Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

28 June 2021

પ્રબલન (stimulation)

પ્રબલન (stimulation)

પ્રબલન (stimulation) : અભિસંધાન (conditioning) દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણનો એક ઘટક. અભિસંધાનની બે રીતો હોય છે : પ્રશિષ્ટ અને કારક. એ બેમાં પ્રબલનનો અર્થ સહેજ જુદો જુદો થાય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં પ્રબલન એટલે અભિસંધિત ઉદ્દીપક (દા.ત., ઘંટડી) અને અનભિસંધિત ઉદ્દીપક(દા.ત., ખોરાક)ને જોડમાં રજૂ કરવાની ક્રિયા, જેને લીધે અભિસંધિત પ્રતિક્રિયા (દા.ત., મોમાં લાળ ઝરવી) પ્રબળ બને છે. કારક અભિસંધાનમાં પ્રબલન એટલે, વ્યક્તિ કોઈ વિશિષ્ટ ક્રિયા કરે તે પછી તરત એને પસંદ પડે એવી (ઇષ્ટ) સ્થિતિ એ રીતે ઉપજાવવી કે જેથી એ વિશિષ્ટ ક્રિયા પ્રબળ બને. દા.ત., બાળક કળ દાબે એટલે તરત તેને ચૉકલેટ મળે ત્યારે કળ દાબવાની ક્રિયા પ્રબળ બને છે. અહીં કળ દાબ્યા પછી ચૉકલેટનો પુરસ્કાર આપવા માટે પ્રયોગકર્તાએ કરેલી ગોઠવણ પ્રબલન કરે છે.

પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગના જે પ્રયત્નોમાં અનભિસંધિત ઉદ્દીપક (દા.ત., ખોરાક) રજૂ થાય તે પ્રયત્નોને પ્રબલિત પ્રયત્નો કહે છે; જે પ્રયત્નોમાં અનભિસંધિત ઉદ્દીપક રજૂ ન થાય તે પ્રયત્નોને અપ્રબલિત પ્રયત્નો કહે છે. પ્રયોગ દરમિયાન જેમ જેમ પ્રબલિત પ્રયત્નોની સંખ્યા વધતી જાય તેમ તેમ શીખેલી ક્રિયાનું બળ વધતું જાય છે; જેમ જેમ અપ્રબલિત પ્રયત્નો વધતા જાય તેમ તેમ શીખેલી ક્રિયા નબળી પડતી જાય છે અને આખરે તેનો લોપ થાય છે.

ઉપરના બે પ્રકારના અભિસંધાનમાં પ્રબલન આપવા માટેની શરત જુદી જુદી હોય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં શીખનાર વ્યક્તિ કોઈ ક્રિયા કરે કે ન કરે તેની પરવા કર્યા વિના, પ્રયોગકર્તા પોતાની મરજી અને આયોજન પ્રમાણે પ્રબલન આપે છે. કારક અભિસંધાનમાં જ્યારે શીખનાર વ્યક્તિ યોગ્ય ક્રિયા કરે ત્યારે જ તેને પ્રબલન અપાય છે.

પ્રબલનનો ખ્યાલ થૉર્નડાઇકના પરિણામના નિયમ સાથે મળતો આવે છે. જ્યારે કોઈ ક્રિયાને પરિણામે વ્યક્તિને પુરસ્કાર મળે ત્યારે ઉદભવતા સંતોષને લીધે તે ક્રિયા પ્રબળ બને છે. કોઈ ક્રિયાને પરિણામે પુરસ્કાર ન મળે (અથવા સજા થાય) ત્યારે અંસતોષને કારણે તે ક્રિયા નિર્બળ બને છે.

કેટલાક મનોવૈજ્ઞાનિકો પ્રબલનને પુરસ્કાર અને શિક્ષાનો પર્યાય ગણે છે. બીજાઓ પ્રબલનને પુરસ્કાર/શિક્ષાનું પરિણામ ગણે છે. બીજા કેટલાકને મતે, કોઈ ચોક્કસ બાહ્ય પુરસ્કાર કે શિક્ષાની ગેરહાજરીમાં પણ શીખવાની ક્રિયાનું પ્રબલન થઈ શકે છે. દા.ત., પક્ષીઓની ગીત શીખવાની ક્રિયાનું પ્રબલન આંતરિક રીતે થાય છે.

જે ઉદ્દીપકો, વસ્તુઓ કે પરિસ્થિતિઓ પ્રબલન કરે તેને પ્રબલક કહેવાય છે. પ્રબલકો બે જાતના હોય છે : પ્રાથમિક અને દ્વૈતીયિક. પ્રાણીને જૈવ રીતે સીધા જ ઉપયોગી બનતા પદાર્થો કે પરિસ્થિતિઓને પ્રાથમિક પ્રબલક કહે છે; દા.ત., ખોરાક, પાણી, હૂંફાળું તાપમાન. તેના પ્રત્યેની પ્રતિક્રિયાઓ અશિક્ષિત હોય છે, જ્યારે કોઈ અન્ય તટસ્થ ઉદ્દીપકને પ્રાથમિક પ્રબલકની જોડમાં વારંવાર રજૂ કરવામાં આવે ત્યારે એ તટસ્થ ઉદ્દીપક પોતે જ પ્રબલક બની જાય છે એને દ્વૈતીયિક પ્રબલક કહે છે; દા.ત., જ્યારે જ્યારે યંત્રમાં પ્લાસ્ટિકની પટ્ટી નાખવામાં આવે ત્યારે ત્યારે ખોરાક પ્રાપ્ત થતો હોવાથી ચિમ્પાન્ઝીઓ એ પ્લાસ્ટિકની પટ્ટીઓને મૂલ્યવાન ગણીને તેનો સંગ્રહ કરે છે અને ભૂખ લાગે ત્યારે યંત્રમાં પટ્ટી નાખી ખોરાક મેળવે છે. તે તેનું પ્રબલક મૂલ્ય દર્શાવે છે.

અન્ય મનોવૈજ્ઞાનિકો કરતાં પ્રેમાક(Premack)નું પ્રબલનનું અર્થઘટન જુદું છે. તેના મતે કોઈ ઉદ્દીપક પ્રબલન કરે છે એમ કહેવું યોગ્ય નથી. ખરેખર તો શીખનારે કરેલી ક્રિયા જ પ્રબલન કરતી હોય છે; દા.ત., ખોરાકથી પ્રબલન મળ્યું એવું નથી પણ ખાવાની ક્રિયા કરવાથી શિક્ષણને પ્રબલન મળ્યું એમ કહેવું જોઈએ.

પ્રેમાકના મત પ્રમાણે, દરેક પ્રાણી માટે પ્રબલકોની પદક્રમ પરંપરા હોય છે. આ પદક્રમપરંપરામાં ગોઠવાયેલી પ્રવૃત્તિઓમાંથી, કોઈ પણ સ્થાને ગોઠવાયેલી પ્રવૃત્તિ, પોતાની નીચે રહેતી પ્રવૃત્તિને પ્રબલન પૂરું પાડે છે. તે પોતાનાથી ઊંચે સ્થાને રહેલી પ્રવૃત્તિથી પ્રતિનિવેશ મેળવે છે. પ્રેમાકની આ વાત વ્યવહારમાં ઘણી બાબતોનું સમર્થન પૂરું પાડે છે; દા.ત., જો બાળક પાસે હોમવર્ક કરાવવું હોય તો તે પહેલાં હોમવર્ક કરે તે પછી તેને રમવા જવા દઈએ તો હોમવર્કની ક્રિયા વધુ સારી રીતે પ્રબળ બને છે. (એને બદલે જો પહેલાં એને રમવા દઈ પછી હોમવર્ક કરવા કહીએ તો તેને હોમવર્કમાં રસ ઓછો રહે છે.) અનુક્રમમાં ઉપરના ક્રમે કરવાનું કામ (રમત), નીચા ક્રમે કરવાના કામ (હોમવર્ક) માટે પ્રબલન પૂરું પાડે છે. તેથી જો પછીની પ્રવૃત્તિ (રમત) અટકાવવામાં આવે તો બાળક પહેલાંની પ્રવૃત્તિ (હોમવર્ક) કરવા માટે વધારે તત્પર બને છે.

પ્રબલનની અસર મુખ્યત્વે બે પરિબળો ઉપર અવલંબે છે :

(1) પ્રબલનનું પ્રમાણ અને (2) તેમાં વિલંબ.

જેમ પ્રબલનનું પ્રમાણ વધારે તેમ શીખવાની ક્રિયા વધારે ઝડપી બને છે. પ્રબલનની રજૂઆતમાં સમયનો ગાળો (વિલંબ) ઓછો તેમ તેની અસર વધુ પ્રબળ હોય છે. વિદ્યાર્થીઓ કે તાલીમાર્થીઓના શિક્ષણને ઝડપી બનાવવા માટે સમયે સમયે તેમના કર્તૃત્વનું માપન કરી તેનાં પરિણામોની જાણ શક્ય એટલી ઝડપથી કરવી જરૂરી બને છે.

શીખવાની ક્રિયા અને પ્રબલન વચ્ચેના સંબંધની વિશિષ્ટ શરતને પ્રબલનનો ઉપક્રમ કહે છે. સ્કીનર અને તેના સાથીઓએ સંખ્યાબંધ સંશોધનોનાં પરિણામો ઉપરથી અનેકવિધ ઉપક્રમો રજૂ કર્યા છે. તેમાંના મુખ્ય ચાર ઉપક્રમો આ પ્રમાણે છે : 

(1) નિયત ગુણોત્તર : જેમાં પ્રતિક્રિયાનું અમુક સંખ્યામાં પુનરાવર્તન થયા પછી જ પ્રબલન અપાય છે; દા.ત., 10 : 1 દરમાં એકથી નવ પ્રતિક્રિયા સુધી પ્રબલન અપાતું નથી. દસમી વખત ક્રિયા થાય ત્યારે પ્રબલન અપાય છે. 

(2) નિયત મધ્યાંતર : આમાં પૂર્વેના પ્રબલન પછી નિશ્ચિત સમય વીત્યા પછી જ નવું પ્રબલન અપાય છે; દા.ત., દર 1 મિનિટ પછી જ પ્રબલન અપાય. 

(3) પરિવર્તનશીલ ગુણોત્તર : આમાં પ્રતિક્રિયાઓના પુનરાવર્તનની સંખ્યાની સરેરાશના આધારે પ્રબલન અપાય છે; દા.ત., ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 18 પ્રતિક્રિયાઓ (જેની સરેરાશ 12 જળવાય એ રીતે) પછી પ્રબલન અપાય છે. 

(4) પરિવર્તનશીલ મધ્યાંતર : આમાં ઓછામાં ઓછી 10 સેકંડ અને વધુમાં વધુ 110 સેકંડ પછી (પણ 60 સેકંડની સરેરાશ જળવાય એ રીતે) પ્રબલન અપાય છે.

શાંતિલાલ છગનલાલ કાનાવાલા

25 June 2021

અભિસંધાન (conditioning)

અભિસંધાન (conditioning)

અભિસંધાન (conditioning) : અમુક ચોક્કસ પર્યાવરણમાં પ્રબલન(reinforcement)ને પરિણામે અમુક ચોક્કસ પ્રતિક્રિયા નિપજાવવાની સંભાવના વધારનારી પ્રક્રિયા સૂચવવા માટે વર્તનલક્ષી વિજ્ઞાનો(behavioural sciences)માં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ વિભાવનાનો આધાર પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ(reflexes)ના અભ્યાસ માટેની પ્રાયોગિક પદ્ધતિઓ પર છે. રશિયા, ઇંગ્લૅન્ડ અને અમેરિકાના શરીરશાસ્ત્રીઓએ અભિસંધાનની પ્રક્રિયાઓ, અવલોકન અને વ્યાખ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

અભિસંધાન શિક્ષણ(learning)નો એક પ્રકાર છે; જેમાં (1) અમુક ઉદ્દીપક અમુક ચોક્કસ પ્રતિક્રિયા નિપજાવવા માટે ઉત્તરોત્તર અસરકારક બને છે અથવા તો (2) અમુક વિશિષ્ટ અને સ્થિર પર્યાવરણમાં અમુક પ્રતિક્રિયા વધુ ને વધુ નિયમિત બને છે. આ બેમાંથી કયું પરિણામ મળશે તેનો આધાર પ્રબલનના પ્રકાર ઉપર છે. આમાંથી પહેલા પ્રકારના અભિસંધાન માટે પ્રશિષ્ટ (classical) શબ્દ વાપરવામાં આવે છે.

(A) પ્રશિષ્ટ અભિસંધાન : 

જ્યારે બે ઉદ્દીપકોને વારંવાર જોડમાં રજૂ કરવામાં આવે છે ત્યારે મૂળ દ્વારા નીપજતી પ્રતિક્રિયા તટસ્થ ઉદ્દીપક દ્વારા પણ નીપજે છે. શિક્ષણની આ પ્રક્રિયાને પ્રશિષ્ટ અભિસંધાન કહે છે. આને ઉદ્દીપક અવેજીકરણ (stimulus substitution) દ્વારા શિક્ષણ પણ કહે છે; કારણ કે એક ઉદ્દીપકની અવેજીમાં અન્ય ઉદ્દીપક દ્વારા તે જ પ્રતિક્રિયા નીપજે છે. એને ઉદ્દીપકજન્ય અભિસંધાન કે પ્રતિક્રિયાત્મક અભિસંધાન (respondent conditioning) પણ કહે છે; કારણ કે અહીં જે પ્રતિક્રિયાનું અભિસંધાન થાય છે તે પ્રતિક્રિયા મૂળ ઉદ્દીપક સાથે અનિવાર્યપણે સંકળાયેલી હોય છે. આ પ્રતિક્રિયા ઉદ્દીપક દ્વારા નિયંત્રિત હોય છે.

સંદર્ભ-પ્રયોગ : પ્રશિષ્ટ અભિસંધાનનો અભ્યાસ કરવાની મૂળભૂત પ્રક્રિયાઓ અને પરિભાષાઓ આપવાનું શ્રેય નોબેલ પારિતોષિક- વિજેતા (1904) રશિયન શરીરશાસ્ત્રી અને ઔષધશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ (1849-1936)ને ફાળે જાય છે. લાળગ્રંથિસ્રાવની પ્રતિક્ષિપ્ત ક્રિયાનો અભ્યાસ કરતાં તેમણે જોયું કે ખોરાક મળવાની અપેક્ષાએ પણ કેટલીક વાર ભૂખ્યા કૂતરાના મોમાંથી લાળ ઝરે છે; દા.ત., માલિક કૂતરા પાસે અન્નપાત્ર લઈને જાય ત્યારે. આને પાવલોવ ‘માનસિક સ્રાવ’ (psychic secretion) તરીકે ઓળખાવે છે, કારણ કે તે પ્રતિક્રિયા કૂતરો અનુભવ દ્વારા શીખે છે. ખોરાકની પ્રતિક્રિયા તરીકે નીપજતા વણશીખ્યા સ્રાવ કરતાં આ સ્રાવ અલગ છે. આ શીખેલી પ્રતિક્રિયા પ્રત્યે કુતૂહલથી પ્રેરાઈને પાવલોવે સંશોધન શરૂ કર્યું. તેણે 50 વર્ષની ઉંમરે આ સંશોધન શરૂ કર્યું અને જીવનના નવમા દાયકા સુધી ચાલુ રાખ્યું. આ સંશોધનથી તે જગપ્રસિદ્ધ થયો તેમજ રશિયન અને અમેરિકન મનોવિજ્ઞાન ઉપર તેનો ઘેરો પ્રભાવ પડ્યો.

પાવલોવે જોયું કે ‘માનસિક સ્રાવ’ની બાબતે જુદા જુદા કૂતરા વચ્ચે તફાવત પડે છે. વળી, બાહ્ય ઉદ્દીપકોની તેના પર તરત જ અસર પડે છે. તેથી તેણે સંશોધન માટે ચુસ્તપણે નિયંત્રિત પ્રાયોગિક રીત વિકસાવી.

ભૂખ્યો કૂતરો મર્યાદિત પ્રમાણમાં સ્થૂળ હલનચલન કરી શકે એ રીતે પટ્ટા બાંધીને તેને ટેબલ પર ઊભો રાખવામાં આવ્યો. એક નલિકામાં ફૂંક મારીને માંસનો પાઉડર (ખોરાક) સીધો જ કૂતરાના મોંમાં પહોંચાડી શકાય એવી પ્રાયોગિક વ્યવસ્થા કરવામાં આવી. કૂતરાના ગાલ પર શસ્ત્રક્રિયા કરી જડબાની બહારની બાજુ સાથે નલિકા જોડવામાં આવી કે જેથી લાળ એક પાત્રમાં એકત્રિત થાય. લાળનાં ટીપાં અને લાળનું કુલ પ્રમાણ ઘન સેન્ટિમીટરમાં માપી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી. આ પરિસ્થિતિથી પરિચિત કરવા કૂતરાને ઘણી વાર પ્રયોગ પૂર્વે ‘સાઉન્ડપ્રૂફ’ પ્રયોગશાળામાં લાવવામાં આવ્યો. કૂતરાનું નિરીક્ષણ કરવા બાજુના ખંડમાં પેરિસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી. દૂરથી જ પ્રકાશ, સ્પર્શ અને અવાજનાં ઉદ્દીપકો (ઘંટડી, બઝર, મેટ્રોનોમ) રજૂ કરી શકાય એવી યાંત્રિક વ્યવસ્થા કરી.

પ્રથમ ઘંટડીનો અવાજ રજૂ કર્યો. કૂતરાના મોંમાંથી લાળ ઝરી નહિ. ત્યારબાદ તરત જ માંસનો પાઉડર ભૂખ્યા કૂતરાના મોંમાં પહોંચાડ્યો, પરિણામે લાળ ઝરી. ઘંટડીનો અવાજ તટસ્થ ઉદ્દીપક છે અને તે મૂળભૂત રીતે લાળ ઉત્પન્ન કરવા સમર્થ નથી. માંસનો પાઉડર પ્રબલક ઉદ્દીપક છે, જે લાળ ઉત્પન્ન કરવા સમર્થ છે. આ બંને ઉદ્દીપકોને અનેક વાર જોડમાં રજૂ કરવાને પરિણામે એવું બન્યું કે કેવળ ઘંટડીનો અવાજ રજૂ કરતાં પણ લાળ ઝરી. આમ, તટસ્થ ઉદ્દીપકનો સંબંધ લાળની પ્રતિક્ષિપ્ત (ઉદ્દીપક પ્રત્યેની સાદી, અનૈચ્છિક, કુદરતી, વણશીખી) ક્રિયા સાથે જોડાયો. તેથી પ્રશિષ્ટ અભિસંધાનને સાહચર્યાત્મક શિક્ષણ(association learning) નો એક પ્રકાર ગણવામાં આવે છે.

મૂળભૂત વિભાવનાઓ : 

(1) અનભિસંધિત ઉદ્દીપક (US/UCS = unconditioned stimulus) : આ ઉદ્દીપક પ્રયોગની શરૂઆતમાં કુદરતી રીતે જ નિયમિત પ્રતિક્રિયા નિપજાવે છે; દા.ત., માંસનો પાઉડર (ખોરાક) સ્વાભાવિક રીતે જ લાળ નિપજાવવા સમર્થ છે. 

(2) અનભિસંધિત પ્રતિક્રિયા (UR/UCR = unconditioned response) : આ શીખ્યા વગરની સ્વાભાવિક પ્રતિક્રિયા છે અને તે મૂળ ઉદ્દીપક સાથે અનિવાર્યપણે જોડાયેલી છે. દા.ત., ખોરાકથી નીપજતી લાળ. 

(3) અભિસંધિત ઉદ્દીપક (CS = conditioned stimulus) : જે તટસ્થ ઉદ્દીપક (લાળની પ્રતિક્ષિપ્ત ક્રિયાના સંદર્ભમાં) કુદરતી, અનભિસંધિત ઉદ્દીપક સાથેની અનેક વાર જોડમાં રજૂઆતને પરિણામે કુદરતી ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રતિક્રિયા નિપજાવવા સમર્થ બને છે, તેને અભિસંધિત ઉદ્દીપક કહે છે; દા.ત., ઘંટડીનો અવાજ. આ ઉદ્દીપક દ્વારા પાવલોવ કૂતરામાં લાળસ્રાવ નિયંત્રિત કરી શક્યા. 

(4) અભિસંધિત પ્રતિક્રિયા (CR = conditioned response) : અભિસંધિત ઉદ્દીપક (ઘંટડી) દ્વારા અનભિસંધિત ઉદ્દીપક (ખોરાક)ની અવેજીમાં જે પ્રતિક્રિયા (લાળ) નીપજે છે તેને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે. આ શીખેલી પ્રતિક્રિયા છે. પાવલોવ અભિસંધિત ઉદ્દીપક(ખોરાક)ને પ્રબલક તરીકે ઓળખાવે છે, કારણ કે તેને લીધે અભિસંધિત પ્રતિક્રિયા ર્દઢ થાય છે.

જુદા જુદા અભ્યાસોમાં અનેક પ્રતિક્રિયાઓને અભિસંધિત કરવામાં આવે છે; જેમ કે, વિદ્યુત-અવરોધક શક્તિમાં ફેરફાર અંગેની ત્વચાની પ્રતિક્રિયા (GSR/PGR = galvanic skin response/ psychogalvanic response). આંખ પલકારવી, કીકી પહોળી થવી, મગજનાં આલ્ફા મોજાંનો લય અટકાવવો, રક્તવાહિનીઓ સંકોચાવાની પ્રતિક્રિયા, સ્વાદુપિંડ (પૅનક્રિયાસ) ગ્રંથિમાંથી ઇન્સ્યુલિનનો સ્રાવ થવો વગેરે. વળી જુદાં જુદાં અનેક તટસ્થ ઉદ્દીપકોને અભિસંધિત કરવામાં આવ્યાં છે.

પ્રશિષ્ટ અભિસંધાનના નિયમો : પાવલોવના પ્રયોગોનાં તારણને પાંચ મૂળભૂત નિયમ તરીકે મૂકી શકાય : 

(1) પ્રાપ્તિ (aquisition)નો નિયમ : અભિ. ઉ. (ઘંટડી) અને અનભિ. ઉ.(ખોરાક)ની અનેક વાર એકસાથે રજૂઆત કરવાને પરિણામે અભિ. પ્ર.(લાળ)નું સ્થાપન થાય છે. બંને ઉદ્દીપકો વચ્ચે સાહચર્ય શિખાતું હોય તે સમયગાળાને ‘પ્રાપ્તિ’ તરીકે ઓળખાવાય છે. બે ઉદ્દીપકોની રજૂઆત વચ્ચેનો સામયિક સંબંધ મહત્ત્વનો છે. અભિ. ઉ. બાદ સેકન્ડ કરતાં પણ ઓછા સમયે અનભિ. ઉ. રજૂ થાય તો અભિસંધાન ઝડપથી થાય છે. બે ઉદ્દીપકોની એકસાથે રજૂઆતની સંખ્યા જેમ વધે તેમ અભિ. પ્ર. (લાળનાં ટીપાં)નું કદ વધે છે. શરૂઆતમાં વધારો ખૂબ ઝડપી હોય છે. ત્યારબાદ મહત્તમ કક્ષાએ પહોંચે ત્યાં સુધી તે ઘટતા દરે વધે છે.

બંને ઉ. વચ્ચેના સામયિક સંબંધને લક્ષમાં રાખીને પ્રશિષ્ટ અભિ.ના ચાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. સમકાલીન (simultaneous) અભિસંધાનમાં અભિ. ઉ. (CS = ઘંટડી) અને અનભિ. ઉ. (US = ખોરાક) બંનેને એકસાથે રજૂ કરવામાં આવે છે અને અભિ. પ્ર. (ઘંટડીથી લાળસ્રાવ) ઉદભવે ત્યાંસુધી સાથે રજૂઆત ચાલુ રાખવામાં આવે છે.

વિલંબિત (delayed): અભિસંધાનમાં અનભિસંધિત ઉદ્દીપક પૂર્વે થોડીક સેકંડથી માંડીને મિનિટ સુધીમાં અભિ. ઉ. રજૂ કરવામાં આવે છે અને અનભિ. ઉ. સાથે થોડીક સેકંડ સુધી ચાલુ રાખવામાં આવે છે.

અવશેષરૂપ (trace) : અભિ. માં અભિ. ઉ. સર્વપ્રથમ રજૂ કર્યા બાદ થોડાક વિલંબ બાદ અનભિ ઉ. રજૂ કરવામાં આવે છે; અને (4) પશ્ચાદવર્તી (backward) અભિસંધાનમાં અભિ. ઉ. પહેલાં અનભિ. ઉ. રજૂ કરવામાં આવે છે.

પાવલોવ અને તેના સાથીઓએ જોયું કે સમકાલીન, વિલંબિત અને અવશેષરૂપ અભિ.ની પ્રક્રિયાઓ અસરકારક છે; પરંતુ પશ્ચાદવર્તી અભિસંધિત પ્રતિક્રિયા સ્થાપિત થઈ શકતી નથી. તેથી પાવલોવના પ્રશિષ્ટ અભિસંધાનમાં અભિ. ઉ.ને અનભિ. ઉ.નો આરંભ સૂચવતો સંકેત ગણવામાં આવે છે. પશ્ચાદવર્તી અભિ. માં અભિ. ઉ. આવી ભૂમિકા ભજવી શકતું ન હોવાથી બિનઅસરકારક નીવડે છે.

(2) પ્રાયોગિક વિલોપન(extinction)નો નિયમ : પ્રબલન વિના અભિ. ઉ. વારંવાર રજૂ કરવામાં આવે તો અભિ. પ્રતિક્રિયા (ઘંટડી દ્વારા લાળસ્રાવ) ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને અંતે બંધ થઈ જાય છે તેને વિલોપન કે વિલીનીકરણ કહે છે. અભિ. પ્ર.નો લોપ થવાની પ્રક્રિયા તેમજ પરિણામ માટે આ શબ્દ પ્રયોજાય છે.

વિલોપન કાયમી હોતું નથી. પ્રાયોગિક વિલોપન બાદ થોડાક આરામના સમયગાળા બાદ ફરીથી અભિ. પ્રતિક્રિયા ઉદભવે છે. આને સાહજિક પુન:પ્રાપ્તિ (spontaneous recovery) કહે છે, જોકે પ્રતિક્રિયાના પ્રમાણમાં ઘટાડો થાય છે. વળી, થોડાક બિનપ્રબલિત પ્રયત્નો દ્વારા આ સાહજિક પુન:પ્રાપ્ત પ્રતિક્રિયાને ઝડપથી નાબૂદ કરી શકાય છે. વિલોપન બાદ પુન: અભિસંધાનની સ્થાપના મૂળ અભિસંધાન કરતાં વધુ ઝડપી હોય છે.

(3) ઉદ્દીપક સામાન્યીકરણ(stimulus generalization)નો નિયમ : અભિ-સંધાન થઈ ગયા બાદ મૂળ અભિ. ઉ. (ઘંટડી) સાથે સામ્ય ધરાવતાં અન્ય ઉદ્દીપકોથી પણ અભિ. પ્ર. ઉદભવે છે. આને ઉદ્દીપક સામાન્યીકરણ કહે છે. ધ્વનિચીપિયાના મધ્યમ તીવ્રતાવાળા ધ્વનિ સાથે લાળની પ્રતિક્ષિપ્ત ક્રિયાનું અભિસંધાન કર્યા બાદ કૂતરા સમક્ષ એનાથી વધુ તીવ્રતાવાળા ધ્વનિ કે ઓછી તીવ્રતાવાળા ધ્વનિ રજૂ કરવામાં આવે તોપણ લાળ ઝરે છે. સામાન્યીકરણના નિયમ મુજબ જેમ નવાં ઉદ્દીપકો મૂળ અભિ. ઉ. સાથે વધુ સામ્ય ધરાવે તેમ અભિ. પ્ર. ઉત્પન્ન થવાની સંભાવના વધુ. જેમ મૂળ ધ્વનિ સાથે અન્ય ધ્વનિઓનું સામ્ય વધુ તેમ સામાન્યીકરણનું પ્રમાણ વધુ અને જેમ સામ્ય ઓછું તેમ સામાન્યીકરણનું પ્રમાણ ઓછું. આ પ્રકારના સંબંધને સામાન્યીકરણનો ઢાળ (gradient of generalization) કહે છે.

(4) ઉદ્દીપક ઉદબોધન (stimulus differentiation)નો નિયમ : ભેદબોધનની પ્રક્રિયા સામાન્યીકરણની પૂરક છે. વિભેદક પ્રબલન દ્વારા ઉદબોધન શિખાય છે. ભેદબોધન એટલે એક ઉદ્દીપકને એક પ્રકારની પ્રતિક્રિયા અને બીજા ઉદ્દીપકની જુદી પ્રતિક્રિયા આપતાં કે કોઈ પ્રતિક્રિયા ન આપતાં પ્રબલન દ્વારા શીખવું તે. પસંદગીયુક્ત પ્રબલન અને વિલોપનની પદ્ધતિના સંયુક્ત ઉપયોગ દ્વારા ભેદબોધન શીખવી શકાય છે. ઉદ્દીપક સામાન્યીકરણ બાદ લાગલાગટ અનેક પ્રયત્નો સુધી વધુ તીવ્રતાવાળા ધ્વનિ પછી ખોરાક (પ્રબલન) આપવામાં આવે અને ઓછી તીવ્રતાવાળા ધ્વનિ વચ્ચે તફાવત પાડતાં શીખે છે. એટલે કે વધુ તીવ્રતાવાળા ધ્વનિ પછી ખોરાક આપવામાં ન આવે તો કૂતરો બંને તીવ્રતાવાળા ધ્વનિથી લાળ ઝરે છે અને ઓછી તીવ્રતાવાળા ધ્વનિથી લાળ ઝરતી નથી.

(5) ઉચ્ચ કક્ષાના અભિસંધાન(higher order conditioning)નો નિયમ : અભિસંધાન નિપજાવવાની શક્તિ પ્રાપ્ત કર્યા બાદ અભિ. ઉ. પોતે જ પ્રબલન પૂરું પાડવાના ગુણધર્મો પ્રાપ્ત કરે છે. બઝરના અવાજ બાદ ખોરાકની એમ વારંવાર સાથે રજૂઆત કરવાને પરિણામે માત્ર બઝરના અવાજ દ્વારા કૂતરાના મોંમાં લાળ ઝરે છે. આમ થયા બાદ જો બઝર(અભિ. ઉ.2)ને વારંવાર જોડમાં ઝબૂકતા પ્રકાશ (અભિ. ઉ.2) સાથે રજૂ કરવામાં આવે તો કેટલાંક પ્રયત્નો બાદ માત્ર ઝબૂકતા પ્રકાશ (અભિ. ઉ. 2) દ્વારા લાળસ્રાવ (અભિ. પ્ર.) નીપજશે. આ પ્રતિક્રિયાને ઉચ્ચ કક્ષાની અભિ. પ્ર. કહે છે.

પ્રાણીઓમાં ઉચ્ચ કક્ષાનું અભિસંધાન સ્થાપવું પ્રમાણમાં મુશ્કેલ છે. વળી આવી પ્રતિક્રિયા અસ્થિર હોય છે. જટિલ કૌશલ્યો શીખવવામાં પાવલોવિયન મૉડેલ અસરકારક નથી. એની અસરકારકતા માત્ર પ્રથમ કક્ષાની મૂળ અભિ. પ્રતિક્રિયા પૂરતી જ મર્યાદિત છે.

(B) કારક અભિસંધાન : 

જે પ્રતિક્રિયાઓ અમુક ચોક્કસ ઉદ્દીપકો સાથે અનિવાર્યપણે બંધાયેલી ન હોય તે પ્રતિક્રિયાઓ શીખવવામાં પ્રશિષ્ટ અભિસંધાન ઉપયોગી નીવડતું નથી. આવી પ્રતિક્રિયાઓને આપન્ન (emitted) પ્રતિક્રિયાઓ કહે છે અને એના શિક્ષણ માટે કારક અભિસંધાનનો ઉપયોગ થાય છે.

પ્રતિક્રિયાત્મક અને કારક વર્તન : પ્રતિક્રિયાત્મક વર્તન ઉદ્દીપકજન્ય હોય છે; દા.ત., મોંમાં ખોરાક મૂકતાં લાળ ઝરવી. કારક વર્તન ઉદ્દીપકજન્ય નથી, તે સ્વયંસ્ફુરિત છે. તે ઉદ્દીપક દ્વારા નિષ્પન્ન થતી, આણેલી (elicited) પ્રતિક્રિયા નથી; પરંતુ આપમેળે થતી આપન્ન (emitted) પ્રતિક્રિયા છે. પ્રતિક્રિયાત્મક વર્તન મોટેભાગે અનૈચ્છિક હોય છે, જ્યારે કારક વર્તન મોટેભાગે ઐચ્છિક હોય છે; દા.ત., કુરકુરિયું મોઢામાં દડો લે, ઉંદર હાથો દબાવે વગેરે.

કારક વર્તનનું અભિસંધાન : કારક અભિસંધાન સાથે અમેરિકન મનોવિજ્ઞાની બુરહાસ એફ. સ્કિનરનું નામ સંકળાયેલું છે. તેના ઉંદર અને કબૂતર ઉપર કરેલા પ્રયોગો જાણીતા છે. આ માટે ઉપયોગમાં લેવાતા સાધનને ‘કારક પેટી’ કે ‘સ્કિનર પેટી’ તરીકે ઓળખવામાં આવે છે.

ઉંદર પરનો પ્રયોગ : ભૂખ્યા ઉંદરને સ્કિનરે કારક પેટીમાં મૂક્યો. નવા પર્યાવરણથી તે શરૂઆતમાં ગભરાયો; પરંતુ થોડા સમય બાદ તેણે ખોરાક શોધવાની પ્રવૃત્તિ આરંભી. તેણે જુદી જુદી અનેક આપન્ન પ્રતિક્રિયાઓ કરી; જેવી કે, દીવાલને સૈડકો બોલાવી સૂંઘી, દીવાલ પર પંજા માર્યા, પાછલા પગ ઉપર ઊભો રહ્યો, હાથો દબાવ્યો વગેરે. પેટીની રચના એવી હતી કે હાથો દબાવવામાં આવે તો અન્નપાત્રમાં એક અન્નગુટિકા (food pellet) પડે. પ્રથમ અન્નગુટિકા પડી ત્યારે એકાદ મિનિટ પછી ઉંદરનું ધ્યાન તે તરફ ગયું. હાથો દબાવવાની પ્રથમ પ્રતિક્રિયા 15 મિનિટે થઈ. બીજી પ્રતિક્રિયા 35 મિનિટે, ત્રીજી પ્રતિક્રિયા 47 મિનિટે અને ચોથી પ્રતિક્રિયા 71 મિનિટે થઈ. ત્યારબાદ તે ખૂબ જ ઝડપથી હાથો દબાવવા લાગ્યો. વિવિધ આપન્ન પ્રતિક્રિયાઓમાંથી કેવળ હાથો દ્બાવવાની આપન્ન પ્રતિક્રિયાને જ અન્નગુટિકા રૂપે પ્રબલન આપવામાં આવે છે. પરિણામે અન્ય કારક પ્રતિક્રિયાઓ ચાલુ રહેતી નથી, પરંતુ હાથો દબાવવાની કારક પ્રતિક્રિયાઓ ચાલુ રહે છે, અને તે પ્રતિક્રિયા મળવાનો દર નાટ્યાત્મક રીતે વધે છે.

અહીં ભૂખ્યા ઉંદરને હાથો દબાવે તો અને તો જ અન્નગુટિકા (પ્રબલન) આપવામાં આવે છે. અહીં હાથો દબાવવાની પ્રતિક્રિયા ખોરાક મેળવવામાં સાધનરૂપ બને છે. તેથી કારક અભિસંધાનને સાધનરૂપ અભિસંધાન (instrumental conditioning) પણ કહે છે.

કબૂતર પરનો પ્રયોગ : કબૂતર માટે સ્કિનર પેટીમાં એની ચાંચ પહોંચી શકે એટલી ઊંચાઈએ ગોળ ચાવી હોય છે અને નીચે ખોરાકનું ખાનું હોય છે. યાંત્રિક રચના એવી હોય છે કે ગોળ ચાવીમાં કબૂતર ચાંચ મારે કે તરત અન્નપાત્ર ખોરાકના ખાના પાસે આવે અને થોડીક સેકંડો રહે કે જેથી કબૂતર અન્નના દાણા ખાઈ શકે. ગોળ ચાવીમાં ચાંચ મારવાની પ્રતિક્રિયા ખોરાક (પ્રબલન) મળવાને પરિણામે ર્દઢ થાય છે અને ચાંચ મારવાની ક્રિયાનો દર વધે છે. અહીં કબૂતર ગોળ ચાવીમાં ચાંચ મારે તો અને તો જ ખોરાકરૂપ પ્રબલન મળે છે.

ઉપર દર્શાવેલા બંને પ્રયોગોના આધારે કારક અભિસંધાનનો નિયમ તારવી શકાય : જો અમુક ચોક્કસ કારક પ્રતિક્રિયા ઉપર પ્રબલન આધારિત હોય તો તે કારક પ્રતિક્રિયા મળવાની સંભાવના વધશે. કારક અભિસંધાન એટલે અમુક ચોક્કસ પ્રતિક્રિયા ઉપર પ્રબલનનો આધાર હોય તેવું શિક્ષણ.

મૂળભૂત વિભાવના અને નિયમો

પ્રબલન (reinforcement) : કારક અભિસંધાનમાં પ્રબલનનો અર્થ પ્રશિષ્ટ અભિસંધાન કરતાં જુદો છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં પ્રબલન એટલે અભિ. ઉ. (ઘંટડી) અને અનભિ. ઉ.(ખોરાક)ની એકસાથે રજૂઆત, જ્યારે કારક અભિસંધાનમાં પ્રબલન એટલે પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતું કોઈ પણ ઉદ્દીપક કે બનાવ, જે તે પ્રતિક્રિયા ભવિષ્યમાં ફરીથી મળવાની સંભાવના વધારે. પ્રશિષ્ટ અભિસંધાનમાં પ્રબલન પ્રતિક્રિયા નિષ્પન્ન કરે છે, જ્યારે કારક અભિસંધાનમાં પ્રતિક્રિયાને અનુસરે છે.

કારક અભિસંધાનમાં વિધાયક અને નિષેધક પ્રબલકનો ઉપયોગ કરવામાં આવે છે. વિધાયક પ્રબલક એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું પ્રતિક્રિયા પછી તરત રજૂ કરાતું ઉદ્દીપક; દા.ત., હાથો દબાવતાં ઉંદરને મળતી અન્નગુટિકા. નિષેધક પ્રબલક એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું પ્રતિક્રિયા પછી તરત દૂર કરાતું ઉદ્દીપક; દા.ત., વાડ કૂદી જતા કૂતરાને માટે બંધ થઈ જતો વિદ્યુત- આઘાત.

શિક્ષા અને નિષેધક પ્રબલક એક નથી, શિક્ષા પ્રતિક્રિયા-પ્રાપ્તિની સંભાવના ઘટાડે છે; દા.ત., હાથો દબાવતાં ઉંદરને વિદ્યુત-આઘાત મળે તો હાથો દબાવવાની પ્રતિક્રિયા મળવાની સંભાવના ઘટે છે.

સાદી ‘ટી’ ભુલભુલામણીમાં ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગો દર્શાવે છે કે (1) જેમ પ્રબલનનું પ્રમાણ વધુ તેમ શીખવાનો દર ઝડપી. (2) વિલંબિત પ્રબલન કરતાં તાત્કાલિક પ્રબલન વધુ અસરકારક હોય છે. (3) મગજના અમુક ભાગને વીજાગ્ર દ્વારા વિદ્યુત-પ્રવાહથી ઉત્તેજવામાં આવે તો તે ઉત્તેજના પણ પ્રબલન તરીકે કામ કરે છે.

પ્રબલન પ્રાથમિક કે દ્વૈતીયિક પણ હોઈ શકે. મૂળભૂત જરૂરિયાતને સંતોષનાર પ્રબલકને પ્રાથમિક પ્રબલક કહે છે; દા.ત., ભૂખ્યા પ્રાણી માટે ખોરાક કે તરસ્યા પ્રાણી માટે પાણી. જે ઉદ્દીપક અભિસંધાન દ્વારા પ્રાથમિક પ્રબલક સાથે જોડાય તેને દ્વૈતીયિક પ્રબલક કે અભિસંધિત પ્રબલક કહે છે; દા.ત., હાથો દબાવતાં અન્નગુટિકાની રજૂઆત સાથે ધ્વનિ પણ થતો હોય અને પછી અન્નગુટિકા ન મળે છતાં કેવળ ધ્વનિ સાંભળતાં પણ ઉંદર હાથો દબાવે છે. અહીં ધ્વનિ દ્વૈતીયિક પ્રબલક છે. આધુનિક જગતમાં ‘પૈસો’ પણ દ્વૈતીયિક પ્રબલક છે.

પ્રબલન સતત કે આંશિક પણ હોઈ શકે. સફળ પ્રતિક્રિયાને દરેક વખતે પ્રબલન આપવામાં આવે તે સતત પ્રબલન અને પ્રસંગોપાત્ત પ્રબલન આપવામાં આવે તે આંશિક પ્રબલન. આંશિક પ્રબલન અસરકારક હોય છે; દા.ત., એક પ્રયોગમાં કલાકમાં સરેરાશ 12 વખત પ્રબલન આપવા છતાં કબૂતરે 6,000 વાર ચાંચ મારી હતી.

પ્રબલનના ઉપક્રમ (schedules of reinforcement) : પ્રબલન ક્યારે ક્યારે આપવું તેના પૂર્વઆયોજનને પ્રબલનના ઉપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રબલનના અસંખ્ય ઉપક્રમ હાઈ શકે, પરંતુ તેમાં મુખ્ય ચાર ઉપક્રમ જાણીતા છે : 

(1) નિયમ મધ્યાંતર ઉપક્રમ (FI=fixed interval) : અમુક ચોક્કસ સમયગાળો પસાર થયા બાદ થતી પ્રથમ પ્રતિક્રિયાને પ્રબલન આપવામાં આવે છે, દા.ત., FI=2 બે મિનિટ પૂરી થયા પછી જ પ્રબલન મળે. તે પહેલાં ગમે તેટલી વાર પ્રતિક્રિયા આપે તોપણ પ્રબલન ન મળે.

(2) નિયત ગુણોત્તર ઉપક્રમ (FR = fixed ratio) : અમુક ચોક્કસ સંખ્યા મુજબની પ્રતિક્રિયાઓ બાદ અપાતી પ્રતિક્રિયાને પ્રબલન અપાય છે. બિનપ્રબલિત અને પ્રબલિત પ્રતિક્રિયાઓ વચ્ચે ચોક્કસ ગુણોત્તર નક્કી કરવામાં આવે છે; દા.ત., 15 : 1 દર 16મી પ્રતિક્રિયાને પ્રબલન મળે. આને FR – 15 તરીકે ઓળખવામાં આવે છે.

(3) પરિવર્તનશીલ કે અનિયત મધ્યાંતર ઉપક્રમ (VI = variable interval) : પ્રતિક્રિયાને પ્રબલન આપવા માટેનો સમય યર્દચ્છાએ નક્કી કરવામાં આવે છે, છતાં સરેરાશ સમયગાળો જણાવવામાં આવે છે; દા.ત., VI – 2 સરેરાશ બે મિનિટે પ્રબલન અપાય, પરંતુ એક વાર 50 સેકન્ડે તો બીજી વાર 70 સેકન્ડે એમ પ્રબલન આપવામાં આવે.

(4) પરિવર્તનશીલ ગુણોત્તર ઉપક્રમ (VR = variable ratio) : બિનપ્રબલિત પ્રક્રિયાઓની સરેરાશ સંખ્યા નક્કી કરવામાં આવે છે અને પ્રબલન માટે જરૂરી પ્રતિક્રિયાઓની સંખ્યા દર વખતે યચ્છયા નક્કી થાય છે; દા.ત., VR- 20માં પ્રતિક્રિયાઓની સરેરાશ સંખ્યા 20 રહે એ રીતે એક વાર 24મી તો બીજી વાર 16મી તો ત્રીજી વાર 18મી એમ યર્દચ્છાએ પ્રતિક્રિયાની સંખ્યા નક્કી કરવામાં આવે છે.

અભ્યાસો દર્શાવે છે કે ઉપક્રમના પ્રકાર પ્રમાણે પ્રતિક્રિયાની તરેહ બદલાય છે; દા.ત., FI ઉપક્રમમાં પ્રબલન મળવાનો સમયગાળો નજીક આવે ત્યારે પ્રાણી ઝડપથી પ્રતિક્રિયા આપે છે; પરંતુ પ્રબલન પછી ઝડપ એકદમ ધીમી પડે છે. VIમાં પ્રતિક્રિયાનો દર એકસરખો રહે છે. FRમાં શરૂઆતથી જ પ્રતિક્રિયાનો દર ઊંચો અને સ્થિર રહે છે.

કિરણોત્સર્ગ, ઔષધો, થાક વગેરે પરિબળોની કાર્ય પર શી અસર પડે છે તેનું મૂલ્યાંકન કરવામાં પ્રબલનના ઉપક્રમો કુદરતી બૅરૉમિટર તરીકે કામ કરે છે.

ઉદ્દીપક સામાન્યીકરણ : અમુક ચોક્કસ ઉદ્દીપક પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપતાં શીખવ્યા બાદ ઉદ્દીપક પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છતાં પ્રતિક્રિયા મળે છે. આને ઉદ્દીપક સામાન્યીકરણ કહે છે. એક પ્રયોગમાં ગોળ ચાવીમાં પ્રકાશની તીવ્રતા 8 રાખીને કબૂતરને ચાંચ મારતાં શિખવાડ્યું. ત્યારબાદ પ્રકાશની તીવ્રતા અનુક્રમે 2,4,6,10,12 અને 14 રાખવામાં આવી, છતાં ચાંચ મારવાની પ્રતિક્રિયા મળી. જેમ મૂળ અને નવી ઉદ્દીપક પરિસ્થિતિ વચ્ચે સામ્ય વધુ તેમ સામાન્યીકરણનું પ્રમાણ વધુ. આને સામાન્યીકરણના ઢાળ (gradients of generalization) કહે છે.

ઉદ્દીપક ભેદબોધન : એક ઉદ્દીપકની હાજરીમાં પ્રતિક્રિયા મળે ત્યારે પ્રબલન આપવામાં આવે અને બીજા ઉદ્દીપકની હાજરીમાં પ્રતિક્રિયા મળે ત્યારે પ્રબલન આપવામાં ન આવે તો તે બે ઉદ્દીપકો વચ્ચેનો ભેદ સમજાય છે; દા.ત., સ્કિનર પેટીમાં પ્રકાશ હોય ત્યારે હાથો દબાવે તો ઉંદરને અન્નગુટિકા આપવામાં આવે છે અને અંધકાર હોય ત્યારે હાથો દબાવે છતાં અન્નગુટિકા આપવામાં આવતી નથી. આવા અનેક પ્રયત્નો પછી ઉંદર પ્રકાશ અને અંધકાર વચ્ચે ભેદ પાડતાં શીખે છે.

વિલોપન : પ્રબલન દ્વારા પ્રતિક્રિયા શીખવ્યા બાદ તે પ્રતિક્રિયાને પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે તો તે પ્રતિક્રિયા મળવાની સંભાવના ઘટે છે અને અંતે તે પ્રતિક્રિયા બંધ થઈ જાય છે. આને વિલોપન કહે છે. સ્કિનર પેટીમાં હાથો દબાવતાં ઉંદર શીખી જાય પછી હાથા અને અન્નગુટિકા ભંડાર વચ્ચેનું યાંત્રિક જોડાણ દૂર કરવામાં આવે છે. હવે ઉંદર હાથો દબાવે છતાં અન્નગુટિકા મળતી નથી. પરિણામે હાથો દબાવવાની પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટે છે અને પ્રતિક્રિયા બંધ થઈ જાય છે.

અભિસંધાનનો વ્યવહારમાં ઉપયોગ : પ્રશિષ્ટ અભિસંધાનની ટેકનિક ભાષાશિક્ષણ, આવેગ, શિક્ષણ, પ્રાણીઓને ચેષ્ટાશિક્ષણ તેમજ વર્તનોપચારમાં ઉપયોગી નીવડી છે. તે જ પ્રમાણે કારક અભિસંધાનની ટૅકનિક ખાસ કરીને અભિક્રમિત શિક્ષણ (programmed teaching), ભાષાશિક્ષણ અને વર્તનોપચારમાં સફળ નીવડી છે.

બિપીનચંદ્ર મગનલાલ કોન્ટ્રાક્ટર

24 June 2021

બાળઉછેરમાં માતૃત્વ શૈલીની અસર- મનોવૈજ્ઞાનિક સર્વે

બાળઉછેરમાં માતૃત્વ શૈલીની અસર-
 મનોવૈજ્ઞાનિક સર્વે

બાળક ગર્ભમાં હોય ત્યારથી તેના જન્મ પછી ઉછેરશૈલીના આધારે તેનું વ્યક્તિત્વ ધડાય છે.. તેથી બાળકને મોબાઈલ આપી જવાબદારી મુક્ત ન થવું


બાળકના ઉછેર, સમાજિકરણ અને વ્યક્તિત્વના વિકાસમાં મહત્વનો ફાળો માતા- પિતાનો હોય છે. બાળક જ્યારથી ગર્ભમાં હોય ત્યારથી માંડી ને બાળકના જન્મ પછી તેની ઉછેરશૈલી ના આધારે વ્યક્તિત્વ ધડાય છે.દરેક બાળક ના વ્યક્તિત્વ વિકાસ પર ઉછેર શૈલી ની અસર જોવા મળે છે.આ આધુનિક સમયમાં બાળકના વ્યક્તિત્વ વિકાસ પર માતા- પિતાની ઉછેર શૈલી ની અસરો જોવા મળી રહી છે.જે બાળક ના વ્યક્તિત્વ વિકાસ તેમજ શિક્ષણ પર અસરો કરે છે.આધુનિક સમયમાં બાળકમાં જીદીપણું, માતા- પિતા નું કહેવું ન માનવું,પોતાની વાત મનાવવા ધમપછાડા કરવા, મોબાઈલ વ્યસન તેમજ શિક્ષણમાં પણ ક્યારેક રસવિહીન જોવા મળી રહ્યુ છે.ઘણી વખત આવા બાળકને તોફાની કહી લોકો ખિજાતા હોય છે પણ દરેક બાળક તોફાની કે જીદી નથી તેનો જે ઉછેર હોય તેની અસર પણ પડતી હોય છે.

ગર્ભાવસ્થા માં જ ખૂબ ધ્યાન દેવું જરૂરી

માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે માતા ને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવુ પડે છે.વર્તન,આવેગો,ખોરાક,વિચારો તેમજ તેની દરેક ક્રિયા પ્રતિક્રિયાની અસર તેના બાળક પર થતી હોય છે.તે ઘણી ક્રિયા માતાના ગર્ભમાં શીખી લે છે.તેથી તેને સારું વાતાવરણ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા.તે સમયે માતા એ પોતાના વર્તન આવેગો ને નિયંત્રણ માં લાવવા જોઈએ.તેમજ તામસી ખોરાકથી દૂર સાદું ભોજન લેવું જોઈએ.તેમજ વિચારો સારા કરવા જેથી તે વિચારોની વિધાયક અસર તેના બાળક પર થાય છે.તેથી જ બાળકના ઉછેર અને વ્યક્તિત્વ વિકાસ નું પહેલું બીજ માતા જ રોપે છે.

બાળકના જન્મ બાદ તેના માતા પિતા બનેં દ્વારા બાળકનો ઉછેર થાય છે.બાળકના જન્મ બાદ મુખ્યત્વે માતા નો ફાળો હોય છે પરંતુ જેમ બાળક મોટું થતું જાય તેમ તે પિતા તેમજ પરિવારના અન્ય સભ્ય ના સંપર્ક માં આવે છે.બાળકને ખાવું પીવું,બોલવું ,ચાલવું,વગેરે શિક્ષણ માતા પિતા તરફ થી પ્રાપ્ત થાય છે. દરેક માતા પિતા પોતાનાં બાળક નો ઉછેર અલગ અલગ શૈલી ઓ થી કરતા હોય છે.બાળકનું માતા પિતા કે અન્ય વ્યક્તિઓ સાથે નો સંબંધ તેમજ બાળકનો સ્વભાવ એ બાળઉછેર શૈલી પર આધાર રાખે છે. મનોૈજ્ઞાનિકોએ બાળઉછેર શૈલી ઓ આપી છે. જેવી બાળકની ઉછેરની શૈલી હોય તેની અસર બાળકના સમગ્ર વ્યક્તિત્વ પર થાય છે.

સરમુખત્યારશાહી શૈલી:

આ ઉછેરની શૈલીમાં માતા પિતા તરફથી અમુક નિયમો લાદવામાં આવે છે.નિયમોનું પાલન કરવામાં આવે તો પુરષ્કાર અને જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો ધમકાવવું કે સજા કરવી. માતા પિતા તરફથી એવો આગ્રહ રાખવામાં આવે છે કે બાળક પોતાના દરેક નિયમો તેમજ તેમની આજ્ઞા નું પાલન કરે. અહીં બાળક માતાપિતાની કઠપૂતળી બની જાય છે જેનાથી બાળકમાં ગુસ્સો,બાળકમાં આત્મગૌરવની ઉણપ, બદલા તેમજ વેરવૃત્તિની, ભાવના,તેમજ તેનામાં આત્મવિશ્વાસ નો અભાવ, કમજોર વર્તન,લાગણી પર અવિશ્વાસ જોવા મળે છે.તેમજ બાળકનું એકલા પડી જવું જેની અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આવું બાળક મોટું થતા ખૂબ આધિપત્ય વર્તન ધરાવનાર બને છે અને તેનાથી નાના લોકોને હેરાન કરવામાં આનંદ અનુભવે છે.

અતિ રક્ષણાત્મક શૈલી:

ઘણા માતા પિતા બાળક પ્રત્યે આધારે પડતાં ભાવુક હોય છે.તે વધારે પડતું બાળકનું રક્ષણ કરે તેમજ વધારે પડતી કાળજી લે છે.તે બાળકના દરેક કાર્ય માં સાથે રહે છે.બાળકને પોતાના સ્વપ્ન કે લક્ષ્ય બતાવીને બાળકને આગળ વધવા માટે કહે છે.બાળક ના પણ પાડી શકતું નથી. બાળક જાતે એક ડગલું આગળ ભરે તો પણ માતાપિતાને ભય લાગે છે. જેના લીધે બાળકનો ઉપરછલ્લો આત્મવિશ્વાસ હોય છે.તેથી બાળક નો યોગ્ય વિકાસ રૂંધાય છે.તે બિનજવાબદાર,સ્વકેન્દ્રી તથા દ્વેશિલું બને છે,ગેરમાર્ગે દોરવાઈ જાય છે.તે મનગમતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવા લાગે છે. શિક્ષણ માં પાછળ રહી જાય છે. આવું બાળક કોઈ નિર્ણય જાતે લઈ શકતું નથી. તે હંમેશા કોઈ પર આધારિત રહે છે. નિર્ણય શક્તિ ખૂબ નબળી રહી જાય છે

બેદરકાર શૈલી:

નાના બાળકને જમે નહિ એટલે મોબાઈલ હાથમાં પકડાવી દેવો એ આ પ્રકારની શૈલી ગણાવી શકાય. માતા પિતા પોતાની જવાબદારી કે શિસ્ત શીખવવા થી દુર ભાગે છે તેઓ પોતાના બાળક થી દૂર રહી અને પોતાના માં જ વ્યસ્ત રહેતા હોય છે.તેમજ તેના મતે બાળકને જેમ કરવું હોય તેમ કરે તેવી ભાવના ધરાવતા હોય છે. જેનાથી બાળકમાં સબંધો માં અવિશ્વાસ ,આત્મવિશ્વાસ નો અભાવ,તે પોતાની જાતને અને દુનિયાને પણ તિરસ્કારની ભાવના થી જુએ છે,પોતાની લાગણી ઓ ને છુપાવે છે,જલ્દી થી કોઈ નો વિશ્વાસ કરી શકતું નથી.

આધુનિક યુગમાં માતૃત્વશૈલી ખૂબ મોટી જવાબદારી

આધુનિક સમયમાં માતા પિતા પોતાના બાળક નો ઉછેર ખૂબ લાડકોડ થી કરે છે.જેની નિષેધક અસરો બાળકના વ્યક્તિત્વ વિકાસ અને શિક્ષણ પર જોવા મળે છે. બાળકની દરેક વાત ને વધારે પડતું સમર્થન આપવું,બાળકની દરેક જીદ પૂરી કરવી, બાળક કહે તેમ કરવું,જેથી બાળક પોતાના માતા પિતા ના અતિ પ્રેમ, લાડ,અને હુંફ નો ફાયદો ઉઠાવે છે. બીજી તરફ વધુ પડતા આશાવાદી માતા પિતા પણ નજરે ચડે છે. સતત રેસમાં જ પોતાનું બાળક હોય એ રીતનું વર્તન હોય બાળકને બસ દોડવાનું જ રહે છે. જેથી એક અંતર આવી જાય છે.

બાળક સમાજ માં પણ અન્ય વ્યક્તિઓ પાસે પણ માતા પિતા જેવા વર્તન ની અપેક્ષા રાખે છે.તેવું વર્તન કે છૂટછાટ ન મળતાં બાળક ગેરમાર્ગે પણ દોરવાઈ જાય છે બાળક મોટું થતાં તેમાં શિસ્ત,યોગ્ય આવડત ,યોગ્ય સંસ્કાર તેમજ સ્થિરતાની ખામી સર્જાય છે. આવી અતિ લાડ પ્રેમ,હુંફ અને છૂટછાટ વાળી ઉછેર શૈલી બાળક ના ભવિષ્યને ધૂંધળું બનાવે છે.તેમજ તેના વ્યક્તિત્વ વિકાસ,સ્વભાવ,વર્તનભાતો પર વિપરીત અસર જોવા મળે છે.

ભય કે મહામારીમાં માવજતની અસર

જ્યારે પણ ભય કે મહામારીનું વાતાવરણ સર્જાય ત્યારે બાળકના કુમળા મન પર તેની અસર થતી હોય છે. આ સમયે ઘરના લોકોએ ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં નિષેધક વાતો ન કરવી, મૃત્યુકે બીમારીની વાતોથી બાળકને દૂર રાખવું, ગંભીર બાબતો પણ ખૂબ સરળ રીતે અને શાંતિથી સમજાવવી, ઘરમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેની અસર બાળક પર ન થાય ધ્યાન રાખવું

બાળક અનુકરણથી શીખે છે

દરેક બાળક ઘરના વડીલો ખાસ કરીને માતા પિતાને જોઈ, તેમનું વર્તન જોઈ નિરીક્ષણ કરી શીખતાં હોય છે. જો માતા પિતા ઘરમાં અપશબ્દો કે અયોગ્ય વર્તન કરશે તો બાળક એ પણ શીખવાનું છે. એટલે બાળક સામે ખૂબ ધ્યાન પૂર્વક વર્તન કરવું

માતા પિતાએ ધ્યાનમાં લેવા જેવી બાબતો
  • બાળકનો ઉછેર કરતી વખતે ખૂબ સખત કે ખૂબ નરમ વર્તન ન કરવું.
  • બાળક સામે શબ્દો બોલતી વખતે ખૂબ કાળજી રાખવી
  • દંપતિ તરીકેનું કોઈપણ વર્તન જે અયોગ્ય છે તે બાળક સામે ન કરવું
  • ઘરના કોઈ નિર્ણય લેતી વખતે બાળકને પણ ભાગીદાર બનાવો
  • થોડા નિર્ણય બાળકને પણ લેવા દયો, હા તેની મદદ ચોક્કસ કરો પણ તેની તર્ક શક્તિને વિકસવા દયો
  • બાળક સામે વ્યસન ટાળવું
  • બાળકને મોબાઈલ આપી જવાબદારી મુક્ત ન થાવ
એક યોગ્ય ઉછેર શૈલી

પ્રેમ સાથે શિસ્ત નું પાલન કરાવવું,બાળક પ્રત્યે અરસપરસ આદર, પ્રોત્સાહન આપવું,બાળક ને જવાબદારી સોંપવી,જરૂર પ્રમાણે ઉત્તર આપવો ,માર્ગદર્શન પૂરું પાડવું,અરસપરસ વાર્તાલાપ, પરિણામની સભાનતા કેળવવી. જેથી બાળકમાં સ્વાભિમાન તથા બીજા પ્રત્યે આદર ,જવાબદારી પૂર્વકનું વર્તન ,નેતૃત્વ કરી શકે , સાથ સહકાર અને સુમેળભર્યું સામાજિક વર્તન , ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમજ માનસિક રીતે સ્વસ્થ બને છે.

- મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી.

23 June 2021

ગ્રામ્ય વિસ્તાર.... સેનેટરી પેડ....ડર...અંધશ્રદ્ધા

ગ્રામ્ય વિસ્તાર.... સેનેટરી પેડ....ડર...અંધશ્રદ્ધા


આજેપણ ગ્રામ્ય વિસ્તારોમાં 81% મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરતાં ડરે છે, પેડ વિશે અંધશ્રદ્ધા "એવી વસ્તુ ઘરમાં ન રાખીએ માતાજીને સૂતક લાગે"

આજે ભારત દેશનો વિકાસ ખૂબ થયો છે અને આધુનિક બનવા લાગ્યો છે છતાં અમુક ગામડાઓમાં આજેપણ ખોટો ભય અને અંધશ્રદ્ધા જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં સર્વે કરતા માલુમ થયું કે આજેપણ 81% મહિલાઓ માસિકધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી અને તેઓ ખોટી માન્યતાઓ ધરાવે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી હજુ રૂઢિચુસ્ત માન્યતાઓનું વલણ દૂર થતું નથી. ક્યાંક નવી નવી સમસ્યાઓ તો ક્યાંક ક્યાંક નવા નવા રોગો ની ઉત્પત્તિ.

સ્ત્રીને જાગૃત કરવી એ ખૂબ જરૂરી છે. સ્ત્રી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવી પણ જરૂરી છે. છતાં કેમ હજુ કેટલીક સ્ત્રીઓ નિરાશ છે. અહીં સ્ત્રીના શરીરમાં થતા કુદરતી શારીરિક ફેરફારને લગતો એક સર્વે કરવામાં આવ્યો છે. અહીં આ સર્વેમાં કેટલી સ્ત્રીઓ સેનેટરી પેડ્સ નો ઉપયોગ કરે છે? અને કેટલી સ્ત્રીઓ આ પેડ્સનો ઉપયોગ નથી કરતી એ જાણવા આ સર્વે હાથ ધરાયેલો છે.માસિકધર્મ દરમીયાન સ્ત્રીઓએ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો જોઈએ આ બાબત કેટલાક લાંબા સમયથી ચાલી રહી છે. આજે પણ ગામડાની સ્ત્રીઓ માસિકધર્મના દિવસો દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓને સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો વેઠવી પડે છે.પીરીયડસ કે માહવારી દરેક સ્ત્રીને કિશોરાવસ્થાથી શરુ થઈ જાય છે. જેના શરીરમાં કોઈ સમસ્યા હોય એના સિવાય લગભગ દરેક સ્ત્રીને નિયમિત રીતે પીરીયડસ આવતા રહે છે. અને આ એક એવી વસ્તુ છે જેના વિષે લોકો ખુલીને વાત કરવામાં અચકાય છે. અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય, તો લોકો તરત જ વાત બદલી નાખતા હોય છે.

તેમજ થોડા ઓછું ભણેલા લોકો આને મહિલાઓને થતી અસાધ્ય બીમારી સમજી બેસે છે. પણ અમે તમને જણાવી દઈએ કે, આ કોઈ બીમારી નથી પણ મહિલાઓના શરીરમાં થતી સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે. પહેલા ભારતની ઘણી સ્ત્રીઓ પીરીયડસ દરમ્યાન એના માટે મળતા સેનેટરી પેડ વાપરવાની જગ્યાએ સાદા કપડાનો ઉપયોગ કરતી હતી.

પણ હવે ભારત દિવસે ને દિવસે આધુનિક થયા લાગ્યો છે, તો ઘણી મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરવાં લાગી છે. આ સેનેટરી પેડ કપડાની સરખામણીએ ઘણા સુરક્ષિત હોય છે. આમ તો તેમાં પણ થોડી ખામીઓ જરૂર છે. દાખલા તરીકે દરેક સ્ત્રીઓ એને ખરીદી નથી શકતી. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને ડો.ડિમ્પલ રામાણીએ 1323 બહેનોને રૂબરૂ મળીને માહિતી એકથી કરેલ. અમુક સ્ત્રીઓને ગામડાઓમાં પૂછવામાં આવેલ પ્રશ્નો નીચે મુજબ હતા

1) માસિક સ્ત્રાવ વખતે તમે સેનેટરી પેડનો ઉપયોગ કરો છો?
જેમાં 81% સ્ત્રીઓ આ પેડનો ઉપયોગ કરતી નથી.

2) માસિક સ્ત્રાવના સમય દરમિયાન તમારા મૂડ કે વર્તનમાં કોઈ ફેરફાર જણાય છે?
જેમાં 72% સ્ત્રીઓના વર્તન કે મૂડમાં પરિવર્તન જોવા મળે છે એવું જણાવ્યું

3) સેનેટરી પેડ વિશેની જાણકારી છે?
36% ગ્રામ્ય સ્ત્રીઓને પેડ વિશેની જાણકારી જં નથી.

4) માસિકધર્મ દરમ્યાન આપની સાથેનો વ્યવહાર ઘરના લોકોનો કેવો હોય છે?
45% મહિલાઓએ જણાવ્યું કે આ દિવસોમાં અમને રસોડામાં પ્રવેશ હોતો નથી. કોઈ ખૂણામાં બેસી રહીએ કેમ કે અમે બીજાને અડીએ તો આભડછેટ લાગે. પાંચ દિવસ અમે જાણે કેદી હોઈએ એવો અહેસાસ થતો હોય છે. અમારી બનાવેલ રસોઈ પણ ઘરના કોઈ જમે નહીં.

5) આ સમયમાં સૂતક પાળવું જોઇએ એવું તમે માનો છો? 54% સ્ત્રીઓ જં પિરિયડ દરમ્યાન સૂતક પાળવાના પક્ષે છે. 27% સ્ત્રીઓએ જણાવ્યું કે અમે તો નથી માનતા એવામાં પણ મારા સાસુ સસરા અને ઘરના જક્કી છે માટે પાળવું પડે છે.

સેનેટરી પેડ્સ શા માટે નથી વાપરતા?

- મોંઘા હોય તો કેમ લેવા
- દિવસમાં 4થી 5 વાર બદલવા ન પોસાય
- એવી વસ્તુ ઘરમાં ન રાખીએ માતાજીને સૂતક લાગે
- આ કુદરતી પ્રક્રિયા છે એમાં માનવીની બનાવેલી વસ્તુ શું કામ વાપરવી?
- અમારે તો ઉપયોગમાં લેવા હોય પણ ઘરનાનું માનવું એવુ કે કોથળામાં સુવાનું હોય આખો દિવસ ક્યાં બહાર જવું હોય કે તમારે આવા કપડાનો ઉપયોગ કરવો જોઈએ.
- આવું નવું નવું નીકળ્યા કરે બધું થોડું લેવા બેસાય?
- પહેલા તો આવુ કશું નહોતું લોકો કપડાનો ઉપયોગ કરે છે અને કરતા જ તો ત્યારે તો કશું ન થતું હવે જ રોગ થાય? આવુ સાંભળવું.
- અમારા ગ્રામ્ય વિસ્તારમાં પેડસનો ઉપયોગ કરતા જોવે તો કોઈ અમને બોલાવે નહિ, અને ઘરે પણ ન આવવા દે અને નિકાલ માટે કોઈ ઉપાય નથી, ગંદુ કહે એટલે ઉપયોગમાં લેતા વિચાર આવે.
- કોઈ જોવે અને લેવા જતા શરમ આવે.
-પેડ્સ બહાર ફેંકવાથી તે પર્યાવરણને નુકસાન કરે છે એવુ કહી ઉપયોગ કરવા દેતા નથી.
- પેડસનો ઉપયોગ કરવાથી કોઈ રોગ થશે એવો ડર લાગે છે.
- તે પ્લાસ્ટિકનું બનેલું હોવાથી પ્રાઇવેટ પાર્ટસને નુકસાન પહોંચાડે એવુ વલણ
- ક્યાંક ગર્ભ ન રહે એનું ચેપ લાગી જાય તો શું કરવું?

સેનેટરી પેડ્સ ઉપયોગ કરવાના ફાયદા

– સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી કપડાં બેદાગ રહે છે. અને વારંવાર કપડાં ચેક કરવા પડતા નથી. શરમનો અનુભવ કરવો પડતો નથી.
-આ સ્ત્રીઓને લાંબા સમય સુધી સ્વચ્છ રાખે છે.
-વર્કિંગ વુમનની કામ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે.
-કપડાંની સાથે ઇન્ફેક્શનનો ખતરો બનેલો રહે છે. જેના કારણે આગળ જતાં ગર્ભાશયમાં સોજો કે કેન્સર થવાની શકયતા ખૂબ વધી જાય છે.
-સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાથી શરીરમાંથી કોઈ દુર્ગંધ આવતી નથી જેને કારણે તમારો મૂડ પણ સારો રહે છે.
- કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનનો ડર ઓછો થઈ જાય છે.
- આ નેપકીન શરીરમાંથી થતા રક્તસ્ત્રાવને સૂકવવાનું કામ કરે છે.જેથી ભીનાશનો અનુભવ કરવા દેતું નથી.જેથી છોકરીઓનું ધ્યાન એ તરફ રહેતું નથી.
- આરામ દાયક હોય છે જેથી બહેનોનેવધુ ટેંશન રહેતું નથી.
આ પેડસનો ઉપયોગ કરવાથી વારંવાર કપડાં ધોવા કે એવી કોઈ માથાકૂટ રહેતી નથી. ડાયરેક્ટ કચરાપેટીમાં જ નાખવાનું રહે છે.
- શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવીએ છીએ.
- ડાઘા કે કપડાં બગડવાનો તણાવ રહેતો નથી.
- બીજા કોઈપણ કામ સરળથી થઇ શકે છે.
- બહાર આવાન જાવનમાં કોઈ તકલીફ કે સમસ્યા લાગતી નથી. સરળતાથી બહાર ફરી શકીએ છીએ.

18 June 2021

પ્રત્યક્ષીકરણ (perception)

પ્રત્યક્ષીકરણ (perception)

પ્રત્યક્ષીકરણ (perception) : વિવિધ પદાર્થોને જાણવાની પર્યાવરણથી માહિતગાર થવાની પ્રક્રિયા. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવાં જ્ઞાનેન્દ્રિયોરૂપી દ્વારમાં થઈને પર્યાવરણમાંના ઉદ્દીપકો મગજમાં પહોંચે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા કોઈ પણ પદાર્થના પ્રાથમિક જ્ઞાનને સંવેદન (sensation) કહે છે. વાસ્તવમાં, સંવેદનનો અલગ અનુભવ થતો નથી; પરંતુ તે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાનો જ અંતર્ગત ભાગ છે. પ્રત્યક્ષીકરણ એટલે જુદાં જુદાં સંવેદનોનું સંકલન કરીને અર્થ તારવવાની પ્રક્રિયા; દા.ત., ડાઇનિંગ ટેબલ પર મૂકેલી આફૂસ કેરીને જોવામાં આવે ત્યારે તેના પરથી આવતાં પ્રકાશનાં કિરણો આકાર, કદ અને રંગનાં સંવેદનો ઉત્પન્ન કરે છે. સ્પર્શ કરવાથી તેની સપાટીના લીસાપણાનું, તેને ચાખવાથી સ્વાદનું અને સૂંઘવાથી ગંધનું સંવેદન થાય છે. આવાં વિવિધ સંવેદનોને સંગઠિત કરીને જ્યારે જોનારને જ્ઞાન થાય કે ‘આ આફૂસ કેરી છે’ ત્યારે પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. આમ સંવેદનનો સંબંધ ઉદ્દીપકો સાથે છે, જ્યારે પ્રત્યક્ષીકરણનો સંબંધ ઉદ્દીપકોના ઉદભવસ્થાન એવા વાસ્તવિક પદાર્થો સાથે છે. તેથી જ પ્રત્યક્ષીકરણ એટલે સંવેદનાત્મક વલણોની એવી સંગઠિત પ્રક્રિયા, જે દ્વારા જોનાર પદાર્થોને એના યથોચિત સ્વરૂપમાં વૃક્ષ, માનવી, મકાન, યંત્ર વગેરે રૂપે જાણે છે.

પ્રત્યક્ષીકરણ અમુક અંશે વ્યક્તિ ઉપર પણ આધારિત હોય છે; તેથી જ કહેવાય છે કે, વસ્તુઓ જેવી છે તેવી જોનાર જોતો નથી, પરંતુ જોનાર વ્યક્તિ જેવી હોય તે રીતે જ તે વસ્તુઓને જુએ છે. વ્યક્તિને જગત જે રીતે દેખાય છે, સંભળાય છે, સૂંઘાય છે, ચખાય છે કે સ્પર્શાય છે તે રીતે તે પ્રત્યક્ષ થાય છે. તેથી જ વ્યક્તિ દ્વારા જે કંઈ અનુભવાય છે તેનો પ્રત્યક્ષીકરણમાં સમાવેશ કરાય છે.

પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં પ્રથમ તબક્કે પર્યાવરણમાંની વિવિધ ભૌતિક શક્તિઓ જોનારની જ્ઞાનેન્દ્રિયોના સંવેદનગ્રાહક કોષો ઉપર અસર કરે છે. આ ગ્રાહક કોષોમાંથી ચેતાપ્રવાહો નીકળીને મગજમાં જાય છે. ત્યાં થતી પ્રક્રિયાને પરણામે પદાર્થો અને બનાવોનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. (જુઓ આકૃતિ 1.)


આમ પ્રત્યક્ષીકરણ એ મગજને પહોંચતા સાંવેદનિક નિવેશ(sensory input)નું અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. અર્થાત્ તે અર્થપૂર્ણ સાંવેદનિક નિવેશનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે.

કેટલીક વાર માનવીનું પ્રત્યક્ષીકરણ વાસ્તવિકતા સાથે મેળ ધરાવતું નથી. અર્થાત્, કેટલીક વાર પ્રત્યક્ષીકરણ નિષ્ફળ જાય છે. પ્રત્યક્ષીકરણની આવી નિષ્ફળતા, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાઓ કઈ રીતે કાર્ય કરે છે તે સમજવા માટેના મહત્વના સંકેત પૂરા પાડે છે; તેથી જ મનોવૈજ્ઞાનિકો પ્રત્યક્ષીકરણના અભ્યાસમાં ભ્રમ(illusion)ના અભ્યાસનો સમાવેશ કરે છે.

ભ્રમ એટલે ગેરમાર્ગે દોરનારું પ્રત્યક્ષીકરણ. ભ્રમમાં ઉદ્દીપક તો ઉપસ્થિત હોય છે, પરંતુ મગજને પહોંચતા સાંવેદનિક નિવેશનું અર્થઘટન ખોટી રીતે થાય છે; દા.ત., આછા પ્રકાશમાં વેરાન જગ્યાએથી પસાર થતાં રસ્તામાં પડેલા દોરડાને સાપ તરીકે જોઈએ છીએ. આને ‘રજ્જુ-સર્પ ભ્રમ’ કહે છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં ભૌમિતિક ભ્રમોનો અભ્યાસ થાય છે; દા.ત., મ્યૂલર-લાયર ભ્રમ.

મ્યૂલર-લાયરે દર્શાવેલો આ ભ્રમ વિસ્તારને લગતો ભૌમિતિક ભ્રમ છે. તેમાં સમાન લંબાઈની બે રેખાઓ અંદર અને બહારનાં પાંખિયાંઓને લીધે નાનીમોટી દેખાય છે. (જુઓ આકૃતિ 2.)


અહીં અંદર તરફનાં પાંખિયાં ધરાવતી ‘ક’ રેખા, બહારનાં પાંખિયાં ધરાવતી ‘ખ’ રેખા કરતાં નાની દેખાય છે. વાસ્તવમાં બંને રેખાઓની લંબાઈ 3 સેમી. જ છે. આ ભ્રમને સમજાવવા માટે અનેક સ્પષ્ટીકરણ રજૂ થયાં છે.

રિચાર્ડ ગ્રેગરીએ રજૂ કરેલા આધુનિક સ્પષ્ટીકરણ મુજબ મ્યૂલર-લાયર ભ્રમ થવાનું કારણ અંતરનું પ્રત્યક્ષીકરણ છે. ખંડની અંદરથી ખંડના ખૂણાને જોઈએ તો દીવાલો દ્વારા ભોંયતળિયા અને છત સાથે જે ખૂણાઓ બને છે તે બહારનાં પાંખિયાંવાળી રેખા (ખ) જેવી જ રેખા બનાવે છે; જ્યારે મકાનની બહારથી મકાનના ખૂણાને જોઈએ તો દીવાલો દ્વારા ભોંયતળિયા અને છત સાથે જ ખૂણાઓ બને છે તે અંદર તરફનાં પાંખિયાંવાળી રેખા (ક) જેવી રેખા બનાવે છે. આમ અંદર તરફનાં પાંખિયાંવાળી રેખા (ક) કરતાં બહારનાં પાંખિયાંવાળી રેખા (ખ)ને વધુ નજીકથી જોતાં હોવાથી મોટી દેખાય છે અને અંદર તરફના પાંખિયાંવાળી (ક) રેખા દૂરથી જોતાં હોવાથી નાની દેખાય છે.

ભ્રમનો આધાર અમુક અંશે જોનારની સંસ્કૃતિ ઉપર પણ રહેલો છે. નાનપણથી જ સીધી રેખાઓ અને ખૂણાઓના જગતમાં ઊછરીને મોટા થનારને મ્યૂલર-લાયર ભ્રમ થાય છે, પરંતુ ઝુલુસ નામની દક્ષિણ આફ્રિકાની આદિમ જાતિ ‘વર્તુળાકાર સંસ્કૃતિ’માં રહે છે. તેઓ ગોળાકાર છત અને પ્રવેશદ્વારવાળી ઝૂંપડીઓમાં રહે છે. વળાંકવાળી રેખાઓમાં જ ખેતર ખેડે છે. તેમનાં રમકડાં અને સાધનોને પણ સીધી કિનારીઓ હોતી નથી તેથી તેમને મ્યૂલરલાયર ભ્રમ થતો નથી.

વિવિધ ભ્રમોનો અભ્યાસ દર્શાવે છે કે આપણું પ્રત્યક્ષીકરણ માત્ર સાંવેદનિક નિવેશ ઉપર આધારિત નથી. સાંવેદનિક નિવેશને વાસ્તવિક અનુભવમાં રૂપાતંરિત કરતી પ્રત્યક્ષીકરણની વિવિધ પ્રક્રિયાઓ નીચે મુજબ છે :

(1) આકાર-પ્રત્યક્ષીકરણ, (2) ઊંડાઈ કે અંતરનું પ્રત્યક્ષીકરણ, (3) પ્રત્યક્ષીકૃત સાતત્ય, (4) ગતિ-પ્રત્યક્ષીકરણ, (5) પ્રત્યક્ષીકૃત ઘાટક્ષમતા, (6) ધ્યાન.

1. આકાર-પ્રત્યક્ષીકરણ : પશ્ચાદભૂમિકાના સંદર્ભમાં આકૃતિની ઓળખ એ આકાર-પ્રત્યક્ષીકરણની સૌથી પાયાની પ્રક્રિયા છે. જોનાર હંમેશાં પદાર્થોને પશ્ચાદભૂમિકામાંથી ઊપસી આવતી આકૃતિઓ તરીકે જુએ છે. દા.ત., ટેબલ પર મૂકેલા પુસ્તકને જોતાં, પુસ્તક આકૃતિ તરીકે અને ટેબલ પશ્ચાદભૂમિકા તરીકે દેખાય છે. આમ જોનારનું પ્રત્યક્ષીકરણ હંમેશાં આકૃતિ અને ભૂમિકાવાળું હોય છે.

પરિરેખાઓ (contours) જોનારના ર્દષ્ટિક્ષેત્રમાંના પદાર્થોને આકાર આપે છે, કારણ કે પરિરેખાઓ પદાર્થને પશ્ચાદભૂમિકાથી અલગ પાડે છે. પરિરેખાઓનો અભાવ હોય તો પદાર્થો પશ્ચાદભૂમિકાથી જુદા દેખાતા નથી; દા.ત., લશ્કરમાં છદ્માવરણ(camouflage)નો ઉપયોગ થાય છે. સૈનિકોના પોશાકનો રંગ જમીન-ઝાડીમાં મળી જાય તેવો રાખવામાં આવે છે; જેથી તેઓ દુશ્મનોના પ્રત્યક્ષીકરણમાં આકૃતિ તરીકે ઊપસી આવે નહિ. લીલા ઘાસમાં રહેલો એ જ રંગનો સાપ સ્પષ્ટપણે નજરે પડતો નથી, તેનું કારણ પણ પરિરેખાઓનો અભાવ છે.

છદ્માવરણ(camouflage)

પ્રત્યક્ષીકરણમાં વિવિધ સંવેદનોનું સંગઠન થતું હોઈ પદાર્થો એક એકમ તરીકે અનુભવાય છે. સંગઠન કે સંયોજન એટલે વિવિધ સંવેદનોનો એક તરેહ કે જૂથ તરીકેનો અનુભવ. પ્રત્યક્ષીકરણમાં જોવા મળતા આ સંગઠન(perceptual organization)નો ખૂબ ઊંડો અભ્યાસ વીસમી સદીના પૂર્વાર્ધમાં સમષ્ટિવાદી મનોવૌજ્ઞાનિકો- (gestalt psychologists)એ કર્યો. ‘ગેસ્ટૉલ્ટ’ જર્મન શબ્દ છે. તેનો અર્થ ‘સારો આકાર’ કે ‘સુઆકૃતિ’ થાય છે. ગેસ્ટૉલ્ટ મનોવિજ્ઞાન પ્રમાણે સમગ્રમાં જે ગુણધર્મો હોય છે, તે તેના છૂટાછવાયા વિભાગોમાં હોતા નથી. ‘સમગ્ર’ એ એવા વિભાગોનો સરવાળો નથી. જુદા જુદા ઘટકોનું સંગઠન કઈ રીતે થાય છે, તે દર્શાવતા નિયમોને ‘પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો’ કે ‘સમૂહીકરણના નિયમો’ તરીકે ઓળખવામાં આવે છે; જેમ કે, સમીપતાનો નિયમ, સમાનતાનો નિયમ, સમપ્રમાણતાનો નિયમ, સાતત્યનો નિયમ, પૂરકતાનો નિયમ.

સમીપતાના નિયમ પ્રમાણે સમય અને સ્થળની ર્દષ્ટિએ નજીક નજીક રહેલા ઘટકો એક સંગઠિત જૂથ તરીકે પ્રત્યક્ષીકૃત થાય છે. સમાનતાના નિયમ મુજબ સમાન ઘટકો એક સંગઠિત જૂથ તરીકે પ્રત્યક્ષીકૃત થાય છે. સમપ્રમાણતાના નિયમ મુજબ, જોનારના મગજનું વલણ સંતુલિત અને સપ્રમાણ આકૃતિ બને એ રીતે ઘટકોને સંગઠિત કરવાનું હોય છે. સાતત્યના નિયમ મુજબ, સમય અને સ્થળની ર્દષ્ટિએ એકસાથે જોડાયેલા પદાર્થોમાં સાતત્ય કે અવિચ્છિન્નતા અનુભવાય છે. પૂરકતા કે રિક્તતાપૂર્તિના નિયમ મુજબ ઉદ્દીપક અપૂર્ણ હોય છતાં જોનારનું મગજ ખૂટતા ભાગોને પૂરીને તેનું પૂર્ણપણે પ્રત્યક્ષીકરણ કરાવે છે.

2. ઊંડાઈ કે અંતરનું પ્રત્યક્ષીકરણ : આંખના નેત્રપટ પર પડતી પદાર્થની પ્રતિમાને લંબાઈ અને પહોળાઈ એમ બે જ પરિમાણો હોવા છતાં, પદાર્થોને લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એમ ત્રણ પરિમાણોમાં જોઈ શકાય છે. ત્રિપરિમાણાત્મક દ્રશ્યના પ્રત્યક્ષીકરણમાં બે પ્રકારના સંકેતો ભાગ ભજવે છે : (ક) એકનેત્રીય અને (ખ) દ્વિનેત્રીય સંકેતો.

(ક) એકનેત્રીય સંકેતો (monocular cues) એટલે જ્યારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતા પ્રત્યક્ષીકૃત સંકેતો. બે જ પરિમાણ ધરાવતા ફલક પર ત્રિપરિમાણાત્મક દ્રશ્યનો અનુભવ કરાવવા ચિત્રકારો અનેક એકનેત્રીય સંકેતોનો ઉપયોગ કરે છે : (i) રૈખિક પરિપ્રેક્ષ્ય (linear perspective) : આપણી સામે સીધી રેખામાં સમાંતર રીતે પથરાયેલા પદાર્થો દૂરની બાજુએ ક્ષિતિજ પર ભેગા થતા દેખાય છે; દા.ત., રેલવેના પાટા. (ii) વાયુગત પારદર્શન (aerial perspective) : હવાના આવરણમાંથી ખૂબ દૂરના પદાર્થો જોવામાં આવે છે ત્યારે તે પદાર્થો ધૂંધળા, અસ્પષ્ટ દેખાય છે અને નજીકના પદાર્થો જોવામાં આવે છે ત્યારે તે પદાર્થોની બધી વિગતો સ્પષ્ટ દેખાય છે. પદાર્થ જેમ વધુ અસ્પષ્ટ દેખાય તેમ તે વધુ દૂર હોવાનું જણાય છે. (iii) અધ્યાસ (overlap, interposition) : જો એક પદાર્થ બીજા પદાર્થને ઢાંકતો હોય તો પૂર્ણ દેખાતો પદાર્થ નજીક અને અંશત: ઢંકાયેલો પદાર્થ દૂર હોવાનું લાગે છે. (iv) છાયા (shadow) : છાયાયુક્ત પદાર્થો દૂર દેખાય છે અને પ્રકાશયુક્ત પદાર્થો નજીક દેખાય છે. (v) અંતરજન્ય પોતભેદ (texture gradients) : જેમ જોનારની આંખથી સપાટી દૂર સુધી વિસ્તરે તેમ સપાટીના દેખાતા પોતમાં ફરક પડતો દેખાય છે. સપાટીનું પોત નજીકમાં વિગ્રથિત દેખાય છે, જ્યારે દૂરની બાજુએ સુગ્રથિત દેખાય છે. દા.ત., નજીકના પહાડોની સરખામણીમાં દૂરના પહાડોની સપાટી સુંવાળી દેખાય છે. (vi) સાપેક્ષ કદ : દૂર આવેલા પદાર્થો નાના દેખાય છે અને નજીકના પદાર્થો કદમાં મોટા દેખાય છે. (vii) ગતિ : જોનાર ગતિમાં હોય ત્યારે નજીકના પદાર્થો વિરુદ્ધ દિશામાં ઝડપથી ગતિ કરતા દેખાય છે, જ્યારે દૂરના પદાર્થો જોનારની જ દિશામાં ધીમી ગતિએ ગતિ કરતા દેખાય છે. (viii) રંગમાં ફેરફાર : જેમ પદાર્થો જોનારથી વધુ દૂર તેમ તેમનો રંગ ભૂખરો અને ઓછો તેજસ્વી દેખાય છે.

ઊંડાઈ કે અંતર માટેના મોટાભાગના સંકેતોમાં માત્ર એક જ આંખની જરૂર પડે છે; તેથી એક આંખ ધરાવતી વ્યક્તિઓ પણ મોટાભાગની પરિસ્થિતિઓમાં ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ યોગ્ય રીતે કરી શકે છે.

(ખ) દ્વિનેત્રીય સંકેતો (binocular cues) એટલે એવા પ્રત્યક્ષીકૃત સંકેતો જે એકસાથે કામ કરતી બંને આંખો ઉપર આધારિત હોય. બે આંખ ધરાવતી વ્યક્તિઓને અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરવામાં એકનેત્રીય ઉપરાંત કેટલાક દ્વિનેત્રીય સંકેતોનો પણ લાભ મળે છે : (i) ત્રિપરિમાણી (stereoscopic) ર્દષ્ટિ : બે આંખો એક જ પદાર્થને જુએ ત્યારે બંને આંખના નેત્રપટ પર બે પ્રતિમાઓ પડે છે. આ પ્રતિમાઓનું સંયોજન મગજમાં થાય છે અને ઊંડાઈ ધરાવતું એક સઘન, ત્રિપરિમાણાત્મક ર્દશ્ય જોઈ શકાય છે. (ii) નેત્રપટીય વિષમતા (retinal disparity) : બે આંખો વચ્ચે આશરે 65 સેમી.નું અંતર હોવાથી બંને આંખના નેત્રપટ પર એક જ પદાર્થનાં સહેજ જુદાં ર્દશ્યો ઝિલાય છે. દૂરના પદાર્થ કરતાં નજીકનો પદાર્થ જોઈએ ત્યારે બંને પ્રતિમાઓ વચ્ચે વધુ તફાવત હોય છે. આ શારીરિક સંકેત પરથી અંતર વિશેનો ખ્યાલ આવે છે. (iii) કેન્દ્રાભિસરણ (convergence) : 7.6 મી. સુધીના અંતરની મર્યાદામાં આવતા કોઈ પદાર્થને જોવો હોય તો તેની પ્રતિમા નેત્રપટના પીતબિંદુ (fovea) ઉપર ઝીલવા માટે આંખના બંને ડોળાઓને નાક તરફ અંદરની બાજુએ વાળવા પડે છે. તેમાં આંખના સ્નાયુઓ તંગ બને છે અને તેની નોંધ મગજ લે છે. આ સ્નાયવિક સંકેત પદાર્થ કેટલો દૂર છે તે નક્કી કરવામાં ઉપયોગી બને છે.

શિશુઓમાં ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ : ગિબ્સન અને વૉકના પ્રયોગોને આધારે એટલું ચોક્કસ કહી શકાય કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ ઘણીબધી પ્રાણીજાતિઓમાં જન્મદત્ત હોય છે અને માનવીમાં શક્તિ કાં તો જન્મદત્ત હોય છે અથવા તો જીવનના પ્રારંભમાં જ શીખી લીધેલી હોય છે.

3. પ્રત્યક્ષીકૃત સ્થિરતા (perceptual constancy) : જોનારનું પ્રત્યક્ષીકરણનું જગત સ્થિર છે. જોનારનો 157 સેમી.ની ઊંચાઈ ધરાવતો મિત્ર દૂર જતો હોય ત્યારે જોનારના નેત્રપટ ઉપર એની પ્રતિમા નાના કદની થતી જાય છે; છતાં પેલો જોનાર મિત્રને નાના કદના મિત્ર તરીકે જોતો નથી. ખંડમાંની બારીને જુદે જુદે ખૂણેથી એ લંબચોરસ બારીના આકાર વિશેની નેત્રપટ પર જે પ્રતિમાઓ પડે છે તેનો આકાર લંબચોરસ રહેતો નથી; આમ છતાં જોનાર તેને લંબચોરસ બારી તરીકે જ જુએ છે. સફેદ રંગની ગાય કે લાલ રંગની મારુતિકાર સૂર્યપ્રકાશમાંથી છાયામાં જાય ત્યારે તેના પરથી ઓછા પ્રકાશનું પરાવર્તન થાય છે, છતાં તેને ‘સફેદ ગાય’ કે ‘લાલ મારુતિ’ તરીકે જ જોવામાં આવે છે. આમ જોનારની આસપાસના જગતમાંના પદાર્થોને જુદી જુદી પરિસ્થિતિમાં પણ સ્થિર કદ, આકાર, ઉજ્જ્વળતા કે રંગમાં જોવામાં આવે છે તેને પ્રત્યક્ષીકૃત સાતત્ય કે સ્થિરતા કહે છે. પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે જુદા જુદા સંજોગોમાં પણ ઉદ્દીપક પરિસ્થિતિને લગભગ સમાન રીતે પ્રત્યક્ષ કરવાનું વલણ. પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે જોનારને પ્રત્યક્ષ થતી પર્યાવરણની સ્થિરતા.

4. ગતિ-પ્રત્યક્ષીકરણ : ર્દશ્ય જગતમાં અનુકૂળ થવા માટે ગતિનું ચોકસાઈપૂર્વકનું પ્રત્યક્ષીકરણ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક ગિબ્સનના મતે જોનાર પદાર્થને ગતિ કરતો જુએ છે, કારણ કે પદાર્થ જેમ ખસે તેમ સ્થિર પશ્ચાદભૂમિકાના ભાગોને તે અનુક્રમે ઢાંકે છે અને ખુલ્લા કરે છે.

ગતિ વાસ્તવિક કે આભાસી હોઈ શકે. જોનારના ર્દષ્ટિક્ષેત્રમાંનો પદાર્થ ખરેખર ભૌતિક રીતે સ્થાન અને સમયમાં ગતિ કરતો હોય અને જોનારને પણ તે ગતિ કરતો દેખાય તો તેને વાસ્તવિક ગતિ (real motion) કહે છે. અહીં જોનારના નેત્રપટની સપાટી પરના ગ્રાહક કોષો ઉદ્દીપ્ત થાય છે, પરંતુ પદાર્થ વાસ્તવમાં ગતિ કરતો ન હોય છતાં પણ તે ગતિમાં દેખાય તો તેને આભાસી કે દેખાતી ગતિ કહે છે. અહીં નેત્રપટની સપાટી પર ઉદ્દીપક તરેહની કોઈ હિલચાલ હકીકતમાં થતી હોતી નથી.

આભાસી ગતિ ત્રણ પ્રકારની હોય છે : 

(ક) સ્ટ્રોબોસ્કૉપિક ગતિ, 
(ખ) સ્વયંચાલિત ગતિ અને
(ગ) સંદર્ભપ્રેરિત ગતિ.

ચલચિત્ર તેમજ દૂરદર્શનમાં જે ગતિ દેખાય છે તે સ્ટ્રોબોસ્કૉપિક ગતિ છે. કચકડાની પટ્ટીમાંનાં સહેજ જુદાં જુદાં સ્થિર ચિત્રોને પ્રોજેક્ટર દ્વારા યોગ્ય ઝડપે પડદા પર રજૂ કરવાથી સતત ગતિનો ભાસ થાય છે. સ્ટ્રોબોસ્કૉપિક ગતિનું ઉત્તમ ઉદાહરણ ‘એનિમેશન ફિલ્મ’માં જોવા મળે છે.

અંધારામાં પ્રકાશનું સ્થિર બિંદુ રજૂ કરવામાં આવે તો તે સ્થિરબિંદુ ગતિ કરતું દેખાય છે. તેને સ્વયંચાલિત ગતિ (autokinetic effect) કહે છે.

જ્યારે પશ્ચાદભૂમિકા ગતિશીલ હોય ત્યારે સ્થિર પદાર્થ ગતિ કરતો દેખાય છે. આવી આભાસી ગતિને સંદર્ભપ્રેરિત ગતિ (induced movement) કહે છે; દા.ત., ગતિ કરતાં વાદળોના પાતળા આવરણની આરપાર દેખાતો પ્રમાણમાં સ્થિર ચન્દ્ર ગતિ કરતો દેખાય છે.

5. પ્રત્યક્ષીકૃત ઘાટક્ષમતા (perceptual plasticity) : જોનારના પ્રત્યક્ષીકરણમાં અનુભવ કે શિક્ષણથી પરિવર્તન આવે છે. અનેક પ્રયોગોમાં અર્ધપારદર્શક કૉન્ટૅક્ટ લેન્સ અને ઊલટી દુનિયા દેખાય એવાં ગૉગલ્સ પ્રાણીઓ અને માનવોને પહેરાવીને તેમના સાંવેદનિક નિવેશમાં ફેરફાર કરવામાં આવ્યો. પરિણામે માહિતી-પ્રક્રિયાકરણની રીતમાં પરિવર્તન થયું અને તેથી પદાર્થોના પ્રત્યક્ષીકરણમાં પણ ફેરફાર થયો. ત્યારબાદ વિશિષ્ટ તાલીમ અને અનુભવ દ્વારા તેમના બદલાયેલા પ્રત્યક્ષીકરણમાં સુધારો થયો. આમ જોનારનું પ્રત્યક્ષીકરણ ઘાટક્ષમ કે રૂપાંતરક્ષમ છે.

6. ધ્યાન (attention) : જ્યારે જોનારની જ્ઞાનેન્દ્રિયની પ્રવૃત્તિ મિત્રની વાતચીત કે ફૂટબૉલ મૅચ જેવા કોઈ ચોક્કસ ઉદ્દીપક ઉપર કેન્દ્રિત થાય ત્યારે જોનાર ધ્યાન આપે છે એમ કહેવાય. ધ્યાન એટલે અમુક ચોક્કસ સમયે અમુક સાંવેદનિક નિવેશને જોનારના સભાન અનુભવ કે ચેતનામાં સમાવવા માટે પસંદ કરનારી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાઓ ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયાઓ છે. જ્ઞાનેન્દ્રિયો પર આઘાત કરતાં અસંખ્ય ઉદ્દીપકોમાંથી કોઈ એક ક્ષણે અમુક ઉદ્દીપકની પસંદગી થાય છે અને બાકીનાં ઉદ્દીપકોની અવગણના થાય છે. મનોવૈજ્ઞાનિક હિલગાર્ડના શબ્દોમાં, ધ્યાન એટલે પ્રત્યક્ષીકરણની થોડાંક ઉદ્દીપકો પરની કેન્દ્રિતતા.

ધ્યાન વગર પ્રત્યક્ષીકરણ શક્ય નથી. ધ્યાન એટલે પ્રત્યક્ષીકરણને સરળ અને શક્ય બનાવતી પસંદગીયુક્ત માનસિક તત્પરતા.

જોનારની જ્ઞાનેન્દ્રિયો પર આઘાત કરતા અસંખ્ય ઉદ્દીપકોમાંથી અમુક જ ઉદ્દીપકો પર ધ્યાન અપાતું હોય છે. ધ્યાનનાં નિર્ધારક પરિબળોને બે વર્ગમાં વહેંચવામાં આવે છે : વસ્તુલક્ષી કે બાહ્ય અને આત્મલક્ષી કે આંતરિક.

પર્યાવરણમાં રહેલાં બાહ્ય પરિબળો ઇચ્છા-અનિચ્છાએ જોનારનું ધ્યાન ખેંચે છે, તેને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે; જેમ કે, જેમ ઉદ્દીપકની તીવ્રતા વધુ તેમ તે જલદી ધ્યાન ખેંચે. ઉદ્દીપકનું કદ જેમ મોટું તેમ તે જલદી ધ્યાન ખેંચે. જે ઉદ્દીપકનું પુનરાવર્તન જોનાર સમક્ષ વારંવાર થાય તે જોનારનું ધ્યાન આકર્ષે. ઉદ્દીપકની નવીનતા પણ જોનારનું ધ્યાન ખેંચે છે. પરસ્પરવિરોધી ઉદ્દીપકો તરત ધ્યાન ખેંચે છે; દા.ત., ઊંચા પુરુષ સાથે જતી નીચી સ્ત્રી તરત ધ્યાન ખેંચે છે. સ્થિર ઉદ્દીપકોની સરખામણીમાં ગતિશીલ ઉદ્દીપકો જોનારની જ્ઞાનેન્દ્રિયને વધારે પ્રભાવિત કરે છે.

જોનારનું ધ્યાન ખેંચવામાં અને ટકાવી રાખવામાં જોનારની અંદર રહેલાં કેટલાંક પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. તેમને આત્મલક્ષી નિર્ધારકો કહે છે; જેમ કે, અભિરુચિને ધ્યાનની જનની કહે છે; જેમાં જેને રસ તેમાં તેનું ધ્યાન. એક જ ચલચિત્ર જોનારા જુદા જુદા પ્રેક્ષકોનું ધ્યાન જુદી જુદી બાબતો પર જાય છે. માનસિક તત્પરતા કે અપેક્ષા પણ જોનારનું ધ્યાન અને પ્રત્યક્ષીકરણ નક્કી કરે છે. જોનાર જે જોવાની અપેક્ષા રાખે તે જ તેને દેખાય છે; દા.ત., સંદિગ્ધ ચિત્રમાં યુવતી જોવાની અપેક્ષા રાખનારને યુવાન સ્ત્રી અને વૃદ્ધા જોવાની અપેક્ષા રાખનારને વૃદ્ધ સ્ત્રી દેખાય છે. પ્રેરણા અને જરૂરિયાત પણ જોનારના ધ્યાન અને પ્રત્યક્ષીકરણને અસર કરે છે; દા.ત., ભૂખ્યા ખલાસીઓને અસ્પષ્ટ ચિત્રમાં ખાદ્ય પદાર્થો દેખાય છે. વ્યક્તિની મનોદશા પણ પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવે છે. આનંદની અવસ્થામાં ઝાકળબિંદુઓ મોતી જેવાં, જ્યારે વિષાદની અવસ્થામાં આંસુ જેવાં દેખાય છે.

અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ (extra-sensory perception) : અગાઉ જોયું કે પ્રત્યક્ષીકરણમાં જ્ઞાનેન્દ્રિયો મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યક્ષ જ્ઞાન માટે સાંવેદનિક નિવેશ (sensory input) જરૂરી છે; પરંતુ અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ (E.S.P.) અંગે પણ દાવા કરવામાં આવે છે.

અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ એટલે બિનસાંવેદનિક સાધનો દ્વારા પદાર્થોને જાણવાની કે પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ. અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણનો અભ્યાસ ‘પરામનોવિજ્ઞાન’ (parapsychology) તરીકે ઓળખાતી મનોવિજ્ઞાનની શાખામાં થાય છે.

અતીન્દ્રિય કે ઇન્દ્રિયાતીત પ્રત્યક્ષીકરણની ત્રણ ઘટનાઓ ઘણી જાણીતી છે : 

(1) ‘પરચિત્તજ્ઞાન’ (telepathy),
(2) સંજયર્દષ્ટિ (clairvoyance) અને
(3) પૂર્વજ્ઞાન (precognition).

અન્યના ચિત્તમાં ચાલતા વિચારોને ભૌતિક સંપર્ક વિના વાંચી લેવાની ક્રિયા માટે ‘પરચિત્તજ્ઞાન’ શબ્દનો પ્રયોગ થાય છે. પરચિત્તજ્ઞાન એટલે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીનું વિચારસંક્રમણ.

સંજયર્દષ્ટિ કે અતીન્દ્રિય ર્દષ્ટિ એટલે જોનારની જ્ઞાનેન્દ્રિયોને પ્રભાવિત નહિ કરનાર પદાર્થો કે બનાવોનું પ્રત્યક્ષ જ્ઞાન. આંખ ગમે તેટલી શક્તિશાળી હોય છતાં દીવાલની આરપાર જોઈ શકતી નથી. કેટલીક વ્યક્તિઓ દાવો કરે છે કે બંધ કવરમાં મૂકેલું ગંજીફાનું પાનું કયું છે તે પોતે જોયા વગર કહી શકે છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના પ્રધાન અને સારથિ સંજયનો ઉલ્લેખ છે. તે દિવ્ય ર્દષ્ટિથી મહાભારતના યુદ્ધમાં બનતી ઘટનાઓ પ્રત્યક્ષ જોઈ શકતો અને તેનું આબેહૂબ વર્ણન કરતો.

પૂર્વજ્ઞાન એટલે વાસ્તવમાં ઘટના બને તે પૂર્વે તેનું જ્ઞાન મેળવવું કે તેનું પ્રત્યક્ષીકરણ કરવું. પૂર્વજ્ઞાન એટલે ભવિષ્યમાં બનનારા બનાવો વિશેનું પ્રત્યક્ષીકરણ. ઘણી વ્યક્તિઓ દાવો કરે છે કે ભવિષ્યમાં બનનારા બનાવ વિશે એમને સ્વપ્ન આવ્યું હોય અને પછી તે જ પ્રમાણે બનાવ બન્યો હોય.

અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણના અભ્યાસનો પ્રારંભ સર્વપ્રથમ ડૉ. જે. બી. રહાઇને કર્યો. ઈ.એસ.પી. પ્રયોગો વિજ્ઞાનના સામાન્ય નિયમોને જ અનુસરે છે; પરંતુ આ ઘટનાઓ એટલી અસાધારણ છે કે ઘણા વૈજ્ઞાનિકો આવા અભ્યાસની કાયદેસરતાને પડકારે છે. વિવિધ અભ્યાસો એટલું સ્પષ્ટ કરે છે કે આધુનિક વિજ્ઞાનની ક્ષેત્રમર્યાદાથી ઉપરવટ જતા વિષયો અંગે સુનિયંત્રિત સંશોધન કરવું મુશ્કેલ છે. મનોવૈજ્ઞાનિક જેમ્સ મેક્ડોનેલ જણાવે છે કે અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણની ઘટના પરાસામાન્ય (paranormal) છે અને આવી ઘટનાઓને વિજ્ઞાન હંમેશાં સમજાવી શકે નહિ. વિજ્ઞાનની જેમ પરામનોવિજ્ઞાન પણ બનાવોને જોવાની એક રીત છે.

બિપિનચંદ્ર મગનલાલ કૉન્ટ્રૅક્ટર

16 June 2021

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: .....અમે વેક્સિન લીધી નથી અને લેવી પણ નથી


અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા:સૌ.યુનિ. ટીમ ચોટીલામાં, 54% લોકોએ કહ્યું- કોરોના મટતા અમે માનતા પૂર્ણ કરવા આવ્યા, 72%એ કહ્યું- અમે વેક્સિન લીધી નથી અને લેવી પણ નથી


ચોટીલામાં ઉમટેલું માનવ મહેરામણ.
  • ચોટીલામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા ચામુંડ માતાજીના મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને તેઓ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. દર્શન કરવા આવેલા મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. ચોટીલામાં આ લોકો કોરોનાની માનતા પુરી કરવા અને ત્રીજી લહેર ન આવે તે માટેની માનતા લેતા નજરે પડ્યા હતા. આ લોકોને પૂછતા 54 ટકા લોકોએ કહ્યું હતું કે, અમે કોરોના મટતા માનતા પુરી કરવા આવ્યા છીએ. બીજી તરફ 72 ટકા લોકોએ કહ્યું હતું કે, અમે વેક્સિન લીધી નથી અને લેવાના પણ નથી.

દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી

આજે મનોવિજ્ઞાન ભવનની ટીમ ચોટીલા લોકોની માનસિકતા જાણવા અને વેક્સિનેશન કેટલાએ કર્યુ છે તે જાણવા ગઈ હતી. દર્શન કરવા આવતા લોકોની ભીડ અતિશય હતી, સવારના 9થી 12 વાગ્યા સુધીમાં લોકોને પૂછીને જાણ્યું તો મોટાભાગના લોકોએ કોરોનાની માનતા લીધી હતી, પરિવારના સભ્યોને કોરોના ન થાય અને પોતાને ન થાય એ માટે માનતા લીધી હતી. જેમાંથી 54% લોકોએ સ્વીકાર્યું કે અમે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. વેક્સિનેશન કરાવ્યું કે કેમ તેનાં જવાબમા 72% લોકોએ ના કહી કે હજુ કરાવ્યું નથી અને કરાવવું પણ નથી.

વેક્સિનને લઇને લોકોના મનમાં ઘર કરી ગયેલી વાતો

કારણ પૂછતાં કહ્યું કે વેક્સિનની આડ અસર થાય છે, શરીર નબળું પડે છે, લોકોના મૃત્યુ થયા છે, રસી લેવાથી કોરોના થાય છે. માતાજીની રક્ષા હોય પછી બીજી કોઈ બાબતની જરૂર નથી. મોટામોટા લોકો પણ માનતા લે છે તો અમે તો સાવ નાનાં માણસ છીએ અમારો સહારો માતાજી સિવાય કોણ હોય? મનોવિજ્ઞાન ભવનનું સૂચન આસ્થા અને શ્રદ્ધા એ ભારતની જનતાનો રૂહ છે માટે સરકારે એવો નિયમ લાવવો જોઇએ કે જે લોકોએ વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર દેખાડે તેને જ મંદિરમાં પ્રવેશ આપવો જોઇએ. વેક્સિનેશન થયું હશે તો તે લોકો બીજાને ચેપ નહીં લગાડે. કડક અમલવારી જો આવી થાય તો શ્રદ્ધા એ વેક્સિનેશનમાં મદદરૂપ થશે.


ચોટીલામાં દર્શન કરવા આવેલા મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા.

જસદણ પંથકમાં બહાનાબાજીનું જોર જોવા મળ્યું

જસદણ પંથકમાં 45 ટકાથી વધુ લોકો કોરોનાની રસી લઈ ચૂક્યા છે. પરંતુ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં રસી ન લેવા માટે લોકો દ્વારા આરોગ્ય કર્મીઓ સમક્ષ અનેક બહાનાઓ આગળ ધરવામાં આવી રહ્યાં છે. જેમાં અમુક લોકો કહે છે કે, અમારે માતાજીની આડી છે, અમારા ભુવા ના પડે છે એટલે એ લે તો અમે લઈએ, અમારા ગામમાં કોરોના હતો જ નહીં એટલે અમે રસી ન લઈએ, સરકાર બધાને મારી નાખવા માંગે છે, 3 વર્ષમાં બધા રસી લેવા વાળા મરી જવાના છે, રસી લીધા પછી 3 દિવસ સુધી પથારીમાં રહેવું પડે છે, અમે વાડીયુંમાં કામ કરવાવાળા અમને કોઈ દિવસ કંઈ થયું જ નથી તો રસી શું લેવી? અમે કોઈ દિવસ ઈન્જેક્શન નથી લીધું એટલે અમે આ રસી નહી લઈએ. જેવા અનેક જવાબો લોકો દ્વારા આરોગ્ય અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે.

ઉપલેટાના અમુક ગામમાં તો સરપંચ જ ગામમાં આવવાની ના પાડી દે છે

એવું પણ જાણવા મળ્યું હતું કે ઉપલેટા પંથકના અમુક ગામમાં કોરોના સંક્રમણ બાદ મોત થતાં લોકો એટલા બધાં ડરી ગયા છે કે રસી લેવાની પણ ના પાડી દે છે અને ગામના સરપંચ જ આરોગ્ય કર્મચારીને કહી દે છે કે અહીં ધક્કો ખાવાની જરૂર નથી. અમારા ગામમાં કોઇને રસી લેવાની નથી.

જેતપુરમાં હેલ્થકર્મી સાથે ગેરવર્તન

જેતપુર પંથકમાં ઘરે ઘરે વેક્સિન આપવા જતા હેલ્થ કર્મચારીઓને ખૂબ જ કડવા અનુભવ થાય છે તો ક્યાંક અપમાનિત થવું પડે છે અને કેટલાક કિસ્સામાં શારીરિક હુમલો થયાના કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. જેમાં કર્મચારીઓ જીવ બચાવીને ભાગવું પડ્યાના દાખલા મળ્યા છે. જે લોકોમાં અક્ષરજ્ઞાન નથી તેને સમજાવવા મુશ્કેલ જ નહી પણ જાણે કે લોઢાના ચણા ચાવવાથી પણ કઠીન કામ બની ગયું છે. લોકો નીતનવા બહાના કરીને રસી લેવાનું ટાળી રહ્યા છે. લોકો સુધી સરકાર અને તંત્ર વેક્સિન પહોંચાડી શક્યા પણ તેના​​​​​​​ માટે ની જાગૃતિ ન હોવાના લીધે તંત્રના હાથ હેઠાં પડી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર - રાજકોટ