કોરોનામાંથી સાજા થયેલ લોકોમાં વધતો જતો post traumatic stress Disorder
ડો. યોગેશ એ. જોગસણ & ડો. ધારા દોશી
હાલમાં જ્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે આ શારીરિક રોગની ઘણી માનસિક અસરો થઈ છે. મોજીલું જીવન જીવવા ટેવાયેલો માણસ મનમાં ભય રાખી જીવતો થયો હોય એવું લાગે છે. સતત એક ભયે લોકોના મનમાં કબજો કર્યો છે ત્યારે એવી વ્યક્તિ પણ સામે આવી છે જે *ઉત્તર આઘાત તણાવ વિકૃતિ* એટલે કે *post traumatic stress Disorder* નો ભોગ બની છે.
જે વ્યક્તિ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે તેની અંદર આ વિકૃતિ નું પ્રમાણ વધ્યું છે. સાજા થયેલ લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ભલે એ લોકો સ્વસ્થ થઈ ગયા પણ હજુ એક ભય સતત રહે છે કે ક્યાંક ફરી પાછો આ રોગ ઉથલો મારશે તો? અને ઘરના સભ્યોને પણ અમારા કારણે કોઈ મુશ્કેલી વેઠવી પડશે તો? આ વિચારો ને કારણે તેઓ સતત ભય, ચિંતા, તણાવ, અનિદ્રા, ભોજન અરુચિનો સામનો કરી રહ્યા છે. એક ભય જે કોરોના ને હરાવ્યા હોવા છતાં ફરી પાછો થશે તો? સતત મૂંઝવે છે.
PTSD એક એવા પ્રકારની ખોટી ચિંતા કે ભય વિકૃતિ છે જેની ઉતપતિ વિવિધ ઘટનાઓથી થાય છે. મહામુશ્કેલી જેવી કે હોનારતો અને માનવ સર્જિત ઘટનાઓને લીધે આ વિકૃતિ નો ભોગ માનવી બને છે. જેમાં *ઘટના પૂર્ણ થયા પછી પણ તેનો ભય કે આઘાત સતત મનમાં રહ્યા કરે છે અને એ ભય ને લીધે વ્યક્તિનું વર્તન કુસમાયોજિત બને છે*
આ વિકૃતિમાં વ્યક્તિને તાણ ઉતપન્ન કરતી ઘટનાઓ ની યાદ સતત આવ્યા કરે છે ઘણું વખત સ્વપ્નમાં પણ એ ઘટના કે રોગ વારંવાર યાદ આવે છે.
વ્યક્તિ એ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરે છે જે તેનામાં આઘાત ઉતપન્ન કરે છે
વ્યક્તિને લાંબાગાળાની ઉત્તેજના કે ચીડિયાપણું અનુભવાય છે અને અનિંદ્રા નો પણ સામનો કરે છે
એકાગ્રતાની ઉણપ અને સ્મૃતિલોપ
ખિન્નતાનું વધુ પ્રમાણ અને સામાજિક દુરી બનાવી રાખે છે
આમ આ વિકૃતિમાં વ્યક્તિની અંદર આ પ્રકારના લક્ષણો વિકસિત થાય છે. કોરોનામાંથી સાજા થયેલ વ્યક્તિ સાથેની વાતચીતમાં પણ આ બાબતો સામે આવી છે કે ભલે તેઓ સ્વસ્થ થઈ ગયા પણ હજુ એક ભય નીચે જીવે છે. એક ગિલ્ટની લાગણી રહે છે કે ક્યાંક તેના કારણે તેમના પરિવાર ના લોકો મુશ્કેલીમાં ન મુકાય.
આ વિકૃતિ થવા પાછળ મનોવૈજ્ઞાનિકો ત્રણ કારણો જણાવે છે. જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક. હાલની પરિસ્થિતિમાં *PTSD માટે મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો* સહુથી વધુ જવાબદાર છે. જે વ્યક્તિ માનસિક રીતે વધુ આવેગશીલ, પીછેહઠ વાળી, વાસ્તવિકતાનો અસ્વીકાર કરનાર હોય તેને આ વિકૃતિ થવાનું જોખમ વધુ છે. સાથે સામાજિક એકલતા, લોકોનો ભય, લોકો દ્વારા મળતો તિરસ્કાર, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, કુટુંબ બાળકોની ખોટી ચિંતા આવા સામાજિક કારણો પણ જવાબદાર છે.
હવે જ્યાં સુધી મુદ્દો છે આ વિકૃતિથી બચવાનો તો જેમ શારીરિક રોગ હોય તેમ માનસિક રોગ પણ હોય એ સ્વીકારી કોઈ સારા મનોચિકિત્સક અથવા સલાહકારની મદદ લેવી, તણાવ વ્યવસ્થાપન માટે ગમતી પ્રવૃતિઓ કરવી, જ્યારે ઘટના પર તમારું કઇ નિયંત્રણ ન હોય ત્યારે ખોટા વિચારો થી દુર રહેવું, કોરોનાથી બચવું જરૂરી પણ ખોટો ભય રાખવાથી બીજી બીમારીઓ પણ વધશે એ ધ્યાન માં લેવું, લોકોએ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ સાથે અયોગ્ય વર્તન ન કરવું.
આ રોગ સામે લડવા માટે સાવચેતી જરૂરી, ભય નહીં .
*ઉત્તર આધારિત તણાવ, ચિંતા, ડિપ્રેશન અને માનસિક તાણ એવી જ એક સમસ્યાઓ છે, જે આધુનિક મેડિકલ વિજ્ઞાન માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો બન્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે શરીરની અનેક સમસ્યાઓ, શરીરના અનેક રોગોનું મૂળ તેની સાથે જોડાયેલું છે.*
એટલી હદ સુધી કે મનની આ સમસ્યા માણસને તન-મનથી સાવ ભાંગી નાંખે છે. કોરોનને કારણે આધુનિક જગત એટલી હદે માનસિક તાણ તરફ ધસી રહ્યું છે કે આપણે હવે સાવધાન થઈ જવું જોઈએ, નહીંતર વહેલી ઉંમરે આપણે અનેક રોગોના ભોગ બની શકીએ છીએ. *ડો. યોગેશ જોગસણ*
*કંઈક અજુગતું બની જશે' એવો મનમાં રહેતો સતત ભય* પણ માનસિક તાણનું એક સ્વરૂપ છે.
રોજબરોજના સંજોગોમાં માણસને કામકાજથી લઈને અનેક કારણોસર, સાધારણ માનસિક તાણ રહેતી જ હોય છે. તેમાં આ કોરોના મહામારીએ એ તાણમાં ખુબ જ વધારો કર્યો છે. શરીર અને મન એવા સંજોગોનો સામનો કરીને પરિસ્થિતિને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય તે માનવી માટે અતિ ભયકંર બનતી હોય છે. *ડો. ધારા દોશી*
No comments:
Post a Comment