Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

30 July 2021

ડાયસ્થેમિયા - ચોંકાવનારા કિસ્સા

કોરોના કાળમાં સામાજિક અંતરને કારણે બધું છે છતાં એકાંતનો અનુભવ : ડાયસ્થેમિયા અંગે સામે આવ્યા ચોંકાવનારા કિસ્સા


માનવીનું સૌથી મોટું ધ્યેય કે ઈચ્છા પોતાની ખુશી હોય છે. માનવી પોતાની ખુશી માટે ઘણા પ્રયત્નો કર્યા કરે છે. 21મી સદી માં માનવી પોતે ખુશ રહેવા અનેક સંસાધનો, મશીનો વગેરે સહિત ભૌતિક સાધનો વિકસાવી લીધા પણ સાથે-સાથે માનવી આધુનિક સમૃદ્ધિની ઘેલછામાં ક્યાંક ને ક્યાંક માનસિક રોગ નો શિકાર બન્યો છે. બાળક જ્યારે શાળાએ જાય ત્યારે તેને શિક્ષણનું મહત્વ સમજાવી અમુક સમય પછી એક વિચાર નાખવામાં આવે કે ભણતર પૂરું થઈ જાય પછી બધી ખુશી મળી જ જાય છે. નોકરી મળી જાય પછી , સફળતા મળી જાય પછી, લગ્ન થઈ જાય પછી જીવન ખુશખુશાલ બની જાય છે. પણ અમુક વ્યક્તિના જીવનમાં શાળા, કોલેજ , વ્યવસાય, લગ્ન જીવન બધુ જ પ્રાપ્ત થઈ ગયું હોવા છતાં પોતે એક ખુશી કે આનંદ નો અનુભવ કરી શકતો નથી. ત્યારે ખુશી વ્યક્ત કરવા માણસ અન્ય વ્યક્તિઓ સાથે પોતાની લાગણી અને ઉપલબ્ધિ શેર કરે છે. આ માટે વ્યક્તિ હસ્ત ધૂનન કે એકબીજાને ગળે મળે છે. જો કે કોરોના કાળમાં હાલ સામાજિક અંતર રાખવું જરૂરી હોવાથી ખુશીમાં ગળે મળવું કે દુઃખમાં કોઈના ખંભે માથું રાખીને રડવું પણ અશક્ય બનતા બધું હોવા છતાં એકાંતનો અનુભવ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનમાં આ ડાયસ્થેમિયા અંગે ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે.

કેસ-1 રાજકોટના જ રહેવાસી જેઓ આર્થિક રીતે ખૂબ સદ્ધર સાથે ઘર પરિવાર પણ ખૂબ વ્યવસ્થિત. પરંતુ છેલ્લા 5 મહિનાથી સતત એકલાપણુ અનુભવ્યા કરવું, કોઈ સાથે બેસવું ન ગમતું, કોઈ કામમાં ચિત ન લાગવું,ભોજન પ્રત્યે પણ અરુચિ જાગવી અંતે ખ્યાલ આવ્યો કે બધું જ હોવા છતાં એકલાપણુ અને કંઈક ખૂટતું હોય એ અનુભવ એટલે તેઓ ડાયસ્થેમિયા ના લક્ષણો ધરાવતા હતા. તેમની સાથે વાત જ્યારે આગળ વધી તો કહ્યું તેમને જ્યારે કોરોના થયો અને કોરોન્ટાઇન રહેવું પડયું એ પછીથી આ લક્ષણો વધુ વિકસિત થયા. ત્યારથી એમને એકાંતનો જ અનુભવ થાય છે.

કેસ-2 એક યુવતીને પ્રેમ લગ્ન કરવા હતા. લગ્ન ઘર કુટુંબની મરજીથી જ થયા. ખૂબ સુખ શાંતિથી બધું થયું પણ લગ્નના 1 વર્ષ પછીથી સતત તણાવ અને ચિંતા રહેતા, પતિ તરફથી પણ પ્રેમ મળતો, ગાયનેક સમસ્યા કોઈ ન હોય પણ છતાં બાળક ન રહી શકતું. વાત કરતા માલુમ થયું કે ભલે પ્રેમલગ્ન કર્યા પણ પોતે માતા પિતાને દગો દીધાનો અફસોસ અંદર અંદર એને હેરાન કરતો હતો અને જીવન જીવવામાં તકલીફ પડતી હતી. તે પોતાના માતા પિતાનું એક જ સંતાન હોય જ્યારે માતા પિતાને કોરોના થયો તે સમયે તેને થયું કે જો એણે લગ્ન ન કર્યા હોત તો ઘરે રહી તેના માતા પિતાની સેવા કરી શકી હોત…

આ ઉપરાંત આવેલ અમુક કિસ્સા ના લક્ષણો નું વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે ડો.ધારા આર. દોશીના માર્ગદર્શનમાં કર્યું જેને ડાયસ્થેમિયા તરીકે ઓળખવામાં આવે છે જે એક માનસિક કષ્ટની વિકૃતી છે. જેમાં ઘણી વ્યક્તિ પાસે ખૂબ સફળતા છે એકદમ આર્થિક સધ્ધરતા છે પણ તે વ્યક્તિ પોતે જરા પણ ખુશીનો અનુભવ કરી શકતો ન હોય તો તે ડાયસ્થેમિયાનો શીકાર બની શક્યો હોય છે. આવા લોકોના જીવનમાં બધું જ પ્રાપ્ત થયુ હોય છતાં તેઓ માણી શકતા નથી, ક્યારેય હસતાં, નાચતા, અને આનંદ માં જોવા મળતા નથી. ઘણા લોકો તેમને ” દુઃખી આત્મા” તરીકે બોલાવે છે.

ડાયસ્થેમિયાનાં મુખ્ય લક્ષણો

#ઊંઘ ખુબ વધુ કે ખુબ ઓછી આવવી.

#કારણ વગર થાક લાગવો

#આત્મવિશ્વાસમાં ઘટાડો.

#ઉદાસીનતા.

#ભૂખ ઓછી કે વધુ લાગવી.

#એકાગ્રતા માં ઘટાડો.

#નિરાશાવાદી વલણ.

#ચીડિયાપણું.

#ગુસ્સો

#સફળતા પછી પણ આનંદ ના થવો

#કોઈ ગિલ્ટ માં જીવવું

ડાયસ્થેમિયા થવાના કારણો

(1) મગજના રસસ્ત્રાવો :-

મગજનાં રસાયણો કુદરતી રીતે ઉત્પન્ન થાય છે જે દરેક આવેગ, માનસિક રોગમાં ભૂમિકા ભજવે છે. સંશોધનો અનુસાર ન્યુરોટ્રાન્સમીટરની ગરબડ આ અસ્થિરતા ઉતપન્ન કરે છે ખાસ સિરોટોનીનની ભૂમિકા હોય છે

(2) જૈવિક તફાવતો :-

સતત ડિપ્રેસિવ ડિસઓર્ડરવાળા લોકોના મગજમાં શારીરિક પરિવર્તન આવી શકે છે. આ ફેરફારોનું મહત્વ હજી પણ અનિશ્ચિત છે, પરંતુ આખરે તે કારણોને નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે.

(3) વારસાગત કારણ :-

સતત ડિપ્રેસિવ ડિસઓર્ડર એવા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે જેમના લોહીના સંબંધીઓમાં પણ આ સ્થિતિ હોય છે.

(4) જીવનની ઘટનાઓ :-

કોઈ પ્રિયજનની ખોટ, આર્થિક સમસ્યાઓ અથવા ઉચ્ચ સ્તરના તણાવ જેવી આઘાતજનક ઘટનાઓ કેટલાક લોકોમાં ડાયસ્થેમિયાનું કારણ બની શકે છે.

ડાયસ્થેમિયાનો ઉપચાર

આ રોગના ઉપચાર માટે ઘણી સાયકોલોજીકલ થેરાપી તેમજ અમુક જીવનશૈલી માં પરિવર્તન ઉપયોગી બને છે.

સાયકોલોજીકલ થેરાપી :-

1) CBT ( cognitive behaviour therapy ) :-

આ પ્રકારની ઉપચાર અંતર્ગત નકારાત્મક વિચારના દાખલાઓને ઓળખવા અને બદલવા શીખવાની પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ઘણીવાર હતાશાની લાગણીઓને જીતવામાં મદદરૂપ બને છે.

2) IPT ( interpersonal therapy ) :-

આ ઉપચારમાં સંબંધો અને સંદેશાવ્યવહારમાં સમસ્યાઓ ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને પછી તમે અન્ય લોકો સાથે કેવી રીતે સંપર્ક કરો છો અને કેવી રીતે સંપર્ક કરો છો તેમાં સુધારણા કરવાના માર્ગો શોધવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

જીવનશૈલી માં બદલાવ:-

આ પ્રકારની ઉદાસીનતા તરફ તાત્કાલિક ધ્યાન ન દેવામાં આવેતો તેની અસરો લાંબી છે, જીવનશૈલીમાં પરિવર્તન અને તમારી તબીબી સારવાર સાથે સ્વ-સંભાળને શામેલ કરવાથી તેનો ઉપચાર થઈ શકે છે. કેટલીક વસ્તુઓ કે જે તમે કરી શકો છો તે મદદરૂપ બનશે.

#આલ્કોહોલ અને અન્ય પદાર્થોથી દૂર રહેવું.

#દૈનિક દિનચર્યાઓ બનાવો જે તમારા દિવસની રચનામાં સહાય કરે છે.

#તંદુરસ્ત આહાર લો.

#ઊંઘ માટેનું શેડ્યૂલ સ્થાપિત કરો.

#દરરોજ નિયમિત કસરત કરો.

#મિત્રો સાથે તેમજ પરિવાર સાથે સમય પસાર કરો.

#ધ્યાન જેવી તણાવ વ્યવસ્થાપન તકનીકોનો ઉપયોગ કરો.

# કામમાં વ્યસ્ત રહો

# આળસ આવતી હોય તે છતાં કઈક કામ કરતા રહો

ડિપ્રેશન અને ડાયસ્થેમિયા વચ્ચેનો તફાવત

વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણોનો સમયગાળો વધુ હોય છે. ત્યારે વ્યક્તિ ડિપ્રેશન માં છે જેમ કહી મન ઉદાસ રહેવું, રડવાનું મન થવું, એકાગ્રતા ઘટી જવી , થાક, ભૂખ વધુ કે ઓછી લાગવી, આત્મહત્યાના વિચાર આવવા, ઊંઘ માં ખલેલ વગેરે જોવા મળે છે.ડિપ્રેશનમાં આવતા પોતાના રોજિંદા કાર્યો કરવા પણ વ્યક્તિ સક્ષમ રહેતો નથી. તે નોકરી કરવા કે અમુક સામાજિક. પ્રસંગોમાં હાજરી પણ આપી શકતો નથી અને સામાન્ય રીતે જોતાં આપણે તેને ઓળખી શકીએ છીએ કે તે દુઃખી કે ઉદાસ છે.

જ્યારે ડાયસ્થેમિયામાં વ્યક્તિ પોતાનું રોજિદું કામ વ્યવસ્થિત રીતે કરે છે તેમજ સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે. જીવન ના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે બીજાની નજરે તે ખુશ જ લાગે છે વ્યક્તિ પોતે ખુશ જ હોતો નથી. આમ, ડિપ્રેશનના લક્ષણ ડાયસ્થેમિયા માં જોવા મળે છે. ડિપ્રેશનની શરૂઆત જ છે તેમ કહી શકાય પણ ડાયસ્થેમિયાની યોગ્ય સમયે ઓળખ કરી ડિપ્રેશનથી બચી શકાય છે.

29 July 2021

સર્વે: ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે

સર્વે: ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે



રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ટ્રાઇકોટિલોમિયા અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રાઇકોટિલોમિયાનો રોગ બાળકોમાં જોવા મળે છે. જેમાં બાળકને વાળ ખેંચવાની ટેવ હોય છે, આ વિકૃતિને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ટ્રાઇકોટિલોમેનિયા’ કહે છે.

  • દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ
  • આ વિકૃતિને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ટ્રાઇકોટિલોમેનિયા’ કહે છે
  • ટ્રાઇકોટિલોમિયા એ એક પ્રકારનું આવેગ નિયંત્રણ છે

રાજકોટ: ટ્રાઇકોટિલોમિયા(Trichotillomania ) એ એક પ્રકારનું આવેગ નિયંત્રણ છે. આ પ્રકારની બીમારીમાં રોગીને પોતાના વાળને ખેંચવાની પ્રવૃત્તિ એ આવેગ નિયંત્રણની વિકૃતિ છે. ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે, પણ તોડવાની પ્રક્રિયા દરમિયાન અને પછી એને ખૂબ રાહતની લાગણી થાય છે. આ રાહતનો આનંદ એને વારંવાર વાળ તોડવાની પુનરાવર્તિત ક્રિયા તરફ દોરી જાય છે. આ વિકૃતિને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ટ્રાઇકોટિલોમેનિયા’ (Trichotillomania )કહે છે.


બાળક સમજ્યા વિના વાળ તોડ્યા કરતું હોય છે

ટીવી જોતી વખતે, જમતી વખતે, અન્ય સાથે વાતો કરતી વખતે બાળક સમજ્યા વિના વાળ તોડ્યા કરતું હોય છે. પાચન સમસ્યાઓ, આવેગાત્મક સમસ્યાઓ જોવા મળે છે તેમજ સામાજિક સંબંધો અને મિત્રો કે અન્ય સાથે સામાજિક સંપર્ક જાળવવામાં ગંભીર મુશ્કેલીઓ થાય છે. તેઓ ઘણીવાર મજાકનો શિકાર બને છે. જે 4 ટકા જેટલી વસ્તીને અસર કરી શકે છે.પુરુષો કરતાં સ્ત્રીઓમાં 4 ગણી વધુ અસર થાય છે

પુરુષો કરતાં સ્ત્રીઓમાં 4 ગણી વધુ અસર થાય છે

આ બીમારીની પુરુષો કરતાં સ્ત્રીઓમાં 4 ગણી વધુ અસર થાય છે. આ તકલીફ તરુણાવસ્થામાં ખાસ કરીને 17 વર્ષથી નાનાં બાળકોમાં જોવા મળે છે. લગભગ 20ટકા લોકો કે જે ટ્રાઇકોટિલોમેનીયા (Trichotillomania ) ધરાવે છે. વાળને કાઢીને તેને પછી વાળ ખાય છે. તેને 'ટ્રાઇકોફેગિયા' કહેવામાં આવે છે.


કોઈ બીજી રીતે પણ જાતને નુકસાન પહોંચાડવાની ટેવો હોય છે

તે પાચનક્રિયાની સમસ્યાઓ પેદા કરી શકે છે. એ ક્યારેક ગુસ્સામાં દિવાલ પર માથું પછાડે છે તેમજ નખ કરડે, જ્યાં ને ત્યાં શરીર પર વધુ પડતું ખંજવાળવાનું કે ખોતરવાનું વર્તન પણ દેખાય છે. કોઈ બીજી રીતે પણ જાતને નુકસાન પહોંચાડવાની ટેવો હોય છે.

ટ્રાઇકોટિલોમેનિયાવાળાની જીવનની ગુણવત્તા ઓછી હોય છે

ટ્રાઇકોટિલોમેનિયાવાળા કેટલાક લોકોને ચિંતા, ધ્યાન, હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી) અને હતાશા, બાધ્યતા મનોગ્રસ્તિ વિકાર (OCD)માં સમાવેશ કર્યો છે. ટ્રાઇકોટિલોમેનિયા(Trichotillomania )વાળાની જીવનની ગુણવત્તા ઓછી હોય છે.

માતા-પિતાએ શું કરવું જોઈએ?

માતા-પિતાએ તેમના બાળકનું નિરીક્ષણ કરવું, તેનામાં કોઈ એવી વિકૃતિના લક્ષણો જણાય તો તરત જ કોઈ ચિંતા કે ગભરાહટ વગર મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જેથી યોગ્ય સારવાર કરી શકાય અને વિકૃતિને દૂર કરી શકાય.



સારવાર
  • કેટલાક લોકો જાણતા નથી હોતા કે તે એક માનસિક વિકૃતિ છે તેઓ એવું સમજે છે કે, વાળ ખેંચવી એ કોઈ ખરાબ ટેવ છે તેમજ અન્ય કારણોસર સારવાર લેવાનું ટાળે છે. છતાં જાગૃત વ્યક્તિ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરે છે.
  • હિપ્નોથેરાપી અને બીહેવીયર થેરાપીથી અચેતન માનસની ભય ગ્રંથિઓને દૂર કરી તેની સારવાર કરવામાં આવે તો મોટાપ્રમાણમાં ફાયદો થાય છે.
  • ટેવ રીવર્સલ થેરાપી (એચઆરટી), જે એક પ્રકારની બીહેવીયર થેરાપી છે, તે ટ્રાઇકોટિલોમિયાની સારવારમાં અસરકારક છે.
  • એચઆરટીમાં પાંચ તબક્કાઓ શામેલ છે. જેમ કે, સ્વ જાગૃતિની તાલીમ, વ્યક્તિ વાળ ખેંચવાની વર્તણૂકને અલગ વર્તણૂકથી બદલવાની પ્રેક્ટિસ, વ્યક્તિને અન્ય પ્રવૃત્તિઓ અને વર્તનમાં વ્યસ્ત રાખવું, પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન આપવું, રાહત તાલીમ એટલે કે વ્યક્તિ ધ્યાન અને ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરાવવી, સામાન્યીકરણ તાલીમ એટલે કે વ્યક્તિ વિવિધ પરિસ્થિતિઓમાં તેમની નવી કુશળતા અંગે શીખવાનો પ્રયાસ કરાવવાથી વિકૃતિને દૂર કરી શકાય છે.
  • એચઆરટી ઘણીવાર અસરકારક છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તે પ્રથમ લાઇનની સારવાર છે. છ-સાત વર્ષની ઉંમર પહેલાં જો વિકૃતિ દેખાય તો સારવાર ઝડપથી થઈ શકે છે. તેર વર્ષની ઉંમર પછી આ વિકૃતિ દેખાય તો તેની સારવાર લાંબી ચાલે છે.


28 July 2021

વિલ્હેમ વુન્ટ

વિલ્હેમ વુન્ટ

વુન્ટ, વિલ્હેમ (જ. 16 ઑગસ્ટ 1832, નેકારૉવ, બડીન, જર્મની; અ. 31 ઑગસ્ટ 1920) : જર્મન મનોવિજ્ઞાની તથા શરીરવિજ્ઞાની. મનોવિજ્ઞાનને આધુનિક વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વુન્ટને ફાળે જાય છે.


વિલ્હેમ વુન્ટ

વિલ્હેમ વુન્ટનું પ્રારંભિક શિક્ષણ પાદરીની દેખરેખ હેઠળ થયું હતું. બાલ્યાવસ્થામાં તેમનાં નાનાં ભાઈબહેનોનાં મૃત્યુ થતાં કુટુંબજીવનમાં એકલા જ હોવાથી એકાકી સ્વભાવના બનતા ગયા. 13 વર્ષની ઉંમરે જિમ્નેશિયમ હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યારબાદ તેઓ ટુબીનગન યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાં તેમણે એક વર્ષ અભ્યાસ કર્યો. તબીબી શાખામાં અભ્યાસ કરવા માટે તેઓ હિડલબર્ગ યુનિવર્સિટીમાં દાખલ થયા. અહીં અભ્યાસકાળ દરમિયાન તેમના અનેક સંશોધનપત્રો પ્રકાશિત થયાં. તેમને દર્દીઓને મળવાનું ગમતું નહીં. તેથી તબીબી વ્યવસાયને છોડી તત્વજ્ઞાન-મનોવિજ્ઞાનના ક્ષેત્રે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું.

1856માં તેઓ બર્લિન ગયા અને જ્હૉન્સ મૂલરની શરીરવિજ્ઞાનની સંસ્થામાં વધુ અભ્યાસ કર્યો. વુન્ટે તેમની દેખરેખ હેઠળ શરીરવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો.

1857માં તેમની નિમણૂક સહશિક્ષક તરીકે હિડલબર્ગ યુનિવર્સિટીમાં થઈ ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. હિડલબર્ગમાં 17 વર્ષ સુધી તેમણે વૈજ્ઞાનિક સંશોધન-કાર્ય કર્યું. તે સમયે પ્રખર શરીર-મનોવૈજ્ઞાનિક હેલ્મહોટ્ઝ પણ તેમના સહકાર્યકર હતા. 1875માં ઝુરિક યુનિવર્સિટીમાં તેમની તત્વજ્ઞાન વિષયના અધ્યક્ષપદ પર નિમણૂક થઈ.

1879માં લિપઝિગ મુકામે સમગ્ર વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી, આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું. લિપઝિગમાં સ્થપાયેલી આ પ્રયોગશાળામાં દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. તેમના આ વિદ્યાર્થીઓમાં કેટેલ સ્ટેનલી હૉલ, સ્ટમ્ફ, ટીશનેર, એમિલ ક્રેપલીન અને લિપ્સ હતા. વખત જતાં, આધુનિક મનોવિજ્ઞાનના વિકાસમાં વુન્ટના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓએ સુંદર ફાળો આપ્યો છે. વુન્ટે લિપઝિગમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રે રસ લઈ પોતાની જિંદગીના અંતિમ દિવસો સુધી કામ કર્યું. તે ઉપરાંત મનોવિજ્ઞાન-વિષયક લેખનકાર્ય અત્યંત રસપૂર્વક નિયમિત રીતે કર્યું.

તેમના મનોવિજ્ઞાનના વિષયના સંશોધનાત્મક લેખો અને ગ્રંથો વૈવિધ્યસભર છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોને લોકસમુદાય સમક્ષ મૂકવા ‘દાર્શનિક અભ્યાસ’ નામની એક પત્રિકા 1881થી પ્રકાશિત કરી હતી. 1863માં તેમણે ‘સંવેદનાત્મક પ્રત્યક્ષ જ્ઞાન’ પર એક કૃતિ પ્રકાશિત કરી હતી, જેમાં તેમણે સંવેદન સંબંધી વિચારોનું વૈજ્ઞાનિક નિરૂપણ કર્યું હતું. વળી તેમનું પ્રસિદ્ધ પુસ્તક ‘શરીરમનોવિજ્ઞાનની રૂપરેખા’ ઈ. સ. 1874માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તક કુલ 2400 પાનાંનું ત્રણ ખંડોમાં હતું. આ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ. તેમણે મનોવિજ્ઞાનના શિક્ષણ માટે કેટલાંયે પાઠ્યપુસ્તકો તૈયાર કરી આપ્યાં. તેમનો ‘લોકમનોવિજ્ઞાન’નો ગ્રંથ દશ ખંડોમાં પ્રકાશિત થયો છે. 1883માં ‘તર્કશાસ્ત્ર’, 1886માં ‘આધારશાસ્ત્ર’ તથા ‘મનોવિજ્ઞાનનો આધારગ્રંથ’ પણ લખ્યાં. 1889માં ‘દર્શનની વ્યવસ્થા’ નામનો ગ્રંથ પણ લખ્યો. આમ તેમણે માનસશાસ્ત્ર, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર વગેરેને લક્ષમાં રાખી મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચ્યાં.

પ્રયોગપદ્ધતિની આવદૃશ્યકતા પર ભાર મૂકતાં તેઓ જણાવે છે કે પ્રત્યેક ક્ષેત્રમાં પ્રયોગપદ્ધતિ તે ક્ષેત્રમાં અભ્યાસ કરવાની સમસ્યાને અનુરૂપ સ્વરૂપ ધારણ કરી લે છે.

તેમણે રજૂ કરેલ અધિપ્રત્યક્ષ સિદ્ધાંત (theory of apperception) મનોવૈજ્ઞાનિકોમાં ખૂબ ચર્ચા-વિચારણા પામ્યો હતો. લાગણી, સાહચર્ય, સંવેદન, પ્રતિક્રિયા-સમય, ધ્યાન, અવધાન વગેરે વિષયો પર તેમણે પ્રાયોગિક અભ્યાસો કર્યા અને તે માટે પ્રાયોગિક ઉપકરણો પણ તૈયાર કર્યાં. તેઓ તર્કવાદી દાર્શનિક હતા; પણ દર્શનશાસ્ત્રે જે દૃષ્ટિ આપી તેના દ્વારા તેમણે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પોતાનો વિશ્વાસ દૃઢ કરી આધુનિક મનોવિજ્ઞાનને પ્રાયોગિક સ્વરૂપ આપ્યું.

શાંતિલાલ છ. કાનાવાલા

27 July 2021

માનસિક બીમારી

 

માનસિક બીમારી

માનસિક બિમારીના લક્ષણો શું છે?

માનસિક વિકૃતિ કે વર્તનજન્ય વિચારને વિચારોમાં ખેલેલ, મૂડ, અથવા વર્તન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જે સાંસ્કૃતિક માન્યતાઓ અને ધોરણોથી બહાર રાખવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તકલીફ અને વ્યક્તિગત બાબતો સાથે તેના લક્ષણો સંકળાયેલા જોવા મળે છે.

કલ્પના સાથે સમસ્યાઓ
  • ધ્યાન કેન્દ્રીત સમસ્યા અને સરળતાથી વ્યગ્રતા.
  • માહિતી યાદ રાખી શકો નહિં.
  • ધીમી માહિતી પ્રક્રિયાઓ અથવા ગેરસમજ.
  • સમસ્યાઓ ઉકેલવા માટેની વધારે મહેનત ન લાગે છે.

વિચારવા સાથે સમસ્યાઓ
  • વિચારોની ગતી વધી જાય અથવા એકદમ ઘટી જાય છે.
  • એક વિષય પરથી અન્ય વિષય પર વિચારો કોઈપણ અર્થ વિના ચાલ્યા કરે.
  • નવા શબ્દો અથવા ધ્વનિનો ઉપયોગ કરે જે શબ્દકોષમાં પણ ના મળે.
  • તેમના વિચારો, ક્રિયાઓ અને બાહ્ય પ્રભાવ હેઠળ શક્ય નથી.

દ્રષ્ટિકોણ સાથે સમસ્યાઓ
  • પ્રત્યક્ષ વિસંગતતાઓ છે: અસામાન્ય તેજસ્વી રંગો કે અશિષ્ટ અવાજો.
  • ભેદી અવાજો સાંભળે છે. કોઈ પણ આસપાસ ન હોય તો પણ પોતાની રીતે બોલ્યા કરે અને હસ્યા કરે છે.
  • જુના નિરાકરણ પણ તેમને વિચિત્ર રીતે નવા લાગે છે.
  • ટીવી, રેડિયો, અથવા જાહેર પરિવહન પર રહેલા ગુપ્ત સદંશાઓમાં માને છે.

લાગણીઓ સાથે સમસ્યાઓ
  • પોતાને નાલાયક, નિરાશાજનક, અને લાચાર અનુભવે.
  • સામાન્ય બાબતોમાં પોતાને દોષિત અનુભવે.
  • મૃત્યુ અથવા આત્મહત્યાના નકારાત્મક વિચારો.
  • દરેક બાબતોમાંથી રસરુચી અને આનંદ ગુમાવી બેસે.
  • પોતાની ક્ષમતાઓ, પ્રતિભા, સંપત્તિ, દેખાવ વિશે વધુ આત્મવિશ્વાસ અને ગર્વ.
  • વધારે ઊર્જા અને થોડી ઊંઘની જરૂર છે.
  • મોટાભાગનો સમય અણગમામાં રહે અને સરળતાથી ઉશ્કેરાઈ જવું.
  • કોઈપણ કારણ વિના વર્તનમાં અચાનક બદલાવ આવવો.
  • ઉત્તેજિત, અભિમાની, વધુ પડતો આત્મવિશ્વાસ અને અન્ય માટે નિરાશા.
  • માટાભાગના સમય વધારે ચકોર અને સાવચેત.
  • બેચેન, બીકણ, અને રોજિંદી ઘટનાઓ અંગે ચિંતા અનુભવે છે.
  • ભયને કારણે સામાન્ય પ્રવૃતિઓ પણ અવગણે (બસ પકડવી, કરિયાણાની ખરીદી લેવાની) ને કારણે પ્રવૃત્તિઓ અવગણે છે.
  • આસપાસ લોકો વચ્ચે પણ અસુરક્ષા અનુભવે.
  • ધાર્મિક અથવા વારંવાર વર્તણૂક કરવા ફરજ પડવી.
  • ચિંતાગ્રસ્ત, ક્ષતિગ્રસ્ત યાદદાસ્ત અથવા ભૂતકાળમાં ઘટનાઓના સ્વપ્ન.

સામાજિક સમસ્યાઓ
  • થોડા જ નજીકના મિત્રો છે.
  • બેચેન અને સામાજિક પરિસ્થિતિમાં દ્વિધામાં
  • બોલાવામાં અથવા શારીરિક રીતે આક્રમક.
  • સુમેળવિનાના સંબંધો, વધારે પડતા આદરણીય.
  • સાથે મળીને રહેવું અઘરુ.
  • અન્ય લોકોને સાખી શકતા નથી.
  • અસામાન્ય રીતે શંકાશીલ

કામ સાથે સમસ્યાઓ
  • બરતરફ અથવા વારંવાર કામ છોડી દેવું.
  • સામાન્ય દબાણ અને અપેક્ષાઓથી સરળતાથી ઉશ્કેરાઈ કે અણગમો કરે છે.
  • કામ, સ્કૂલ, અથવા ઘર પર અન્ય લોકો સાથે ન મળી શકે.
  • ધ્યાન કેન્દ્રિત નથી અથવા અસરકારક રીતે કામ કરી શકે છે.

ઘર સમસ્યાઓ
  • 'અન્યની જરૂરિયાતોને સમજતા નથી.
  • વધારે પડતું મુંઝીપણું અથવા ઘરની અપેક્ષાઓ
  • ઘરકામ પણ યોગ્ય રીતે ન કરી શકે.
  • ઉશ્કેરાટમાં દલીલો અને પરિવાર સાથે ઝઘડા, નિષ્ક્રિય અથવા સક્રિય રીતે.

સ્વદરકાર સાથે સમસ્યા
  • સ્વચ્છતા અથવા દેખાવની કાળજી નહિં લે
  • પૂરતું ખાતા નથી , અથવા વધારે ખાય છે.
  • ઊંઘ નથી લેતા અથવા અતિશય ઊંઘ લે અથવા દિવસ સમય ઊંઘ લે.
  • શારીરિક સ્વાસ્થ્ય માટે થોડું અથવા કોઈ ધ્યાન આપે નહિ.

શારીરિક લક્ષણો સાથે સમસ્યા
  • ન સમજાય તેવા સતત શારીરિક લક્ષણો
  • વારંવાર માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો
  • એક જ સમયે ઘણી બધી શારીરિક સમસ્યાઓ

આદતો સાથે સમસ્યાઓ
  • અતિશય બેકાબૂ બનેલી કોઈપણ આદત કે અને દખલવાળી દૈનિક પ્રવૃત્તિઓ.
  • દારુ અથવા / અને ડ્રગ્સની આદત
  • આગ લગાવવાની બેકાબુ ઈચ્છા
  • બેકાબુ જુગાર
  • અસયંમિત ખરીદી

બાળકોમાં સમસ્યાઓ
  • દારૂ અને / અથવા ડ્રગ્સની આદત
  • દૈનિક સમસ્યાઓ અને પ્રવૃત્તિઓનો સામનો કરવાની અક્ષમતા
  • ઉંઘ અને / અથવા ખાવાની આદતમાં ફેરફાર
  • વધુ પડતી શારીરિક સમસ્યાઓની ફરિયાદો
  • દાદાગીરી, શાળાએ ન જવું, ચોરી, અથવા મિલકત નુકસાન
  • વજન વધવાની વધુ પડતી બીક
  • લાંબા સમય સુધી નકારાત્મક વલણ, સસ્તા ખોરાકની માંગ અને મોતના વિચાર
  • વારંવાર અદમ્ય ગુસ્સો
  • શાળાકાર્યના દેખાવમાં બદલાવ
  • મજબૂત પ્રયત્નો છતાં ખરાબ દેખાવ
  • વધુ પડતી ચિંતા અથવા ઉશ્કેરાટ
  • અતિપ્રવૃત્તિ
  • નિરંતર સ્વપ્ન

23 July 2021

અસ્તિત્વનો ભય માણસને વધુ સામાજીક બનાવે છે: ડો. ડિમ્પલ રામાણી

અસ્તિત્વનો ભય માણસને વધુ સામાજીક બનાવે છે: ડો. ડિમ્પલ રામાણી


જયારે પણ કોઇ મહામારી ફેલાય છે ત્યારે મોટાભાગના લોકો સામાજીક નિયમોનું પાલન ખૂબ જ કડક રીતે કરે છે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસી. પ્રોફેસરે કરેલા સર્વેનો રિપોર્ટ

છેલ્લા કેટલાક સમયથી આપણા સૌનો વાતચીત કરવાનો એક જ વિષય હોય છે. કોવિડ-૧૯, આનાથી વાતની શરુઆત થાય છે. અને આનાથી જ વાતનો અંત આવે છે. વર્તમાન પત્રો અને મેગેઝીનો કોરોના વાયરસની ખબરોથી ભરપુર ભરેલા હોય છે. ત્યાં સુધી કે રેડીયો, ટી.વી. કે સોશિયલ મીડિયામાં પણ એક જ શબ્દ સાંભળવા માટે છે કોવિડ-૧૯ અને તેની સાથે જોડાયેલી વાતો કોઇને ફોન કરીએ ત્યારે પણ રેકોર્ડડ મેસેજ દ્વારા કોરોનાથી બચવાના ઉપાયો બતાવવામાં આવે છે. ત્યારબાદ ટેલીફોનીક વાતચીત થતી હોય છે. સોશિયલ મીડિયા ઉપર કોવિડ-૧૯ ની મહામારીની એવા ભયંકર તસવીરો સામે આવી રહી છે કે જેનો સિધો અને ગંભીર પ્રભાવ આપણા મનમાં સ્વાસ્થ્ય પર પડે છે. સતત ભય અને ડરના માહોલને કારણે વ્યકિતના અંગત જીવનથી લઇ સામાજીક જીવનમાં ખુબ જ નકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ બીમારીના પ્રભાવથી આપણે સૌ મનથી રૂઢીવાદી થતા થતા જઇએ છીએ. ધીમે ધીમે વાસ્તવિક અને સામાજીક દ્રષ્ટિકોણથી આપણો સમાજ દુરથતો જાય છે. સોશિયલ મીડિયા અને મીડિયાના કેટલાક ખોટા ઉપજાવી કાઢેલા સમાચારોથી અફવાનું બજાર સતત ધમ ધમે છે.

જુદા જુદા પ્રકારની મહામારી પહેલા પણ ફેલાયેલી છે. એ સમયમાં મહામારીથી બચી જવુ: તેને સૌભાગ્ય માનવામાં આવતું. વિજ્ઞાનનો જ વિકાસ નહોતો થયો ત્યારે પણ મહામારી બધાને પોતાના શિકાર બનાવતી ન હતી. જેની રોગપ્રતિકારક શકિત સારી હતી તેઓ બચી જતા હતા. પરંતુ જે બચી જતા હતા તેના પર મહામારીનો પ્રભાવ પડતો હતો. એટલે કે, તે લોકો પણ અસાનીથી સામાન્ય જીવન શરૂ નહોતા કરી શકતા. જેમ કે લોકોને મળવું, લોકોને ઉપયોગી થવું અને પોતાનું અંગત જીવન માણવું, વગેરે બાબતોમાં તેઓ નિરુત્સાહી જણાતા હતા ડર તેની અંદર ઉંૅડે સુધી જોવા મળતો હતો. કેનેડાની બ્રિટીસ કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધક માર્ક શાલરનું કહેવું છે કે બિમારીની સાથે રોગપ્રતિકારક શકિત હોવી જરુરી છે તેના માટે મનોવૈજ્ઞાનિક વાર્તનીક ઇમ્યુની સિસ્ટમ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો વ્યકિતએ મહામારીની સાથે લડવું છે તો પહેલા વ્યવહારથી તેના સંપર્કને તોડવો પડશે. એટલે કે એકબીજાથી શારીરિક અંતર જાળવવું પડશે.

મનુષ્ય એક સામાજીક પ્રાણી છે અને તે સમુહમાં રહેતો આવ્યો છે સોશ્યલ ડિસ્ટસીંગને કારણે આપણા સંબંધો અને રોજબરોજની વાતચીત અને વ્યવહારો પર ખુબ જ અવળી અસર પડી છે.



ઘણા બધા મનોવૈજ્ઞાનિક નીરીક્ષણો દ્વારા ડો. ડિમ્પલ રામાણી અને નીમીષા પડારીયાએ વાત સ્પષ્ટ કરે છે કે જયારે પણ આપણે કોઇ બિમારીનો ભય મહેસુસ કરીએ છીએ ત્યારે આપણે પરંપરાઓના આધારે તેઓ જણાવે છે કે બિમારથી વધુ ચિંતિત લોકોને પુછવામાં આવ્યું કે તેઓ કેવા પ્રકારના લોકોને પસંદ કરે છે ત્યારે લગભગ બધાનો જવાબ પરંપરાવાદી રીવાજોમાં માનનારા લકો ગમે છે એવું જણાવ્યું તેનો મતલબ સર્જનાત્મક અને કલાત્મક લોકોને તુલનામાં પરંપરાનું પાલન કરતા લોકો વધારે પસંદ હતા. આનાથી એ ખબર પડે છે કે મહામારી સંક્રમણ વખતે સ્વતંત્ર વિચાર, આવિસ્કાર અને નવા સંશોધન કરવાવાળા વિચારો નબળા પડી જાય છે. તેનામાં એ વિચાર વધારે આવે છે કે સામાજીક ધોરણો અને રિવાજોને તોડવા નુકશાનકારક થઇ શકે છે અને તેના પરિણામો અતિઘાતક થઇ શકે છે. જયારે પણ કોઇ સંક્રમણ ફેલાય છે ત્યારે મોટે ભાગે લોકો સામાજીક નિયમોનું પાલન વધારે કડકાઇથી કરવા લાગે છે આ નિયમોના પાલનથી તે વધુ નૈતિક બની જાય છે.

21 July 2021

તોતડાપણું

તોતડાપણું

તોતડાપણું : વાણીની વિકૃતિ. બાળકની વાણીના વિકાસમાં મુશ્કેલીઓ આવે તો તે ખામીયુક્ત બની શકે છે. વાણીની ખામીઓમાં અપૂરતા શિક્ષણથી પરિણમતી અશુદ્ધ ભાષાથી માંડીને વાણીની વિકૃતિઓ જોવા મળે છે. વાણીની વિકૃતિઓમાં મુખ્યત્વે (1) કાલું બોલવું (lipsing); (2) અસ્પષ્ટ કે ગરબડિયું બોલવું (slurring); (3) તોતડાપણું (stuttering) અને અટકીને બોલવું – આ ત્રણનો સમાવેશ થાય છે.

તોતડાપણું (stammering) અને અટકીને બોલવું – એ બંને સાથે જોવા મળતાં હોવા છતાં બંને વચ્ચે વર્તનની ભિન્નતા છે. તોતડાપણામાં બાળક અક્ષર, શબ્દ અને વાક્યાંશોનું પુનરાવર્તન કરવા પ્રેરાય છે. તેને પ્રથમ અક્ષર, શબ્દ કે વ્યંજન બોલવામાં પ્રમાણમાં વધારે મુશ્કેલી પડે છે. દા.ત., ‘પ…પ…પાણી’ કે ‘બ…બ…બકરી’ વગેરે. અટકીને બોલનાર મોઢામાં શબ્દ લાવે પણ બોલતાં અચકાય કે હાંફે, તેના ચહેરા ઉપર વિચિત્ર ફેરફાર થાય વગેરે લક્ષણો પ્રમાણમાં વધારે જણાય છે. હવે શાસ્ત્રીય તથા સામાન્ય વપરાશની ભાષામાં ‘તોતડાપણું’ શબ્દમાં આ બધાં લક્ષણો સમાવિષ્ટ થતાં જણાય છે.

બેથી પાંચ વર્ષની ઉંમરના ગાળામાં થતા વાણીવિકાસ દરમિયાન વાણીની મર્યાદા, ખામી કે વિકૃતિ પેદા થવાની શક્યતા વધારે રહે છે. ઉંમર વધતાંની સાથે તેમાંની ઘણી મુશ્કેલીઓ ઓછી કે તદ્દન બંધ થઈ જાય છે. ડેવિસ, ક્રેસ્ટિન અને જ્હૉનસન જેવા સંશોધકોના મંતવ્ય પ્રમાણે વાણીવિકાસના આ ગાળા દરમિયાન માબાપ અજ્ઞાન કે અણસમજ દાખવે તો બાળકની મુશ્કેલીઓ ર્દઢ અને કાયમી થઈ શકે છે. બાળકની વાણીવિકાસની ખામીઓને સમસ્યારૂપ કે ઘેરી ચિંતાનો વિષય ગણનારાં માબાપ વધારે નુકસાન કરનારાં સાબિત થાય છે.

તોતડાપણાનાં કારણો અંગે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. કેટલાક સંશોધકો વારસા કે આનુવંશિકતાને કારણ ગણે છે. કેટલાકના મંતવ્ય પ્રમાણે ડાબેરી બાળકને જમણા હાથે કાર્ય કરવાની ફરજ પાડવામાં આવે તો તેમાં તોતડાપણાનો સંભવ વધે છે. આવા કિસ્સામાં ડાબા-જમણા હાથના વપરાશને બદલે નવી ટેવ પાડવામાં બાળક દ્વારા અનુભવાતા માનસિક કે આવેગાત્મક તણાવને મહત્વ અપાય છે.

સંશોધનોમાં જણાયા પ્રમાણે આદિવાસી જાતિઓમાં તોતડાવાની ખામી નહિવત્ જણાઈ હતી. આનો એક અર્થ એવો કરવામાં આવે છે કે તોતડાપણા માટે મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળો વધારે જવાબદાર હોવાં જોઈએ. તોતડાપણા માટે વિવિધ પરિબળો જવાબદાર મનાય છે. બાળકની વાણીવિકાસની ખામીઓ પ્રત્યે માબાપનું મનોવલણ, માબાપના સ્વભાવ કે વર્તન પ્રતિ બાળકના પ્રતિભાવો, માબાપ અને બાળક વચ્ચેની આંતરક્રિયાનું સ્વરૂપ, કુટુંબમાં સાથે રહેતાં સગાં ભાઈબહેન કે આવેગાત્મક સાન્નિધ્ય ધરાવતાં અન્ય સગાંવહાલાંનું બાળક સાથેનું વર્તન વગેરે મનોવૈજ્ઞાનિક ઘટકો સીધી કે આડકતરી રીતે બાળકના તોતડાપણાનું કારણ બની શકે છે.

બાળક પાસેથી શિસ્તના કડક પાલનનો અતિઆગ્રહ રાખતાં માબાપ, બાળક પાસેથી પૂર્ણવર્તનનો અતિઆગ્રહ રાખતાં માબાપ, બાળકની શક્તિ કે અવસ્થા કરતાં વધારે ઝડપી ભાષા કે વાણીવિકાસનો આગ્રહ રાખતાં માબાપ વગેરે પોતાનાં બાળકોને વધારે ચિંતાગ્રસ્ત કે ભયગ્રસ્ત બનાવે છે. આવા તણાવગ્રસ્ત વાતાવરણમાં ઊછરતાં બાળકોમાં તોતડાપણું વધારે જણાય છે. માબાપની અપેક્ષાને પહોંચી શકવા અસમર્થ એવાં કોઈ બાળકો બચાવપ્રયુક્તિઓનો અજાગ્રત સહારો લેતાં જણાય છે. આવાં કોઈ બાળકોનાં તોતડાપણું માબાપની સહાનુભૂતિ મેળવવાની પ્રયુક્તિ બને !

અતિ લાડ, નવા ભાઈ કે બહેનના જન્મના લીધે અનુભવાતી અસલામતીની લાગણી, માબાપ વચ્ચે વધારે વિસંવાદ વગેરે બાબતો તોતડાપણાનું કારણ બની શકે છે. ક્યારેક સ્વરતંત્રની સાથે જોડાયેલા ચેતાતંત્રના શારીરિક વિકારને લીધે પણ તોતડાપણું થાય છે.

તોતડાપણાની ખામીના કિસ્સામાં વાણીચિકિત્સા (speech therapy) ઘણી મદદરૂપ નીવડે છે. વળી તોતડાવા માટે મનોવૈજ્ઞાનિક કારણો પ્રાધાન્ય ધરાવતાં હોય ત્યારે મનોચિકિત્સા કે સલાહ (counselling) ઉપયોગી થાય છે. તોતડાપણું કઈ પરિસ્થિતિમાં વધે છે, ક્યારે તદ્દન ઓછું કે નહિવત્ બને છે, તેને વ્યક્તિના આવેગાત્મક સંઘર્ષો કે પાપની લાગણી સાથે કેટલો સંબંધ છે વગેરે બાબતોની ચિકિત્સામાં નોંધ લેવાતી હોય છે. શારીરિક કારણોના લીધે જ હોય તો શસ્ત્રક્રિયાની મદદ લઈ શકાય. શ્વાસોચ્છવાસની અનિયમિતતા કે શ્વાસ રૂંધાવાની બીક વગેરે ખામીઓ ઓછી કરવામાં પ્રાણાયામ મદદકર્તા નીવડી શકે. વાણીવિકાસ દરમિયાન બોલવાની લયબદ્ધતામાં નોંધપાત્ર ખામી જણાતી હોય તો વાણીચિકિત્સકની મદદ લઈ બોલવાની સાચી ટેવો શીખી શકાય છે.

તોતડી વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી ગણાય છે : (1) તોતડી વ્યક્તિ પોતાની ખામી પ્રત્યે સભાન બને એવી રીતે સહાનુભૂતિ દર્શાવવી નહિ; (2) તોતડી વ્યક્તિની વાતને એકદમ કે અર્ધેથી કાપી તેને બોલતી અટકાવવી નહિ અને (3) તેની વાતને ધીરજથી સાંભળવી. તોતડાપણાની ખામી પ્રત્યે અતિસંવેદનશીલ, ચિંતાગ્રસ્ત અને શરમયુક્ત વલણ અપનાવવાના બદલે વિધાયક વલણ રાખવાથી વધારે ફાયદો થાય છે એવું નોંધવામાં આવેલું છે.

રજનીકાન્ત પટેલ

18 July 2021

ડેમોફોબિયા - ભીડનો ભય

ડેમોફોબિયા - ભીડનો ભય

સર્વે:કોરોના બાદ 70.4% લોકોને ભીડવાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં તકલીફ પડે, 65%ને કોઈના ઘરે જવામાં ભય લાગે છે, આ બીમારીનું નામ ડેમોફોબિયા


મનોવિજ્ઞાન ભવન દ્વારા 621 લોકો પર સર્વે કરાયો, જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા

હાલ વર્તમાનપત્ર અને ટીવીમાં જોઈએ છીએ કે લોકો પ્રવાસના સ્થળે ઉમટી પડ્યા છે અને લોકોએ ભેગા થવાનું શરૂ કર્યું છે. પણ જેના ઘરમાં લોકોએ કોરોના ભોગવ્યો અને કોઈનું મૃત્યુ થયું તે પરિવારનું દર્દ અલગ છે. તેઓ આજે પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે. ગુગલ ફોર્મના માધ્યમ દ્વારા એવા લોકો પાસેથી જેમના ઘરમાં કોરોના આવ્યો હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો પાસેથી માહિતી એકઠી કરવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવીએ ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ ગુગલફોર્મ દ્વારા 621 લોકો પાસેથી માહિતી એકઠી કરી. જેમાં કોરોના બાદ 70.4% લોકોને ભીડવાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને 65%ને કોઈના ઘરે જવામાં ભય લાગે છે.

મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં પૂછાયેલા સવાલો

પ્રશ્ન: કોરોના સમય પહેલા તમને ભીડમાં જવું અને લોકો સાથે રહેવું ગમતું હતું?
જવાબ: 77.8% ના મતે 'હા' અને 22.2% ના મતે 'ના'

પ્રશ્ન: શું હવે ક્યારેક 10થી15 લોકો ભેગા થયા હોય ત્યાં જતા પણ ભય લાગે છે?
જવાબ: 60% ના મતે 'હા' અને 40% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડમાં જવાનું તમે ટાળો છો?
જવાબ: 85.2% ના મતે 'હા' અને 14.8% ના મતે 'ના'

પ્રશ્ન: કોઈ દુકાનમાં ખરીદી કરવા જાવ અને 2કે 3 ગ્રાહક હોય તો પણ ત્યાં જવાનું ટાળો છો?
જવાબ: 51.9% ના મતે 'હા' અને 48.1% ના મતે 'ના'

પ્રશ્ન: ફરવા જવામાં કે કોઈના ઘરે જવામાં ભય લાગે છે?
જવાબ: 65% ના મતે 'હા' અને 35% ના મતે 'ના'

પ્રશ્ન: તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ભય લાગે છે?
જવાબ: 55.6% ના મતે 'હા' અને 44.4% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડ વાળી જગ્યાએ જતા શ્વાસ લેવામાં પણ ક્યારેક તકલીફ પડે છે?
જવાબ: 70.4% ના મતે 'હા' અને 29.6% ના મતે 'ના'

પ્રશ્ન: વર્તમાન પત્રમાં ભીડ જોતા કોરોનાના વિચાર આવવા લાગે છે?
જવાબ: 51.9% ના મતે 'હા' અને 48.1% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડ જોતા ગુસ્સો કાબુમાં ન રહેતો હોય એવું લાગે છે?
જવાબ: 66.7% ના મતે 'હા' અને 33.3% ના મતે 'ના'

પ્રશ્ન: શું ભીડને કારણે માર્કેટમાં જવાનું બંધ કર્યું છે?
જવાબ: 63% ના મતે 'હા' અને 37% ના મતે 'ના'

પ્રશ્ન: ભીડના ભયને લીધે ઓનલાઈન ખરીદી શરૂ કરી છે?
જવાબ: 55.6% ના મતે 'હા' અને 44.4% ના મતે 'ના'

શું છે ડેમોફોબિયા?

ગ્રીક ભાષામાં ડેમો એટલે ભીડ અને ફોબિયા એટલે ડર. ડેમોફોબિયા એટલે ભીડનો ભય. જેને બીજા એન્કોલોફોબિયાના નામથી પણ ઓળખાય છે. હાલ કોરોના કાળ ઘણા લોકો ડેમોફોબિયા એટલે કે ભીડના ભયનો ભોગ બન્યા છે. આ ફોબિયાથી પીડાતા લોકો ભીડ અથવા લોકોને જોઈને અકારણ અને અતાર્કિક ભયનો અનુભવ કરે છે. ઉપરાંત ભીડને જોઇને ચિંતાનો અનુભવ કરે છે. ડેમોફોબિયાની પ્રતિક્રિયા શારીરિક તેમજ માનસિક બંને જોવા મળે છે.

લક્ષણો
  • ભીડને જોઈને છાતીમાં દુખાવો થવો, શ્વાસ ચડવો કે શ્વાસ ઝડપી થવો.
  • હૃદયના ધબકારા વધી જવા
  • શરીરમાં ધ્રુજારી આવવી
  • પરસેવો વળવો
  • ગભરામણ થવી
  • અસ્વસ્થતાનો અનુભવ થવો
  • વધારે ચિંતાનો અનુભવ થવો
  • ભીડને જોઇને અકારણ ભય લાગવો
  • પોતાની લાગણીઓ કે વાત ને રજૂ ન કરી શકે
  • એકાંત વધારે ગમે
કારણો

ડેમોફોબિયા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે જેમકે કોઈ ઘટના કે બનાવ, મગજના રસાયણોમાં ખામી વગેરે. હાલના સમયે કોરોના જેવા રોગના કારણે લોકો, લોકો થી દૂર થયા છે. લોકો સાથે મળવાથી કે વધારે લોકો ને જોઈ ને ઘણા લોકોને ચિંતા નો કે ગભરામણ નો અનુભવ થાય છે જેથી ઘણા લોકો આ સમયે ડેમોફોબિયા નો ભોગ બન્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે આખો દિવસ ઘરમાં રહેતા થયા છે, ઘરે બેસીને કામ કરતા થયા છે, બાળકો શાળાએ જતા કે શેરીમાં રમવા જતા અટકી ગયા છે અને ઘરમાં પુરાયા છે.

ઊંડી અસર મગજ પર પડે છે

વૃદ્ધો જે પોતાની ઉંમરના લોકો સાથે બેસીને સત્સંગ કરતા કે મંદિરે જતા એ પણ ઘરમાં પુરાયા છે. ગૃહિણીઓ પણ જે પોતાની સહેલીઓ કે પરિવાર સાથે બહાર જતી તેના બદલે ઘરમાં પુરાઈ ગઈ છે. આ બધી બાબતો ડેમોફોબિયા ને પ્રેરે છે. આ સિવાય ટેલિવિઝન, સોશિયલ મીડિયા, મેગેઝિન, ન્યુઝ પેપર, ફોનની કલરટયુન માં, રસ્તાઓ પરના સ્પિકરોમાં વગેરે જગ્યાઓ એ સતત સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ ને પાલન કરવાનો સંદેશ મળે છે ઉપરાંત વધારે લોકો ભેગા થાય તો તેની સજા આપવામાં આવે છે વગેરે બાબતોની ઊંડી અસર મગજ પર પડે છે જે ડેમોફોબિયા જેવા અસાધારણ અને અતાર્કિક ભયને પ્રેરે છે.

નિષ્ણાતની મદદ જરૂરી બને છે

આવા અસાધારણ ભય નો અર્થ એ નથી કે જે વ્યક્તિ નબળી છે અથવા ગાંડી છે. આથી આવું કંઈ જ ન વિચારતા યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાંતની સલાહ અને મદદ લેવી એ ખૂબ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક, સલાહકાર કે મનોચિત્સકની સલાહ કોઈ જ સંકોચ વગર લેવી એ ખૂબ જરૂરી છે. ડેમોફોબિયા એ વ્યક્તિના રોજિંદા કાર્યોમાં પણ ખલેલ પહોચાડે છે. શાળા, ઓફિસ, સામાજિક મેળાવડો વગેરે જગ્યાએ વ્યક્તિ અસમર્થતા અનુભવે છે. પોતાનું કાર્ય કે ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી આથી નિષ્ણાંતની મદદ જરૂરી બને છે.

માદક પદાર્થોના દુરૂપયોગ માટે પણ પ્રેરાય

ભીડનો ભય અન્ય ઘણી સમસ્યાઓનો પણ પ્રેરે છે જેમ કે, મૂડ ડિસઓર્ડર (મનોદશા વિકૃતિ), ઉદાસીનતા, અસ્વસ્થતા અને આત્મઘાતી વિચારધારા સહિત સામાજિક એકલતા, સંબંધોમાં એકલતા અને અનેક સમસ્યાઓ તરફ દોરી જાય છે. ઘણી વખત વ્યક્તિ પોતાના ભય ને ઓછો કરવા દારૂ અથવા માદક દ્રવ્યો સાથેના પદાર્થોના દુરૂપયોગ માટે પણ પ્રેરાય છે.

ઉપચાર

મનોવિજ્ઞાનના ડેમોફોબિયા દૂર કરવા માટે અનેક તકનીકો નો ઉપયોગ થાય છે. ખાસ કરીને ટોક થેરાપી ( Talk therapy ) દ્વારા ઝડપી પરિણામ મેળવી શકાય છે. આ સિવાય કાઉન્સેલિંગ દ્વારા વ્યક્તિની ભીડ પ્રત્યેની પ્રતિક્રિયા, વિચારધારા, માન્યતા, પૂર્વગ્રહો વગેરે ને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

17 July 2021

પાયરોમેનિયા - આવેગ નિયંત્રણ ડિસઓર્ડર

પાયરોમેનિયા - આવેગ નિયંત્રણ ડિસઓર્ડર

લોકડાઉન-કરફ્યુમાં 54% તરૂણો કારણ વિના ગાળાગાળી-મારામારી કરતા થયા, જાણો કેમ

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને જાદવ તૌફીકે વાલીઓ, યુવાનો, તરૂણો સહિતનાં કુલ 940 વ્યક્તિઓને રૂબરૂ મળી એક સર્વે કર્યો છે. આ સર્વેમાં લોકડાઉન અને કરફ્યુ દરમિયાન છેલ્લા દોઢેક વર્ષમાં પાયરોમેનિયાનો ફેલાવો વધ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં 54% તરૂણો કારણ વિના ગાળાગાળી-મારામારી કરતા થયા હોવાનું અને 36% યુવાનોમાં આવેગ પર નિયંત્રણનો અભાવ હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. પાયરોમેનિયા આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે. જે તરૂણો અને યુવાનોમાં સતત સ્ટ્રેસ અને ભયથી વધ્યો છે. કેટલાક તરુણો અને યુવાનોને કારણવગરની મારામારી કે ગાળાગાળી કરતા આપણે જોયા છે. આ કુસંસ્કાર કરતા માનસિક બીમારી વઘુ છે. કાચ ફોડતી ગેંગ, વાહનની કતારને પાડી આનંદ લેતા તરૂણો, કોઈ ઘરના કાચ ફોડવાની વૃત્તિ વિગેરે લક્ષણો આ રોગનાં દર્દીઓમાં જોવા મળે છે. છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરૂણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે તે કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

પાયરોમેનિયા ધરાવતા વ્યક્તિમાં પરિણામોને ધ્યાનમાં લીધા વિના, હાનિકારક કે ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી હોય છે. આ રોગને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -5) માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસ ઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે એક આવેગ નિયંત્રણ વિકાર છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે. કેટલાક લોકોને કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે જે એક માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર) છે, તેને જ મનોવિજ્ઞાનમાં પાયરોમેનિયા કહે છે.

પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે. વિશેષ બાબત એ છે કે, જે લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે, તે કામ કરવું તેમના માટે મજબૂરી બની જાય છે. જો તેઓ આ કામ ન કરે અથવા કામ કરવાનું બંધ કરે તો બેચેની, ગભરાહટ, અનિચ્છનીય વિચારો આવવા લાગે છે, તેથી મજબૂરીમાં તે આ કામ કરે છે. અને વ્યક્તિ સમજે છે તે કામ કરવું જોખમી હોય શકે છે તેમજ તે કરી રહ્યું છે તે ખોટું છે તે, જાણતા હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી, જો કે પીડિત વ્યક્તિને પોતે વારંવાર એવું નહીં કરે, કરવાના વિચારો તેના મગજ તરફથી મળતા હોય છે.

મનોવિજ્ઞાન ભવનનાં સર્વેમાં સામે આવેલી મહત્વની બાબતો

– પાયરોમેનીયા ધરાવતા લગભગ 90% વ્યક્તિઓ યુવાન પુરુષો છે.

– જેને પાયરોમેનીયા હોય છે તે દર 6 અઠવાડિયાની આસપાસ આ અસામાન્ય વર્તન શરૂ કરે છે.

– લક્ષણો તરુણાવસ્થા દરમિયાન શરૂ થઈ શકે છે અને પુખ્તાવસ્થા સુધી અથવા ત્યાં સુધી ચાલે છે.

– પાયરોમેનિયાની શરૂઆત 3 વર્ષની ઉંમરે થઈ શકે છે.

પાયરોમેનિયા લાગુ પડવાના મુખ્ય કારણો

જે વ્યક્તિ આવેગાત્મક સમસ્યાઓથી પીડાય છે અને વ્યક્તિગત રીતે ભૂતકાળમાં કેટલીક બાબતોને લઈને હતાશા, ચિંતા, ડિપ્રેશનનો ભોગ બનેલ હોય છે, તેના કારણે વ્યક્તિમાં રોષ પેદા થાય છે. આ અવ્યવસ્થામાં, અસંતોષકારક વ્યક્તિત્વની હાજરી પ્રવર્તતી રહે છે, તેમજ સરેરાશથી આઇક્યુ ઓછો હોવો, (જો કે આ બધા કિસ્સાઓમાં સાચું નથી) બાળપણમાં દુર્વ્યવહાર ભોગ બનવું, જાતીય શોષણનો ભોગ બન્યા હોય, ઉચ્ચ સ્તરે હતાશા, આવેગ નિયંત્રણનો અભાવ, હીનતાભાવ, પોતાના મૂલ્યને વધારવાની તીવ્ર ઈચ્છા, માનસિક અસ્વસ્થ હોવું, મગજના રસાયણો, વધુ સમય તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો, અથવા આનુવંશિકતાના કેટલાક અસંતુલનને સંબંધિત હોઈ શકે છે.

સંશોધનોના આધારે કેટલાંક કારણો જાણવા મળે છે. જેમ કે, ડ્રગ્સનો દુરૂપયોગ, સામાજિક કુશળતા અથવા બુદ્ધિ ખામી, હેતુપૂર્વક એક કરતા વધારે જગ્યાઓ પર આગ લગાડવી, આગ લગાડતા પહેલા તીવ્ર તણાવની સ્થિતિ, આગ લગાડીને અથવા આગ જોઈને આનંદનો અનુભવ કરવો, એક પ્રકારના લાભ મેળવવા (પૈસાની જેમ), વૈચારિક કારણોસર ગુસ્સો અથવા વેર વ્યક્ત કરવા, અન્ય ગુનાહિત કૃત્યને આવરી લેવા માટે, પોતે અન્યથી અલગ છે તેવું બતાવવા માટે અને અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર બનવા તેમજ ન્યુરોબાયોલોજીકલ સ્તરે જોઈએ તો, મગજમાં રહેલ ન્યુરોટ્રાન્સમીટર્સ જેમકે, સેરોટોનિન અને ડોપમાઇન અને પ્રમાણ ઘટવું, તેવી જ રીતે, આવેગો અને લાગણીઓના સંચાલનને કારણે ટેમ્પોરલ લોબ-લિમ્બીક સિસ્ટમમાં અવ્યવસ્થા, અને ફ્રન્ટલ લોબ અને ઓર્બિટોફ્રન્ટલ કોર્ટેક્સ જે વર્તન અવરોધવાની પ્રક્રિયાને ખાસ અસર કરે છે.

આ આવેગ નિયંત્રણ મેળવવું અને મનોચિકિત્સા

આવેગ નિયંત્રણ, આત્મ-નિયંત્રણ કરવુ, મનો-શિક્ષણ, સમસ્યા હલ કરવાની કુશળતા, આંતર વ્યક્તિત્વપૂર્ણ સંચાર વ્યૂહરચના શીખવી, અને ક્રોધ, ગુસ્સાનું નિયમન કરવું, સંઘર્ષનું નિરાકરણ જલ્દી લાવવું, જ્યારે કેટલાક કિસ્સાઓમાં, મનોરોગ ચિકિત્સાને ડ્રગ થેરેપી સાથે જોડીને આ ઇમ્પલ્સ નિયંત્રણના અભાવની સારવાર આપવામાં આવે છે. પિરોમેનીયા એ એક દુર્લભ વિકાર છે. તેની સારવાર મુખ્યત્વે બોધનાત્મક-વર્તણૂકીય ઉપચાર, મનોવૈજ્ઞાનિક વર્તન સુધારણા તકનીકીઓ, વિરોધાભાસી નિરાકરણ તકનીકીઓ, તણાવના સ્તરની સ્વ-તપાસ અને ડીપ મસલ્સ રિલેક્સશન ટેક્નિક દ્વારા કરવામાં આવે છે. આ તકનીકો વ્યક્તિની સમસ્યાનો સામનો કરવામાં મદદરૂપ બને છે. અને કેટલીક વખત એન્ટીડિપ્રેસન્ટ્સ, જેમ કે પસંદગીયુક્ત સેરોટોનિન રીઅપપેક ઇન્હિબિટર(એસએસઆરઆઈ) ચિંતા વિરોધી દવાઓ કે એન્ટિપાયલેપ્ટિક દવાઓ આપવી પડે છે. તેમજ યોગ, ધ્યાન, પ્રાણાયામ પણ આ રોગનો ઈલાજ કરવામાં મદદરૂપ બને છે.

14 July 2021

સ્પર્શનો ભય (Haphephobia)

સ્પર્શનો ભય (Haphephobia)


કોરોના બાદ 60%થી વધુ લોકો અજાણી જગ્યાએ સ્પર્શ કરતા પણ ડરે છે ! સર્વેમાં ચોંકાવનારૂ તારણ બહાર આવ્યું


  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી વિગતો
  • ફોબિયાથી વ્યક્તિ અન્યના સ્પર્શથી સખત ભયનો અનુભવ કરે છે.

કોરોના મહામારી બાદ લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. અને તેમાં વિવિધ પરિવર્તનો જોવાઈ રહ્યા છે. ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાઉન્સેલિંગ સેન્ટર પર આવેલા કેસનું વિશ્લેષણ અને ગુગલફોર્મના માધ્યમ દ્વારા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવીએ ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 630 જેટલા લોકો કે જેમાં 230 પુરુષો અને 400 સ્ત્રીઓ સામેલ છે. તેના પર ખાસ સર્વે કર્યો હતો. આ સર્વેમાં કોરોના બાદ 60%થી વધુ લોકો અજાણી જગ્યાએ સ્પર્શ કરતા પણ ડરી રહ્યા હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.

જાણો શુ છે Haphephobia (સ્પર્શનો ભય)

Haphephobia એટલે સ્પર્શ થવાનો ભય છે. આ ફોબિયાથી વ્યક્તિ અન્યના સ્પર્શથી સખત ભયનો અનુભવ કરે છે. આ સ્પર્શના ભયથી પીડાતી વ્યક્તિને જો કોઈ સ્પર્શ થાય તો તેમને શરીરમાં લકવો થઈ જશે અથવા પોતાને કોઈ રોગ થશે તેવો ભય લાગે છે. હાલ કોરોનાનો માનસિક ભય ઘણા લોકોને અસ્વસ્થ કરી રહ્યો છે. આ ભયના પરિણામ ઘણા અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. જેમાં એક Haphephobia એટલે કે સ્પર્શનો ભય છે. હાલ સામાજિક અંતરના નિયમ વિષે દિવસ રાત સાંભળવા મળતું હોય છે. સાથે જ કોરોના નો રોગ એકબીજાને સ્પર્શ કરવાથી ફેલાય છે એ વાત હાલ દરેક લોકો સુધી પહોંચી છે. જેને લઈ ઘણા લોકોમાં સ્પર્શનો ભય ફેલાયો છે.

આવા હોય છે Haphephobia (સ્પર્શનો ભય)નાં લક્ષણો

સ્પર્શના ભયથી પીડાતી વ્યક્તિઓ કોઈ સ્પર્શ થવાથી વિવિધ શારીરિક માનસિક તકલીફ અનુભવે છે જેમકે, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધવા, બેભાન થઈ જવું, ઉબકા આવવા, ચીડ ચડવી, ચિંતાનો હુમલો આવવો, સૂગ આવવી વગેરે… આ સિવાય સ્પર્શ થવાથી સખત ચિંતાનો અનુભવ કરે છે. ઉપરાંત ક્યાંક ભૂલથી કોઈ વસ્તુ અથવા વ્યક્તિને સ્પર્શ થઈ જશે તો! એ વાતના ભયથી પણ સખત ચિંતા વ્યક્તિ અનુભવે છે. વ્યક્તિ માત્ર સ્પર્શ થવાથી સતત અને અકારણ ભય અનુભવે છે. આ અતાર્કિક ભયથી વ્યક્તિ પોતાની રોજિંદી જિંદગી પણ વ્યવસ્થિત જીવી શકતો નથી. તો રોજિંદા કર્યો પણ યોગ્ય રીતે કરી નથી શકતા. આવી વ્યક્તિ હંમેશા સ્પર્શની શક્યતા હોય તેવી પરિસ્થિતિ ટાળે છે.

Haphephobia(સ્પર્શનો ભય)નાં મુખ્ય કારણો

Haphephobia જેવો અકારણ અને અતાર્કિક ભય વિકસવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે જેમકે, ભૂતકાળનો કોઈ અનુભવ, ભૂતકાળની ઘટના, કોઈ ભય મગજમાં બેસી ગયો હોય વગેરે ઘણા કારણો જવાબદાર હોય શકે છે. આ સર્વે મુજબ મહિલાઓમાં પુરુષોની તુલનાએ બમણાથી વઘુ સ્પર્શનો ભય હોવાનું જાણવા મળ્યું છે. સ્ત્રીઓમાં 36% જેટલો તો પુરુષોમાં 11% જેટલો સ્પર્શનો ભય કોરોના કાળમાં વિકસ્યો છે. લોકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા તેની ટકાવારી મુજબ આવું પરિણામ જોવા મળ્યું હતું.

સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવેલા પ્રશ્નો

શું કોઈ જગ્યા પર અડી ગયા પછી હાથ ધોઈ નાખો છે?

69.2 % હા અને 30.8% એ ના કહ્યું

કોઈ જગ્યાએ અડ્યા પછી હાથ ન ધોવો તો બેચેની રહે છે?

61.5% એ હા અને 38.5% એ ના કહ્યું

પહેલા કરતા હાલના સમયમાં સફાઈ કરવાની બાબતમાં વધારો થયો છે?

80.8% એ હા અને 19.2% એ ના કહ્યું

આશરે દિવસમાં કેટલી વખત હાથ ધોતા હશો?

40.4% એ જયારે કોઈ વસ્તુ અડીએ ત્યારે દરેક વખતે

32.7% દિવસમાં 2 થી 3 વખત, 26.9% માત્ર જમતી વખતે

કોઈ અજાણી જગ્યાએ સ્પર્શ થાય તો ભય લાગે છે ?

60% એ હા અને 40% એ ના કહ્યું

કોઈ વ્યક્તિ ભૂલથી તમને અડી જાય તો ગુસ્સો આવે છે?

65.4% એ હા અને 34.5 % એ ના કહ્યું

કોઈ અજાણી જગ્યાએથી વસ્તુ લેતા તમને ભય લાગે છે?

67.3% એ હા અને 32.7% એ ના કહ્યું

ઘરના બારી દરવાજા તમે સેનેટાઈઝ કરો છે?

71.2% એ હા અને 28.8% એ ના કહ્યું

ઘરના બારી દરવાજા ને સેનેટાઈઝ કર્યા વગર અડો તો ભય લાગે છે?

86.5% એ હા અને 13.5% એ ના કહ્યું

કોઈ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર નિષેધક વિચાર આવે છે?

78.8% એ હા અને 21.2% એ ના કહ્યું

અજાણી વ્યક્તિનો સ્પર્શ થવાથી બેચેની કે ગભરામણ થાય છે?

59.6% એ હા અને 40.4% એ ના કહ્યું

ઉપચાર

ઉલ્લેખનીય છે કે, સ્પર્શના ભયને દૂર કરવા માટે મન શાંત રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. અને નિષ્ણાંત કે સલાહકારની મદદ લેવી જોઈએ, નિયમિત અને યોગ્ય ખોરાક અને ઊંઘ લેવી, નિયમિત કસરત કરવી તેમજ નિયમિત ધ્યાનમાં બેસવાથી સ્પર્શનો ભય દૂર થઈ શકે છે. જો કે haphephobia નો કોઈ એક ઈલાજ નથી પરંતુ તેના ઇલાજ માટેના ઘણા વિકલ્પો છે. જેમાં પણ એક્સપોઝર થેરાપી મુખ્ય છે. આ થેરાપીમાં સ્પર્શના ભયને દુર કરવા માટે વ્યક્તિને સ્પર્શનો અનુભવ ધીમે ધીમે કરાવવામાં આવે છે. સ્પર્શ પ્રત્યેના વ્યક્તિના નકારાત્મક વલણને સકારાત્મકતા માં ફેરવવામાં આવે છે. આ થેરાપી સિવાય દવાઓ અને વર્તણૂક થેરાપી દ્વારા પણ સારવાર આપવામાં આવે છે. જેમાં વ્યક્તિને સ્પર્શ બાદ કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની તાલીમ પણ આપવામાં આવે છે.

11 July 2021

કોરોનાએ સ્વપ્નમાં પણ ડરાવ્યા

કોરોનાએ સ્વપ્નમાં પણ ડરાવ્યા

કોરોનાએ સ્વપ્નમાં પણ ડરાવ્યા:79%ને બિહામણા સ્વપ્ન આવ્યા, એકે કહ્યું- મોક્ષરથ જોવું તે દી' ઊંઘમાં જ હું ચાલવા લાગુ, કોઈની સ્મશાનયાત્રામાં જોડાયો હોવ તેવું લાગે- સૌ.યુનિ.નો સર્વે


  • 35%ને ભયને કારણે ઊંઘ ઊડી જાય, 37%ને કોઈને કહી ન શક્યા હોઈએ એવા સ્વપ્ન આવે છે

સ્વપ્ન એક એવી ઘટના છે જે આપણા બધાની સાથે થતી હોય છે. બીજા શબ્દોમાં, આપણે બધા જ લોકો સ્વપ્ન જોઈએ છીએ. ક્યારેક સ્વપ્ન સુખદ હોય છે તો ક્યારેક દુઃખદ હોય છે. ક્યારેક-ક્યારેક સ્વપ્ન મિશ્રિત હોય છે, એટલે કે તેનો અમુક ભાગ સુખદ હોય છે તો અમુક ભાગ દુઃખદ હોય છે. આ રીતે સપના આપણા જીવનનો એક ભાગ હોય જેના વિશે જાણવાની ઉત્સુકતા આપણને કાયમ હોય છે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ક્રિષ્ના કાંબરિયાએ અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1350 લોકોનો સર્વે કરી જાણ્યું કે કોરોનાના સમયે લોકોને નિષેધક સ્વપ્ન અને ડરામણા સ્વપ્નએ ક્યારેક ઊંઘમાંથી જગાડી દીધા. 79 ટકા લોકોએ બિહામણા સ્વપ્ન જોયા. એકે તો કહ્યું કે, જે દિવસે હું અંતિમયાત્રાનો રથ જોવ તે રાત્રે ઊંઘમાં જ હું ચાલવા લાગુ, કોઈની સ્મશાનયાત્રામાં જોડાયો હોવ તેવું લાગતું.

સર્વેમાં પૂછવામાં આવેલ પ્રશ્નો

શું તમને સ્વપ્ન આવે છે?
92% એ હા અને 8% એ ના કહ્યું

તમને કેવા પ્રકારના સ્વપ્ન આવે છે?
35% ભયને કારણે ઊંઘ ઊડી જાય એવા

37% એવા વિચારોના જે કોઈને કહી ન શક્યા હોઈએ એવા
15% બહુ જ આનંદ આપે એવા
10% નિષેધક
3% વિધાયક

સ્વપ્નના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે?
87% એ હા અને 13% એ ના કહ્યું

શું તમને દિવસમાં કરેલી ક્રિયાઓ અને વિચારોને અનુલક્ષીને રાત્રે સ્વપ્ન આવે છે?
78.80% એ હા અને 21.2% એ ના કહ્યું

ભૂતકાળમાં બનેલી ઘટનાઓને અનુલક્ષીને તમને સ્વપ્ન આવે છે?
75% હા અને 25% ના કહ્યું

તમે એવું માનો છો કે સવારમાં જોયેલા સ્વપ્ન સાચું થાય?
72% હા અને 28% એ ના કહ્યું

કોરોનાના કારણે તમને ડરામણા સ્વપ્ન આવ્યા છે?
79% હા અને 21% એ ના કહ્યું

લોકડાઉનના સમયે ઘરે રહેવાથી વધુ ઊંઘના કારણે સ્વપ્નમાં વધારો જોવા મળ્યો?
74.67% એ હા 25.33% એ ના કહ્યું..

તમને ક્યારેય પરિવારજનોને કોરોના થઈ જશે એવા સ્વપ્ન આવ્યા છે?
79% એ હા અને 21% એ ના કહી

તમારી તબિયત બગડી એવા સ્વપ્ન આવ્યા છે?
67% એ હા 33% એ ના કહ્યું


પ્રતિકાત્મક તસવીર.

સ્વપ્ન અંગેના મંતવ્યો

  • મને વારંવાર મારા સગા વ્હાલના મૃત્યુના સ્વપ્ન જ આવે છે અને રોજ એક જ સમયે મારી ઊંઘ જતી રહે. ઘણીવાર જ્યારે કોઈના મૃત્યુ વિશે કઈ સાંભળું ત્યારે સતત થોડા દિવસે મને એવા જ સ્વપ્ન આવે છે
  • જ્યારે કોઈ અંતિમયાત્રાના રથ જોવ ત્યારે ઊંઘમાં જ હું ચાલવા લાગુ જાણે કોઈની સ્મશાન યાત્રામાં હું જોડાયો હોવ
  • મારી પત્નીને વારંવાર મારા મૃત્યુના જ સ્વપ્ન આવે જેથી એ મને ક્યાંય પોતાનાથી અળગો નથી થવા દેતી
  • મને સતત કોઈ જગ્યાના સ્વપ્ન આવે છે જ્યાં હું કોઈ દિવસ ગઈ જ નથી પણ એ જગ્યા મને બોલાવે છે

વહેલી સવારના સ્વપ્ન તે ઊંઘમાં નથી હોતી પણ તંદ્રાવસ્થામાં હોય છે

આ સર્વે દરિયાન 81% લોકોનો સવાલ હતો કે વહેલી સવારના સ્વપ્ન સાચા પડે એ માન્યતા સાચી કે ખોટી છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ આ માન્યતા વિશે જણાવે છે કે, વહેલી સવારના સ્વપ્ન તે ઊંઘમાં નથી હોતી પણ તંદ્રાવસ્થામાં હોય છે, એટલે કે વ્યક્તિ સંપૂર્ણ સૂતો નથી અને જાગતો પણ નથી. તે અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં તે પોતાના ભવિષ્ય વિશે જુદી જુદી કલ્પના કરતો હોય છે. એ કલ્પના કે વિચાર તેનું જીવનનું લક્ષ્ય બનતું હોય છે એ રીતે વહેલી સવારના કેટલાક સ્વપ્ન સાચા પડતા હોય છે.

સ્વપ્નની વિશેષતાઓ

પહેલા સ્વપ્નને નિરર્થક માનવામાં આવતા હતા. પરંતુ મનોવિજ્ઞાનના પ્રયોગોએ પુરવાર કર્યું કે, સ્વપ્ન નિરર્થક ન હોતા એક સાર્થક પ્રક્રિયા છે. જેના આધારે આપણને માનસિક રોગના લક્ષણો અને તેના સ્વરૂપને સમજવામાં ઘણી મદદ મળે છે.

સ્વપ્ન સાર્થક હોય છે: 

સામાન્ય લોકો સ્વપ્નને અર્થહીન સમજે છે. પરંતુ અર્થહીન નથી હોતા. તેનો એક વિશેષ અર્થ હોય છે. મનોવિશ્લેષકોએ અનેક ઉદાહરણ આપી એ સાબિત કર્યું છે કે, સ્વપ્નનું અલગ મહત્વ અને અર્થ હોય છે.

સ્વપ્ન પ્રતિકાત્મક હોય છે: 

સ્વપ્નમાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ તે હકીકતમાં અચેતનની દમિત ઈચ્છાઓનું એક પ્રતિક (ચિન્હ ) હોય છે. જોકે આ ચિન્હનો અર્થ અલગ-અલગ વ્યક્તિઓને માટે અલગ-અલગ હોય છે, માટે તેનો અર્થ સમજવો થોડો મુશ્કેલ છે. પરંતુ તેનો અર્થ સમજતા જ સ્વપ્નનો અર્થ પણ સ્પષ્ટ થઇ જાય છે. આ રીતના ચિન્હના વ્યક્તિગત ચિહ્ન કહેવામાં આવે છે. આવા ચિહ્નનનો સબંધ વ્યક્તિની અંગત ઘટનાઓ અને સાહચર્યો સાથે વધુ હોય છે.

સ્વપ્ન વિભ્રમાત્મક પ્રવૃતિના હોય છે:

સ્વપ્નમાં વ્યક્તિ જે જુએ છે કે, અનુભવ કરે છે તે એક પ્રકારનો વિભ્રમ જ હોય છે. કેમ કે નિંદ્રા ખુલતા સ્વપ્નાવસ્થાની બધી વાતો અને દ્રશ્ય ગાયબ થઇ જાય છે. હકીકતમાં સ્વપ્નના સમયે ઘટનાઓ જેટલી સાચી લાગે છે, નિંદ્રા સમાપ્ત થતા તે એટલી જ ખોટી લાગે છે. તેનાથી સ્વપ્નના વિભ્રમાત્મક સ્વરૂપનો ખ્યાલ આવે છે.

સ્વપ્ન આત્મગત અને સ્વકેન્દ્રિત હોય છે:

સ્વપ્નને સ્વગત એટલા માટે કહેવામાં આવે છે કે, તેના વિષય અને ઘટનાઓ વ્યક્તિના અંગત જીવનના અનુભવોથી સબંધિત હોય છે જેનો અનુભવ માત્ર એજ વ્યક્તિને થાય છે બીજાને નહિ. સ્વપ્ન સ્વકેન્દ્રિત પણ હોય છે. કેમ કે સ્વપ્નનું કેન્દ્ર વ્યક્તિ પોતે જ હોય છે. સ્વપ્નની યથાર્થતાઓ કેન્દ્રબિંદુની અર્થહીનતામાં સમાપ્ત થઇ જાય છે.

સ્વપ્નથી ભવિષ્યના પણ સંકેત મળે છે: 

સ્વપ્નની આ વિશેષતા પર યુંગએ વધુ મહત્વ મુક્યું છે. યુંગનું કહેવું છે કે, સ્વપ્નમાં વ્યક્તિને ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓનો પણ સંકેત મળે છે, માત્ર વીતેલ જીવનની દમિત ઇચ્છાઓની જ અભિવ્યક્તિ નથી થતી. યુંગએ કેટલાક ચોક્કસ પુરાવા સાથે આ યથાર્થતા અને વિશેષતા જણાવી છે.

સ્વપ્નમાં અચેતનની દમિત ઇચ્છાઓની અભિવ્યક્તિ થાય છે: 

ફ્રોઈડ સ્વપ્નની આ વિશેષતા પર સૌથી વધુ ભાર મુક્યો છે. તેઓએ કહ્યું કે, સ્વપ્નમાં વ્યક્તિ અચેતનની દમિત ઇચ્છાઓને પૂર્ણ કરે છે. આમ, સ્વપ્નની ઘટનાઓ અને વિષયોના આધારે આપણને સ્પષ્ટ રીતે અચેતનના સ્વરૂપની જાણ થાય છે. લગભગ એજ કારણ છે કે, સ્વપ્નને ફ્રોઈડ ‘અચેતનની તરફ જતા રાજમાર્ગ’ કહ્યા છે. જોકે વ્યક્તિ સ્વપ્નમાં પોતાની એ ઇચ્છાઓનો સંતોષ કરવાનો પ્રયત્ન કરે છે. જેને તે સામાન્ય જીવનમાં સામાજિક નિયંત્રણના કારણે નથી કરી શકતા,


પ્રતિકાત્મક તસવીર.

સ્વપ્નનાં પ્રકાર
  • ​​​​​​​ઈચ્છાપૂર્તિ સ્વપ્ન
  • કુચિંતા(દુશ્ચીનતા) સ્વપ્ન
  • દંડ સ્વપ્ન
  • ભવિષ્ય તરફી સ્વપ્ન
  • વિરોધ (પ્રતિરોધ) સ્વપ્ન
  • સમાધાન સ્વપ્ન
  • ગતિ સબંધી સ્વપ્ન