Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

09 December 2020

હેપ્પીનેસ તમારા હાથમાં છે તમારા રડ વધારો


હેપ્પીનેસ તમારા હાથમાં છે તમારા રડ વધારો

- વિશ્વખ્યાત મનોચિકિત્સક ડો. ડેવિડ હોકિન્સે Kinesiologyની મદદથી પૂરવાર કર્યુ હતુ કે હકારાત્મક કે ઉર્જાવાન વ્યક્તિના આંદોલનો અને આભામંડળ તેજસ્વી હોય છે
- હોરાઈઝન- ભવેન કચ્છી

- ડૉ. ડેવિડ હોકિન્સના પુસ્તક 'Power Vs Force'નો વિશ્વની ૨૫ ભાષાઓમાં અનુવાદ થયો છે

- પાવર વ્યક્તિની અંદરથી આવે છે જ્યારે ફોર્સ કે જે નેગેટિવ છે તે શરીરની બહારથી આવે છે


આ પણે અત્યાર સુધી પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પ્રવચનોમાં જ સાંભળતા આવ્યા છીએ કે હકારાત્મક વિચાર કરો તો આપોઆપ તમારામાં આગવી ઉર્જા ઉત્પન્ન થશે અને ધ્યેય પ્રાપ્તિ માટેનો માર્ગ સહજ રીતે ખુલવા માંડશે.

પ્રેરણાત્મક પ્રવચન આપનારાઓ એવી વાત પર પણ ભાર મૂકે છે કે પ્રત્યેક વ્યક્તિ જેવા વિચારો ધરાવે છે અથવા તો તેની આધ્યાત્મિક કક્ષા પ્રમાણે તેની આજુબાજુ વ્યક્તિ પોઝિટિવ હોય તો તેજસ્વી અને નેગેટિવ કે તામસી હોય તો નિસ્તેજ પૂંજ કે પ્રકાશનો ગોળો કે આવરણ રચાયેલું હોય છે જે નરી આંખે જોઇ શકાતું નથી. જૈન ધર્મના તત્વ દર્શનમાં તો પ્રત્યેક વ્યક્તિની આજુબાજુ આવા પ્રકાશ પૂંજના રંગના આધારે તે વ્યક્તિ કેવી હોઇ શકે તેને વર્ગીકૃત પણ કરવામાં આવી છે.

આવી બધી 'ઓરા', તેજપૂંજ, 'હેલો', આંદોલનો અને 'વાઈબ્રેશન'ની થિયરીમાં તર્કવાદીઓને શ્રધ્ધા નથી હોતી.

પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પ્રવચન કરનારાઓ આ આખી થિયરીને મહ્દઅંશે મનોવિજ્ઞાાન કે શ્રધ્ધાના આધારે જ સમજાવે છે. બહુ તો અજ્ઞાાત મન (સબ કોન્સિયસ માઇન્ડ)ની થિયરીથી વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવે છે.

ખરેખર તો વ્યક્તિના વિચારોની તેના પર અને તેની આજુબાજુના વાતાવરણ પર અને તેનાંથી પણ આગળ જઇએ તો પૃથ્વીના અવકાશમાં ફીલ ગૂડ વિચારો ભરી દઇએ તો પૃથ્વીવાસીઓ પર પણ તેની સુખદ અસર પડે જ છે.

આપણા શાસ્ત્રો, સંતો કે ગેબી શક્તિ ધરાવતા મહાત્માઓએ સુક્ષ્મ વિચારો, ઉર્જાવાન વ્યક્તિત્વ અને તેજોપૂંજની મહત્તા બતાવી છે તે ૧૦૦ ટકા સત્ય છે પણ તેઓ કે આપણા વિજ્ઞાાનીઓ તેને આધારભૂત રીતે પૂરાવા નથી આપી શક્યા ત્યારે અમેરિકાના મનોવિજ્ઞાાની, સંશોધક અને દેહની સ્થૂળ ગતિવિધીથી સુક્ષ્મ શું રચાય છે, બને છે તેનો ટેકનોલોજી વડે અભ્યાસ કરીને જગવિખ્યાત બનેલા ડો. ડેવિડ આર હોકિન્સે 'Power Vs Force' નામનું બેસ્ટ સેલર પુસ્તક છેક ૧૯૯૫માં ભેટ આપ્યું છે જેની આજે તો દસ આવૃતિ અને ઓડિયો બુક બની ચૂકી છે. વેયન ડાયર, માઇગ્યુએલ રૂઇઝ, એકાર્ટ ટોલ, દિપક ચોપ્રા, લિઝા નિકોલસ, 'ધ સિક્રેટ' પુસ્તકથી જગવિખ્યાત બનેલ રોન્ડા બર્ન અને ટોની રોબિન્સથી માંડી રોબિન શર્મા જેવા પ્રેરણાત્મક લેખકો અને વક્તાઓ 'Power Vs Force'નો સહારો લઇને જ હકારાત્મક ઉર્જા અને પ્રગતિશીલ, અનુકંપા અને કરૂણા જગવતા વિચારોની તાકાત સમજાવે છે.

ડો. ડેવિડ આર હોકિન્સે વિજ્ઞાાનની એરણ પર આ આખી પ્રક્રિયા કઇ રીતે પૂરવાર કરી હતી તેની સીધી સાદી ભાષામાં સમજ મેળવીએ તે પહેલા આ મહાન મનોવિજ્ઞાાનીનો આછેરો પરિચય મેળવીએ.

ડો. ડેવિડ હોકિન્સનો (૧૯૨૭-૨૦૧૨) જન્મ અમેરિકાના વિસ્કોન્સિનમાં થયો હતો. ૧૭થી ૧૯ વર્ષની વય દરમ્યાન તેમણે અમેરિકન નેવીમાં રહી બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન ન્યુયોર્ક શિપયાર્ડમાં જૂનિયર કેટેગરીમાં સેવા આપી હતી. ૧૯૫૩માં વિસ્કોન્સિન મેડિકલ કોલેજમાંથી તેણે તબીબી ડીગ્રી મેળવી. તે પછી ૨૫ વર્ષ ન્યુયોર્કમાં રહી અમેરિકાના ટોચના મનોચિકિત્સક તરીકે તેણે પ્રેકટિસ કરી, તે પછી ૨૫ વર્ષ સંશોધન, બર્કલી યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પ્રદાન આપ્યું. ૧૯૯૫માં તેમણે કોલમ્બિયા પેસિફિક યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું ત્યારે તેમની વય ૬૮ વર્ષની હતી અને મજાની વાત એ હતી કે વિશ્વના જે પણ મનોવિજ્ઞાાનીઓ અને ચિકિત્સકો ટોચ પર પહોંચ્યા કે પીએચડી બન્યા તે તેમના હાથ નીચે અભ્યાસ કરી ચૂક્યા છે. પોતે પીએચડી કરવા કરતા મનોવિજ્ઞાાન અને સુક્ષ્મ દેહના પ્રભાવ અને તે આભા મંડળો, તેજોપૂંજ અને વિચારોની વાતાવરણ પર અસર કઇ રીતે સર્જાય છે તેના અભ્યાસ અને સંશોધનોમાં જ ગળાડૂબ રહ્યા.

હોકિન્સે ૨૦ જેટલા પુસ્તકો લખ્યા જે મનોવિજ્ઞાાનીઓ અને ચિકિત્સકો માટે બાઇબલ સમાન છે. 'Power Vs Force' વિશ્વની ૨૫ ભાષાઓમાં અનુવાદ થયું છે અને તેની ૧૦ લાખથી વધુ કોપી વેચાઇ છે. એ જ પુસ્તક છે જેમાં તેણે વિજ્ઞાાનિક અને Kinesiology ટેકનોલોજીથી પૂરવાર કર્યું છે કે સ્થૂળ શરીર જેટલું કે વધુ યોગદાન સુક્ષ્મ શરીરનું છે. સ્થુળ શરીર આપણને માત્ર જીવાડે છે જ્યારે સુક્ષ્મ શરીર કઇ રીતે જીવવું, દુનિયાને મૂલવવી, કયા ગૂણો કેળવવા તે નક્કી કરે છે. આપણા હૃદયના ધબકારા, શ્વસન પ્રક્રિયા, સ્નાયુ શરીરમાં દરેક વ્યક્તિને મળેલા હોર્મોન્સ, રસાયણ, તેનો સ્ત્રાવ, ઈન્દ્રિયો પ્રત્યેક વ્યક્તિમાં ઓછી-વધતી પ્રબળતા, ઈચ્છા શક્તિ આ બધું કોણ સંચાલન કરે છે ? હૃદય પણ આખરે સ્વયં સંચાલિત વીજ પ્રવાહની જેમ ધબકતું રહે છે.

તમામ અંગો લોહીનું ભ્રમણ, બારિક રેષા જેવી નલિકાઓમાં રહેલું પ્રાણ તત્વ અને તેનો અવિરત સંચાર ઉર્જાને આભારી છે. તેની કેળવણી કરીને આપણે હકારાત્મક, ઉર્જાવાન અને પ્રજ્ઞાા કે સિક્સ્થ સેન્સના માલિક બની શકીએ છીએ. જેમ કાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી કે જુદા જુદા સ્કેન આખરે તો સ્થુળ દેહ તેના કુદરતી ક્રમ પ્રમાણે કાર્યરત છે કે કેમ તે ઝીલી શકે છે તો આ કુદરતી ક્રમ એટલે શું ? હૃદય રોગમાં મૃત્યુની નજીક જઇ રહેલા દર્દીને ઝાટકા આપીને પુન: હૃદય ધબકતું કરવાનો જે પ્રયત્ન છે તે જ્યારે વ્યક્તિ જીવંત હોય ત્યારે કઇ શક્તિ કાર્યરત રાખે છે. ચયાપચયની પ્રક્રિયાને સ્થુળ સિસ્ટમ તબીબી જગત સમજાવે છે પણ દવા આખરે તો સુક્ષ્મ થકી સ્થુળને સમતોલ બનાવવાનો પ્રયત્ન છે.

ડો. ડેવિડ હોકિન્સે બે વખત મનોચિકિત્સના નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા ડો. લાઇનસ પોઉલિંગે સાથે મળીને મહત્તમ સંશોધન કર્યા છે.

Kinesiology સાદી સમજ પ્રમાણે આપણે ટ્રેડ મિલ ટેસ્ટ કરાવીએ ત્યારે આપણને જે રીતે છાતી, ખભા કે પેટની ઉપરના ભાગમાં પ્લગ જેવું ચીપકાવી ક્રમશ: ઝડપ અને ઢોળાવ વધારીને મશીન પર દોડાવાય છે અને તેના આધારે હૃદયની કાર્યક્ષમતાનો ગ્રાફ બનતો જાય છે તે જ રીતે બ્રેઇન, ઓર્થોપેડિકસને અન્ય ટેસ્ટ થાય છે એક એથ્લેટને જુદા જુદા પ્લગ અને સેન્સર લગાવી જુદી જુદી કસરતોની તીવ્રતા વધારતા જવાય છે અને તેની ક્ષમતાનું લેવલ આપી શકાય છે. આ તો શારિરીક (ફિઝીયોલોજીકલ) માપન થયું તે જ રીતે ઇલેકટ્રો ફિઝિયોલોજીની મદદ વ્યક્તિ કે પ્રાણીના મનોવર્તનને પણ પામી અને માપી પણ શકાય છે. ન્યુરોસાયસન્સમાં પણ Kinesiology મહત્વની ટેકનોલોજી છે.

સંશોધનનો ટેકનોલોજીક ભાગ તો જટીલ છે પણ ડૉ. ડેવિડ હોકિન્સે જે તારણ મેળવ્યા તે રસપ્રદ છે. મનોચિકિત્સક તરીકે તેમણે તેના મનોબીમાર દર્દીઓના જે Kinesiology ટેસ્ટ કર્યા તેમાંથી એ ફલિત થયું કે જે દર્દીમાં કારણ વગર 

ડરની માત્રા છે તેઓના મશીનમાં વાઇબ્રેશન ૦.૧ થી ૨ hz (હર્ટઝ-વિદ્યુત તરંગ) છે. યાદ રહે વ્યકિતના hz ઓછા તેમ તે વધુ નકારાત્મક કે મનોબીમાર. પીડા અનુભવતા, કારણ વગર કે વાતવાતમાં ચિઢાઈ જતી વ્યક્તિના, ઘોંઘાટના, મિથ્યિાભિમાન કે અહંકારી વ્યક્તિના,ગુરૂતા અને લઘુતાગ્રંથિથી પીડાતા વ્યકિતના, તનાવ-ડિપ્રેશન ધરાવતી વયકિતના વાઇબ્રેશન ૧ થી ૬ hz સુધી જ આવતા હતા.

જ્યારે જે વ્યક્તિ હકારાત્મ, ઉર્જાવાન, અનુકંપાવાન, આભારની લાગણી ધરાવતી, જતુ કરવાવાળી, સમાધાનકારી, ધીરજવાન, સંયમવાન અને સ્વસ્થ ચિત્ત હશે તે વ્યક્તિના ૯૫ થી ૧૫૦ hz આવ્યા હતા.

જેઓ બિનશરતી પ્રેમ કરે છે અને સમગ્ર સૃષ્ટિને ચાહે છે તેવી વ્યક્તિના ૨૫૦ રડ હોય છે.

જો તમારા વાઇબ્રેશનનું લેવલ ઉંચુ લઇ જશો એટલે કે આવા ઉમદા ગુણો ખીલવશો તો નીચા આંકના વાઇબ્રેશન ધરાવતા નાગરિકો જે હતાશા, માનસિકપીડા, ઇર્ષા કે દરેક વાતમાં ફરિયાદ કે સ્વાસ્થ્ય કથળેલું હોય તેવું નહીં અનુભવે.

જેમ કસરત કરવાથી, આહાર નિયમનથી દેહ સૌષ્ઠવ, રોગ મુક્તિ કે રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે તેમ મનને પણ કેળવીને, પ્રેરણાદાયી વાચન, દ્રશ્ય-શ્રાવ્ય જ્ઞાાન-સત્સંગનો ખોરાક આપીને દેહમાંથી એવા સ્ત્રાવો વહેતા કરી શકાય છે કે પછી સુક્ષ્મ શક્તિ બહાર લાવી શકાય છે કે આપણું માનસિક જીવન ધોરણ સ્વાસ્થ્યપ્રદ બને અને આપણા hz વધે.

ડર, શંકા, ફોબિયા, એન્કઝાયટી, તનાવ, ડીપ્રેશન ઇર્ષા, ક્રોધ, ધીક્કાર અને લોભ જેવી મનોસ્થિતિ ધરાવતીના hz ઓછા છે તે ડેવિડ હોકિન્સે માપી બતાવ્યું છે. એટલે સુધી કે હોસ્પિટલ, જેલ, ભંડકિયા, અન્ડરગ્રાઉન્ડ, તનાવ ધરાવતા ઘરો, વેરાન જગામાં જે વાઇબ્રેશન છે તેને hz માં પરિવર્તિત કરતા ઘણો ઓછો સ્કોર જોવા મળ્યો.

હકારાત્મક અને આનંદી, શ્રધ્ધાવાન અને ઉર્જાસભર વ્યક્તિની નજીક બેસતા તમને કારણ વગરનો આનંદ આવતો હોય છે. અમુક અજાણી વ્યક્તિ તમારા હૃદયને સ્પર્શી જાય છે. અમુક વ્યક્તિમાં આગવુ દિવ્ય અને આધ્યાત્મિક તેજ અનુભવી શકાતું હોય છે. તે બોલે નહીં તો પણ તેની હાજરી માત્રથી ઉચાટ ધરાવનારાઓને શાંતિ અનુભવાય છે. આવી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ સમગ્ર પરિવાર, સમાજ કે પરિસર, ઓફિસ માટે નબળા hz સમતોલ કરી આપે છે.

ડેવિડ હોકિન્સે ડીપ્રેશનને લીધે મૃત્યુની ઇચ્છા કરતા મનોબીમારોને કે વ્યક્તિઓને આ hz માપી અને તેનું લેવલ વધારતી સારવાર, દવા અને કાઉન્સેલિંગ પર પૂર્ણતા સમાન પ્રદાન આપ્યું છે.

હળવી કસરત, ઉંડા શ્વાસ, ધ્યાન તાઇ ચી, સૂર્યપ્રકાશમાં ચાલવું, પ્રકૃતિને નિહાળવી, કર્ણપ્રિય સંગીત સાંભળવું, ચિત્રકામ, રંગકામ, કોઇ શોખ, સારૂ શ્રવણ, પ્રાર્થના, નૃત્ય, પૂજા-અર્ચન, સ્મિત સભર રહેવું, ચાહવુ, આભારની લાગણી વ્યક્ત કરવી, મિત્રો, સ્નેહીઓ સાથે બેસવું, ઉજાણી કરવી, જમીનમાંથી ઉગતા તમામ ધાન્યો અને શાકભાજી, ફળો આરોગવા, પાણી કે ફળોના રસ વધુ માત્રામાં પીવા, સરસ કપડા અને સ્વચ્છતા સાથે તૈયાર રહેવું, સ્નાન અને ટુથ બ્રશને બે વખત કરવું, સાત કલાકની નિંદ્રા લેવી, વ્યસ્ત રહેવું અને જક્કીપણુ ત્યજી દઇને ભોળા બની જવાથી hz વધે છે.

ડૉ. ડેવિડ હોકિન્સની વાત સ્પષ્ટ છે કે જેમ આપણું વજન, બીપી, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ કે તમામ મેડિકલ રીપોર્ટના આંકની મર્યાદા કે આટલુ તો હોવું જ જોઈએ તેમ તબીબી વિજ્ઞાાને સંશોધનો બાદ તારણ કાઢયું છે તે જ રીતે પ્રત્યેક વ્યક્તિના ૧૨૦ થી ૩૫૦ hz હોવા જોઇએ. તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે ૩૫૦ hz ના લેવલે હોવ છો. આ જ રીતે દુનિયામાં સૌથી પ્રસન્ન, સ્વસ્થચિત્ત કે સ્થિતપ્રજ્ઞાતાને વિજ્ઞાાન માપી શકે છે. આ માટે મશીન વ્યક્તિના મસ્તિષ્ક અને હૃદય પર અમુક પોઇન્ટ પર લગાડવાના પ્લગ હોય છે. ક્રોધની, હતાશાની, આઘાતની, નિષ્ફળતાની પળ વખતે કે ઇચ્છેલુ ન મળે ત્યારે એક જૂથમાં બેસેલ તમામના hz જુદા જુદા હોય છે.

ડેવિડ હોકિન્સે તેમના પુસ્તકમાં ગાંધીજીને પાવરના પ્રતિક ગણાવ્યા છે.

પાવર આપણી અંદરથી આવે છે જ્યારે ફોર્સ બહારથી આવે છે. આપણે વધુ ફોર્સ પેદા કરતી વ્યક્તિને શક્તિશાળી માનીને ભૂલ કરીએ છીએ.

'હેપ્પીનેસ ઇન્ડેકસ' પણ હવે પ્રચલિત થતો શબ્દ છે. તો ચાલો શેરબજારના સેન્સેકસ કરતા આપણા hz વધારવાનો ધ્યેય રાખીએ.

એક વ્યકિતની હકારાત્મક હાજરી અને ઉર્જા ૭,૫૦,૦૦૦ લોકોની નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય બનાવી દે છે. આવો, હકારાત્મકતાથી ભરપૂર આભા મંડળ બનાવીએ. કોરોના વાયરસનો hz વાતાવરણમાં ફરતા hz કરતા દમદાર ન હોવો જોઈએ.

ડૉ. ડેવિડ હોકિન્સના સંશોધન જોડે હવે આપણું સુક્ષ્મ જગતનું તત્વજ્ઞાાન જોડી દો.

No comments:

Post a Comment