બાળકોની જાતીય સતામણી કરવાની વિકૃત માનસિક બીમારી પીડોફિલિયા
શું તમે તાજેતરમાં જ રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ ‘શિવાય’ તથા વિદ્યા બાલનની ફિલ્મ ‘કહાની ૨’ જોઈ છે? શું આ બન્ને ફિલ્મોમાં તમને કંઈ સામ્ય દેખાયું? જો ન જોઈ હોય તો તમને જણાવી દઈએ કે આ બન્ને ફિલ્મોમાં બાળકોના જાતીય શોષણની વાત કરવામાં આવી છે. જ્યાં ‘શિવાય’માં દુનિયાભરમાં ચાલતા ચાઇલ્ડ-ટ્રાફિકિંગ એટલે કે નાદાન બાળકોનું અપહરણ કરીને તેમને દેહવ્યવસાયમાં ધકેલી દેતા ગુનેગારોની વાત કરવામાં આવી હતી ત્યાં જ ‘કહાની ૨’માં ઘરઆંગણે કોઈ અત્યંત નિકટના સ્વજન દ્વારા બાળકના શારીરિક શોષણનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. જેમને સેક્સ એટલે શું, જાતીય આવેગો એટલે શુંથી લઈને કેટલીક વાર તો ગુપ્તાંગો એટલે શું એ પણ ન ખબર હોય તેવાં બાળકોને પોતાની વાસનાનો શિકાર બનાવતા આવા લોકોને મનોવિજ્ઞાનમાં પીડોફાઇલ્સ તરીકે ઓળખે છે, જ્યારે તેમની માનસિકતા માટે પીડોફિલિયા જેવો શબ્દ વાપરવામાં આવે છે. શું આવા લોકો નરાધમો હોય છે, માનસિક રીતે વિકૃત હોય છે કે પછી મારા તમારા જેવા સામાન્ય માણસો જ હોય છે જેમના જાતીય આવેગો અવળી દિશામાં ફંટાઈ ગયા હોય છે? ચાલો આજે આ માનસિક રોગ તથા એના રોગીઓની માનસિકતાને સમજવાનો પ્રયાસ કરીએ.
પીડોફિલિયા એટલે શું?
આ સવાલનો જવાબ આપતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજન ભોસલે કહે છે, ‘જેવી રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર હોતી નથી એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી પીડોફાઇલ પણ હોતી નથી; પરંતુ કેટલીક વાર જીવનમાં અમુક ઘટનાઓ એવી આકાર લે છે જે સેક્સની બાબતમાં વ્યક્તિનો રસ વિજાતીય કે સજાતીય બન્ને પ્રકારની વ્યક્તિઓમાંથી હટાવીને અમુક ચોક્કસ પરિસ્થિતિઓ, ક્રિયાઓ કે વસ્તુઓ પર કેન્દ્રિત કરી નાખે છે. આવી વસ્તુઓ કે ક્રિયાઓમાં સ્ત્રીના પગ કે સ્તનથી માંડીને માથાની વિગ, નાનાં બાળકો કે મૃતદેહો સુધી શેનો સમાવેશ થઈ જાય એ કંઈ કહી શકાય નહીં. સામાન્ય માણસોને મન આવી પસંદગીવાળા લોકો વિકૃત હોય છે, પરંતુ મનોવિજ્ઞાન આ માનસિકતાને પૅરાફિલિયા તરીકે ઓળખે છે. પીડોફિલિયા પણ પૅરાફિલિયાનો આવો જ એક પ્રકાર છે જેમાં વ્યક્તિને સેક્સ માટે જરૂરી ઉત્તેજનાનો અનુભવ બાળકો દ્વારા જ મળે છે. તેથી આવા લોકો બાળકો સાથે સેક્સની કલ્પના કરીને, નાનાં બાળકોના અશ્લીલ ફોટો કે વિડિયો જોઈને અથવા વાસ્તવમાં તેમની સાથે સેક્સ્યુઅલ ઍક્ટિવિટી કરીને પોતાના જાતીય આવેગોને સંતોષવાનો પ્રયત્ન કરે છે. આવા લોકો માનસિક રીતે વિકૃત હોય છે કે નહીં અથવા તેમની જાતીય પસંદગીને સારી ગણવી કે ખરાબ એ એક ચર્ચાનો વિષય હોઈ શકે, પરંતુ તેમની આ પ્રકારની વૃત્તિ બાળકો માટે તથા તેમના ભવિષ્ય માટે જોખમી હોવાથી કાયદાની દ્રષ્ટિએ આ એક ભયંકર અપરાધ છે જેની સામે દુનિયાના દરેક દેશના બંધારણમાં સખત જોગવાઈ કરવામાં આવી છે.’
એક ચોંકાવનારો કિસ્સો
પોતાની વાતને સમજાવતાં ડૉ. રાજન ભોસલે માણસનું મન ક્યારેક કેવું વિચિત્ર રીતે કામ કરતું હોય છે એનું સચોટ દૃક્ટાંત આપતાં કહે છે, ‘મારી પાસે એક રાજસ્થાની છોકરાનો કિસ્સો આવ્યો હતો. એ છોકરાઓના પિતાની બાજુનો પરિવાર ખૂબ બહોળો હતો, જેમની રાજસ્થાનમાં અનેક રૂમોવાળી મોટી હવેલી હતી. દર ઉનાળુ વેકેશનમાં બધાં ભાઈબહેન પોતાનાં બાળકોને લઈને એ હવેલીમાં રજાની મજા માણવા જતાં. તે કાકા-ફોઈનાં સંતાનોમાં આ છોકરો સૌથી મોટો એટલે સામાન્ય રીતે દરેક પરિવારમાં થતું હોય એમ વડીલો નાનાં ભાઈબહેનને સંભાળવાની જવાબદારી આ છોકરાને સોંપતા. ક્યારેક તેને પૈસા આપી બધાને બહાર આઇસક્રીમ ખાવા લઈ જવાનું કહેતા, ક્યારેક બધા માટે ચૉકલેટ લઈ આવવાનું કહેતા તો વળી ક્યારેક હવેલીના કોઈ એકાદ રૂમમાં બધાં બાળકોને રમાડવાનું કહેતા. બારથી ૧૩ વર્ષની ઉંમરે આવા જ એક ઉનાળુ વેકેશનમાં આ છોકરો પોતાનાં નાનાં ભાઈબહેનો સાથે એક રૂમમાં રમી રહ્યો હતો. એવામાં રમતાં-રમતાં તેણે પોતાના કોઈ એકાદ ભાઈ કે બહેનને પોતાના ખોળામાં બેસાડ્યાં અને અચાનક તે બાળકના શરીરના સુંવાળા સ્પર્શથી, તેના શરીરની હૂંફાળી ઉષ્માથી આ છોકરાને જાતીય ઉત્તેજનાનો અનુભવ થયો. જાતીય ઉત્તેજનાનો એ તેના જીવનનો સૌથી પહેલો અનુભવ હતો જે તેને ખૂબ ગમી ગયો. તેથી તેણે એ બાળકના શરીર સાથે પોતાનું શરીર ઘસવા માંડ્યું. બાળક પણ નાદાન હતું. તેને પણ કશું સમજાયું નથી. તેણે પણ મોટા ભાઈની આ ક્રિયાને રમતનો એક ભાગ ગણીને સ્વીકારી લીધી. ત્યાર બાદ આ તેનો નિત્યક્રમ બની ગયો. વેકેશન પૂરું થયા બાદ તે પાછો આવ્યો ત્યારે પણ તેના મનમાં એ જ વિચારો ફર્યા કરતા, જેને યાદ કરવાથી તેને વારંવાર ઉત્તેજના અને સ્ખલનનો આનંદ મળતો. તેનું મન એ અનુભવમાં એવું અટવાઈ ગયું કે મોટા થયા બાદ પણ જેટલી વાર તેના મનમાં સેક્સનો વિચાર આવતો એટલી વાર તેને હવેલીનાં એ જ દૃશ્યો દેખાયા કરતાં, જેને પગલે પોતાની ઉંમરની છોકરીઓ પ્રત્યે આકર્ષાવાના સ્થાને તેને બાળકો પ્રત્યે આકર્ષણ થતું રહેતું. તેથી તે પોતાની આસપાસના છોકરાઓ સાથે મૈત્રી કરીને, ચૉકલેટ અને રમકડાં જેવી ગિફ્ટ્સ આપીને તેમને પોતાના ખોળામાં બેસાડવા માંડ્યો અને પીડોફાઇલ બની ગયો.’
ડૉ. રાજન ભોસલે કહે છે, ‘સમાજની દ્રષ્ટિએ કે કાયદાની દ્રષ્ટિએ આ છોકરાનું કૃત્ય ચોક્કસ સજાને લાયક છે, પરંતુ એનું બીજ તેના જીવનમાં ઘટેલી એક ઘટના સાથે જોડાયેલું છે. માત્ર પીડોફિલિયા જ નહીં, પૅરાફિલિયાના મોટા ભાગના કિસ્સા બાળપણમાં અને એમાં પણ ખાસ કરીને કિશોરાવસ્થામાં ઘટેલી આવી જ કોઈ એકાદ ઘટના કે દુર્ઘટનાનું પરિણામ હોય છે કારણ કે આ ઉંમરે બાળકના શરીરનાં હૉર્મોન્સની ગતિવિધિ વધી જાય છે. એવામાં આવી કોઈ ઘટના તેમની સાથે ઘટે તો તેના જાતીય આવેગો ખોટી દિશામાં ફંટાઈ જવાની શક્યતા રહે છે.’
પીડોફિલિયા શા માટે સ્વીકાર્ય નથી?
ડૉ. રાજન ભોસલે આ વિશે કહે છે, ‘અલબત્ત, આ પૃથક્કરણનો અર્થ એવો પણ નથી કે તેઓ જે કરે છે એ સ્વીકાર્ય છે. આવા કિસ્સાઓનો ઇતિહાસ તપાસીએ તો તેમાંના મોટા ભાગના પોતે પણ બાળપણમાં આ પ્રકારના જાતીય શોષણનો શિકાર બનેલા હોય છે. તેથી ક્યારેક બદલાની ભાવનાથી તો ક્યારેક આ પ્રકારની પ્રવૃત્તિઓ ગમી જવાથી તેઓ મોટા થયા બાદ પીડોફાઇલ બની ગયા હોય છે.
એટલું જ નહીં, કેટલાક પીડોફાઇલ્સ તો પોતાના બચાવમાં એવું પણ કહેતા સાંભળવા મળે છે કે તેઓ જે કરે છે એ બાળકોની સહમતીથી કરે છે, તેમના શિકાર બાળકોને પણ આવી પ્રવૃત્તિઓ ગમતી હોવાથી કરે છે. જોકે જેમ કોઈ બાળક ગમે એટલું હોશિયાર કેમ ન હોય, ક્લાસમાં હંમેશાં પહેલા નંબરે આવતું કેમ ન હોય; પણ જ્યાં સુધી તે ૧૮ વર્ષનું નથી થતું ત્યાં સુધી આપણે તેને મતદાન કરવાનો અધિકાર આપતા નથી એવી જ રીતે નાદાન બાળકોની સહમતીનો કોઈ અર્થ નથી. આ જ કારણ છે કે દુનિયાના ઘણા દેશો આજે બે વયસ્કો વચ્ચે બંધાતા સમલૈંગિક સંબંધોને સ્વીકૃતિ આપે છે, પરંતુ દુનિયાના દરેક દેશમાં પીડોફિલિયા એક અક્ષમ્ય અપરાધ માનવામાં આવે છે.’
બાળકો પર થતો માનસિક અત્યાચાર
ડૉ. રાજન ભોસલેની વાતમાં સૂર પુરાવતાં મલાડ અને દહિસર ખાતેના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘જાતીય શોષણનો ભોગ બનતાં બાળકોનું બાળપણ અતિશય સ્ટ્રેસમાં ગુજરે છે. બહુ નાનાં હોય તો પોતાની સાથે જે થઈ રહ્યું છે એ સાચું છે કે ખોટું એ તેમને સમજાતું નથી તેથી તેઓ પારાવાર મૂંઝવણ અને અકળામણનો અનુભવ કરે છે. જો બાળક થોડું મોટું અને સમજદાર હોય તો પોતાની જાતને અપમાન અને સામેવાળી વ્યક્તિને ઘૃણાની ભાવનાથી જોવા લાગે છે. આ માનસિક દ્વંદ્વ અને કશમકશ તેમને ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો શિકાર બનાવી શકે છે. સંશોધનો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે બાળપણમાં આવી સતામણીનો ભોગ બનેલાં બાળકો સામાન્ય બાળકોની સરખામણીમાં નવગણા આત્મઘાતી હોય છે. એટલું જ નહીં, મોટા થયા બાદ પણ સામાન્ય માણસોની સરખામણીમાં તેઓ ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, ન્યુરોસિસ અથવા સાઇકોસિસ તરીકે ઓળખાતી માનસિક બીમારીઓનો શિકાર બનવાની સંભાવના વીસગણી વધી જાય છે.’
તેમને ઓળખવાની કોઈ રીત ખરી?
દુર્ભાગ્યની વાત એ છે કે આવા માણસોને ઓળખવા અત્યંત મુશ્કેલ હોય છે. આ મુદ્દાને વિગતવાર સમજાવતાં અંધેરીના જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘એક બહુ પ્રચલિત ગેરમાન્યતા એ છે કે આ એવા લોકો હોય છે જેઓ નાનાં બાળકોને ફસાવવા સ્કૂલો અને કૉલેજોની બહાર હાથમાં કૅન્ડી અને ચૉકલેટ્સ લઈને ફરતા હોય છે; પરંતુ હકીકત તો એ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ કાકા, મામા, માસા, ફુઆ, સાવકો બાપ વગેરે જેવા ઘરના જ કોઈ અત્યંત નિકટના સ્વજન હોય છે અથવા ઘરે કામ કરતા વર્ષો જૂના નોકર કે નોકરાણી હોય છે. હા, નોકરાણી પણ. પીડોફાઇલ્સ ફક્ત પુરુષો જ હોય છે એ માન્યતા પણ એટલી જ ખોટી છે. અનેક પીડોફાઇલ્સનો ભૂતકાળ તપાસતાં તેઓ બાળપણમાં પોતાના જ ઘરની કોઈ મહિલા કે પછી આસપાસની કોઈ આન્ટી દ્વારા બાળપણમાં શારીરિક શોષણનો ભોગ બન્યા હોવાનું નોંધાયું છે. આ જ કારણ છે કે પીડોફિલિયાના દસમાંથી નવ કિસ્સા બહાર આવતા જ નથી અને લોકો ભીનું સંકેલી લે છે અથવા ચુપકીદી જાળવી રાખવા મજબૂર બની જાય છે. વળી બાળક નાનું હોવાથી જાતભાતની કલ્પના પણ કરતું હોવાથી ઘણી વાર પરિવારજનો તેની વાત પર વિશ્વાસ ન કરતા હોવાનું પણ જોવા મળે છે.’
ડૉ. રાજન ભોસલે કહે છે, ‘પીડોફાઇલ્સ માટે એક બીજી પ્રચલિત માન્યતા એવી પણ છે કે તેઓ સ્વભાવે અત્યંત અંતમુર્ખી હોય છે અને ગુપ્તાવાસ જેવું જીવન વ્યતીત કરતા હોય છે; પરંતુ વાસ્તવિકતા તો એ છે કે સારામાં સારા ઘરના અત્યંત સજ્જન, સંસ્કારી, સફળ અને સ્વભાવે અત્યંત મળતાવડા લોકોમાં પણ આ પ્રકારની વૃત્તિ હોઈ શકે છે. આ તેમના વ્યક્તિત્વની છૂપી બાજુ હોય છે જેને તેઓ અત્યંત સિફતથી લોકોની નજરોથી છુપાડી રાખે છે. વળી તેઓ બાળકોને ડરાવી-ધમકાવીને પોતાની વાત મનાવવામાં અથવા તેમની સાથે મૈત્રી કરીને આ પ્રકારની પ્રવૃત્તિ તેમની વચ્ચેની સીક્રેટ ગેમ હોવાનું મનાવી લેવામાં પણ પાવરધા હોય છે.’
આવું તેઓ શા માટે કરે છે?
આ સવાલનો કોઈ ચોક્કસ જવાબ નથી. છતાં પોતાના વર્ષોના અનુભવના આધારે ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘મહદંશે આવી વૃત્તિ પાછળ વ્યક્તિનાં સામાજિક, આર્થિક અને માનસિક કારણો જ જવાબદાર હોય છે. સાથે બાળપણના અનુભવો પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. કેટલીક વાર આ પ્રકારની પ્રવૃત્તિ બે પિતરાઈઓ વચ્ચે રમત સ્વરૂપે પણ શરૂ થતી હોય છે જે આગળ જતાં તેમની વૃત્તિ બની જાય છે તો કેટલીક વાર વિજાતીય શારીરિક સંબંધોમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ કોઈ પોતાની સેક્સ્યુઅલિટીને પડકારી ન શકે એ માટે બાળકોને પોતાની હવસનો શિકાર બનાવતી હોય છે. એટલું જ નહીં, કેટલાક દેશોમાં એઇડ્સ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી વયસ્કોની સરખામણીમાં બાળકોને પ્રમાણમાં વધુ સુરક્ષિત માનીને તેમને વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે.’
આનો ઉપાય શું?
ભૂતકાળમાં પીડોફિલિયાથી પીડાતી વ્યક્તિઓનાં વૃષણો કાઢીને તેમને નપુંસક બનાવી દેવાના અથવા કેમિકલ કૅસ્ટ્રેશન તરીકે ઓળખાતી પદ્ધતિમાં તેમને ઍન્ટિ-એન્ટ્રોજન ઇન્જેક્શન્સ આપી તેમના શારીરિક આવેગોને દબાવી દેવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ એનાથી બાળકો સાથે થતા આ દુરાચાર પર પ્રતિબંધ મૂકવામાં કોઈ ખાસ સફળતા મળી નથી. તેથી હવેનું મનોવિજ્ઞાન સાઇકોથેરપી તથા કાઉન્સેલિંગના માધ્યમથી તેમની માનસિકતાને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે હવેના સમયમાં આ દૂષણનું પ્રમાણ એટલું વધી ગયું છે અને બીજી બાજુ આવા લોકો સામેથી ડૉક્ટર પાસે સારવાર માટે ભાગ્યે જ આવતા હોવાથી બાળકોને જ આ બાબત માટે સભાન કરવાનું આવશ્યક બની ગયું છે. આ જ કારણ છે કે સામાન્ય ડૉક્ટરોથી લઈને સાઇકોલૉજિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ વગેરે સૌકોઈ અર્લી ચાઇલ્ડ સેક્સ-એજ્યુકેશન પર ભાર મૂકવા લાગ્યા છે.
મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ
No comments:
Post a Comment