Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

03 October 2020

શું તમે સતત સ્ટ્રેસમાં રહો છો? તો શ્વાસ પર ધ્યાન આપો

શું તમે સતત સ્ટ્રેસમાં રહો છો? તો શ્વાસ પર ધ્યાન આપો

            તાજેતરના રિસર્ચ મુજબ સતત સ્ટ્રેસમાં રહેતા લોકોએ પોતાના શ્વાસ ધીમા કરવા જોઈએ જેનાથી સ્ટ્રેસ કાબૂમાં આવે છે. શ્વાસનો સીધો સંબંધ તમારી શારીરિક, માનસિક અને ભાવનાત્મક પરિસ્થિતિ સાથે છે. એમાંથી કોઈ પણ પરિસ્થિતિ બદલાય એટલે શ્વાસની સ્થિતિ બદલાય છે. એનાથી ઊલટું જો શ્વાસ પર કાબૂ લઈએ તો શારીરિક, માનસિક કે ભાવનાત્મક પરિસ્થિતિ બદલાવી શકાય છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે એટલે જ પ્રાણાયામ શ્રેષ્ઠ સાધના છે



૧. જ્યારે તમે ખૂબ જ ખુશ હો, પ્રસન્ન હો અને અંદરથી સ્વસ્થ ફીલ કરતા હો ત્યારે તમે તમારા શ્વાસ પર ધ્યાન આપ્યું છે?

૨. જ્યારે તમે ખૂબ જ ચિંતામાં હો, કશું ગમતું ન હોય, અંદરથી ગૂંગળાઈ ગયા હો એવું લાગે ત્યારે તમે તમારા શ્વાસ પર ધ્યાન આપ્યું છે?

૩. જ્યારે તમે અઢળક કામની વચ્ચે અટવાયેલા હો કે પછી મિત્રો સાથે બેઠાં-બેઠાં ગપ્પાં મારતા હો એ બન્ને સમયે તમારો શ્વાસ તો ચાલતો જ હોય છે.

પરંતુ શું એ બન્ને સમયે તમે એકસરખો શ્વાસ લો છો?

           શ્વાસને પ્રાણવાયુ પણ કહે છે, કારણ કે એ આપણા શરીરમાં અંદર પ્રવેશી દરેક કોષને જીવંત રાખવાનું કામ કરે છે. વ્યક્તિ આ દુનિયામાં પહેલો શ્વાસ લે ત્યારે તેને જીવંત હોવાનું સર્ટિફિકેટ ડૉક્ટર આપે છે. જ્યારે શરીરમાં પ્રાણતત્વ પૂરતું હોય ત્યારે વ્યક્તિ ખુશ, જાગૃત, શક્તિનો ભંડાર, ઉત્સાહ અને મસ્તીથી ભરપૂર હોય છે. જ્યારે પ્રાણતત્વ ઘટી પડે ત્યારે આળસ, ડલનેસ, આત્મવિશ્વાસ અને ઉત્સાહની કમી સરજાઈ જાય છે. આ શ્વાસ સદા એકસરખો રહેતો નથી, કારણ કે આ સમગ્ર સંસાર એક લયમાં ચાલે છે એ રીતે શ્વાસનો પણ એક લય છે અને એ લય બદલાતો રહે છે. જો દિવસ દરમ્યાન તમારા મૂડ્સ પ્રમાણે શ્વાસને ઑબ્ઝર્વ કરો તો ખબર પડશે કે અલગ-અલગ પરિસ્થિતિમાં શ્વાસનો લય અલગ-અલગ હોય છે. ધીમા કે ઝડપી શ્વાસ, ઊંડા કે છીછરા શ્વાસ, અનિયમિત કે નિયમિત શ્વાસ જેવા શ્વાસના ઘણા પ્રકાર અને એનો જુદો-જુદો લય જોવા મળે છે એનો અર્થ એ થયો કે તમારી શારીરિક અને માનસિક પરિસ્થિતિની અસર શ્વાસ પર પડે છે તો એનાથી ઊંધું શ્વાસની અસર શારીરિક અને માનસિક પરિસ્થિતિ પર પણ પડે જ. એટલે ધારો કે જ્યારે તમે દુ:ખી હો છો ત્યારે તમારો શ્વાસ અધૂરો અને ઉપરછલ્લો લાગે છે અને ખુશ હો ત્યારે લાંબો અને પૂરો. તો જ્યારે તમે દુ:ખી હો ત્યારે જો તમે લાંબો અને પૂરો શ્વાસ લો તો શું તમારું દુ:ખ ખુશીમાં પરિણમે? જવાબ છે હા, ચોક્કસ પરિણમી શકે. જરૂર છે તો થોડી શ્વાસને સમજવાની અને થોડી બ્રીધિંગ ટેક્નિક્સની પ્રૅક્ટિસ કરવાની.

સ્ટ્રેસ અને શ્વાસ

          વર્ષોથી ભારતમાં પ્રાણવાયુને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને પ્રાણાયામ એ ટેક્નિક છે જેની શોધ ભારતમાં હજારો વર્ષો પૂર્વે થઈ હતી. આજે પશ્ચિમી દેશો એના પર રિસર્ચ કરે છે અને એને અપનાવી પણ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાની નૉર્થ કૅરોલિના યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ અનુસાર જે લોકો નાની-નાની વાતોમાં પણ સ્ટ્રેસ લેતા હોય એવા લોકોને સ્લો બ્રીધિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

           સામાન્ય રીતે મલ્ટિટાસ્કિંગ દરમ્યાન સમયની મારામારીને કારણે વ્યક્તિ સ્ટ્રેસ અનુભવવા લાગે છે. ખાસ કરીને સમય વેડફાઈ ગયો એની ગિલ્ટ કે અપરાધભાવ, કામ નહીં થઈ શકે એનો ડર વ્યક્તિના સ્ટ્રેસને વધારે છે. આવા સમયે સ્વાભાવિક રીતે શ્વાસની ગતિ વધી જાય છે. રિસર્ચ મુજબ ત્યારે શ્વાસને ધીમા કરવાથી જે-જે લાગણીઓને કારણે સ્ટ્રેસ અનુભવાતો હોય એ લાગણીઓ ધીમે-ધીમે ચૅનલાઇઝ કરી એને ઉત્સાહ અને આનંદમાં બદલી નાખે છે. પ્રાણાયામ વડે સ્ટ્રેસને દૂર કરી શકાય કે નહીં એ પ્રfનનો જવાબ આપતાં ન્યુ એજ યોગ ઑર્ગે‍નાઇઝેશન, વિલે પાર્લેનાં ફાઉન્ડર અને યોગગુરુ સંધ્યા પતકી કહે છે, ‘બ્રીધિંગ એટલે શ્વાસ અથવા પ્રાણ અને પ્રાણાયામ એટલે પ્રાણની દરેક દિશામાં ગતિ. પ્રાણાયામ દ્વારા આપણે શારીરિક અને માનસિક પરિસ્થિતિને કન્ટ્રોલમાં રાખી શકીએ છીએ. માનસિક અને ભાવનાત્મક ડિસ્કમ્ફર્ટ એટલે કે અગવડને સ્ટ્રેસ કહે છે. શ્વાસ પરનો કાબૂ માનસિક અને ભાવનાત્મક ડિસ્કમ્ફર્ટને કમ્ફર્ટમાં ફેરવવાની તાકાત રાખે છે. પ્રાણાયામ દ્વારા લાગણીઓમાં પહોંચતી ખલેલ અને માનસિક કાર્યક્ષમતામાં આવતી અડચણ દૂર કરી શકાય છે.’

શું કરવું?

         પ્રાણાયામ દરરોજ અભ્યાસની વસ્તુ છે. જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે બ્રીધિંગ બદલવાથી જે અસર થાય છે એ અસર દરરોજ નિયમિતરૂપે પ્રાણાયામ કરવાથી વધુ ગહેરી બને છે અને વ્યક્તિને સ્ટ્રેસ આવવાની પ્રક્રિયા જ ઓછી થતી જાય છે એમ સ્પક્ટ કરતાં સંધ્યા પતકી કહે છે, ‘પ્રાણાયામની સાધના હંમેશાં ઊઠતાંની સાથે કે રાત્રે સૂતાં પહેલાં કોઈ પણ એક સમયે કરી શકાય છે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ખાલી પેટ પ્રાણાયામ કરવા. કંઈ પણ ખાધા પછી ઓછામાં ઓછો ૨-૩ કલાકનો ગૅપ હોવો જરૂરી છે. પ્રાણાયામ જો કોઈ ગુરુ પાસે શીખ્યા ન હોય તો ક્યારેય જાતે ટ્રાય ન કરવા.

એક વાર વ્યવસ્થિત કોઈ પાસેથી શીખ્યા પછી જ એની પ્રૅક્ટિસ કરવી.’

પ્રાણાયમના પ્રકાર અને ફાયદા

યોગગુરુ સંધ્યા પતકી પાસેથી જાણીએ જુદા-જુદા પ્રાણાયામ અને એનાથી થતા ફાયદા.

અનુલોમ-વિલોમ : બન્ને નાસિકાઓને વારાફરતી બંધ કરી કરવામાં આવતા આ પ્રાણાયામ વ્યક્તિની ઇમ્યુનિટીને સુધારે છે અને એનજીર્ને બૅલૅન્સ કરે છે. અસ્થમા કે બ્લડ-પ્રેશરના દરદીઓએ આ ટેક્નિકમાં વચ્ચે શ્વાસ રોકવામાં આવે છે એ જગ્યાએ શ્વાસ ન રોકવો.

ઉજજઈ : નાકને બદલે ગળાના ઘર્ષણથી લેવામાં આવતા શ્વાસની આ ટેક્નિકથી વ્યક્તિની અંદર આઝાદી કે મોકળાશની અભિવ્યક્તિ ખીલે છે, ડર દૂર થાય છે અને જાત પર કાબૂ આવે છે. આ પ્રાણાયામ હાઇપરઍક્ટિવ, વધુપડતી વાતો કરતી અને સાઇકોલૉજિકલ ડિસઑર્ડર ધરાવતી વ્યક્તિએ ન કરવો.

શીતલી : શરીરને ઠંડક આપતા આ પ્રાણાયામની સાધનાથી ઍસિડિટી દૂર થાય છે, બ્લડ-પ્રેશર ઘટે છે, કૅન્સરના દરદીઓની રિકવરી માટે ઉપયોગી છે. જે લોકો અંતમુર્‍ખી છે એવા લોકોએ આ પ્રાણાયામ ન કરવો.

સૂર્યભેદા : શરીરને ગરમી આપતો આ પ્રાણાયામ વજન ઘટાડવા માટે ઉપયોગી છે, કારણ કે એ મેટાબોલિઝમને બળ આપે છે. આ ઉપરાંત આત્મવિશ્વાસ જગાવવા, પોતાની અંદર ઘટતો સ્પાર્ક જગાડવા પણ આ પ્રાણાયામ ઉપયોગી છે. જે લોકોને ઍસિડિટી કે અલ્સરની તકલીફ હોય તેમણે આ પ્રાણાયામ ન કરવો.

ભસ્ત્રિકા : પેટ દ્વારા થતું આ ફોર્સફુલ બ્રીધિંગ પાચનપ્રક્રિયાને બળ આપે છે, ખોરાક પૂરી રીતે શરીર દ્વારા ઍબ્સૉર્બ થાય છે જેને લીધે પોષણ પૂરું મળે છે. જેમનું પેટ ખરાબ હોય કે જેમને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રૉમની તકલીફ હોય તેમણે આ પ્રાણાયમ ન કરવો.

કપાલભાતિ : ઉચ્છવાસ પર વધુ ધ્યાન આપતા આ પ્રાણાયામ થકી કફ, શરદી, સાઇનસથી છુટકારો મેળવી શકાય છે; પરંતુ જ્યારે શરદી કે સાઇનસ થાય કે કાન-નાક-ગળાનું કોઈ ઇન્ફેક્શન થાય ત્યારે આ પ્રાણાયામ ન કરવો. બાકી નિયમિતપણે એ કરવાથી આ તકલીફો થતી નથી.

-જિગીષા જૈન

No comments:

Post a Comment