Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 March 2025

રૉરશાખ કસોટી

રૉરશાખ કસોટી

રૉરશાખ કસોટી : વ્યક્તિત્વમાપન માટે વપરાતી એક પ્રક્ષેપણ-કસોટી. પ્રક્ષેપણકસોટીઓના વિવિધ પ્રકારોમાં સંપૂર્ણ સંદિગ્ધ અને અશાબ્દિક કસોટી તરીકે રૉરશાખ એકમાત્ર સર્વસ્વીકૃત કસોટી છે આ કસોટીની સામગ્રીમાં વપરાતાં 10 કાર્ડમાંથી પ્રત્યેક કાર્ડ શાહીનાં ધાબાંઓના અનિયમિત છતાં બંને બાજુ સમાન રીતે પ્રસરેલા આકારોને આધારે તૈયાર કરવામાં આવ્યું હોય છે. આ શાહીના ધાબામાં કોઈ અર્થ નીકળે તેવા આકારો હોતા નથી. તેમાં કોઈ અર્થ હોતો નથી. પણ જે વ્યક્તિ તેના પર પ્રતિક્રિયાઓ આપે છે, તે વ્યક્તિ એ આકારોને અર્થ આપે છે. અનિયમિત આકારમાં વ્યક્તિ પોતાને પરિચિત એવી વસ્તુઓનાં આકાર, કદ, રંગ વગેરેનું પ્રક્ષેપણ કરે છે. આથી જ આને પ્રક્ષેપણ કસોટી કહેવાય છે. પ્રત્યેક કાર્ડ ઉદ્દીપક તરીકે રજૂ થાય છે અને ઉત્તર આપનાર વ્યક્તિ તે જોઈને તેને લગતી પ્રતિક્રિયા રજૂ કરે છે. આમાં કોઈ ઉત્તરો સાચા કે ખોટા હોતા નથી; પણ દરેક ઉત્તરનું ચોક્કસ નિદાનમૂલ્ય હોય છે. એના પરથી વ્યક્તિત્વમાપન થાય છે.



રૉરશાખનો મૂળ હેતુ વ્યક્તિત્વમાપન અને ચિકિત્સાત્મક અને ભેદલક્ષી નિદાન કરવાનો છે. વ્યક્તિના મનોવ્યાપારોનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે રૉરશાખ કસોટી ખૂબ જ સંવેદનશીલ સાધન મનાય છે. સારા તાલીમ પામેલા અને અનુભવી મનોવૈજ્ઞાનિકો રૉરશાખ કસોટીના નિદાનમૂલ્યનો ઘણો ઉપયોગ કરી શકે છે.

આ કસોટી સ્વિસ મનશ્ચિકિત્સક હર્માન રૉરશાખે 1921માં પ્રગટ કરી તે અગાઉ પણ શાહીનાં ધાબાંનો ઉપયોગ કરવાના પ્રયત્નો થયા હતા. પ્રથમ બુદ્ધિ-કસોટી બતાવનાર મનોવૈજ્ઞાનિક બીનેએ 1895માં આ પ્રકારની કસોટીની જરૂરિયાત ઓળખીને તે બનાવવાનું સૂચન કર્યું હતું. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિગત તફાવતો જાણવા પણ આ રીતે પ્રયત્ન કર્યો હતો. ડિયરબોર્ને શાહીનાં ધાબાંઓનો ઉપયોગ સ્મરણશક્તિ, પ્રતિક્રિયાસમય, વિચારપ્રક્રિયા વગેરે માપવા માટે કર્યો હતો. ઘણાબધા મનોવૈજ્ઞાનિકોએ બાળકોના મનોવ્યાપારોનો અભ્યાસ કરવા આ પદ્ધતિ વાપરી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે. પણ શાહીનાં ધાબાંનો મોટાપાયે વ્યવસ્થિત ઉપયોગ કરીને કસોટી તૈયાર કરવાનું શ્રેય તો ડૉ. હર્માન રૉરશાખને ફાળે જ જાય છે. પ્રારંભમાં તેમણે અસંખ્ય આકારો પ્રાયોગિક કક્ષાએ તૈયાર કર્યા અને તેમાંથી પ્રાથમિક પ્રયત્નોમાં ચકાસણી કરી 60 કાર્ડ તૈયાર કર્યાં. બીજા તબક્કામાં સૌથી વધારે ઉદ્દીપનમૂલ્ય ધરાવતાં સૌથી વધુ પ્રતિક્રિયાઓ ધરાવતાં 10 કાર્ડ પસંદ કર્યાં. આ દસ કાર્ડ ઉપર 405 જેટલી વ્યક્તિઓની પ્રતિક્રિયાઓ એકઠી કરવામાં આવી, જેમાંની 117 વ્યક્તિઓ ‘નૉર્મલ’ અને બાકીની બધી કોઈક ને કોઈક પ્રકારની માનસિક તકલીફ અનુભવનારી હતી. આ બધાની પ્રતિક્રિયાભાત શોધવામાં આવી અને તેને આધારે નિર્ણાયક પ્રતિક્રિયાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તેની સામગ્રીનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને ઘટકોનો આંતરસંબંધ શોધવામાં આવ્યો. સામાન્ય પ્રતિક્રિયાઓ કરતાંય મૌલિક પ્રતિક્રિયાઓના વિશ્લેષણને મહત્ત્વ આપવામાં આવ્યું.

તે પછી વિશાળ સંખ્યામાં માનસિક રોગીઓ ઉપર અજમાયશ કરીને શોધવામાં આવ્યું કે જુદા જુદા પ્રકારના રોગીઓ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપે છે અને એક જ પ્રકારના રોગીઓની પ્રતિક્રિયાઓમાં ચોક્કસ પ્રકારની સમાનતા જોવા મળે છે. આ ઉપરથી અર્થઘટન અને નિદાન માટેની પદ્ધતિઓ તૈયાર કરવામાં આવી. તેનામાં રહેલી આ ભેદ પારખવાની શક્તિને આધારે રૉરશાખ કસોટીનું નિદાનમૂલ્ય અને ભેદક મૂલ્ય ઘણું ઊંચું હોવાનું જણાયું.

રૉરશાખની કસોટીથી બુદ્ધિમાપન, સર્જનશક્તિનું માપન, વિચારશક્તિ, પરિવર્તનક્ષમતા, સમાયોજન-શક્તિ, અચેતન પ્રેરણાઓ, અચેતન સંઘર્ષો, મનના સંવેદનશીલ વિસ્તારો, ચોક્કસ વિકાસના તબક્કામાં વ્યક્તિનું સ્થગિતીકરણ જેવી ઘણી બધી બાબતોનું માપન ‘નૉર્મલ’ વ્યક્તિઓ માટે પણ થાય છે. આ કસોટીની ખાસિયત એ છે કે શાહીના ડાઘાઓ જોઈને વ્યક્તિ પોતે પોતાના માટે જાણતી ન હોય તેવી તેની બાબતો પણ તેની પ્રતિક્રિયાઓમાં વ્યક્ત થાય છે. ઉત્તર આપતી વખતે વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો કે પોતે આપેલો ઉત્તરનો શો અર્થ થતો હશે. આથી જ વ્યક્તિત્વ-માપનની પ્રત્યક્ષ કસોટીઓ કરતાં આ અપ્રત્યક્ષ કસોટીઓ વ્યક્તિત્વના ઊંડાણને સમજવાનું મહત્વનું સાધન બની શકી છે.

હર્માન રૉરશાખ પાતાની આ કસોટીઓ પર ઘણું બધું કામ કરવા માગતા હતા. પણ આટલું કરવા માટે જ એમણે એટલું બધું કામ કર્યું હતું કે 30–32 વર્ષની વયે ટી.બી.ની બીમારીથી એમનું મૃત્યુ થયું.

આ જે કાંઈ કામ એમણે કર્યું હતું તે કામ તેમના અનુયાયીઓ અને દુનિયાના વિવિધ દેશોના મનોવૈજ્ઞાનિકોએ એટલું બધું આગળ વધાર્યું કે આજે રૉરશાખ એક કસોટી ન રહેતાં એક વ્યાપક સંશોધન અને નિદાન-ક્ષેત્ર બની ગયું છે. એક તરફ મનોવૈજ્ઞાનિક કસોટીકારો માપનના વસ્તુલક્ષી પાસા પર ભાર મૂકે છે અને રૉરશાખને આત્મલક્ષી પદ્ધતિ ગણી તે પ્રત્યે અસંતોષ બતાવે છે, તો બીજી તરફ ચિકિત્સકો આ કસોટીમાં એના આત્મલક્ષી પાસાને લીધે આવેલ માપનની સચ્ચાઈ અને ઊંડાણનો અનુભવ કરી એની પ્રશંસા કરે છે. ઘણા મનોવૈજ્ઞાનિકોએ આત્મલક્ષી પાસાની સારી બાજુના ફાયદા લઈ શકાય, છતાં માપનમાં વસ્તુલક્ષિતા જળવાઈ રહે તે જાતના સમન્વયકારી અભિગમોનો વિકાસ કર્યો છે.

પ્રતિક્રિયાઓ પરથી પ્રાપ્તાંકો તૈયાર કરીને તેનું અર્થઘટન કરવાની વિશિષ્ટ પદ્ધતિઓ વિકસાવાઈ છે અને આ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવા માટે સંશોધન થતું જ રહ્યું છે; નવા પ્રયોગો પણ થતા રહે છે. આ કસોટી પર જુદાં જુદાં સાંસ્કૃતિક જૂથો, વિવિધ વ્યાવસાયિકો, કલાકારો, લેખકો, રમતવીરો, નેતાઓ વગેરેને લગતી સમાન પ્રતિક્રિયાભાતના અભ્યાસો થયા છે. રૉરશાખ એ પુખ્ય વયનાંઓ માટેની જ કસોટી હોવા છતાં યેલ યુનિવર્સિટીની ગૅસેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં 1971થી ’74 સુધી 2 વર્ષથી 10 વર્ષનાં બાળકો, 10થી 16 વર્ષનાં તરુણો અને 70થી વધુ ઉંમરનાં વૃદ્ધોના અભ્યાસોને આધારે, ઉંમરને આધારે પ્રતિક્રિયાભાતમાં થતા ફેરફારોની વાસ્તવિક ચકાસણી કરવામાં આવી છે. આ અને આવા બીજા 15થી વધુ અભ્યાસોને આધારે રૉરશાખનાં સંખ્યાત્મક પરિમાણો પણ વિકસાવવામાં આવ્યાં છે.

આ કસોટીનું નિદાનમૂલ્ય અને વસ્તુલક્ષિતા જળવાઈ રહે તે માટે તેના ઉપયોગ ઉપર અને તેને લગતા સાહિત્યના પ્રકાશન ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. તેના ઉપયોગની બાબતમાં ઘણાં ઊંચાં અને કડક ધોરણોનો અમલ કરવામાં આવે છે. આ કસોટી વાપરવા માટે પર્યાપ્ત શૈક્ષણિક લાયકાત, વ્યાવસાયિક લાયકાત, તાલીમ અને મનોવૈજ્ઞાનિક પરિપક્વતા અને ‘નૉર્માલિટી’નાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે.

અધૂરી તાલીમે કે તાલીમ વિના આ કસોટીને આડેધડે વાપરી શકાતી નથી. તેની ખરીદી માટે પણ ચોક્કસ ધોરણો છે અને લાઇસન્સ ધરાવતી વ્યક્તિઓને જ તે પ્રાપ્ત થઈ શકે છે. તેનાં દસ કાર્ડમાંથી માત્ર પહેલું એક જ કાર્ડ પુસ્તકોમાં પ્રકાશિત કરવાની મંજૂરી અપાઈ છે. માત્ર જોવા ખાતર કે રસ ખાતર બાકીનાં કાર્ડ પ્રાપ્ત થતાં નથી. તેનું સંકેતીકરણ, પ્રાપ્તાંકો ગણવાની કે અર્થઘટન કરવાની રીતો જાહેર કરવામાં આવતાં નથી. એને લગતાં સંશોધનો અને તારણો ચોક્કસ વ્યાવસાયિકોને માટે જ ઉપલબ્ધ થાય છે.

આ કસોટી સિગ્મંડ ફ્રૉઇડના અચેતન મનના સિદ્ધાંતના માળખા પર રચાયેલ હોઈ વ્યક્તિનાં અંગતમાં અંગત ઊંડાણો જાણવાની ક્ષમતા ધરાવે છે; તેથી જ તેના ઉપયોગની બાબતમાં કડક આચારસંહિતાનું પાલન કરવામાં આવે છે. તેને લગતું સંશોધન પણ કરકસરના સિદ્ધાંત પર ચાલે છે, અને નાછૂટકે જનસમુદાય માટે તેનો ઉપયોગ થાય છે.

જ્યારે પણ રૉરશાખ કસોટી વાપરવામાં આવે છે ત્યારે પ્રત્યક્ષ કસોટીથી મેળવેલી વિગતો સાથે તેનાં તારણો ચકાસવામાં આવે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ કસોટીથી કે અન્ય પ્રક્ષેપણ-કસોટી કે અર્ધ-પ્રક્ષેપણ કસોટીથી નિદાન થઈ શકતું હોય ત્યાં સુધી રૉરશાખનો ઉપયોગ ટાળવામાં આવે છે. જ્યારે અન્ય કસોટી અપર્યાપ્ત નીવડે ત્યારે જ તેનો ઉપયોગ કરવાની ભલામણ વ્યાવસાયિકોને કરવામાં આવે છે. આ કસોટીનો ઉપયોગ જેટલો મર્યાદિત હોય તેટલી તેની નિદાનમૂલ્યને સાચવવાની ક્ષમતા જળવાઈ રહે છે.

અત્યારે રૉરશાખ કસોટીનાં પરિણામોને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા વધારે ચોક્કસ અને પરિમાણાત્મક બનાવવામાં આવ્યાં છે. એક જ પ્રતિક્રિયા પરથી વિવિધ અર્થઘટનો કરવાની પદ્ધતિઓ વિકસી છે. સમયની સાથે સાથે થતાં સંશોધનોને પરિણામે રૉરશાખે આપેલા મૂલ્યનું મહત્વ અનેકગણું વધી રહ્યું છે.

રૉરશાખ કસોટી ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે અને તેમાં તાલીમ પામેલા નિષ્ણાતો અલ્પ સંખ્યામાં હોવાથી તેની ફીનું ધોરણ ઘણું ઊંચું હોય છે. ભારતમાં આ કસોટી હજુ ભણવા ભણાવવાના વિષય તરીકે જ રહી છે. તેના ચિકિત્સાત્મક ઉપયોગમાં જોઈએ એવું સ્તર સચવાતું નથી. તેના નિદાન મૂલ્યનો બહુ ઓછો ભાગ વપરાય છે. તેની તાલીમની પણ ખાસ વ્યવસ્થા નથી અને સાચા અર્થમાં તેના નિષ્ણાતો ગણ્યાગાંઠ્યા જ હોવાનું જણાય છે.

તેનો સીધો ઉપયોગ તો માત્ર નિષ્ણાતો જ કરી શકે; પણ તેને આધારે મેળવેલાં તારણોનો ઉપયોગ અત્યારે માનસચિકિત્સા, મનોવિજ્ઞાન સલાહકાર્ય ઉપરાંત નૃવંશશાસ્ત્ર, સંસ્કૃતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સંચાલનશાસ્ત્રમાં તેમજ ફિલ્મો, સાહિત્ય અને કલાના ક્ષેત્રે પણ થાય છે.

નિદાન માટે અને વ્યક્તિત્વમાપન માટે શોધાયેલી આ કસોટી દર્દીની સારવાર દરમિયાન મૂલ્યાંકન કરવા માટે અને સુધારાનું પ્રમાણ જાણવા માટે થાય છે. આ ઉપરાંત કસોટી પર પ્રતિક્રિયા આપવાનો અનુભવ પોતે જ એક પ્રકારની સારવારનું કામ કરે છે. એટલે એક જ દરદીને વારંવાર આ કસોટી આપીને એને સારવારની પદ્ધતિ તરીકે વાપરવાનો અભિગમ પણ વધ્યો છે.

પ્રતીક્ષા રાવલ

04 March 2025

કાર્લ ગુસ્તાવ યુંગ

કાર્લ ગુસ્તાવ યુંગ


યુંગ, કાર્લ, ગુસ્તાવ (જ. 26 જુલાઈ 1875, કેસવિલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 6 જૂન 1961, ક્યુસનાક્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ મનોવૈજ્ઞાનિક, મનશ્ચિકિત્સક અને વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના સ્થાપક. પ્રસિદ્ધ મનશ્ચિકિત્સક સિંગમંડ ફ્રૉઇડના શિષ્ય અને સાથી.

તેમના પિતા વ્યવસાયે પાદરી હોવા ઉપરાંત એક અચ્છા ભાષાવિજ્ઞાની પણ હતા. વિશિષ્ટ પરિસ્થિતિને લીધે કાર્લનું બાળપણ એકલતામાં વીત્યું. તેથી તેમની કલ્પનાશક્તિ ખીલી ઊઠી. બાળપણથી તેઓ પોતાના વડીલોના વર્તનનું નિરીક્ષણ કરી તેને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેમણે પ્રારંભિક શિક્ષણ બર્સેલમાં મેળવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તેમણે તત્વજ્ઞાન વિશે વિસ્તૃત વાચન કર્યું. કાર્લનાં માતા અને પિતા બંનેના પક્ષે ઘણાં કુટુંબીઓ પાદરી હોવાથી કાર્લ પણ મોટો થઈ પાદરી બનશે એમ લોકો ધારતા હતા; પણ તેમણે ચિકિત્સક બનવાનું પસંદ કર્યું અને બેઝલ અને ઝૂરિક યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ સન 1895થી 1900 સુધી તબીબી વિજ્ઞાન અને મનશ્ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

યુંગે સન 1900થી 1908 દરમિયાન બર્ગોલ્ઝલી હૉસ્પિટલમાં બ્લ્યૂલરના માર્ગદર્શન નીચે માનસિક રોગો અંગેનાં સંશોધનોમાં ભાગ લીધો અને ત્યાં મનોવિકૃતિઓના નિદાન માટે શબ્દસાહચર્યની કસોટીનો સફળ ઉપયોગ કર્યો. યુંગની આ અને બીજી કેટલીક શોધો ફ્રૉઇડના મનોવિશ્લેષણ-સિદ્ધાંતને સમર્થક બની. તેથી તેઓ 1907થી 1912 દરમિયાન ફ્રૉઇડના ગાઢ સંપર્કમાં રહ્યા. તેમણે સહકાર્યકર તરીકે ફ્રૉઇડની મનોવિશ્લેષણની ચળવળમાં ઉચ્ચ સ્થાન શોભાવ્યાં અને સન 1911માં મનોવિશ્લેષણના આંતરરાષ્ટ્રીય મંડળના પહેલા પ્રમુખ બન્યા. તેમને ફ્રૉઇડના સૌથી વધારે સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા.

પણ ફ્રૉઇડે સૌમ્ય મનોવિકૃતિના ઉદભવમાં જાતીય પ્રેરણા પર મૂકેલા આત્યંતિક ભાર સાથે યુંગ અસંમત થયા અને 1914માં તેમણે મનોવિશ્લેષણના એ મંડળમાંથી રાજીનામું આપ્યું.

1921થી 1930 સુધીમાં તેમણે ઉત્તર અને પૂર્વ આફ્રિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો, યુ.એસ. તેમજ ભારતના પ્રવાસો કરી જગતની જુદી જુદી સંસ્કૃતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. તેમાંથી ત્યાંનાં વિચારો, માન્યતાઓ, લોકકથાઓ, પૌરાણિક કથાઓ અને એમાં વપરાતાં પ્રતીકો અને કલ્પનાસૃષ્ટિનું વિશ્લેષણ કર્યું. તેના આધારે યુંગે વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન વિકસાવ્યું.

તેઓ 1933થી 1941 દરમિયાન ઝૂરિકની ફેડરલ પૉલિટેક્નિકલ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના અને 1942–43 દરમિયાન બેઝલ યુનિવર્સિટીમાં તબીબી મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા.

યુંગનાં મૌલિક પ્રદાનો આ પ્રમાણે ગણાવી શકાય :

(1) શબ્દસાહચર્ય વડે મનોવિકૃતિનાં કારણોના નિદાનની પદ્ધતિ.

(2) વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી પ્રકારો.

(3) મનનાં ચાર કાર્યોનું વર્ગીકરણ : વિચાર, લાગણી, સંવેદન અને અંત:સ્ફુરણા.

(4) સામૂહિક અચેતનનું વિશ્લેષણ અને તેની સાથે સંલગ્ન આદ્યસંસ્કારો(archetypes)નો ખ્યાલ.

(5) આવેગાત્મક ભાવગ્રંથિઓ(emotional complexes)નો ખ્યાલ

(6) વહેમો, પુરાણકથાઓ અને રહસ્યમય ઘટનાઓનો અભ્યાસ.

(7) મનોવિજ્ઞાન અને ધર્મના સંબંધોનું વિશ્લેષણ.

(8) મધ્યવય અને વૃદ્ધાવસ્થામાં થતા માનસિક રોગોના મનોપચાર માટેની આગવી પદ્ધતિનો નિર્દેશ.

યુંગનાં જાણીતાં પુસ્તકોમાં ‘સાઇકૉલૉજી ઑવ્ ધી અનકૉન્શિયસ માઇન્ડ’ (1916), ‘કલેક્ટેડ પેપર્સ ઑન ઍનેલિટિકલ સાઇકૉલૉજી’ (1920), ‘સાઇકોલૉજિકલ ટાઇપ્સ’ (1923), ‘કૉન્ટ્રિબ્યૂશન્સ ટુ ઍનેલિટિકલ સાઇકૉલૉજી’ (1928), ‘મૉડર્ન મૅન ઇન સર્ચ ઑવ્ અ સોલ’ (1933), ‘એસેઝ ઑન કરન્ટ ઇવેન્ટ્સ’ (1946) અને ‘મેમરિઝ, ડ્રીમ્સ ઍન્ડ રિફલેક્શન્સ’(મૃત્યુ પછી પ્રકાશિત આત્મકથા) (1962)નો સમાવેશ થાય છે.

યુંગે પોતાના કાર્ય દ્વારા માત્ર મનશ્ચિકિત્સા ઉપર જ નહિ, પણ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, સાહિત્ય, તત્વજ્ઞાન તેમજ ધર્મશાસ્ત્ર ઉપર પ્રભાવ પાડ્યો છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

10 December 2024

વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)

વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)

વૃત્તિવિરેચન (catharsis) : ભૂતકાળના આઘાત આપનારા પ્રસંગોને મનમાં ફરીથી અનુભવીને, સંબંધિત આવેગોનો સંઘરાયેલો બોજો હળવો કરવાની, અને એ દ્વારા પોતાના તણાવો અને ચિંતાઓને દૂર કરવાની પ્રક્રિયા; દા. ત., એક બાળક માબાપની જાણ વિના મિત્રો સાથે નાળામાં નહાવા જાય અને અચાનક પાણીમાં તણાવા માંડે. એને મિત્રો માંડમાંડ બચાવી લે. આને લીધે એ બાળકને આઘાત લાગવાથી એના મનમાં પાણીનો તીવ્ર ભય પેસી જાય. મોટો થયા પછી પણ એ બાથરૂમની ડોલમાં ભરેલા પાણીને જોતાં જ ફફડી ઊઠે, ત્યારે એની આ વિકૃત ભીતિને દૂર કરવા માટે મનોચિકિત્સા કરવામાં આવે છે. ચિકિત્સક એના મનના ઊંડાણમાં રહેલા પાણી સાથેના આઘાતજનક અનુભવનું અને ભયનું વિરેચન કરે છે. એ વ્યક્તિના અજ્ઞાત મનમાં ભરાઈને જામી પડેલો પાણીમાં તણાઈ જવાનો અનુભવ (વિરેચનને કારણે) એના જ્ઞાત મનમાં બહાર આવે છે. એ બાળપણનો પ્રસંગ યાદ કરવાથી, પોતે હાલ પાણીથી કેમ ગભરાઈ જાય છે તેનું મૂળ કારણ વ્યક્તિને સમજાય છે. તેથી એનો પાણીનો ભય દૂર થાય છે.

આમ વ્યક્તિની દબાઈ રહેલી જાતીયતા કે આક્રમકતા જેવી વૃત્તિઓનું, ભય કે ચિંતા જેવા આવેગોનું કે ભાવગ્રંથિઓ(complexies)નું વિરેચન થાય છે. એને ભાવવિરેચન પણ કહે છે.

બીજી વ્યક્તિ સમક્ષ પોતાના આવેગો કે લાગણીઓનો ઊભરો ઠાલવવાની ક્રિયા પણ એક જાતનું વૃત્તિવિરેચન જ છે. એને લીધે વ્યક્તિની માનસિક હાલત સુધરે છે. તેથી આ પ્રક્રિયાને ‘સંભાષણ વડે ઉપચાર’ (અં. ટૉકિંગ ક્યૉર) પણ કહે છે.

ચિકિત્સાપ્રક્રિયાના એક વ્યવસ્થિત તબક્કા તરીકે વૃત્તિવિરેચનનો આરંભ ઓગણીસમી સદીના અંતભાગમાં વિયેનામાં ચેતાશાસ્ત્રી બ્રુઅર અને મનોવિશ્લેષક ફ્રૉઇડે કર્યો. શરૂઆતમાં અસીલ(client)ને સંમોહિત કર્યા પછી જ તેની વૃત્તિનું વિરેચન કરવામાં આવતું હતું, પણ પછીથી સંમોહન(hypnosis)નો ઉપયોગ કર્યા વિના પણ વિરેચનની આ પ્રક્રિયા પ્રચલિત બની.

વૃત્તિવિરેચનને આ રીતે સમજાવવામાં આવે છે : વ્યક્તિને આઘાત લાગે એવો અનુભવ થવાથી એના મનમાં ભાવાત્મક ઉત્તેજનાનો અને માનસિક ઊર્જાનો વિશાળ જથ્થો ભેગો થાય છે. જો ટૂંક સમયમાં એ ઉત્તેજનાને સીધી રીતે કે રૂપાંતર દ્વારા બહાર લાવવાનો માર્ગ ન મળે તો તેનું દમન થાય છે. એ ઉત્તેજના વ્યક્તિના અજ્ઞાત મનમાં ચાલી જાય છે. પણ અજ્ઞાત મનમાં જવાથી એની ઊર્જાનો નાશ થતો નથી પણ એ વ્યક્તિના વિકૃત વર્તનનાં ચિહ્નો રૂપે પ્રગટે છે. જો ઊર્જાના આ જથ્થાને વિરેચન વડે વ્યક્તિના સભાન મનમાં લાવવામાં આવે તો એના ઉપરનો ઊર્જાનો બોજો હળવો થાય છે. તેથી ચિકિત્સકનું કાર્ય એ છે કે એ વ્યક્તિને એના જીવનના આવેગાત્મક કે સંઘર્ષોથી ભરેલા પ્રસંગોને યાદ કરાવી એ પ્રસંગોને પહેલાંની જેમ ફરીથી અનુભવવામાં મદદ કરવી.


આમ વૃત્તિવિરેચન દમનની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. દમનમાં વૃત્તિઓ અને આવેગોની બાહ્ય સપાટીથી મનના ઊંડાણ તરફ, નીચાણ તરફ ગતિ થાય છે. વૃત્તિવિરેચનમાં વૃત્તિઓ અને ભાવોની મનના ઊંડાણમાંથી મનની બાહ્ય સપાટી તરફ ઉપરની તરફ ગતિ થાય છે.

અજ્ઞાત વૃત્તિઓનું વિરેચન કરાવવા માટે કેટલીક પ્રવિધિઓનો ઉપયોગ થાય છે; દા. ત., વ્યક્તિને સંમોહિત કરવી, પોતાના વિચારોનું મુક્ત રીતે સાહચર્ય (જોડાણ) કરવા માટે વ્યક્તિને પ્રેરવી, વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતાં વચ્ચે અટકી જાય ત્યારે મૌન રહીને પણ મુખભાવ દ્વારા તેને પ્રોત્સાહન આપીને વધારે બોલવા માટે પ્રેરવો, વ્યક્તિના વ્યક્ત થયેલા વિચારો ઉપર ટીકા-ટિપ્પણ કરવાનું ટાળવું, વ્યક્તિ પોતાના દમન કરેલા અનુભવો વર્ણવતી હોય ત્યારે તેને ધ્યાનથી સાંભળવું, તેના વર્ણનમાં દખલ ન કરવી, પણ અભિવ્યક્તિને અંતે રસ લઈને ટૂંકા પ્રશ્ર્નો પૂછવા, વ્યક્તિએ જણાવેલા વિચારોને એ જ કે સમાનાર્થી શબ્દો વડે ફરી વ્યક્ત કરવા વગેરે.

યોગ્ય રીતે વૃત્તિવિરેચન થવાને લીધે અસીલ કે દર્દી શાંતિ, રાહત, સલામતી અને પ્રસન્નતા અનુભવે છે. તે આવેગોના ભાર અને તણાવમાંથી મુક્ત થાય છે. ભૂતકાળના બનાવો કે તેના જેવી અત્યારની પરિસ્થિતિઓ તેને આકળવિકળ બનાવી દેતી નથી. તેને પોતાને થતા અનુભવોમાં સૂઝ આવે છે, અને તે પરિસ્થિતિનો સામનો સ્વસ્થ રીતે કરી શકે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

26 November 2024

સાહચર્ય–કસોટી (Association test)

સાહચર્ય–કસોટી (Association test)



સાહચર્ય–કસોટી (Association test) : મનોવિશ્લેષણમાં ઉપયોગી બનતી એવી પ્રવિધિ (ટૅકનિક) જેમાં અસીલ શાંત બનીને પોતાના મનમાં જે કાંઈ આવે તે [ગમે તેટલું ક્ષોભ કે પીડા ઉપજાવે એવું હોય કે ક્ષુલ્લક જણાય તોપણ] કહે છે. સાહચર્ય-કસોટી એક પ્રકારની ભાવવિરેચન(Catharsis)ની પદ્ધતિ છે.

આપણા એક અનુભવનું અન્ય અનુભવો સાથે મનમાં સાહચર્ય વડે જોડાણ થાય છે. વ્યક્તિના મનમાં કયા કયા વિચારો વચ્ચે જોડાણ છે તે જાણવા માટે સાહચર્યની કસોટી કરવામાં આવે છે. એ મોટેભાગે શબ્દ-સાહચર્યના પ્રયોગના રૂપમાં હોય છે, જેમાં પ્રયોગકર્તા એક શબ્દ (ઉદ્દીપક શબ્દ) બોલે છે. અસીલ કે પ્રયોગપાત્ર એ શબ્દ સાંભળીને પોતાના મનમાં જે પહેલો વિચાર આવે તેને એક શબ્દ (પ્રતિક્રિયા-શબ્દ) બોલીને વ્યક્ત કરે છે; દા.ત., પતંગ (ઉદ્દીપક શબ્દ) → ફીરકી (પ્રતિક્રિયા-શબ્દ).

સાહચર્યની કસોટી વિવિધ પ્રકારે થાય છે. જ્યારે આપેલા ઉદ્દીપક શબ્દ પ્રત્યે એક જ પ્રતિક્રિયા-શબ્દ બોલીને જવાબ આપવાનો હોય ત્યારે તેને પૃથક (discrete) સાહચર્ય-કસોટી કહે છે; દા.ત., રાત-દિન. જ્યારે એકથી વધુ શબ્દોની હારમાળા વડે જવાબ આપવાનો હોય ત્યારે તે સતત (continuous) સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., સફેદ (ઉદ્દીપક શબ્દ) → કાળો, કાગડો, પોપટ, જામફળ વગેરે (પ્રતિક્રિયા-શબ્દો). એક ઉપરથી બીજો અને તેના ઉપરથી ત્રીજો એમ વિચારોની સાંકળ રચાય છે.

જ્યારે વ્યક્તિએ મનમાં આવતો ગમે તે વિચાર શબ્દ વડે વ્યક્ત કરવાનો હોય ત્યારે તે મુક્ત સાહચર્ય-કસોટી કહેવાય છે; દા.ત., ‘નદી’ શબ્દના જવાબમાં કોઈ પણ નદીનું નામ અથવા ‘તળાવ, સરોવર’ અથવા ‘હોડી, વહાણ’ અથવા ‘પ્રવાસ’ કે ‘માછલી’ જેવા શબ્દ બોલી શકાય છે. જ્યારે પ્રયોગ કરીને દર્શાવેલી શરત પ્રમાણે સંબંધ ધરાવતા શબ્દ વડે જ જવાબ આપવાનો હોય ત્યારે તેને નિયંત્રિત (controlled) સાહચર્ય-કસોટી કહે છે. શરત વિવિધ પ્રકારની હોઈ શકે; દા.ત., જાતિ-ઉપજાતિ કસોટીમાં ઉદ્દીપક શબ્દ વડે સૂચવાતી જાતિ(વ્યાપક વર્ગ)માં સમાઈ જતી ઉપ(પેટા)જાતિ વ્યક્ત કરતો શબ્દ જવાબમાં કહેવાનો હોય છે; દા.ત., માણસ → એશિયાવાસી. ખંડ-અખંડ કસોટીમાં પ્રયોગકર્તા ભાગનું નામ બોલે છે. તે સાંભળીને પ્રયોગપાત્રે એ જે આખી વસ્તુનો ભાગ છે એ વસ્તુનું નામ કહેવાનું હોય છે; દા.ત., સૂંઢ → હાથી. વિરુદ્ધાર્થ કસોટીમાં આપેલા શબ્દના વિરોધી અર્થવાળો શબ્દ જવાબમાં બોલવાનો હોય છે; દા.ત., ઢીલું → સખત.

સાહચર્ય-કસોટીમાં પ્રયોગપાત્રે ઉચ્ચારેલો પ્રતિક્રિયા-શબ્દ, તેણે એ પ્રતિક્રિયા શરૂ કરવામાં લીધેલો સમય (પ્રતિક્રિયા-કાળ) અને પ્રતિક્રિયા દરમિયાન તેના મુખભાવ તથા તેની આવેગની અભિવ્યક્તિઓ નોંધવામાં આવે છે.

મુક્ત સાહચર્ય-કસોટીમાં મોટાભાગનાં પ્રયોગપાત્રોએ આપેલી પ્રતિક્રિયાઓ આ પ્રમાણે કોઈ એક પ્રકારની હોય છે : 

(1) (ક) વ્યાખ્યારૂપ કે સમાનાર્થી શબ્દ; દા.ત., માણસ → નર. 
     (ખ) ઉપલી જાતિ કે વ્યાપક વર્ગ સૂચવતા શબ્દ; દા.ત., પીપળો →ઝાડ. 

(2) પૂરક કે વિધેયરૂપ શબ્દ; દા.ત., મરચું → તીખું. હરણ → દોડે. 

(3) (ક) સમવર્ગી શબ્દ; દા.ત., વાઘ → સિંહ. શાળા → કૉલેજ (એ જ કક્ષાનો અન્ય વર્ગ). 
      (ખ) વિરોધી શબ્દ; દા.ત., ઠંડું → ગરમ, ચડતી → પડતી. 

(4) મૂલ્યાંકનરૂપ અને અંગત પ્રતિક્રિયાઓ; દા.ત., બાળકો → ભોળાં. અમદાવાદી → કંજૂસ. વ્યક્તિએ સેંકડો શબ્દોને આપેલી પ્રતિક્રિયાઓમાંથી કયા પ્રકારની કેટલી પ્રતિક્રિયાઓ છે તેનું વિશ્લેષણ કરવાથી તેનાં માનસ અને વ્યક્તિત્વ ઉપર ઠીક ઠીક પ્રકાશ પડે છે.

સાહચર્ય-કસોટીના વિવિધ ઉપયોગો છે : પ્રક્ષેપણ-પ્રવિધિ તરીકે તેના વડે વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ્યાં પાસાં ઓળખી શકાય છે. તેનો કેટલીક વાર ગુનાશોધનમાં પણ ઉપયોગ થાય છે. ગુનાના સ્વરૂપ-સ્થળ વગેરે સાથે સંકળાયેલા ઉદ્દીપક શબ્દો બોલીને શકમંદોને તેમનો જવાબ આપવાનું કહેવાય છે. તેમના પ્રતિક્રિયા-શબ્દ, સમય અને તેમના હૃદયના ધબકારા જેવા શરીરના આંતરિક ફેરફારોની અસત્યશોધકયંત્ર (lie detector) વડે નોંધ લેવાય છે. એના આધારે ગુનામાં ખરેખર સંડોવાયેલ વ્યક્તિ ઓળખાઈ જાય છે. કેટલીક વાર સાહચર્ય-કસોટી વડે મૂંઝવણો અને મનોવિકૃતિઓનું નિદાન પણ થાય છે.

સ્વસ્થ વ્યક્તિઓના વ્યક્તિત્વની વિશિષ્ટતાને ઓળખવા માટે કૅન્ટ અને રોઝાનૉફ-રચિત સાહચર્ય-કસોટી વપરાય છે. એમાં અંગ્રેજી ભાષાનાં પરિચિત નામો, વિશેષણો, ક્રિયાપદો વગેરે મળીને 100 ઉદ્દીપક શબ્દો રજૂ કરાય છે. વ્યક્તિએ દરેક શબ્દના આપેલા જવાબો નોંધી એ જવાબો કેટલા પ્રચલિત કે વિરલ (અનોખા) છે તેનું આંકડાકીય વિશ્લેષણ થાય છે; દા.ત., ‘સોય’ શબ્દ 1000 વ્યક્તિઓને સંભળાવાયો, ત્યારે તેમાંના 160 માણસોએ ‘દોરી’, 158 વ્યક્તિઓએ ‘ટાંકણી’, 152 વ્યક્તિઓએ ‘અણીદાર’ અને 242 વ્યક્તિઓએ ‘સીવવું’ એવા જવાબ આપ્યા. આ બધા પ્રચલિત જવાબો છે; પણ 11 જણાએ ‘વાગવું’, 2 જણાએ ‘ઈજા’, 2 જણાએ ‘ઇન્જેક્શનની’ અને 1 વ્યક્તિએ ‘લોહી’ કે ‘શસ્ત્ર’ એવો જવાબ આપ્યો. આ વિરલ જવાબો છે. વ્યક્તિના જવાબોની વ્યાપકતા/સામાન્યતા ઉપરથી તેનું વ્યક્તિત્વ અમુક અંશે ઓળખાય છે.

વ્યક્તિની ભાવગ્રંથિઓને શોધવા માટે મનોચિકિત્સક યુંગે બીજી સાહચર્ય-કસોટી રચી છે. ભાવગ્રંથિ (complex) વ્યક્તિની ઇચ્છાઓ, આવેગો અને સ્મૃતિઓનું એક વસ્તુ કે ઘટનાની આસપાસ ગૂંથાયેલું તંત્ર હોય છે. એમાં તણાવ, નિષ્ફળતા, અસંતોષ કે દોષની લાગણી પણ સમાવિષ્ટ હોય છે. મોટાભાગે પ્રેમલગ્ન અને જાતીય પ્રેરણા, કૌટુંબિક કે આર્થિક મુશ્કેલીઓ, પોતાની મર્યાદાઓથી અસંતોષ, અન્યાયની લાગણી, મૈત્રી કે દુશ્મનાવટ કે માંદગી ઈજા કે મૃત્યુના ભય જેવી બાબતો અંગે ભાવગ્રંથિ રચાય છે. ઘણી ભાવગ્રંથિઓ અજ્ઞાત હોય છે, જ્યારે બીજી કેટલીક જ્ઞાત હોવા છતાં વ્યક્તિ તેમને ટાળે છે. વ્યક્તિ કઈ ભાવગ્રંથિથી પીડાય છે તે સાહચર્ય-કસોટીથી શોધી શકાય છે. એ માટે ઉપર દર્શાવેલી બાબતો સાથે સંકળાયેલા શબ્દોવાળી કસોટી રચાઈ છે.

યુંગની સાહચર્ય-કસોટી વ્યક્તિને બે વખત આપવામાં આવે છે. બીજી રજૂઆત વખતે વ્યક્તિને કહેવામાં આવે છે કે તેણે બને ત્યાં સુધી પહેલી વખત આપેલો પ્રતિક્રિયા-શબ્દ બોલવો.

પોતાના જીવનની જે બાબતો વિશે વ્યક્તિના મનમાં ભાવગ્રંથિ હોય તેને લગતા શબ્દો અંગે તે નીચેની વિશિષ્ટ પ્રતિક્રિયા આપે છે : 
(1) તેનો પ્રતિક્રિયાકાળ લાંબો હોય છે. 
(2) તે પ્રતિક્રિયા આપતો જ નથી. 
(3) તે ઉદ્દીપક શબ્દનું જ પુનરાવર્તન કરે છે. 
(4) તે ઉદ્દીપક શબ્દનો ખોટો અર્થ સમજે છે. 
(5) તે ઉદ્દીપક શબ્દ સાથે બિલકુલ સંબંધ ન હોય એવી કે અંગત પ્રતિક્રિયા આપે છે. 
(6) તેના ચહેરા ઉપર ક્ષોભ કે ઉત્તેજનાનાં ચિહ્નો દેખાય છે. 
(7) તે તોતડાય છે, હસી પડે છે કે બહુ જ ધીમેથી અથવા ઘાંટો પાડીને પ્રતિક્રિયા-શબ્દ બોલે છે. 
(8) તે બીજી રજૂઆત વખતે નવો પ્રતિક્રિયા-શબ્દ બોલે છે.

સાહચર્ય-કસોટી દ્વારા વ્યક્તિની ભાવગ્રંથિ ઓળખવાથી તેનો મનોપચાર વધારે અસરકારક રીતે કરી શકાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે