Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

14 July 2021

સ્પર્શનો ભય (Haphephobia)

સ્પર્શનો ભય (Haphephobia)


કોરોના બાદ 60%થી વધુ લોકો અજાણી જગ્યાએ સ્પર્શ કરતા પણ ડરે છે ! સર્વેમાં ચોંકાવનારૂ તારણ બહાર આવ્યું


  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી વિગતો
  • ફોબિયાથી વ્યક્તિ અન્યના સ્પર્શથી સખત ભયનો અનુભવ કરે છે.

કોરોના મહામારી બાદ લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. અને તેમાં વિવિધ પરિવર્તનો જોવાઈ રહ્યા છે. ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાઉન્સેલિંગ સેન્ટર પર આવેલા કેસનું વિશ્લેષણ અને ગુગલફોર્મના માધ્યમ દ્વારા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવીએ ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 630 જેટલા લોકો કે જેમાં 230 પુરુષો અને 400 સ્ત્રીઓ સામેલ છે. તેના પર ખાસ સર્વે કર્યો હતો. આ સર્વેમાં કોરોના બાદ 60%થી વધુ લોકો અજાણી જગ્યાએ સ્પર્શ કરતા પણ ડરી રહ્યા હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.

જાણો શુ છે Haphephobia (સ્પર્શનો ભય)

Haphephobia એટલે સ્પર્શ થવાનો ભય છે. આ ફોબિયાથી વ્યક્તિ અન્યના સ્પર્શથી સખત ભયનો અનુભવ કરે છે. આ સ્પર્શના ભયથી પીડાતી વ્યક્તિને જો કોઈ સ્પર્શ થાય તો તેમને શરીરમાં લકવો થઈ જશે અથવા પોતાને કોઈ રોગ થશે તેવો ભય લાગે છે. હાલ કોરોનાનો માનસિક ભય ઘણા લોકોને અસ્વસ્થ કરી રહ્યો છે. આ ભયના પરિણામ ઘણા અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. જેમાં એક Haphephobia એટલે કે સ્પર્શનો ભય છે. હાલ સામાજિક અંતરના નિયમ વિષે દિવસ રાત સાંભળવા મળતું હોય છે. સાથે જ કોરોના નો રોગ એકબીજાને સ્પર્શ કરવાથી ફેલાય છે એ વાત હાલ દરેક લોકો સુધી પહોંચી છે. જેને લઈ ઘણા લોકોમાં સ્પર્શનો ભય ફેલાયો છે.

આવા હોય છે Haphephobia (સ્પર્શનો ભય)નાં લક્ષણો

સ્પર્શના ભયથી પીડાતી વ્યક્તિઓ કોઈ સ્પર્શ થવાથી વિવિધ શારીરિક માનસિક તકલીફ અનુભવે છે જેમકે, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધવા, બેભાન થઈ જવું, ઉબકા આવવા, ચીડ ચડવી, ચિંતાનો હુમલો આવવો, સૂગ આવવી વગેરે… આ સિવાય સ્પર્શ થવાથી સખત ચિંતાનો અનુભવ કરે છે. ઉપરાંત ક્યાંક ભૂલથી કોઈ વસ્તુ અથવા વ્યક્તિને સ્પર્શ થઈ જશે તો! એ વાતના ભયથી પણ સખત ચિંતા વ્યક્તિ અનુભવે છે. વ્યક્તિ માત્ર સ્પર્શ થવાથી સતત અને અકારણ ભય અનુભવે છે. આ અતાર્કિક ભયથી વ્યક્તિ પોતાની રોજિંદી જિંદગી પણ વ્યવસ્થિત જીવી શકતો નથી. તો રોજિંદા કર્યો પણ યોગ્ય રીતે કરી નથી શકતા. આવી વ્યક્તિ હંમેશા સ્પર્શની શક્યતા હોય તેવી પરિસ્થિતિ ટાળે છે.

Haphephobia(સ્પર્શનો ભય)નાં મુખ્ય કારણો

Haphephobia જેવો અકારણ અને અતાર્કિક ભય વિકસવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય શકે છે જેમકે, ભૂતકાળનો કોઈ અનુભવ, ભૂતકાળની ઘટના, કોઈ ભય મગજમાં બેસી ગયો હોય વગેરે ઘણા કારણો જવાબદાર હોય શકે છે. આ સર્વે મુજબ મહિલાઓમાં પુરુષોની તુલનાએ બમણાથી વઘુ સ્પર્શનો ભય હોવાનું જાણવા મળ્યું છે. સ્ત્રીઓમાં 36% જેટલો તો પુરુષોમાં 11% જેટલો સ્પર્શનો ભય કોરોના કાળમાં વિકસ્યો છે. લોકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા તેની ટકાવારી મુજબ આવું પરિણામ જોવા મળ્યું હતું.

સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવેલા પ્રશ્નો

શું કોઈ જગ્યા પર અડી ગયા પછી હાથ ધોઈ નાખો છે?

69.2 % હા અને 30.8% એ ના કહ્યું

કોઈ જગ્યાએ અડ્યા પછી હાથ ન ધોવો તો બેચેની રહે છે?

61.5% એ હા અને 38.5% એ ના કહ્યું

પહેલા કરતા હાલના સમયમાં સફાઈ કરવાની બાબતમાં વધારો થયો છે?

80.8% એ હા અને 19.2% એ ના કહ્યું

આશરે દિવસમાં કેટલી વખત હાથ ધોતા હશો?

40.4% એ જયારે કોઈ વસ્તુ અડીએ ત્યારે દરેક વખતે

32.7% દિવસમાં 2 થી 3 વખત, 26.9% માત્ર જમતી વખતે

કોઈ અજાણી જગ્યાએ સ્પર્શ થાય તો ભય લાગે છે ?

60% એ હા અને 40% એ ના કહ્યું

કોઈ વ્યક્તિ ભૂલથી તમને અડી જાય તો ગુસ્સો આવે છે?

65.4% એ હા અને 34.5 % એ ના કહ્યું

કોઈ અજાણી જગ્યાએથી વસ્તુ લેતા તમને ભય લાગે છે?

67.3% એ હા અને 32.7% એ ના કહ્યું

ઘરના બારી દરવાજા તમે સેનેટાઈઝ કરો છે?

71.2% એ હા અને 28.8% એ ના કહ્યું

ઘરના બારી દરવાજા ને સેનેટાઈઝ કર્યા વગર અડો તો ભય લાગે છે?

86.5% એ હા અને 13.5% એ ના કહ્યું

કોઈ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર નિષેધક વિચાર આવે છે?

78.8% એ હા અને 21.2% એ ના કહ્યું

અજાણી વ્યક્તિનો સ્પર્શ થવાથી બેચેની કે ગભરામણ થાય છે?

59.6% એ હા અને 40.4% એ ના કહ્યું

ઉપચાર

ઉલ્લેખનીય છે કે, સ્પર્શના ભયને દૂર કરવા માટે મન શાંત રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. અને નિષ્ણાંત કે સલાહકારની મદદ લેવી જોઈએ, નિયમિત અને યોગ્ય ખોરાક અને ઊંઘ લેવી, નિયમિત કસરત કરવી તેમજ નિયમિત ધ્યાનમાં બેસવાથી સ્પર્શનો ભય દૂર થઈ શકે છે. જો કે haphephobia નો કોઈ એક ઈલાજ નથી પરંતુ તેના ઇલાજ માટેના ઘણા વિકલ્પો છે. જેમાં પણ એક્સપોઝર થેરાપી મુખ્ય છે. આ થેરાપીમાં સ્પર્શના ભયને દુર કરવા માટે વ્યક્તિને સ્પર્શનો અનુભવ ધીમે ધીમે કરાવવામાં આવે છે. સ્પર્શ પ્રત્યેના વ્યક્તિના નકારાત્મક વલણને સકારાત્મકતા માં ફેરવવામાં આવે છે. આ થેરાપી સિવાય દવાઓ અને વર્તણૂક થેરાપી દ્વારા પણ સારવાર આપવામાં આવે છે. જેમાં વ્યક્તિને સ્પર્શ બાદ કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની તાલીમ પણ આપવામાં આવે છે.

No comments:

Post a Comment