્ડની એન્ટ્રી થઇ જાય. અને ફરી પાછી એ જ ‘લફરાયણ' ચાલુ થઇ જાય. પછી ગુસ્સો, ચીડ, એંઝાયટી અને ડિપ્રેશન સતાવે.



         અમાયાની હિસ્ટ્રી અને ફરિયાદો ‘બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર'ને સૂચવતી હતી. આવા લોકો હંમેશા ઇમોશનલ ક્રાઇસીસમાં જ રહેતા હોય. ક્યારેક જે વ્યક્તિની ખૂબ નજીક અને અતિ પ્રેમમાં લાગે એ જ વ્યક્તિને ભયંકર તિરસ્કાર પણ કરવા લાગે. હંમેશા કંપેનીયનશીપની તલાશ ચાલુ જ હોય. એડજસ્ટમેન્ટ કરવામાં ભયંકર મુશ્કેલીઓ પડે. પોતાના વિશેની ઇમેજ પણ પોતાના મનમાં બદલ્યા કરે. મતલબ ક્યારેક પોતાને સૌથી શ્રેષ્ઠ માને તો ક્યારેક સૌથી નિમ્ન કે ખરાબ માને. કેટલાક કિસ્સાઓમાં એક વિચિત્ર ખાલીપણાની લાગણી ચાલ્યા કરે.



            અમાયાના કિસ્સામાં તેના પિતાનો ભૂતકાળ મહત્વનો હતો. અમાયા જ્યારે બારેક વર્ષની હતી ત્યારે એના પિતાને એકસ્ટ્રા મરાઇટલ અફેર થઇ ગયો હતો. ટીનએજર તરીકે અમાયાએ એની મમ્મીની મુશ્કેલીઓ જોઇ હતી. અને ઘરમાં સતત ઝઘડા જોયા હતા. એકના એક બાળક તરીકે પ્રેમ તો ક્યારેક ભરપૂર મળે પણ ‘પેમ્પરીંગ'ના સ્વરૂપમાં અને જો ઘરનું વાતાવરણ બગડે તો અમાયા ઘરના કયા ખૂણામાં પડી છે તેની પણ કોઇને દરકાર ન હોય. આવા અનિશ્ચિત બાળપણ સાથે લાગણીઓના મિસમેનેજમેન્ટ વચ્ચે મોટી થયેલી અમાયાને સાયકોથેરપી આપવામાં આવી. એના અચેતન માનસમાંથી અસલામતી દૂર કરાઇ. પર્સનલ સંબંધોની જાળવણી વિશે કાઉન્સેલિંગ થયું.



          સારવારથી અમાયા સમજી શકી કે પ્રોબ્લેમ પોતાનામાં છે અને ભૂતકાળ ભૂલીને પ્રોબ્લેમને અવશ્યપણે દૂર કરી શકાય. એટેન્શન અને પ્રેમની એબ્નોર્મલ ભૂખ વિકૃત વર્તન કરાવે છે. પોતાનું ઇમોશનલ બેલેન્સ અને માનસિક શાંતિ પ્રાપ્ત થવાથી હવે અમાયા નીલ સાથે વિના સંકોચે પરણવા રાજી છે, લગ્નની નવી તારીખ અને મજબૂત મન સાથે.

સ્ત્રોત: લેખક ઉત્સવી ભીમાણી,સાયકોલોજી



25 May 2020

ટ્રિકોટિલોમેનિઆ:એક તરંગી મનોવિકૃતિ


ટ્રિકોટિલોમેનિઆ:એક તરંગી મનોવિકૃતિ

What is Trichotillomania?: Why it's about more than just hair ...


            5 વર્ષનો સમીપ હમણાથી વિચિત્ર દેખાતો હતો. એની આંખની પાંપણ જ નહોતી. માથાની એક બાજુ નાની ટાલ પડી ગઈ હતી. કારણ એ હતું કે સમીપ જાતે જ પોતાના વાળ ખેંચીને કાઢી નાખતો. જેવા થોડા વાળ ઉગે કે તરત જ સમીપનો હાથ વાળ બાજુ જતો રહે અને એને ખેંચીને કાઢ્યા વગર રહે નહિ. ઈન શોર્ટ પોતે જ પોતાના વાળનો દુશમન બની ગયો હતો. મમ્મી વારે ઘડીએ ટોકે પણ સમીપ વાળ તોડવાનું બંધ નહોતો કરતો. જાણે એને એક પ્રકારની મજા આવતી હતી. એટલું જ નહિ, પણ મમ્મી કે પપ્પા જેટલું ટોકે તેટલું એને હસવું આવતું હતું.

           છેલ્લા ત્રણ એક વર્ષના ગાળામાં સમીપનું વર્તન જાણે ઓવરઓલ બગડતું ગયું હતું. હવે તો બધા સાથે મિસબિહેવ કરતો. સ્કૂલમાંથી પણ ફરિયાદો આવવાનું ચાલુ જ હતું. ક્લાસમાં બીજા છોકરાઓને હેરાન કરે, ટીચરના ચેન-ચાળા પાડે, વિચિત્ર અવાજો કાઢે, અને હોમ-વર્ક તો ક્યારેય પતાવે જ નહિ. પ્રિન્સિપાલ પાસે નહિ-નહિ તોય છેલ્લા વર્ષમાં 6-7 વખત પેરન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. મમ્મીને નાની-મોટી વાતોમાં સતત ઊંચા જીવે રાખે. અલગ-અલગ ડિમાન્ડ્ઝ મૂકે. જો ન માને તો સામે હાથ પણ ઉપાડે. ઘરમાં મોટેથી બધાને અપશબ્દો બોલતો અને ફિઝીકલી- ઇમોશનલી હેરાન કરતો. સમીપને ગુસ્સો આવે એટલે ઘરમાં બધાએ સ્વીકારી લીધું હતું કે ઘરમાં નુકશાન થવાનું જ હોય. પોતાના નાના ભાઈને કોઈ જોતું ન હોય ત્યારે હેરાન કરવો અને જે વાતમાં ના પાડી હોય ત્યાં ખાસ પરાક્રમ કરવું... સોસાયટીની બહાર ગાય-કુતરાઓને પથ્થરથી મારવા. મમ્મી ટિફિન ભરીને બૅગમાં મૂકે, ટાઈ બાંધીને આપે, ઈન ફેક્ટ અમુક વાર તો બ્રશ પણ કરાવે. ટી.વી. જોવા એટલી જીદ કરે કે જો ભૂલથી પણ ના પડી હોય તો કકળાટ થઇ જાય. સમીપની વર્તન વિકૃતિને ટ્રિકોટિલોમેનિઆ કહેવાય છે. સાથે એડ્જસ્ટમેન્ટલ પ્રોબ્લેમ પણ છે જ.



          ટ્રિકોટિલોમેનિઆ એવી કન્ડિશન છે જ્યાં વ્યક્તિ પોતાની જાતને પોતાના જ વાળ ખેંચવાથી રોકી શકતી નથી. આ એક ઈમ્પલ્સ-કન્ટ્રોલ ડિસઓર્ડર કહેવાય છે. આવા દર્દીઓમાં વાળ ખેંચવાની તીવ્ર ઈચ્છા ઉભી થાય છે. જ્યાં સુધી પોતાના વાળ ખેંચીને તોડી ના નાખે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. વાળ ખેંચ્યા પછી એક જાતની રાહત અનુભવે છે. આના લીધે ગિલ્ટ જેવી નકારાત્મક ઈમોશન ઉભી થાય છે. જાહેરમાં આવું વર્તન જયારે રોકી શકાતું નથી ત્યારે ક્ષોભ અને શરમ અનુભવાય છે. એટલે ક્યારેક ઊંધા ફરીને કોઈ જોતું ન હોય એ રીતે વાળ તોડી નાખે છે. આના લીધે આત્મ-વિશ્વાસમાં અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં ઘટાડો થાય છે.
ઈમ્પલ્સ-કંટ્રોલ ડિસઓર્ડર યુવકો અને યન્ગ-અડલ્ટ્સમાં અને ખાસ કરીને છોકરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી વાર ટ્રિકોટિલોમેનિઆ સાથે મૂડ ડિસઓર્ડર્સ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એન્ઝાઈટી ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર, કે સોશ્યલ ફોબિઆ પણ જોવા મળે છે. આમ તો આ વિકૃતિ થવાના ઘણા કારણો છે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં સ્ટ્રેસફૂલ પરિસ્થિતિ જવાબદાર જણાય છે. માતા અને બાળક વચ્ચેના સંબંધમાં મુશ્કેલીઓ હોય ત્યારે આવું વિશેષ જોવા મળે છે.

           ઓવર-ડિમાન્ડિંગ અને વધુ પડતા પ્રેમ અને ઇનસિક્યોરિટી વાળી મમ્મી તેમ જ એગ્રેસિવ પપ્પા આવા વિકૃત વર્તનને જન્મ આપી શકે છે. ઘણી વાર બીજા સંતાનનો જન્મ અથવા તિરસ્કૃત થયાની ભાવના તંગદિલીને વધારે છે. પછી મોટું બાળક પરિવારનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવા માટે જાણે-અજાણે આવું વર્તન અમલમાં મૂકે છે. વાળ ખેંચ્યા પછી થતી રાહત ફરી વાળ ખેંચવાના વર્તનનું કારણ બને છે એટલે આ વિષચક્ર ચાલ્યા કરે છે. કેટલાક કિસ્સાઓમાં ટ્રિકોટિલોમેનિઆ ઈમ્પલ્સ-કંટ્રોલ ડિસઓર્ડર અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર પણ વારસામાં ચાલ્યા આવે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં વાળ ખેંચીને દર્દી ખાઈ જાય છે જેને ટ્રીકોફેજિઆ કહેવાય છે. કેટલાક ટ્રિકોટિલોમેનિઆના દર્દીમાં બ્રેઈન એબ્નોર્માલિટીઝ અને જિનેટિકલ કારણો પણ જોવા મળ્યા છે. સિરોટોનિન નામના ન્યુરોટ્રાન્સમીટરની ઉણપ તેમ જ હોર્મોનલ લેવલમાં થતા વિકૃત ફેરફારો પણ જવાબદાર જણાય છે.

         સમીપના કિસ્સામાં નાના ભાઈના જન્મ પછી આશરે ચારેક વર્ષ બાદ આ તકલીફ પહેલી વાર દેખાઈ હતી. એ વખતે તો પેરન્ટ્સને એવું લાગ્યું કે સમીપ વાળ સાથે રમત કરે છે. ધીમે-ધીમે જયારે આ વર્તન વધતું ગયું ત્યારે ઘરમાં બધા લોકો સમીપ પર ગુસ્સો કરવા લાગ્યા. અને વધુમાં ઘરે આવતા મહેમાનો હંમેશા નાના ભાઈને વધારે રમાડે તેમ જ તે વધારે સ્માર્ટ છે તેવા સ્ટેટમેન્ટ આપ્યા કરે એટલે સમીપને અંદરથી લઘુતાગ્રંથિ અને નાના ભાઈ પ્રત્યેની દુશમનાવટની ભાવના વધતી ગઈ. એક વખત કોઈએ એવી પણ કમેન્ટ કરેલી કે સમીપના વાળ વધારે સારા છે. અલબત્ત, સામાન્ય સંજોગોમાં આ સ્ટેટમેન્ટ વખાણ કહેવાય પણ સમીપે અચેતન સવરૂપે માતા-પિતા સામે બળવાખોર બનીને પોતાની જ સારી વાતને કે વાળને ડિસ્ટર્બ કરવાનું શરુ કર્યું. અને જેમ વાળ તોડે તેમ મમ્મી-પપ્પા ગુસ્સેએ થાય તેમ તેને વધારે મજા આવતી. મતલબ એક પ્રકારે માતા-પિતાની દુખતી નસ અજાણપણે પકડાઈ ગઈ અને તેમને હેરાન કર્યાનો પ્રપીડક આનંદ લેવાનું શરુ થઇ ગયું.

          સમીપની સારવાર સૌ પ્રથમ તો ડર્મેટોલોજિસ્ટ પાસે લઇ જવાથી શરુ થઇ હતી. એમણે સૂચન કર્યું કે આ સાઈકોલોજિકલ તકલીફ છે એટલે બીહીવિયરલ ટ્રિટમેન્ટ્સ કરવી પડશે. ઇન્સાઇટ ઓરિએન્ટેડ થેરાપી દ્વારા આ સમસ્યા સફળતાપૂર્વક દૂર થાય છે.એવા સ્કિન કે વાળના ડિસઓર્ડર્સ કે જેમાં સાઈકોલોજિકલ પરિબળો જવાબદાર હોય છે તેવી સ્થિતિમાં હિપ્નોથેરાપી અને બિહેવિઅર થેરાપી સફળ નીવડે છે. અલબત્ત, ધીરજ જરૂરી છે. માસ્ટર માઈન્ડ: ગુસ્સો, ઈર્ષા અને અસલામતી ક્યારેક વિચિત્ર સ્વરૂપે પોતાના જ દુશમન થઈને બહાર આવે છે.

લેખક ઉત્સવી ભીમાણી, નવગુજરાત સમય

21 May 2020

ચિંતા


ચિંતા



પરિચય

ચિંતા એ બેચેની અને મુંજવણ થવાની એક ભાવનાત્મક સ્થિતિ છે.ખાસ કરીને તે શંકાઓ અને ચિંતાની વિશેષતાને આભારી છે. ચિંતાનો વિકાર વ્યક્તિ પર વિનાશક પ્રભાવ કરી શકે છે.સૌથી વધુ લોકો આ રોગના મૂળ સુધી જઈને તેમની હતાશાનો અંત લાવી શકે છે.


ચેતવણીના કેટલાંક સંકેતો આ પ્રમાણે છે :

  • અતિશય ભય અથવા દહેશત થવી
  • બેચેની થવી
  • સરળતાથી થાક લાગવો
  • ઊંઘમાં વિક્ષેપ થવો
  • વજન અને ભૂખમાં ઘટાડો થવો
લક્ષણો

કેટલાક લક્ષણો જોડાયેલા છે :
  • થાક લાગવો
  • મોં સૂકાઈ જવું
  • પેટમાં મરોડ આવવી
  • સૂવામાં તકલીફ થવી અને માથાનો દુઃખાવો
  • માંસપેશીઓમાં તનાવ અને માંસપેશીઓમાં દુઃખાવો
  • ગળવામાં તકલીફ થવી
  • ધ્રુજારી આવવી અને ચીડિયાપણું થયાનો અનુભવ થવો
  • માંસપેશીઓ સંકોચાઈ જવું
  • પરસેવો થવો અને ફોલ્લી ગરમ થવી
કારણો


ચિંતાનું કોઈ કારણ હજુ સુધી શોધી શકાયું નથી.



કેટલાંક સંશોધકો દ્વારા ચિંતાની વિકૃતિઓનું ચોક્કસ કારણ મગજમાં રાસાયણિક અસંતુલનની ઉપસ્થિતિ છે કે જે ન્યુરોટ્રાન્સમીટર રસાયણો તરીકે ઓળખાય છે.



ચિંતાની વિકૃતિના અન્ય કારણો પણ છે :

  • કેટલાંક લોકોને ચિંતા હોય છે જયારે તેમના જીવનમાં પરિવર્તન આવે છે : નવી નોકરીની શરૂઆત કરો છો ત્યારે,લગ્ન થાય છે ત્યારે,બાળકના જન્મ પછી,કોઈની સાથે અણબનાવ થયા પછી વગેરે.
  • કેટલીક દવાઓના પણ ચિંતાનું કારણ બની શકે છે.આ દવાઓમાં દમની સારવાર માટે ઇન્હેલરવાળી દવાઓ,થાઈરોડની દવાઓ અને ખાવાની દવાઓનો સમાવેશ થાય છે.
  • કોફીન,દારૂ અને તમાકુંના ઉત્પાદનોપણ ચિંતાનું કારણ બની શકે છે.
નિદાન

તેના ચિન્હો અને લક્ષણોના આધારે નિદાન કરી શકાય છે.રોગનું નિદાન કરવા માટે માનસિક મૂલ્યાંકન મદદરૂપ થાય છે.

વ્યવસ્થાપન

ચિંતાની સારવાર મનોરોગ થેરાપી અને દવાઓ અથવા બંને રીતે કરી શકાય છે.
  • મનોરોગ થેરાપી : ચિંતાની સારવાર માટે મુખ્યત્વે કરવામાં આવતી આ થેરાપીને પ્રત્યક્ષ જ્ઞાન વર્તન થેરાપી કહેવામાં આવે છે. તે વ્યક્તિને અલગ અલગ રીતે મદદ કરી શકે છે જેમ કે વિચારવામાં,વર્તનમાં અને તે અથવા તેણીને બેચેની તેમજ મુજવણની પરિસ્થિતિની પ્રતિક્રિયા બેચેની અને ચિંતાતુર લાગે છે.
  • દવાઓ: કેટલીક વખત ડોકટરોઓ પણ ચિંતાની સારવાર માટે દવાઓ આપી શકે છે.આ દવાઓ બે પ્રકારની છે જેમ કે ચિંતા વિરોધી દવાઓ અને ચિંતામુક્ત દવાઓ. ચિંતા વિરોધી દવાઓના ઘણાં બધાં પ્રકારો છે અને તે શક્તિશાળી દવાઓ હોય છે.ઘણા બધા બીજા રસ્તો દ્વારા પણ થઇ શકે પરંતુ સામાન્ય રીતે આ દવાઓ લાંબા સમય માટે લેવી જોઈએ.

હતાશા વિરોધી દવાઓ ચિંતાની સારવાર માટે ઉપયોગી છે પરંતુ તે પણ ચિંતા માટે સહાયક થાય છે. તેઓને કામ શરુ કરવામાં કેટલોક સમય લાગી શકે છે.આ દવાઓ જેમ કે માથાનો દુઃખાવો,ઉબકાં થવા અથવા સૂવામાં તકલીફ થવી જેવી આડઅસરો થઈ શકે છે.તે હતાશા વિરોધી દવાઓ ઘણાં બધા લોકોને અસરકારક સાબિત થઈ શકે છે તેમ છતાં એ પણ જાણવું જરૂરી છે કે આ દવાઓ ખાસ કરીને બાળકો,કિશોરો અને યુવાનો માટે હાનિકારક થઈ શકે છે કે કેમ.આથી ડોક્ટરની સલાહ માર્ગદર્શન પછી જ તે લેવી જોઈએ.

સંદર્ભ

16 May 2020

મનોરોગ અને જીવનનાં અલગ-અલગ તબક્કા

મનોરોગ અને જીવનનાં અલગ-અલગ તબક્કા



           સૌ પ્રથમ હું મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્ય વિશે થોડી જાણકારી આપીશ. માનસિક સ્વાસ્થય એ શક્તિ છે જેના દ્વારા જીવનમાં આવેલા તણાવથી ઉભરીને બહાર આવવાની તથા વ્યક્તિગત વ્યવહાર અને પસંદગી કરવાની ક્ષમતા મળે છે. માનસિક સ્વાસ્થ્ય જીવનનના દરેક બહુમુલ્ય વળાંક જેમકે, બાળપણ, કિશોરાવસ્થા, યુવાની, વૃધ્ધાવસ્થા સહિતના જીવન ક્રમાંકના દરેક પડાવ પર તેનો અલગ અલગ પ્રભાવ પાડે છે.

       આપણાં જીવનક્રમ દરમિયાન આપણે જુદી-જુદી પ્રકારની સમસ્યાઓનો સામનો કરતાં હોઈએ છીએ જેમ કે, ક્યારેક આપણા સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીઓ તો ક્યારેક વિચારધારાથી વિચલીત રહીએ છીએ. જીવનના અલગ-અલગ પડાવો પર કેવી સમસ્યાઓ તથા મુંઝવણો અનુભવાય છે તે જોઈ.

  • બાળપણ
માતા-પિતાથી અલગ પડી જવાનો ડર, કોઈ વસ્તુ કે વિષય ઉપર સંપૂર્ણ ધ્યાન ન આપી શકવું. વાત વાતમાં ગુસ્સે થવું તથા રોવું. સ્કૂલમાં સારા ગુણ ન આવવા, સ્કૂલ ના જવાની જીદ કરવી, રમત રમતાં બીજા બાળકો સાથે વારંવાર તકરાર થવો.

  • કિશોરાવસ્થા 
વારંવાર પેટ તથા માથું દુખવું. મેદસ્વીપણાનો ડર. બધી જ બાબતોમાં પોતાને દોષિત માનવું. દિવસના સ્વપ્ન જોવું અને ખયાલી પુલાવ બનાવવા. દરેક વખતે પોતાનાં વિચાર બદલતા રહેવા. સિગારેટ તથા આલ્કોહોલ જેવા વ્યસનો કરવા. સ્કૂલથી ભાગીને સિનેમા જોવા નિકળી પડવું.
  • યુવાની  

વગર કારણે કામ પર ન જવું, કામ પ્રત્યે રસ ન દાખવવો. અતિશય સિગારેટ, દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન કરવું. વાત વાતમાં ઝઘડા કરવાં. હંમેશા તણાવમાં રહેવું.


  • વૃદ્ધાવસ્થા 

બાળકોના ભવિષ્યની ચિંતા. પોતાના બગડતા સ્વાસ્થ્યની ચિંતા. એકલતાનો અનુભવ, ધીરે ધીરે પોતાના સાથીઓને ગુમાવવા. પોતાના જીવન સાથીને ગુમાવી દેવાનું સૌથી મોટું દર્દ.

     આ તમામ સમસ્યાઓમાંથી બહાર નિકળવાની એક આશા જ આનો એકમાત્ર વિકલ્પ છે અને જો તમે પોતાની અંદર આ લક્ષણો જોતા હોવ તો આપ કોઈપણ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરો. મનોચિકિત્સક તમારી માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.. મેન્ટલ હાઈજીન એટલે કે માનસિક સ્વચ્છતા થકી પણ મનુષ્ય પોતાના જીવનના અલગ-લગ પડાવ દરમિયાન આવેલા તણાવને ઓછો કરી શકે છે. માનસિક સ્વચ્છતાના ત્રણ મુખ્ય ઉદેશ્ય છે.

  1. પોઝીટીવ એપ્રોચ-જીવનમાં આવેલા તોફાનને સારી રીતે સમજી પોતાના વ્યક્તિત્વમાં બદલાવ લાવી શકાય
  2. પ્રિઝર્વેટીવ એપ્રોચ- માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવી શકો છો. અને
  3. ક્યુરેટીવ એપ્રોચ- આના થકી તમે તમારી માનસિક બીમારીને ઉપચારાત્મક દ્રષ્ટીકોણ અપનાવી સુધારી શકો છો.
        માનસિક સ્વાસ્થ્યના દુષ્કર્મોને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતા પહેલા તેના ઉપચારના વિકલ્પો વિચારવા જોઈએ. જેટલું જલ્દી બને તેટલું આ બીમારીથી પિડીત લોકોને ઓળખવા જેથી તેમની સમયસર સારવાર થઈ શકે. ક્ષેત્રીય રોકથામ દ્વારા એ દર્દીઓનો સમયસર ઈલાજ કરી તેના મૂળ કારણોને જાણી તેને દૂર કરવા જોઈએ.. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વચ્છતા જન્મથી પૂર્વે જે માતાઓ ખૂબ જ તણાવમાં રહેતી હોય તેમને ઘણીવાર બાળકને દૂધ પીવડાવવામાં તકલીફ પડતી હોય છે એટલે જ પરિવારજનો અને સ્વાસ્થ્ય કર્મચારીઓએ આ બાબત પર ધ્યાન આપવું જોઈએ અને માતાઓને તણાવથી દૂર રાખવી જોઈએ. શિશુઓને પણ માનસિક બીમારીથી દૂર રાખવા પૂરતો પ્રેમ, આરામ, શારીરિક સ્પર્શ વગેરે ભરપૂર મળવા જોઈએ અન્યથા તે બાળકને મોટા થઈને માનસિક તણાવથી ઝૂઝવું પડતું હોય છે. તેથી બાળકને પ્રેમથી વંચિત ન રાખો, તેના સાહસિક કાર્યમાં પ્રોત્સાહન આપો. કિશોર અવસ્થાના બાળકો પોતાના શારીરિક બદલાવોને સારી રીતે સમજી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ અને તેને ઉત્સાહિત કરવા જોઈ જેથી તે પોતાની ઓળખ બનાવી શકે. યુવાનીમાં લગ્ન એક મહત્વનો પડાવ છે જેથી તે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકે. પોતાના કામ અને કર્તવ્ય પ્રતિ જવાબદારી સમજવાની પણ આ જ ઉંમર છે. કામ પ્રત્યેની કુશળતા તેને સારા માનસિક સ્વાસ્થ્ય તરફ અગેરસર કરે છે. વૃધ્ધાવસ્થામાં સમયસર અને સ્વસ્થ ભોજન, સમય અનુસાર મેડિકલ ચેકઅપ તથા રોગ નિયંત્રણ ઉપરાંત આર્થિક રીતે સ્વતંત્ર રહેવું પણ એટલું જ જરૂરી છે. જીવન નિર્વાહ ચલાવવા ઘરમાં થાય તેવા કામો જરૂર હોય ત્યાં કરવા જોઈએ આ ઉપરાંત એકલતા ટાળવા ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિ કરી શકાય.



ડો. પૂજા પૂષ્કર્ના, સાઈકોલોજિસ્ટ એન્ડ સાઈકોએનાલિસ્ટ

11 May 2020

માનસિક બીમારીઓમાં ઓક્યુપેશનલ થેરાપીનું મહત્વ

માનસિક બીમારીઓમાં ઓક્યુપેશનલ થેરાપીનું મહત્વ

Arga Foundation Project Office, Chandkheda - NGOS in Ahmedabad ...
     
    માનસિક સ્વાસ્થ્ય એ એક બહુ વિશાળ અને રસપ્રદ વિષય છે. વ્યાખ્યા પર ન જતાં માનસિક સ્વાસ્થ્ય એટલે શું એમ જ્યારે આમ જનતાને પૂછવામાં આવે ત્યારે તેના ઉત્તર સ્વરૂપે, ‘જે વ્યક્તિ પોતાના રોજિંદા કાર્યો સારી રીતે ખુશ રહીને કરી શકે અથવા જે વ્યક્તિ ગુસ્સાને અને અન્ય નકારાત્મક ભાવને સારી રીતે હેન્ડલ કરી શકે તેવા વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારૂ છે' એમ જણાવતા હોય છે. આ ઉપરછલ્લી જાણકારી ધરાવતી પ્રજામાં માનસિક બીમારીઓ અંગે કેટલું જ્ઞાન હશે?.

           માનસિક બીમારી અંગે સામાન્ય રીતે લોકો એવું કહેતા જોવા મળે છે કે, “ડિપ્રેશનમાં છે” અથવા “છટકી ગયું છે” અથવા વધુમાં સ્કીઝોફ્રેનિયા લાગે છે. આવું જણાવતા લોકો કદાચ એ નહીં જાણતા હોય કે જેમ અલગ અલગ શારીરિક બીમારીઓ છે એમ ડાયગ્નોસ્ટીક સ્ટેટેસ્ટીકલ મેન્યુઅલ (DSM) દ્વારા માનસિક બીમારીઓના નામ, પ્રકાર સાથે વિભિન્ન માનસિક બીમારીઓ વચ્ચેનો સુક્ષ્મ તફાવત પણ દર્શાવવામાં આવ્યો છે..

         બાળક, યુવાન કે વૃધ્ધ કોઈ પણ વ્યક્તિ જીવનના કોઈપણ તબક્કામાં માનસિક બીમારીનો ભોગ બની શકે છે. જેની પાછળ વારસાગત, સામાજિક, વ્યક્તિગત, વાતાવરણકીય સહિતના વિભિન્ન કારણો હોઈ શકે છે. દરેક માનસિક બીમારી વ્યક્તિને સમાજમાં સુરક્ષિત રહેવાનો અને સારવાર મેળવવાનો અધિકાર છે. શરૂઆતની માનસિક બીમારીમાં બીમારીની ગંભીરતા જો ઓછી હોય તો સામાન્ય રીતે વ્યક્તિની સારવાર સાઈકીયાટ્રીક ક્લિનીકમાં થતી જોવા મળે છે જ્યાં સાઈકીયાટ્રીસ્ટ સાયકોલોજીસ્ટ મુખ્ય ભૂમીકા ભજવે છે પરંતુ, જ્યારે માનસિક બીમારી લાંબાગાળાની અને વધુ હાનિકારક થઈ જાય ત્યારે મલ્ટીસ્પેશિયાલિસ્ટ ટીમની જરૂર પડે છે જેમાં સાઈકીયાટીસ્ટ ઉપરાંત સાયકોલોજીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સોશિયલ વર્કર, સાઈકીયાટ્રીક નર્સ, ફિઝીશિયન વગેરેનો સમાવેશ થાય છે..

         વધુ ગંભીર લાંબાગાળાની માનસિક બીમારીવાળા દર્દીઓમાં રોજીંદા કાર્ય જેવા કે ન્હાવાધોવા, ખાવાપીવાનો અભાવ, ઉંઘનો અભાવ, સામાજિક રીતે નિષ્ક્રીય થવું અથવા બિન ઉદેશ રખડ્યા કરવું, આપઘાતના વિચાર આવવા કે પ્રયત્ન કરવો અથવા કોઈના ઉપર શારિરીક હુમલો કરવા જેવા લક્ષણો જોવા મળી છે. આવી આઉટ ઓફ કંટ્રોલ પરિસ્થિતીમાં આવા દર્દીઓ માટે સાઈકીયાટ્રીક ડે કેર સેન્ટર, હાફ વે હોમ, સુપરવાઈઝ્ડ હાઉસિંગ શેલ્ટર્ડ વર્કશોપ, વોકેશનલ ગાઈડન્સ મદદરૂપ નિવડે છે..

         આવા દર્દીઓમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌ પ્રથમ તો દર્દીનું એસેસમેન્ટ કરવું એ ઓક્યુપેશનલ થેરાપિસ્ટનું પ્રથમ કાર્ય છે. આ એસેસમેન્યમાં દર્દીના વિભિન્ન પાસાઓ તપાસવામાં આવે છે જેમકે
  1. માયકોમોટર એક્ટિવીટી જેમાં દર્દીને જોઈ વિચારી, સમજીને કાર્ય કરે છે કે કેમ તે તપાસવામાં આવે છે.
  2. દર્દીનું સેન્સરી પરસેપ્શન કેવું છે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતીને જેમ છે તેમ સમજી શકે છે કે ભ્રમ-ચિત્તભ્રમથી પિડાય છે તે જોવામાં આવે છે.
  3. કોગ્નીટીવ ફંક્શન જેમ કે, દર્દી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે કે કેમ તેની નિર્ણય શક્તિ કેવી છે તે તપાસવામાં આવે છે.
  4. ઈન્ટ્રાપર્સનલ ફેક્ટર જેવા કે, સેલ્ફ કન્સેપ્ટ, સેલ્ફ એસ્ટીવ વગેરે કેવું છે તેની પણ તપાસ કરવામાં આવે છે.
  5. સેલ્ફ કેર એટલે કે દર્દી પોતાના રોજિંદા કાર્યો કરી શકે છે કે નહીં તે તપાસવામાં આવે છે.
  6. ઉત્પાદક્તા છે કે નહીં તે પણ તપાસવામાં આવે છે અને 
  7.  ફ્રી સમયમાં કેવી પ્રવૃત્તિમાં રસ ધરાવે છે તેનું પણ એસેસમેન્ટ કરવામાં આવે છે..
           દર્દીના એસેસમેન્ટ અને સારવાર માટે વિવિધ અભિગમનો ઉપયોગ ઓક્યુપેશનલ થેરાપીમમાં કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડાઈઝ ટેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓક્યુપેશનલ થેરાપીમાં મુખ્યત્વે હ્યુમનિસ્ટીક અભિગમ જેમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ પોતાની જાતને દર્દીની જગ્યાએ રહીને દર્દીને કેવું ફિલ થાય છે, દર્દી કઈ કઈ સમસ્યાનો સામનો કરે છે તે ઉંડાણપૂર્વક અભ્યાસ કરે છે. જ્યારે અમુક થેરાપિસ્ટ ક્લાયન્ટ સેન્ટર અભિગમ અપનાવે છે જે દર્દી સહકાર નથી આપતા તેમને મનગમતી પ્રવૃત્તિ કરાવી પ્રોત્સાહિત કરી થેરાપીમાં સામેલ કરે છે. આવી જ રીતે કોગ્નીટીવ અભિગમમાં દર્દીના વિચાર, ગમા-અણગમા, ક્રિયા-પ્રતિક્રીયાનો ઉંડાણથી અભ્યાસ કરવામાં આવે છે. કોઈવાર એકથી વધુ અભિગમનો ઉપયોગ એક દર્દીમાં કરવામાં આવે છે.

        દર્દીના એસેસમેન્ટ બાદ તેના એક્ઝાઈટી મેનેજમેન્ટ, પાસ્ટ એક્સ્પિરીયન્સ અને એનવાયરમેન્ટલ એડેપ્શનનો પણ ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે અને આ માટે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ શોર્ટમગ લોંગ ટર્મ ગોલ એક્ટિવિટી, સ્ટ્રક્ચર્ડ-અનસ્ટ્રક્ચર્ડ એક્ટિવિટી, કોવર્ટ એક્ટિવિટી, ગોલ ડાયરેક્ટ એક્ટિવિટી વહેરે દ્વારા દર્દીના સંપૂર્ણ વિકાસ અને પ્રસ્થાપનના પ્રયાસ કરે છે.જે દર્દીના રોજિંદા કાર્યો ખોરવાઈ ગયો હોય તેમને ડેઈલી લિવીંગ એક્ટિવિટી કરાવી તેને સ્વાવલંબી બનાવવામાં આવે છે. સેલ્ફ અવેરનેસ, સેલ્ફ એક્સેપ્ટન્સ અને સેલ્ફ એસ્ટીમની માંગ વધે તેવી પ્રવૃત્તિ પણ કરાવાય છે.

        બાળક, યુવાન કે વૃધ્ધ કોઈ પણ વ્યક્તિ જીવનના કોઈપણ તબક્કામાં માનસિક બીમારીનો ભોગ બની શકે છે જેની પાછળ વારસાગત, સામાજિક, વ્યક્તિગત, વાતાવરણ સંબંધિત વિભિન્ન કારણો હોઈ શકે છે.

ડો મૃત્યુંજય મુકુંદ. સાઈક્યાટરી ઓક્યુપેશનલ થેરાપિસ્ટ , નવગુજરાત હેલ્થ

08 May 2020

યુવાનોમાં વધતા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય

યુવાનોમાં વધતા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય


Image result for young stress

               હમણાં જ વર્લ્ડ ઈન્ટરનેશનલ યુથ ડે ગયો. યુવાનોની શક્તિઓની સાથે સમસ્યા પણ વધતી જાય છે. ખાસ કરીને આજનો યુવાન સાયકોલોજીકલી વધુ ચિતિંત અને કન્ફ્યૂઝ્ડ છે. દિવસે અને દિવસે તણાવ અને ડિપ્રેશન વધતા જાય છે. માત્ર ભારતમાં સાડા છ કરોડથી વધારે ડિપ્રેશનના દર્દીઓ છે, એવું WHOનું કહેવું છે. ભાગ્યે જ કોઇ એવો યુવાન કે જે એમ કહી શકે કે મને બિલકુલ સ્ટ્રેસ નથી. આજે મારે સાયકોલોજીસ્ટ પાસે જતા સ્ટ્રેસને લગતા એક કેસ વિશે વાત કરવી છે. ચાલો, એક કિસ્સો જોઇએ.

              ‘તમે એવું કંઇક માઇન્ડ પ્રોગ્રામિંગ કરી આપો ને કે જેથી મારી બધી જ ઈચ્છાઓ ઝડપથી પૂરી થઇ જાય. યુ નો? મારે મારા મિત્રોને બતાવી આપવું છે કે ગમે તેટલી મંદી હોય છતાં હું પણ કંઇ કમ નથી.' નિશિથ બોલ્યો.
             ઉંમર-બાવીસ વર્ષ. વ્યવસાય- ઇન્વેસ્ટમેન્ટ. લગ્ન- કન્યાનું ઇકોનોમિકલ બૅકગ્રાઉન્ડ જોઇને જ! નિશિથને છેલ્લા કેટલાય વખતથી ગભરામણ બેચેની, હૃદયમાં ભારેપણું, ભૂખ ઓછી લાગવી, ઊંઘમાં તકલીફો, તમાકુની પડીકીઓ વધી જવી વગેરે ફરિયાદો હતી. નિશિથે ચોક્કસ ‘ટારગેટ્‌સ' નક્કી કર્યા હતા. ફલાણી તારીખે મારે આ જ વસ્તુ ખરીદવી છે. આ તારીખે મારે મૅબેક કાર જોઇએ. આ તારીખે મારે દુનિયા ફરી લેવી છે. એકાદ ટાપુ ખરીદવો છે. એટલું તો ઠીક પણ વૉરન બફેટ જેવાને મારે નોકરીએ રાખવા છે. નિશિથનું બી.કોમ.નું છેલ્લું વર્ષ જ અધૂરુ રહી ગયું હતું પણ પૈસા કમાવાને અને ભણતરને કંઇ જ લેવાદેવા નથી એવું નિશિથકુમાર સ્પષ્ટપણે માનતા હતા.

            આજકાલ ઘણા યુવાનોને શોર્ટકટનું ઘેલું લાગ્યું છે. કેટલાક લોકો લાંબી મહેનત કરવાને મૂર્ખતા માને છે. કેટલાક યુવાનો એ સમજી શકતા નથી કે આજે જે સફળતાની ટોચે પહોંચ્યા છે તેમણે અથાક અને સાચી દિશામાં મહેનત કરી છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને અનાયાસે પદ, પ્રતિષ્ઠા કે પૈસો ઝડપથી મળી ગયો હોય. ચારે બાજુ ધીરજનો સદંતર અભાવ જોવા મળે છે. એક્ઝામમાં પણ આખો કોર્સ વાંચવાને બદલે આઇ.એમ.પી. વાંચીને એક્ઝામ આપવા જવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. કેટલાય એવા વર્કશોપ્સ ચાલે છે જેમાં યુવાનોને માત્ર પૈસાદાર કેવી રીતે થવાય તેની ટ્રેનિંગ અપાય છે. બે-ત્રણ દિવસના આવા સેમિનાર્સ તરંગી અને શોર્ટકટિયા યુવાનોને ઊંધા રવાડે ચડાવી શકે છે. કેટલાય લોકો પોતે બધું જ મેળવી શકે છે એવા માત્ર સૉ-કૉલ્ડ મોટીવેશનલ શેખચલ્લીના વિચારો કરીને મહેનતથી દૂર ભાગતા હોય છે. આવા લોકો બહુ ઝડપથી ઊંધા મોંએ પછડાય છે. કેટલાકને બાયપોલર મૂડ ડિસઓર્ડર જેવી માનસિક બિમારીઓ લાગુ પડી જાય છે. કારણ એટલું જ કે તેઓને માત્ર ગોલ દેખાય છે. તે મેળવવા જે મહેનત કરવી પડે તે વિશે અજ્ઞાત હોય છે અથવા કરવા માંગતા નથી. આવું યુવાધન અત્યારે તરંગોમાં કે ઈન્ટરનેટના બિનજરૂરી ઉપયોગમાં વેડફાઈ રહ્યું છે.

         નિશિથને જે પ્રોબ્લેમ હતો તેને મનોવિજ્ઞાનની ભાષામાં ‘એંઝાઇટી ડિસઓર્ડર' કહેવાય. ખૂબ જ ઊંચા ગોલ્સ નક્કી કરવા. આસપાસના લોકોનું દબાણ, ઘરના કે વર્કપ્લેસના લોકો તરફથી ડિમાન્ડ્‌સ. પડોશીને નવી કાર આવે તો પહેલું ટેન્શન પોતાને થાય. ટૂંકમાં, એક ‘રૅટ રેસ'નો હિસ્સો બની જતા વાર નથી લાગતી. આવા લોકોને સારવારની જરૂર હોય છે.

            થોડીક માત્રામાં ‘ચિંતા' જરૂરી છે જે કામને અને ધ્યેયને ઇંધણ પૂરું પાડે છે. ક્યારેક ડેડલાઇન હોય તો સતત બિન જરૂરી ચિંતા રહેવા લાગે તો એને ‘એંઝાઇટી ડિસઓર્ડર' ગણીને સારવાર કરાવવી જરૂરી છે.

             આજના યુગમાં સામાન્ય ચિંતા લગભગ દરેકને હોય જ છે. તો પણ એ સ્ટ્રેસને મેનેજ કરતા શીખવું પડે છે. નિશિથને કેટલીક બાબતો સમજવાની હતી. જે ઘણાને ઉપયોગી થઇ પડે તેવી છે.


કેવી રીતે કરશો સ્ટ્રેસને મેનેજ
  • તર્કયુક્ત અને વાસ્તવિક અપેક્ષાઓ રાખવી..
  • ‘લૅટ ગો'ની ભાવના એ નબળાઇ નથી પણ એક તાકાત છે..
  • ફરજિયાત કામોનો વિરોધ કરવો નહીં તેને સ્વીકારીને એમાં કેટલી વધુ સારી રીતે પરફોર્મ કરી શકાય છે તે શીખવું..
  • કેટલાક વાર્ષિક વેકેશન લેતા હોય છે. આપણે દૈનિક વેકેશન લેતા પણ શીખવું જરૂરી છે. ઘરે આવીએ ત્યારે કામને ઑફિસમાં મૂકીને જ આવવું. કામ પછી ડેઇલી ડોમેસ્ટિક વેકેશન જરૂરી છે..
  • જેમાં તમને આનંદ આવતો હોય તે પ્રવૃત્તિ કરવી. પછી મજા લઇશું એ જાત સાથે અન્યાય છે. હા ! એટલું જોવું કે પોતાનો આનંદ અન્યને માટે આતંક ન થાય..
  • રેગ્યુલર પૌષ્ટિક ખોરાક લેવો..
  • રેગ્યુલર કસરત અને યોગા ને જીવનનું અવિભાજ્ય અંગ બનાવવું..
  • બાળકો સાથે રમવાથી સ્ટ્રેસ ઝડપથી ઓછું થાય છે..

નિશિથની વિકૃતિ ઓછી કરવા એમણે સાયકોથેરાપી લીધી. કેટલાક સિટિંગ્સ પછી એ સ્વસ્થ છે પણ ઉપરનું લિસ્ટ ભૂલ્યો નથી..


માસ્ટર માઈન્ડઃ માત્ર વિચારોમાં ગોલની કલ્પના કરી લેવાથી તે પ્રાપ્ત થતો નથી. એ પછી અનિવાર્ય મહેનત કરવી પણ જરૂરી છે. ભાવતું ભોજન જમવાના વિચારોથી મોંમાં પાણી આવી શકે પણ પેટ ના ભરાય.


સ્ત્રોત: ઉત્સવી ભીમાણી.માઈન્ડ મૅટર્સ.

06 May 2020

સ્ટ્રેસ દૂર કરવા માટે દિવસમાં એકવાર ચોક્કસપણે આ કાર્ય કરો

સ્ટ્રેસ દૂર કરવા માટે દિવસમાં એકવાર ચોક્કસપણે આ કાર્ય કરો


Image result for brain exercise

            દિવસભરના કામમાં લોકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે. મહિલાઓ માટે દિવસભરનું કામ બેગણું વધારે હોય છે. આજના સમયમાં મોટાભાગની મહિલાઓ પણ જૉબ કરવાનું પસંદ કરતી હોય છે. એટલા માટે ઑફિસ અને ઘરના કામના કારણે સ્ટ્રેસ વધારે રહે છે. આ સમસ્યાનું નિવારણ લાવવા કેટલીય મેડિસિન લે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જાણો, સ્ટ્રેસ ફ્રી રહેવા માટેની કેટલીક ટિપ્સ વિશે...

            એક્સરસાઇઝ દરેક બિમારીનો ઇલાજ છે. મગજને આરામ આપવા માટે દરરોજ એક્સરસાઇઝ કરવી જોઇએ.. તેનાથી તમે ફિટ પણ રહેશો અને તણાવ પણ દૂર થશે. શ્વાસને કંટ્રોલ કરીને પણ તમે ફ્રેશ ફીલ કરી શકો છો.

             જો તમને કોઇ પણ પ્રકારનું ટેન્શન હોય તો ઊંડો શ્વાસ લો. થોડીકવાર માટે કમ્ફર્ટેબલ થઇને બેસી જાઓ. આંખો બંધ કરીને થોડીવાર સૂઇ જાઓ અને શ્વાસ ધીમે-ધીમે અંદર બહાર કરો. આવું 20 મિનિટ સુધી કરવાથી તમને સારું ફીલ થશે.

            ખાણીપીણીનું પણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. હંમેશા સમય પર અને સંતુલિત ભોજન કરવું જોઇએ. ભોજનમાં એવી શાકભાજીઓ સામેલ કરો જેનાથી એનર્જી મળે. પોતાની વ્યસ્ત લાઇફમાંથી પોતાના માટે થોડોક સમય કાઢો. નાની-નાની વાતોને ઇગ્નોર કરો જેથી બેકાર સ્ટ્રેસ ન થાય.

સ્ત્રોત: હેલ્થ ગુજરાત સમાચાર

02 May 2020

થાક લાગવાનો પણ માનસિક રોગ હોય

થાક લાગવાનો પણ માનસિક રોગ હોય



‘આ જૂઓ છેક ૪ વર્ષથી અલગ અલગ ડાકટરોની ફાઈલો છે. એમાં કોઈ ટ્રિટમેન્ટ બાકી નથી કે કોઈ ટેસ્ટ કે રિપોર્ટ ન કરાવ્યા હોય એવું નથી.’ સંજના બહેને સાયકોલોજીસ્ટ સાથે વાત કરતાં આગળ ઉમેર્યુ, ‘કોઈ સાચુ નિદાન થઈ શકતું જ નથી. મને એક જ તકલીફ છે. આ ગરમીનો ત્રાસ તો છે જ પણ મને સખત થાક લાગે છે. એટલી હદ સુધી કે હવે તો થાકથી એ થાકી ગઈ છું. શક્તિની ગોળીઓ અને સિરપો કિલો કે લીટરના હિસાબે લીધા હશે. બધા છેલ્લે એવું કહે છે કે માનસિક છે. પણ હું કંઈ ગાંડી નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. હજુ હમણાં સુધી એક એકાઉન્ટિંગ ફર્મમાં ચીફ એકાઉન્ટ તરીકે કામ કરતી હતી. એ વખતનું મારુ નૂર જ કંઈક જુદુ હતુ. પણ આ તકલીફ પછી મારુ હસવાનું અને બોલવાનું બંધ થઈ ગયું છે. સતત મૂડલેસ રહેવાય છે. કોઈ જગ્યાએ મઝા જ નથી આવતી. એવું થાય કે આ દિવસ કેમ ઉગ્યો ? અને રાત પડે સરખી ઊંઘ પણ ન આવે અને દિવસ દરમિયાન ખૂબ આળસ રહ્યા કરે. મારા હસબન્ડ પણ હંમેશા મને સપોર્ટ કરે છે. દરેક ડૉકટરને ત્યાં સાથે જ આવે. એક દીકરો છે જે પાંચેક વર્ષથી યુ.એસ.એ. છે. ત્યાં ભણીને હવે ત્યાં જ જોબ કરે છે. આટલી મંદીમાં પણ એની જોબ ટકી રહી છે. અમારું સ્વીટ અને વોર્મ સ્મોલ ફેમિલી છે, પણ હેપ્પીનેસ દેખાતી નથી. પૈસાની કોઈ કમી નથી પણ આ શરીરના દુખાવા અને થાકનું શું ?...’


સંજના બહેનની આંખમાં આંસૂ દેખાતા હતા. સંજના બહેનના હસબન્ડ સાકેતભાઈ બધી ફાઈલ્સ એક પછી એક બતાવતા હતા. હિમોગ્લોબીન, બી૧૨, ડી૩ અને અન્ય બધા જ રૂટિન રિપોર્ટ્સ તદ્દન નોર્મલ હતા છતાં પણ વાઈફની આ કન્ડીશનથી એ પણ ઈમોશનલ થઈ ગયા હતા.


સંજના બહેનનો દુઃખાવો ખરેખર મનોવૈજ્ઞાનિક કારણસર હતો. એમની ફરિયાદમાં જ એમની તકલીફના કારણે ડોકિયા કરતાં હતા. આટલા વર્ષો સ્કૂલમાં ભણાવ્યા પછી રિટાયર્ડ લાઈફ અને એમાંય પાછી એકના એક દીકરાની ગેરહાજરી, સંજના બહેનને ‘ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ’ થવાના પુરતા માનસિક કારણો જણાતા હતા. 

સતત થાકની ફરિયાદ હોવા છતાં સંજના બહેન કંઈ ખાસ શારીરિક શ્રમ નહોતા કરતા. આવા દર્દીમાં માથાનો દુઃખાવો,મસલ્સમાં દુખાવો, સાંધાઓમાં દુઃખાવો, ડિપ્રેશન, ગળું સુકાવું, ક્યારેક પેટમાં દુઃખાવો, ગભરામણના હુમલા, ચક્કર આવવા, હાથ-પગમાં ઝણઝણાટી થવી, વજન વધવું, વગેરે ગણ્યા ગણાય નહીં તેટલા લક્ષણો જોવા મળે છે. સતત તાવ હોય એવું લાગ્યા કરે, પણ થર્મોમિટરમાં દેખાય નહીં. ઊંઘીને સવારે ઊઠ્યા પછી પણ ફ્રેશનેસ ન લાગે. 

સંજના બહેનની સારવારમાં કેરફૂલ મેડિકલ એકઝામિનેશન થવું જાઈએ, જે તેઓ કરીને જ આવ્યા હતા. હવે એમને ‘લાઈફ સ્ટાઈલ ચેન્જ’ માટે તૈયાર કરવામાં આવ્યા. દુઃખાવો થાય તો પણ દરરોજ અડધાથી પોણો કલાક બ્રિસ્ક વાક તેમને માટે ‘મસ્ટ’ હતી. આવા દર્દીઓને ‘ગ્રેડેડ એકસરસાઈઝ થેરાપી’ મદદરૂપ થાય છે.

સંજના બહેનને ‘ઇનસાઈટ ઓફીએન્ટેડ સાયકોથેરાપી’ આપવામાં આવી, સાથે એમના દીકરા સાથે રોજ એક વખત પાંચેક મિનિટ વૅબકૅમથી સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી. એમનું ડિપ્રેશન અને ક્રોનિક ફટીગ દૂર થયા. કોઈ સોશિયલ ગ્રુપને જોઈન કરવાથી એમને ફાયદો થાય એમ હતું. હવે એમણે ઘરે ફિઝિક્સના ટ્યુશન ચાલુ કરી દીધા છે. ત્રણેક મહિનાના સિટિંગ્સ પછી સંજના બહેનને થાક દૂર થઈ ગયો છે.

ઉત્સવી ભીમાણી (સાયકોલોજી)  નવગુજરાત સમય