Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

24 August 2020

મૂડ સ્વિંગ્સની મનોવિકૃતિ

મૂડ સ્વિંગ્સની મનોવિકૃતિ


           ‘ડૉક્ટર, આ ક્ષિતિજ નાનો હતો ત્યારે અમે એનો આઇ.ક્યૂ. કરાવ્યો હતો. એના રિપોર્ટમાં એ ખૂબ તેજસ્વી છે એવું જાણવા મળ્યું હતું. એટલે અમે નક્કી કર્યું કે એને સાયન્સ લાઇન અપાવીએ. આમ તો એણે જ કહ્યું હતું કે મારે તો નાસામાં સાયન્ટિસ્ટ થવું છે. બ્રિલિયન્ટ હોવા છતાં જેમ તેમ કરીને બારમા ધોરણમાં આવ્યો પછી એના વર્તનમાં કંઈક વિચિત્ર બાબતો દેખાવા લાગી.’

          ક્ષિતિજ સૂનમૂન બેસી રહે છે. ભણવાની પ્રવૃત્તિ લગભગ શૂન્ય થઈ ગઈ છે. કોઈની સાથે બોલતો નથી
         ‘એના મૂડમાં ચડાવ-ઉતાર શરૂ થયા. શરૂઆતના બે-ત્રણ મહિના ક્ષિતિજ એટલો બધો એનર્જેટિક લાગે કે અમે માની ન શકીએ. એનું બોલવાનું આજકાલ વધી ગયું છે. એ આખી ને આખી રાત વાંચ્યા કરે. પહેલાં બે મહિનામાં જેટલું ભણ્યો તેટલું એકદમ તૈયાર કરી નાખ્યું. ટ્યુશનમાં ટેસ્ટ આપે તો પેપર પૂરું કરીને 10-15 મિનિટ તો વહેલો જ ઊભો થઈ જાય. માર્ક પણ સરસ આવે. આખી ને આખી રાતો જાગે અને જમવાનું પણ એને મન ન થાય. એણે એક ડાયરી બનાવી છે. એને એટલા બધા નવા સાયન્ટિફિક આઇડિયાઝ આવે કે એ બધા ડાયરીમાં લખી નાખે. એક પ્રોજેક્ટ તો એણે એવો વિચારેલો કે આજકાલ જેમ તાળી પાડવાથી લાઇટ કે પંખાની સ્વીચ ચાલુ કે બંધ થાય તેમ મોબાઇલ પણ ચાર્જ થાય. ધીરે ધીરે આ ક્લૅપ ચાર્જિંગ પર એ એટલું બધું વિચારવા લાગ્યો કે મુખ્ય ભણવાનું બાજુમાં રહેવા લાગ્યું. અમે એને ચેતવ્યો પણ ખરો, પણ ક્ષિતિજ માને જ નહીં.’

            ‘વળી પાછી શું ધૂન ઉપડી તો એ ક્લૅપ ચાર્જિંગ પ્રોજેક્ટ પડતો મૂકીને જિમમાં જવા લાગ્યો. આટલા બધા વ્યસ્ત ટાઇમટેબલમાં એ ત્રણ-ત્રણ કલાક કસરત કરતો. છેલ્લે છેલ્લે તો એટલા બધા નવા મિત્રો બનાવ્યા હતા કે અમે પણ થાકી ગયા. એ પોતે જ એટલો બધો ચાર્જ્ડ દેખાય કે અમને નવાઈ લાગે. કોન્ફિડન્સનું લેવલ તો સાતમા આસમાને જોઈ લો.’ મમ્મી ઇશાબહેનનાં ચહેરા પર આશ્ચર્ય અને ચિંતા બંને હતાં.

        ‘પણ છેલ્લા મહિનાથી આ બધું સદંતર ગાયબ થઈ ગયું છે. ક્ષિતિજ સૂનમૂન બેસી રહે છે. ભણવાની પ્રવૃત્તિ લગભગ શૂન્ય થઈ ગઈ છે. કોઈની સાથે બોલતો નથી. રૂમમાં ભરાઈ રહે છે. આખો દિવસ મૅગી અને બીજા અનહેલ્ધી નાસ્તા ખાધા કરે છે. એનું વજન પણ વધી ગયું છે. મને ચિંતા એટલે થઈ કે આટલો બધો ઑવર એનેર્જેટિક છોકરો છેલ્લા બે-ત્રણ દિવસથી ખૂબ રડ્યા કરે છે અને કોઈની સાથે બોલતો નથી. જાણે 180 ડિગ્રી બદલાઈ ગયો છે.’

          ક્ષિતિજનાં લક્ષણો અને ઇતિહાસ સૂચવતાં હતાં કે એને ‘બાઇપોલર મૂડ ડિસઓર્ડર’ની અસર થઈ હતી. આ એક એવી માનસિક વિકૃતિ છે જેમાં મૂડમાં અસાધારણ ચડાવ-ઉતાર જોવા મળે છે. એનર્જી અને એક્ટિવિટીનું સ્તર સતત બદલાયા કરે છે. દર્દીનો આત્મવિશ્વાસ કૃત્રિમ રીતે વધેલો હોય છે. ઊંઘ ઘટી જાય છે. ખૂબ બોલ બોલ કર્યા કરે છે. એક વાત કે વિચારમાંથી અન્ય વાત કે વિચાર શરૂ થઈ જાય છે. જેને ‘ફ્લાઇટ ઑફ આઇડિયાઝ’ કહે છે. દર્દી બિનજરૂરી વસ્તુઓ કે બાબતો પર વધારે પડતું ધ્યાન આપ્યા કરે છે. ભણવાની અથવા કામ કરવાની ઇચ્છા, શારીરિક ક્રિયાઓ, તેમજ સેક્સ્યુઅલ ઇચ્છાઓ વધી જાય છે. ઘણી વાર દર્દી મૂર્ખામીભર્યા ધંધાકીય નિર્ણયો લઈ બેસે છે. શેરબજારમાં આંધળું રોકાણ કરી બેસે છે. ઉધાર લઈને જુગાર રમવા માંડે છે. આવી મેનિયાની સ્થિતિમાં ‘પોતે જાણે બધું જ સમજે છે, બીજા કરતાં વધુ જ્ઞાની છે’ તેવા વહેમમાં રાચે છે અને જ્યારે આનાથી વિરુદ્ધ સ્થિતિ જન્મે ત્યારે બધું જ વધુ પડતું વર્તન એકદમ ધીમું કે સ્થગિત થઈ જાય છે. આ ડિપ્રેશનનો તબક્કો હોય છે. આમાં દર્દીને નકારાત્મક વિચારો ઘેરી વળે છે.

           ઉન્મત્તતાના અને નિરાશાના આ તબક્કાઓ વારાફરતી ચાલ્યા કરે છે. આવા બાઇપોલર મૂડ ડિસઓર્ડરમાં દવાઓ અને સાયકોથેરપી બંનેનું કોમ્બિનેશન સારાં પરિણામો આપે છે. એટલું નક્કી છે કે સારવાર લાંબી ચાલે છે.

            ક્ષિતિજમાં પહેલેથી લઘુતાગ્રંથિ અને હતાશા થોડા પ્રમાણમાં તો હતાં જ. ઉપરાંત એના કાકાને પણ આ જ સમસ્યા હતી. પરિવારમાં કોઈને આ વિકૃતિ હોય તો વારસામાં આવવાની શક્યતા વધી જાય છે. યોગ્ય સારવારથી મૂડ સ્વિંગ્સ અને વિકૃતિને નિયંત્રણમાં કરી શકાય છે.

           વિનિંગ સ્ટ્રોકઃ આનંદ અને દુઃખ બંને પ્રમાણસર હોય તો જ માનસિક સ્વાસ્થ્ય સંતુલનમાં છે તેવું કહેવાય.

-ડો.પ્રશાંત ભીમણી 

No comments:

Post a Comment