Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 April 2020

માનસિક રોગો - માન્યતા અને સત્ય

માનસિક રોગો - માન્યતા અને સત્ય

फोबिया मानसिक रोग | FIZIKA MIND


       આજે એકવીસમી સદીમાં પણ લોકોને પોતાને શારીરિક તકલીફ હોય તો કાંઈ વાંધો હોતો નથી પરંતુ વ્યક્તિ માનસિક અસ્વસ્થતા કે માનસિક બીમારી હોવાની બાબતને ભારતમાં જાહેરમાં સ્વીકારતા કે જણાવતા ખૂબ જ ખચકાટ અનુભવે છે. આજે વ્યક્તિ માનસિક બીમારીનું નામ સાંભળીને નાકનું ટેરવું ચઢાવી દે છે. માનસિક બીમારી એટલે ગાંડપણ એવું એક લેબલ લગાવી દેવામાં આવે છે અને તે જ રીતે માનસિક રોગના નિષ્ણાંત એટલે ગાંડાના ડોક્ટર એવી એક ગેરમાન્યતા સમાજમાં પ્રવર્તે છે. વ્યક્તિ પોતાને ગમે તેવી તકલીફ હોય છતાં પણ મનોચિકિત્સક, સાઈક્યાટ્રીસ્ટ કે સાઈકોલોજિસ્ટ પાસે જતાં ખચકાટનો અનુભવ કરે છે

        વિકસિત દેશોમાં બધા લોકો પાસે પોતાના ફેમિલી ફિઝીશિયન હોય તેવી રીતે સાઈક્યાટ્રીસ્ટ પણ હોય છે અને તે લોકો તેમની પાસે નિયમીત જતા પણ હોય છે અને તેમાં શરમ કે સંકોચનો કોઈ અનુભવ કરતાં હોતા નથી પરંતુ આપણા જેવા વિકાસશીલ દેશોમાં આ રોગ સાથે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તો આવો આવી જ કેટલીક માન્યતાઓ અને તેના સત્ય વિશે જાણીએ.

માન્યતા: માનસિક રોગ એટલે ગાંડપણ.

સત્ય: માનસિક રોગ લગભગ પાંચસોથી વધારે પ્રકારના હોય છે જેમાં સ્કીઝોફેનિયા, ડિપ્રેશન, ચિંતારોગ, વ્યસન, બાળકોને લગતા માનસિક રોગ મુખ્ય છે. ગાંડપણ એટલે સ્કીઝોફેનિયા એ ઘણી માનસિક બીમારીઓ જેવી એક માનસિક બીમારી છે..


માન્યતામાનસિક બીમારી એટલે વળગાડ કે મંત્ર-તંત્રની અસર કે ગ્રહોની ખરાબ અસર.


સત્ય: માનસિક બીમારી એટલે વળગાડ એવી માન્યતા આપણાં સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઈ છે. આથી કેટલાંય કિસ્સાઓમાં આ તકલીફવાળાઓની સૌ પ્રથમ ભૂત-ભૂવાની વિધી કરાવાય છે. ધાર્મિક સ્થળો ઉપર જઈને ખરાબ આત્માને દૂર કરવાની વિધી કરાવાય છે પરંતુ આજના વિજ્ઞાન પ્રમાણે મગજની અંદરથી ઝરતા કેટલાંક રસાયણો જેને ન્યૂરોટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે વધઘટ થતાં આ પ્રકારની બીમારી થતી હોય છે. .

માન્યતા: માનસિક બીમારી નબળા મનના લોકોને જ થતી હોય છે.

સત્ય: માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે. તે મજબૂતમાં મજબૂત મનના માનવીને પણ થઈ શકે છે. સમાજ જેને મક્કમ મનનાં માનતી હોય તેવા સ્ત્રી કે પુરૂષને પણ આ બીમારી થઈ શકે છે. વળી આ બીમારી જન્મથી હોતી નથઈ. તે કોઈક એક ઉંમરે શરૂ થતી હોય છે અને પછી તેના લક્ષણોમાં વધારો-ઘટાડો થતો હોય છે..

માન્યતા: માનસિક બીમારી ફક્ત મોટાઓને જ થાય.

સત્ય: માનસિક બીમારી મોટાઓને જ થાય તેવું નથી. નાની ઉંમરના બાળકોમાં પણ આ બીમારી જોવા મળે છે. મોટાઓ (વયસ્ક)માં જોવા મળતી લગભગ બધી બીમારીઓ પાંચ-સાત વર્ષની ઉંમરના બાળકોમાં પણ જોવા મળી શકે છે. ઘણીવાર આ બીમારીનાં લક્ષણો થોડા જુદા હોઈ શકે છે. વળી કેટલીક બીમારીઓ ફક્ત બાળકોમાં જ જોવા મળતી હોય તેવું પણ બને છે..

માન્યતા: માનસિક બીમારી વારસાગત હોય છે.

સત્ય: ઘણી માનસિક બીમારી વારસાગત જોવા મળે છે. જો કોઈ મા-બાપ કે તેમના સગાઓને કોઈ પ્રકારની માનસિક બીમારી હોય તો તેમના બાળકોમાં પણ આ પ્રકારની બીમારી હોવાની શક્યતા બીજા લોકો કરતાં વધી જાય છે. જો માતા-પિતા બંનેને આ પ્રકારની બીમારી હોય તો તેમના બાળકોમાં તેની શક્યતાનું પ્રમાણ વધુ હોય છે..

માન્યતા: માનસિક રોગની દવાઓ એટલે ઉંઘની જ દવાઓ.

સત્ય: માનસિક રોગની બધી જ દવાઓથી ઉંઘ આવતી નથી. કેટલીકવાર ઉંઘ આવવી એ આ રોગની જરૂરિયાત હોય છે આથી ઉંઘ આવે તેની જરૂરિયાતવાળા દર્દીઓને આ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. છેલ્લા વીસ વર્ષમાં લગભગ સો જેટલી નવી દવાઓ જે જુદા-જુદા માનસિક રોગમાં અસરકારક છે તેવી બજારમાં ઉપલબ્ધ થઈ છે જેના લીધે દર્દી બીજા બધાની જેમ જ એકદમ સામાન્ય માણસની જેમ દવાઓ લઈ કામ કરી શકે છે અને બાજુવાળાને ખબર પણ ન પડે કે તેની પાસેની વ્યક્તિ કોઈ દવા લે છે તેવું પણ બનતું હોય છે. .

માન્યતા: માનસિક રોગના ડોક્ટરને તો ના બતાવાય.

સત્ય: જેમ બધા જ રોગ માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તે રોગને વધારે સમજી શકે, સમજાવી શકે અને જરૂરિયાત પ્રમાણે દવા આપી સચોટ સારવાર કરી શકે તેવી જ રીતે સાઈક્યાટ્રીસ્ટને બતાવવાથી તે આ રોગને વધારે સારી રીતે પારખી શકે, યોગ્ય માર્ગદર્શન અને જરૂર પ્રમાણે દવા કે કાઉન્સેલિંગ કરાવવા અંગેનું સૂચન કરી શકે..

માન્યતા: માનસિક રોગની દવાની ટેવ પડી જાય.

સત્ય: ટીબી અને બીજી બીમારીઓની જેમ માનસિક રોગની દવાઓ પણ ચોક્કસ સમય માટે બહુ જરૂરી છે. સૌ પ્રથમતો આ દવાની અસર થતાં જ લગભગ બે થી ચાર અઠવાડિયાનો સમય લાગે છે અને પછી દવા બીમારીના પ્રકાર અનુરૂપ લગભગ છ થી નવ મહિના કે તેનાથી વધારે ચાલુ રાખવી પડતી હોય છે. આથી માનસિક રોગની દવાઓની ટેવ પડી ડાય છે તેવી માન્યતા પ્રવર્તતી હોય છે. ઘણીવાર કેટલીક ઉંઘની દવાથી ટેવ પડતી હોય છે પરંતુ જો તે ડોક્ટરની સલાહને અનુસરીને લેવામાં આવે તો તેને સંપૂર્ણ રીતે છોડી પણ શકાય છે..

માન્યતા: મગજના શેક ની-ઈસીટી ની સારવાર બહુ જ ગંભીર માનસિક બીમારી હોય તો જ લેવાય અને તેનાથી મગજ નબળું પડી જાય છે.

સત્ય: ઈસીટી એક વૈજ્ઞાનિક સારવાર પદ્વતિ છે પરંતુ ફિલ્મોમાં ઈસીટી- મગજના શેકને જે રીતે બતાવવામાં આવે છે તેના લીધે આ વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. હાલના સમયમાં ઈસીટી દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કરીને આપવામાં આવે છે જેમાં દર્દીને સહેજ પણ ખબર પડતી નથી અને તેને સહેજ પણ તકલીફ આપવામાં આવતી નથી. આ સારવારથી મગજ નબળું પડતું નથી. વળી આ સારવાર બહુ તોફાન કરતાં હોય તેવા જ નહીં પરંતુ ડિપ્રેશનમાં હોય અને મરવાની વાત કરતાં હોય તેવા દર્દીઓમાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. .

માન્યતા: માનસિક રીતે બીમાર દર્દીઓ મારઝૂડ અને તોફાન જ કરતાં હોય છે.

સત્ય: સામાન્યરીતે સમાજમાં જોવા મળતી મારામારી કે તોફાનો એ માનસિક રીતે સ્વસ્થ ગણાતા લોકો વધારે કરતાં હોય છે પરંતુ માનસિક રીતે અસ્વસ્થ લોકોને જ્યારે તેમનું જીવન જોખમમાં લાગતું હોય ત્યારે તેઓ ક્યારેક આ પ્રકારનું વર્તન કરતાં હોય છે. બધા જ માનસિક રોગોના દર્દીઓ આ પ્રકારનું વર્તન કરે છે તે વાત સાચી નથી..

         જેવી રીતે માનસિક બીમારે કે રોગ વિશે માન્યતાઓ સમાજમાં ફેલાયેલી છે તેવી જ રીતે આ બીમારીની સારવાર અંગે પણ ઘણી માન્યતાઓ આપણાં સમાજમાં પ્રવર્તે છે..

ડો. હિમાંશુ દેસાઈ

No comments:

Post a Comment