Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

09 September 2020

મનોરોગ પ્રત્યે સતત જાગૃતિ જરૂરી

મનોરોગ પ્રત્યે સતત જાગૃતિ જરૂરી


ઉદાસીનતાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ ડીપ્રેશનથી પીડાય છે

જેટલી શારિરીક સ્વાસ્થ્યની જરૂર છે, તેટલી જ માનસિક સ્વાસ્થ્યની હોવી જોઇએ. આજકાલ ઘણાબધા લોકોને માનસિક તકલીફ થઇ રહી છે, જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા ચાલતી હોય છે - જેમકે ''ટેન્શન વધી ગયું છે'', ''કાંઇ ગમતું નથી'', ''વારંવાર મન અપસેટ થઇ જાય છે.'' ભલભલા લોકોને ડીપ્રેશન આવી જાય છે.

આજના જ એક સમાચાર મુજબ વર્તમાન ભારતીય ક્રિકેટના કપ્તાન અમુક વર્ષો પહેલાં ખૂબ જ ડીપ્રેશનમાં આવી ગયા હતા. આ ઉપરાંત અનેક મહાપુરૂષો, સેલીબ્રીટીઝ ઉદાસીનતાના ઝપટમાં આવી ગયેલ હતાં. આમ શરીરની તંદુરસ્તી તો જરૂરી છે જ, પરંતુ મનની તંદુરસ્તી પણ સાથે સાથે હોવી જોઇએ.

અગાઉના લેખમાં જણાવ્યું હતું કે સ્ટ્રેસ પણ વધી ગયો છે - આજના લેખમાં ડીપ્રેશન વિષે વિગતથી ચર્ચા કરીએ.

વાંચક મિત્રો, ડીપ્રેશન અથવા હતાશા (ઉદાસીનતા) પણ એક પ્રકારની માનસિક બીમારી છે. આ બીમારી એવી છે કે શરૂઆતના તબક્કામાં મોટાભાગની વ્યક્તિઓ ક્યાં તો ગણકારતા નથી અથવા જાણકારીનો અભાવ હોય છે. થોડા દિવસ ઉદાસ રહેવાય તો કોઇ ડોકટર પાસે દોડી જતું નથી- એવું વિચારે છે કે હશે, થોડા દિવસમાં બધું બરાબર થઇ જશે.

શું તાવ આવે કે ઝાડા થઇ જાય ત્યારે તેની દરકાર નથી લેતાં ? આવી જ રીતે મન ઉદાસ રહેતું હોય, અને તે પણ છેલ્લા ઘણા દિવસથી, સાથે સાથે શરીરમાં અકારણ થાક લાગતો હોય, જુદા જુદા ભાગમાં દુખાવો રહ્યા કરતો હોય, વિચારો વધી ગયાં હોય, તો જેમ બને તેમ જલદીથી ડોકટરની સલાહ લેવી જોઇએ - શક્ય છે કે ડોકટર નિદાન કરીને કહે કે આ માનસિક તકલીફ છે.

આ સિવાય ઘણી વ્યક્તિઓને શરૂઆત શારીરિક તકલીફથી જ હોય. જુદા જુદા ડોકટરોને બતાવીને જાત જાતના ટેસ્ટ કરાવ્યા હોય. ડોકટરનો અભિપ્રાય એવો હોય કે શરીરની કોઇ જ બીમારી નથી- ત્યારે સ્વાભાવિક સવાલ ઊભો થાય કે તો પછી શું છે ? તકલીફ તો રહ્યા જ કરે છે. ટેસ્ટના રીપોર્ટ નોરમલ આવે છે. આવા સમયે પણ શક્ય છે કે તેઓને ડીપ્રેશનની માનસિક બીમારી હોઇ શકે.

આ ઉપરાંત ક્યારેક વ્યક્તિને ખબર હોય છે કે પોતે ડીપ્રેશનથી પીડાઇ રહ્યા છે. છતાંપણ માનસિક બીમારી પ્રત્યેની સુગ અથવા 

''જો હું મનોચિકિત્સક પાસે જઇશ તો લોકો શું વિચારશે ?'' આવું વિચારીને નિષ્ણાતની સલાહ લેવાનું માંડી વાળે છે.

વાંચક મિત્રો, આજે ડીપ્રેશન વિષે વિગતથી લખવાનું એટલે રાખ્યું કે, ઉદાસીનતાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ ડીપ્રેશનથી પીડાય છે. આ ઉપરાંત આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે જેટલી ઝડપથી ડીપ્રેશનની સારવાર કરાવવામાં આવે તો ગંભીર બીમારીને રોકી શકાય છે. અને જીંદગી બચાવી શકાય છે.

ઘણીવાર તો ક્લીનીકમાં દર્દીઓ એવું પણ કહેતાં હોય છે કે ''જીવીને શું કરવું છે, આના કરતાં તો મોત આવે તો સારું.'' આ પ્રકારના વિચારો પણ ડીપ્રેશનની જ નિશાની છે. દરેકને ખબર હોય છે કે જન્મ અને મરણ આપણા હાથમાં નથી. છતાંપણ જીંદગીથી હારી આત્મહત્યા તરફ વળતાં હોય છે. જ્યારે હતાશાથી નિરાશ થઇ જવાય, ત્યારે વ્યક્તિ આપઘાતના વિચારો કરે છે.

ટૂંકમાં જો પહેલેથી જ માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવામાં આવે અને જેવી તકલીફની શરૂઆત થાય ત્યારે જ યોગ્ય સલાહ, સારવાર લેવામાં આવે તો અન્ય બીમારીની માફક માનસીક બીમારીથી પણ છુટકારો મળી શકે છે.
                                                                          ચેતના - હિતેન્દ્ર ગાંધી

No comments:

Post a Comment