Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

31 October 2020

વિચારવાયુ અભિશાપ છે

 

વિચારવાયુ અભિશાપ છે

                          આજના આ આધુનિક યુગમાં લોકો માત્ર સ્વાર્થી અને લોભી થઈ ગયા છે એ વાત સદંતર ખોટી… આજે પણ આ દુનિયામાં ભાવુક, ભોળા અને હૃદયનું સાંભળી કામ કરવાવાળા લોકો છે અને આવા લોકો માટે અભિશાપ સ્વરૂપ કોઈ રોગ હોય તો એ છે, વિચારવાયુ! આ એક એવો રોગ છે જેનો એકમાત્ર ઈલાજ એટલે સકારાત્મક વિચારસરણી. આ વિચારવાયુ એ ખતરનાક બીમારીઓ કરતાં પણ ખતરનાક છે. એને અંગ્રેજીમાં “ઓવર થિંકિંગ” કહી શકાય. સાદી ભાષામાં કહીએ તો કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે વિષય વિશે હદ વિનાના વિચારો કરવા એટલે વિચારવાયુ. અહીં નોંધપાત્ર વાત એ છે કે આવા વિચારોમાંના નેવું ટકા વિચારો નકારાત્મક જ હોય છે. આ નકારાત્મક વિચારો આપણી અંદર રહેલી સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે. આપણા વિકાસને પણ અવરોધે છે. સામાજિક અને પારિવારિક સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે અને આ વિચારવાયુની સૌથી ખરાબ અસર આપણા શરીર ઉપર થાય છે.

                આ વિચારવાયુ એટલે શંકારૂપી બીજમાંથી ઊગી નીકળેલું વટવૃક્ષ અને શંકા-કુશંકા ક્યારે થાય? તો એનો જવાબ છે અવિશ્વાસ અથવા અપૂરતો આત્મવિશ્વાસ. જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ, કે વાત પર આપણો આત્મવિશ્વાસ ઓછો પડે છે અથવા એના પર અવિશ્વાસ રાખીએ છીએ ત્યારે ઉપજે છે શંકા-કુશંકા. એ શંકા જન્મ આપે છે વિચારવાયુને…

                આ વિચારવાયુના નુકસાન ઘણા છે એ તો ખબર પડી ગઈ, પણ આ રોગનું એમ કહો કે આ કુટેવનું નિદાન શું? વિચારવાયુ ન ઉપજે, નકારાત્મકતા અંતરમાં ન પ્રવેશે એ માટે કરવું શું? તો એનો જવાબ છે, સકારાત્મક અભિગમ સાથે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન…

           સર્વપ્રથમ એક વાત આપણે સૌએ યાદ રાખવી જોઈએ કે સંસારમાં દરેક વસ્તુ એકબીજાની સાપેક્ષમાં ચાલે છે, કોઈપણ એક વસ્તુ, વાત, ટેવ/કુટેવ એમનેમ છોડી શકાતી નથી. એ માટે તેને બીજી કોઈ વસ્તુ, વાત, ટેવ/કુટેવ સાથે બદલવી પડે છે. માટે જો વિચારવાયુની કુટેવથી છૂટકારો જોઈએ તો આપણે તેને બીજી સુટેવથી બદલવી પડશે, પછી જ આ કુટેવ નાબૂદ થશે. સારા વિચારો આવે, કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મકતા અડગ રહે તે માટે પોતાના રોજિંદા જીવનમાં નવીનતા અને નિયમનો સમાવેશ કરવો જોઈએ. આપણે રોજ કરતાં હોઈએ એનાથી અલગ કોઈ ક્રિયા કરવાનો નિયમ લઈ શકીએ, જેમ કે રોજ વાંચન કરવું, પોતાની રોજનીશી લખવી,વગેરે. આમ કરીશું તો આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. અને આ ઉર્જા નકારાત્મક વિચારોને મનમાં આવવા જ નહીં દે. જ્યારે પણ આવા કોઈ વિચારો આવે ત્યારે મન એ તરફથી હટાવી કોઈને કોઈ પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. કંઈક એવું કે જેમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની જરૂર હોય. આમ કરવાથી આપણું ધ્યાન જે-તે મનને વ્યથિત કરનારી વાતથી હટી જશે અને મન શાંત થઈ જશે. શાંત મન આનંદ અને પ્રસન્નતાને જલ્દી ગ્રહણ કરે છે, અને પ્રસન્ન ચિત્ત આવેલી કોઈપણ પરિસ્થિતિને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં મદદરૂપ થાય છે અને આ જ સકારાત્મક દ્રષ્ટિકોણ વિચારવાયુના આ ગંભીર રોગનો નાશ કરે છે અને એનાથી થતાં સંભવિત નુકશાન ટાળી શકાય છે.

             પોતાના ઉપર વિશ્વાસ રાખીએ, અને બીજાની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરીએ તો આપણે આ વિચારવાયુથી બચી શકીએ છીએ. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આત્મવિશ્વાસ રાખીશું તો કોઈના પર મૂકેલો વિશ્વાસ ખોટો નહીં પડે અને શંકાનું બીજ પણ નહીં રોપાય કે વિચારવાયુનું વટવૃક્ષ પણ નહીં થાય. આપણી ખુશી એ આપણા જ હાથમાં છે. હંમેશા ખુશ રહેવા પ્રયત્ન કરીએ. જે થાય છે તે સારા માટે જ થાય છે, અને જે થઈ રહ્યું છે એ પણ સારા માટે જ છે એમ માની જીવનને માણીશું તો ક્યારેય આ વિચારવાયુનો રોગ આપણને અડકી પણ નહીં શકે.

“વિચારવાયુ કોઈ કાયમી બીમારી કરતાં પણ વધુ ખતરનાક છે.”- 
હાર્દિક કલ્પદેવ પંડ્યા

30 October 2020

વિકૃતિઓ ઉત્પન્ન કરતો ભય

વિકૃતિઓ ઉત્પન્ન કરતો ભય 

આયુર્વેદમાં કહેવાયું છે કે, કોઇ ભયની આશંકા બની રહે તો તેને ચિંતા કહેવામાં આવે છે. ચિંતા ભયથી અથવા કોઇ આશંકિત ભયથી ઉત્પન્ન થાય છે. માનસિક દુર્બળતા હોય તો આ ચિંતા વધારે પ્રમાણમાં રહે છે. અંતઃ માનસરોગોમાં ચિંતા એ સૌથી સુલભ રોગ છે. પરીક્ષા આપતા પહેલાં કે ભાષણ આપવા જતી વખતે ચિંતા અધિક રહે છે. ચિંતા થોડી હોય તો પરીક્ષા કે ભાષણ આપવામાં થોડી સહાયતા મળે છે, પરંતુ જો ચિંતા તીવ્રરૂપે હોય તો પરીક્ષા કે ભાષણમાં ખરાબી ઉત્પન્ન થાય છે. સ્વસ્થ મગજની વ્યક્તિ મોટા ભયથી પણ ભયભીત થતી નથી, પરંતુ અસ્વસ્થ કે દૃઢ મનોબળ વગરની વ્યક્તિ થોડા ભયથી પણ ભયભીત અથવા ચિંતિત થઇ જાય છે. અતિ ચિંતાની અવસ્થામાં એકાગ્રતા, વિચારશક્તિ, નિર્ણયશક્તિ તથા સ્મૃતિશક્તિ વગેરે શિથિલ પડી જાય છે. ૨૦થી ૪૦ વર્ષની વ્યક્તિઓમાં તે વધારે જોવા મળે છે. આ રોગમાં નાના નાના કારણોથી અધિક ભયભીત અથવા ચિંતિત થઇ જવાની માનસિક દુર્બળતા જ મોટાભાગે જોવા મળે છે.

મોટાભાગના આવા રોગીઓને કોઇ રોગ જેવા કે હૃદયરોગ, વંધ્યત્વ, એસિડિટી, હાઇ બ્લડપ્રેશર, લો બ્લડપ્રેશર, ક્ષયરોગ, નપુંસકતા, ઠંડાપણું, અનિદ્રા વગેરે અથવા કોઇ રોગ કે રોગનો ભય અથવા કોઇ વાતનો ભય સતત રહે છે અને તે ચિકિત્સક પાસેથી બીજા પાસે અને પછી ત્રીજા પાસે એમ ફર્યા જ કરે છે અને અનેક પરીક્ષાઓ કરાવે છે, એને કહેવું જોઇએ કે તમે અનેક પ્રકારનાં ભયોનો ભ્રમ બનેલો રહે છે અને તેથી જ તેનું ચિત્ત, દિવસ-રાત અશાંત, વ્યાકુળ અને ગભરાયેલું રહે છે. ઘણી વાર તેને આર્થિક સંકટ, નોકરી કે વ્યવસાય સંબંધી સમસ્યાઓ વ્યાકુળ બનાવે છે, વિષાદ રોગીની જેમ તે મંદ નહીં પણ ભયસૂચક ચેષ્ટાઓથી યુક્ત રહે છે. તે વધારે પડતું બોલે છે અને પોતાના ભય વિશે જ બોલે છે. તેને રાત્રે ચિંતા વધે છે અને આ કારણને લીધે જ તેને રાત્રે ઊંઘ આવતી નથી અને ઊંઘ ઊડી જતાં પુનઃ ચિત્ત વ્યાકુળ બની જાય છે અને તેને સતત ભય ચાલુ થાય છે.

ચિત્ત દુર્બળ હોય તો નકામી વાતો પર મનુષ્ય ભયભીત એવું ચિંતિત રહે છે. ચિંતાના થાકેલા રહેવાથી ચિંતાશીલ વ્યક્તિના સ્વભાવમાં વિક્ષોભત કે ચીડિયાપણું આવી જાય છે. આ રીતે નિરંતર ચિંતાગ્રસ્ત કે અશાંત રહેવાથી તે કોઇ કામ ચિત્ત લગાડીને કરી શકતો નથી. તેને બેચેની, ભય, ઉન્નિદ્રતા કોઇ વાત કે કામમાં ધ્યાન ન લાગવું, હૃદયના ધબકારા વધી જવા, શિરઃ શૂળ વગેરે આ રોગના મુખ્ય લક્ષણો છે.

આવા દર્દીની નાડીની ગતિ-હૃદયની ગતિ અને શ્વાસોચ્છ્વાસની ગતિ તીવ્ર રહે છે. પરસેવો વધારે આવે છે. આ પરસેવો ખાસ કરીને હાથ-પગની હથેળીઓ અને તળિયે વધારે થાય છે. તેનું લોહીનું દબાણ થોડું વધારે રહે છે.

અને વીર્યનું પતન શીઘ્ર થઇ જાય છે અને મૂત્ર પ્રવૃત્તિ પણ વારંવાર થવા લાગે છે. આંખની કીકીઓ થોડી પહોળી રહે છે. ચિંતાને લીધે શરીરની માંસપેશીઓમાં તણાવ રહે છે. જેથી શરીરમાં વેદના-પીડા, મગજ-માથું ભારે રહેવું, હાથમાં કંપ, નેત્રોનું થાકી જવું, કોઇ કામમાં ચિત્ત ન લાગવું, ઉત્સાહ-સ્ફૂર્તિનો અભાવ, મોઢું સૂકાયેલું રહેલું, આમાશય સ્રાવ ઘટી જવો, ભૂખ ઓછી થઇ જવી, કબજિયાત, મંદાગ્નિ, અરુચિ, આફરો વગેરે લક્ષણો રહે છે. તેને કોઈ મકાન કે રૂમમાં એકલા રહેવાથી ભય લાગે છે અને આ ભયના પણ વધતા ઓછા અનેક પ્રકારો હોય છે. તેને કોઇ મેદાનમાં એકલા જવાનો કે એકલા પ્રવાસ કરવાનો ભય રહે છે અને આ ભય જ અનેક વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. આ તકલીફમાં હળવી શામક દવાઓથી સારો ફાયદો થાય છે. આપણે ત્યાં ભય કે ચિંતાથી ઉત્પન્ન થતી સેક્સ સંબંધિત અનેક વિકૃતિઓના દર્દીઓ જોવા મળે છે.

અનેક યુવકોને મિથ્યા ભ્રમ ઉત્પન્ન થાય છે કે હસ્તમૈથુન કે સ્વપ્નદોષથી તેની પ્રજનન શક્તિ નષ્ટ થઇ ગઇ છે અને આ કારણથી જ તે અશક્ત નિર્બળ ફિક્કો બની ગયો છે. ભય નિરાધાર જ હોય છે. પ્રજનન સંબંધિત ફરિયાદો મોટા ભાગે ન્યૂરોટિક પ્રકારની જ હોય છે.

આમ ભય કે સતત ભય જનિત ચિંતાથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે.

નિરામય । વૈદ્ય મનુભાઈ ગૌદાની

21 October 2020

કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં ડિપ્રેશન વધારે

કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં ડિપ્રેશન વધારે

શરમ છોડી વાત કરવાથી પ્રભાવમાંથી મુકત થવાશેઃ ૧૩થી ૧૫ વર્ષની વયમાં ચાર પૈકી એક બાળકને ડિપ્રેશન

અમદાવાદ,તા.૨૪: કિશોરાવસ્થા એ બાળપણથી પુખ્તાવસ્થા વચ્ચેનો તબક્કો છે. આ જ ગાળામાં પુખ્તતા અનુભવવામાં આવે છે. એમાં ટીનેજર્સ, ખાસ કરીને કિશાર છોકરીઓમાં ઘણાં માનસિક અને શારીરિક ફેરફારો આવે છે. જો કે, કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં છોકરીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ નોંધાયું છે. કશોરાવસ્થામાં પોતાની લાગણીઓને જાહેર કરવાની અક્ષમતાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે અને કિશોરો સાઇકિયાટ્રિકની મદદ લેવા ઇચ્છતાં નથી. પરંતુ ડિપ્રેશન વિશે શરમ છોડીને વાત કરવાથી અને આ સ્થિતિનાં ચિહ્નો અને લક્ષણો વધુ સારી રીતે સમજીને આ સમસ્યાને અટકાવી શકાય છે એમ અત્રે માનસિક સ્વાસ્થ્ય વિશે વધારે જાગૃતિ લાવવા માટે નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનાં કન્સલન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડો.ગોપાલ ભાટિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા ડિપ્રેશન છે. વર્ષ ૨૦૧૭નાં ડબલ્યુએચઓનાં રિપોર્ટ મુજબ, ૧૩થી ૧૫ વર્ષની વયજૂથમાં ચાર બાળકોમાંથી એક બાળક ડિપ્રેશનથી પીડિત છે. એવું જોવામાં આવ્યું છે કે, આ વયજૂથમાં છોકરાઓ કરતા છોકરીઓમાં આ સમસ્યા વધુ છે, કારણ કે તેઓ પોતાની લાગણીઓને દબાવી રાખે છે. ઘણીવાર ડિપ્રેશન કે ચિંતાનાં ચિહ્નો અસ્પષ્ટ હોય છે એટલે એનું મોડેથી નિદાન થાય છે. જો વહેલાસર નિદાન થાય, તો જરૂરી સારવાર મેળવી શકાશે એટલે ચિહ્નોને ઓળખવા અને તેને સમજીને સારવાર કરાવવી મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર સમયસરની સારવાર માઠા પરિણામોથી બચાવી લેતી હોય છે એમ ડો.ગોપાલ ભાટિયાએ ઉમેર્યું હતું.

ડિપ્રેશનને લઇ ફેરફારો.....

૧૪ વર્ષની વયે માનસિક સમસ્યાઓ શરૂ

કિશોરાવસ્થા એ બાળપણથી પુખ્તાવસ્થા વચ્ચેનો તબક્કો છે. આ જ ગાળામાં પુખ્તતા અનુભવવામાં આવે છે. એમાં ટીનેજર્સ, ખાસ કરીને કિશાર છોકરીઓમાં ઘણાં માનસિક અને શારીરિક ફેરફારો આવે છે. જો કે, કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં છોકરીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ નોંધાયું છે. કશોરાવસ્થામાં પોતાની લાગણીઓને જાહેર કરવાની અક્ષમતાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે અને કિશોરો સાઇકિયાટ્રિકની મદદ લેવા ઇચ્છતાં નથી.

સંવેદનાત્મક ફેરફારો

અંતઃસ્ત્રાવોથી કિશોર છોકરીઓનાં શરીરની સાથે એમની સંવેદનાને પણ અસર કરે છે. કિશોર છોકરીઓ તેમની કામગીરીને લઈને ઘણીવાર મૂંઝવણમાં હોય છે તથા પુખ્તવયની વ્યક્તિ તરીકે વિકાસ અને બાળક તરીકે એમની ઇચ્છાઓ તરીકે તેમની જવાબદારીઓ વચ્ચે ગૂંચવણમાં હોય છે. તેઓ વધારે પડતી લાગણીશીલ (આ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર હોય છે) બની જાય છે. કંઈપણ બાબત અને દરેક બાબત તેમને ખુશ અને રોમાંચિત કરી શકે છે, ઉદાસી લાવી શકે છે કે ગુસ્સો લાવી શકે છે. કિશોર છોકરીઓ સરળતાથી રડી પડે છે. તેમનાં મૂડમાં સરળતાથી ફેરફાર થાય છે.

વર્તણૂંક અને શારીરિક ફેરફારો

મગજમાં વિકાસ સાથે સંબંધિત નોંધપાત્ર ફેરફાર કિશોરોને મૂડી બનાવે છે, તેમને થાક લાગે છે. કેટલીક વાર સાથીદાર કિશોરોનું દબાણ અને તેમની સાથે ફિટ રહેવાની જરૂરિયાત તેમને ચોક્કસ પ્રકારનાં વર્તન તરફ દોરી શકે છે અથવા મુશ્કેલીથી દૂર કરી શકાય એવી ચોક્કસ આદતો વિકસી શકે છે.

માનસિક સમસ્યાઓ

સંશોધનોમાં ખુલાસો થયો છે કે, પુખ્તોની આશરે ૫૦ ટકા માનસિક સમસ્યાઓ ૧૪મા વર્ષે શરૂ થાય છે. હકીકતમાં કિશોરાવસ્થામાં થતાં એક તૃતિયાંશ મૃત્યુ તણાવને કારણે થાય છે. કિશોરાવસ્થામાં સૌથી સામાન્ય માનસિક સમસ્યાઓમાંની એક સમસ્યા તણાવ છે. કિશોરાવસ્થાનો તણાવ અને દબાણ ચિંતા સાથે સંબંધિત સમસ્યાઓ સર્જી શકે છે, ત્યારે મૂડમાં ફેરફાર સમસ્યા વિકાર તરફ દોરી શકે છે અથવા બળવાની ભાવના જન્માવી શકે છે.

19 October 2020

કોરોના- માનસિક સવાસ્થ્ય-સમસ્યાઓ-નિરાકરણો- વેબીનાર

માનસિક સવાસ્થ્ય સંદર્ભે ઉત્પન્ન થયેલી સમસ્યા અને તેના નિરાકરણો-વેબીનાર 
       મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી,  ભાવનગરના  કુલપતિ શ્રી મહિપતસિંહ ચાવડા સાહેબના અધ્યક્ષ સ્થાને યુનિવર્સીટીના “કાઉન્સેલીંગ સેન્ટર”ના ઉપક્રમે  *તા. ૧૯/૧૦/૨૦૨૦ થી ૨૪/૧૦/૨૦૨૦ દરમ્યાન  “ પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં  માનસિક સવાસ્થ્ય સંદર્ભે ઉત્પન્ન થયેલી સમસ્યાઓ અને તેના નિરાકરણો” એ વિષય સંદર્ભે  છ – દિવસીય  ઓનલાઈન સંવાદ કાર્યક્રમનું આયોજન રોજ સાંજે  ૫:૩૦ થી ૭.૦૦ કલાકે  કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૂગલ મિટના માધ્યમથી વિના મૂલ્યે ઓનલાઇન  કરવામાં આવેલ છે. જેમાં કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ભારત અને ગુજરાતના પ્રસિદ્ધ સાયકોલોજીસ્ટ તેમજ મનોચિકીત્સક સાથેના ઓનલાઈન સંવાદમાં શાળા, કોલેજના તેમજ યુનિવર્સીટીના વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, પ્રોફેસર અને તમામને ભાગ લેવા વિનંતી છે. 

               આપણે સહુ લોકો જાણીયે છીએ કે કોરોનાએ વૈશ્વિક આપત્તિ છે. આ સંજોગોમાં ચિંતા, ભય (ફોબિયા), સ્ટ્રેસ, દબાણ, હાઈપર ટેન્શન તેમજ મનોદૈહિક વિકૃતિઓ (Psychosomatic Disoder) અનિંદ્રા, ભૂખ ન લાગવી, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ (Obsessive- Compulsive Disorder), આત્મહત્યા કરવા પ્રેરાવવું વગેરે સમસ્યાઓ રોજ-બરોજના જીવનમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. તો આવા સંજોગોમાં આપણે સર્વ લોકો તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ભાગીદાર બનીએ. તો આપની કોલેજના તેમજ ભવનના વિધાર્થીઓ કે સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓ/બહેનોને પણ વધુ ને વધુ શેર કરવા વિનંતી.  જેથી દરેક વ્યક્તિ આ કાર્યક્રમનો લાભ લઈ શકે. 

કાર્યક્રમ તારીખ : ૧૯/૧૦/૨૦૨૦  થી ૨૪/૧૦/૨૦૨૦ 
સમય : સાંજે  ૫.૩૦ થી ૭.૦૦ કલાકે.

પ્રોગ્રામ સેડયુલ ડાઉનલોડ કરવા અંહી ક્લિક કરો 


છ-દિવસીય ઓનલાઈન સંવાદમાં જોડાવા માટેની લિંક નીચે મુજબ છે.

Google Meet Link: - 

Youtube Live:   

Facebook Live:
 
ખાસ નોંધ : 
(૧) છ-દિવસીય ઓનલાઇન સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક ભાઈઓ / બહેનોએ કાર્યક્રમ સમયના ૧૦ મિનિટ પહેલા જોડાવા વિનતી જેથી સમયસર કાર્યક્રમ શરૂ થઈ શકે.

(૨) દરેક વિદ્યાર્થીઓએ Mute ઓપ્શન રાખવાનું રહેશે અને કાર્યક્રમ  દરમ્યાન કેમેરા પણ બંદ રાખવા વિનતી.

(૩) આપેલ ગુગલ મિટ લિંક પર ૨૫૦ જ વ્યક્તિની લિમિટ હોય,  સમયસર આપેલ લિંક પર જોડાવા વિનંતી.

(૪) ગુગલ મિટ ઉપરાંત ફેઈસબુક લાઈવ તેમજ યુ ટ્યુબ લાઈવ પણ રાખેલ છે. તો શ્રોતાગણ તેમાં પણ જોડાઈ શકે  છે.

(૫) ઉપરોક્ત કાર્યક્રમ સંબધિત કોઈપણ પૂછપરછ માટે ડૉ. વિરમદેવસિંહ બી. ગોહિલ (વળીયા કોલેજ ભાવનગર) મો: ૯૯૨૫૬૭૬૪૧૮ ઈમેઈલ- viramdevgohil4646@gmail.com તેમજ ડૉ.અલ્પેશભાઈ કોતર નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગર મો:  ૯૪૨૯૧૬૦૯૪૬ પર સંપર્ક કરવો.





 

13 October 2020

રિસર્સ / સોશિયલ મીડિયા અંગે થયેલ સંશોધનમાં બહાર આવ્યા ચોંકાવનારા તારણ, જાણો

રિસર્સ / સોશિયલ મીડિયા અંગે થયેલ સંશોધનમાં બહાર આવ્યા ચોંકાવનારા તારણ, જાણો


     સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ શારીરિક અને માનસિક આરોગ્ય માટે હાનિકારક છે તેવું કહેવાય છે અને મનાય પણ છે. જોકે એક નવા સંશોધનમાં આ માન્યતાથી વિરુધ્ધ એવા તારણો બહાર આવ્યા છે કે તે પુખ્તવયના લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે એટેલું જ નહીં તે ડિપ્રેશનથી પણ બચાવે છે.


          અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોના મતે સંબંધો જાળવી રાખવામાં તેમજ હેલ્થ સહિતની જરુરી માહિતીની આપ લે માટે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ મહત્વનું સાબિત થયું છે.

      મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર કીથ હેમ્પ્ટન કહે છે કે સોશિયલ મીડિયા અંગે પુખ્તવયના લોકોને ધ્યાનમાં રાખીને ખાસ સંશોધન થયું નથી. મોટાભાગના સંશોધન સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ પર થતી અસર અંગેના છે. તેઓ કહે છે કે અલગ અલગ વય જુથ પર તેની અસર જુદી જુદી હોય છે.

    ટેકનોલોજીના જમાનામાં આર્થિક-સામાજિક ક્ષેત્રે પણ મોટા ફેરફારો થઇ રહ્યા છે. તેની અસરોને પણ ધ્યાનમાં લેવી જોઇએ. બીજી બાજુ સોશિયલ મીડિયા આપણા જીવનનો હિસ્સો બની ગયું છે. તેને વર્ચ્યુઅલ વર્લ્ડ પણ કહેવામાં આવે છે. સોશિયલ મીડિયાથી લોકોમાં અનેક મુદ્દાઓ પર જાગૃતિ આવી છે.


      આજે સત્તાધીશોએ પણ તેને ગંભીરતાથી લેવી પડે છે. હજારો-લાખો લોકો એક કોમન મુદ્દા માટે એક સાથે જોડાઇ શકે છે અને જોડાય છે જે પહેલા શકય બનતું ન હતું. સોશિયલ મીડીયાથી વર્ષોથી ભુલાયેલા સંબંધો પણ ફરી જીવંત બન્યા છે. સોશિયલ મીડિયાની તાકાત ભલભલા ચમરબંધીને પણ જુકાવી શકે છે. 

       ધંદા-રોજગાર કે કોઇ સારા વિચારને લાખો લોકો સુધી ઝડપથી અને આસાનીથી પહોંચવાનું એકમાત્ર સરળ માધ્યમ પણ અત્યારે સોશિયલ મીડિયા જ છે. અલબત્ત કોઇ પણ ચીજનું વળગણ સારુ હોતું નથી તે સેશિયલ મીડિયાને પણ લાગુ પડે છે.

VTV ગુજરાતી 

11 October 2020

ખાતાકીય પરીક્ષા વિડીયો

 ખાતાકીય પરીક્ષા વિડીયો 

શિક્ષક મિત્રો , 

આગામી સમયમાં યોજાનાર ખાતાકીય પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો 


સર્વે શિક્ષક મિત્રોને ખાતાકીય પરીક્ષા માટે શુભકામના 

 

- ડો.જીજ્ઞેશ વેગડ 



09 October 2020

ખાતાકીય પરીક્ષા પેપર

 ખાતાકીય પરીક્ષા પેપર 

નમસ્કાર શિક્ષક મિત્રો,
  
               આગામી સમયમાં યોજાનાર ખાતાકીય પરીક્ષા માટે 2015 થી 2020 ના પ્રશ્નપત્રોના સેટ અંહી ઉપલોડ કરવામાં આવ્યા છે.પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા માટે નીચે પેપર નંબર પર ક્લિક કરશો.


05 October 2020

બરોળ ( SPLEEN )


બરોળ ( SPLEEN )

શરીરમાં બરોળનું સ્થાન 

         બરોળ શબ્દ પ્રાચીન ગ્રીક σπλήν (splḗn) માંથી આવ્યો છે. બરોળ એ એક અંગ છે, જે વાસ્તવિક  રીતે તમામ કરોડરજ્જુમાં જોવા મળે છે.બરોળ એ લાલ રંગની લસિકા ગાંઠ છે. તે મોટી લસિકા ગાંઠની સમાન રચના ધરાવે છે, તે શરીરની સૌથી મોટી લસિકા ગાંઠ તરીકે જાણીતી છે.બરોળ એ ભ્રૂણના મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદભવે છે. તે મુખ્યત્વે બ્લડ ફિલ્ટર (લોહી શિદ્ધિકરણ) તરીકે કાર્ય કરે છે. બરોળને રક્તકણોનું સ્મશાન પણ કહે છે.

લસિકા તંત્ર અને રોગપ્રતિકારક તંત્ર

         મનુષ્યમાં બરોળ જાંબુડિયા રંગનો હોય છે અને પેટની ડાબી બાજુની ચતુર્થાંશ હોય છે. તે જઠરની પાશ્વ બાજુએ મેસેન્ટરી સાથે જોડાયેલ છે.
બરોળનો વાસ્તવિક ફોટોગ્રાફ 

       બરોળ લાલ રક્ત કોશિકાઓ (એરિથ્રોસાઇટ્સ) અને રોગપ્રતિકારક શક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે જૂના લાલ રક્તકણોને દૂર કરે છે અને લોહીનો એક  ભંડાર રાખે છે, જે હેમોરહેજિક આંચકો (Hemorrhagic shock) ના કિસ્સામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, અને આયર્નનું પુન:ઉત્પાદન (Recycles) પણ કરે છે. મોનોન્યુક્લિયર ફાગોસાઇટ સિસ્ટમના ભાગ રૂપે, તે સેન્સેન્ટ લાલ રક્તકણો (એરિથ્રોસાઇટ્સ) માંથી દૂર કરેલા હિમોગ્લોબિનને ચયાપચય આપે છે. હિમોગ્લોબિનનો ગ્લોબિન ભાગ તેના રચનાત્મક એમિનો એસિડ્સમાં બદતર થાય છે, અને હિમ ભાગ બિલીરૂબિનમાં ચયાપચય થાય છે, જે યકૃતમાં દૂર થાય છે.

    બરોળ તેના સફેદ પલ્પમાં એન્ટિબોડીઝનું સંશ્લેષણ કરે છે અને લોહી અને લસિકા ગાંઠના પરિભ્રમણ દ્વારા એન્ટિબોડી કોટેડ બેક્ટેરિયા અને એન્ટિબોડી કોટેડ રક્ત કોશિકાઓ દૂર કરે છે. આ મોનોસાઇટ્સ, ઇજાગ્રસ્ત પેશીઓમાં ખસેડ્યા પછી (જેમ કે મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પછી હૃદય), પેશીઓના ઉપચારને પ્રોત્સાહન આપતી વખતે ડેંડ્રિટિક કોશિકાઓ અને મેક્રોફેજેસમાં ફેરવાય છે. બરોળ એ મોનોન્યુક્લિયર ફાગોસાઇટ સિસ્ટમની પ્રવૃત્તિનું કેન્દ્ર છે અને તે એક વિશાળ લસિકા ગાંઠ માટે સમાન છે, કારણ કે તેની ગેરહાજરીથી અમુક ચેપ લાગવાની સંભાવના છે.


બારોળ વૃદ્ધિનો રોગ 
ડૉ.જે.એ.વેગડ 

04 October 2020

પ્રસુતી પછીની માનસિક બિમારી- પોસ્ટ પાર્ટમ સાયકોસીસ



પ્રસુતી પછીની માનસિક બિમારી- પોસ્ટ પાર્ટમ સાયકોસીસ


અંજલીને પુત્ર અવતરતા આખો પરીવાર પુત્રજન્મની ખુશી મનાવી રહ્યો હતો પરંતુ કોણ જાણે અંજલી ખુશ ના હતી. અંજલી ના લગ્નના ત્રણ વર્ષ બાદ પુત્ર જન્મ થયો હતો. અને સુવાવડ પણ શહેર ના નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરે કરી હતી. તેણીની ગર્ભાવસ્થા અને પ્રસુતી નિર્વિધ્ને પુર્ણ થયા હતા. પ્રસુતીના એકાદ-બે દિવસમાં ડોક્ટરે હોસ્પીટલ માંથી રજા આપી હતી.

એકાદ અઠવાડીયામાં અંજલીની તકલીફો ઘણી જાય છે. તે વાત વાતમાં અત્યંત લાગણીશીલ થઇ રડવા લાગે છે. રાતે સુતી જ નથી કે ક્યારેક એકાદ-બે કલાકમાં જ જાગી જાય છે. નાની નાની વાતમાં ઉશકેરાઇ જાય છે. પોતાના બાળકની સંભાળ પર રાખતી નથી. બાળકને સમયસર ધાવણ આપતી નથી. તેને સતત કોઇ ભય રહ્યા કરે છે કે તેને અને બાળકને જોખમ છે. કોઇ તેઓને હેરાન કરવા કે મારી નાખવા માગે છે. અંજલી એક મિનીટ માટે પણ બાળકને પોતાનાથી દુર રાખી શકતી નથી, અરે પતિ કે સાસુ પણ બાળકને રમાડવા માગે તો વિરોધ કરે છે. અત્યંત ઉશકેરાઇ જાય છે અને રડવા લાગે છે કે તેઓ પોતાના બાળકના દુશમન છે. તેઓ બાળક્ને બદલી નાખવાના કે નુકશાન પહોંચાડવાના હેતુ થી બાળકને રમાડવાનુ નાટક કરી રહ્યા છે.

અંજલીની દૈનિક ક્રિયાઓ પણ હવે નિયમીત રહી નથી, સમયસર જમતી નથી, ક્યારેક ક્યારેક એકલા-એકલા બોલ્યા કે બબડ્યા કરે છે, ઇશારાઓ કર્યા કરે છે. આ દરમિયાન કોઇ અંજલી કોઇ દૈવી શક્તિના કે મેલી વિદ્યાના પ્રભાવમાં હોવાની શંકા કરે છે અને એકાદ અઠ્વાડીયા વિવિધ વિધીઓ અને દોરા-તાવીઝ વડે તેનો ઇલાજ કરવાની કોશીશ કરવામાં આવે છે પરંતુ પરિણામ શુન્ય રહે છે.

આખરે કોએ હિતેચ્છુની સલાહ મુજબ અંજલીને મનોચિકિત્સક પાસે સારવાર અર્થે લાવવામાં આવે છે. અંજલીને હકીકતમાં “પોસ્ટ પાર્ટમ સાયકોસીસ” નામથી ઓળખાતી પ્રસુતી પછી થતી માનસિક બિમારી થઇ છે. આશરે ૧૦ થી ૧૨% સ્રીઓમાં પ્રસુતી પછી સાયકોસીસ (વ્હેમ- શંકા કે અન્યો હેરાન કરવા કે મારી નાખવા માગે છે, એકલા-એકલા બોલવુ, બબડવુ, હસવુ, ઇશારા કરવા જેવા લક્ષણૉ) કે ડિપ્રેશન (ઉદાસી, ખાલીપો, ચિડીયાપણુ, નિરસતા, અનિદ્રા, ખોરાક પ્રત્યે અરુચી, અપરાધભાવ, આપઘાતના વિચારો વગેરે લક્ષણૉ) ની તકલીફ જોવા મળે છે.

આ બિમારીનુ કારણ ગર્ભાવસ્થા અને પ્રસુતી સમયે સ્રીના શરીરમાં થતા હોર્મોન ના ફેરફારોને લીધે થતા મગજના ન્યુરોટ્રન્સમીટ ના પ્રમાણમાં થતા ફેરફારો છે. ઘણા કેસોમાં પ્રસુતી પછીની માનસિક બિમારીને સાસરી પક્ષના લોકો સાથેના સંઘર્શના કારણે કે કોઇ માનસિક ત્રાસ ના કારણે હોવાનુ માની લોકો બિનજરુરી આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી સબંધોને છીંડા લગાવવાનુ કાર્ય કરે છે. તણાવ ક્યારેક માનસિક બિમારી ની શરુઆત થવાનુ કારણ બને છે પરંતુ તણાવ એ માનસિક બિમારીનુ એકમાત્ર કારણ નથી. માનસિક બિમારીનુ કારણ જૈવિક છે. જેવીરીતે ઇન્સ્યુલીન નામના અંતઃસ્ત્રાવની ઉણપ એ ડાયાબીટીસ નામની બિમારી નુ કારણ એવીજ રીતે ડોપામીન, સિરોટોનીન, નોર-એપીનેફ્રીન નામના અંતઃસ્રાવોની ઉણપ એ ડિપ્રેશન અને સાયકોસીસ જેવી માનસિક બિમારીનુ કારણ છે.

સામાન્ય રીતે પ્રસુતી પછીની માનસિક બિમારીઓ જેવીકે ડિપ્રેશન કે સાયકોસીસ ની સારવાર દવાઓ કે કેટલાક જટીલ કેસોમાં દાખલ કરી શેક વડે કરવામાં આવે છે. આવા સંજોગોમાં દર્દિની સતત દેખરેખ રાખવી, દર્દિ પોતાની બિમારીના લીધે પોતાની જાતને, બાળકને કે અન્યોને હાની ના પહોંચાડી દે તેનુ ધ્યાન રાખવુ પણ જરુરી બને છે. કેટલાક કિસ્સાઓમાં જો દર્દિ બાળક્ને ઇજા પહોંચાડશે તેવો ભય જણાય તો બાળક ને માતાથી થોડૉ સમય દુર રખવાની પણ સલાહ આપવામાં આવે છે. તદ ઉપરાંત માતા સમયસર બાળકને ધાવણ આપે તે પણ એટલુ જ જરુરી છે.

સામાન્ય રીતે સઘન સારવાર વડે બે થી ત્રણ અઠવાડીયામાં દર્દિની સ્થિતી સુધરે છે. દર્દિને આપવામાં આવતી દવાઓ જુજ કેસમાંજ ધાવણ મારફતે બાળકના શરિર માં જતી હોય છે આથી બાળક પર દવાઓની કોઇ આડ અસર થવાનો અવકાશ નથી. જો કે સાજા થયા બાદ છ થી આઠ મહીનાની દવાઓનો કોર્સ પુરો કરવાનો રહે છે.

ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.

જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: ratnaniclinc@gmail.com

03 October 2020

શું તમે સતત સ્ટ્રેસમાં રહો છો? તો શ્વાસ પર ધ્યાન આપો

શું તમે સતત સ્ટ્રેસમાં રહો છો? તો શ્વાસ પર ધ્યાન આપો

            તાજેતરના રિસર્ચ મુજબ સતત સ્ટ્રેસમાં રહેતા લોકોએ પોતાના શ્વાસ ધીમા કરવા જોઈએ જેનાથી સ્ટ્રેસ કાબૂમાં આવે છે. શ્વાસનો સીધો સંબંધ તમારી શારીરિક, માનસિક અને ભાવનાત્મક પરિસ્થિતિ સાથે છે. એમાંથી કોઈ પણ પરિસ્થિતિ બદલાય એટલે શ્વાસની સ્થિતિ બદલાય છે. એનાથી ઊલટું જો શ્વાસ પર કાબૂ લઈએ તો શારીરિક, માનસિક કે ભાવનાત્મક પરિસ્થિતિ બદલાવી શકાય છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે એટલે જ પ્રાણાયામ શ્રેષ્ઠ સાધના છે



૧. જ્યારે તમે ખૂબ જ ખુશ હો, પ્રસન્ન હો અને અંદરથી સ્વસ્થ ફીલ કરતા હો ત્યારે તમે તમારા શ્વાસ પર ધ્યાન આપ્યું છે?

૨. જ્યારે તમે ખૂબ જ ચિંતામાં હો, કશું ગમતું ન હોય, અંદરથી ગૂંગળાઈ ગયા હો એવું લાગે ત્યારે તમે તમારા શ્વાસ પર ધ્યાન આપ્યું છે?

૩. જ્યારે તમે અઢળક કામની વચ્ચે અટવાયેલા હો કે પછી મિત્રો સાથે બેઠાં-બેઠાં ગપ્પાં મારતા હો એ બન્ને સમયે તમારો શ્વાસ તો ચાલતો જ હોય છે.

પરંતુ શું એ બન્ને સમયે તમે એકસરખો શ્વાસ લો છો?

           શ્વાસને પ્રાણવાયુ પણ કહે છે, કારણ કે એ આપણા શરીરમાં અંદર પ્રવેશી દરેક કોષને જીવંત રાખવાનું કામ કરે છે. વ્યક્તિ આ દુનિયામાં પહેલો શ્વાસ લે ત્યારે તેને જીવંત હોવાનું સર્ટિફિકેટ ડૉક્ટર આપે છે. જ્યારે શરીરમાં પ્રાણતત્વ પૂરતું હોય ત્યારે વ્યક્તિ ખુશ, જાગૃત, શક્તિનો ભંડાર, ઉત્સાહ અને મસ્તીથી ભરપૂર હોય છે. જ્યારે પ્રાણતત્વ ઘટી પડે ત્યારે આળસ, ડલનેસ, આત્મવિશ્વાસ અને ઉત્સાહની કમી સરજાઈ જાય છે. આ શ્વાસ સદા એકસરખો રહેતો નથી, કારણ કે આ સમગ્ર સંસાર એક લયમાં ચાલે છે એ રીતે શ્વાસનો પણ એક લય છે અને એ લય બદલાતો રહે છે. જો દિવસ દરમ્યાન તમારા મૂડ્સ પ્રમાણે શ્વાસને ઑબ્ઝર્વ કરો તો ખબર પડશે કે અલગ-અલગ પરિસ્થિતિમાં શ્વાસનો લય અલગ-અલગ હોય છે. ધીમા કે ઝડપી શ્વાસ, ઊંડા કે છીછરા શ્વાસ, અનિયમિત કે નિયમિત શ્વાસ જેવા શ્વાસના ઘણા પ્રકાર અને એનો જુદો-જુદો લય જોવા મળે છે એનો અર્થ એ થયો કે તમારી શારીરિક અને માનસિક પરિસ્થિતિની અસર શ્વાસ પર પડે છે તો એનાથી ઊંધું શ્વાસની અસર શારીરિક અને માનસિક પરિસ્થિતિ પર પણ પડે જ. એટલે ધારો કે જ્યારે તમે દુ:ખી હો છો ત્યારે તમારો શ્વાસ અધૂરો અને ઉપરછલ્લો લાગે છે અને ખુશ હો ત્યારે લાંબો અને પૂરો. તો જ્યારે તમે દુ:ખી હો ત્યારે જો તમે લાંબો અને પૂરો શ્વાસ લો તો શું તમારું દુ:ખ ખુશીમાં પરિણમે? જવાબ છે હા, ચોક્કસ પરિણમી શકે. જરૂર છે તો થોડી શ્વાસને સમજવાની અને થોડી બ્રીધિંગ ટેક્નિક્સની પ્રૅક્ટિસ કરવાની.

સ્ટ્રેસ અને શ્વાસ

          વર્ષોથી ભારતમાં પ્રાણવાયુને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને પ્રાણાયામ એ ટેક્નિક છે જેની શોધ ભારતમાં હજારો વર્ષો પૂર્વે થઈ હતી. આજે પશ્ચિમી દેશો એના પર રિસર્ચ કરે છે અને એને અપનાવી પણ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાની નૉર્થ કૅરોલિના યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ અનુસાર જે લોકો નાની-નાની વાતોમાં પણ સ્ટ્રેસ લેતા હોય એવા લોકોને સ્લો બ્રીધિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

           સામાન્ય રીતે મલ્ટિટાસ્કિંગ દરમ્યાન સમયની મારામારીને કારણે વ્યક્તિ સ્ટ્રેસ અનુભવવા લાગે છે. ખાસ કરીને સમય વેડફાઈ ગયો એની ગિલ્ટ કે અપરાધભાવ, કામ નહીં થઈ શકે એનો ડર વ્યક્તિના સ્ટ્રેસને વધારે છે. આવા સમયે સ્વાભાવિક રીતે શ્વાસની ગતિ વધી જાય છે. રિસર્ચ મુજબ ત્યારે શ્વાસને ધીમા કરવાથી જે-જે લાગણીઓને કારણે સ્ટ્રેસ અનુભવાતો હોય એ લાગણીઓ ધીમે-ધીમે ચૅનલાઇઝ કરી એને ઉત્સાહ અને આનંદમાં બદલી નાખે છે. પ્રાણાયામ વડે સ્ટ્રેસને દૂર કરી શકાય કે નહીં એ પ્રfનનો જવાબ આપતાં ન્યુ એજ યોગ ઑર્ગે‍નાઇઝેશન, વિલે પાર્લેનાં ફાઉન્ડર અને યોગગુરુ સંધ્યા પતકી કહે છે, ‘બ્રીધિંગ એટલે શ્વાસ અથવા પ્રાણ અને પ્રાણાયામ એટલે પ્રાણની દરેક દિશામાં ગતિ. પ્રાણાયામ દ્વારા આપણે શારીરિક અને માનસિક પરિસ્થિતિને કન્ટ્રોલમાં રાખી શકીએ છીએ. માનસિક અને ભાવનાત્મક ડિસ્કમ્ફર્ટ એટલે કે અગવડને સ્ટ્રેસ કહે છે. શ્વાસ પરનો કાબૂ માનસિક અને ભાવનાત્મક ડિસ્કમ્ફર્ટને કમ્ફર્ટમાં ફેરવવાની તાકાત રાખે છે. પ્રાણાયામ દ્વારા લાગણીઓમાં પહોંચતી ખલેલ અને માનસિક કાર્યક્ષમતામાં આવતી અડચણ દૂર કરી શકાય છે.’

શું કરવું?

         પ્રાણાયામ દરરોજ અભ્યાસની વસ્તુ છે. જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે બ્રીધિંગ બદલવાથી જે અસર થાય છે એ અસર દરરોજ નિયમિતરૂપે પ્રાણાયામ કરવાથી વધુ ગહેરી બને છે અને વ્યક્તિને સ્ટ્રેસ આવવાની પ્રક્રિયા જ ઓછી થતી જાય છે એમ સ્પક્ટ કરતાં સંધ્યા પતકી કહે છે, ‘પ્રાણાયામની સાધના હંમેશાં ઊઠતાંની સાથે કે રાત્રે સૂતાં પહેલાં કોઈ પણ એક સમયે કરી શકાય છે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ખાલી પેટ પ્રાણાયામ કરવા. કંઈ પણ ખાધા પછી ઓછામાં ઓછો ૨-૩ કલાકનો ગૅપ હોવો જરૂરી છે. પ્રાણાયામ જો કોઈ ગુરુ પાસે શીખ્યા ન હોય તો ક્યારેય જાતે ટ્રાય ન કરવા.

એક વાર વ્યવસ્થિત કોઈ પાસેથી શીખ્યા પછી જ એની પ્રૅક્ટિસ કરવી.’

પ્રાણાયમના પ્રકાર અને ફાયદા

યોગગુરુ સંધ્યા પતકી પાસેથી જાણીએ જુદા-જુદા પ્રાણાયામ અને એનાથી થતા ફાયદા.

અનુલોમ-વિલોમ : બન્ને નાસિકાઓને વારાફરતી બંધ કરી કરવામાં આવતા આ પ્રાણાયામ વ્યક્તિની ઇમ્યુનિટીને સુધારે છે અને એનજીર્ને બૅલૅન્સ કરે છે. અસ્થમા કે બ્લડ-પ્રેશરના દરદીઓએ આ ટેક્નિકમાં વચ્ચે શ્વાસ રોકવામાં આવે છે એ જગ્યાએ શ્વાસ ન રોકવો.

ઉજજઈ : નાકને બદલે ગળાના ઘર્ષણથી લેવામાં આવતા શ્વાસની આ ટેક્નિકથી વ્યક્તિની અંદર આઝાદી કે મોકળાશની અભિવ્યક્તિ ખીલે છે, ડર દૂર થાય છે અને જાત પર કાબૂ આવે છે. આ પ્રાણાયામ હાઇપરઍક્ટિવ, વધુપડતી વાતો કરતી અને સાઇકોલૉજિકલ ડિસઑર્ડર ધરાવતી વ્યક્તિએ ન કરવો.

શીતલી : શરીરને ઠંડક આપતા આ પ્રાણાયામની સાધનાથી ઍસિડિટી દૂર થાય છે, બ્લડ-પ્રેશર ઘટે છે, કૅન્સરના દરદીઓની રિકવરી માટે ઉપયોગી છે. જે લોકો અંતમુર્‍ખી છે એવા લોકોએ આ પ્રાણાયામ ન કરવો.

સૂર્યભેદા : શરીરને ગરમી આપતો આ પ્રાણાયામ વજન ઘટાડવા માટે ઉપયોગી છે, કારણ કે એ મેટાબોલિઝમને બળ આપે છે. આ ઉપરાંત આત્મવિશ્વાસ જગાવવા, પોતાની અંદર ઘટતો સ્પાર્ક જગાડવા પણ આ પ્રાણાયામ ઉપયોગી છે. જે લોકોને ઍસિડિટી કે અલ્સરની તકલીફ હોય તેમણે આ પ્રાણાયામ ન કરવો.

ભસ્ત્રિકા : પેટ દ્વારા થતું આ ફોર્સફુલ બ્રીધિંગ પાચનપ્રક્રિયાને બળ આપે છે, ખોરાક પૂરી રીતે શરીર દ્વારા ઍબ્સૉર્બ થાય છે જેને લીધે પોષણ પૂરું મળે છે. જેમનું પેટ ખરાબ હોય કે જેમને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રૉમની તકલીફ હોય તેમણે આ પ્રાણાયમ ન કરવો.

કપાલભાતિ : ઉચ્છવાસ પર વધુ ધ્યાન આપતા આ પ્રાણાયામ થકી કફ, શરદી, સાઇનસથી છુટકારો મેળવી શકાય છે; પરંતુ જ્યારે શરદી કે સાઇનસ થાય કે કાન-નાક-ગળાનું કોઈ ઇન્ફેક્શન થાય ત્યારે આ પ્રાણાયામ ન કરવો. બાકી નિયમિતપણે એ કરવાથી આ તકલીફો થતી નથી.

-જિગીષા જૈન

01 October 2020

ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ નોટિફિકેશન

ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ નોટિફિકેશન 

          ગુજરાત સરકાર ના જાહેરનામાં માં દર્શાવેલ કર્મચારીઓ ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ ની પરિક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી માટે ની છેલ્લી તારીખ :-૧૬/૧૦/૨૦૨૦


ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ :-જાહેરનામું ડાઉનલોડ કરો.


ક્રમાંક:રાપબો/ખા.પ./૨૦૨૦/૨૯૭૬-૩૦૫૮ ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ ૩૦/૦૯/૨૦૨૦ સુધીમાં 


ખાતાકીય પરિક્ષા વર્ગ-૩:-જાહેરનામું ડાઉનલોડ કરો.


• ઉમેદવાર તેમના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડમાં સીધા મોકલશે તો તે રદ ગણવામાં આવશે. 
• ઓનલાઇન ભરેલ આવેદનપત્રોની પ્રીન્ટ કાઢી તેની નકલ નીચે જણાવ્યા પ્રમાણે સમય સારણી મુજબ તથા નક્કી કરેલ કચેરી મારફત રાજ્ય પરીક્ષા બોર્ડને મળી જાય તે રીતે મોકલવાના રહેશે.




ક્રમફોર્મ મોકલનારકોને મોકલશેમોકલવાની નિયત તારીખ 


૧. મદદનીશ શિક્ષણ નિરીક્ષક
  •  મદદનીશ શિક્ષક (આચાર્ય મારફત) જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને   તારીખ : ૨૦/૧૦/૨૦૨૦ સુધીમાં 

પંચાયત સંવર્ગ
  • મદદનીશ જિલ્લા શિક્ષણ નિરીક્ષક
  •  વિસ્તરણ અધિકારી (શિક્ષણ)
  •  કેણવણી નિરીક્ષક વર્ગ-૩ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને  તારીખ: ૨૦/૧૦/૨૦૨૦ સુધીમાં

૨. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમિશનરશ્રી, શાળાઓની કચેરી,                ગાંધીનગરને . તારીખ :૨૬/૧૦/ ૨૦૨૦ સુધીમાં 
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિયામકશ્રી,પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગરને . તારીખ :૨૬/૧૦/ ૨૦૨૦ સુધીમાં

૩. કમિશનરશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગર.
  નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર. રાજય પરીક્ષા બોર્ડ,          ગાંધીનગરને .  તારીખ :૨૯/૧૦/૨૦૨૦  સુધીમાં 
  


ખાતાકીય પરિક્ષા વર્ગ-૩ માટે :-અરજી કરો.