Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

31 March 2020

કોરોના વાયરસની મનોવૈજ્ઞાનિક અસર

કોરોના વાયરસની મનોવૈજ્ઞાનિક અસર 
આજનું ગુજરાત સમાચાર  

28 March 2020

બજેટમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે ચોક્કસ ફાળવણી થતાં આભાર માનતી ટિમ મનોવિજ્ઞાન, સૌરાસ્ટ્ર યુનિવર્સિટી

બજેટમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે ચોક્કસ ફાળવણી થતાં આભાર માનતી ટિમ મનોવિજ્ઞાન, સૌરાસ્ટ્ર યુનિવર્સિટી

દેશના લોકોની મનોસ્થિતિ સમજવી અને તેની કાળજી રાખવી એ હાલના સમયમાં (ખાસ કરીને કોરોના મહામારીની અસરોમાં) ખુબ જ જરૂરી છે.

તાજેતરમાં જે બજેટ રજુ થયું અને તેમાં માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે ચોક્કસ બજેટની ફાળવણી કરવામાં આવી તે બદલ અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતી ટીમ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

અમે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્યની કાળજીનો ઉલ્લેખ બજેટમાં થયો તે બદલ આપ સાહેબને ધન્યવાદ અર્પણ કરીએ છીએ. મનોવિજ્ઞાનના અભ્યાસુ અને વિદ્યાર્થી તરીકે અમે આપ સાહેબની સમક્ષ કેટલાક વિચારો રજુ કરવા જઈ રહ્યા છીએ. તેની અમલવારી આપ સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ થાય તો દેશમાં માનસિક રીતે લોકોજે નબળા પડી રહ્યા છે તેને સધિયારો મળી શકે.

(1) મનોવિજ્ઞાન ભવન દ્વારા 26 માર્ચ 2020થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને બોટાદ જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને આશરે એક લાખ લોકોનું કાઉન્સેલિંગ કર્યું જેઓ મનોવૈજ્ઞાનિક ભયથી પીડાતા હતા તેને જોઇને અનુભવાયું કે મનોવિજ્ઞાન વિષયની તાતી જરૂરિયાત છે

(2) ગ્રામ્ય વિસ્તારોમાં જયારે વેક્સિન જાગૃતિ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો જયારે જતા ત્યારે પણ ત્યાં અંધશ્રદ્ધાઓ ખુબ જોવા મળી જેને મનોવિજ્ઞાન ભવન દુર કરવામાં ઘણા અંશે સફળ ગયું જેનો ઉલ્લેખ પણ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો

(3) દેશભરમાં ઓનલાઈન શિક્ષણનો અન્ય વિકલ્પ શોધવો જરૂરી છે. ઇલેક્ટ્રિક ગેજેટ્સથી બાળકોમાં ધાર્યા ન હોય એવા માનસિક પરિવર્તનો આવ્યા છે અને ઘેલું લાગી રહ્યું છે. તેને આ પ્રકારના વળગણ વધતા જાય છે. આપણી ગુરુ પરંપરા માટે આ માધ્યમ ઘાતક પુરવાર થતું જાય છે.

(4) OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તત્કાલ લગામની જરૂરત છે. હજુ વધુ સખ્ત નિયંત્રણ આવશે તો જ બાહ્ય સંસ્કૃતિના આક્રમણથી આપના તરુણો અને દેશના યુવા ધનને બચાવી શિશુ. મનોવિજ્ઞાન ભાવને તાજેતરમાં જ એક સર્વે કર્યો જેમાં 88% લોકોનું માનવું છે કે OTT પ્લેટફોર્મને કારણે બાળકો બગડે છે.

(5) વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાનનું મહત્વ છે. વિજ્ઞાન યોગ્ય રીતે તો જ આગળ વધી શકશે કે જયારે તેનો ઉપયોગ કરનાર સામાજિક વિજ્ઞાનને જાણતો હશે. ધોરણ 9થી મનોવિજ્ઞાન વિષય દાખલ કરવો ખુબ જરૂરી છે. જો આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવું હશે તો માનસિક રીતે આપણા યુવાનોને મજબુત રાખવા મનોવિજ્ઞાન ભણાવવા ખુબ જરૂરી છે.

(6) દેશની તમામ શાળાઓમાં ફરજીયાતપણે એક મનોવૈજ્ઞાનિક સલાહકાર મુકવો જરૂરી છે. આપ સાહેબ સુપેરે જાણો છો કે શાળાના બાળકોમાં ઈન્ટરનેટ એડીકશન, પોર્ન સાઈટ વળગણ અને ડ્રગ્સ જેવા નિષેધક ભાવો વિકસી રહ્યા છે તેના નિવારણ માટે અને સમાધાન માટે તેને મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવવા જરૂરી છે.

(7) દેશમાં એઈમ્સની જેમ મોટા શહેરોમાં અને ખાસ વિશ્વ વિદ્યાલયોમાં સાયકોલોજીકલ વેલનેસ સેન્ટરો ખોલવા જોઈએ. મનોવિજ્ઞાન ભવને ગુજરાત સરકાર પાસે આવું વેલનેસ સેન્ટર ખોલવાની માંગણી કરેલ છે.

(8) મોબાઈલ રીંગટોનમાં જે કોરોના વિશેની કોલરટયુન સંભળાય છે તે સત્વરે બંધ કરવી જરૂરી છે. આ સાંભળીને લોકોનું મન મહામારી માંથી બહાર નથી આવતું

(9) દરેક શાળા કોલેજમાં મનોવિજ્ઞાન વિષય ફરજીયાતપણે ભણે એવી વ્યવસ્થા ખાસ જરૂરી છે

(10) ભારતીય અભિગમ સમજાવવા માટે વિજ્ઞાનણી સાથે સામાજિક વિજ્ઞાનનું પ્રભુત્વ ઉભું થાય તે માટે સરકારશ્રીએ પ્રયત્ન કરવા જરૂરી છે

(11)ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કારો આપણા યુવા માનસમાં મનોરંજન સ્વરૂપે દાખલ થાય તે માટે ટી.વી. સીરીયલોમાં ભારતીય ગુરુ પરંપરાને અનુરૂપ સંસ્કૃતિક વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી છે.

ઉપરોક્ત સુચનો મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ દરમિયાનના અનુભવોના આધારે કરી રહ્યા છીએ. તારીખ 26 માર્ચ 2020થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ સાથે રહીને કોરોનાનો ભય અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ અનુભવતા આશરે એક લાખ લોકોના કાઉન્સેલિંગ અને વિવિધ સર્વે દ્વારા કરી રહ્યા છીએ. આ વિવિધ આર્ટીકલ અને સર્વે માટે એક વર્લ્ડ રેકોર્ડ પણ મનોવિજ્ઞાન ભવનને એનાયત થયો છે

ટીમ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ

27 March 2020

સાયક્લોથાયમિક ડિસઓર્ડર

સાયક્લોથાયમિક ડિસઓર્ડર



                ઉત્કર્ષભાઇનો મૂડ રોકિંગ લાગતો હતો. ડૉક્ટરને ક્લિનિકમાં પ્રવેશતા જ જાણે બધાને નિકટથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. પત્ની સંજનાબહેન એમનો હાથ પકડીને શાંત રાખવાની કોશિષ કરી રહ્યા હતા. જો કે વેઇટીંગ રૂમમાં બેઠેલા બીજા બધાને પણ મજા પડી ગઇ હતી. એમનો વારો આવવાની રાહ જોયા વગર સીધા જ પોલિટીશીયનના રૂઆબ સાથે કન્સલ્ટિંગ રૂમની અંદર પ્રવેશ્યા. ડૉક્ટર સાથે હસ્તધૂનન કરીને પાછા બીજા રૂમમાં જઇને ગોઠવાઇ ગયા. આજનું ન્યૂઝપેપર મંગાવી વાંચવા લાગ્યા. જો કે એમનાથી મોટા મિહિરભાઇ સાથે હતા એટલે થોડા શાંત પડ્યા.


                      સંજનાબહેને ડૉક્ટરને વાત શરૂ કરી. ‘છેલ્લા અઢી વર્ષથી અમારા ઘરમાં આવું જ ચાલ્યા કરે છે. એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે. કોઇ આશ્રમમાં સેવામાં લાગી જવું છે. પોતાનું વિલ પણ કેટલીય વાર તૈયાર કરાવીને બદલાવ્યું છે. હજુ ઉંમર એકતાલીસ વર્ષ છે તો પણ આવા મૂડના ચક્કરો ચાલે તેમાં બધુ દાન કરી દેવાની પ્રબળ ઇચ્છા થઇ આવે. અરે ક્યારેક તો કારણ વગર કોઇ નવી કાર બૂક કરાવી આવે. ઘરે બે ટી.વી. છે તો પણ ત્રીજું લેટેસ્ટ ૬૦ ઇંચનું ટી.વી. ગઇ કાલે જ લઇ આવ્યા. અમે બે માણસ છીએ. કોઇ સંતાન નથી. કોના માટે આટલી વસ્તુઓ કામની. અમે અમારા ઘરમાં પૈસે ટકે ખૂબ સુખી છીએ. પણ મારી સાથે વાત-વાતમાં કકળાટ કરી મૂકે છે. બધા મિત્રો સાથે પણ સંબંધો સારા નથી રાખ્યા. એટલું જ નહીં પણ મને તો કહેતા ય શરમ આવે છે એ ઘણી બધી વાર અનેક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ પણ રાખી ચૂક્યા છે. અમારા આગળના ડૉક્ટરે કહ્યું હતું કે એમના માનસિક રોગનું આ એક લક્ષણ છે એટલે હું કંઇ બોલી નહીં, પણ દુઃખ તો થાય જ ને ? અને હા... વારે ઘડીએ બિઝનેસ બદલવાની વાતો કરે છે. ક્યારેક શેરબજારમાં ઓવર ઇન્વેસ્ટ કરી નાંખે તો ક્યારેક કવિતા લખવા માંડે... એમની દવાઓ તો ચાલુ જ છે પણ મને એવી સલાહ મળી કે સાથે સાયકોથેરપી થાય તો વધારે સારૂ પરિણામ મળે..

                       સંજનાબહેનની વાત સાચી છે. ઉત્કર્ષભાઇને જે તકલીફ છે તેને ‘સાયક્લોથાયમિક ડિસઓર્ડર' કહે છે. લક્ષણોની દ્રષ્ટિએ આ તકલીફ ‘બાઇપોલર ટાઇપ-૨ ડિસઓર્ડર'નું હળવું સ્વરૂપ છે. આમાં મંદ ડિપ્રેશન અને આનંદના અતિરેકના ચક્રિય હુમલાઓ આવ્યા કરે છે. ફરિયાદો લગભગ બે વર્ષથી વધારે જૂની હોય છે. ઘણી વાર સાયક્લોથાયમિક ડિસઓર્ડર સાથે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર પણ જોવા મળે છે. મોટા ભાગનાને મુખ્ય લક્ષણ તરીકે ડિપ્રેશન હોય છે અને હતાષાના સંજોગોમાં જ દર્દી ડૉક્ટરનો સંપર્ક પ્રમાણમાં વધારે કરે છે. જ્યારે યુફોરિયા એટલે કે આનંદના અતિરેકના સમયે દર્દી ટ્રીટમેન્ટ માટે તૈયાર થતા નથી. કારણ કે એને બધુ બરાબર લાગે છે. યુફોરિયામાં તો કેટલાક રૂટિનમાં લાંબા સમય સુધી કામ કર્યા કરે છે. એમાં ક્યારેક ખૂબ સર્જનાત્મકતા કે હાઇ અચિવમેન્ટ પણ મેળવે છે. અલબત્ત ઊંઘ ખૂબ ઓછી થઇ જાય છે. તેમજ સામાજીક સંબંધો પણ હચમચી જાય છે. દર્દીમાં આલ્કોહોલિઝમ પણ જોવા મળે છે..

                      ઉત્કર્ષભાઇની મૂડ સ્ટેબિલાઇઝર દવાઓ ચાલુ જ હતી. એમને સાથે સાયકોથેરપી આપવાની જરૂર હતી. સાયકોથેરપીને લીધી ઉત્કર્ષભાઇને પોતાના મૂડ સ્વીંગના આ ડિસઓર્ડર વિશે વધારે સભાનતા અને સમજણ પ્રાપ્ત થઇ. પોતાને માનસિક સમસ્યા છે એવો સ્વીકાર પણ વ્યક્તિની સારા થવાની શક્યતાને વધારી દે છે. ઉત્કર્ષભાઇને થેરાપીના સિટિંગ્સ મળ્યા પછી કામમાં સ્થિરતા પ્રાપ્ત થઇ. અન્ય ફેમિલી મેમર્સનું કાઉન્સેલિંગ થવાથી એ બધાને પણ વિકૃતિ વિશે વૈજ્ઞાનિક સમજ સ્પષ્ટ થતા સંબંધો સુધર્યા. અલબત્ત ઉત્કર્ષભાઇ જેવાને આવી ચક્રિય મનોવિકૃતિમાંથી મુક્ત થવા ઘણી ધીરજ રાખવી જરૂરી છે.

                 એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે આપણી નિષ્ફળતા કે દુઃખના ઇન્કારની પ્રતિક્રિયા ક્યારેક ‘કૃત્રિમ અતિ ઉત્સાહ'નું મહોરૂં ધારણ કરી લે છે..



  • ઉત્સવી ભીમાણી, સાયકોલોજી, નવગુજરાત હેલ્થ