Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

01 January 2021

આજનો નવો રોગ ‘ક્રોનિક-ફટિગ-સિન્ડ્રમ’


આજનો નવો રોગ ‘ક્રોનિક-ફટિગ-સિન્ડ્રમ’


આજના સમયમાં ‘થાક’ એક મોટી સમસ્યા બની રહ્યો છે. આ જ કારણથી શક્તિ-સ્ફૂર્તિ આપતી દવાઓની માગ વધી છે અને તે ખૂબ વેચાઈ રહી છે. સ્ફૂર્તિ આપતા સપ્લિમેન્ટ્સ, પીણાં વગેરે પણ ખૂબ વેચાઈ રહ્યા છે. શરીરમાં સતત રહેતા થાકને ‘ક્રોનિક ફટિગ સિન્ડ્રમ’ એટલે કે સીએફએસ કહે છે.

સી.એફ.એસ.નો ભોગ બનેલી વ્યક્તિ તીવ્ર થાકનો અનુભવ કરે છે. શરીરમાં જાણે ચેતન જ ના હોય એવો અનુભવ તેના દર્દીને થાય છે. તેને કોઈ કામ કરવું ગમતું નથી અને તે આખો દિવસ બેઠેલો જોવા મળે છે. દર્દી ચિંતાતુર, ચીડિયો અને નર્વસ રહે છે. તેના મૂડ્સ સતત ઉપર-નીચે થતાં રહે છે. જેથી તે વ્યક્તિ ઘરમાં કે ઓફિસમાં આપખુદ બની જાય છે.

સી.એફ.એસ.નો એક દર્દી આ તકલીફનું વર્ણન કરતાં કહે છે, ”એઈડ્સ અને સી.એફ.એસ.માં એક જ ફરક છે. એઇડ્સમાં દર્દી મરી જાય છે જ્યારે આ તકલીફમાં દર્દી મોત માગે છે.” આજના સમયમાં મોટા ભાગના લોકો માનસિક રીતે વિક્ષિપ્ત હોય છે. જેઓ નથી તેઓ ટૂંક સમયમાં જ બની જશે તેમાં કોઈ શક નથી. શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે વિક્ષિપ્ત થયેલી વ્યક્તિ ભાવનાત્મક રીતે પણ નબળી પડી જાય છે. સી.એફ.એસ. તેનું પરિણામ છે.

આપણામાંના દરેકે ક્યારેક અચાનક જાગી ઊઠતા થાકનો, સ્નાયુઓના કળતરનો, અસુખનો અનુભવ કર્યો છે. ઘણી વાર તે સમયે ફ્લૂનું નિદાન થાય છે અને તેની સારવાર કરવામાં આવે છે. થાકની સ્થિતિનું એક વાક્યમાં વર્ણન કરવું શક્ય નથી, કારણ કે તે સ્થિતિમાં દરેકને વિભિન્ન પ્રકારનો અનુભવ થાય છે. થાક એ ડ્રાઉઝીનેસ પણ નથી. ડ્રાઉઝીનેસમાં માણસને ઊંઘવાની તીવ્ર ઇચ્છા અને જરૂર હોય છે. ‘થાક’ એ શક્તિ-સ્ફૂર્તિના અભાવનો તેમજ નિષ્ક્રિયતાનો અનુભવ છે. ડ્રાઉઝીનેસ અને એપથી કામો વગેરે તરફ ઉદાસીનતા, નીરસતા) થાકના લક્ષણો હોઈ શકે છે.

લાંબા સમય સુધી રહેતી તીવ્ર થાકની સ્થિતિ સાથે અન્ય તકલીફો પણ હોય છે. ચેપો, હેપિટાઈટિસ, ટી.બી., વાઇરલ-ઇન્ફેક્શન્સ અથવા હાર્ટ-ડિસીઝ તેમાંની કેટલીક તકલીફો છે. ડાયાબિટીસ, હાઇપો-થાઇરોડિઝમ જેવા મેટાબોલિક અને એન્ડોફિન-ડિસોર્ડર્સ સી.એફ.એસ.નાં પરિણામો છે. રક્તાલ્પતા અને કુપોષણ પણ થાક, આળસ, સુસ્તી લાવે છે. ચેપ કે રોગની સારવાર કરવાથી આ લક્ષણો દૂર થાય છે, પરંતુ લાંબો સમય રહે તો તીવ્ર થાક ચેતી જવા જેવું લક્ષણ છે. અન્ય કોઈ રોગ વિના અનુભવાતો તીવ્ર થાક ‘સી.એફ.એસ.’ કહી શકાય.

એક નિષ્ણાતના મત મુજબ સી.એફ.એસ. ખૂબ નબળા બનાવી દેતો, અનેક લક્ષણો ધરાવતો ડિસોર્ડર છે. તે રોગ નથી. તે શારીરિક અને મનોવૈજ્ઞાનિક ચિહ્નો અને લક્ષણોનો સમન્વય છે. શરૂઆતમાં આ તકલીફ મનોવૈજ્ઞાનિક સમસ્યાની જેમ દેખાય છે. તેમાં બેચેની, અનિચ્છા, ચીડિયાપણું, ચિંતા અને ભયનું મોજું, ડિપ્રેશન, ભૂખનો અભાવ, ઊંઘમાં વિક્ષેપ, શારીરિક સુસ્તી, વજનમાં ઘટાડો, વધારે ઝડપી ધબકારા, ગરમી વગરનો પરસેવો, બી.પી.માં વધઘટ, અચાનક થતા દુખાવા અને કળતરનો અનુભવ થાય છે. કોઈ ખાસ કારણ વિના પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે છતાં ગંભીર પ્રકારના ચેપોથી થતાં તાવ, ફ્લૂ, ઇજા વગેરે તે થવાની સંભાવના વધારી દે છે.

એક ડોક્ટરના મત મુજબ સી.એફ.એસ. થવાના કારણોમાં ઝડપી બદલાતા સામાજિક સમીકરણોથી લઈને વિભક્ત કુટુંબને કારણે ઉદ્ભવતી તાણનો સમાવેશ થાય છે. ઘરમાં કે ઓફિસમાં પ્રાણવાયુનું ઓછું પ્રમાણ, લોહતત્ત્વ વગરનો આહાર, પ્રોટીન્સ-કાર્બ્સનો આહારમાં અભાવ, ભાવનાત્મક આઘાત, થાઇરોઈડ, હોર્મોનલ-ચેન્જિસ, એલર્જીસ, નબળું પોશ્ચર, રક્તાલ્પતા, કંટાળો, નૈતિક-સ્ખલન, વજન, હાર્ટ-વાલ્વની તકલીફ, વાતાવરણનું પ્રદૂષણ પણ કેટલાંક જવાબદાર કારણો છે. અનિદ્રા, અનિયમિતતા, કેફિનનું વધુ સેવન પણ સી.એફ.એસ.ની તકલીફમાં વધારો કરી શકે છે. યુવાન આઈ.ટી. અને બી.પી.ઓ. પ્રોફેશનલ્સમાં જોવા મળતો ‘ઇન્ટેલેક્ચુઅલ બર્નઆઉટ’ પણ આ સમસ્યા સર્જી શકે છે.

આજના સમયમાં સૌથી વધુ ઉપેક્ષા પામેલો કોઈ રોગ હોય તો તે સી.એફ.એસ. છે. દરેક વ્યક્તિ પોતાની જાતને આ રોગ સાથે જોડી શકે એવો આ સમય છે. નવા હેલ્થ-લિટરેચરને વાંચીને તમે આકર્ષક લાગે તેવા ‘ફાઇબ્રોમાઇલ્જ્યા’, ‘ન્યૂરાસ્થેનિયા’, ‘લાઇમ-ડિસીઝ’, ‘શ્રિન્કર્સ-સિન્ડ્રમ’, ‘ગ્લેન્ડયુલર-ફીવર’, ‘પોસ્ટ-વાઇરલ ડેબિલિટી સિન્ડ્રમ’, ‘યુપ્પી-ફીવર’, ‘માઇલ્જિક એન્થેફેલાઇટિસ’, ‘લ્યુપસ’ જેવા નામો અને લક્ષણો સાથે પણ તમે તમારી જાતને જોડી શકો છો, પરંતુ હવે સી.એફ.એસ. એક આગવી સમસ્યા તરીકે લોકોના ધ્યાનમાં આવી રહ્યો છે.

સી.એફ.એસ. એ એક શહેરી સમસ્યા છે જે ચોવીસથી ચાલીસની વયની વ્યક્તિને વધારે અસર કરે છે. ભારતમાં દર ૧૦૦ વ્યક્તિએ એક વ્યક્તિ તેનાથી પીડાય છે. વિશ્વમાં ૧૦થી ૧૫ ટકા લોકો તેના ભોગ બને છે. યુવાન કોર્પોરેટ કર્મચારીઓમાં આ રોગ ઝડપથી વધી રહ્યો છે. ‘હાયર એન્ડ ફાયર’ પોલિસીને કારણે યુવાનોમાં કામ અને લક્ષ્ય અંગેનો બોજ ઘણો વધી ગયો છે. તેઓમાં તાણનું પ્રમાણ ઘણું વધેલું હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓ.પી.ડી.માં આવતા દર્દીઓમાંના ત્રીસેક ટકા જેટલા દર્દીઓને આ સમસ્યા હોય જ છે. તેમાંના નેવું ટકા જેટલા દર્દીઓનું જાણકારીને અભાવે નિદાન થઈ શકતું નથી. જાણકારીના અભાવે અને પરીક્ષણો ક્લિયર આવવાને કારણે તેઓની કોઈ સારવાર થતી નથી.

વીસેક વર્ષ પહેલાં આ સમસ્યાની કોઈને જાણ ન હતી, પરંતુ જ્યારે જાણીતી વ્યક્તિઓ આ સમસ્યાનો ભોગ બની ત્યારે ઇ.સ. ૧૯૮૦માં સી.એફ.એસ.ની હાજરી નોંધવામાં આવી. તે થવા પાછળના કારણોને શોધીને તેમને દૂર કરવાની કોઈ સારવાર શોધાઈ નથી. કેટલીક દવાઓ લક્ષણોમાં રાહત આપે છે. સંશોધનકર્તાઓના મત મુજબ આ બીમારી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં વંશાનુગત બાબતો, પ્રદૂષણ, ટોક્સિન્સ અને શારીરિક-માનસિક ઇજાઓ-આઘાતોનો સમાવેશ થાય છે.

અભ્યાસોના તારણો સી.એફ.એસ.ની શરૂઆતને લાઇન-સિન્ડ્રમ, ઓ-ફીવર, રોડ-રિવર-વાઇરસ, પાર્વોવાઇરસ, મોનોન્યૂક્લીયોસિસ તેમજ અન્ય ચેપી રોગો સાથે જોડે છે.

સી.એફ.એસ. કેટલાક મહિનામાં અદૃશ્ય થઈ જાય છે, પરંતુ કેટલાંક લોકોમાં તે જીવનભર રહે છે. મોટાભાગે તેની સારવાર ધીમી અને ખાસ કોઈ સુધારા વિનાની હોય છે. ‘કોગ્નિટિવ બિહેવિયરલ-થેરપી’ અને કાઉન્સેલિંગ દર્દીઓેને તકલીફનો સામનો કરવામાં મદદ કરે છે. આયોજન મુજબની કસરત, ધ્યાન, સારું પોષણ અને સામાજિક મેળ-મિલાપ તેમાં મદદરૂપ થાય છે. જિનસેન્ગ, અશ્વગંધા જેવી ષધીઓ પ્રયોજી શકાય. યોગ અને કલા, સંગીત વગેરે થેરપી ઉપયોગી છે. એક્યુપ્રેશર એનર્જી-બ્લોકેજને દૂર કરે છે. પાંદડાંવાળા શાક અને આખા અનાજનું સેવન લાભ આપે છે. કેફિન, મદ્યપાન, ધૂમ્રપાન, ખાંડ, ચરબી, એલર્જન્સથી દૂર રહેવાથી ફાયદો થાય છે.

થાક જ્યારે રોજિંદા કાર્યોમાં તેમજ સંબંધોમાં અવરોધો ઊભા કરે ત્યારે તેને ગંભીરતાથી લો. સી.એફ.એસ. શ્રમને કારણે નથી ઉદ્ભવતો. તે આપણી વેરવિખેર બનેલી ઊર્જાને કારણે ઉદ્ભવે છે. આજનો સમય એકાગ્રતાનો નથી. વિવિધ બળો આપણને વિવિધ દિશાઓમાં ખેંચે છે. આપણે એકસાથે ઘણું કરવાના મનસૂબા રાખીએ છીએ. એક સમયે એક જ કામ ધ્યાનપૂર્વક કરવાની ટેવ કોઈને રહી નથી. જીવનને પ્રાકૃતિક રીતે જીવવાની જરૂર છે. જીવનમાં શિસ્ત લાવવાની જરૂર છે.

ડોક્ટરની સલાહ મુજબ એન્ટિડિપ્રેસન્ટ્સ લઈને ઊંઘની ઊણપ કરી શકાય છે. અન્ય દવાઓ લઈને દુખાવામાં રાહત મેળવી શકાય છે. મૂડ-સ્ટેબિલાઈઝર્સ, કેટલાંક એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફ્રી-રેડિકલ સ્ક્વેન્જર્સ પણ ઉપયોગી છે. એક ડોક્ટર સલાહ આપતા કહે છે, ‘સમસ્યાને સ્વીકારો, ‘જીવનશૈલી બદલો’, ‘તાણસર્જક તત્ત્વોને દૂર કરો’ અને ‘સ્ટિમ્યુલન્ટ્સ લેવાનું ટાળો.’

સી.એફ.એસ.ના ઓળખાયેલા કેટલાંક લક્ષણો

‘યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ના કહેવા મુજબ જો તમે નીચે દર્શાવેલા લક્ષણોમાંના ચાર કે તેથી વધુ લક્ષણોથી પીડાતા હોવ તો અને આ સ્થિતિ છ મહિના કરતા વધુ સમયથી હોય તો ચોક્કસ તમે સી.એફ.એસ.થી પીડાઈ રહ્યા છો.
  • અલ્પ સમયનો સ્મૃતિભ્રંશ અને ધ્યાન કેન્દ્રિત કરવાની તીવ્ર તકલીફ.
  • શ્રમ કર્યા બાદ એક દિવસથી વધારે દિવસ થાકનો અનુભવ થવો.
  • શરીરના સાંધાઓમાં સોજા કે લાલાશ વગર દુખાવો થવો.
  • તાજગીવિહીન નિદ્રા.
  • ગળામાં સોજો.
  • સૂઝેલા લીમ્ફ-નોડ્સ.
  • સ્નાયુઓમાં દર્દ.
  • તીવ્ર શિરઃશૂળ.
હેલ્થ । મમતા પંડયા

No comments:

Post a Comment