Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

08 May 2020

યુવાનોમાં વધતા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય

યુવાનોમાં વધતા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય


Image result for young stress

               હમણાં જ વર્લ્ડ ઈન્ટરનેશનલ યુથ ડે ગયો. યુવાનોની શક્તિઓની સાથે સમસ્યા પણ વધતી જાય છે. ખાસ કરીને આજનો યુવાન સાયકોલોજીકલી વધુ ચિતિંત અને કન્ફ્યૂઝ્ડ છે. દિવસે અને દિવસે તણાવ અને ડિપ્રેશન વધતા જાય છે. માત્ર ભારતમાં સાડા છ કરોડથી વધારે ડિપ્રેશનના દર્દીઓ છે, એવું WHOનું કહેવું છે. ભાગ્યે જ કોઇ એવો યુવાન કે જે એમ કહી શકે કે મને બિલકુલ સ્ટ્રેસ નથી. આજે મારે સાયકોલોજીસ્ટ પાસે જતા સ્ટ્રેસને લગતા એક કેસ વિશે વાત કરવી છે. ચાલો, એક કિસ્સો જોઇએ.

              ‘તમે એવું કંઇક માઇન્ડ પ્રોગ્રામિંગ કરી આપો ને કે જેથી મારી બધી જ ઈચ્છાઓ ઝડપથી પૂરી થઇ જાય. યુ નો? મારે મારા મિત્રોને બતાવી આપવું છે કે ગમે તેટલી મંદી હોય છતાં હું પણ કંઇ કમ નથી.' નિશિથ બોલ્યો.
             ઉંમર-બાવીસ વર્ષ. વ્યવસાય- ઇન્વેસ્ટમેન્ટ. લગ્ન- કન્યાનું ઇકોનોમિકલ બૅકગ્રાઉન્ડ જોઇને જ! નિશિથને છેલ્લા કેટલાય વખતથી ગભરામણ બેચેની, હૃદયમાં ભારેપણું, ભૂખ ઓછી લાગવી, ઊંઘમાં તકલીફો, તમાકુની પડીકીઓ વધી જવી વગેરે ફરિયાદો હતી. નિશિથે ચોક્કસ ‘ટારગેટ્‌સ' નક્કી કર્યા હતા. ફલાણી તારીખે મારે આ જ વસ્તુ ખરીદવી છે. આ તારીખે મારે મૅબેક કાર જોઇએ. આ તારીખે મારે દુનિયા ફરી લેવી છે. એકાદ ટાપુ ખરીદવો છે. એટલું તો ઠીક પણ વૉરન બફેટ જેવાને મારે નોકરીએ રાખવા છે. નિશિથનું બી.કોમ.નું છેલ્લું વર્ષ જ અધૂરુ રહી ગયું હતું પણ પૈસા કમાવાને અને ભણતરને કંઇ જ લેવાદેવા નથી એવું નિશિથકુમાર સ્પષ્ટપણે માનતા હતા.

            આજકાલ ઘણા યુવાનોને શોર્ટકટનું ઘેલું લાગ્યું છે. કેટલાક લોકો લાંબી મહેનત કરવાને મૂર્ખતા માને છે. કેટલાક યુવાનો એ સમજી શકતા નથી કે આજે જે સફળતાની ટોચે પહોંચ્યા છે તેમણે અથાક અને સાચી દિશામાં મહેનત કરી છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને અનાયાસે પદ, પ્રતિષ્ઠા કે પૈસો ઝડપથી મળી ગયો હોય. ચારે બાજુ ધીરજનો સદંતર અભાવ જોવા મળે છે. એક્ઝામમાં પણ આખો કોર્સ વાંચવાને બદલે આઇ.એમ.પી. વાંચીને એક્ઝામ આપવા જવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. કેટલાય એવા વર્કશોપ્સ ચાલે છે જેમાં યુવાનોને માત્ર પૈસાદાર કેવી રીતે થવાય તેની ટ્રેનિંગ અપાય છે. બે-ત્રણ દિવસના આવા સેમિનાર્સ તરંગી અને શોર્ટકટિયા યુવાનોને ઊંધા રવાડે ચડાવી શકે છે. કેટલાય લોકો પોતે બધું જ મેળવી શકે છે એવા માત્ર સૉ-કૉલ્ડ મોટીવેશનલ શેખચલ્લીના વિચારો કરીને મહેનતથી દૂર ભાગતા હોય છે. આવા લોકો બહુ ઝડપથી ઊંધા મોંએ પછડાય છે. કેટલાકને બાયપોલર મૂડ ડિસઓર્ડર જેવી માનસિક બિમારીઓ લાગુ પડી જાય છે. કારણ એટલું જ કે તેઓને માત્ર ગોલ દેખાય છે. તે મેળવવા જે મહેનત કરવી પડે તે વિશે અજ્ઞાત હોય છે અથવા કરવા માંગતા નથી. આવું યુવાધન અત્યારે તરંગોમાં કે ઈન્ટરનેટના બિનજરૂરી ઉપયોગમાં વેડફાઈ રહ્યું છે.

         નિશિથને જે પ્રોબ્લેમ હતો તેને મનોવિજ્ઞાનની ભાષામાં ‘એંઝાઇટી ડિસઓર્ડર' કહેવાય. ખૂબ જ ઊંચા ગોલ્સ નક્કી કરવા. આસપાસના લોકોનું દબાણ, ઘરના કે વર્કપ્લેસના લોકો તરફથી ડિમાન્ડ્‌સ. પડોશીને નવી કાર આવે તો પહેલું ટેન્શન પોતાને થાય. ટૂંકમાં, એક ‘રૅટ રેસ'નો હિસ્સો બની જતા વાર નથી લાગતી. આવા લોકોને સારવારની જરૂર હોય છે.

            થોડીક માત્રામાં ‘ચિંતા' જરૂરી છે જે કામને અને ધ્યેયને ઇંધણ પૂરું પાડે છે. ક્યારેક ડેડલાઇન હોય તો સતત બિન જરૂરી ચિંતા રહેવા લાગે તો એને ‘એંઝાઇટી ડિસઓર્ડર' ગણીને સારવાર કરાવવી જરૂરી છે.

             આજના યુગમાં સામાન્ય ચિંતા લગભગ દરેકને હોય જ છે. તો પણ એ સ્ટ્રેસને મેનેજ કરતા શીખવું પડે છે. નિશિથને કેટલીક બાબતો સમજવાની હતી. જે ઘણાને ઉપયોગી થઇ પડે તેવી છે.


કેવી રીતે કરશો સ્ટ્રેસને મેનેજ
  • તર્કયુક્ત અને વાસ્તવિક અપેક્ષાઓ રાખવી..
  • ‘લૅટ ગો'ની ભાવના એ નબળાઇ નથી પણ એક તાકાત છે..
  • ફરજિયાત કામોનો વિરોધ કરવો નહીં તેને સ્વીકારીને એમાં કેટલી વધુ સારી રીતે પરફોર્મ કરી શકાય છે તે શીખવું..
  • કેટલાક વાર્ષિક વેકેશન લેતા હોય છે. આપણે દૈનિક વેકેશન લેતા પણ શીખવું જરૂરી છે. ઘરે આવીએ ત્યારે કામને ઑફિસમાં મૂકીને જ આવવું. કામ પછી ડેઇલી ડોમેસ્ટિક વેકેશન જરૂરી છે..
  • જેમાં તમને આનંદ આવતો હોય તે પ્રવૃત્તિ કરવી. પછી મજા લઇશું એ જાત સાથે અન્યાય છે. હા ! એટલું જોવું કે પોતાનો આનંદ અન્યને માટે આતંક ન થાય..
  • રેગ્યુલર પૌષ્ટિક ખોરાક લેવો..
  • રેગ્યુલર કસરત અને યોગા ને જીવનનું અવિભાજ્ય અંગ બનાવવું..
  • બાળકો સાથે રમવાથી સ્ટ્રેસ ઝડપથી ઓછું થાય છે..

નિશિથની વિકૃતિ ઓછી કરવા એમણે સાયકોથેરાપી લીધી. કેટલાક સિટિંગ્સ પછી એ સ્વસ્થ છે પણ ઉપરનું લિસ્ટ ભૂલ્યો નથી..


માસ્ટર માઈન્ડઃ માત્ર વિચારોમાં ગોલની કલ્પના કરી લેવાથી તે પ્રાપ્ત થતો નથી. એ પછી અનિવાર્ય મહેનત કરવી પણ જરૂરી છે. ભાવતું ભોજન જમવાના વિચારોથી મોંમાં પાણી આવી શકે પણ પેટ ના ભરાય.


સ્ત્રોત: ઉત્સવી ભીમાણી.માઈન્ડ મૅટર્સ.

No comments:

Post a Comment