Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

11 October 2019

આધુનિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ



આધુનિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ

                  આધુનિક મનોવિજ્ઞાને ઉચ્ચ મનોસામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે ઘણી સફર ખેડી છે. મનોવિજ્ઞાનના મન અને વર્તનને સમજવાના ખ્યાલો માનવઉત્પત્તી સાથે જ શરૂ થયા હતા. મનોવિજ્ઞાન વિષય એ ગુજરાત બોર્ડના ધોરણ 11 માં અભ્યાસ કરાવવામાં આવતો વિષય છે.  


               ભારતમાં ભરતમુનિ, પતંજલી, ચાણક્ય વગેરે ઋષિમૂનિઓ અને વિદ્ધાનોએ તથા ગ્રીસ અને રોમમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે તત્વજ્ઞાનિઓએ માનવવર્તનનો અભ્યાસ કરવાનાં પ્રયત્નો કર્યા હતા. તેમાં તત્વજ્ઞાનની અભ્યાસની પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. 


           એરિસ્ટોટલ પછીની મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ બરાબર થયો નહિ. પરંતુ ઈ.સ. 1600 પછી તત્વજ્ઞાનીઓએ તાત્વિક પ્રશ્નોની ચર્ચા શરૂ કરી, જેમાં વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે ‘મન’ અને ‘બુદ્ધિ’ની ચર્ચા પણ કરી. 





રચનાવાદ (Structuralism): 

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. તેઓ ‘વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા’ કહેવાય છે. વિલ્હેમ વુંટ, એડવર્ડ ટિત્શેનર અને તેમના સાથીદારોને જાગૃત અનુભવો અને મનના વિશ્ર્લેષણમાં રસ હતો. આથી મનની રચના સમજવા માટે તેમણે આંતરનિરિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિમાં વ્યક્તિને મનોવૈજ્ઞાનિક પ્રયોગ દરમિયાન તેના અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ વિશે વર્ણન કરવાનું કહેવામાં આવે છે. વુન્ટ અને તેમના સાથીદારો ‘રચનાવાદીઓ’ કહેવાય છે.

કર્યવાદ (Functionalism): 

રચનાવાદની પદ્ધતિ અન્ય મનોવૈજ્ઞાનિકોએ સ્વીકારી નહિ કેમ કે તે પદ્ધતિનો અહેવાલ અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી સ્ધકાતો ન હતો. આથી કેમ્બ્રીજ મેસેચ્યુટસમાં અમેરિકન વૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવીના મનને સમજવાનો બદલે માનવી તેના વાતાવરણ સાથે પોતાનું કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તન કરે છે તેનો અભ્યાસ કર્યો. વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યૂઈ, એન્જલ અને કારનો આ અભિગમ ‘કાર્યવાદી અભિગમ’ તરીકે ઓળખાય છે. 

સમષ્ટિવાદ (Gestalt School):

ઈ.સ. 1912માં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદી અભિગમનો વિકાસ થયો. જેમાં વર્ધીમર, કોલહર અને કોફકાનો મુખ્ય ફાળો હતો. તેઓ મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મુકત હતા. તેઓ માનતા હતા જે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ એ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં વધુ હોય છે. એટલે કે આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી માહિતી કરતાં વધ્ય હોય છે. દા.ત. ફિલ્મમાં આપણી નજર સમક્ષ સ્થિર ચિત્રોની ઝડપ બદલાતી જતી હારમાળા છે, જેનો પ્રત્યક્ષીમૃત અનુભવ વસ્તુસ્થિતિ કરતાં વધુ હોય છે. આપણે સમગ્રલક્ષી અનુભવ થાય છે. 

વર્તનવાદ (Behaviourism): 

ઈ.સ. 1910માં અમેરિકામાં જ્હૉન બી. વૉટસને મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કરી ‘વર્તનવાદ’ નામનો અભિગમ શરૂ કર્યો. શરીરરચનાશાસ્ત્રી ઈવાન પાવલૉવના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાતની વૉટસન પર ઊંડી અસર હતી. 
વૉટસને આંતરનિરિક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો, કેમ કે માનવીનું અન જોઇ શકાતું નથી અને આ પદ્ધતિ વ્યક્તિગત હોવાથી તેને અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતી નથી. 
તેમણે મનોવિજ્ઞાનને એ રીતે ઓળખાવ્યું જે જેમાં વર્તનના વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા, જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે થઈ શકે છે અને તે માપી શકાય છે. 
વૉટસનના વર્તનવાદને બી.એફ.સ્કેનર, એડ્વિન ગ્રંથિ, ઈ.સી. ટોલમૅન વગેરે નવ્ય વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ આગળ વધાર્યો. વર્તનવાદે ઘણાં વર્ષો સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જાળવી રાખ્યું. 

મનોવિશ્લેષણવાદ (Psychoanalysis) : 

તબીબ અને મનોચિકિત્સક સિગ્મંડ ફ્રોઈડે માનવસ્વરૂપ વિશેના ઉદ્દામવાદી વિચારો રજૂ કર્યાં. તેમણે માનવીનાં વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશિલ પ્રગટીકરણ તરીકે ઓળખવ્યું. તેમણે મનોવિશ્ર્લેષણને માનસિકરોગોને સમજાવાની અને ઉપચર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. મનોવિશ્ર્લેષણવાદના મતે માનવી પોતાની અજાગૃત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓથી પ્રેરિત થાય છે. 

માનવવાદ (Humanist): 

કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો, એરીક ફ્રોમ વગેરે માનવવાદીઓએ માનવીની ઈચ્છાશક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાનો વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂક્યો હતો.તેમના મતે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતાં માનવીના વર્તન પર ભાર મૂકે છે ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી માનવવર્તનને યાંત્રિક બનાવે છે. 

બોધાત્મક અભિગમ (Cognitive Approach): 

વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિકાસ પામેલા બોધાત્મક અભિગમે આપણે વિશ્વને કઈ રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડ્યો. બોધન એ જાણવાની પ્રક્રિયા છે; જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રખવું, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બાબતો આપણી માનસિક પ્રક્રિયાઓ અને આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકો માનવીના મનને કમ્પ્યુટરની માફક માહિતીની પ્રક્રિયા કરનાર યંત્ર તરીકે ઓળખાવે છે. તેમના મતે માનવમન કમ્પ્યુટરની જેમ માહિતી સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે છે, સંગ્રહ કરે છે અને જરૂરિયાત હોય ત્યારે બહાર લાવે છે.

No comments:

Post a Comment