Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

24 August 2021

મનોવિજ્ઞાનની શાખાઓ

મનોવિજ્ઞાનની શાખાઓ

મનોવિજ્ઞાનના ઉપર્યુક્ત વિભાગોમાંથી કેટલાક મુખ્ય વિભાગોની વિગત આ મુજબ છે :

1. સામાન્ય મનોવિજ્ઞાન (general psychology) : જેમાંથી મનોવિજ્ઞાનની તમામ શાખાઓનો ઉદભવ થયો છે તેવું મનોવિજ્ઞાન વિષયનું સર્વસામાન્ય ક્ષેત્ર. મનુષ્યજાતિમાં મનુષ્ય તરીકે જે સર્વસામાન્ય ગુણધર્મો અને વિશેષતાઓ છે તેનું અધ્યયન સામાન્ય મનોવિજ્ઞાન કરે છે.

2. પ્રાયોગિક મનોવિજ્ઞાન (experimental psychology) : મનોવિજ્ઞાન મનુષ્યના મનોવ્યાપારો અને વર્તન વિશે અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ, શીખવું અને સ્મૃતિ, ભાષા અને વિચારણા, આવેગ અને પ્રેરણ સહિત વિવિધ સ્વરૂપના મનોવ્યાપારો અને વર્તન વિશે પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો પાયાનાં સંશોધનો (basic research) કરે છે. પ્રાયોગિક મનોવૈજ્ઞાનિક પ્રાયોગિક સંશોધન-પદ્ધતિનો તજ્જ્ઞ હોય છે.

3. બોધાત્મક મનોવિજ્ઞાન (Cognitive psychology) : ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે થતી માનસિક ઘટનાઓના અભ્યાસ સાથે બોધાત્મક મનોવિજ્ઞાન સંકળાયેલું છે. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું જ એ એક પેટાક્ષેત્ર છે. મનોવિજ્ઞાનની આ શાખા વિચાર, ભાષા, સ્મૃતિ, સમસ્યા-ઉકેલ, જાણવું, તર્કક્રિયા, વિવેક (judging) અને નિર્ણય કરવાની પ્રક્રિયા જેવા ઉચ્ચ મનોવ્યાપારોનું અધ્યયન કરે છે.

4. શારીરિક મનોવિજ્ઞાન (physiological psychology) : મગજ તેમજ અન્ય દૈહિક પ્રક્રિયાઓનો વર્તન સાથેનો સંબંધ સ્પષ્ટ કરતી મનોવિજ્ઞાનની શાખા. આ શાખા પણ પ્રાયોગિક મનોવિજ્ઞાનનું જ એક પેટાક્ષેત્ર છે. આ વિદ્યાશાખાના અભ્યાસીઓને જૈવ-મનોવૈજ્ઞાનિકો (bio-psychologists) તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાનની આ શાખાએ મગજ અને વર્તન (brain and behaviour) વચ્ચેના સંબંધ પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે. મગજના કોષોમાંથી ઝરતાં ‘ન્યુરોટ્રૅન્સમીટર્સ’ તેમજ અંત:સ્રાવી ગ્રંથિઓમાંથી ઝરતા ‘હૉર્મોન્સ’ની વર્તનમાં શું ભૂમિકા છે તે સ્પષ્ટ કરવામાં પણ આ વિદ્યાશાખાએ મહત્વનો ફાળો આપ્યો છે.

5. તુલનાત્મક મનોવિજ્ઞાન (comparative psychology) : પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો મનુષ્યના વર્તનને સમજવા માટે કેટલીક વાર પ્રાણીઓ પર પણ પ્રયોગો કરે છે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન જાતિઓનાં પ્રાણીઓના વર્તનની તુલના કરવા માટે પણ મનોવૈજ્ઞાનિકો પ્રાણીઓનું અધ્યયન કરે છે. આવાં અધ્યયનોમાંથી તુલનાત્મક મનોવિજ્ઞાનની વિદ્યાશાખા વિકસી છે.

6. વિકાસલક્ષી મનોવિજ્ઞાન (developmental psychology) : સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિઓ કેવી રીતે વૃદ્ધિ (grow) પામે છે, વિકસે (develop) છે અને તેમનામાં વય વધતાંની સાથે કેવાં કેવાં પરિવર્તનો (change) થાય છે તેનો અભ્યાસ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં થાય છે. જીવનના અન્ય કોઈ પણ તબક્કા કરતાં બાલ્યાવસ્થાનાં વર્ષોમાં ખૂબ ઝડપી અને નોંધપાત્ર ફેરફારો થતા હોય છે. આથી બાળમનોવિજ્ઞાને (child psychology) વિકાસાત્મક મનોવિજ્ઞાનની સૌથી મહત્વની પ્રશાખા તરીકેનો મોભો પ્રાપ્ત કર્યો છે. બાળમનોવિજ્ઞાન ગર્ભાધાનથી માંડીને તરુણાવસ્થાના પ્રવેશ સુધીનાં વિકાસ અને વર્તનનો અભ્યાસ કરે છે. તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિ અવસ્થાઓમાં પણ વિકાસાત્મક પરિવર્તનો થતાં રહે છે અને તેથી આ તબક્કાઓનું મનોવિજ્ઞાન પણ વિકાસાત્મક મનોવિજ્ઞાનનો જ ભાગ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં સરેરાશ આયુષ્યમર્યાદા વધી હોવાથી વૃદ્ધાવસ્થાના મનોવિજ્ઞાન વિશેનાં અધ્યયનોએ પણ વેગ પકડ્યો છે.

7. વ્યક્તિત્વ મનોવિજ્ઞાન (personality psychology) : પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ આગવું હોય છે. એક વ્યક્તિના વ્યક્તિત્વગુણો (traits) બીજી વ્યક્તિથી અલગ હોય છે. વયની સાથે વ્યક્તિના વર્તનમાં જોવા મળતી સુસંગતતા અને પરિવર્તન તેમજ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને અલગ પાડનારા વ્યક્તિત્વગુણોના અભ્યાસ સાથે વ્યક્તિત્વ મનોવિજ્ઞાન સંકળાયેલ છે. વ્યક્તિત્વના વિકાસ પર જૈવિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની અસરો પડે છે. આ અસરોનાં અધ્યયનોમાંથી વ્યક્તિત્વ-વિકાસ વિશેના વિવિધ સિદ્ધાંતો (personality theories) મનોવૈજ્ઞાનિકોએ આપ્યા છે.

8. સમાજલક્ષી મનોવિજ્ઞાન (social psychology) : સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજમાં થતા વ્યક્તિના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કે વ્યક્તિ અને જૂથ વચ્ચે થતી આંતરક્રિયાઓનું તે અધ્યયન કરે છે. સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વિચારે છે, લાગણી અનુભવે છે અને વર્તે છે તેનો તે વિચાર કરે છે. સમાજશાસ્ત્રના અભ્યાસનો એકમ ‘જૂથ’ છે, જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસનું કેન્દ્ર અને એકમ ‘વ્યક્તિ’ છે. વ્યક્તિ એકલી હોય તોપણ તેના પર કોઈ ને કોઈ પ્રકારની સામાજિક અસરો થતી જ હોય છે. આથી કેટલાક અભ્યાસીઓ તો એમ કહે છે કે ‘વાસ્તવમાં સમગ્ર મનોવિજ્ઞાન એ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે’. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ સામાજિક મનોવલણોનો નોંધપાત્ર પ્રમાણમાં અભ્યાસ કર્યો છે. આથી કેટલાક અભ્યાસીઓ સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે સામાજિક મનોવલણો વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન એવી વ્યાખ્યા કરવા પણ પ્રેરાયા છે. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ મનોવલણો અને અભિપ્રાયોના માપનની ટેક્નિકમાં એટલી પૂર્ણતા પ્રાપ્ત કરી છે કે તેઓએ તેના આધારે કરેલી આગાહીઓ લગભગ સાચી પડે છે. ચૂંટણીઓ પૂર્વે લેવાતા ‘ઓપિનિયન પોલ’ અને ચૂંટણી પૂરી થયાના દિવસે લેવાતા ‘એગ્ઝિટ પોલ’ જેવી પ્રયુક્તિઓ એ આનું ઉદાહરણ છે. આ પ્રકારના પોલમાંથી ‘સેફૉલોજી’ નામની એક સ્વતંત્ર વિદ્યાશાખા પણ વિકસી છે.

9. ચિકિત્સામનોવિજ્ઞાન (clinical psychology) : મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખા માનસિક રીતે ક્ષુબ્ધ થઈ ગઈ હોય એવી વ્યક્તિઓનાં નિદાન, ઉપચાર, રોગનિવારણ અને સંશોધન સાથે સંકળાયેલી છે. ‘ચિકિત્સા મનોવૈજ્ઞાનિક’ અને ‘માનસચિકિત્સક (psychiatrist) વચ્ચેનો ભેદ ખ્યાલમાં રાખવા જેવો છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના ક્ષેત્રનો તજ્જ્ઞ છે, જ્યારે માનસચિકિત્સક તબીબી ક્ષેત્રનો તજ્જ્ઞ છે. M.B.B.S. થયા પછી જે તબીબો માનસિક રોગોનો ઉપચાર કરવાના સ્પેશિયાલિસ્ટ બને છે તેઓને માનસચિકિત્સકો કહેવામાં આવે છે. માનસચિકિત્સકોએ તબીબી ક્ષેત્રની તાલીમ લીધી હોય છે આથી માનસિક દર્દીઓના ઉપચારમાં તે દવાઓ, ઇન્જંક્શનો, ઇલેક્ટ્રિક શૉક આપી શકે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે માનસશાસ્ત્રના ક્ષેત્રની તાલીમ લીધી હોય છે આથી તે તબીબી ઉપચારો કરવાની પાત્રતા ધરાવતો નથી. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક માનસોપચાર (psychotherapy) દ્વારા માનસિક રીતે ક્ષુબ્ધ થઈ ગઈ હોય તેવી વ્યક્તિઓનો ઉપચાર કરવાનો પ્રયાસ કરે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકે માનસશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સંશોધનના ક્ષેત્રની તાલીમ પણ લીધી હોય છે આથી માનસિક રોગો કે વિકૃતિઓના નિદાન અને ઉપચાર અંગેનાં સંશોધનો કરવામાં તેઓ ખૂબ ઉપયોગી થઈ પડે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો નિદાન અને ઉપચારમાં વ્યક્તિ-ઇતિહાસ પદ્ધતિ (case history method) તેમજ વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો પણ તેઓ ઉપયોગ કરે છે. માનસિક દર્દીઓની સારવારમાં તજ્જ્ઞોનું જૂથ પણ કામ કરતું હોય છે. આવા જૂથના એક સભ્ય તરીકે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક પોતાની સેવાઓ આપતો હોય છે.

10. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન (industrial and organizational psychology) : મનોવિજ્ઞાનની આ શાખા ‘કાર્યસ્થળ’ પર થતાં માનવીઓનાં વર્તન સાથે સંકળાયેલી છે. ઉત્પાદકતા, કાર્યસંતોષ અને નિર્ણય કરવાની પ્રક્રિયા એ તેનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. ઉદ્યોગ-ધંધા અને તે માટે રચાયેલાં સંગઠનોનું સંચાલન કરવા માટે કુશળ કર્મચારીઓ અને સક્ષમ અધિકારીઓની જરૂર પડે છે. ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો ‘યોગ્ય કામ માટે યોગ્ય માણસ’ શોધવામાં ઉદ્યોગ-ધંધાઓને સહાય કરે છે. તેઓ ભરતી અધિકારીઓ તરીકે સેવાઓ આપે છે. આવા મનોવૈજ્ઞાનિકોને ‘પર્સોનેલ સાઇકૉલોજિસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો એ કર્મચારીઓ/કામદારો અને મૅનેજમેન્ટ વચ્ચેની મહત્વની સંપર્ક-કડી છે. તેઓ કર્મચારીઓ/કામદારો જે પર્યાવરણમાં કામ કરે છે તે પર્યાવરણ અને ઉત્પાદકતા અંગેનાં અધ્યયનો કરે છે. ઉત્પાદન કઈ રીતે વધારવું, કામદારોનો ઊથલો અને ગેરહાજરી કઈ રીતે ઘટાડવાં, કામ અંગેના તાલીમી કાર્યક્રમો કઈ રીતે સુધારવા, કર્મચારી/કામદારના કાર્યનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, તેમની સાથેના માનવીય સંબંધો કઈ રીતે સુધારવા ઇત્યાદિ બાબતોમાં તેઓ સલાહ-સૂચન આપે છે. સાથે સાથે કામદોરોનાં જોમ અને જુસ્સો કઈ રીતે વધારવાં, કામ અંગેનો સંતોષ અને કામ કરવાની પ્રેરણા કઈ રીતે વધારવી તે અંગેના માર્ગો પણ તેઓ સૂચવે છે. પશ્ચિમના દેશોમાં તો ઘણા ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો કન્સલટિંગ ફર્મના એક સભ્ય તરીકે કામ કરતા હોય છે અથવા તો પોતાની જ કન્સલટિંગ ફર્મ ચલાવતા હોય છે. તેઓ પોતાને ‘કન્સલટિંગ સાઇકોલૉજિસ્ટ’ તરીકે ઓળખાવતા હોય છે.

11. શૈક્ષણિક મનોવિજ્ઞાન (educational psychology) : વિદ્યાર્થીને કેળવણીની પ્રક્રિયા શી રીતે અસર કરે છે તેની સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન સંકળાયેલું છે. અધ્યયન (learning) અને અધ્યાપન (teaching) બંને સાથે તેનો નાતો છે. બાળકોમાં પડેલી શક્તિઓને સમજવી, અધ્યાપન માટેની શ્રેષ્ઠ પ્રયુક્તિઓ વિકસાવવી તેમજ વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેની આંતરક્રિયા અને પ્રત્યાયનને કેમ સુગમ બનાવવાં ઇત્યાદિ બાબતો તેના કાર્યક્ષેત્રમાં આવે છે. કેટલાક શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો શાળા મનોવૈજ્ઞાનિક (school psychologist) તરીકે પણ સેવાઓ આપે છે. જે બાળકોને શૈક્ષણિક કે સંવેગાત્મક (emotional) સમસ્યાઓ હોય છે તેઓનું નિદાન અને ઉપચાર કરવાનું કાર્ય તેઓ કરે છે. બાળકોની સમાયોજન-સમસ્યાઓમાં તે ‘સલાહકાર’ તરીકે પણ ફરજો બજાવે છે.

12. સલાહ–મનોવિજ્ઞાન (counselling psychology) : કુટુંબમાં, શાળામાં, કૉલેજમાં, વ્યવસાયમાં, લગ્નજીવનમાં એમ અનેક ક્ષેત્રોમાં વ્યક્તિઓ વિવિધ પ્રકારની સમાયોજન-સમસ્યાઓ અનુભવે છે. આ સમસ્યાઓ ગંભીર સ્વરૂપ પકડે તે પહેલાં તેનું નિદાન અને ઉપચાર થાય તો ‘પાણી પહેલાં પાળ બાંધી શકાય’. આ કાર્ય સલાહ મનોવૈજ્ઞાનિકો કરે છે. સલાહ મનોવૈજ્ઞાનિકો પોતાના અસીલો પર નિર્ણયો લાદતા નથી પરંતુ વાતચીતના માધ્યમ દ્વારા એવી શીખવાની પરિસ્થિતિ ઊભી કરે છે કે જેના કારણે વ્યક્તિ પોતે જ પોતાની જાતે યોગ્ય નિર્ણય પર આવી શકે છે અને પોતાની સમસ્યાને સુલઝાવી શકે છે. શૈક્ષણિક, સામાજિક અને કારકિર્દીને લગતી સમસ્યાઓમાં સલાહ મનોવૈજ્ઞાનિકો વિશેષ સહાયરૂપ થાય છે. પ્રત્યેક શાળા-મહાશાળામાં સલાહ/માર્ગદર્શન કેન્દ્ર (guidance and counselling centre) આ ર્દષ્ટિએ હોવું જરૂરી છે.

13. સેના–મનોવિજ્ઞાન (military psychology) : સેના પણ એક પ્રકારનું સંગઠન છે. લશ્કરમાં યોગ્ય કામ માટે યોગ્ય માણસની ભરતી કરીને, તેને તાલીમ આપવાથી માંડીને યુદ્ધમાં સૈનિકોનું અને અધિકારીઓનું ખમીર જળવાઈ રહે ત્યાં સુધીની અનેક બાબતો કરવી પડે છે. યુદ્ધ દરમિયાન પ્રજાનું અને લશ્કરનું મનોબળ જાળવી રાખવા પ્રચાર કરવો પડે છે, શત્રુપક્ષના પ્રચારનો પ્રતિકાર (disinformation) કરવો પડે છે. આ બધા સાથે સેના મનોવિજ્ઞાન ગાઢ રીતે સંકળાયેલું છે.

14. ઇજનેરી મનોવિજ્ઞાન (engineering psychology) : ઓજારો અને યંત્રો સાથેની માનવીની આંતરક્રિયા શક્ય તેટલી સુગમ અને ક્ષતિરહિત બને તે માટે મનોવિજ્ઞાનની આ શાખા પ્રયત્ન કરે છે. લોકોને કામ કરવામાં અને વાપરવામાં અનુકૂળ પડે તેવી ઓજારો અને યંત્રોની ડિઝાઇન અને નિર્માણમાં તે યોગદાન આપે છે. કાર, કમ્પ્યૂટરથી માંડીને અવકાશયાત્રીઓ માટેનાં ઓજારો અને યંત્રોના નિર્માણમાં આ વિદ્યાશાખાઓ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી શકે છે.

15. પુન:સ્થાપનાનું મનોવિજ્ઞાન (rehabilitation psychology) : કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલાંઓમાં કેટલાક મૂળ સોતાં ઊખડી જાય છે. આવી વ્યક્તિઓને પુન:સ્થાપિત કરવી પડે છે. તેમના જીવનને થાળે પાડવું પડે છે. પુન:સ્થાપન મનોવિજ્ઞાન તરીકે ઓળખાતી મનોવિજ્ઞાનની શાખા આ કાર્યમાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. દારૂડિયાઓ, કેફી દ્રવ્યોના બંધાણીઓ, રીઢા ગુનેગારો, અપહરણ-બળાત્કાર કે અમાનુષી યાતનાનો ભોગ બનેલાઓ કે પછી ધરતીકંપ, પૂર, વાવાઝોડાં, જેવી કુદરતી દુર્ઘટનાને લીધે વિસ્થાપિત થયેલ લોકોને પુન:સ્થાપિત કરવા પડે છે.

16. ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન (consumer psychology) : લોકોની ખરીદીની ટેવો અને ખરીદનારના વર્તન પર થતી જાહેરખબરોની અસરો એ ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાનના મુખ્ય અભ્યાસ-મુદ્દાઓ છે. ગ્રાહકના વર્તનના અભ્યાસ અને આગાહી સાથે તે સંકળાયેલું છે. કેટલાક ગ્રાહકલક્ષી મનોવૈજ્ઞાનિકો ઔદ્યોગિક ગૃહો માટે કામ કરે છે. કોઈ ચોક્કસ ચીજવસ્તુને ગ્રાહકો વધુ પ્રમાણમાં ખરીદતા થાય તેવી ઝુંબેશનું તે આયોજન કરે છે, તો કેટલાક ગ્રાહકલક્ષી મનોવૈજ્ઞાનિકો ગ્રાહકોનાં હિતોનું અને હકોનું રક્ષણ કરનાર સરકારી કે સ્વૈચ્છિક સંગઠનોમાં પોતાની સેવાઓ આપે છે. ગ્રાહકોની રુચિ અને તેમાં વખતોવખત થતા ફેરફારો તેમજ ગ્રાહકોને મળતી ચીજવસ્તુઓ કે સેવાઓની ગુણવત્તા એ ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાનના ચિંતાના વિષયો છે.

17. જનસમુદાય–મનોવિજ્ઞાન (community psychology) : માનસિક સ્વાસ્થ્યના આંદોલન અંગે જનસમુદાયમાં જાગૃતિ આવે અને આ આંદોલન છેક છેવાડાના માણસ સુધી પ્રસરે તેની સાથે મનોવિજ્ઞાનની આ શાખા સંકળાયેલી છે. જેઓ કોઈ વર્તન-સમસ્યાનો ભોગ બન્યા હોય કે બનવાની શક્યતા હોય તેઓના માટે વિશિષ્ટ કાર્યક્રમોનું જનસમુદાય મનોવૈજ્ઞાનિકો આયોજન કરે છે. કેટલાક જનસમુદાય મનોવૈજ્ઞાનિકો ‘સામાજિક કર્મશીલો’(social activists)ની ભૂમિકા ભજવે છે. આવા જનસમુદાય મનોવૈજ્ઞાનિકો ‘સામાજિક સમસ્યાભિમુખ’ હોય છે અને ભિન્ન ભિન્ન વાર્તનિક વિજ્ઞાનોમાં જે નવા વિચારો આવ્યા હોય તેનો સામાજિક સમસ્યાના ઉકેલમાં વિનિયોગ કરતા રહે છે. જેમ કે જનસમુદાયમાં બે જૂથો વચ્ચે વૈરભાવ વધી ગયો હોય, આતંકવાદી પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોય, બેરોજગારીને લીધે લોકોમાં નિરાશા વ્યાપી હોય, યુવાવર્ગ કેફી દ્રવ્યોનો બંધાણી બનતો જતો હોય ઇત્યાદિ સમસ્યાઓને ઉકેલવા તે પ્રયત્ન કરે છે. કેટલાક જનસમુદાય મનોવૈજ્ઞાનિકો રોજબરોજની જિંદગીની ગુણવત્તા સુધરે તેવા વિધાયક પ્રયત્નો પણ કરે છે. જેમ કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે, સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે, લોકોને રોજગારલક્ષી કેળવણી મળે, જનસમુદાયને સ્પર્શતા પ્રશ્નોમાં લોકોની ભાગીદારી વધે તે માટે તે પ્રયાસો કરે છે.

18. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન (environmental psychology) : મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખા લોકો અને તેમના ભૌતિક વાતાવરણ વચ્ચેના સંબંધ વિશે વિચાર કરે છે. ઘરનું સ્થાપત્ય, હવામાન, વસ્તીની ગીચતા, ઘોંઘાટ, તાપમાન, ગંધ જેવાં અનેક પર્યાવરણીય પરબિળોની વર્તન પર અસર પડે છે. આ અસરોનો અભ્યાસ અને વિશ્લેષણ પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો કરે છે. પર્યાવરણનું રક્ષણ, જતન અને સંવર્ધન થાય, તેમાં કોઈ પ્રદૂષણ ન ફેલાય તે માટેની વ્યૂહરચનાઓ પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે. આધુનિક સમયમાં પર્યાવરણની જાળવણી એ એક આંદોલન બની ગયું છે.

19. આરોગ્યનું મનોવિજ્ઞાન (health psychology) : શારીરિક રોગો અને મનોવૈજ્ઞાનિક ઘટકો એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના અધ્યયન સાથે આરોગ્ય મનોવિજ્ઞાન સંકળાયેલું છે. શરદીથી માંડીને કૅન્સર અને હૃદયરોગ જેવા જીવલેણ રોગોમાં ‘મનોભાર કે મનસ્તાણ(STRESS)ની શી ભૂમિકા છે તેનું સ્પષ્ટીકરણ મનોવિજ્ઞાનની આ શાખામાં કરવામાં આવે છે. એક બાજુ તંદુરસ્તીની જાળવણી માટેના ઉપાયો તે સૂચવે છે (જેમ કે વ્યાયામ કે યોગ), તો બીજી બાજુ તંદુરસ્તી માટે જોખમરૂપ એવાં પરિબળો(જેમ કે ધૂમ્રપાન)થી આપણને સાવચેત કરે છે. દર્દી અને તબીબો વચ્ચેના સંબંધોના મનોવિજ્ઞાનનું પણ તે વિશ્લેષણ કરે છે અને આ સંબંધોની અસરકારકતા વધારવા તે પ્રયાસ પણ કરે છે.

20. ન્યાય મનોવિજ્ઞાન (forensic psychology) : ન્યાયતંત્રની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં વર્તનોનું અધ્યયન મનોવિજ્ઞાનની આ વિદ્યાશાખામાં કરવામાં આવે છે. આરોપી સત્ય બોલે છે કે અસત્ય (lie detector), આરોપી કોઈ મનોવિકૃતિ કે માનસિક રોગનો ભોગ બનેલો છે કે કેમ, તેનું માનસિક સામર્થ્ય (mental competence) કેટલું છે તે નક્કી કરવામાં અદાલતો ન્યાય મનોવિજ્ઞાનના તજ્જ્ઞોની સહાય લે છે. આરોપી જો મનોવિકૃતિનો ભોગ બનેલ હોય તો તેને જેલમાં નહિ પણ ઉપચાર માટે મેન્ટલ હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે. સાક્ષીઓની જુબાની અને જૂરીના નિર્ણયોની વિશ્વસનીયતા સુધારવા માટે પ્રયત્નશીલ એવા ન્યાયતંત્રના વિશારદોને મનોવિજ્ઞાનની આ શાખાનું જ્ઞાન ઉપયોગી પુરવાર થયું છે.

21. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન (psychology of minorities) : દરેક સમાજમાં અમુક જૂથો લઘુમતીમાં હોય છે. અન્ય જૂથોની તુલનામાં તેમના વિશિષ્ટ પ્રશ્નો હોય છે અને તેઓ વિશિષ્ટ રીતે વર્તતા પણ હોય છે. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન આવાં વર્તનોનું મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ અધ્યયન કરે છે. લઘુમતી જૂથોને સમાન તકો કઈ રીતે પૂરી પાડી શકાય અને તેમનામાં ઘર કરી ગયેલ અસલામતી અને અસલામતીમાંથી જન્મતાં વિવિધ વર્તનોનું નિવારણ કઈ રીતે કરી શકાય એ આ પ્રકારના મનોવિજ્ઞાનનો ચિંતાનો વિષય છે. અમુક સંદર્ભમાં પુરુષોની તુલનામાં મહિલાઓ પણ લઘુમતી જેવો ભાવ અનુભવે છે. લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન એ ર્દષ્ટિથી મહિલાઓના પ્રશ્નોનો પણ અભ્યાસ કરે છે.

22. સમૂહમાધ્યમનું મનોવિજ્ઞાન (media psychology) : અખબારો, રેડિયો અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમોની લોકોનાં વર્તન અને વ્યક્તિત્વ પર નોંધપાત્ર અસર પડી રહે છે. ‘મીડિયા ઇઝ ધ મેસેજ’ એ આ યુગનું સૂત્ર બની ગયું છે. સમૂહમાધ્યમના મનોવિજ્ઞાનમાં ‘મીડિયા’ની અસરોનું અધ્યયન થાય છે.

23. રમત–મનોવિજ્ઞાન (sports psychology) : ખેલાડીના કે ટીમના દેખાવને નોંધપાત્ર રીતે સુધારવામાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો વિનિયોગ રમત મનોવિજ્ઞાનના તજ્જ્ઞો કરતા હોય છે. સામાન્ય નાગરિકોથી માંડીને વિશ્વકક્ષાના ખેલાડીઓ સુધી તેમની સેવાઓ વિસ્તરેલી છે. રમતના મેદાનમાં ખેલાડી/ખેલાડીઓ પોતાનું મનોબળ અને માનસિક સમતોલન જાળવી શકે, હાર કે જીતને પચાવી શકે તે માટેના પાઠ રમત મનોવૈજ્ઞાનિક શીખવે છે; ખેલાડીઓમાં ‘વિજય માટેનું વલણ’ અને ‘સંઘભાવના’ (team spirit) આવે તેવી વ્યૂહ-રચનાઓ તેઓ કરે છે. ખેલાડીએ રમત દરમિયાન જે પ્રવૃત્તિ કરવાની હોય તેનું તે વિશ્લેષણ કરે છે (task analysis). આ વિશ્લેષણને આધારે ખેલાડીએ કયાં કયાં કૌશલ્યો વિકસાવવાનાં છે અને તેનું કઈ રીતે સંકલન કરવાનું છે તેનું માર્ગદર્શન અપાય છે. રમત મનોવિજ્ઞાન સામાન્ય નાગરિકોને પણ સહાયભૂત થાય છે. જનસમુદાયમાં આબાલવૃદ્ધ સૌ રમતની પ્રવૃત્તિમાંથી શારીરિક, માનસિક અને ભાવાત્મક રીતે (રમતથી ભાવવિરેચન catharsis થાય છે.) વધુમાં વધુ ભાગ કઈ રીતે લઈ શકાય તે વિશે એ વિચારે છે. જરૂર પડે તો વિવિધ કસરતો અને યોગ પણ તે શીખવે છે.

24. શાંતિનું મનોવિજ્ઞાન (peace psychology) : ‘યુદ્ધની શરૂઆત માનવમનમાંથી જ થાય છે. આથી શાંતિ માટેની દીવાલો પણ માનવમનમાં જ રચાવી જોઈએ’ આ ર્દષ્ટિબિંદુને ધ્યાનમાં લઈને યુદ્ધો કેમ થાય છે અને વિશ્વશાંતિ કઈ રીતે સ્થાપી શકાય તે માટેનાં અધ્યયનો શાંતિના મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે.

25. મન:-ઔષધશાસ્ત્ર (psychopharmacology) : મન અને વર્તન પર દવાઓની અસરોનો અભ્યાસ. માનસિક માંદગીનો ઉપચાર કરવા માટેની દવાઓના વિકાસનું શાસ્ત્ર.

26. મનોમાપન–શાસ્ત્ર (psychometry) : માપનમાં અમુક ચોક્કસ નિયમોને આધારે કોઈ પણ પદાર્થ, ઘટના કે નિરીક્ષણને સંખ્યાત્મક સ્વરૂપ આપવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ, અભિયોગ્યતા, અભિરુચિ અને વ્યક્તિત્વમાપન જેવી અનેક બાબતોના માપન માટેની કસોટીઓ બનાવી છે. આ કસોટીઓની યથાર્થતા અને વિશ્વસનીયતા અંગે પણ તેઓ કાળજી રાખે છે, અને તે અંગેનાં સંશોધનો કરે છે. વ્યક્તિઓમાં રહેલી ક્ષમતાઓને જાણવામાં, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ભિન્નતાને સમજવામાં, વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપવામાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે.

27. કાર્યક્રમ–મૂલ્યાંકન (Program evaluation) : સમાજે, સરકારે, સંસ્થાએ કે સંગઠને મોટા પાયા પર કોઈ કાર્યક્રમ હાથ પર લીધો હોય તો તે કાર્યક્રમ તેનાં નિર્ધારિત લક્ષ્યોને પાર પાડી શક્યો છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું પડે છે. મનોવિજ્ઞાનના તજ્જ્ઞોએ ‘ડેટા’ એકઠો કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની તાલીમ લીધેલી હોય છે. આથી ‘કાર્યક્રમ–મૂલ્યાંકન’ના ક્ષેત્રમાં તેઓ સફળ કામગીરી બજાવી શકે છે. વીસ મુદ્દાના કાર્યક્રમનું અમલીકરણ, ગોકુળિયા ગ્રામની યોજના, સાક્ષરતા-અભિયાન, બાળગુરુ કે વિદ્યાસહાયક યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, સ્વાધ્યાય પ્રવૃત્તિ અને વિશ્વકોશ જેવા અનેક કાર્યક્રમોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી શકાય.

નટવરલાલ શાહ

No comments:

Post a Comment