Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

16 June 2020

સ્ટ્રેસ સામે લડવાની ચાવી


સ્ટ્રેસ સામે લડવાની ચાવી
Pintar Carinya Cepat Suksesnya: Mengatasi Stress di Kantor
           સ્ટ્રેસ ઓછો કરવા માટે વિચારસરણીમાં પરિવર્તન લાવવાથી જ જીવનભરનો કે લાંબા ગાળાનો ફાયદો થાય છે.

           ડોક્ટરો કહે છે કે પ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ, એસિડીટી, પાચનમાર્ગ કે ચેતાતંતુની કોઈ બિમારી, લાંબા સમયના માથાના, સ્નાયુના કે સાંધાના દુખાવાની પાછળ સ્ટ્રેસ જવાબદાર છે. આપણે સહુ આ સ્ટ્રેસ શબ્દનો બહુ છૂટથી ઉપયોગ કરીએ છીએ પણ સ્ટ્રેસ કેવી રીતે થાય છે એ સમજવામાં કાચા પડીએ છીએ. વળી આપણે જોઈએ છીએ કે એક જ સરખી પરિસ્થિતિમાંથી પસાર થતી બે વ્યક્તિમાંથી એકને બહુ સ્ટ્રેસ થાય અને એકને જરાયે સ્ટ્રેસ ન થાય એમ પણ બને છે.આપણે ચર્ચા કરી એ મુજબ સ્ટ્રેસ માટે કામનો બોજ ભાગ્યે જ જવાબદાર હોય છે. ખરેખર તો સ્ટ્રેસ નીચે જણાવ્યા છે એવાં કારણોસર થાય છે.
  1. જીવનની કટોકટીની સ્થિતિ વખતે નકારાત્મક અથવા ડરપોક વિચારસરણી રાખવાથી.
  2. મુશ્કેલ સમયે ભવિષ્યની થોડીઘણી અનિશ્ચિતતાનો સ્વીકાર કરવાની તૈયારીનો અભાવ હોવાથી.
  3. જડ વિચારસરણીને કારણે અચાનક આવી પડેલી પરિસ્થિતિ પ્રમાણે તાત્કાલિક વ્યૂહ બદલવાની અક્ષમતા હોવાથી.
  4. પોતાની પાસે અને બીજાની પાસે પરફેક્શનનો આગ્રહ રાખવાથી.
  5. અવાસ્તવિક અપેક્ષાઓ કે તરંગી યોજનાઓ શરૂ કર્યા પછી સાકાર કરવાની અસમર્થતા હોવાથી.
  6. વાસ્તવિકતાને બદલે પોતાની જિદને વધુ મહત્વની ગણી અસમાધાનકારી અભિગમ રાખવાથી.

          મોટેભાગે વર્કલોડના કારણે નહીં પરંતુ ઉપર જણાવ્યા તેવા વલણ ધરાવવાને કારણે સ્ટ્રેસ થાય છે. આવા વલણ ધરાવનારી વ્યક્તિઓને ડિપ્રેશન કે એંઝાઈટીની બિમારી સીધેસીધી ન થાય પરંતુ ‘સાઈકોસોમેટિક' બિમારી થાય એવું ઘણીવાર બને છે. જો તમને નીચે જણાવેલા લક્ષણોમાંથી કોઈ લક્ષણો લાંબા સમયથી હોય તો તમારી આ તકલીફ સ્ટ્રેસના કારણે હોવાની સંભાવના છે.
  1. માથાનો દુખાવો, આધાશીશી કે માઈગ્રેન
  2. એસિડીટી, ખાટા ઓડકાર, ઉબકા
  3. ગભરામણ, બેચેની, અનિદ્રા
  4. ચક્કર, આંખે અંધારા આવવા
  5. હાથપગના તળિયે બળતરા, ઝણઝણાટી
  6. ચહેરા પર કે દાઢનો દુખાવો
  7. પીઠ, કમર, ઘૂંટણ કે પગના તળિયાનો દુખાવો
  8. સ્નાયુઓનો દુખાવો.


                સ્ટ્રેસ ન થાય એ માટે વિચારસરણી અથવા જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી છે એ અન્ય લોકોને તરત સમજાય છે પરંતુ સ્ટ્રેસથી પીડાતી વ્યક્તિને પોતાને ‘ફિક્સ્ડ' આઈડિયાઝનો પ્રોબ્લેમ હોવાને કારણે તેઓ પોતાની અંદર પરિવર્તન જરૂરી છે એમ સમજતાય નથી અને પરિવર્તન લાવવા તૈયાર થતા પણ નથી. આ તો એવી ઘટના છે જેમ કે કોઈની નજર કમજોર હોય એને આપણે ઝીણા અક્ષરે લખી આપીએ કે તને આટલા નંબર છે તો એ ન જ વાંચી શકે અને બહેરાશવાળી વ્યક્તિને ધીમા અવાજે કહીએ કે તમને બહેરાશ છે, તો એને ન જ સંભળાય! એમ સ્ટ્રેસથી પીડાતી વ્યક્તિ પરિસ્થિતિ પર, વિશ્વ પર દોષારોપણ કરીને ય પોતાની જાતમાં ફેરફારનો અવકાશ છે, એમ જલદી સમજી શકતી નથી. વળી એમને સીધેસીધું ‘તમારો સ્વભાવ બદલવાની જરૂર છે' એમ કહીએ તો એ અપમાનિત થયાની લાગણી અનુભવે છે. ઘણીવાર ડોક્ટરો પણ આવી વ્યક્તિઓ સાથે ચર્ચા કરવાનું ટાળીને માનસિક તાણ ઓછી કરવા માટે દવા લખી આપી છૂટી જાય છે. ઘણા કિસ્સામાં આ દવા જરૂરી પણ હોય છે, પણ એ કાયમી ઉકેલ નથી. સ્ટ્રેસ ઓછો કરવા માટે વિચારસરણીમાં પરિવર્તન લાવવાથી જ જીવનભરનો કે લાંબા ગાળાનો ફાયદો થાય છે.

          આવો સ્ટ્રેસ ઓછો કરવાની કેટલીક સાર્વત્રિક ચાવીઓ (માસ્ટર કીઝ) વિચારીએ.
  1. યાદી, લિસ્ટ, ટાઈમ ટેબલ વગેરે બનાવવું જરૂરી છે પણ એને કોઈપણ સંજોગોમાં વળગી જ રહેવું શક્ય નથી.
  2. જગત સંપૂર્ણ નથી. તમે પણ સંપૂર્ણ નથી. પોતાની કે બીજાની ભૂલ કે ચૂક બદલ આકરા ન થવું.
  3. પ્લાન A હંમેશા વર્ક ન પણ કરે. પ્લાન A સફળ થાય એ માટે પૂરું જોર લગાવો પરંતુ પ્લાન A ફેલ જવા માંડે તો પ્લાન B તૈયાર રાખો. .
  4. પૂરી તૈયારી પછી પણ રણમેદાનમાં ‘પડશે તેવા દેવાશે'ની નીતિ જ વધુ કારગત નીવડે છે.
  5. જીવન એક પછી એક કાર્યોની હારમાળા છે. તેથી તાણયુક્ત રહીને કાર્ય કરવાથી કોઈ ફાયદો નથી. કાર્ય બને એટલું આનંદથી થાય એ જરૂરી છે. ઘણીવાર કાર્ય પરફેક્ટ થાય એના કરતાં કાર્ય આનંદથી થાય એ વધારે જરૂરી હોય છે.
  6. લાંબો વિચાર કે આયોજન ક્યારેક જરૂરી છે પરંતુ કાયમ એનો ભાર રાખી ન ફરાય. સૂતા પહેલાં મન પરથી બધા કામ ખંખેરી નાખવા જરૂરી છે. પોતાના મન અને શરીરને આરામની છૂટ પોતે જ આપવી પડે છે. લાંબા ગાળાનું પ્લાનિંગ ઉપરછલ્લું રાખી માત્ર આજના પ્લાનિંગ પર ધ્યાન રાખવું જરૂરી છે. ‘લીવ વન ડે એટ અ ટાઈમ' એ શાંતિનો મહામંત્ર છે.
  7. બીજાઓની અનિયમિતતા કે બિનજવાબદારીને કારણે તમારું આયોજન ખોરવાઈ શકે છે. આ વિશાળ જગતમાં ક્યાંક ને ક્યાંક અનિયમિતતા, અરાજકતા ચાલતી જ હોય છે, એનો ભેટો તમને ન થાય તો જ નવાઈ. કોઈ પણ કામમાં બધી તૈયારી કરી હોય તે છતાં જરાતરા અડચણ આવવાની તૈયારી રાખો.

              ચોકલેટ : કાર્યમાં તૈયારી કરતાં એલર્ટનેસ વધુ જરૂરી છે. તૈયારીનો સ્ટ્રેસ રાખનારની એલર્ટનેસ ઓછી થાય છે. જે સ્ટ્રેસમાં હોય એ પ્રસન્ન ન હોય. જે પ્રસન્ન ન હોય એ એલર્ટ ન હોય. જે એલર્ટ ન હોય એ સફળ ન થાય.

સ્ત્રોત; ફેમિના રઈશ મણિયાર

No comments:

Post a Comment