Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

29 August 2020

સ્મૃતિનું દ્વાર-નિરીક્ષણ

સ્મૃતિનું દ્વાર-નિરીક્ષણ


                મગજ કે મનમાં દાખલ થઈ ના હોય તેવી વિગતોની સ્મૃતિ હોય નહીં. મગજમાં કોઈ વિગતો ખોટા કે અધૂરા સ્વરૂપે અંકાય તો તેની સ્મૃતિ યથાયોગ્ય ક્યાંથી હોય? દરેક પદાર્થ, વ્યક્તિ કે વિગતોની સ્પષ્ટ અને સાચી છાપ ઝીલાય તે માટે તેનું નિરીક્ષણ સાચી રીતે થયું હોવું જોઈએ. સારી સ્મૃતિ માટે સારા નિરીક્ષણ કે અવલોકનની જરૂર છે. નિરીક્ષણનાં વિવિધ પાસાંની છણાવટ કરનારને તરત ખબર પડે છે કે, સ્પષ્ટ અને સાચું નિરીક્ષણ દુર્લભ છે.

નિષ્ણાતોનું નિરીક્ષણ
            મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રી વગેરે નિષ્ણાતોની સભા ભરાઈ હતી. સભાની કાર્યવાહી શાંતિથી થતી હતી. અચાનક સભાખંડમાં એક માણસ દોડતો આવ્યો. બીજો તેની પાછળ ખંજર લઈને આવ્યો. ખંજરવાળાએ નજીક જઈ પ્રથમ પ્રવેશેલા માનવી પર હુમલો કર્યો. હુમલાનો ભોગ બનેલો નીચે પડયો. થોડી ક્ષણોમાં દોડતો પોલીસ આવ્યો. બંનેને ખેંચીને લઈ ગયો. બધું ઝડપી છતાં સ્વાભાવિક રીતે બની ગયું.
             સભાખંડમાં હાજર રહેલા નિષ્ણાતોને આ બનાવ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ખંજર લઈને આવનાર વ્યક્તિએ કેવાં કપડાં પહેર્યાં હતાં? તેનાં કપડાંનો રંગ કેવો હતો? તે ખંજર લઈને આવ્યો હતો કે મોટું ચપ્પું લઈને? પોલીસની ખાસિયતો શી હતી? તેણે ક્યારે પ્રવેશ કર્યો? પ્રથમ કોની ધરપકડ કરી? વગેરે નાના-મોટા પ્રશ્નોની યાદી દરેકને આપી. તેમના જવાબ એકઠા કરી સાચી માહિતી સાથે સરખાવવામાં આવ્યા. આ સમગ્ર બનાવ નિષ્ણાતોનું નિરીક્ષણ ચકાસવા માટે પહેલેથી યોજવામાં આવેલો પ્રસંગ હતો. માનવીના વર્તનનું નિરીક્ષણ કરવા ટેવાયેલા નિષ્ણાતોનું નિરીક્ષણ નોંધપાત્ર રીતે સચોટ ના જણાય, પછી સામાન્ય માનવીનું શું?
            સામાન્ય માનવીનું નિરીક્ષણ કેવું હોય છે તે ચકાસવા માટે લગભગ આ પ્રકારનો પ્રયોગ સ્ટીવ એલને કર્યો હતો. આ પ્રયોગ ટેલિવિઝનના પ્રેક્ષકગણ સમક્ષ થયો હતો. બનાવટી કારતૂસ ફોડવામાં આવ્યા હતા. મારામારીનું દૃશ્ય ગોઠવ્યું હતું. પછી વિવિધ પ્રશ્નો પ્રેક્ષકોમાંથી કેટલાકને પૂછવામાં આવ્યા હતા. ખરેખર દૃશ્ય કેવું હતું, તે વિશે જાતજાતના અભિપ્રાયો વ્યક્ત થયા હતા. કુલ કેટલા કારતૂસ ફૂટયા તેનો સાચો જવાબ કોઈને ખબર નહોતો. નવાઈની વાત એ હતી કે ખુદ કારતૂસ ફોડનારને તેણે ફોડેલા કારતૂસની સંખ્યા ખબર નહોતી!
              નિરીક્ષણ કેટલું મર્યાદિત હોય છે તેની ખાતરી કરવી હોય તો તમે જાતે કરી જુઓ. છેલ્લા બે-ત્રણ દિવસમાં તમે મિત્રો સાથે બેઠા હોય તેવો પ્રસંગ યાદ કરો. પછી તમારી જાતને પ્રશ્નો પૂછો. માની લો કે તમે હોટેલમાં ભેગા થયા હતા કે અન્ય કોઈ સ્થળે. તમારી જાતને પૂછો કેટલા મિત્રો હતા? તેમણે શું પહેર્યું હતું? કોની નજીક કોણ બેઠું હતું? આસપાસના ટેબલ પર કેવી વ્યક્તિઓ હતી? હોટેલ બોયનો ચહેરો કેવો હતો? ગલ્લા પર બેઠેલો માણસ કેવો હતો? વગેરે. કોઈ પણ સાચા પ્રસંગ વિશે આવા પ્રશ્નો પૂછી તેના જવાબની સાચી માહિતી સાથે સરખામણી કરજો. તમને ખબર પડી જશે કે આપણું નિરીક્ષણ કેટલું મર્યાદિત અને અસ્પષ્ટ હોય છે. થોડા વધારે મિત્રો સાથે બેસીને કોઈ સમાન પ્રસંગ વિશે આવી પૃચ્છા કરજો. તમને જણાશે કે ઓછી વ્યક્તિઓનું નિરીક્ષણ તીવ્ર કે વિશ્વાસપાત્ર હોય છે.
          આપણું નિરીક્ષણ મર્યાદિત અને અસ્પષ્ટ છે, પરંતુ આ હકીકત સ્વીકારીને અટકી જવાથી કોઈ ફાયદો નથી. આ હકીકત જાણ્યા પછી નિરીક્ષણમાં વધારો કરવાની દિશામાં વિચાર થવો જોઈએ. નિરીક્ષણશક્તિની મર્યાદાઓ ઘટાડીને કેવા પ્રયત્નો કરવાથી શક્તિ વધે, તેનો વિચાર હવે કરીએ.


નિરીક્ષણ એટલે શું?
          વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય અર્થમાં નિરીક્ષણ એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, બનાવ કે પરિસ્થિતિને હેતુપૂર્વક ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ કરવી. આ વ્યાપક અર્થનો વિચાર કરતાં એ સ્પષ્ટ થશે કે હેતુપૂર્વકના પ્રત્યક્ષમાં મનનો સમાવેશ થાય છે. ઇન્દ્રિયો ખામી વગરની હોય છતાં મનની ચપળતાના અભાવને લીધે ઘણાંની નિરીક્ષણશક્તિ વિકાસ પામતી નથી. કોઈ રસ્તે ચાલતા માણસના ચહેરાની સામે બાઘાની જેમ જુઓ કે ટ્રેનમાં સામે બેઠેલા મુસાફર તરફ ઊડતી નજર માંડે તો તેણે જોયું કહેવાય, નિરીક્ષણ કર્યું કહેવાય નહીં. પરંતુ ટ્રેનમાં આપણી સામે બેઠેલા મુસાફરની આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી હશે એ જાણવાના હેતુથી તેના કપડાં, તેનો સામાન, તેની ભાષા વગેરેની ઊંડી, વિવિધ અને પૃથક્કરણાત્મક નોંધ લઈએ તો નિરીક્ષણ કર્યું કહેવાય. નિરીક્ષણશક્તિનો વિકાસ કરનારે આવી ઘણી તકો ઝડપી લેવી.
           યાદ રાખવાના હેતુ સાથે કરવામાં આવતું નિરીક્ષણ વધારે સચોટ હોય છે. આપણે ઘણી પરિચિત વસ્તુઓનું નિરીક્ષણ કરતાં નથી, કેમ કે તેને યાદ રાખવાનો કોઈ હેતુ જણાતો નથી. વર્ષો સુધી નોકરી કરનારને તેની ઓફિસનાં પગથિયાં યાદ હોતાં નથી. વર્ષો સુધી એક ઘર પાસેથી પસાર થવા છતાં તેના મુખ્ય દરવાજાનો રંગ યાદ કરી શકતા નથી. શા માટે? યાદ રાખવાના હેતુના અભાવના લીધે આપણે એવી પરિચિત વિગતોનું નિરીક્ષણ કર્યું હોતું નથી! નિરીક્ષણ કે અવલોકનશક્તિ કેળવવી હોય તેણે મન સમક્ષ કલ્પિત હેતુ ઉપસ્થિત કરી નિરીક્ષણ કરવું જોઈએ. તમે રસ્તામાં ચાલતા હો ત્યારે કલ્પના કરો કે તે સ્થળે ખૂન થયું છે અને તમારે કોર્ટમાં સાક્ષી આપવાની છે. તમે આ હેતુ સાથે નિરીક્ષણ કરશો એટલે આસપાસના વાતાવરણને ઘણી સ્પષ્ટ રીતે નોંધશો. તમારું મન સક્રિય બની જશે. ગમે તેમ ફરતું ધ્યાન કેન્દ્રિત બનશે. તમારી પાસેથી પસાર થતી બસ કે મોટરનું તમારે ચિત્ર દોરવાનું છે એમ માનીને નિરીક્ષણ કરો. તમે રોજિંદા જીવનમાં પૂર્વે કદી નહીં નોંધેલી ઘણી વિગતો હેતુપૂર્વકના નિરીક્ષણમાં પ્રત્યક્ષ કરશો. સારી સ્મૃતિ કેળવનારે હેતુપૂર્વકના નિરીક્ષણની તાલીમ બને તેટલી વધારે લેવી.


અભિરુચિ, ધ્યાન અને નિરીક્ષણ
            પાર્ટીમાં જઈ આવેલા ચાર મિત્રોને તેનું વર્ણન કરવા કહો. એક મિત્ર દરેકે શું કપડાં પહેર્યાં હતાં, તેમણે બૂટ-મોજાં કેવાં પહેર્યાં હતાં વગેરે કહેશે. બીજો દરેકે શી શી વાતચીત કરી, તેમનો મૂડ કેવો હતો તે કહેશે. ત્રીજો મિત્ર પાર્ટીમાં વાનગીઓ કેવી હતી, તેનો સ્વાદ વગેરે બાબતનું વિસ્તૃત વર્ણન રસમય રીતે કરશે. ચોથો મિત્ર નાછૂટકે પાર્ટીમાં ફસાયો હશે તો કદાચ તે ખાસ કંઈ વર્ણન કરશે નહીં. ચારે મિત્રોને પાર્ટીની જુદી જુદી વિગતો યાદ રહી છે. તેમણે અભિરુચિ હોય તેવી વિગતોનું વધારે ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું. ધ્યાન વધારે અપાય એટલે નિરીક્ષણ સચોટ થાય અને સ્મૃતિ લાંબાગાળાની બને.
            મર્યાદિત અભિરુચિને લીધે નિરીક્ષણ એકતરફી કે અધૂરું બનવાની શક્યતા વધે છે. આવા ખામીયુક્ત નિરીક્ષણને લીધે બનાવ કે પરિસ્થિતિને ખોટી કે મર્યાદિત રીતે ગ્રહણ કરનાર સારી સ્મૃતિ કેળવવામાં પાછળ પડી જાય છે. અભિરુચિ વ્યાપક બનાવી બનાવનો સર્વગ્રાહી અભ્યાસ વધારવાથી નિરીક્ષણ અને યાદદાસ્ત વધે છે.


જ્ઞાનેન્દ્રિયો અને નિરીક્ષણ
              જ્ઞાનેન્દ્રિયોની ખામી કે મર્યાદાને લીધે નિરીક્ષણ મર્યાદિત બને છે. વૈજ્ઞાનિકોએ દૂરબીન, સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે સેંકડો સાધનોની શોધ કરી ઇન્દ્રિયોની મર્યાદાને ઓળંગી જવાનો પ્રયાસ કર્યો છે. આવા પ્રયાસના પરિણામે માનવીના જીવ, જગત અને બ્રહ્માંડ અંગેના જ્ઞાનમાં સારો એવો વધારો થયો છે. પદાર્થો કે વિગતોનું વધારે સૂક્ષ્મ નિરીક્ષણ શક્ય બન્યું છે.
         આપણે આંખનો ઉપયોગ વધારે કરીએ છીએ. તેથી શ્રવણ, ગંધ, સ્વાદ, સ્પર્શ વગેરે સંવેદનો તરફ દૃષ્ટિસંવેદન જેટલું ધ્યાન આપતા નથી. નિરીક્ષણશક્તિના વિકાસ માટે દરેક ઇન્દ્રિયથી થતા પ્રત્યક્ષીકરણ તરફ ધ્યાન આપવું જોઈએ. આંખ બંધ કરીને કાનથી આસપાસના વિવિધ અવાજો સાંભળવા, ત્વચા પર અથડાતી હવાના કે ઠંડી ગરમીના સંવેદનોથી સભાન બનવું. આવી સભાનતાની મદદથી આંખો બંધ કરીને વાતાવરણને ગ્રહણ કરવાનો પ્રયાસ કરવો. આવા પ્રયાસો નિરીક્ષણને સર્વગ્રાહી બનાવવા જરૂરી છે. આપણી સ્મૃતિની ઘણીખરી વિગતો માત્ર આંખ સાથે સંકળાયેલી નથી. તેથી નિરીક્ષણમાં બને તેટલી વધારે જ્ઞાનેન્દ્રિયોનો સહયોગ સાધી સ્મૃતિ વધારે વિશદ બનાવો.


પૂર્વગ્રહથી બચો
           લાગણી, આવેગો, મનોવલણો, જરૂરિયાતો, પૂર્વગ્રહો વગેરેની પકડમાં ફસાયેલું મન સાચું નિરીક્ષણ કરી શકતું નથી. ઘણાખરા મનુષ્યો તેમણે જે જોવું હોય તે જુએ છે. તેમનું નિરીક્ષણ માત્ર પૂર્વગ્રહોનો પોષનાર સાધન બની જાય છે. આવી ક્રિયાથી તેઓ સભાન ના હોય તેવું ઘણી વાર બને છે.
         મનોવૈજ્ઞાનિકોએ ઘણાં પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું છે કે મનોવલણ અને પૂર્વગ્રહની અસરને લીધે વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ દોષિત કે એકતરફી બને છે. ગોરા વિદ્યાર્થીઓને પોતાની આસપાસનાં ઘરોની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ હબસીનાં ઘરને ગણતરીમાં લીધાં નહોતાં. એક મનોવૈજ્ઞાનિક પ્રયોગમાં વિવિધ દેશના લોકોને સમાન વાર્તા સંભળાવવામાં આવી. આ વાર્તા લખી લાવવા માટે તેમને જણાવવામાં આવ્યું. બ્રિટનના લોકોએ વર્તનની રીતભાતનું વર્ણન વધારે કર્યું. ભારતના લોકોએ વાર્તામાં આવતા ભૂતના ઉલ્લેખને બહેલાવીને લખ્યો. દરેક દેશના નાગરિકોની ખાસિયતોની અસર તેમની વાર્તાની સ્મૃતિ પર થઈ હતી.
           પૂર્વગ્રહ કે મનોવલણ, લાગણી કે આવેગ વગેરેને વિધાયક અને નિષેધક બંને પ્રકારની અસરોથી નિરીક્ષણને અતિશયોક્તિભર્યું કે એકતરફી બનાવી શકે છે. સારી સ્મૃતિ કેળવનારે બંને પ્રકારની અસરથી સરખા સભાન રહેવાની જરૂર છે.

માની લેવાની ટેવ
         માત્ર માની લેવાની ટેવને કારણે જ્ઞાન-વિજ્ઞાનના વિકાસને ઘણાં અવરોધો નડયા છે. મહાન વૈજ્ઞાનિકો અને ચિંતકો પણ આ મર્યાદામાંથી મુક્ત રહી શક્યા નથી.
          ભારે અને હલકા વજનના પદાર્થોને અદ્ધરથી સાથે છોડી દેવામાં આવે તો બંને જમીન પર સાથે પડે છે. વિજ્ઞાનના લાખો વિદ્યાર્થીઓ દ્વારા સ્વીકારવામાં આવતી આ વાતને કેટલાંક વર્ષો સુધી વૈજ્ઞાનિકોએ સ્વીકારી નહોતી. ગેલીલીઓએ વિદ્વાન અધ્યાપકોને આ વાત કરી ત્યારે તેમણે હસી કાઢેલી. એમ કહેવાય છે કે અધ્યાપકો સત્ય હકીકત જાતે જોઈ શકે તે માટે ગેલીલીઓએ માર્ગમાંથી પસાર થતા અધ્યાપકોને દેખાય તેવી રીતે બે ભિન્ન વજનના પદાર્થો ટાવર પરથી છોડયા. અધ્યાપકોની માન્યતામાં ફેર પડયો નહોતો. અધ્યાપકો જાતે પ્રયોગ કરીને સત્ય હકીકતનું નિરીક્ષણ કરતાં કેમ ખચકાતા હતા?
          વર્ષો સુધી કેટલાક ચિત્રકારોએ દોડતા ઘોડાના આગળના પગ ખોટી રીતે આલેખ્યા હતા. તેમણે દોડતા ઘોડાનું પ્રત્યક્ષ નિરીક્ષણ શા માટે ના કર્યું? આવાં ઘણાં ઉદાહરણોનો વિચાર કરનારને લાગશે કે માની લેવાની ટેવ નિરીક્ષણની આડે આવે છે.
         કોઈ પણ પદાર્થ, વિગત કે હકીકતનું સીધું નિરીક્ષણ સહેલાઈથી થઈ શકે તેમ હોય ત્યારે તેના વિશે કંઈ માની લેવું જોઈએ નહીં. જાતે તપાસીને ખાતરી કરવાની ટેવને લીધે વિજ્ઞાનમાં ઘણી નવી શોધો ઉમેરાઈ છે. જ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે.
           સ્મૃતિના સંદર્ભમાં આપણે વિચારેલા નિરીક્ષણ અંગેના મુદ્દાનો ફરી એક વાર સંક્ષિપ્તમાં વિચાર કરવા જેવો છે. નીચેના મુદ્દા પર સહેજ નજર ફેરવી જાવ.

(૧) આપણું નિરીક્ષણ મર્યાદિત અને અસ્પષ્ટ છે. આ હકીકતો જાણીને અટકી જવાનું નથી. આ હકીકતનો સ્વીકાર કરી નિરીક્ષણશક્તિના વિકાસના માર્ગે આગળ વધો.
(૨) યાદ રાખવાના હેતુ સાથે નિરીક્ષણ કરો. આ માટે દર્શાવેલી કરામતો અજમાવો.
(૩) અભિરુચિથી પ્રેરાતા ધ્યાનનો નિરીક્ષણમાં ઉપયોગ કરો. મર્યાદિત અભિરુચિના લીધે નિરીક્ષણ અધૂરું કે એકતરફી ના થાય તેની કાળજી રાખવી.
(૪) નિરીક્ષણ માટે બને તેટલી વધારે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરો.
(૫) પૂર્વગ્રહથી બચો.
(૬) માની લેવાની ટેવથી દૂર રહો.

બિંબ-પ્રતિબિંબ । રજનીકાંત પટેલ

No comments:

Post a Comment