Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

29 August 2021

સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ


સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ
  • સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ
  • સ્કિનરના પ્રયોગના મૂળભૂત ખ્યાલોની સમજૂતી :
( A ) પ્રબલન :
         (1) વિધાયક પ્રબલન :
         (2) નિષેધક પ્રબલન :
( B ) વિલોપન :
( C ) ઉદીપક સામાન્યીકરણ:
( D ) ઉદીપક ભેદબોધન :


  • સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ
સ્કિનરના મત પ્રમાણે પ્રબલને આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે . આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે તેમણે એક સમસ્યાપેટીની રચના કરી , જે સ્કિનર પેટી તરીકે ઓળખાય છે .

આ સમસ્યાપેટીની વિશેષતા એ હતી કે તેમાં અન્નગુટિકા સંચયપેટીને અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચયપેટીમાંથી અન્નપાત્રમાં આવી જાય .

આવી સમસ્યાપેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો . ઉંદરે શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા .

જેમાં પેટીમાં દોડાદોડ કરવી સમસ્યાપેટીના સળિયાઓ પર પ્રહારો કરવા , સળિયાને બચકાં ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો .
આવી અનેક ક્રિયાઓ દરમ્યાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્તત કરવાનો હાથો દબાઈ ગયો .

ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત - બેખબર હોવાથી તેને અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેવો કોઈ જ ખ્યાલ નહોતો .પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતાં તેણે અન્નગુટિકા આરોગી .

ઉંદર દ્વારા થયેલ આ પ્રતિક્રિયા તદન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયેલ નહોતું .

આથી ફરી એને સમસ્યાપેટીમાં મૂકતાં સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા , આ દરમ્યાન તેનાથી ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ .



પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી પ્રાપ્ત થઈ હતી .

જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની 35 મિનિટે એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની 20 મિનિટ પછી પ્રાપ્ત થઈ .

ત્યારબાદ 47 મિનિટે ત્રીજી અન્નગુટિકા અને ચોથી અન્નગુટિકા ઉંદરને પાંજરામાં મૂક્યાની 71 મી મિનિટે પ્રાપ્ત થઈ .

આ ચાર વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાઓને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત થઈ કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે .

ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવતો થાય છે , તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને અન્નગુટિકાની પ્રાપ્તિ અંગેનું અભિસંધાન જોવા મળ્યું .જે સ્પષ્ટ રીતે તેણે મેળવેલા શિક્ષણનો નિર્દેશ કરે છે .

આમ , સમસ્યાપેટીમાં પુરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યાપેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો કરતાં કરતાં હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો , જેનાથી તેની પ્રતિક્રિયાઓને પ્રબલન પ્રાપ્ત થયું અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દઢીકરણ થયું .


  • સ્કિનરના પ્રયોગના મૂળભૂત ખ્યાલોની સમજૂતી :
( a ) પ્રબલન :

કોઈપણ શિક્ષણના દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે .
પ્રબલન એટલે કે શીખેલી - શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દઢ કે બળવત્તર કરનારું ઘટક .
સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળસ્રાવ માટે ખોરાક એ પ્રબલન તરીકેની ભૂમિકા ભજવે છે .
જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં ઉંદરની હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્નગુટિકા ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે .
પ્રબલનના બે પ્રકારો છે . ( 1 ) વિધાયક પ્રબલન અને ( 2 ) નિષેધક પ્રબલન

(1) વિધાયક પ્રબલન :

જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે . વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે . સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદીપક એટલે વિધાયક પ્રબલન . દા.ત. માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને ચોકલેટ આપે છે . અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન છે .

(2) નિષેધક પ્રબલન :

સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણાવી શકાય પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી . નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદીપક . કારક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ બાળક - પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે જ કરવામાં આવે છે . સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યાપેટીમાં હાથો દબાવવાથી ઉંદર ઈલેક્ટ્રીક શોકથી રાહત મેળવી શકે તો ઉંદર આ કષ્ટદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે . પ્રબલન વિધાયક હોય કે નિષેધક , તેને પ્રબલનની કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજવાની સંભાવના પહેલાં કરતાં વધે . ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનને ઉંદર ઉપર પ્રબલનનું કદ , બે પ્રબલન વચ્ચેનો સમયગાળો , પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અભિસંધાનમાં પ્રબલનની અસરકારકતા અંગે રસપ્રદ તારણો તારવ્યાં છે .


( b ) વિલોપન :

શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન . એકવાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો તે શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે , જેને વિલોપન કહેવાય છે .

પ્રાણીને વિલોપનનું શિક્ષણ આપવા માટે પ્રાણી એકવાર સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂક્યા પછી તે ચોક્કસ ઉદીપક માટે શીખેલી પ્રતિક્રિયા કરે , તેમ છતાં તેને ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં ન આવે તો પ્રાણીમાં તે પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જઈને છેવટે પ્રતિક્રિયાનો સદંતર અભાવ જોવા મળે છે .

પ્રાણીમાં સ્થપાયેલા અભિસંધાનમાં ઘટાડો થઈ પ્રતિક્રિયા લુપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત કરેલ શિક્ષણનું વિલોપન થાય છે .

સ્કિનર પેટીમાં ઉંદર એકવાર હાથો દબાવી અન્નગુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યાર બાદ તે પ્રતિક્રિયા કરે છતાં તેને અન્નગુટિકા આપવામાં ન આવે .

આવું વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદરમાં હાથો દબાવવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે જેને ઉંદરમાં શીખેલા શિક્ષણનું વિલોપન થયું કહેવાય .


( C ) ઉદીપક સામાન્યીકરણ :

સામાન્યીકરણ જે રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદીપકનું સામાન્યીકરણ જોવા મળે છે તે રીતે કારક અભિસંધાનમાં સ્કિનરના પ્રયોગમાં ઉદીપકનું સામાન્યીકરણ થઈ શકતું નથી , કારણ કે કારક અભિસંધાનમાં સમગ્ર સ્કિનરપેટી એ જ ઉદીપકીય પરિસ્થિતિ છે .

જો કે , રોજબરોજના જીવનમાં કારક અભિસંધાનમાં પણ ઉદીપકનું સામાન્યીકરણ થવાનાં અનેક ઉદાહરણો જોવા મળે છે .દા.ત. બાળક રમકડાંથી રમતું હોય અને તમે તેનું રમકડું સંતાડો તો , થોડી જ વારમાં બાળક તે રમકડું શોધી કાઢે છે .આવું વારંવાર કરવાથી તમે તેનું રમકડું સંતાડો કે તરત જ તે જગ્યાએથી બાળક રમકડું શોધી કાઢવાની ક્રિયા કરતાં શીખી લે છે .આ ક્રિયાને અભિસંધાન કહી શકાય . હવે તમે કોઈ અન્ય જગ્યાયે તેનું રમકડું સંતાડો છો તો થોડા પ્રયત્નોને અંતે બાળક નવી જગ્યાએથી પણ રમકડું શોધી કાઢે છે .

આમ , બાળકની નવી જગ્યાએથી રમકડું શોધી કાઢવાની ક્રિયાએ રમકડું સંતાડવાની જૂની જગ્યા સાથે રમકડા સંતાડવાની નવી જગ્યાનું સામાન્યીકરણ થયાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે .


( d ) ઉદીપક ભેદબોધન :

શાસ્ત્રીય અભિસંધાનની જેમ કારક અભિસંધાનના પ્રયોગમાં ઉંદરને પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતાં શીખવવામાં આવે છે .

જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થતી હતી , પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં થોડા પ્રયત્નોને અંતે ઉંદર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતાં શીખી લે છે .

તેથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે જે ઉંદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું શિક્ષણ પ્રાપ્ત થયું તે ભેદબોધનનું શિક્ષણ .

27 August 2021

મનોવલણ (વલણ) (attitude)

મનોવલણ (વલણ) (attitude)

મનોવલણ (વલણ) (attitude) : માણસના અન્ય લોકો સાથેના વ્યવહારો કે જૂથોમાં તેની આંતરક્રિયા. સાંસ્કૃતિક ઘટકો સાથે આદાનપ્રદાનના સંબંધો; વ્યક્તિઓ, વિચારો કે ઘટનાઓ પ્રત્યેના તેના પ્રતિભાવો બધું જ, આ દરેકના સંદર્ભમાં તેનામાં બંધાયેલાં વલણોનું પરિણામ હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ રૂઢિવાદી કે સુધારાવાદી, કોમવાદી કે લોકશાહીવાદી, નસબંધવાદી કે નશાબંધીવાદી હોતી નથી. તે આવું માનસ ધરાવતી બને છે. આવું માનસ ધરાવવું એટલે તેને અનુરૂપ વલણો બંધાવાં તે.

મનોવિજ્ઞાનમાં વલણોના અભ્યાસમાં 1940-50ના ગાળામાં ડબ્લ્યૂ. જી. ઑલ્પૉર્ટ, એલ. એલ. થર્સ્ટોન, આર. લીકર્ટ, એમ. કેન્ટ્રિલ, ડી. કાટ્ઝ વગેરેએ પ્રમુખ ફાળો આપ્યો છે. 1950 પછીના ગાળામાં મુઝફર શેરીફ, ટી. એમ. ન્યૂકોમ્બ, ડેવિડ ક્રચ, ઇ. સ્ટોટલૅન્ડ જેવા અનેકોનો ફાળો છે. વલણના અભ્યાસોને પ્રયોગલક્ષી અને વ્યાપક બનાવવાનું શ્રેય કાર્લ હોવલૅન્ડ અને લિયૉન ફેસ્ટિંજરને આપી શકાય. 1980નો દશકો વલણના અભ્યાસ અને સંશોધન વિશે બહુ સક્રિય રહ્યો. 1990 અને ત્યારપછી આજ દિન સુધી વલણના ક્ષેત્રમાં ઊંડો રસ જારી રહ્યો છે.

વલણ એ અનુભવો દ્વારા રચાયેલી મહદ્અંશે કાયમી એવી વૃત્તિ કે સંસ્કાર છે; જેનાથી વ્યક્તિ અન્ય વ્યક્તિ કે ઘટના કે ગમે તે બાબતનું મૂલ્યાંકન કરે છે. આ મૂલ્યાંકન અનુસાર તે વર્તન કરવા પ્રેરાય છે. આમ વલણ એક પ્રકારની સામાજિક અભિમુખતા છે; કોઈકની પ્રત્યે સાનુકૂળ કે પ્રતિકૂળ રીતે પ્રતિક્રિયા કરવાની આંતરસ્તરમાં રહેલી એક પ્રકારની મનની અવસ્થા છે. કેટલાંક વલણોમાં એક કરતાં વધારે વિચારોનું સંગઠન હોય છે; જેમ કે, માંસાહાર વિરોધી વલણ ધરાવનાર વ્યક્તિના આ વલણમાં પ્રાણીઓ પ્રત્યે દયા, જીવહિંસા, ધાર્મિક ભાવના, ખોરાક વિશેની રુચિ, સ્વચ્છતા પ્રત્યેનું વલણ – એવાં એવાં અનેક વલણો એકમ રૂપે સંગઠિત થયેલાં હોય છે. વ્યક્તિનું વલણ તેની કાર્યશક્તિનું પ્રમાણ, સ્તર તેમજ પ્રદર્શનની દિશાને પણ અસર કરે છે. મનુષ્ય મનુષ્ય તરીકે આજુબાજુના ભૌતિક અને સામાજિક વિશ્વની અસર કરતી બાબતો પરત્વે સામાન્યત: વિધાયક કે નિષેધક વલણ ધરાવતો હોય છે.

મનોવિજ્ઞાનીઓ વલણનાં ત્રણ ઘટકો વચ્ચે ભેદ પાડે છે બોધાત્મક, ભાવાત્મક અને વાર્તનિક. મનુષ્ય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ઘટના, વિચાર કે પરિસ્થિતિને અમુક દૃષ્ટિએ જોતો હોય છે. તદનુસાર તે ચોક્કસ પ્રકારના વિચારો, માન્યતાઓ, સિદ્ધાંતો ધરાવે છે. વલણનું આ બોધાત્મક પાસું એટલે વ્યક્તિના માનસતંત્રમાં તે બાબતને સમજવા, પારખવાનું એક વૈચારિક ચોકઠું.

વળી મનુષ્ય અન્ય વ્યક્તિ, પૂજા, પદાર્થ કે ઘટના સંબંધે ભય, પ્રેમ, દયા, ધિક્કાર, ઘૃણા કે માન જેવી લાગણીઓ અનુભવતો હોય છે. આ વલણનું ઊર્મિગત, ભાવાત્મક પાસું હોય છે; જેમ કે, પાણીપૂરીની લારીની અસ્વચ્છતા જોઈને ચીતરી, ઘૃણા ઊપજે છે અને પાણીપૂરી ખાવાનો સ્વાદ મટી જાય છે. પડોશમાં અન્ય કોમ કે ધર્મની વ્યક્તિ રહેવા આવે તો તે પરત્વે અસ્વચ્છતાને કારણે અણગમો ઊપજે છે.

વલણનું વાર્તનિક પાસું એટલે કોઈ પણ વ્યક્તિ કે બાબત પરત્વે ચોક્કસ રૂપમાં, તરફેણ કે વિરોધમાં, હળવાશથી કે ઉગ્રતાથી વર્તન થવું તે. પદાર્થને સ્પર્શ કરવો, મદદ કરવી કે રક્ષણ કરવાનું વર્તન પ્રગટે છે, અથવા તેને શિક્ષા કરવી, નુકસાન કરવું કે નાશ કરવાનું વર્તન પણ ઊપજે છે. અમુક વ્યક્તિ કે જનસમૂહ પ્રત્યે ભેદભાવ કે પૂર્વગ્રહયુક્ત વર્તન વલણનું વાર્તનિક પાસું પ્રગટ કરે છે. વલણના જ્ઞાનલક્ષી, ભાવનાત્મક તેમજ વાર્તનિક પાસાંઓ વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે. વ્યક્તિના પ્રગટ થતાં મનોભાવો-લાગણીઓ અને બાહ્યવર્તન ઉપરથી તેનાં વલણો વિશે અનુમાન થઈ શકે છે. અલબત્ત, આ વર્તન અભિનવ કે ઢોંગ નહિ હોય, એમ સ્વીકારવાનું રહે.

વલણનાં કાર્યો : વલણો મનુષ્યના મનોવૈજ્ઞાનિક તંત્રમાંની અગત્યની જરૂરતો સંતોષે છે. મનુષ્ય પ્રત્યક્ષ અનુભવ હોય કે પરિચય હોય તેવી જ બાબતો વિશે વલણો ધરાવતો હોય એવું નથી. જેના વિશે ઘણું ઓછું જાણતો હોય (જેમ કે, એસ્કિમો, મંગળનો ગ્રહ); તેમની સાથે ઝાઝો સંબંધ ન હોય (જેમ કે, ઊડતી રકાબી, ચીની પ્રજા વગેરે) તેમના વિશે પણ તે અમુક વલણો ધરાવે છે.

માણસો અમુક વલણો ધરાવે છે, કારણ કે તે તેને તેનાં પ્રાથમિક ધ્યેયો સિદ્ધ કરવામાં સહાય કરે છે; જેનાથી અવરોધ કે નુકસાન થતું હોય તેના વિશે વિરોધી વલણો પ્રગટે છે. જે બાબત ફાયદાકારક ઉપયોગી લાગે તે અનુસાર વલણો બદલાય છે. આમ વલણો સામાજિક સમાયોજન-મૂલ્ય ધરાવે છે. વલણનું બીજું કાર્ય મનુષ્યના વર્તન-વ્યવહારોને સરળ, વ્યાવહારિક માર્ગદર્શન પૂરું પાડવાનું છે. દુનિયાની ઘણી બધી બાબતો કે સમસ્યાઓ વિશે મનુષ્યને પૂરી જાણકારી હોતી નથી; ત્યારે આ મુદ્દાઓ વિશે કોઈ પણ રીતે બંધાયેલાં વલણો તેમના પરત્વે વર્તન કરવામાં માનસિક ચોકઠું પૂરું પાડે છે. વલણનું ત્રીજું કાર્ય આવેગ-લાગણીઓના સંતોષનું છે. વલણની અભિવ્યક્તિ દ્વારા વ્યક્તિને તેની આંતરિક લાગણીઓ, ગમા-અણગમા પ્રગટ કરવાની તક મળે છે તેથી તેને રાહત અનુભવાય છે. વળી વલણની અભિવ્યક્તિ દ્વારા વ્યક્તિનો કોઈ મુદ્દા વિશેનો ખાસ આગ્રહ, મમત અને નિષ્ઠા પણ પ્રગટ થાય છે. વળી પોતાનું અમુક વર્તન યોગ્ય અને ન્યાયી છે એમ ઠસાવવા પણ વ્યક્તિમાં ચોક્કસ પ્રકારનું વલણ ભારપૂર્વક પ્રગટ થાય છે. કેટલાંક વલણો આપણને પોતાની જાત વિશેની કડવી વાસ્તવિકતાઓ કે જીવનમાં કડવાં સત્યો, કઠિનાઈઓનો સ્વીકાર કરવામાંથી રક્ષણ આપે છે, આંતરિક સંઘર્ષ અને વેદનામાંથી બચાવે છે. અહીં વલણ સંરક્ષણ-પ્રયુક્તિનું કામ કરે છે; દા.ત., આવકવેરો ભરવામાં ચોરી કરનારનું પ્રક્ષેપણાત્મક વલણ કે આવું તો બધાં જ કરે છે. વલણોનાં આ કાર્યો પરસ્પર વ્યાવર્તક નથી. કેટલાંક વલણો બહુવિધ કાર્યો બજાવે છે.

વલણના નિર્ણાયકો : માતા-પિતા, કેળવણીકારો, રાજકીય પ્રચારકો, ઉદ્યોગ-ધંધાદારીઓ વગેરે જેમને જેમને લોકોમાં વલણો વિકસાવવામાં અને તેઓમાં પરિવર્તન લાવવામાં રસ છે એ સૌને વલણોના નિર્ણાયકો કે વલણ-ઘડતરનાં પરિબળો વિશે જાણકારી હોવી આવશ્યક છે. વલણો સંપાદિત છે એ હકીકત મનોવિજ્ઞાનીઓએ સાહજિકતાથી સ્વીકારી છે; છતાં જાતિજૂથ પૂર્વગ્રહો ઊપજવામાં, પોતાનાથી ભિન્ન પ્રકારનાં જૂથો પ્રત્યે વિરોધી વલણ અને આક્રમક વૃત્તિ ધરાવવાની બાબતમાં આનુવંશિક, જનીનગત ઘટકો જવાબદાર હશે એવા પુરાવા છે. કેટલાક અભ્યાસો સ્પષ્ટપણે બતાવે છે કે બે અસંબંધિત બાળકોનાં વલણો વચ્ચે જે સમાનતા અને સહસંબંધ હોય તેના કરતાં દ્વિદળ જોડિયાં બાળકોનાં વલણો વચ્ચે વધારે સમાનતા અને ઊંચો સહસંબંધ હોય છે, અને તે કરતાં પણ વધારે સમાનતા અને ઊંચો સહસંબંધ એકદળ જોડિયાં બાળકોનાં વલણો વચ્ચે હોય છે. આ એકદળ જોડિયાં બાળકો અલગ અલગ વાતાવરણમાં ઊછર્યાં હોય તોપણ. વળી કેટલીક ગંભીર, લાંબી માંદગી; ઉંમરનું વધવું; ઔષધ અને કેફી દ્રવ્યોનું સેવન જેવી શારીરિક પરિસ્થિતિઓ વ્યક્તિમાં અમુક વલણો ઊપજવા માટે તેમજ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના તફાવતો માટે કેટલેક અંશે જવાબદાર માનવામાં આવે છે.

વલણો જન્મદત્ત નથી. તે વ્યક્તિને થતા પ્રત્યક્ષ અનુભવો, સામાજિક શિક્ષણ તેમજ અભિસંધાનની પ્રક્રિયાઓથી વિકસે છે. મનુષ્ય પોતાનાં બાળકોમાં, લોકોમાં અંધશ્રદ્ધાનો વિરોધ, અમુક ઉમેદવારને મત; પાણીનો બગાડ; જાતીય બાબતો, સંતતિનિયમન; દહેજનો વિરોધ; તમાકુ, ગુટકા, ધૂમ્રપાનવર્જન વગેરે જેવી અનેક બાબતો વિશે વલણો ઉપજાવે છે. તેમને વાળી કે બદલી પણ શકાય છે. આ હકીકત શિક્ષણકાર્ય તેમજ સામાજિક પરિવર્તનના કાર્યક્રમમાં ઘણી અગત્ય ધરાવે છે.

વાસ્તવમાં વ્યક્તિમાં પુખ્ત વયે દેખાતાં મોટાભાગનાં વલણો, મૂલ્યોનાં મૂળ તેના બાળપણમાં થયેલાં ઉછેર, અનુભવો અને માતાપિતાએ ભજવેલી ભૂમિકામાં રહેલાં દેખાશે. વલણોના વિકાસમાં માતાપિતાનો કેવો અને કેટલો ફાળો છે એ મુદ્દા કરતાં માતાપિતા બાળકના વલણવિકાસમાં કેવી રીતે પ્રભાવ પાડે છે તે મુદ્દો અગત્યનો છે. બાળકમાં વિવિધ અનેક બાબતો પહેરવેશ, ખોરાક, ધાર્મિક માન્યતા, સારું-નરસું, ડૉક્ટર બનવું કે શિક્ષક બનવું વગેરે વિશેનાં વલણોમાં માતા-પિતાની માન્યતાઓ, તેમનાં વલણો અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. માબાપ દ્વારા બાળકને અપાતો પ્રેમ-તિરસ્કાર, શિક્ષા-પુરસ્કાર, સ્વીકૃતિ-અસ્વીકૃતિ, તેને અપાતું શિક્ષણ, તેનામાં પાડવામાં આવતી ટેવો વગેરે તેનામાં ચોક્કસ પ્રકારનાં વલણોના ઉદભવ માટે જવાબદાર હોય છે. બાળક શાળાએ જતું થાય ત્યાં શિક્ષક, શાળાનું વાતાવરણ, ત્યાં થતો નવા નવા વિષયો સાથે પરિચય વગેરે બાળકમાં જે તે વલણોના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપે છે. વળી શાળામાં મળતા સમવયસ્ક મિત્રોનો જૂથસંદર્ભ તેનામાં અનેક બાબતો વિશેનાં વલણઘડતરમાં એક પ્રભાવશાળી પરિબળ બની રહે છે. શાળામાં નવું જ્ઞાન અને મિત્રોના પ્રભાવે છાત્ર-છાત્રામાં જે નવાં વલણો વિકસે છે તે કેટલીક વાર માબાપનાં અભિપ્રાયો-વલણો સાથે મેળમાં ન પણ હોય.

વળી બાળક, યુવક-યુવતી ઘણુંબધું પોતાના સમાજ અને વિશ્વમાં બનતી ઘટનાઓ સાથેના જાતઅનુભવમાંથી તેમજ નેતાઓ, મૉડેલોના વ્યવહારોના નિરીક્ષણમાંથી, વાચન અને ચિંતનમાંથી શીખે છે. આમ સામાજિક શિક્ષણપ્રક્રિયા વલણ-ઘડતરમાં સતત પ્રભાવક રહેતું પરિબળ છે. શિષ્ટ અભિસંધાન તેમજ કાર્યસાધક અભિસંધાન-પ્રક્રિયાઓ દ્વારા વ્યક્તિમાં ઘણી ઘણી બાબતો વિશેનાં વલણો ઉદભવે છે. દા.ત., બાળક પોતાના મળમૂત્ર સાથે રમત કરતું હોય ત્યારે માતાનો ઘાંટો સાંભળીને અને ગુસ્સાવાળો ચહેરો જોઈને બાળક ગભરાઈ જાય છે અને આ ગભરાટનું વલણ મળમૂત્રની સાથે જોડાય છે. પરિણામે બાળકમાં ‘ગંદકી પ્રત્યે સૂગ’નું મજબૂત વલણ બંધાય છે. બાળક ભૂખ્યા કૂતરાને રોટલી આપે કે નાનાં ભાઈબહેનને પોતાની ચૉકલેટ આપે ત્યારે માતા તેની પ્રશંસા કરે અને તેથી બાળકમાં અન્યને સહાય-મદદ કરવાનું વલણ વિકસે છે; કારણ આવું વલણ તેના માટે માતાની પ્રશંસા મેળવવા માટેનું સાધન હોય છે. જિંદગીમાં અસાધારણ કે અકલ્પ્ય પ્રકારના, વિશિષ્ટ, આઘાતોત્પાદક અનુભવો (જેવા કે પ્રેમિકાની બિનવફાદારી, પ્રિયજનનું મૃત્યુ) વ્યક્તિમાં વલણ-પરિવર્તન લાવે છે. અમુક જૂથો કે વ્યક્તિઓ સાથે પરાણે સતત સંપર્ક કે કામગીરીમાં રહેવાના પરિણામે તેમના વિશે વલણો, પૂર્વગ્રહો ઘડાય છે કે બદલાય છે; દા.ત., પછાત વર્ગો, દલિતો વિશેના મનુષ્યનાં વલણો આમ જ પરિવર્તન પામતાં રહે છે. સમાજમાં પ્રવર્તતી સંસ્થાગત પ્રણાલિકાઓ; જેમ કે, બાળઉછેરની પદ્ધતિ, સામાજિક પર્યાવરણ, જેલવાસ કે એકાંતમાં રહેવાનો અનુભવ વ્યક્તિમાં અમુક પ્રકારનાં વલણોના ઉદભવ માટે કારણભૂત બને છે. સામાજિક વિચારપ્રસાર રોજબરોજ મળતી નવીન માહિતીઓ, ટી. વી. જેવાં માધ્યમોનો પ્રભાવ, આકર્ષક રૂપમાં વિજ્ઞાપનો, પરદેશ-નિવાસ, ખાસ પ્રકારનાં પુસ્તકોનું વાચન, ગાંધીજી જેવાઓની વિચારસરણી વગેરેનો વ્યક્તિનાં તેમજ સમાજનાં અનેક વલણોના ઘડતરમાં મોટો ફાળો છે એ સૌ કોઈ સ્વીકારે છે. પોતાની જરૂરતોનો સંતોષ કે સમસ્યાનું નિરાકરણ થવામાં સરળતા કે મુશ્કેલીઓ વ્યક્તિમાં ચોક્કસ પ્રકારનાં વલણો ઉપજાવે છે; જેમ કે, પદોન્નતિમાં અવરોધક બનતા સરકારી વહીવટી તંત્ર કે અમલદાર પ્રત્યે વ્યક્તિમાં નકારાત્મક વલણો ઊપજે એ સ્વાભાવિક છે. વળી વ્યક્તિ એકસાથે અનેક વિવિધ ધ્યેયો અને હેતુઓ ધરાવતાં જ્ઞાતિ, કોમ કે ધર્મ જેવાં જૂથોની; લાયન કે રોટરી જેવાં મંડળોની તેમજ કોઈ વ્યવસાયમાં સભ્ય હોય છે. આ તમામનાં ધ્યેયો કે વલણો વ્યક્તિને સ્વીકાર્ય ન પણ હોય. તેથી તેનામાં તેનાં વલણો વચ્ચે સંઘર્ષ ઊપજે છે. કોઈક વાર સંજોગો અનુસાર પરસ્પર વિરોધી વલણો પણ ઊપજે છે; દા.ત., સ્ત્રીસ્વાતંત્ર્યના સમર્થક ઉદારમતવાદી નેતાને તેની પુત્રી આંતરધર્મી લગ્ન કરે તેમાં સંમતિ ન હોય. અન્ય બાબતોની જેમ વલણો ધરાવવા પરત્વે પણ વ્યક્તિગત તફાવતો હોય છે. કોઈ સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિમાં તેનાં વિવિધ વલણો એકસૂત્રે બંધાયેલા સંગઠિત એકમ જેવાં હોય; પરંતુ મોટાભાગની વ્યક્તિઓમાં તેમનાં વિવિધ વલણો એક લચકીલા સંગઠનમાં હોય છે.

સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં વલણ કેવી રીતે બંધાય છે તે પરત્વે થયેલાં સંશોધનો અને પ્રયોગોના પરિણામે કેટલાક સિદ્ધાંતો પણ રજૂ થયા છે. સામાન્યત: વ્યક્તિ તેનાં વલણોના માળખામાં સંવાદિતા (consistency) જાળવી રાખવાનું વલણ ધરાવે છે. તે તેના માનસમાં તેનાં વિવિધ બાબતો વિશેનાં વલણોને એવી રીતે ઢાળે છે કે તે એકબીજાના સંઘર્ષમાં ન આવે. વ્યક્તિ તેનાં વલણો વચ્ચે સમતુલા (balance) જાળવી રાખવાનો પ્રયાસ કરે છે; દા.ત., નવા પરણેલા યુવકને સંગીતનો શોખ હોય. તે તેની નવપરિણીતા પત્નીને ચાહે છે; પરંતુ પત્નીને સંગીતનો શોખ ન હોય. હવે જો યુવક સંગીત-સમારોહમાં જવાનો આગ્રહ રાખે તો પત્ની સાથે ખટરાગ થાય. તે તેને પાલવે નહિ. તેથી યુવક પોતાનો સંગીતનો આગ્રહ છોડી સંગીત પ્રત્યેનું વલણ બદલે છે અને તેનામાં માનસિક સમતુલા જળવાય છે. વળી ઘણી વાર બોધાત્મક વિસંગતિ(cognitive disonance)ને ટાળવા માટે વ્યક્તિમાં જૂના વલણમાં પરિવર્તન આવે છે અને નવું વલણ બંધાય છે; દા.ત., સામ્યવાદી સરકારમાં કામ કરતા મુક્ત વેપારના સમર્થક અધિકારીને સતત માનસિક સંઘર્ષ રહ્યા કરે છે. આથી આ અધિકારી કાં તો પદ છોડી દે અથવા વિસંગતિ ટાળવા માટે સામ્યવાદી વિચારસરણીનો વિરોધ છોડી દે અથવા મુક્ત વેપારનીતિનો આગ્રહી આ અધિકારી પોતાના વલણ સાથે સમાધાન કરવાને બદલે રાજીનામું આપે અથવા સ્થાનફેર માગે. અલબત્ત, પોતાનાં વલણો સાથે સમાધાન કરવું કે નહિ અથવા કેટલા પ્રમાણમાં કરવું તે વ્યક્તિના પોતાના ખ્યાલ તેમજ તેના વલણની તીવ્રતા અને નિષ્ઠા ઉપર આધાર રાખે છે. સામાન્યત: સામાન્ય માણસો સંઘર્ષ ટાળવાનું અને જેનાથી તેની જરૂરતોનો સંતોષ થતો હોય તેવાં જ વલણોને અનુસરવાનું વલણ રાખે છે.

વલણ–માપન : વ્યક્તિનું અમુક બાબત પરત્વે શું વલણ છે તે જાણવા ઉપરાંત આ વલણ તરફેણ કે વિરોધમાં છે તેમજ તે કેટલું તીવ્ર કે નરમ છે તે જાણવું પણ જરૂરી છે. વલણ તો માનસિક અને ગુણાત્મક બાબત છે. તેનું જથ્થાત્મક પ્રમાણ જાણવા અને માપવા માટે મનોવિજ્ઞાનીઓએ અનેક પદ્ધતિઓ, ટેક્નિકો વિકસાવી છે. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ઉત્પાદકો, વિજ્ઞાપનકારો, વહીવટકારો, સમાજસુધારકો વગેરે અનેકોને પોતાના મતદારો અને ગ્રાહકોનાં પ્રજાનાં વલણો જાણવાની અને માપવાની જરૂર હોય છે. વલણની દિશા અને તીવ્રતા જાણી લેવાય તો તે વલણોમાં પરિવર્તન લાવવાની યોજનાઓ વિચારી શકાય.

લોકોના અમુક બાબતો વિશેના વલણની જાણકારી અને માપન વિશે સીધી-સાદી રીત છે કે તેમને પૂછો; દા.ત., તમે કોને મત આપશો, ભાજપાને કે કૉંગ્રેસને ?, દેહાંતદંડની સજા થવી જોઈએ કે નહિ ? જેવા પ્રશ્ર્નોના તુરત જ જવાબો મેળવીને લોકવલણ જાણી શકાય છે. ઘણા ઉત્પાદકો, રાજકીય સમીક્ષકો આવા ઓપિનિયન-પોલ સર્વે કરે છે. વધારે વિગતે વલણ જાણવા માટે એમ પૂછવામાં આવે કે ‘તમે આ મુદ્દા (જેમ કે, લગ્નપૂર્વે જાતીય સંબંધો) વિશે ગભરાટ અને ખચકાટ વગર વિગતે લખીને જણાવો. તમારું નામ કે બીજી ઓળખ આપવાની જરૂર નથી. તમારું લખાણ એક પેટીમાં નાંખશો.’ આવા સંજોગોમાં લોકોના વાસ્તવિક, પ્રામાણિક અભિપ્રાયો મળવાની સંભાવના વધે છે.

માણસો કેટલીક સંવેદનશીલ, નાજુક સમસ્યાઓ વિશે ચોક્કસ, તીવ્ર મત ધરાવતા હોય તેનો પ્રભાવ તેમના શરીરમાં તેમજ ચહેરા ઉપરના ફેરફારોની પ્રક્રિયાઓમાં દેખાઈ આવે છે. આ શારીરિક પ્રતિભાવો; દા.ત., ત્વચાની પ્રતિરોધ-શક્તિ, હૃદયના ધબકારા, કીકીના કદમાં ફેરફાર વગેરેમાં વધારે પ્રતિબિંબિત થાય છે. કોઈ બાબત જેમ વધારે અણગમતી હોય તેમ તેના સંદર્ભમાં આ શારીરિક પરિવર્તનો વધારે તીવ્ર પ્રમાણમાં નોંધાય છે. ચિત્તની જુદી જુદી મનોદશાઓમાં ચહેરાના જુદા જુદા ભાગો ઉપરના સ્નાયુઓમાં જુદા જુદા પ્રમાણમાં હિલચાલો થાય છે. ચહેરા ઉપરના આ ફેરફારો ઇલેક્ટ્રોમાયૉગ્રાફ (EMG) દ્વારા નોંધાય છે અને તેમાંના આલેખ ઉપરથી વલણની દિશા તેમજ તીવ્રતા વિશે અનુમાન કરવામાં આવે છે.

વલણ-માપન માટે માપનતુલા (rating scale) – એ અતિ સરળતાથી બનાવી શકાય તેવું સાધન છે. તુલાપદ્ધતિમાં અનેક રૂપો મનોવિજ્ઞાનીઓએ વિકસાવ્યાં છે. વલણ-માપન માટેની તુલાઓમાં એલ. એલ. થસ્ટૉર્નની સમાન દેખાતા અંતર(equal appearing intervals)ની તુલા સૌથી પ્રથમ રચાયેલી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પ્રથમ વલણ-માપનની સમસ્યા વિશે કેટલાંક વિધાનો રચવામાં આવે છે. આ વિધાનોનું સંપૂર્ણ અસંમતથી સંપૂર્ણ સંમત સુધીના 1થી 11 આંકના રેખાત્મક આલેખ ઉપર મૂલ્યાંકન કરવામાં આવે છે. આવી રીતે દરેક વિધાનનું તુલામૂલ્ય નક્કી થાય છે. લઘુતમથી ગુરુતમ તુલામૂલ્ય ધરાવતાં કેટલાંક વિધાનોની પસંદગી થાય. આમ માપનતુલા તૈયાર થાય. પછી આ માપનતુલા વ્યક્તિને આપવામાં આવે. વ્યક્તિ આ વિધાનોની યાદીમાંથી જે વિધાનો તેને પસંદ હોય તે બતાવે. આ વિધાનોના તુલામૂલ્યનો સરવાળો કરી તે આંક ઉપરથી વ્યક્તિના સંબંધિત સમસ્યા વિશેના વલણની તીવ્રતાનું માપ જાણી લેવાય છે.

વલણ-માપન તુલાઓમાં લિકર્ટ-તુલા (Likert scale) બહુ પ્રચલિત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વલણ-માપનની સમસ્યા વિશે કેટલાંક વિધાનો તૈયાર કરવામાં આવે છે. આ વિધાનો પરત્વે સંપૂર્ણ સંમતથી સંપૂર્ણ અસંમતના 1થી 5ના આંક ઉપર વ્યક્તિએ પ્રતિભાવો આપવાના હોય છે. આ વિધાનોના પ્રતિભાવના આંકનો સરવાળો કરી વલણ વિશે કુલ આંક જાણીને વલણની દિશા તેમજ તીવ્રતા જાણી શકાય છે. લિકર્ટની આ પદ્ધતિને સંમિલિત મૂલ્યાંકનોની પદ્ધતિ (method of summated rating) કહે છે. આ ઉપરાંત વલણ-માપન માટે ગટમેન તુલા, સંચયી તુલા (cumulative scale) ચાર્લ્સ ઇ. ઓલગુડની શબ્દાર્થભેદપદ્ધતિ (semantic differential), ક્રમાંકતુલા (rank order scale), સર્વેક્ષણ પદ્ધતિ વગેરેનો ઉપયોગ થાય છે. અમેરિકામાં વિભિન્ન રાષ્ટ્રીયતા ધરાવતાં જૂથો પ્રત્યેનાં વલણો માપવા માટે ઇ. એલ. બોગાર્ડસે સામાજિક અંતરતુલા (social distance scale) વિકસાવી છે. આ જ ભૂમિકા ઉપર બી. કુપ્પુસ્વામીએ ભારતમાં વિભિન્ન જૂથો વચ્ચેનાં પરસ્પર પરત્વે વલણો માપવા સામાજિક અંતરતુલા વિકસાવી છે. ભારતની યુનિવર્સિટીઓમાં અનેક અધ્યાપકોએ જુદા જુદા અનેક મુદ્દાઓ, સમસ્યાઓ વિશેનાં વલણો માપવા માટે માપનતુલાઓ વિકસાવી છે.

વલણ-માપન માટે તુલા એક બહુ જ અગત્યનું અને પ્રચલિત સાધન છે. આ તુલા-પદ્ધતિની અનેક મર્યાદાઓ છે. તેમાં મોટી મર્યાદા એ છે કે જે સમસ્યા વિશે વલણ-માપન થતું હોય તેના વિશે વ્યક્તિને જાણકારી કે રસ ન હોય તેવું બને અને છતાં તે વિશે તે મનઘડંત પ્રતિભાવો આપે. વળી ઉત્તરદાતાઓ જે પ્રતિભાવો આપે છે તે સાચા અને પ્રામાણિક હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ. તેમાં પણ નકારાત્મક વલણ પ્રગટ કરવા માટે માણસો એકદમ તૈયાર થતા નથી. સત્તાધારી પક્ષને કે પોતાને અંગત સ્પર્શતા હોય; મિત્રો, સંબંધીઓને અનુકૂળ ન હોય તેવાં પોતાનાં વલણો વિશે સાચા જવાબો આપવા માણસો તૈયાર હોતા નથી. મહદ્અંશે ‘સાચું’ કહેવાને બદલે ‘શું સારું લાગશે’ એવું કહેવાની વૃત્તિ વધારે પ્રમાણમાં હોય છે. વલણ-માપન માટે પસંદ કરેલો નમૂનો યોગ્ય અને પ્રતિનિધિરૂપ ન હોય, ઉત્તરદાતાઓને જવાબો આપવામાં રસ ન હોય, તેમની સક્રિયતા ન હોય તો લોકોનાં વલણની દિશા અને તીવ્રતાનું સાચું માપ મળે નહિ. આ મર્યાદાઓ છતાં તુલાઓ વલણ-માપન માટે બહુ સરળ, હાથવગું અને કંઈક માર્ગદર્શન પૂરું પાડે તેવું સાધન છે.

વલણ–પરિવર્તન : માણસમાં તેના અનુભવ, પરિસ્થિતિ અનુસાર વિવિધ પદાર્થો, ઘટનાઓ, વિચારો વિશે જે વલણો બંધાયાં હોય તે તેને જીવનમાં થતા નવીન અનુભવો, પરિસ્થિતિ અનુસાર બદલાય પણ છે. એવું પણ બને કે કોઈ એક બાબત વિશે બંધાયેલા વલણમાં સામા છેડાનું પરિવર્તન પણ આવે. રોજરોજ જાતજાતનાં તંત્રો, પ્રચારમાધ્યમો, સમાચારો, વિજ્ઞાપનો, ભાષણો દ્વારા મનુષ્યનાં વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થતા હોય છે. ચૂંટણીમાં પ્રવચનો, ધર્મગુરુઓનાં ભાષણો, ટી.વી. ઉપરની જાહેરાતો વગેરેનો પ્રાથમિક હેતુ લોકોના વલણતંત્રમાં પરિવર્તન લાવવાનો જ હોય છે. જેને મગજનું ધોવાણ (brain-washing) કહેવામાં આવે છે, તેમાં હેતુપૂર્વક વ્યક્તિમાંથી જૂનાં વલણો સાફ કરી નવાં વલણો ચુસ્ત રીતે કેળવવાનો જ પ્રયાસ હોય છે. ચુસ્ત મતાગ્રહી, સિદ્ધાંતનિષ્ઠ કટ્ટરવાદી વ્યક્તિ એને કહેવાય કે જે પોતાના વલણમાં પરિવર્તન કરવા તૈયાર હોતો નથી.

સમજાવટ (persuasion) એ વલણમાં પરિવર્તન લાવવા માટેની સક્ષમ પદ્ધતિ છે. સમજાવટ એટલે એક પક્ષ દ્વારા બીજા પક્ષની વ્યક્તિઓનાં વલણો કોઈ નિશ્ચિત દિશામાં વાળવા માટે પ્રયાસ કરવો તે. વલણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા અને તેને અસર કરતાં પરિબળો વિશે મનોવિજ્ઞાનમાં વિપુલ પ્રાયોગિક સંશોધન-સાહિત્ય ઉપલબ્ધ છે. વલણ-પરિવર્તનની પ્રક્રિયામાં પાંચ ઘટકો મુખ્ય છે : (1) નિવેદનનું ઉદભવ-સ્થાન (source); (2) નિવેદનમાં સંદેશો (message); (3) પ્રવહણ-માર્ગ (channel); (4) સંદેશાના પ્રાપ્તકર્તા (receiver) અને અંતિમ ધ્યેય (destination).

વલણ-પરિવર્તનની પ્રક્રિયામાં નિવેદન કરનાર વ્યક્તિનું ઘણું મહત્વ છે. એવા ઘણા અનુભવો છે કે લોકોને સમજાવવામાં યુદ્ધ-હુલ્લડમાં ઉશ્કેરવા, કે શાંત પાડવામાં, રાજકીય પ્રચારમાં જાહેર વ્યક્તિઓ, લોકનાયકો કે નેતાઓનો પ્રભાવ પડ્યો હોય. દરેક પ્રકારની પ્રચાર-ઝુંબેશમાં આથી જ લોકપ્રિય અભિનેતાઓ, જાણીતા વિદ્વાનોને જોતરવામાં આવે છે. નિવેદનનો સ્વીકાર થવામાં નિવેદન કરનાર વ્યક્તિની પ્રતિષ્ઠા, દરજ્જો, ધ્યેય માટેની પ્રતિબદ્ધતા, વિશેષજ્ઞતા, વિશ્વસનીયતા વગેરે અગત્યનો ભાગ ભજવે છે. અમુક મુદ્દા વિશેનું કથન એમ જ રજૂ કરવામાં આવે તેના બદલે તે જવાહરલાલ, બર્ટ્રાન્ડ રસેલ, રવીન્દ્રનાથ ટાગોરનું કે યુનો સંસ્થાનું છે એમ કહીને રજૂ કરવામાં આવે તો તે વધારે અસરકારક નીવડે છે. ‘માતાએ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ’ એવો તબીબી અભિપ્રાય હોવાથી આજે શરીર-સૌંદર્યની ચિંતા કરતી માતાઓ પણ તેને અનુસરે છે.

વલણ-પરિવર્તન માટે નિવેદનમાં જે સંદેશો હોય છે તેની વિગતો, સ્વરૂપ, રજૂઆતની રીત વગેરે ધારી અસર ઉપજાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. સંદેશામાં કેવી અપીલ વધારે અસરકારક નીવડે, ઊર્મિશીલ કે બુદ્ધિશીલ તે વિશે કોઈ નિરાકરણીય પુરાવા નથી. વલણ-પરિવર્તન માટેનાં વિજ્ઞાપનો, નિવેદનોમાં ભય, સલામતી, તંદુરસ્તી, સારો દેખાવ, રૂપાળો ચહેરો, જાતીયતા, સિદ્ધિ વગેરે પ્રેરકોને સાંકળવામાં આવે છે. નિવેદનની રજૂઆત વારંવાર, વ્યવસ્થિત તેમજ સ્પષ્ટ રૂપમાં થાય એ અત્યંત જરૂરી છે. સંદેશાની રજૂઆત દલીલો સાથે, લાગણીઓને સ્પર્શ થાય એમ, ફાયદા-ગેરફાયદા કે પરિણામોનો ડર બતાવીને – એમ અનેક રીતે થાય છે. અલબત્ત, રજૂઆત શ્રોતાઓ, દર્શકો કે વાચકોના અહમને આઘાત લાગે, અપમાનજનક લાગે તે રીતની ન જ હોવી જોઈએ.

વલણ-પરિવર્તનની પ્રક્રિયામાં રજૂઆત વાચિક હોય યા લેખિત હોય, મોઢામોઢ સંપર્ક હોય કે માધ્યમ દ્વારા. પ્રચારનું માધ્યમ ટી. વી., વર્તમાનપત્ર, ફિલ્મ, મોબાઇલ ફોન, ટપાલ એમ જાતજાતનાં હોય. આ દરેક રીતની અસરકારકતા પ્રચારનો મુદ્દો, સમસ્યાનો પ્રકાર, પ્રચારનો હેતુ વગેરે ઉપર આધાર રાખે છે. પરિવર્તનના પ્રયાસોનો વ્યક્તિ કે સમૂહ ઉપર કેવો અને કેટલો પ્રભાવ પડશે તેમાં જે તે વ્યક્તિ કે સમૂહની પરિવર્તન-પ્રક્રિયામાં સક્રિયતા, સામેલગીરી, વલણ-પરિવર્તન માટેની માનસિકતા, નવું જાણવા-સમજવાની ઉત્સુકતા વગેરે ઉપર વધારે અવલંબે છે. વ્યક્તિનું વલણ તેની માન્યતા કરતાં વિરોધી વલણમાં બદલાશે કે નહિ તે તેની પ્રભાવ પામવાની તૈયારી ને ક્ષમતા, પ્રતિબદ્ધતા, આત્મગૌરવ, જ્ઞાનલક્ષી જરૂરતો વગેરે ઉપર નિર્ભર છે. અલબત્ત, એક જ સમૂહના તમામ સભ્યોમાં એકસરખી રીતે તેમજ એકસરખા પ્રમાણમાં વલણ-પરિવર્તન થાય નહિ. વલણ-પરિવર્તન કરવાના પ્રયાસોને અસરકારક બનાવવાની સાથે વલણ-પરિવર્તનના પ્રયાસો સામે પોતાના વલણને વળગી રહેવું, પ્રતિકાર કરવો, પ્રતિરક્ષા કેળવવી તે વલણના વિષયનું અગત્યનું પાસું છે.

વલણ વિશેનો અભ્યાસ વૈયક્તિક માનવી કે પ્રજા-સમૂહને સમજવા, ઓળખવા માટે અત્યંત જરૂરી છે. મનોવિજ્ઞાનમાં વલણ વિશે વિપુલ પ્રમાણમાં પ્રાયોગિક સંશોધન-સાહિત્ય સાંપડે છે.

ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ

24 August 2021

મનોવિજ્ઞાનની શાખાઓ

મનોવિજ્ઞાનની શાખાઓ

મનોવિજ્ઞાનના ઉપર્યુક્ત વિભાગોમાંથી કેટલાક મુખ્ય વિભાગોની વિગત આ મુજબ છે :

1. સામાન્ય મનોવિજ્ઞાન (general psychology) : જેમાંથી મનોવિજ્ઞાનની તમામ શાખાઓનો ઉદભવ થયો છે તેવું મનોવિજ્ઞાન વિષયનું સર્વસામાન્ય ક્ષેત્ર. મનુષ્યજાતિમાં મનુષ્ય તરીકે જે સર્વસામાન્ય ગુણધર્મો અને વિશેષતાઓ છે તેનું અધ્યયન સામાન્ય મનોવિજ્ઞાન કરે છે.

2. પ્રાયોગિક મનોવિજ્ઞાન (experimental psychology) : મનોવિજ્ઞાન મનુષ્યના મનોવ્યાપારો અને વર્તન વિશે અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ, શીખવું અને સ્મૃતિ, ભાષા અને વિચારણા, આવેગ અને પ્રેરણ સહિત વિવિધ સ્વરૂપના મનોવ્યાપારો અને વર્તન વિશે પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો પાયાનાં સંશોધનો (basic research) કરે છે. પ્રાયોગિક મનોવૈજ્ઞાનિક પ્રાયોગિક સંશોધન-પદ્ધતિનો તજ્જ્ઞ હોય છે.

3. બોધાત્મક મનોવિજ્ઞાન (Cognitive psychology) : ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે થતી માનસિક ઘટનાઓના અભ્યાસ સાથે બોધાત્મક મનોવિજ્ઞાન સંકળાયેલું છે. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું જ એ એક પેટાક્ષેત્ર છે. મનોવિજ્ઞાનની આ શાખા વિચાર, ભાષા, સ્મૃતિ, સમસ્યા-ઉકેલ, જાણવું, તર્કક્રિયા, વિવેક (judging) અને નિર્ણય કરવાની પ્રક્રિયા જેવા ઉચ્ચ મનોવ્યાપારોનું અધ્યયન કરે છે.

4. શારીરિક મનોવિજ્ઞાન (physiological psychology) : મગજ તેમજ અન્ય દૈહિક પ્રક્રિયાઓનો વર્તન સાથેનો સંબંધ સ્પષ્ટ કરતી મનોવિજ્ઞાનની શાખા. આ શાખા પણ પ્રાયોગિક મનોવિજ્ઞાનનું જ એક પેટાક્ષેત્ર છે. આ વિદ્યાશાખાના અભ્યાસીઓને જૈવ-મનોવૈજ્ઞાનિકો (bio-psychologists) તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાનની આ શાખાએ મગજ અને વર્તન (brain and behaviour) વચ્ચેના સંબંધ પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે. મગજના કોષોમાંથી ઝરતાં ‘ન્યુરોટ્રૅન્સમીટર્સ’ તેમજ અંત:સ્રાવી ગ્રંથિઓમાંથી ઝરતા ‘હૉર્મોન્સ’ની વર્તનમાં શું ભૂમિકા છે તે સ્પષ્ટ કરવામાં પણ આ વિદ્યાશાખાએ મહત્વનો ફાળો આપ્યો છે.

5. તુલનાત્મક મનોવિજ્ઞાન (comparative psychology) : પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો મનુષ્યના વર્તનને સમજવા માટે કેટલીક વાર પ્રાણીઓ પર પણ પ્રયોગો કરે છે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન જાતિઓનાં પ્રાણીઓના વર્તનની તુલના કરવા માટે પણ મનોવૈજ્ઞાનિકો પ્રાણીઓનું અધ્યયન કરે છે. આવાં અધ્યયનોમાંથી તુલનાત્મક મનોવિજ્ઞાનની વિદ્યાશાખા વિકસી છે.

6. વિકાસલક્ષી મનોવિજ્ઞાન (developmental psychology) : સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિઓ કેવી રીતે વૃદ્ધિ (grow) પામે છે, વિકસે (develop) છે અને તેમનામાં વય વધતાંની સાથે કેવાં કેવાં પરિવર્તનો (change) થાય છે તેનો અભ્યાસ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં થાય છે. જીવનના અન્ય કોઈ પણ તબક્કા કરતાં બાલ્યાવસ્થાનાં વર્ષોમાં ખૂબ ઝડપી અને નોંધપાત્ર ફેરફારો થતા હોય છે. આથી બાળમનોવિજ્ઞાને (child psychology) વિકાસાત્મક મનોવિજ્ઞાનની સૌથી મહત્વની પ્રશાખા તરીકેનો મોભો પ્રાપ્ત કર્યો છે. બાળમનોવિજ્ઞાન ગર્ભાધાનથી માંડીને તરુણાવસ્થાના પ્રવેશ સુધીનાં વિકાસ અને વર્તનનો અભ્યાસ કરે છે. તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ અવસ્થાઓમાં પણ વિકાસાત્મક પરિવર્તનો થતાં રહે છે અને તેથી આ તબક્કાઓનું મનોવિજ્ઞાન પણ વિકાસાત્મક મનોવિજ્ઞાનનો જ ભાગ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં સરેરાશ આયુષ્યમર્યાદા વધી હોવાથી વૃદ્ધાવસ્થાના મનોવિજ્ઞાન વિશેનાં અધ્યયનોએ પણ વેગ પકડ્યો છે.

7. વ્યક્તિત્વ મનોવિજ્ઞાન (personality psychology) : પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ આગવું હોય છે. એક વ્યક્તિના વ્યક્તિત્વગુણો (traits) બીજી વ્યક્તિથી અલગ હોય છે. વયની સાથે વ્યક્તિના વર્તનમાં જોવા મળતી સુસંગતતા અને પરિવર્તન તેમજ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને અલગ પાડનારા વ્યક્તિત્વગુણોના અભ્યાસ સાથે વ્યક્તિત્વ મનોવિજ્ઞાન સંકળાયેલ છે. વ્યક્તિત્વના વિકાસ પર જૈવિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની અસરો પડે છે. આ અસરોનાં અધ્યયનોમાંથી વ્યક્તિત્વ-વિકાસ વિશેના વિવિધ સિદ્ધાંતો (personality theories) મનોવૈજ્ઞાનિકોએ આપ્યા છે.

8. સમાજલક્ષી મનોવિજ્ઞાન (social psychology) : સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજમાં થતા વ્યક્તિના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કે વ્યક્તિ અને જૂથ વચ્ચે થતી આંતરક્રિયાઓનું તે અધ્યયન કરે છે. સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વિચારે છે, લાગણી અનુભવે છે અને વર્તે છે તેનો તે વિચાર કરે છે. સમાજશાસ્ત્રના અભ્યાસનો એકમ ‘જૂથ’ છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસનું કેન્દ્ર અને એકમ ‘વ્યક્તિ’ છે. વ્યક્તિ એકલી હોય તોપણ તેના પર કોઈ ને કોઈ પ્રકારની સામાજિક અસરો થતી જ હોય છે. આથી કેટલાક અભ્યાસીઓ તો એમ કહે છે કે ‘વાસ્તવમાં સમગ્ર મનોવિજ્ઞાન એ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે’. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ સામાજિક મનોવલણોનો નોંધપાત્ર પ્રમાણમાં અભ્યાસ કર્યો છે. આથી કેટલાક અભ્યાસીઓ સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે સામાજિક મનોવલણો વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન એવી વ્યાખ્યા કરવા પણ પ્રેરાયા છે. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ મનોવલણો અને અભિપ્રાયોના માપનની ટેક્નિકમાં એટલી પૂર્ણતા પ્રાપ્ત કરી છે કે તેઓએ તેના આધારે કરેલી આગાહીઓ લગભગ સાચી પડે છે. ચૂંટણીઓ પૂર્વે લેવાતા ‘ઓપિનિયન પોલ’ અને ચૂંટણી પૂરી થયાના દિવસે લેવાતા ‘એગ્ઝિટ પોલ’ જેવી પ્રયુક્તિઓ એ આનું ઉદાહરણ છે. આ પ્રકારના પોલમાંથી ‘સેફૉલોજી’ નામની એક સ્વતંત્ર વિદ્યાશાખા પણ વિકસી છે.

9. ચિકિત્સામનોવિજ્ઞાન (clinical psychology) : મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખા માનસિક રીતે ક્ષુબ્ધ થઈ ગઈ હોય એવી વ્યક્તિઓનાં નિદાન, ઉપચાર, રોગનિવારણ અને સંશોધન સાથે સંકળાયેલી છે. ‘ચિકિત્સા મનોવૈજ્ઞાનિક’ અને ‘માનસચિકિત્સક (psychiatrist) વચ્ચેનો ભેદ ખ્યાલમાં રાખવા જેવો છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના ક્ષેત્રનો તજ્જ્ઞ છે, જ્યારે માનસચિકિત્સક તબીબી ક્ષેત્રનો તજ્જ્ઞ છે. M.B.B.S. થયા પછી જે તબીબો માનસિક રોગોનો ઉપચાર કરવાના સ્પેશિયાલિસ્ટ બને છે તેઓને માનસચિકિત્સકો કહેવામાં આવે છે. માનસચિકિત્સકોએ તબીબી ક્ષેત્રની તાલીમ લીધી હોય છે આથી માનસિક દર્દીઓના ઉપચારમાં તે દવાઓ, ઇન્જંક્શનો, ઇલેક્ટ્રિક શૉક આપી શકે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે માનસશાસ્ત્રના ક્ષેત્રની તાલીમ લીધી હોય છે આથી તે તબીબી ઉપચારો કરવાની પાત્રતા ધરાવતો નથી. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક માનસોપચાર (psychotherapy) દ્વારા માનસિક રીતે ક્ષુબ્ધ થઈ ગઈ હોય તેવી વ્યક્તિઓનો ઉપચાર કરવાનો પ્રયાસ કરે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે માનસશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સંશોધનના ક્ષેત્રની તાલીમ પણ લીધી હોય છે આથી માનસિક રોગો કે વિકૃતિઓના નિદાન અને ઉપચાર અંગેનાં સંશોધનો કરવામાં તેઓ ખૂબ ઉપયોગી થઈ પડે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો નિદાન અને ઉપચારમાં વ્યક્તિ-ઇતિહાસ પદ્ધતિ (case history method) તેમજ વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો પણ તેઓ ઉપયોગ કરે છે. માનસિક દર્દીઓની સારવારમાં તજ્જ્ઞોનું જૂથ પણ કામ કરતું હોય છે. આવા જૂથના એક સભ્ય તરીકે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક પોતાની સેવાઓ આપતો હોય છે.

10. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન (industrial and organizational psychology) : મનોવિજ્ઞાનની આ શાખા ‘કાર્યસ્થળ’ પર થતાં માનવીઓનાં વર્તન સાથે સંકળાયેલી છે. ઉત્પાદકતા, કાર્યસંતોષ અને નિર્ણય કરવાની પ્રક્રિયા એ તેનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. ઉદ્યોગ-ધંધા અને તે માટે રચાયેલાં સંગઠનોનું સંચાલન કરવા માટે કુશળ કર્મચારીઓ અને સક્ષમ અધિકારીઓની જરૂર પડે છે. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો ‘યોગ્ય કામ માટે યોગ્ય માણસ’ શોધવામાં ઉદ્યોગ-ધંધાઓને સહાય કરે છે. તેઓ ભરતી અધિકારીઓ તરીકે સેવાઓ આપે છે. આવા મનોવૈજ્ઞાનિકોને ‘પર્સોનેલ સાઇકૉલોજિસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો એ કર્મચારીઓ/કામદારો અને મૅનેજમેન્ટ વચ્ચેની મહત્વની સંપર્ક-કડી છે. તેઓ કર્મચારીઓ/કામદારો જે પર્યાવરણમાં કામ કરે છે તે પર્યાવરણ અને ઉત્પાદકતા અંગેનાં અધ્યયનો કરે છે. ઉત્પાદન કઈ રીતે વધારવું, કામદારોનો ઊથલો અને ગેરહાજરી કઈ રીતે ઘટાડવાં, કામ અંગેના તાલીમી કાર્યક્રમો કઈ રીતે સુધારવા, કર્મચારી/કામદારના કાર્યનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, તેમની સાથેના માનવીય સંબંધો કઈ રીતે સુધારવા ઇત્યાદિ બાબતોમાં તેઓ સલાહ-સૂચન આપે છે. સાથે સાથે કામદોરોનાં જોમ અને જુસ્સો કઈ રીતે વધારવાં, કામ અંગેનો સંતોષ અને કામ કરવાની પ્રેરણા કઈ રીતે વધારવી તે અંગેના માર્ગો પણ તેઓ સૂચવે છે. પશ્ચિમના દેશોમાં તો ઘણા ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો કન્સલટિંગ ફર્મના એક સભ્ય તરીકે કામ કરતા હોય છે અથવા તો પોતાની જ કન્સલટિંગ ફર્મ ચલાવતા હોય છે. તેઓ પોતાને ‘કન્સલટિંગ સાઇકોલૉજિસ્ટ’ તરીકે ઓળખાવતા હોય છે.

11. શૈક્ષણિક મનોવિજ્ઞાન (educational psychology) : વિદ્યાર્થીને કેળવણીની પ્રક્રિયા શી રીતે અસર કરે છે તેની સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન સંકળાયેલું છે. અધ્યયન (learning) અને અધ્યાપન (teaching) બંને સાથે તેનો નાતો છે. બાળકોમાં પડેલી શક્તિઓને સમજવી, અધ્યાપન માટેની શ્રેષ્ઠ પ્રયુક્તિઓ વિકસાવવી તેમજ વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેની આંતરક્રિયા અને પ્રત્યાયનને કેમ સુગમ બનાવવાં ઇત્યાદિ બાબતો તેના કાર્યક્ષેત્રમાં આવે છે. કેટલાક શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો શાળા મનોવૈજ્ઞાનિક (school psychologist) તરીકે પણ સેવાઓ આપે છે. જે બાળકોને શૈક્ષણિક કે સંવેગાત્મક (emotional) સમસ્યાઓ હોય છે તેઓનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય તેઓ કરે છે. બાળકોની સમાયોજન-સમસ્યાઓમાં તે ‘સલાહકાર’ તરીકે પણ ફરજો બજાવે છે.

12. સલાહ–મનોવિજ્ઞાન (counselling psychology) : કુટુંબમાં, શાળામાં, કૉલેજમાં, વ્યવસાયમાં, લગ્નજીવનમાં એમ અનેક ક્ષેત્રોમાં વ્યક્તિઓ વિવિધ પ્રકારની સમાયોજન-સમસ્યાઓ અનુભવે છે. આ સમસ્યાઓ ગંભીર સ્વરૂપ પકડે તે પહેલાં તેનું નિદાન અને ઉપચાર થાય તો ‘પાણી પહેલાં પાળ બાંધી શકાય’. આ કાર્ય સલાહ મનોવૈજ્ઞાનિકો કરે છે. સલાહ મનોવૈજ્ઞાનિકો પોતાના અસીલો પર નિર્ણયો લાદતા નથી પરંતુ વાતચીતના માધ્યમ દ્વારા એવી શીખવાની પરિસ્થિતિ ઊભી કરે છે કે જેના કારણે વ્યક્તિ પોતે જ પોતાની જાતે યોગ્ય નિર્ણય પર આવી શકે છે અને પોતાની સમસ્યાને સુલઝાવી શકે છે. શૈક્ષણિક, સામાજિક અને કારકિર્દીને લગતી સમસ્યાઓમાં સલાહ મનોવૈજ્ઞાનિકો વિશેષ સહાયરૂપ થાય છે. પ્રત્યેક શાળા-મહાશાળામાં સલાહ/માર્ગદર્શન કેન્દ્ર (guidance and counselling centre) આ ર્દષ્ટિએ હોવું જરૂરી છે.

13. સેના–મનોવિજ્ઞાન (military psychology) : સેના પણ એક પ્રકારનું સંગઠન છે. લશ્કરમાં યોગ્ય કામ માટે યોગ્ય માણસની ભરતી કરીને, તેને તાલીમ આપવાથી માંડીને યુદ્ધમાં સૈનિકોનું અને અધિકારીઓનું ખમીર જળવાઈ રહે ત્યાં સુધીની અનેક બાબતો કરવી પડે છે. યુદ્ધ દરમિયાન પ્રજાનું અને લશ્કરનું મનોબળ જાળવી રાખવા પ્રચાર કરવો પડે છે, શત્રુપક્ષના પ્રચારનો પ્રતિકાર (disinformation) કરવો પડે છે. આ બધા સાથે સેના મનોવિજ્ઞાન ગાઢ રીતે સંકળાયેલું છે.

14. ઇજનેરી મનોવિજ્ઞાન (engineering psychology) : ઓજારો અને યંત્રો સાથેની માનવીની આંતરક્રિયા શક્ય તેટલી સુગમ અને ક્ષતિરહિત બને તે માટે મનોવિજ્ઞાનની આ શાખા પ્રયત્ન કરે છે. લોકોને કામ કરવામાં અને વાપરવામાં અનુકૂળ પડે તેવી ઓજારો અને યંત્રોની ડિઝાઇન અને નિર્માણમાં તે યોગદાન આપે છે. કાર, કમ્પ્યૂટરથી માંડીને અવકાશયાત્રીઓ માટેનાં ઓજારો અને યંત્રોના નિર્માણમાં આ વિદ્યાશાખાઓ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી શકે છે.

15. પુન:સ્થાપનાનું મનોવિજ્ઞાન (rehabilitation psychology) : કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલાંઓમાં કેટલાક મૂળ સોતાં ઊખડી જાય છે. આવી વ્યક્તિઓને પુન:સ્થાપિત કરવી પડે છે. તેમના જીવનને થાળે પાડવું પડે છે. પુન:સ્થાપન મનોવિજ્ઞાન તરીકે ઓળખાતી મનોવિજ્ઞાનની શાખા આ કાર્યમાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. દારૂડિયાઓ, કેફી દ્રવ્યોના બંધાણીઓ, રીઢા ગુનેગારો, અપહરણ-બળાત્કાર કે અમાનુષી યાતનાનો ભોગ બનેલાઓ કે પછી ધરતીકંપ, પૂર, વાવાઝોડાં, જેવી કુદરતી દુર્ઘટનાને લીધે વિસ્થાપિત થયેલ લોકોને પુન:સ્થાપિત કરવા પડે છે.

16. ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન (consumer psychology) : લોકોની ખરીદીની ટેવો અને ખરીદનારના વર્તન પર થતી જાહેરખબરોની અસરો એ ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાનના મુખ્ય અભ્યાસ-મુદ્દાઓ છે. ગ્રાહકના વર્તનના અભ્યાસ અને આગાહી સાથે તે સંકળાયેલું છે. કેટલાક ગ્રાહકલક્ષી મનોવૈજ્ઞાનિકો ઔદ્યોગિક ગૃહો માટે કામ કરે છે. કોઈ ચોક્કસ ચીજવસ્તુને ગ્રાહકો વધુ પ્રમાણમાં ખરીદતા થાય તેવી ઝુંબેશનું તે આયોજન કરે છે, તો કેટલાક ગ્રાહકલક્ષી મનોવૈજ્ઞાનિકો ગ્રાહકોનાં હિતોનું અને હકોનું રક્ષણ કરનાર સરકારી કે સ્વૈચ્છિક સંગઠનોમાં પોતાની સેવાઓ આપે છે. ગ્રાહકોની રુચિ અને તેમાં વખતોવખત થતા ફેરફારો તેમજ ગ્રાહકોને મળતી ચીજવસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા એ ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાનના ચિંતાના વિષયો છે.

17. જનસમુદાય–મનોવિજ્ઞાન (community psychology) : માનસિક સ્વાસ્થ્યના આંદોલન અંગે જનસમુદાયમાં જાગૃતિ આવે અને આ આંદોલન છેક છેવાડાના માણસ સુધી પ્રસરે તેની સાથે મનોવિજ્ઞાનની આ શાખા સંકળાયેલી છે. જેઓ કોઈ વર્તન-સમસ્યાનો ભોગ બન્યા હોય કે બનવાની શક્યતા હોય તેઓના માટે વિશિષ્ટ કાર્યક્રમોનું જનસમુદાય મનોવૈજ્ઞાનિકો આયોજન કરે છે. કેટલાક જનસમુદાય મનોવૈજ્ઞાનિકો ‘સામાજિક કર્મશીલો’(social activists)ની ભૂમિકા ભજવે છે. આવા જનસમુદાય મનોવૈજ્ઞાનિકો ‘સામાજિક સમસ્યાભિમુખ’ હોય છે અને ભિન્ન ભિન્ન વાર્તનિક વિજ્ઞાનોમાં જે નવા વિચારો આવ્યા હોય તેનો સામાજિક સમસ્યાના ઉકેલમાં વિનિયોગ કરતા રહે છે. જેમ કે જનસમુદાયમાં બે જૂથો વચ્ચે વૈરભાવ વધી ગયો હોય, આતંકવાદી પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોય, બેરોજગારીને લીધે લોકોમાં નિરાશા વ્યાપી હોય, યુવાવર્ગ કેફી દ્રવ્યોનો બંધાણી બનતો જતો હોય ઇત્યાદિ સમસ્યાઓને ઉકેલવા તે પ્રયત્ન કરે છે. કેટલાક જનસમુદાય મનોવૈજ્ઞાનિકો રોજબરોજની જિંદગીની ગુણવત્તા સુધરે તેવા વિધાયક પ્રયત્નો પણ કરે છે. જેમ કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે, સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે, લોકોને રોજગારલક્ષી કેળવણી મળે, જનસમુદાયને સ્પર્શતા પ્રશ્નોમાં લોકોની ભાગીદારી વધે તે માટે તે પ્રયાસો કરે છે.

18. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન (environmental psychology) : મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખા લોકો અને તેમના ભૌતિક વાતાવરણ વચ્ચેના સંબંધ વિશે વિચાર કરે છે. ઘરનું સ્થાપત્ય, હવામાન, વસ્તીની ગીચતા, ઘોંઘાટ, તાપમાન, ગંધ જેવાં અનેક પર્યાવરણીય પરબિળોની વર્તન પર અસર પડે છે. આ અસરોનો અભ્યાસ અને વિશ્લેષણ પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો કરે છે. પર્યાવરણનું રક્ષણ, જતન અને સંવર્ધન થાય, તેમાં કોઈ પ્રદૂષણ ન ફેલાય તે માટેની વ્યૂહરચનાઓ પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે. આધુનિક સમયમાં પર્યાવરણની જાળવણી એ એક આંદોલન બની ગયું છે.

19. આરોગ્યનું મનોવિજ્ઞાન (health psychology) : શારીરિક રોગો અને મનોવૈજ્ઞાનિક ઘટકો એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના અધ્યયન સાથે આરોગ્ય મનોવિજ્ઞાન સંકળાયેલું છે. શરદીથી માંડીને કૅન્સર અને હૃદયરોગ જેવા જીવલેણ રોગોમાં ‘મનોભાર કે મનસ્તાણ(STRESS)ની શી ભૂમિકા છે તેનું સ્પષ્ટીકરણ મનોવિજ્ઞાનની આ શાખામાં કરવામાં આવે છે. એક બાજુ તંદુરસ્તીની જાળવણી માટેના ઉપાયો તે સૂચવે છે (જેમ કે વ્યાયામ કે યોગ), તો બીજી બાજુ તંદુરસ્તી માટે જોખમરૂપ એવાં પરિબળો(જેમ કે ધૂમ્રપાન)થી આપણને સાવચેત કરે છે. દર્દી અને તબીબો વચ્ચેના સંબંધોના મનોવિજ્ઞાનનું પણ તે વિશ્લેષણ કરે છે અને આ સંબંધોની અસરકારકતા વધારવા તે પ્રયાસ પણ કરે છે.

20. ન્યાય મનોવિજ્ઞાન (forensic psychology) : ન્યાયતંત્રની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં વર્તનોનું અધ્યયન મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખામાં કરવામાં આવે છે. આરોપી સત્ય બોલે છે કે અસત્ય (lie detector), આરોપી કોઈ મનોવિકૃતિ કે માનસિક રોગનો ભોગ બનેલો છે કે કેમ, તેનું માનસિક સામર્થ્ય (mental competence) કેટલું છે તે નક્કી કરવામાં અદાલતો ન્યાય મનોવિજ્ઞાનના તજ્જ્ઞોની સહાય લે છે. આરોપી જો મનોવિકૃતિનો ભોગ બનેલ હોય તો તેને જેલમાં નહિ પણ ઉપચાર માટે મેન્ટલ હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે. સાક્ષીઓની જુબાની અને જૂરીના નિર્ણયોની વિશ્વસનીયતા સુધારવા માટે પ્રયત્નશીલ એવા ન્યાયતંત્રના વિશારદોને મનોવિજ્ઞાનની આ શાખાનું જ્ઞાન ઉપયોગી પુરવાર થયું છે.

21. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન (psychology of minorities) : દરેક સમાજમાં અમુક જૂથો લઘુમતીમાં હોય છે. અન્ય જૂથોની તુલનામાં તેમના વિશિષ્ટ પ્રશ્નો હોય છે અને તેઓ વિશિષ્ટ રીતે વર્તતા પણ હોય છે. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન આવાં વર્તનોનું મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ અધ્યયન કરે છે. લઘુમતી જૂથોને સમાન તકો કઈ રીતે પૂરી પાડી શકાય અને તેમનામાં ઘર કરી ગયેલ અસલામતી અને અસલામતીમાંથી જન્મતાં વિવિધ વર્તનોનું નિવારણ કઈ રીતે કરી શકાય એ આ પ્રકારના મનોવિજ્ઞાનનો ચિંતાનો વિષય છે. અમુક સંદર્ભમાં પુરુષોની તુલનામાં મહિલાઓ પણ લઘુમતી જેવો ભાવ અનુભવે છે. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન એ ર્દષ્ટિથી મહિલાઓના પ્રશ્નોનો પણ અભ્યાસ કરે છે.

22. સમૂહમાધ્યમનું મનોવિજ્ઞાન (media psychology) : અખબારો, રેડિયો અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમોની લોકોનાં વર્તન અને વ્યક્તિત્વ પર નોંધપાત્ર અસર પડી રહે છે. ‘મીડિયા ઇઝ ધ મેસેજ’ એ આ યુગનું સૂત્ર બની ગયું છે. સમૂહમાધ્યમના મનોવિજ્ઞાનમાં ‘મીડિયા’ની અસરોનું અધ્યયન થાય છે.

23. રમત–મનોવિજ્ઞાન (sports psychology) : ખેલાડીના કે ટીમના દેખાવને નોંધપાત્ર રીતે સુધારવામાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો વિનિયોગ રમત મનોવિજ્ઞાનના તજ્જ્ઞો કરતા હોય છે. સામાન્ય નાગરિકોથી માંડીને વિશ્વકક્ષાના ખેલાડીઓ સુધી તેમની સેવાઓ વિસ્તરેલી છે. રમતના મેદાનમાં ખેલાડી/ખેલાડીઓ પોતાનું મનોબળ અને માનસિક સમતોલન જાળવી શકે, હાર કે જીતને પચાવી શકે તે માટેના પાઠ રમત મનોવૈજ્ઞાનિક શીખવે છે; ખેલાડીઓમાં ‘વિજય માટેનું વલણ’ અને ‘સંઘભાવના’ (team spirit) આવે તેવી વ્યૂહ-રચનાઓ તેઓ કરે છે. ખેલાડીએ રમત દરમિયાન જે પ્રવૃત્તિ કરવાની હોય તેનું તે વિશ્લેષણ કરે છે (task analysis). આ વિશ્લેષણને આધારે ખેલાડીએ કયાં કયાં કૌશલ્યો વિકસાવવાનાં છે અને તેનું કઈ રીતે સંકલન કરવાનું છે તેનું માર્ગદર્શન અપાય છે. રમત મનોવિજ્ઞાન સામાન્ય નાગરિકોને પણ સહાયભૂત થાય છે. જનસમુદાયમાં આબાલવૃદ્ધ સૌ રમતની પ્રવૃત્તિમાંથી શારીરિક, માનસિક અને ભાવાત્મક રીતે (રમતથી ભાવવિરેચન catharsis થાય છે.) વધુમાં વધુ ભાગ કઈ રીતે લઈ શકાય તે વિશે એ વિચારે છે. જરૂર પડે તો વિવિધ કસરતો અને યોગ પણ તે શીખવે છે.

24. શાંતિનું મનોવિજ્ઞાન (peace psychology) : ‘યુદ્ધની શરૂઆત માનવમનમાંથી જ થાય છે. આથી શાંતિ માટેની દીવાલો પણ માનવમનમાં જ રચાવી જોઈએ’ આ ર્દષ્ટિબિંદુને ધ્યાનમાં લઈને યુદ્ધો કેમ થાય છે અને વિશ્વશાંતિ કઈ રીતે સ્થાપી શકાય તે માટેનાં અધ્યયનો શાંતિના મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે.

25. મન:-ઔષધશાસ્ત્ર (psychopharmacology) : મન અને વર્તન પર દવાઓની અસરોનો અભ્યાસ. માનસિક માંદગીનો ઉપચાર કરવા માટેની દવાઓના વિકાસનું શાસ્ત્ર.

26. મનોમાપન–શાસ્ત્ર (psychometry) : માપનમાં અમુક ચોક્કસ નિયમોને આધારે કોઈ પણ પદાર્થ, ઘટના કે નિરીક્ષણને સંખ્યાત્મક સ્વરૂપ આપવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ અને વ્યક્તિત્વમાપન જેવી અનેક બાબતોના માપન માટેની કસોટીઓ બનાવી છે. આ કસોટીઓની યથાર્થતા અને વિશ્વસનીયતા અંગે પણ તેઓ કાળજી રાખે છે, અને તે અંગેનાં સંશોધનો કરે છે. વ્યક્તિઓમાં રહેલી ક્ષમતાઓને જાણવામાં, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ભિન્નતાને સમજવામાં, વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપવામાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે.

27. કાર્યક્રમ–મૂલ્યાંકન (Program evaluation) : સમાજે, સરકારે, સંસ્થાએ કે સંગઠને મોટા પાયા પર કોઈ કાર્યક્રમ હાથ પર લીધો હોય તો તે કાર્યક્રમ તેનાં નિર્ધારિત લક્ષ્યોને પાર પાડી શક્યો છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું પડે છે. મનોવિજ્ઞાનના તજ્જ્ઞોએ ‘ડેટા’ એકઠો કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની તાલીમ લીધેલી હોય છે. આથી ‘કાર્યક્રમ–મૂલ્યાંકન’ના ક્ષેત્રમાં તેઓ સફળ કામગીરી બજાવી શકે છે. વીસ મુદ્દાના કાર્યક્રમનું અમલીકરણ, ગોકુળિયા ગ્રામની યોજના, સાક્ષરતા-અભિયાન, બાળગુરુ કે વિદ્યાસહાયક યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, સ્વાધ્યાય પ્રવૃત્તિ અને વિશ્વકોશ જેવા અનેક કાર્યક્રમોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી શકાય.

નટવરલાલ શાહ

21 August 2021

બૉડી ડિસમોર્ફિક ડિસઓર્ડર

 બૉડી ડિસમોર્ફિક ડિસઓર્ડર


અત્યારે જેટલું ફેસનું ઈમ્પોર્ટન્સ વધી રહ્યું છે તે જોતા ટેકનોલોજી કંપનીએ ફેસ ઍપ બહાર પાડ્યું છે. લોકો આ માટે ક્રેઝી થઈ ચૂકયા છે. દરેકને પોતાના ચહેરાનું ભવિષ્ય જોવાનું ગમે. આમાં તો ઍપથી ચહેરો ઘરડો જોઈ શકાય છે પણ ઘણીવાર રીયલ લાઈફમાં કેટલાક લોકોને એવી માનસિક વિકૃતિ થાય છે કે જેમાં ઈમેજીનેશનમાં પોતાના જ ચહેરાની બીક લાગે અને એમાં કંઈક ગરબડ થઈ રહી છે એવું થયા કરે.

૨૨ વર્ષની દીકરી શિવાંગી માટે મીનાબહેને સાયકોલોજસ્ટ સાથે વાત શરૂ કરી. ‘શિવાંગીના ચાર મહિના પછી મેરેજ છે. એને એવું લાગે છે કે મારુ નાક ધીરે ધીરે જમણી બાજુ વળી રહ્યું છે. જાણે ચહેરો આખો ધીરે ધીરે થોડો ચેન્જ થઈ રહ્યો છે.’મીનાબહેન આગળ બોલ્યા, ‘હા, થોડી ગભરામણ થાય અમે મેરેજની તૈયારીની વાત શરૂ રીએ તો શિવાંગી તરત જ સ્ટ્રેસ્ડ આઉટ થઈ જાય. આમ તો બંનેએ એકબીજાને પસંદ કરેલા છે. એના હસબન્ડનું નામ જય છે બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ જ નથી પણ શિવાંગીને એવી બીક લાગે છે કે મારો ચહેરો વિકૃત થઈ રહ્યો છે. બસ ચિંતા કર્યા જ કરે છે અને રડ્યા કરે છે.’ ‘આની શરૂઆત ક્યારથી થઈ ?’ એવા પ્રશ્નના જવાબમાં શિવાંગી બોલી, ‘સર એકાદ વર્ષ પહેલા એક વખત અમે કોફી પીવા સાથે ગયા હતા. એ વખતે મજાકમાં જયએ મને એવું કહ્યું કે તારું નાક બુચુ અને વળેલુ છે. તારી કમ્પેરમાં હું ભલે ડાર્ક સ્ક્રીનનો રહ્યો પણ વધારે પરફેકટ ફેસવાળો છું. આપણા સાથે મેરેજના ફોટા સારા નહીં આવે.’ જોકે એ પ્યોર મસ્તી જ કરતો હતો છતાં કોણ જાણે કેમ મારા મનમાં એ વાત ઘર કરી ગઈ. શિવાંગીને પોતાના ચહેરામાં કંઈક ગરબડ છે તેવી ભ્રમણા ઊભી થઈ છે. આખો દિવસ અરિસાની સામેથી ખસતી જ નથી બીજી બધી રીતે એનું વર્તન નોર્મલ છે સિવાય કે થોડી ગભરામણ અને ચિંતા. આ સમસ્યાને ‘બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર’ કહેવાય છે.

ગભગ ૧૫ થી ૩૦ વર્ષના એજ ગ્રૂપની છોકરીઓમાં આ ડિસઓર્ડર થતો વધારે જોવા મળે છે. મોટા ભાગના અનમેરિડ હોય ત્યારથી જ સમસ્યા શરૂ થઈ જાય છે. આશરે ૭૦ થી ૯૦ ટકા લોકોમાં એંઝાયટી કે ડિપ્રેશન જેવી સમસ્યા સાથે જોવા મળે છે. ક્યારેક પોતાના ચહેરાને કે શરીરના અસરગ્રસ્ત ભાગોને કેટલાક સતત અરિસામાં જુએ છે તો ક્યારેક સદંતર એવોઈડ કરે છે. મેકઅપ કરીને ચહેરાની ઈમેજીન્ડ એબ્નોર્માલિટીને છુપાવવા પણ પ્રયાસ કરે છે. સામાજિક પ્રસંગોમાં જવાનું પણ ટાળે છે. કોઈક પોતાના દેખાવ વિશે ટીકા કરશે તેવો સતત ભય પણ રહે છે. શિવાંગીને પ્લાસ્ટિક સર્જીરીની નહીં પણ મનોચિકિત્સાની જરૂર હતી. ત્રણેક મહિના તેને ‘સાયકોથેરપી’ આપવામાં આવી. પોતાના દેખાવ વિશે આત્મવિશ્વાસ અને નિર્ભયતાની લાગણી મજબૂત થવા લાગી. જયને પણ પોતાની ભૂમિકા કેવી રીતે ઉપયોગી થાય તેનું કાઉન્સેલિંગ થયું. શિવાંગીના મનમાં ‘ઈમેજીન્ડ એબ્નોર્માલિટી’ ના વિચારો ઓલમોસ્ટ જતા રહ્યા છે.

નવગુજરાત સમય > ઉત્સવી ભીમાણી(સાયકોલોજી)

20 August 2021

અંતર્નિરીક્ષણ

અંતર્નિરીક્ષણ

અંતર્નિરીક્ષણ : અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા વ્યાપારોનું અવલોકન કરવું તે. ચિંતામગ્ન રહેવું, વિચારોમાં ખોવાઈ જવું કે કલ્પનાવિહાર કરવો તે અંતર્નિરીક્ષણ નથી. અંતર્નિરીક્ષણ એટલે તટસ્થ અને ચોકસાઈપૂર્વક પોતાના અંગત મનોવ્યાપારોનું અવલોકન કરવું અને તેને આધારે તેનું યથાતથ નિવેદન કરવું કે નોંધ કરવી. તે મનોવિજ્ઞાનની એક જૂનામાં જૂની પદ્ધતિ છે. અંતર્નિરીક્ષણનો ઉપયોગ માનસશાસ્ત્રીઓ તત્વજ્ઞાનીઓ પાસેથી નથી શીખ્યા, પણ તે ભૌતિકશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનની ભેટ છે. ભૌતિકશાસ્ત્રમાં પ્રકાશ અને ધ્વનિના અભ્યાસમાં તેમજ શરીરવિજ્ઞાનમાં જ્ઞાનેન્દ્રિયોના અભ્યાસ માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. ઓગણીસમી સદી દરમ્યાન ભૌતિકશાસ્ત્રીઓ, શરીરવિજ્ઞાનીઓ અને ત્યારપછી માનસશાસ્ત્રીઓએ મોટાભાગનાં સંશોધનો આ પદ્ધતિથી કરેલાં હતાં. માનસશાસ્ત્રમાં સૌપ્રથમ વિલ્હેમ વુન્ટે તેની લાઇપ્ઝિગ પ્રયોગશાળામાં અંતર્નિરીક્ષણનો ઉપયોગ કર્યો હતો. વુન્ટના સમયમાં મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન હતું અને તેથી તેમાં મનોવ્યાપારોનો જ અભ્યાસ થતો હતો અને વૈજ્ઞાનિક અંતર્નિરીક્ષણ તેની પ્રમુખ પદ્ધતિ હતી. અંતર્નિરીક્ષણ દ્વારા ચેતનાની રચનાનું જ્ઞાન મેળવવાનો પ્રયાસ થતો હતો.

અંતર્ર્નિરીક્ષણની કેટલીક ખામીઓ છે. તે આત્મલક્ષી (subjective) પદ્ધતિ છે. તે વ્યક્તિનો અંગત અને ખાનગી અનુભવ હોવાથી તેને ચકાસી શકાતો નથી. તેથી તેમાં પૂર્વગ્રહ અને પક્ષપાતની શક્યતા છે. તેમાં હંમેશાં સમાન માહિતી મળતી નથી.

કેટલાક મનોવિજ્ઞાનીઓ કહે છે કે વિચારણા વખતે માનસિક પ્રતિમા હાજર હોય છે, જ્યારે બીજા કેટલાક કહે છે કે માનસિક પ્રતિમા ઉદભવતી નથી. વળી, અંતર્નિરીક્ષણ એક માનસિક ક્રિયા છે અને જેનું અવલોકન કરવાનું હોય છે તે પણ એક માનસિક ક્રિયા છે. આ બંને માનસિક ક્રિયાઓ એકસાથે થઈ શકતી નથી; તેથી વિલિયમ જેમ્સ કહે છે કે અંતર્નિરીક્ષણ એ પશ્ચાત્ નિરીક્ષણ છે.

વીસમી સદીમાં માનસશાસ્ત્રને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. હવે અંતર્નિરીક્ષણ અગાઉની માફક મનોવિજ્ઞાનની પ્રમુખ પદ્ધતિ રહી નથી. અલબત્ત, પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં હજુ તેનું મહત્વ યથાવત્ છે. અંતર્નિરીક્ષણ-પદ્ધતિને અવૈજ્ઞાનિક ગણી એની ઘણી ટીકાઓ કરવામાં આવી હોવા છતાં મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ જ ભૌતિક વિજ્ઞાનો કરતાં વિશિષ્ટ છે અને તેથી તેની અભ્યાસપદ્ધતિ પણ વિશિષ્ટ હોય એ સ્વાભાવિક છે. અલબત્ત, વૈજ્ઞાનિકપણે અંતર્નિરીક્ષણ કરવા માટે તાલીમ દ્વારા તટસ્થતા અને સાવધાની પ્રાપ્ત કરી શકાય અને તો અંતર્નિરીક્ષણ દ્વારા પણ ચોક્કસ સાચી માહિતી પ્રાપ્ત થઈ શકે.

એસ. ટી. રાજદેવ

19 August 2021

"મનોવૈજ્ઞાનિક સર્વે અને આર્ટિકલ" વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળનાર સર્વે અને આર્ટિકલનું પુસ્તક વિમોચન

મનોવૈજ્ઞાનિક સમાચાર

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળનાર સર્વે અને આર્ટિકલનું પુસ્તક *મનોવૈજ્ઞાનિક સર્વે અને આર્ટિકલ* નો વિમોચન સમારોહ યોજાયો..


તારીખ 28-08-21 ને બુધવારે સાંજે 6 કલાકે મનોવિજ્ઞાન ભવનની ટીમે તૈયાર કરેલ પુસ્તકનું લોકાર્પણ થયું. આ સમારોહમાં જી. એલ. એસ યુનિવર્સીટી અમદાવાદ ના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશી પુસ્તક વિમોચક તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિના ડો. નીતિનભાઈ પેથાણી ના અધ્યક્ષ સ્થાને તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણીના સહઅધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાયો. સમારોહમાં *સ્વાગત પ્રવચન ડો. ડિમ્પલ જે. રામાણી* એ કરેલ અને બધાજ મહેમાનોને સત્કારૈલ.




કાર્યક્રમની રૂપરેખા *ડો. ધારા દોશી* એ વર્ણવીને જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન લાસ્ટ બે વર્ષથી સતત લોકસેવા કરી રહ્યું છે તેનાં પરિણામ સ્વરૂપે પુસ્તક લખાયું છે. કોરોના કાળમાં મનોવિજ્ઞાન ભવને આ ચોથું પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનો ગૌરવ છે.

*જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો જનકસિંહ ગોહિલે* પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવનની ટીમે પ્યોર સાયન્સની સાથે સામાજિક વિજ્ઞાનને મુકી દીધું છે એક સમય હતો કે માત્ર સાયન્સનુ મહત્વ હતું પણ આ ભવનની ટીમે સતત કામ કરીને સામાજિક વિજ્ઞાન તેમાં ખાસ મનોવિજ્ઞાનની સામાજિક ઉપયોગીતા લોકો સુધી પહોંચાડી છે. આવનાર સમયમાં મનોવિજ્ઞાનની ખુબ જ જરૂરિયાત ઉભી થવાની છે. કોરોના કાળમાં રાજકોટ દેશમાં પ્રથમ એવો જિલ્લો હતો કે ત્યાં મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર પ્રથમ ખુલ્યું હતું. તેનો શ્રેય મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને તેમની ટીમને જાય છે. અફઘાનિસ્તાનની હાલની જે સ્થિતિ છે તેમાં મનોવિજ્ઞાનની તાતી જરૂરિયાત છે પણ ત્યાં આપણા મનોવિજ્ઞાન ભવન જેવું કામ કરતા લોકો નહીં હોય એટલે તેમની સ્થિતિ વઘુ વિકટ થશે.

અમદાવાદથી ખાસ પધારેલ *ડો. નવિન પટેલે* જણાવ્યું કે રાજ્યની જ નહીં દેશની એકપણ યુનિવર્સીટીમાં આવું કામ થયું નથી માટે જ મનોવિજ્ઞાન ભવનને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન પ્રાપ્ત થયું. દેશની મોટી મોટી યુનિવર્સીટી ફિફા ખાંડતી રહી ત્યારે સૌરાષ્ટ્રએ તેનું ખમીર બતાવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવનિયુક્ત *સિન્ડીકેટ સભ્ય ડો. કલાધર આર્ય* એ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે નિષ્ઠા, ખંત, ધીરજ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ એટલે મનોવિજ્ઞાન ભવન. તેમણે ભજનની કડી ગાઈને જણાવ્યું કે નથી મફતમાં મળતા એના મુલ ચૂકવવા પડતા એની જેમ મનોવિજ્ઞાન ભવનના વખાણ આજે થાય છે પણ અગાઉ આ લોકોએ દિવસ રાત અને જાતની પરવાહ કર્યા વગર સતત મહેનતનું મુલ આપ્યું છે. કોવીડ કેર સેન્ટરમાં સતત તેઓએ કોરોના પોઝીટીવ વ્યક્તિનું માર્ગદર્શન કર્યું છે તેનો હું સાક્ષી છું.

*સિન્ડીકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણી* એ જણાવ્યું કે એકમાત્ર કાયમી એક અધ્યાપક અને બાકીના ત્રણ હંગામી અધ્યાપકો છે છતાં આ ભવને જે કામગીરી કરી છે તે કાબિલેદાદ છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના હાઈસ્કૂલના શિક્ષક *ડો. કૌશિકભાઈ શુક્લ* એ જણાવ્યું કે મને મારાં વિદ્યાર્થી પ્રત્યે ગૌરવ થાય છે, 91-92 માં ભણતો આ બાળક આટલો મોટુ વિરાટ કાર્ય નો સુકાની બનશે એવું ત્યારે મેં કલ્પ્યું નહોતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ *ડો. વિજય દેશાણી* એ જણાવ્યું કે આ પુસ્તક આવનાર સમયમાં ગીતા સાબિત થશે. હજુ આ મનોવિજ્ઞાન ભવનની શરૂઆત છે વિશ્વ લેવલે ભવનની નોંધ લેવાય એવા કાર્યો આ ભવન કરશે એવી મને ખાત્રી છે. મનોવિજ્ઞાન ભવને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે, આ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું અમૂલ્ય ઘરેણું છે. મને આ ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ, ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, તૌફીક અને નિમીષા પ્રત્યે ખુબ જ લાગણી અને ગૌરવ છે.

*કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી* એ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે 126 આર્ટિકલનો સંગ્રહ એવું આ પુસ્તક 1 +2+6=9 નો ટોટલ નવ થાય છે એટલે ચોક્કસ આ પુસ્તક નવસર્જન કરશે, આ ભવન નવસર્જન કરશે. મનોવિજ્ઞાન ભવને આફતમાં અવસર શોધીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે તેની મને કુલપતિ તરીકે આનંદ છે. સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના કારોબારીના તમામ સભ્યો હાજર રહ્યા હતા, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકોનું તેઓએ બુકે દ્વારા સન્માન કરીને પોતાનો રાજીપો વ્યક્ત કરેલ.

પુસ્તક વિમોચક *ડો. ભાલચંદ્ર જોશી* એ મનોવિજ્ઞાન ભવનને અભિનંદન આપતા કહે છે કે મનુષ્યમા નિહિત શક્તિ પડેલી છે. આપણા દેશના ઋષિઓ અને ગુરુઓ દ્વારા અપાયેલા શાસ્ત્રો જ ઘણું જ્ઞાન આપી દે છે. કેળવણી શું કરી શકે? એનું જો કોઈ મોડેલ જોઈતું હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવને covid -19 દરમિયાન કરેલી સેવા છે તે મોટો પુરાવો છે. ત્યારબાદ રવિશંકર મહારાજની વાત કરતા લોહીના સંસ્કાર અને આપણી સંસ્કૃતિના સંસ્કારની વાત સમજાવી. આ સંસ્કાર મનોવિજ્ઞાન ભવન દ્વારા જાગૃત થયાં. વિશ્વમા કોરોના ભયંકર ઘટના છે જે કોઈ ભૂલી શકે એમ નથી. આ સ્થિતિમા ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ સેવા કરી છે. સરસ વાણી થકી લોકોને માનસિક સધીયારો આપ્યો છે. આ પરિસ્થિતિમા કોઈ કોઈને કેમ છે એ પૂછવા તૈયાર ન હતા ત્યારે આ લોકોએ મનોવિજ્ઞાન વિષય થકી બીજાને સંભાળ્યા. લોકોના મનને સાંભળ્યું, લોકોને શાંતિથી સાંભળ્યા અને આનંદ કરાવતા માનસિક રીતે સહકાર પૂરો પાડ્યો. સૌરાષ્ટ્રની ધરતીને શોભે તેવું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આ મનોવિજ્ઞાન ભવને કર્યું છે. આ કાર્ય કરવા બદલ હું ભાઈ જોગસણને, ધારાને, ડિમ્પલને, હસમુખને અને પુરી ટીમને અભિનંદન પાઠવું છું. આશીર્વાદ આપું છું. શિક્ષકની તોલે કોઈ આવી શકે નહિ. શિક્ષિત હોવું અને સફળ શિક્ષક હોવું તે ખૂબ મહત્વની વાત છે. હવે એવુ લાગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ધરતીમા એવુ ખેતર તૈયાર થઇ ગયું છે કે સરસ પાક ઉગશે. ડિપ્લોમા કેન્દ્ર શરુ કરો એવી ટકોર કરી. ત્યારબાદ ડૉ. નવીન પટેલના પુસ્તક વિશે થોડી માહિતી આપી અને અભિનંદન આપી આશીર્વાદ પાઠવ્યા.
મનોવિજ્ઞાન ભવને ડો. ભાલચંદ્ર જોશી અને ડો. નવિન પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરેલ. ડો. કલાધર આર્ય, ડો. દીપકભાઈ મશરૂ, ડો. જનકસિંહ ગોહિલ, ડો. નેહલ શુક્લ, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. ધરમ કાંબલીયા વિગેરેનો શિલ્ડ અને શાલ દ્વારા આભાર પ્રગટ કરેલ.

કાર્યક્મની આભાર વિધિ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ *ડો. યોગેશ જોગસણ* દ્વારા કરવામાં આવી.

આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી સાહેબ, ઉપકુલપતિશ્રી ડૉ. વિજય દેશાણી સાહેબ,ડૉ. ભાલચંદ્ર જોશી,ડો. નેહલ શુક્લ, ડો. ધરમ કાંબલીયા, ડૉ. ગિરીશ ભીમાણી,ડૉ. કલાધર આર્ય ,જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ ડૉ. નવીન પટેલ,ડો. દિનેશ પંચાલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી ડી. વી. મહેતા, પૂર્વ પ્રમુખશ્રી અજયભાઇ પટેલ, મહામંત્રી પરિમલ પરડવા, રાણાભાઇ, હર્ષદ જલુ, જયદીપ જલુ, એલ. આઈસી. ઓફિસર અનિલભાઈ વિંઝુડા, ડૉ. જયદીપસિંહ ડોડીયા,કિરણ મોર્યની, ડો. એસ. જે. પરમાર, ડો. ભરત કટારીયા, ડો. જે. ઍમ. ચંદ્રવાડીયા, ડૉ.નિકેશ શાહ, દિપક મશરૂ, ડૉ. જયસુખ મારકણા, ડૉ. રેખાબા જાડેજા,ડૉ. ભરત ખેર, ડૉ. ભેદી, ડૉ. પિયુષ સોલંકી,ડૉ. આર. સી. પરમાર અને બીજા ભવનના અધ્યક્ષ અને અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા મીડિયાના કર્મચારીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જુદા જુદા વિભાગના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

15 August 2021

મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાનની શાખાઓ (મનોવિજ્ઞાનનું ક્ષેત્ર)

એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુંટે ઈ. સ. 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી ત્યારથી થયો એમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા (US) જ બની ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં મનોવિજ્ઞાન વિષયના વિકાસને ખૂબ વેગ મળ્યો. અમેરિકન સાઇકોલૉજિકલ ઍસોસિયેશને (APA) આ વિદ્યાશાખાના મુખ્ય પ્રવક્તા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મનોવિજ્ઞાન અને મનોવૈજ્ઞાનિકોના કાર્યક્ષેત્રના વ્યાપ અંગે આ ઍસોસિયેશન સતત નોંધ લે છે અને તે અનુસાર મનોવિજ્ઞાનના વિભાગો (divisions of psychology) રચ્યે જાય છે. હાલમાં આ વિભાગોની સંખ્યા નીચે મુજબ 49 જેટલી થઈ ગઈ છે.

અમેરિકન સાઇકોલૉજિકલ ઍસોસિયેશન(APA)ના વિભાગો.

વિભાગ ક્રમાંકવિભાગનું નામ
12
1.સામાન્ય મનોવિજ્ઞાન
2.મનોવિજ્ઞાનનું અધ્યાપન
3.પ્રાયોગિક મનોવિજ્ઞાન
4.*
5.મૂલ્યાંકન અને માપન
6.શારીરિક અને તુલનાત્મક મનોવિજ્ઞાન
7.વિકાસલક્ષી મનોવિજ્ઞાન
8.વ્યક્તિત્વ અને સમાજલક્ષી મનોવિજ્ઞાન
9.ધ સોસાયટી ફૉર સાઇકોલૉજિકલ સ્ટડી ઑવ્ સોશિયલ ઇશ્યૂઝ (SPSSI)
10.મનોવિજ્ઞાન અને કલાઓ
11.*
12.ચિકિત્સા મનોવિજ્ઞાન
13.પરામર્શીય મનોવિજ્ઞાન (consulting psychology)
14.ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન
15.શૈક્ષણિક મનોવિજ્ઞાન
16.શાળા મનોવિજ્ઞાન
17.સલાહ મનોવિજ્ઞાન (counselling psychology)
18.જનસેવામાં મનોવૈજ્ઞાનિકો
19.સેના મનોવિજ્ઞાન
20.પુખ્તાવસ્થાનો વિકાસ અને વૃદ્ધાવસ્થા
21.વ્યવહારલક્ષી પ્રાયોગિક અને ઇજનેરી મનોવૈજ્ઞાનિકો
22.પુન:સ્થાપનલક્ષી મનોવિજ્ઞાન (rehabilitation psychology)
23.ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન
24.સૈદ્ધાંતિક અને તાત્વિક મનોવિજ્ઞાન
25.વર્તનનું પ્રાયોગિક વિશ્લેષણ
26.મનોવિજ્ઞાનનો ઇતિહાસ
27.જનસમુદાયનું મનોવિજ્ઞાન (community psychology)
28.મનોલક્ષી ઔષધશાસ્ત્ર (psychopharmacology)
29.માનસોપચાર
30.મનોવૈજ્ઞાનિક સંમોહન
31.સ્ટેટ સાઇકોલૉજિકલ એસોસિયેશન અફેર્સ
32.માનવવાદી મનોવિજ્ઞાન
33.મનોદુર્બળતા (mental retardation)
34.જનસંખ્યા અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન
35.મહિલાઓનું મનોવિજ્ઞાન
36.PIRI
37.બાળ, યુવા અને કૌટુંબિક સેવાઓ
38.આરોગ્યનું મનોવિજ્ઞાન (health psychology)
39.મનોવિશ્લેષણ
40.ચિકિત્સાત્મક ન્યુરૉસાઇકૉલોજી
41.મનોવિજ્ઞાન – લૉ સોસાયટી
42.સ્વતંત્ર રીતે વ્યવસાય કરનાર મનોવૈજ્ઞાનિકો
43.કૌટુંબિક મનોવિજ્ઞાન (family psychology)
44.સજાતીય સંબંધો ધરાવનાર વ્યક્તિઓનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરનાર મંડળ
45.વંશીય લઘુમતીઓનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરનાર મંડળ
46.સમૂહ માધ્યમનું મનોવિજ્ઞાન (media psychology)
47.વ્યાયામ અને રમતનું મનોવિજ્ઞાન
48.શાંતિનું મનોવિજ્ઞાન (peace psychology)
49.જૂથ મનોવિજ્ઞાન અને જૂથ માનસોપચાર
નોંધ : * ક્રમાંક 4 અને 11માં કોઈ વિભાગ નથી.