Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

23 September 2020

ડિમેન્શિયા વિષે જાગૃત બનીએ

ડિમેન્શિયા વિષે જાગૃત બનીએ

          છેલ્લાં થોડાં વર્ષોથી માનસિક રોગ વિષે જાણકારી વધુ ઉપલબ્ધ થતી જાય છે, અને લોકો તે વિષે જાગૃત પણ થતાં જાય છે. તેમાંની એક બીમારી છે ડિમેન્શિયા. એ શબ્દ સાંભળતાં તમને કયો વિચાર આવે, તેમ પૂછો તો સહુ અલગ અલગ જવાબ આપશે; કોઈ કહેશે વિસ્મૃતિ, તો કોઈને વૃદ્ધાવસ્થા યાદ આવે, કોઈ તેને આલ્ઝાઈમર સાથે પણ સરખાવે. આ પ્રતિભાવો સ્વાભાવિક છે.

           દર વર્ષે 21મી સપ્ટેમ્બરનો દિવસ આલ્ઝાઈમર જાગૃતિ માટે ફાળવવામાં આવ્યો છે. આલ્ઝાઈમર ડિમેન્શિયા થવા માટેનું ઘણામાંનું એક કારણ પણ છે. લગભગ સોએક વર્ષથી આલ્ઝાઈમર રોગનાં કારણો માટે સંશોધનો થતાં રહ્યાં છે, પરંતુ તેનું કોઈ એક ચોક્કસ કારણ હજુ સુધી હાથ નથી લાગ્યું. યુનાઇટેડ કિંગ્ડમમાં આશરે 8,50,000 લોકોને ડિમેનશિયા છે, અને દુનિયામાં લગભગ 40 કરોડથી વધુ લોકોને આ રોગનો ભોગ બનવું પડ્યું છે. એટલે કે દુનિયામાં ઘણાં લોકોને આ બીમારીથી મુક્ત કરવા, એ મોટો પડકાર છે. 

કોઈ પૂછે કે ડિમેન્શિયા એટલે શું?


           તેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કેમ કે એ કોઈ એક જ પરિસ્થિતિ નથી, એ એક કરતાં વધુ લક્ષણો અને ચિન્હોનો સમૂહ છે. જેમ કે યાદશક્તિ ખોઈ બેસવી, સમસ્યા ઉકેલતી વખતે કે ભાષાનો ઉપયોગ કરતાં મુશ્કેલી અનુભવવી, અને મૂડ, આસપાસનાં વાતાવરણને સમજવાની દ્રષ્ટિ અને વર્તનમાં ફેરફાર થવો. શરૂઆતમાં આ ફેરફાર સામાન્ય લાગે તેવા હોઈ શકે, પણ રોજિંદા જીવનને બહુ ખરાબ અસર કરી શકે. મગજના સામાન્ય કોષોમાં અસાધારણ એવા એમિલોઈડ અને ટાઉ નામના પ્રોટિન જમા થાય, જેથી મગજના કોષો એકબીજા સાથે સંદેશની આપ લે ન કરી શકે અને તેમાં વિકૃતિ આવે.

ડિમેન્શિયાના મુખ્ય ચાર પ્રકારો છે:

         આલ્ઝાઈમર, વાસ્ક્યુલર, લુઇ બોડી અને ફ્રન્ટોટેમ્પોરલ. ડિમેન્શિયા થયેલ વ્યક્તિઓની કુલ સંખ્યામાંથી 60-70%ને આલ્ઝાઈમર કારણભૂત હોય છે, 20%ને વાસ્ક્યુલર ડિઝિઝ જવાબદાર હોય છે, 5-10%માં લુઇબોડી અસરકર્તા હોય છે, તો 10-15%ને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા લાગુ પડેલો હોય છે.

આલ્ઝાઈમરમાં મગજમાં પ્રોટિનના ફેરફારને કારણે મગજના જ્ઞાનતંતુઓ સંદેશ ન આપી શકે. સ્ટ્રોક થયા બાદ, લોહીનું પરિભ્રમણ ઓછું થાય, જેથી પ્રાણવાયુ ઓછો મળવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા થાય. લુઈબોડીમાં ચેતા કોષોમાં નાના ગઠ્ઠા જમા થતા હોય છે, જે કેમિકેલ સંદેશવાહકોનું પ્રમાણ ઘટાડે છે, જેમ કે પાર્કિન્સન્સમાં લુઈબોડી જમા થતા હોય છે. ફ્રન્ટોટેમ્પોરલ પ્રકારમાં વર્તન, ભાવાત્મકતા અને ભાષા કૌશલ્ય પર અસર થતી જોવામાં આવે છે.

ડિમેન્શિયાનો રોગ કોને લાગુ પડી શકે?

              આમ તો મોટી ઉંમરની વ્યક્તિને ડિમેન્શિયા થવાની શક્યતા વધુ રહે, પરંતુ 65 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને પણ આલ્ઝાઇમર અને ફ્રન્ટોટેમ્પોરલ ડિઝીઝને કારણે ડિમેન્શિયા થઇ શકે. યુનાઇટેડ કિંગ્ડમમાં એ સંખ્યા 42,000ની છે. ભારતમાં પણ આ બીમારીનો આંક ઊંચો ચડતો જાય છે. ખરા અર્થમાં આ એક વૈશ્વિક સમસ્યા બનતી ચાલી છે. મોટી ઉંમરની વ્યક્તિને થાય તેના કરતાં નાની ઉંમરના લોકોને થતા રોગને કારણે તેની કૌટુંબિક, સામાજિક અને આર્થિક અસરો તેમના કુટુંબ અને સમાજ પર ઘેરી થતી હોય છે. ઘણી વખત નાનાં બાળકોને તેમનાં માતા કે પિતાને અથવા વૃદ્ધ માતા-પિતાને પોતાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારી આવી પડતી હોય છે. વળી આ બાબત સાથે સંકળાયેલ કેટલાક ખ્યાલો પણ દરદી અને તેના સહાયકો માટે મુશ્કેલી ઊભી કરતાં હોય છે.

ડિમેન્શિયાની એક વ્યાખ્યા કઇંક આવી છે:

              
      “ડિમેન્શિયા એ એક એવી બીમારી છે જે એક કરતાં વધુ રોગોને કારણે થતી હોય છે. તેમાં પ્રથમ માનસિક અને છેવટ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને છેવટે વ્યક્તિ એ શક્તિઓ તદ્દન ગુમાવી બેસે છે જે મગજના કોષોના સતત અને રોકી ન શકાય તે
વા નાશને પરિણામે બનતું હોય છે.”

            સ્મૃિતભ્રંશ એટલે વારંવાર કોઈ વાત ભૂલી જવી એમ આપણે માનીએ છીએ. તો શું સ્મૃિતભ્રંશ એટલે જ ડિમેન્શિયા? કેટલીક વાતો ક્યારેક ભુલાઈ જાય તે સ્થિતિ છે જે વધતી ઉંમરને કારણે બની શકે. જ્યારે તાજેતરમાં બનેલ ઘટના કે વાત વારંવાર ભૂલી જઈએ એ ડિમેન્શિયાનું એક લક્ષણ છે. એવાં બીજાં અનેક લક્ષણો છે. રોજબરોજનાં કાર્યો જેવાં કે જાતે તૈયાર થવું, ચા બનાવવી કે રોજિંદા કાર્યો કરવામાં ભૂલ થાય. ઘણી વખત વ્યક્તિ ખોટા ક્રમમાં એ કામ કરે જેમ કે નાહ્યાં પહેલાં દિવસનાં કપડાં પહેરી લે અથવા લીધેલ કામ પૂરું ન કરે, જેમ કે શાક સમારીને વઘારતાં ભૂલી જાય. એ જ રીતે જે કહેવું હોય તે માટેના યોગ્ય શબ્દો ભુલાઈ જાય અથવા કોઈ કઇં કહે તે બરાબર સમજી ન શકે; વળી કેટલાકને સમય અને સ્થળનો ખ્યાલ ન રહે, જેમ કે રાત્રે ત્રણ વાગે નાહવાં જતાં રહે અથવા તૈયાર થયાં પછી બહાર જવાને બદલે પથારીમાં સૂઈ જાય. મોટી મુશ્કેલી ત્યારે જણાય જ્યારે નિર્ણય શક્તિ નબળી થવા લાગે, જેમ કે શિયાળામાં ઉનાળાના કપડાં પહેરી બહાર જવાં લાગે અને જો તેમ કરતાં કોઈ રોકે તો નારાજ થાય. બીમારી આગળ વધે ત્યારે ટ્રાફિકના જોખમનો ખ્યાલ ન રહે એવું પણ બને. બીજું ઉદાહરણ, ન જોઈતી વસ્તુઓની વધુ પડતી ખરીદી કરે અને બીજાંને દાન આપી દે કે બેંકમાં પૈસા ન હોય તો પણ ચેક લખી આપે અથવા બે વખત ચુકવણું કરી બેસે.

            આ બીમારીના ભોગ બનેલને એવું પણ બનવા લાગે કે પોતાની વસ્તુઓ ક્યાં મૂકી છે તે ભુલાઈ જાય, જેમ કે ચશ્માં, દવા, બેટરી વગેરે અને તેમ થવાથી નારાજ થઇ જાય, વસ્તુઓ ગમે ત્યાં મુકાઈ જાય અને પરિણામે મૂંઝવણ થાય. અધૂરામાં પૂરું બીજા પર શક કરવા લાગે અને પોતાની પાસે જે વસ્તુ ન હોય તે પણ શોધવા લાગે. એવું પણ જોવામાં આવે કે એ વ્યક્તિનાં મૂડ અને વર્તનમાં બદલાવ આવે. કોઈ વ્યક્તિ કે વસ્તુ ઓળખવામાં મુશ્કેલી પડવાં લાગે. છેવટ દરદીની નોકરી અને સામાજિક સંબંધો પણ છૂટી જાય તેવું બને. આવાં લોકો ધીમે ધીમે વધુને વધુ એકલાં રહેવા લાગે, સૂતાં રહે અને કશામાં રસ ન લે. ગુસ્સો, ઉદાસી અને ભય તેમને ઘેરી વળે.

          ડિમેન્શિયા થવાં માટે જોખમી પરિબળોમાંનું સહુથી મોટું પરિબળ છે, વૃદ્ધાવસ્થા. આ ઉપરાંત જેને બદલી શકાય કે કાબૂમાં લાવી શકાય તેવાં બીજાં પરિબળો છે; જેવાં કે ધુમ્રપાન, પ્રમાણ કરતાં વધુ આલ્કોહોલનું સેવન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, હતાશા, બહેરાશ, સમાજ સાથે સંબંધ છૂટી જવો અને શિક્ષણનો નીચો આંક. 35થી 65 વર્ષની ઉંમરમાં જીવન પદ્ધતિ પ્રતિકૂળ હોવાને કારણે આ બીમારી થતી હોય છે. જોવાનું એ છે કે ડિમેન્શિયાનાં નિદાન માટે લોહીની તપાસ કે અન્ય તપાસ નથી હોતી. સામાન્ય વર્તણુકમાં જણાતાં ચિન્હો જ ડિમેન્શિયાની તકલીફ શરૂ થઇ હોવાનું સૂચવે છે.

તો શું ડિમેન્શિયા થતું અટકાવી શકાય?


           ઉપર જે પરિબળો જોયાં તેમાંના 35% વિષે આપણે કઇંક કરી શકીએ તેમ છીએ. શરીર અને મગજને વૃદ્ધવસ્થાની અસર ઓછી થાય કે મોડી થાય તે માટે સક્રિય બનવું જરૂરી છે, કેમ કે હવે સામાન્ય આયુષ્ય મર્યાદા વધી છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે આ બાબતમાં પ્રયત્નો કરી શકાય. દાખલા તરીકે ધુમ્રપાન અને આલ્કોહોલ જેવાં માદક દ્રવ્યોનાં વ્યસનથી મુક્ત થવું, શારીરિક પ્રવૃત્તિઓ અને કસરત તથા યોગાસન કરતાં રહેવું, જેથી મગજ તેનાં કાર્યો સારી રીતે કરી શકે; તથા સમતોલ આહાર લેવો જેથી ડાયાબિટીસ, મેદસ્વીપણું અને બ્લડ પ્રેશરને દૂર રાખી શકાય. બેઠાડું જીવનને બદલે પ્રવૃત્તિમય રહેવાથી રોજિંદાં કાર્યો કરવાની શક્તિ જળવાઈ રહે, હતાશાનો ભોગ ન બની જવાય અને બીજાં સાથે સંપર્કમાં રહેવાથી પ્રસન્નતા જળવાઈ રહે જે આવા શારીરિક અને માનસિક રોગને નિવારવા ઘણું ઉપયોગી થાય. આપણાં જેવાં લોકો પોતાના જીવનના અનુભવો સહેલાઈથી વ્યક્ત કરે છે, કુટુંબ અને સમાજમાં હળતાં મળતાં રહે છે અને ઊંઘ કે ભૂખના દરદોથી ઓછાં પીડાય છે તે ચાલુ રાખવું જોઈએ. પરંતુ શરીરને સક્રિય રાખવું, કોઈ જાતનાં દબાણ અને ચિંતાથી દૂર રહેવું, નવું નવું શીખવાની અને બનાવવાની ટેવ પાડવી અને મગજને સતેજ રાખે તેવી રમતો રમવી. આ બધું જ કરવાથી મગજના તંતુઓનાં જોડાણ સારાં રહે અને તેનાથી cognitive કાર્યો સારી રીતે થતાં રહે છે. આમ તો એક સૂત્ર યાદ રાખવા જેવું છે “જે તમારાં હૃદય માટે સારું છે તે તમારા મગજ માટે પણ સારું છે.”

         એટલું ચોક્કસ છે કે આવાં જોખમો ઊભાં કરતાં પરિબળો વિષે પગલાં લેવામાં ઉંમરનો બાધ નથી અને તેનો ફાયદો થવા માટે કયારે ય મોડું નથી થતું હોતું. તમને અનુકૂળ હોય તેવા ફેરફારો કરવા ફાયદાકારક હોય છે. પરિવારનાં સભ્યોના સાથ સહકારથી જરૂરી ફેરફારોનો અમલ કરી શકાય.

 હવે સવાલ એ પણ થાય કે ડિમેંશિયાના નિદાન પછી સારી રીતે જીવન જીવી શકાય?

        જરૂર, સારી રીતે જીવન જીવી શકાય. ડોક્ટરનો સંપર્ક જરૂરી છે જેથી તેમની સાથે ચર્ચા કરવાથી જરૂરી મદદ મળતી હોય છે. સામાન્ય સ્વાસ્થ્ય સારું રાખવું પણ મદદરૂપ થઇ પડે જેમ કે નિયમિત રીતે આંખ અને કાનની તપાસ કરાવવી અને દર વર્ષે ફ્લુનું ઈન્જેકશન લેવું. યાદશક્તિ નબળી પડી હોય તો ચાવી અને ચશ્માં એક જગ્યાએ દેખાય તેમ રાખી શકાય કે દવાનું વિકલી પેક વગેરે થઇ જ શકે. મનને સ્વસ્થ રાખવા જેનો આનંદ માણી શકતાં હોઈએ તેવી પ્રવૃત્તિ કરી શકીએ તે પણ ચાલુ રાખી શકાય. હતાશા થાય તો ટોકિંગ થેરપી જરૂર મેળવી શકાય. રોજિંદાં કાર્યો જો ન થતાં હોય, તો ઓક્યુપેશનલ થેરપિસ્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે. ઘરને સુરક્ષિત બનાવવું જરૂરી છે જેમ કે સ્મોક એલાર્મ અને કાર્બન મોનોક્સાઈડ ડિટેક્ટર હોવાં સલામતી માટે જરૂરી છે. ઘરમાં વ્યક્તિ સલામત રહીને સહેલાઈથી હરીફરી શકે તેવી વ્યવસ્થા કરવાથી જોખમ ટાળી શકાય.

         ડિમેન્શિયા વિશેના અભ્યાસો પરથી એવું પુરવાર થયું છે કે નાનાં લાગતાં એવાં સાત પગલાં લેવાથી એ બીમારીના ભોગ બનેલને ઘણો ફાયદો થતો હોય છે. તેમની સાથે વાતો કરવી, તેમની વાતો ધીરજથી સાંભળવી, તેમને આપણા વાર્તાલાપોમાં સામેલ કરવાં, બને તેટલી વધુ વાતચીત અને પ્રવૃત્તિઓમાં તેમને સાથે લેવાં, કોઈ મદદની જરૂર છે કે નહીં તે પૂછવું, કઈં કામ કરતાં વાર લાગે તો ધીરજ ધરવી, તેમને થયેલ ડિમેન્શિયા વિષે પ્રશ્નો પૂછવા અને તેમની સંભાળ રાખતાં સ્વજનની પણ દરકાર કરવાથી દરદી અને તેમનાં સ્વજનને ખૂબ જ રાહત મળતી હોય છે.

અત્યાર સુધી આપણે જે વાતો કરી તેના પરથી એટલું સમજાયું હશે કે

ડિમેન્શિયા થવું એ વૃદ્ધાવસ્થાનું કુદરતી કારણ નથી.

ડિમેન્શિયા મગજના રોગને પરિણામે આવતી બીમારી છે.

ડિમેન્શિયાનો એક સામાન્ય પ્રકાર તે આલ્ઝાઈમર રોગ છે.

ડિમેન્શિયાની સ્થિતિ બદતર થતી જાય અને તેનાં ચિન્હો વધુને વધુ ગંભીર થતાં જાય.

આલ્ઝાઈમરના રોગમાં સામાન્ય રીતે વ્યક્તિની ટૂંકા ગાળાની સ્મૃતિ પર અસર થાય છે

ડિમેન્શિયા એ માત્ર સ્મૃતિભ્રંશ જ નથી.

ડિમેન્શિયાને કારણે માણસનો દ્રષ્ટિકોણ પણ બદલાતો હોય છે.

ડિમેન્શિયાનો ભોગ બનેલ વ્યક્તિ બીજાં સાથે સારી રીતે વાતચીત પણ કરી શકે તેવું બને.

દર ચૌદમાંથી એક વ્યક્તિ ડિમેન્શિયાનો ભોગ બનેલ હોય છે, તેવું મનાય છે.

ડિમેન્શિયાની પાછળ એક આદરણીય વ્યક્તિ પણ હોય છે.

‘ડિમેન્શિયા મિત્ર’ બનવું એટલે પોતાની સમજણ અને જાણકારીને અમલમાં મુકવી.

         આ બીમારી વિષે વધુ જાણકારી મેળવી પરિવાર અને સમાજનાં લોકોને મદદરૂપ થઇ શકાય અને બ્રિટનમાં વસતાં પૂરેપૂરા ગુજરાતી સમાજને ‘ડિમેન્શિયા ફ્રૅન્ડલી બનાવી શકાય


[માન્ધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિેયેશન, વેમ્બલી સંચાલિત ‘ડે સેન્ટર’માંની રજૂઆત; 28 નવેમબર 2018]

No comments:

Post a Comment