મનોવ્યાધિ : માનસિક સ્વાસ્થ્યને કોતરી ખાતી અદ્રશ્ય ઉધઈ!
શેક્સપિયરના નાટકોની માફક બોલિવૂડમાં વધુ એક કરૂણાંતિકા ગઈકાલે બની. ‘છિછોરે’ જેવી ફિલ્મ, જેમાં બાપ પોતાના સંતાનને આત્મહત્યા ન કરવા સમજાવતો હોય એમાં મુખ્ય પાત્ર ભજવી ચૂકેલા સુશાંતસિંહ રાજપૂતનો જીવનદીપ બૂઝાયો. 2020ની સાલના શરૂઆતના છ મહિના અત્યંત દુષ્કર અને ભયાવહ પૂરવાર થયા છે. આપણે એ ભૂલી ગયા છીએ કે, શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ કરોડો લોકોના માનસિક સ્વાસ્થ્ય પણ જોખમમાં છે.
‘વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન’ના આંકડા મુજબ, ભારતની 6.5 ટકા વસ્તી ગંભીર માનસિક રોગથી પીડાઈ રહી છે. દર 1 લાખ વ્યક્તિમાંથી 10.9 વ્યક્તિ માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરે છે. જેમાંથી મોટાભાગના લોકો 44 વર્ષથી નીચેના હોય છે! પાછલા બે મહિનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કુલ 8 સેલિબ્રિટીઓએ આત્મહત્યા કરી છે. ટેલિવિઝન એક્ટર્સ મનપ્રિત ગ્રેવાલ, મનજોત સિંહ, અને પ્રેક્ષા મહેતા; કન્નડ ટીવી એક્ટર ચંદના તેમજ બે તમિલ એક્ટર્સ શ્રીધર તથા જયા કલ્યાણી ઉપરાંત સેલિબ્રિટી મેનેજર દિશા સલિયન અને હવે સુશાંતસિંહ રાજપૂત!
‘લેન્સેટ’ મેડિકલ જર્નલ દ્વારા ભારતની મેન્ટલ હેલ્થ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. દોઢેક વર્ષ પહેલા સામે આવેલા વાર્ષિક આંકડામાં, ભારતના અંદાજે 20 કરોડ જેટલા લોકો મનોરોગથી પીડાઈ રહ્યા છે. જેમાંના 4.5 કરોડથી વધુ લોકો ડિપ્રેશનને લગતી સમસ્યા અને પાંચેક કરોડ જેટલા લોકોને બેચેની-ચિંતા-માનસિક તાણનો ભોગ બન્યા છે. તદુપરાંત સ્ક્રિઝોફેનિયા, ઑટિઝમ, ADHD(અટેન્શન ડિફિસિટ હાઇપર-એક્ટિવિટી ડિસઑર્ડર) સહિતની મનોવ્યાધિ પણ ખરી! ચોંકાવનારી બાબત એ છે કે, ભારતમાં દર સાતમી વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના મેન્ટલ ડિસઑર્ડરનો સામનો કરી રહી છે!
10 ઑક્ટોબર, 1964ના રોજ ગુરૂ દત્તે પેડર રોડ ખાતેના પોતાના એપાર્ટમેન્ટમાં જ્યારે આત્મહત્યા કરી ત્યારે પણ ભારત હચમચી ગયું હતું. ઊંઘની ગોળી અને આલ્કોહોલના મિશ્રણને કારણે આમ થયું હોવાનો ખુલાસો થયો. જોકે, આત્મહત્યા કરવા માટે ગુરૂ દત્તનો આ ત્રીજો પ્રયાસ હતો. કુશલ પંજાબી, જીયા ખાન સહિત, ભૂતકાળમાં બિગ-બોસ પ્રતિસ્પર્ધી અને બાલિકા વધુ ફેમ પ્રત્યુષા બેનર્જીએ પણ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી. દીપિકા પદુકોણ પણ આનો શિકાર બની ચૂકી છે. મુદ્દો એ છે કે, સેલિબ્રિટીની આત્મહત્યાને આપણે ટવીટર પર ટ્રેન્ડિંગ બનાવીને નોંધારી મૂકી દઈએ છીએ. માનસિક સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે જે પગલાં લેવા જરૂરી છે, એ લેવાતાં નથી.
આલેખન - પરખ ભટ્ટ : સુશાંતસિંહ રાજપૂતની કરિયર અને અંગત જીવન વિશે લખવાની કોઈ જ ઇચ્છા નથી, કારણકે પ્રત્યેક ન્યુઝ ચેનલ અને અખબારોમાં એ જ બધું ચાલી રહ્યું છે. તેણે કેટલી ફિલ્મો કરી, બોક્સ-ઑફિસ પર કેટલી સફળ થઈ, અંગત જીવનમાં કેવા ચડાવ-ઉતાર આવ્યા, ટેલિવિઝનથી ફિલ્મ સુધીની સફર કેવી રહી, એન્જિનિયરમાંથી એક્ટર કઈ રીતે બનવાનું થયું વગેરે વગેરે બાબતો ઑલરેડી તમારી આંગળીના ટેરવે છે. મારે જે વાત કરવી છે, એ આત્મહત્યાની સમસ્યાના મૂળિયાની છે.
માણસનાં જીવનને સ્થિરતા અપાવવા માટે ઘણાં-બધાં પરિબળો કામ કરતાં હોય છે. પરિવારજનોનો સાથ, મિત્રોનો સંગાથ, સહકાર્યકરોનો સહકાર આ બધી જ લાગણીઓનો સરવાળો કરીએ તો પરિણામસ્વરૂપે વ્યક્તિ એક સુખી અને સમતોલ જીવન જીવી શકે! જીવનરૂપી રથને દોડાવવા માટે તેનાં બે પૈડાંનું સમતોલન આવશ્યક છે.
એક પણ પૈડું નબળું પડ્યું તો તેની અસર બીજા પૈડાં પર પણ થાય જ છે. આજે જે વાત કરવી છે એ વાતનો મુદ્દો આપણને બધાંને ક્યાંકને ક્યાંક, કોઈકને કોઈક દિવસે તો સ્પર્શ્યો જ છે. એ પ્રકારની મનોદશામાંથી આપણે સૌ એકવાર તો પસાર થઈ જ ચૂક્યાં જ છીએ. મુદ્દો છે ‘ડિપ્રેશન’!
આપણાં સમાજમાં વ્યાપક માન્યતા પ્રવર્તે છે કે ડિપ્રેશનનો ભોગ બનનાર વ્યક્તિ કાંં તો આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ હોય છે કાંં તો નિષ્ફળતાથી! મનોવૈજ્ઞાનિક (સાઈકોલોજિસ્ટ) અને કાઉન્સેલરનાં મત પ્રમાણે, આ બધાં ફેક્ટર્સ તો પ્રમાણમાં ઓછા જવાબદાર છે.
એવું બિલકુલ નથી કે ડિપ્રેશન માત્ર ગરીબોમાં કે મધ્યમવર્ગીય લોકોમાં જ જોવા મળે! અત્યંત અમીર અને સફળતાનાં શિખર પર બિરાજેલાં માણસને પણ ક્યારેક આ સ્થિતિનો સામનો કરવાનો વખત આવે છે. વધુ પડતી સફળતા પણ સારી નથી અને વધુ પડતી નિષ્ફળતા પણ નહિ!
જ્યાં અતિની ગતિ થાય છે ત્યાં દરેક વખતે એ અતિ, અનેક આડઅસરો લઈને આવે છે. દીપિકા પદુકોણ અને રેપ સિંગર યો યો હનીસિંહ આ તબક્કામાંથી બહાર નીકળ્યાં છે. તમાશા એક્ટ્રેસ દીપિકાની વાત કરીએ તો, તે જ્યારે જીવનનાં સૌથી સફળ તબક્કામાં હતી ત્યારે જ ડિપ્રેશનનો શિકાર બની! ‘ગોલીયોં કી રાસલીલા - રામલીલા’ રીલિઝ થઈ ચૂકી હતી.
અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘પીકુ’નું શુટીંગ કોલકાતામાં ચાલી રહ્યું હતું. હવે સવાલ ત્યાં પેદા થાય છે કે આટલી સફળ અભિનેત્રીનાં જીવનમાં કોઈ કમી ન હોવા છતાં પણ તે ડિપ્રેશનનો ભોગ કઈ રીતે બની?
એ વાતમાં જરા પણ તથ્ય નથી કે સફળ વ્યક્તિ ક્યારેય ડિપ્રેશનનો ભોગ ન બની શકે. સફળતા પોતાની સાથે ઘણી બધી ચુનૌતીઓ લઈને આવે છે. જે લોકો સફળતાને પચાવી જાણે છે તેઓ કદાચ પોતાની જાતને ડિપ્રેશનથી દૂર રાખી શકતાં હશે! દીપિકા એક મહિના સુધી ડિપ્રેશનથી પીડાતી હતી.
જાહેર સ્થળોએ અચાનક રડી પડવું, એકલતા અનુભવવી, ખાલીપો લાગવો, મનનું બેચેન થવું, આકુળ-વ્યાકુળ થવું, કોઈ પ્રવૃત્તિમાં ચેન ન પડવું, કોઈ સાથે વાત કરવાનું પસંદ ન પડવું આ બધાં ડિપ્રેશનનાં લક્ષણો છે. આપણાં બધાં સાથે આમાંની કોઈક વસ્તુઓ થઈ ચૂકી છે. પરંતુ એ સમયે કદાચ આપણને જ્ઞાન નહોતું કે આ ડિપ્રેશનની ચુંગાલમાંથી કઈ રીતે છૂટી શકાય!
દરેક માણસ દીપિકા પદુકોણ કે હનીસિંહ જેટલો નસીબદાર નથી હોતો કે રિહેબ સેન્ટરમાં જઈ મનોવૈજ્ઞાનિક પાસે પોતાની વાત રજૂ કરી સારવાર કરાવી શકે. આપણાં દેશની ઉપરાંત વિદેશની કંઈકેટલીય હસ્તીઓએ ડિપ્રેશન અને ટેન્શનનો ભોગ બનીને આત્મહત્યાઓ કરી લીધી છે.
સ્કિઝોફ્રેનિયા એક એવો માનસિક રોગ છે જેમાં માણસ પોતાની જાતને નુકશાન કરવા માટે પ્રેરિત થાય છે. ડિપ્રેશનનો ભોગ બનેલ વ્યક્તિને જો સમયસર સારવાર ન મળે તો તેને સ્કિઝોફ્રેનિક બનતાં વાર નથી લાગતી!
ભારતની વાત કરીએ તો હિટ ફિલ્મમેકર ગુરુ દત્ત ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. તે સમયની ઉત્તમ અભિનેત્રી વહિદા રહેમાન સાથેનાં પ્રણયસંબંધનો દુ:ખદ અંત આવતાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ઉપરાંત, સાઉથ ઈન્ડિયન સેક્સ સિમ્બોલ એક્ટ્રેસ સિલ્ક સ્મિતાની સાથે પણ આવી જ કરૂણાંતિકા ઘટી હતી. જેના પરથી તો વિદ્યા બાલનની ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ પણ બની ચૂકી છે.
અમર અકબર એન્થની તથા ધરમવીર જેવી સુપર સક્સેસફુલ ફિલ્મ આપનાર પ્રોડ્યુસર-ડિરેક્ટર મનમોહન દેસાઈએ પણ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. હાઉસફુલ એક્ટ્રેસ જીયા ખાન, 19 વર્ષની દિવ્યા ભારતી, ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નફીસા જોસેફ, પરવીન બાબી અને બાલિકાવધુ ફેમ પ્રત્યુષા બેનરજી આ બધાં એવાં નામો જે એક સમયે સફળતાની ટોચ પર હતાં અને છતાંય જેમણે ડિપ્રેશનનો શિકાર બની મોતને વ્હાલું ગણ્યું.
6 ઓગસ્ટ, 1962ની સવાર સમગ્ર ન્યુયોર્ક માટે ઘણી જ આઘાતજનક રહી. ત્યાંના સ્થાનિક અખબાર ‘ન્યુયોર્ક મીરર’નાં ફ્રન્ટ પેજ પર મેરેલિન મનરોનાં સ્યુસાઈડ (આત્મહત્યા)નાં સમાચાર છપાયેલાં હતાં. 1950નાં જમાનાની સફળત્તમ હિરોઈન તથા સેક્સ સિમ્બોલ ગણાતી મેરેલિન મનરોએ પોતાની 36 વર્ષની જિંદગીમાં એવો મુકામ હાંસિલ કર્યો હતો જે સામાન્ય વ્યક્તિ માટે કદાચ અશક્ય લાગે! ‘નાએગ્રા’, ‘બસસ્ટોપ’, ‘ધ સેવન યર ઇચ’ જેવી બોલ્ડ ફિલ્મો આપનાર મેરેલિન મનરો પોતાનાં અંગત જીવનમાં ખૂબ દુ:ખી હતી.
ડ્રગ્સનું બંધાણ, કરિયરની ચિંતા, પ્રેમની ઉણપ, માનસિક બેચેની, અને ડિપ્રેશન જેવાં કારણોને લીધે તેણે ઘેનની દવા ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી નાખી! અન્ય એક કિસ્સા તરફ નજર ફેરવીએ તો, ’બેટમેન:ધ ડાર્ક નાઈટ’ શ્રેણીમાં જોકરનું પાત્ર નિભાવતાં હિથ લેજરએ ડિપ્રેશનમાં આવીને આ જ ઘટનાનું પુનરાવર્તન કર્યુ! મશહુર કોમેડિયન રોબીન વિલિયમએ પંખા સાથે લટકીને પોતાની જાન આપી દીધી..!
ઘણાં લોકો એવું માને છે કે સાઇકિયાટ્રીક (મનોવૈજ્ઞાનિક) કે કાઉન્સેલર પાસે એવાં જ વ્યક્તિને મોકલવામાં આવે છે કે જે પાગલ-ગાંડો-ધૂની હોય! જે ખરેખર મિથ્યા છે. હાર્ટથ્રોબ વરૂણ ધવન, સંજય દત્ત, રોમાન્સ કિંગ શાહરૂખ ખાન, ધર્મેન્દ્ર જેવાં તમામ કલાકારોએ પોતાની સારવાર મનોવૈજ્ઞાનિક પાસે કરાવી છે.
મશહૂર ફિલ્મ ‘હેરી પોટર’ની લેખિકા જે.કે.રોલિંગ એક સમયે ગંભીર રીતે એન્ઝાઈટી(બેચેની) અને ડિપ્રેશનનો શિકાર બની હતી. ઓસ્કર વિજેતા અદાકારા અન્જેલિના જોલી તથા બ્રાડ પીટનો સમાવેશ એવાં લોકોમાં કરી શકાય જેણે પોતાની આ બીમારી સામે ખૂબ ધીરજપૂર્વક અને હિંમતથી બાથ ભીડી. વર્લ્ડ ફેમસ કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ એલનએ 1997માં પોતાની લેસ્બિયન હોવાની જાહેરાત કરી, ત્યારબાદ લોકોનાં નકારાત્મક પ્રતિભાવોને કારણે તે 3 વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી હતી.
ઘણાં બધાંએ ‘બાર બાર દેખો’ ફિલ્મ જોઈ હશે. તેમાંનો એક સંવાદ અહીં યાદ કરવા જેવો છે:- લાઈફ ઈઝ લાઈક મેથ્સ. ગણિતનાં દરેક સમીકરણો માટે ડાબી બાજુ અને જમણી બાજુ એકસમાન થઈ જવી જરૂરી છે, તો જ સમીકરણ બેલેન્સ્ડ(સંતુલિત) ગણાય. જીવનનું સંતુલન પણ આ રીતે જળવાતું રહેવું જોઈએ. દરેક પરિસ્થિતિમાં મનને સંતુલિત રાખીને લેવામાં આવતાં નિર્ણયો ક્યારેય ખોટાં નથી પડતાં.
દીપિકા પદુકોણ હાલમાં ડિપ્રેશન વિશે લોકોને જાગૃત કરી રહી છે. આ માટે તેણે એક NGO (નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન) ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ શરૂ કર્યુ છે. આ ઉપરાંત બીજા ઘણાં કલાકારો સામાજિક કાર્યોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. જીવનનો હાર્દ સમજવા માટે એક નિશ્ચીત લક્ષ્ય સુધી પહોંચવું જરૂરી છે.
નિશ્ચીત લક્ષ્ય સુધી પહોંચવા માટે એક નિશ્ચિત ધ્યેય બનાવવું પડે છે. અંધાધૂંધ ટ્રાફિક જેવી જિંદગી જીવવા કરતાં એક ચોક્કસ લક્ષ્યવાળી જિંદગી જીવવાનો અનેરો આનંદ છે.
No comments:
Post a Comment