નિષ્ફળતા – એક નવી શરૂઆત
દસમાં અને બારમાં ધોરણના પરિણામો આવી ગયા. ધીરે ધીરે સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવી ગ્રેજ્યુએશન ફેકલ્ટીના પરિણામો પણ આવવા લાગ્યા છે. ઘણા બાળકો ખુબ સફળ થયા છે. તેઓએ કેવી રીતે સફળતા મેળવી તેના ઈન્ટરવ્યું લેવાય છે અને વિવિધ મીડિયામાં ફોટા સાથે તે આવે છે. તેમના ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે.
ઘણા બાળકોએ ધાર્યું પરિણામ મેળવ્યું નથી. તેમના ઘરોમાં કોઈ આનંદ નથી. તેમના ઘરોમાં સમાજમાંથી વડીલોના કે સગાઓના કોઈ ફોન આવતા નથી. તેમને અને તેમના પેરેન્ટ્સને તેમનું સંપૂર્ણ જીવન નિષ્ફળ ગયું હોય તેમ લાગવા લાગે છે. હવે આપણે એક આશ્ચર્યજનક સર્વેક્ષણ જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં ખુબ સફળ અને વિશ્વવિખ્યાત થયેલી દસમાંથી નવ વ્યક્તિઓ ભણવામાં નિષ્ફળ ગઈ હતી. માની ના શકાય તેવું આ સત્ય છે જેને બીજી રીતે વિચારીએ તો સફળ દસ વ્યક્તિઓમાંથી નવ વ્યક્તિઓને પોતાના જીવનકાળ દરમ્યાન ભણવાના ક્ષેત્રમાં ક્યાંકને ક્યાંક ભયંકર નિષ્ફળતા સાંપડી હતી.
ભણવામાં તો ઘણા બધા નિષ્ફળ જાય છે તો પછી એવું તો શું થાય છે કે નિષ્ફળ વ્યક્તિઓમાંની જુજ વ્યક્તિઓ જ પછીથી પોતાના ક્ષેત્રમાં અકલ્પ્ય સફળતા મેળવે છે? આજ સંદેશો આજે મારે ધાર્યું પરિણામ નહીં મેળવેલ ટીનએઈજર્સને આપવો છે. પહેલું તો કોઈ એક ધોરણમાં સફળતા મેળવનાર કે નિષ્ફળતા મેળવનાર બાળકોનું સમગ્ર જીવન સફળ કે નિષ્ફળ નથી થઈ ગયું હોતું. તેમના સમગ્ર જીવનનો કોઈ એક ભાગ સફળ કે નિષ્ફળ થયો છે. નિષ્ફળતા એ કોઈ ચોક્કસ ધોરણમાં, કોઈ ચોક્કસ સંજોગોમાં અને કોઈ ચોક્કસ સમયમાં બનેલી એક ઘટના છે, તેને સમગ્ર જીવન સાથે જોડી દેવાની જરૂર નથી.
ઓછા માર્કસને લીધે પછી જે કોઈ લાઈનમાં કે જે કોઈ સંસ્થામાં તક મળે ત્યાં દિલ લગાવીને, તૂટી પડીને કામ કરવું જોઈએ. જે લોકો મળેલી નિષ્ફળતાને પચાવી તેમાંથી કઈક નવું શીખી, ફરી તેવી ભૂલ નાં થાય તેનું ધ્યાન રાખી હવે મળેલ તકમાં પોતાની સમગ્ર શક્તિ લડાવી દે છે તે લોકોના સમય અને સંજોગો ચોક્કસ બદલાતા હોય છે જે તેઓને સફળતાની પગદંડી તરફ દોરી જાય છે. અસફળ બાળકોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે હંમેશા નિષ્ફળતામાં નાસીપાસ થયા વિના કરેલા પ્રયત્નો જ નવું પરિવર્તન લાવે છે.
ભલે સફળ બાળકોની ઓળખ દુનિયાને તરત થઈ જતી, નિષ્ફળ બાળકોને દુનિયાને ઓળખવાની એક વધુ તક મળે છે તેમ સમજવું. આગળ વાત કરી તેમ દસમાંથી નવ વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિઓએ ક્યારેય સફળ વ્યક્તિઓના સંદર્ભો પોતાના જીવનમાં હંમેશ માટે વણ્યા નથી હોતા પણ પોતાની નિષ્ફળતામાંથી જ ભૂલ સુધારવાનું અને હવે મળેલ તકમાં પોતાની સર્વ શક્તિ લગાવી દેવાનું કામ કર્યું હોય છે.
૧૯૭૪માં ‘ઈમ્તેહા’ નામનાં હિન્દી પિકચરમાંના એક ગીત ‘રુક જાના નહીં તું કહીં હાર કે કાંટો પે ચલકે મિલેંગે સાયે બહાર કે…..’ ગીતમાં આજના ટીન એઈજ બાળકો માટે એક સુંદર સામજિક સંદેશ હતો કે, ‘જીવનમાં હારને લીધે કદી ક્યાંય રોકાશો નહીં. તમારી આ કઠિન પરીક્ષાના સમયમાં તમે એટલી મહેનત કરો કે સુરજ પણ તમારી સામે ઝુકી જાય.’ ઈશ્વર નિષ્ફળ બાળકોને જીવનના આ તબક્કે તેમને કદાચ હજુ સફળ બનાવવા નથી ઈચ્છતો પણ તેમને હજુ જીવનના મુલ્યો વધુ શીખવી હજુ વધુ પરિપકવ બનાવી પછી સફળતાના ફળ આપવા ઈચ્છતો હશે. નિષ્ફળ બાળકોએ નિષ્ફળતાને પૂર્ણવિરામ કે જીવનનો અંત સમજવો નાં જોઈએ પણ તેમણે પોતાના પરિણામને સહર્ષ સ્વિકારી નવી પદ્ધતિથી નવા રસ્તાથી પોતાનું કામ કરવું જોઈએ.
ફરી મળેલ કોઈ પણ પ્રકારની તક માટે નિષ્ઠાથી અને પવિત્રતાથી કરેલું કાર્ય ચોક્કસપણે સફળતાના સર્વોચ્ચ શિખર તરફ દોરી જશે. જીતનારા કદી મેદાન છોડતા નથી અને હારવાની શક્યતા સાથે મેદાનમાં ઉતારનારા કદી જીતતા નથી. નિષ્ફળ બાળકના આ સમયને સાચવી લેવાની એક તક માતાપિતાને પણ મળી હોય છે જે તેમણે સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવવી જોઈએ.
સદી મારનાર ક્રિકેટરે તેણે રમેલા બધાજ બોલ પર ચોક્કા કે છક્કા નથી માર્યા હોતા તેની ઈનિંગમાં ઘણા ડોટ બોલ પણ હોય છે. હંમેશા તેની સમગ્ર ઇનિંગનું જ મૂલ્યાંકન થતું હોય છે. કોઈ એક સમયે સતત નિષ્ફળ જતા ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને એક સમયે લાગ્યું હતું કે હવે તેનામાં રહેલું ક્રિકેટ પૂરું થઇ ગયું છે. તેણે તે વખતના આપણા કોચ ગેરી કર્ટસનને ‘મારે બદલે હવે કોઈ બીજાને તક આપો’ તેમ વાત કરી. ગેરી કર્ટસને તેને રન કરતાં બોલ પર ધ્યાન આપવા કહ્યું અને પછીની ઈનિંગમાં ૧૦૦ બોલ્સ રમી બતાવવા પડકાર ફેંક્યો. પછીની ઈનિંગમાં જ વિરેન્દ્ર સહેવાગે ૧૦૧ બોલ રમી ૧૨૬ રન બનાવ્યા હતા.
આમ, જીતનારા હાર કે નિષ્ફળતાને જીવનનો અંત નથી માની લેતા પણ તેમાંથી કઈક બોધપાઠ લઈ અલગ પદ્ધતિથી ફરીથી કામ ચાલુ કરી દેતા હોય છે. ‘failure is the step towards success’. લગભગ ૧૫૫ વર્ષ પહેલા અબ્રાહમ લિંકને કહેલા આ વાક્યને ટીનએઈજ બાળકોએ જીવનના દરેક તબક્કે યાદ કરવું
- DR. ASHISH CHOKSHI
No comments:
Post a Comment