Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

24 September 2021

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ - થોર્નડાઈકનો પ્રયોગ

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ - થોર્નડાઈકનો પ્રયોગ


શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્નો  વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે . તેને શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ન થયેલ સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે .

આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે થોર્નડાઈકે બિલાડી ઉપર કરેલ પ્રયોગ જે સમજીએ .






થોર્નડાઈકનો પ્રયોગ :
  • અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે એક સમસ્યાપેટી બનાવી હતી .
  • આ સમસ્યાપેટીની રચના એવી કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક કળ દબાવતાં પેટીનો દરવાજો ખૂલી જતો હતો .
  • આ સમસ્યાપેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડી મૂકી , અને સમસ્યાપેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો .
  • સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યાપેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી .
  • શરૂઆતમાં સમસ્યાપેટીના સળિયા પર પંજા માર્યા , સળિયાને બચકાં ભર્યા , સમસ્યાપેટીમાં આમ થી તેમ આંટા માર્યા કર્યા .
  • ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યાપેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યું .
  • પરંતુ બિલાડીને સમસ્યાપેટીની બહાર નીકળવામાં સફળતા મળી શકી નહીં .
  • આથી ફરી ફરી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા .
  • જેમાં અચાનક જ તેનો પંજો સમસ્યાપેટી ખૂલવાની કળ પર પડી જતાં સમસ્યાપેટીનો દરવાજો ખૂલી ગયો .
  • અહીં સમસ્યાપેટીના દરવાજાનું ખૂલવું એ એક આકસ્મિક ઘટના હતી .
  • બિલાડીએ કોઈપણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી , એટલું જ નહીં આ કળ દબાવવાથી જ દરવાજો ખૂલ્યો છે એવો પણ તેને ખ્યાલ નહોતો અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યાપેટીમાં મૂકવામાં આવતાં જ તેણે પહેલાના જેવા જ વ્યર્થ પ્રયત્નો ચાલુ કર્યા , જેથી બિલાડીને કળ અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી તે બાબતને સમર્થન મળી ગયું .
  • આ રીતે થોર્નડાઈકે સતત 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતાં 24 મે પ્રયત્ન પાંજરામાં મૂકતાંની સાથે જ કળ દબાવીને સમસ્યાપેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી શકી હતી .
  • સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે .
  • અહીં પણ બિલાડી પરના પ્રયોગાત્મક પ્રયત્નો વધતાં સમસ્યાપેટી ખોલવાના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો .
  • પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યાપેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ જેટલો સમય લાગ્યો .
  • જ્યારે 24 મે પ્રયત્ન બિલાડીએ ફક્ત 10 સેકન્ડમાં જ સમસ્યાપેટીનો દરવાજો ખોલી , બહાર નીકળી , ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું .
  • આમ , પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતાં છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે .



1 comment: