એરિક એરિક્સન
એરિક્સન, એરિક ઓમબર્જર (Homberger) (જ. 1902, જર્મની; અ. 1994) : જાણીતા અમેરિકન મનોવિશ્લેષક. મનોવિશ્લેષણ દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ માનવવિદ્યાઓ, ઇતિહાસ તથા મનોવિજ્ઞાનના વિકાસ માટે કરવાની પહેલ તેમણે કરી હતી; જેને લીધે વર્તનલક્ષી વિદ્યાઓ તથા સમાજવિદ્યાઓના ક્ષેત્રમાં તેમનો વિશેષ પ્રભાવ દેખાય છે. ઔપચારિક ઉચ્ચ શિક્ષણથી વિમુખ રહેલા એરિક્સન જાણીતા મનોવિશ્લેષક ફ્રૉઇડના આમંત્રણથી વિયેનાની એક શાળામાં કલા, ઇતિહાસ અને ભૂગોળના શિક્ષક તરીકે 1927માં જોડાયા હતા. તે દરમિયાન વિયેના સાયકૉઍનૅલિટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. 1930માં તેમનો પ્રથમ શોધનિબંધ પ્રકાશિત થયો. વિયેનાની આ સંસ્થાએ 1933માં તેમને માનાર્હ સભ્યપદ પ્રદાન કર્યું. તે વર્ષે સ્નાતકની પદવી મેળવી તેઓ અમેરિકા ગયા. થોડોક સમય બૉસ્ટન ખાતે બાળમનોવિશ્લેષકનો વ્યવસાય કર્યા પછી તેમણે હાર્વર્ડ (1934-35, 1960-70), યેલ (1936-39) તથા યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા અને સાનફ્રાન્સિસ્કો(1939-50)માં સેવા આપી. 1950માં મૅસેચ્યૂસેટ્સ ખાતેના ઑસ્ટેન રિમ્સ સેન્ટરમાં જોડાયા. 1970માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ‘પ્રોફેસર ઇમેરિટસ’ નિમાયા.
બૌદ્ધિક સ્વસ્થતા ધરાવતી વ્યક્તિમાં અહમ્ અથવા બોધાવસ્થા રચનાત્મક બનીને કેવી રીતે ક્રિયાશીલ બનતી હોય છે તેનો તેમણે સર્વગ્રાહી અભ્યાસ કર્યો હતો. માણસની અંગત લાગણીઓને મહત્વ આપતાં માનવવિકાસના જટિલ પ્રશ્નો અંગેના મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતો અને બીજી તરફ વ્યક્તિના મનોભાવ પર પ્રભાવ પાડતી વ્યાપક સામાજિક અસરોને જોડવાનું કાર્ય કર્યું. તે મનોવિશ્લેષણના ક્ષેત્રમાં તેમનું મુખ્ય પ્રદાન છે. તરુણાવસ્થામાં વ્યક્તિત્વના વિકાસમાં કુટુંબનું તથા શાળાનું વાતાવરણ, સાંસ્કૃતિક મૂલ્યો તથા સમાજના આદર્શો જેવી બાબતો સવિશેષ અસર કરતી હોય છે. આ બાબતના તેઓ જોરદાર હિમાયતી છે. નીરોગી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ મનોવિશ્લેષક છે. તાદાત્મ્ય, તાદાત્મ્યને લગતી કટોકટી, મનોવૈજ્ઞાનિક શૂન્યાવકાશ જેવા ખ્યાલો સચોટ રીતે પ્રસ્તુત કરવાનું કાર્ય તેમણે કર્યું છે. વ્યક્તિત્વનો વિકાસ સાધવાના હેતુથી દરેક સમાજ પોતાની સંસ્થાઓ તથા સંગઠનો ઊભાં કરે છે, તેમ છતાં સમાન સમસ્યાઓના નિરાકરણ માટે તેના દ્વારા જે ઉકેલ શોધાય છે તેમાં ઘણી ભિન્નતા હોય છે, એમ તેમનું કહેવું છે.
તેમના પ્રકાશિત ગ્રંથોમાં ‘ચાઇલ્ડહૂડ ઍન્ડ સોસાયટી’ (1950), ‘યંગ મૅન લ્યૂથર’ (1958); ‘ઇન્સાઇટ ઍન્ડ રિસપોન્સ’ (નિબંધસંગ્રહ) (1964); ‘યુથ ઍન્ડ ક્રાઇસિસ’ (1968), ‘ગાંધી’ઝ ટ્રુથ ઑન્ ધ ઓરિજિન્સ ઑવ્ મિલિટન્ટ નૉનવાયૉલન્સ’ (1970); ‘લાઇફ હિસ્ટરી ઍન્ડ ધ હિસ્ટોરિકલ મુવમેન્ટ’ (નિબંધસંગ્રહ); ‘ટોટઝ ઍન્ડ રિઝન્સ’ (1977) તથા ‘ધ લાઇફ સાઇકલ કમ્પ્લિટેડ : અ રિવ્યૂ’ (1982) વિશેષ ઉલ્લેખનીય છે.
‘ચાઇલ્ડહૂડ ઍન્ડ સોસાયટી’ ગ્રંથમાં તેમણે વ્યક્તિત્વ, વ્યક્તિત્વની કટોકટી તથા મનોલૈંગિક સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે. તેમના મંતવ્ય અનુસાર વ્યક્તિ અનેક પ્રકારની કટોકટી તથા માનસિક તાણમાંથી પસાર થતી હોય છે; જેમાંથી સહીસલામત બહાર નીકળવા માટે આત્મવિશ્વાસ, આત્મશક્તિ, પહેલવૃત્તિ, કાર્યદક્ષતા, ઉત્પાદકતા, નીતિમત્તા તથા સ્વીકાર્યતાના ગુણ કેળવવા જોઈએ. ‘યંગ મૅન લ્યૂથર’માં માર્ટિન લ્યૂથર કિંગ પોતાના વ્યક્તિત્વની કટોકટી સાથે કેવી રીતે સંવાદિતા પ્રસ્થાપિત કરે છે તેનું તેમણે મનોવિશ્લેષણ કર્યું છે. ‘ગાંધી’ઝ ટ્રુથ….’માં તે મહાત્મા ગાંધીના વ્યક્તિગત વિકાસની ચર્ચા કરે છે તથા ભારતની અહિંસક ચળવળમાં ગાંધીજીના નેતૃત્વ સાથે તેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.
પોતાના વિચારો પ્રસ્તુત કરવાની તેમની આગવી સૂઝ અને શૈલી પ્રત્યે સામાન્ય માણસોમાં રુચિ પેદા કરવામાં તેઓ સફળ થયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
No comments:
Post a Comment