Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

18 November 2020

માનસિક સ્વાસ્થ્ય જ જીવનની ચાવી છે

માનસિક સ્વાસ્થ્ય જ જીવનની ચાવી છે

વ્યક્તિને જીંદગીમાં આવનારી મુસીબત અંગે થોડો પણ અંદાજો હોય અને તે આવી પડે તો ઓછો આઘાત લાગે છે. અને જો અણધારી સમસ્યા આવી પડે તો ઘણા નાસીપાસ થઈ જાય છે. આ આપણા મનની મન:સ્તિથિ બતાવે છે. માનવીનું મન કાંઈક આમ જ રહે છે. કોઈના મૃત્યુથી લઈ બ્રેક અપ, છૂટાછેડા, મહામારીમાં આર્થિક પરિબળ કે પરીક્ષામાં નાપાસ થવું આ બધું આ સાથે સંકળાયેલુ છે.

મહત્વની વાત હવે એ આવે છે કે આવું કાંઈ હોય કે પછી એનાથી બીજી કોઈ બીમારી જેવી કે ડિપ્રેશન, પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કીઝોફ્રેનિયા વગેરે હોય તો આપણે ત્યાં એ માટે ઉચિત સારવાર લેવાનું ચલણ જ નથી. ક્યારેક ઉચિત સારવાર ન લેતાં આપણે જે તે વ્યક્તિઓને ગુમાવ્યા પણ છે. આપણે ત્યાં સાયક્યાટ્રીસ્ત (મનોચિકિત્સક) પાસે જાવો એટલે લોકો એ પાગલ છે એમ સમજે. કેટલી મોટી ભ્રમણામાં આપણે જીવીએ છીએ.

આપણી આજુબાજુમાં અનેક લોકો ઉપર દર્શાવેલ કે અન્ય કોઈ મન મગજની પીડામાંથી પસાર થતા જોવા મળે જ છે, પણ પોતે સ્વસ્થ જ છે (શારીરિક રીતે!) એમ માનીને માનસિક સ્વાસ્થ્ય સાથે પોતે જ ચેડાં કરે છે. આવી વ્યક્તિએ પોતે તો જાગૃત થવાની જરૂર છે જ પણ સાથે સાથે આસપાસ રહેતા આપણે સૌએ પણ એ પ્રત્યે તથા એ વ્યક્તિઓ પ્રત્યે પોતાનો અભિગમ બદલવાની જરૂર છે.

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્ષવેલે માનસિક સ્વાસ્થ્ય સુધારવા રજા લીધેલ ગયા વર્ષે. કોહલીએ એનું સમર્થન પણ કરેલ. દિપીકા પાદુકોણ પણ આમાંથી પસાર થઈ ચૂકેલ અને હમેશાં આવી સારવાર લેવી એ માટે અભિપ્રાય આપતી રહે છે. કોરોનાકાળમાં આપણા સૌના મનની કડી પરીક્ષા થઈ રહી છે. ત્યારે આ અંગે સભાન રહેવું અને જરૂરી ફેરફારો લાઇફસ્ટાઇલમાં કરી પોતાને એર્નજેટીક રાખવું અત્યંત જરૂરી છે.

“એકાંતમાં અને ગુસ્સામાં આ મન પરનો કાબૂ જ માનવીને સફળતા તરફ દોરે છે.” જિંદગીના સૌથી સક્ષમ નિર્ણયો આ મન જ લે છે. તેથી જેટલું ધ્યાન શરીરનાં અન્ય સૌ અંગોનું રાખીએ છીએ એટલું જ કે એથી વધુ આ મગજનું અને મનનું રાખવું અનિવાર્ય છે. અને એથી આ લખનાર હમેશાં માને છે કે, “જ્યારે હકારાત્મકતા આત્મવિશ્વાસમાં ફેરવાય છે, ત્યારે જીવનને બાયંધરી મળે છે. 

– ડૉ. મંથન આર. શેઠ. 
(આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.)

No comments:

Post a Comment