મનોદૈહિક માથાનો દુખાવો
‘તમે માનશો!, આ સુનંદાએ એટલી બધી ગોળીઓ ખાધી હશે કે જો માત્ર ગોળીઓનું વજન કરવામાં આવે તો કિલોમાં હશે’ શશાંકભાઇએ જરા અતિશયોક્તિ સાથે સુનંદાબહેનની ફરિયાદોનું વર્ણન ડૉક્ટરને કરવા માંડ્યું.
‘ગમે ત્યારે સુનંદાનું માથું પકડાઇ જાય. એટલું બધું દુઃખે કે જો ઘરમાં એકલા હોઇએ તો તો દીવાલ પર માથું પછાડે. જોરથી કપાળ ફરતે કપડું કે રૂમાલ બાંધી દે. સહેજ પણ મોટો અવાજ સહન ન થાય. ફોનની રીંગ વાગે તો પણ અકળાઇ જાય. અમારે તો કોઇ બાળક નથી. પણ બીજા કોઇનું બાળક ઘરે આવે તો એકદમ ચિડિયાપણું વધી જાય. ઘરમાં બધું જ વ્યવસ્થિત એની જગ્યાએ ગોઠવાયેલું જોઇએ. જો એક પણ વસ્તુ આઘી પાછી થઇ તો આવી બને. અમારે ચોવીસ કલાકનો નોકર પ્રેમજી છે. એની તો લગભગ રોજ એક વાર તો હાલત ખરાબ થઇ જ જાય. વાતે વાતે એના પર સુનંદા બહુ જ ચિડાઇ જાય પણ પછી શાંત થાય એટલે પ્રેમજીને જાતે શીરો કરીને ખવડાવે. એટલં સાચવે. એટલે હવે તો પ્રેમજી પણ સમજી ચૂક્યો છે કે શેઠાણી ગરમ થાય પણ એમના દિલમાં ખોટ નથી... આખું ઘર એકદમ ચકચકાટ ચોખ્ખું રાખે. બારી-બારણા બંધ રાખે. પડદા પણ ઢાંકેલા રાખે. ઘરે કોઇ ગેસ્ટ આવે તો એને બહુ સરસ સાચવે. પણ બહાર જવાનું મોટે ભાગે ટાળે. જ્યારે જબરજસ્તી જવું પડે ત્યારે એને ઉલ્ટી થાય કાં તો ગભરામણ થઇ જાય. ક્યારેક તો ચક્કર પણ આવી જાય. એટલે અમારે ચાલુ ફંક્શને સીધા ડૉક્ટર પાસે દોડવું પડે. એની ટ્રીટમેન્ટ થાય પછી જ રાહત થાય.
સુનંદાબહેનની ક્લિનિકલ હિસ્ટ્રી સૂચક છે. એમના ફેમિલીમાં એ એકની એક દીકરી. એમના ફાધર બેંકમાં મેનેજર અને મમ્મી સ્કૂલમાં ટીચર. બંનેના સ્વભાવ બહુ જ ડિસીપ્લીન વાળા. આમ સુનંદાબહેન પરફેક્ટ રીતે ઉછેરાયેલા. પણ ડિસીપ્લીનની કાંટાળી બાઉન્ડ્રીમાં જ, એટલે શિસ્ત તો જાણે એમના DNAમાં દોડતું. પરફેક્શન એમનો પ્રાણવાયુ હતો. ઓર્ગેનાઇઝ્ડ રહેવું એમની ઓળખાણ હતી પણ મુખ્ય વાત એ હતી કે મેરેજના પાંચ વર્ષ થયા તો પણ એમને કોઇ બાળક નહતું. મમ્મી પાસેથી સાંભળેલું કે લગ્નના બે-ત્રણ વર્ષમાં તો ચાઇલ્ડ જોઇએ જ. તો જ આખી લાઇફ પ્લાનિંગથી જાય. આ વાત સુનંદાબહેનના અચેતન માનસમાં ઘર કરી ગઇ હતી. ‘આટલા બધા’ વર્ષો થઇ ગયા તો પણ હજુ મારૂ ફેમિલી કંપલીટ નથી એવી અપૂર્ણતાની ભાવના માથાના દુઃખાવામાં પરિણમી હતી.
અચેતન માનસમાં દમિત થયેલા સંઘર્ષો કે અપૂર્ણ ઇચ્છાઓ હંમેશા બહાર આવવા મથે છે. ક્યારેક સ્ટ્રેસના સ્વરૂપમાં તો ક્યારેક મોટી મનોવિકૃત્તિના સ્વરૂપમાં દેખા દે છે. આ કિસ્સામાં પેલી દમિત ચિંતા અને ઇચ્છા માથાના દુઃખાવા સ્વરૂપે બહાર આવી. જે શારીરિક રોગના મૂળમાં માનસિક કારણો પડેલા હોય તેને મનોદૈહિક બિમારીઓ કહેવાય છે.
સુનંદાબહેનને ‘સપોર્ટીવ સાયકોથેરપી’ આપવામાં આવી. બાળક મોડું થવું કોઇ અપરાધજન્ય ભૂલ નથી. એનાથી કોઇ મોટું પ્લાનિંગ ખોરવાઇ જતું નથી. માતા-પિતાના વિચારો અને માન્યતાઓનો પૂરતો આદર થવો જ જોઇએ. પણ લગ્ન પછી પરિસ્થિતિ બદલાતી હોય છે તેવામાં જરૂરિયાત મુજબની અનુકૂલનવૃત્તિ કેળવવી પડે છે. થોડી ફલેક્સિબિલીટીની ટેવ હોય તેવા લોકો વધુ સારી ક્વોલિટી લાઇફ જીવી શકે છે. સુનંદાબહેન કાઉન્સેલિંગ અને થેરાપી આપવાથી રિલેક્સ થઇ રહ્યા છે.
સ્ત્રોત: ઉત્સવી ભીમાણી, નવગુજરાત સમય હેલ્થ
No comments:
Post a Comment