ચિંતારોગ નો હુમલો (પેનિક ડિસઓર્ડર
પચ્ચીસેક વર્ષની દિપ્તી ને રાત્રે દસેક વાગ્યે ૧૦૮ માં હોસ્પીટલ ના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ માં લાવવામાં આવે છે. છાતી માં ભીંસ વધી જતા તથા થડકારો, મુંજારો, ગભરામણ જેવી તકલીફો ને લઇને તેના ઘરના લોકોએ તેને તાત્કાલીક દવાખાને પહોચાડવાં નો નિર્ણય લીધો.
હોસ્પિટલમાં આવતા જ દિપ્તી ના ધબકારા, બી.પી., તથા શ્વાસોચ્છવાસ ની વિગતો ની તપાસ કરવામા આવે છે. જે સામાન્ય જણાતા તેને કાર્ડિયોગ્રામ (જેને ઇ.સી.જી- ઇલેક્ટ્રો કાર્ડિઓ ગ્રાફી કહે છે.) ની સલાહ આપવામાં આવે છે. એ પણ નોર્મલ જણાતા તેને સી.પી.કે.- એમ.બી. (ક્રિએટિન ફોસ્ફો કાઇનેઝ) નામાના ઉત્સેચક ની તપાસ નુ જણાવાય છે. હર્દયરોગનાં દર્દિઓ માં આ તપાસ જરુરી ગણાય છે. પરંતુ દિપ્તી ના કેસ માં એ પણ નોર્મલ આવે છે. દિપ્તી ને થયેલ થડકારા અને મુંજારાનો હુમલો ૧૫ થી ૨૦ મીનીટમાં જાતે જ મટી ગયો. અને બધા રિપોર્ટસ પણ નોર્મલ આવતા ડોક્ટરો એ તેમને દવાખાના માંથી રજા આપી. પરંતુ સમય જતા આ ધબકારા, મુજારાના હુમલાનુ નુ પ્રમાણ વધતુ વધતુ જાય છે. વારંવાર વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવે છે. જે નોર્મલ જ આવે છે.
“અરે… એવો મુજારો થઇ જાય કે ના પુછો વાત, ધબકારા વધી જાય. ગભરામણ, શ્વાસ ના લઇ શકાય. હાથ ધ્રુજવા લાગે. મોં સુકાવા લાગે. અરે એવુ થાય કે આ હાર્ટ એટેક જ છે. હમણાંજ જીવ જતો રહેશે. અર્ધો કલાક જેટલુ આ ચાલે. આ અર્ધો કલાક પસાર કરવો બહુ જ અઘરો છે. ઘણા ડોક્ટરો ને બતાવ્યુ, ઘણા રિપોર્ટ્સ કરાવ્યા પણ રોગ પકડાતો નથી. અરે મારી આટ- આટલી તકલીફો છતા ડોક્ટર કહે છે કે તમને કંઇ નથી. બધા રિપોર્ટ સારા આવે છે. આવુ કેમ બને?
દિપ્તી “પેનિક ડિસઓર્ડર” નામનાં ચિંતારોગ થી પીડાય છે દિપ્તી ને જે અર્ધાકલાક નો થડકારા, મુંજારા નો હુમલો આવે છે તેને ‘પેનિક એટેક’ કહે છે. સામાન્ય રીતે આવો હુમલો ૧૫ મિનિટ થી ૩૦ મિનિટ સુધી ચાલી શકે છે. વારંવાર ના આવા હુમલાઓ તથા નોર્મલ રિપોર્ટ્સ આ હુમલો પેનિક એટેક નો હોવા તરફ ઇશારો કરે છે. આ રોગ નુ નિદાન ક્લીનીકલ છે. અર્થાત દર્દિ આ પ્રકાર ના દુખાવા નુ વર્ણન કરે તેજ આ રોગ ના નિદાન માટે પર્યાપ્ત છે. હાલ માં આ રોગ નાં નિદાન માટૅ કોઇ વિષિષ્ટ પ્રકાર ના કોઇ ટેસ્ટ ઉપલબ્ધ નથી.
લોકો માં પેનિક ડિસઓર્ડર નુ પ્રમાણ ૨ થી ૩% જોવા મળ્યું છે. જે ઘણુ જ વધારે કહી શકાય. આ રોગની સારવાર શક્ય છે. અને કેટલાક અપવાદ બાદ કરતા મોટાભાગે દર્દિ સંપુર્ણ સાજો થઇ જાય છે.
‘સિલેક્ટીવ સિરોટોનિન રિ-અપટેક ઇન્હિબિટર’ ગૃપની દવાઓ જેવી કે ફ્લુઓક્ષેટીન, એસીટાલોપ્રામ, પેરોક્ષેટીન,સરટાલીન જેવી દવાઓ ને પેનિક ડિસઓર્ડર માં ઉપયોગ માં લેવાય છે. આ દવાઓ ની અસર થતા લગભગ ૧૦ થી ૧૫ દિવસ લાગે છે. કેટલાક કિસ્સાઓ માં ‘બેન્ઝોડાયઝેપીન’ ગૃપની દવાઓ જેવી કે ક્લોનાઝેપામ અને આલ્પ્રાઝોલામ નો ટુંક સમય માટૅ ઉપયોગ કરવાંમાં આવે છે.
ઉપરોક્ત દવાઓ ના ડોઝમાં સમયાંતરે ફેરફારની જરુર રહે છે. આ દવાઓનો ઉપયોગ નિષ્ણાત મનોચિકિત્સકની દેખરેખ હેઠળ યોગ્ય નિદાન બાદજ થવો જોઇએ. કેટલાક કેસમાં ફરી આવો હુમલો આવશે તેવો ડર- “અગોરાફોબિયા”; જેના વડે દર્દિ કોઇ ભીડ વાળી જગાએ જવાનુ ટાળે છે, તેમજ ઉદાસી-ડિપ્રેશન જેવી તકલીફ જેવી તકલીફો જોવા મળે છે જે યોગ્ય નિદાન તથા સારવાર વડે નિવારી શકાય છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
No comments:
Post a Comment