Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

06 September 2020

દર સાતમાંથી એક વ્યક્તિ માનસિક બીમારીથી પીડાય છે

દર સાતમાંથી એક વ્યક્તિ માનસિક બીમારીથી પીડાય છે

આજના સમયમાં માનસિક તણાવનું પ્રમાણ વધતું જાય છે


          શરીરને સમતોલ અને સ્વસ્થ બનાવવા માટે કેટ-કેટલા ઉપાયો, કસરત અને ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ખરા? આજના સમયમાં માનસિક તણાવનું પ્રમાણ એટલું  બધું  વધી ગયું છે કે દર સાત વ્યક્તિમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પિડાતી હોય છે. જેના અનેક ગંભીર પરિણામો આવે છે.

             જાનકીને વારંવાર ગુસ્સો આવતો અને થોડા સમય પછી જાતે રડવા લાગતી. રાત્રે મોડા સુધી જાગવું, વગર કારણની ચિંતા કરવી, કોઈ પણ જગ્યાએ મન ન લાગવું, પતિ, બાળકો અને પરિવાર સાથે માથાકૂટ કરવી જેવી અનેક ઘટનાઓ તેના જીવનમાં જાણે રોજિંદા કાર્યની જેમ વણાઈ ગઈ હતી. સતત બેચેની રહ્યા કરતી. છતાં પણ ડૉક્ટર પાસે જવાના નામથી ડરતી અથવા તો ગભરાતી હતી. તેને લાગતું કે મારી આ સમસ્યા માટે જો હું ડૉક્ટર પાસે જઈશ તો બધા મને પાગલ સમજશે અથવા તો મને ડિપ્રેશન છે એમ ના માની બેસે. જો એમ બને તો પતિ, બાળકો અને પરિવાર સામે કદાચ હું હાસ્યનું પાત્ર બની બેસીશ અને સમાજ.. તેનું શું, કોઈ પણ પ્રસંગમાં જઈશ ત્યારે લોકોની ખોટી નજરોનો સામનો કરવો પડશે. દેરાણી, જેઠાણી માટે ગૉસિપનો વિષય બનીને રહી જઈશ. ના..ના.. મારે નથી જવું ડૉક્ટર પાસે. મને કશું જ નથી થયું. આવું તો ચાલ્યા કરે. એ તો ટેન્શનવાળો સ્વભાવ છે માટે. જાનકી આ રીતે પોતાની જાત સાથે વાત કરી જાતને સમજાવી લેતી, પરંતુ હકીકતમાં જાનકી ગંભીર માનસિક રોગમાં સપડાઈ ગઈ હતી. જેનાથી તે સંપૂર્ણપણે અજાણ હતી અથવા તો મહદ્અંશે જાણતી હતી છતાં સમાજ, પરિવાર અને લોકો શું કહેશે વિચારીને જાતને સમજાવી લેતી. આજે દર સાત વ્યક્તિમાંથી એક વ્યક્તિ જાનકી છે. એટલે કે ગંભીર માનસિક રોગના સકંજામાં સપડાયેલી છે. કેટલીક વ્યક્તિ જાણીને તો કેટલીક અજાણતા જ પોતાની આ બીમારીને અણદેખી કરે છે. જે આગળ જઈને ગંભીર સ્વરૃપ ધારણ કરે છે, પછી તે વ્યક્તિ પાસે નિસાસા સિવાય કશું  જ રહેતું નથી, પરંતુ જો પ્રયત્ન કરવામાં તો આ બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે. બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા કલાકારો પણ આ બીમારીનો સામનો કરી ચૂક્યા છે. દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા, શાહરુખ ખાન, કરણ જોહર, ટાઇગર શ્રોફ જેવા અનેક કલાકારો એક સમયે ડિપ્રેશનનો ભોગ બન્યા હતા, પરંતુ યોગ્ય સમયે બીમારી સામે લડ્યા અને આજે સફળ જીવન જીવી રહ્યા છે.

            ઇન્ડિયા સ્ટેટ લેવલ ડિસિઝ વર્ડન ઇનિશિએટિવે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે દેશમાં દર સાત વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગંભીર માનસિક બીમારીથી પીડિત છે. આ અભ્યાસ પ્રમાણે ડિપ્રેશન અને એન્ગ્જાઇટી એટલે કે બેચેની સૌથી કોમન માનસિક બીમારીઓ છે. દેશભરમાં આ બે સમસ્યાઓથી પીડાતા લોકોની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. ભારતમાં ૨૭ વર્ષના આંકડાના આધારે આ અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દેશમાં ૧૯.૭ એટલે કે લગભગ ૨૦ કરોડ લોકો માનસિક બીમારીનો સામનો કરી રહ્યા છે, જે આપણી કુલ વસ્તીનો ૧૪.૩ ટકા ભાગ છે. જેમાંથી ૪.૬ કરોડ લોકો ડિપ્રેશન અને ૪.૫ કરોડ લોકો એન્ગ્જાઇટીથી પીડિત છે.

          ડિપ્રેશન અને એન્ગ્જાઇટી બંને સમસ્યાઓનું મુખ્ય કારણ સ્ટ્રેસ (તણાવ) છે. બાળકોમાં પણ આ બીમારીઓ જોવા મળે છે. વારંવાર ડરાવવા કે ધમકાવવાના કારણે તેમને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત પણ સમાજમાં આવી રહેલા બદલાવના કારણે પણ માનસિક બીમારીઓ વધી રહી છે. પહેલા સંયુક્ત પરિવાર હતા માટે લોકો પોતાનો સ્ટ્રેસ અને સમસ્યાઓ પરિવાર સાથે શેઅર કરી મન હળવું કરી લેતા, પણ હવે વિભક્ત અને એકલ પરિવારમાં આ સંભવ નથી.

          આ ઉપરાંત અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે વયોવૃદ્ધ લોકો ડિપ્રેશનનો સામનો વધારે કરી રહ્યા છે. એટલું જ નહીં, પણ અભ્યાસ દરમિયાન એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતમાં જે પ્રમાણે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળ પણ મહદ્અંશે ડિપ્રેશન જ છે. કુલ બીમારીમાં માનસિક બીમારીઓનું પ્રમાણ છેલ્લાં ૨૭ વર્ષમાં બેગણુ વધી ગયું  છે.

             સાઇકિયાટ્રિસ્ટ અનિકેત અધ્યારુ કહે છે, ‘માનસિક બીમારી એટલે માત્ર ડિપ્રેશન નથી. તેને લગતી જુદી-જુદી ૨૦૦ જેટલી બીમારીઓ છે જેને સમયસર ઓળખી નિદાન કરવું  અનિવાર્ય છે. મારી દ્રષ્ટિએ બેચેની-ડિપ્રેશન આજે દર ત્રીજી વ્યક્તિમાં હોય છે, પરંતુ તેનું પ્રમાણ વધારે નથી હોતું માટે તે અંકુશમાં રહે છે અથવા તો એમ પણ કહી શકાય કે, તે સમયાધીન હોય છે. મતલબ કે પરિસ્થિતિ પ્રમાણે તેમાં વધઘટ થતી રહે છે, પણ જો તે સતત રહે તો તેની માટે જાગૃત બની ડૉક્ટરની મદદ લેવી અનિવાર્ય છે. અન્ય બીમારીઓની જેમ જ માનસિક બીમારી પણ ગંભીર છે જેની અસર જીવન પર થતી હોય છે અને આત્મહત્યા જેવા પગલાં પણ લેવાતા હોય છે. માટે સમય રહેતા જાગૃત બની આ બીમારીને મા’ત આપવી વ્યક્તિના હિતમાં છે.’

                  ૪૫ વર્ષના મંજરી આનંદ શ્રીવાસ્તવ પતિથી અલગ રહેતી મહિલા છે. દીકરો દસ વર્ષનો હતો ત્યારે કોઈ અંગત કારણોસર તેમના છૂટાછેડા થઈ ગયા. ઓછું ભણેલ મંજરીને પતિ તરફથી જીવન નિર્વાહ જેટલા તો પૈસા મળી રહ્યા, પરંતુ પિયરમાં સન્માન ન મળ્યું. માતા તો બાળપણમાં જ મૃત્યુ પામ્યાં હતાં. પિતા અને ત્રણ ભાઈ વચ્ચે મોટા થયેલા મંજરીને જીવનમાં ઘણા બધા પડકારો લાગતા હતા. દીકરો પતિ પાસે હતો, વીકમાં એક વખત મળતો. તેના વિના જિંદગી વિચારી જ નહોતી. સાથે ‘શું કરીશ’નો પણ પ્રશ્ન. આ વિચારોએ તેમને માનસિક બીમારીનો ભોગ બનાવી દીધા. કોઈ સહારો નહોતો, જાતે જ લડવાનું હતું. અભણ મહિલા, ડૉક્ટરે કહ્યું તે પ્રમાણે કર્યું. અંતે તેમને જીત મળી અને આજે તે એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યાં છે. મંજરીબહેન ડિપ્રેશન સામે તો લડ્યા, પરંતુ ઉંમરના એક પડાવ પછી અભ્યાસ કરી, આજના જમાના સાથે ડગ માંડી આગળ પણ વધ્યાં.

           આવા અનેક કિસ્સાઓ છે જે સામાન્ય વ્યક્તિને સ્પર્શે છે. મોટા કલાકારો કે પછી ઉદ્યોગપતિ કે સેલિબ્રિટી જ નહીં, પણ નાનામાં નાના માણસને પણ આ બીમારીનો સામનો કરવો પડે છે. બસ, જરૃર છે તેની સામે ઊભા રહેવાની અને મા’ત આપવાની.


માનસિક બીમારીનો સામનો આ રીતે કરો
  • ઊર્જા આપતાં કાર્ય કરો:- દિવસ દરમિયાન આનંદદાયક પ્રવૃત્તિ કરો. હેલ્ધી લાઇફસ્ટાઇલને અનુસરવાથી અનેક મુશ્કેલીનું આપોઆપ નિવારણ આવી જાય છે.
  • ઊંઘ બરોબર મેળવો :- ડિપ્રેશન અને ઊંઘને સીધો સંબંધ છે. બરોબર ઊંઘ ન મળે તો તેની અસર તમારા સ્વભાવ પર થાય છે. સાથે જ દિવસનો શિડ્યુલ પણ અસ્ત-વ્યસ્ત બની જાય છે.
  • મિત્રો, સ્વજનોને મળતા રહો :- તમને સારી રીતે સમજી શકે તે મિત્રોને મળતા રહેવું. ઉપરાંત તમારા સ્વજન જેમની સાથે મુલાકાત કરવાથી તમને આનંદ થતો હોય.અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો તમારી ઇચ્છા પ્રમાણે કામ કરો.
  • પોઝિટિવ રહો:- ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિ હંમેશાં ખોટી વાતો અને વિચારોમાં ઘેરાયેલી હોય છે. માટે જાતે જ પ્રયત્ન કરો કે આવા વિચારોને ત્યજી શકો. ડૉક્ટરો પણ કહે છે કે માનસિક બીમારી સામેનું અસરકારક હથિયાર યોગ છે. માટે નિયમિત યોગ કરો, અન્ય કસરત કરો, વૉકિંગ, વેઇટ ટ્રેનિંગ, સ્વિમિંગ, માર્શલ આર્ટ્સ, ડાન્સ જેવા કાર્યો તમને પોઝિટિવ રહેવામાં હેલ્પફુલ બની રહેશે. પોતાની જાતને અન્ય કરતાં ક્યારેય ઓછી આંકશો નહીં.

-ફેમિલી ઝોન – હેતલ રાવ

No comments:

Post a Comment