Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

19 September 2020

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન



પચાસેક વર્ષના કમલભાઈ સરકારી ખાતામાં કલાર્ક ની નોકરી કરે છે. હમણા ઘણા સમય થી તેમને કામકાજ માં ખુબજ મુશકેલી પડે છે. છેલ્લા પાંચેક વર્ષથી તો અત્યંત વધારે. કમલભાઇ ને કામ માં ખુબજ્ વાર લાગતી હતી. આમતો તેનુ કામ પહેલેથીજ ચોક્સાઇવાળુ. પરંતુ હવે તો હદ થઇ. તે દરેક કામ માં વાર લગાડૅ. કોઇ નાના કાગળનો જવાબ કરવાનો હોય તો પણ તેમને મુશકેલી પડે. લખી લીધા પછી વારંવાર શંકા રહ્યા કરે. કે આ જવાબ યોગ્ય છે કે નહી? કોઇ ભુલ તો નથી રહી ગઇ ને? મોટાભાગે તેને બીજા કે ત્રીજા પ્રયત્ને તેને પત્ર થી સંતોષ થાય. ઘણી વખત તો પત્ર પોસ્ટ કરી દિધા પછી પણ ચિંતા રહ્યા કરે કે, મેં પત્ર બરાબર તો લખ્યો હતો કે નહીં? પોતે જે કહેવા માગે છે તે સામી વ્યક્તી સમજી શકશે કે નહી? આમતો તેમને ખ્યાલ હતો કે તેનો લખેલ પત્ર વ્યવસ્થીત જ છે. પણ આ શંકાને મન માંથી દુર કરવી તેમના માટે લગભગ અશક્ય હતી.

કોઇ પણ કામ માં તેને આ શંકાતો અવશ્ય રહેતી કે,તેણે કરેલું કામ વ્યવસ્થીત છે કે નહીં? તેણે કાગળ તેને યોગ્ય ફાઇલ માંજ મુક્યો છે કે નહીં? તેણે ફાઇલ પાછી તેની મુળ જગ્યાએ જ મુકી છે કે કેમ? તેનાથી કામમાં કોઇ ભુલ તો નથી થતીને? આવી ઘણી ચિંતાઓ તેમને રહ્યા કરતી. ફરી થી કબાટ માંથી ફાઇલ નિકાળીને ચેક કરે પછી જ તેમને શાંતી થાય.

ઘરે પણ પરિસ્થિતી કંઇક સરખી જ હતી. હાથ ધોઇ લીધા પછી પણ તેને વાર્ંવાર થયા કરે કે હાથ વ્યવસ્થીત ધોયેલા નથી. અને વારંવાર હાથ ધોયા કરે. ન્હાવામાં પણ બહુ જ વાર લાગે. શરિર પર વારંવાર પાણી ઢોળ્યા કરે. એક વાર પૈસાગણી લીધા હોય તો પણ એમ થયા કરે કે કંઇક ભુલ તો નથી રહી ગઈને? બે ત્રણ વાર પૈસા ગણી લે ત્યારે જ સંતોષ થાય. બાઇક ને લોક કરી લીધા પછી એમ થયાકરે કે લોક વ્યવસ્થીત કર્યુંતો છે કે નહીં? ઘણી વખત તો પાછા જઇ ને લોક ચેક કરી આવે પછી જ સંતોષ થાય.

“સાહેબ, ખબર નહીં છેલ્લા ચારેક વર્ષ થી આ શું થઇ ગયું છે. હું કોઇ કામજ નથી કરી શકતો. ઉપરી અધીકારી આક્ષેપ કરે છે કે મારે કામ કરવું નથી માટે હું ઢોગ કરું છુ. મારી મુશકેલી કોઇને કહુ તો કોઇ માનવા તૈયાર નથી. હવે મારે નોકરી માં રાજીનામુ મુકવું છે. રાજીનામુ આપી પણ દિધુ હતુ, પણ ત્યા બીજા સાહેબ બદલી થી આવી ગયા, એમણે મારું શરુઆતના સમય નું કામ જોયેલું અને તેમણે મને થોડૉ સમય રજા લઇ આપ ને મળવાની સલાહ આપી.” કમલભાઇ એ આવતા જ પોતાની બધી તકલીફ ની વાત કરી.

“સાહેબ, એક તો હમણા પાણી ની તંગી અને આ પાણી ઢોળ્યા કરે. કલાક કલાક સુધી બાથરુમમાંથી બહાર જ ના નિકળે. અરે બીજાએ તો ન્હાવાનુ હોય કે નહીં, છોકરાને સ્કુલે જવાનુ મોડુ થાય, તોય શેય વાતે બહાર જ ના આવે.” કમલભાઇ ના પત્નીએ પોતાની ફરિયાદ કરી.

કમલભાઇ ઓબ્સેસિવ કમ્પલ્ઝીવ ડિસઓર્ડર અર્થાત ધુનરોગ નામે ઓળખાતી બિમારી થી પિડાય છે. આ બિમારી ખુબજ સામાન્ય છે. સમાજ માં તેનુ પ્રમાણ આશરે ૩ થી ૪ ટકા જેટલું માનવામાં આવે છે.

આ તકલીફમાં વ્યક્તી ને વારંવાર શંકા પડ્યા કરે છે કે પોતે કરેલ કામ વ્યવસ્થીત છે કે નહીં. અને તે એ શંકાનું સમાધાન કરવા વારંવાર ચેક કર્યા કરે છે. જેમકે કમલભાઇ ના કેસમાં તેને વારંવાર શંકા પડે છે કે પોતે લખેલો કાગળ વ્યવસ્થીત છે કે નહીં? પોતે જે કહેવા માગે છે તે સામી વ્યક્તી સમજશે કે નહીં? પોતે કાગળો વ્યવસ્થીત ફાઇલ કર્યા છે કે નહીં? ફાઇલ વ્યવસ્થીત કબાટમાં મુકી કે નહીં? હાથ વ્યવસ્થીત સાફ થયા છે કે નહીં? લોક વ્યવસ્થીત બંધ થયું છે કે કેમ? અને આ શંકા ના સમાધાન માટૅ તે આ વસ્તુઓને વારંવાર ચેક કર્યા કરે છે.

મોટાભાગે આ બિમારી કમલભાઇ ના કેસ જેટલી ગંભીર હોતી નથી. વ્યક્તી પોતે પોતાનુ કામ ગમેતેમ મેનેજ કરી લે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ તકલીફ ઘણી વધી જાય છે અને મનમાં થતી શંકાઓ અને તેના સમાધાન માં વ્યક્તી એટલોબધો સમય પસાર કરે છે કે ઘણી વાર તેના અગત્યના કામો અટકી પડે છે. જ્યારે વ્યક્તી દિવસમાં એક કલાક કરતા વધુ સમય આવી વિવિધ શંકાઓ અને તેના સમાધાનમાં પસાર કરે અથવા વ્યક્તીને પોતાને આ વારંવાર થતી શંકાઓ અને તેનુ ફરજીયાત પણે કરવું પડતુ સમાધાન મુશકેલી રુપ લાગે ત્યારે આ બિમારી ની સારવાર આવશ્યક બને છે.

વ્યક્તી પોતે પણ જાણતો જ હોય છે કે આ બધી જ શંકાઓ તર્કવિહિન છે. અને તેના સમાધાન માટે વારંવાર ચેક કરવું કે હાથ ધોવા બિલકુલ જરુરી નથી. પરંતુ આ વિચારો પર તેનો કાબુ હોતો નથી. અને જ્યા સુધી આ વિચારો નુ સમાધાન ના થાય ત્યા સુધી આ વિચારો મન માંથી દુર થતા નથી અને વ્યક્તી ને માનસિક ત્રાસ આપ્યા કરે છે. અને આ શંકાનુ સમાધાન કરવાથી તત્કાલીન આ વિચારો નુ જોર ઘટે છે પણ બિમારી લંબાયા કરે છે.

ડિપ્રેશન ની માફક આ બિમારી પણ “સિરોટોનીન” નામના રસાયણ ની ઉણપ થી થાય છે, એવું માનવામાં આવે છે. અને સિલેક્ટીવ સિરોટોનીન રિઅપટેક ઇનહીબિટર ગુપની દવાઓ જેવી કે ફ્લુઓક્ષેટીન, પેરોક્ષેટીન, સરટાલીન આ બિમારી માં ઉપયોગી નિવડે છે. ટ્રાઇ સાઇક્લિક એન્ટીડિપ્રેશન્ટ ગ્રુપની “ક્લોમીપ્રામીન” પણ કેટલાક કિસ્સાઓ માં ઉપયોગી નિવડી શકે છે. ઉપરોક્ત દવાઓનો ઉપયોગ નિષ્ણાત મનોચિકિત્સકની દેખરેખ હેઠળ કરવો આવશ્યક છે.

દવાઓ ઉપરાંત “એક્સપોઝર અને રિસ્પોન્સ પ્રિવેન્શન” થી ઓળખાતી બિહેવીયર થેરાપી (કે જેમાં શંકાઓ ના સમાધાન ના રોકવાં પર ભાર મુકવામાં આવે છે.) નો ઉપયોગ પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ સારવાર પર વધુ ચર્ચા આગળ ઉપર કરશું.



ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

No comments:

Post a Comment