Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

28 September 2021

ધર્મવિષયક મનોવિજ્ઞાન (psychology of religion)

ધર્મવિષયક મનોવિજ્ઞાન 
(psychology of religion)

ધર્મવિષયક મનોવિજ્ઞાનમાં ધાર્મિક માન્યતાઓ, પ્રથાઓ, પરંપરાઓ અને વ્યવહારોનો વ્યક્તિઓ અને સમૂહોના માનસ અને વર્તન ઉપર કેવો પ્રભાવ પડે છે તેનો અવલોકનનિષ્ઠ (empirical) તથ્યાત્મક (factual) અભ્યાસ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનની અન્ય શાખાઓની જેમ ધર્મનું મનોવિજ્ઞાન પણ મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયેશન’ (APA) નામની મનોવિજ્ઞાનીઓની સંસ્થાના એક વિભાગનું નામ ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ રાખવામાં આવ્યું છે. APAના જુદા જુદા વિભાગોમાં તે તે વિભાગ હેઠળ આવતાં મનોવૈજ્ઞાનિક સંશોધનોને આવરી લેવામાં આવે છે અને તે વિભાગની પ્રવૃત્તિઓનું સંકલન થાય છે.

વીસમી સદીના પૂર્વાર્ધમાં વિલિયમ જેમ્સ, સ્ટેનલી જૉલ તેમજ ગૉર્ડન ઑલપૉર્ટ જેવા અગ્રણી અમેરિકન મનોવિજ્ઞાનીઓએ આ ક્ષેત્રમાં તેમના ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું છે, પરંતુ વીસમી સદીના મનોવિજ્ઞાનમાં જે રીતે મનોવિજ્ઞાનની બીજી શાખાઓ વિસ્તરતી ગઈ તે રીતે ધર્મના મનોવિજ્ઞાનનો વિસ્તાર અને વિકાસ થયો નથી. ઉદ્યોગો, શિક્ષણ, વ્યવસાય, માનસ-વિકૃતિઓ આદિ લૌકિક ક્ષેત્રનાં પરિવર્ત્યો(variables)થી પ્રભાવિત એવા માનવવર્તન ઉપર સ્વાભાવિક રીતે જ વધુ સંશોધનો થયાં છે.

ધર્મવિષયક મનોવિજ્ઞાન એક પ્રભાવક મનોવિજ્ઞાન તરીકે મુખ્ય પ્રવાહના મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ કરતાં ઓછું વિકસ્યું છે તેનું એક કારણ એ દર્શાવવામાં આવે છે કે મનોવિજ્ઞાનની બીજી શાખાના વિષયો અવલોકનક્ષમ છે, જ્યારે ધર્મવિષયક માન્યતાઓ, વ્યવહારો, પ્રથાઓ કે પરંપરાઓના વિષયો તરીકે ઈશ્વર, આત્મા, પુનર્જન્મ, કર્મ, પાપ-પુણ્ય વગેરે આવે છે અને આવા વિષયોની સત્યતાનો નિર્ણય કરવાનું મનોવિજ્ઞાન પાસે કોઈ સાધન નથી. તેથી જ મનોવિજ્ઞાનની અન્ય શાખાઓમાં જેવું વિષયગત તેમજ પ્રમાણભૂત જ્ઞાન મળી શકે છે તેવું આ શાખામાં શક્ય નથી તેમ દર્શાવાયું છે. જોકે, ઘણા મનોવિજ્ઞાનીઓ માને છે કે મનોવિજ્ઞાનીઓએ તો વ્યક્તિની માન્યતાઓ (beliefs), તેનું વર્તન, તેનાં મનોવલણો વગેરે કયાં પરિબળોથી પ્રભાવિત થાય છે તેનો જ અભ્યાસ કરવાનો છે. તેથી જો ધર્મ વ્યક્તિનાં અને સમૂહનાં વર્તનોને નિર્ણાયક રીતે પ્રભાવિત કરતો હોય તો ધર્મ પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિની પરિભાષા પ્રમાણે, એક અગત્યનું પરિવર્ત્ય (variable) બને છે અને મનોવિજ્ઞાનીઓએ તેના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ધાર્મિક માન્યતાની સામગ્રી ગમે તે હોય પણ જો તે નિર્ણાયક રીતે વ્યક્તિના કે સમૂહોનાં વર્તન, મનોવલણ વગેરે ઉપર પ્રેરક પ્રભાવ પાડતી હોય તો મનોવિજ્ઞાનીઓએ તેનો અભ્યાસ કરવો જ જોઈએ. ધર્મ જે કહે છે તેને વૈજ્ઞાનિક સમર્થન નથી તેવું ઘણા મનોવૈજ્ઞાનિકો માનતા હોય છે. પણ પ્રશ્ન એ નથી. પ્રશ્ન તો એ છે કે ધર્મમાં જે કહેવાયું છે તે લોકોને અમુક રીતે વર્તવા પ્રેરે છે કે નહિ ? જો ધર્મ વર્તનનું પ્રેરકબળ હોય તો એ મનોવિજ્ઞાનનો મહત્વનો વિષય બને જ છે.

અલૌકિક તત્વોમાં શ્રદ્ધા એ જ ધર્મનું હાર્દ ગણવામાં આવે છે. તેથી ધાર્મિક વર્તનનું લક્ષ્ય અને ધાર્મિક માન્યતાનો વિષય એ બંનેને તર્કના ક્ષેત્રની બહાર મૂકવામાં આવે છે તેથી ધર્મને બિનતાર્કિક (non-logical) ગણનારાઓ તેના વૈજ્ઞાનિક અભ્યાસને પણ મહત્વ આપતા નથી, પરંતુ ખરેખર તો પ્રશ્ન એ પુછાવો જોઈએ કે શું મનુષ્યનું વર્તન, હંમેશાં વ્યક્તિગત અને સામૂહિક કક્ષાએ તાર્કિકતા(rationality)થી જ પ્રેરાયેલું હોય છે ? ખુદ મનોવૈજ્ઞાનિકો જ માને છે કે લોકો જૂથની સ્વીકૃતિ મેળવવા માટે, જૂથ દ્વારા સ્વઓળખ પ્રાપ્ત કરવા માટે, જૂથ-જોડાણ ટકાવી રાખવા માટે, તેમજ આશ્વાસનની, ટેકાની અને સલામતીની જરૂરિયાત માટે પણ ઘણા પ્રકારનું પ્રબલનકારક અને અનુકૂલન-સાધક વર્તન કરતા હોય છે. લોકોનું ધાર્મિક વર્તન પણ આ જ પ્રેરકો(motives)થી સમજાવી શકાય છે. ધાર્મિક વર્તન પણ રૂઢિ, પરંપરા, વ્યક્તિના સામાજિકીકરણ(socialization)ની તરેહો, સમાજનાં ધોરણોનું વ્યક્તિઓએ કરેલું આંતરિકીકરણ (internalization) વગેરેથી ઉદભવે છે, ટકી રહે છે અને દોરવાય છે. તેથી જ, તાર્કિકતાને આગળ કરીને ધર્મના વૈજ્ઞાનિક અભ્યાસની અવગણના થઈ શકે નહિ. અતાર્કિક પ્રેરકોનો અભ્યાસ કરવાનું મનોવિજ્ઞાનમાં ટાળવામાં આવે તો પછી મનોવૈજ્ઞાનિકો અફવાનું, ટોળાનું, પ્રચારનું, સ્વપ્નોનું, ભ્રમનું અને પૂર્વગ્રહનું મનોવિજ્ઞાન રચી જ ન શકે ! તેનો અર્થ એ નથી કે ધાર્મિકતા એ આ બધા વિષયો જેવી જ અતાર્કિક છે. ખરેખર તો સંશોધનનો મુદ્દો એ હોવો જોઈએ કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાને વરેલા સમાજોમાં શા માટે હજી પણ પવિત્ર ગ્રંથોની અને ગુરુઓની લોકોત્તર તત્વોનો બોધ આપતી વાણીમાં લોકો માની રહ્યા છે ? તેનાં કયાં પ્રેરકબળો છે ? શા માટે લોકો વૈજ્ઞાનિક સમજૂતીઓ ઉપરાંતની અલૌકિક સમજૂતીઓ સ્વીકારવા પ્રેરાય છે ?

લોકો જે માને છે અને જે રીતે વર્તે છે તે માન્યતાના વિષયો કલ્પિત હોય, અસત્ય હોય, અસમર્થિત હોય, ભૂલભરેલા હોય કે તે વર્તનનાં લક્ષ્યો સિદ્ધ થાય તેવાં ન હોય તે અંગેની વાત મનોવિજ્ઞાનીઓએ બાજુએ મૂકીને જ ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કરવું જરૂરી બને છે. દા.ત., પૂર્વગ્રહયુક્ત માન્યતાઓ અતાર્કિક હોય છે, સાહિત્ય કે કલાના વિષયો કેવળ કલ્પનાગમ્ય હોય છે, સ્વપ્નોમાં ભાસતા પદાર્થો મિથ્યા હોય છે અને અફવાઓ અસત્ય હોય છે, છતાં પૂર્વગ્રહનો, સાહિત્યકલાનો, સ્વપ્નોનો કે અફવાઓનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ ગંભીરતાથી કરવામાં આવે છે, કારણ કે અવાસ્તવિક, કલ્પિત, અતાર્કિક કે અસત્ય કે અસમર્થિત હોય તેવી બાબતો પણ મનુષ્યના વર્તનને વાસ્તવિક રીતે, વ્યક્તિગત કે સામૂહિક કક્ષાએ પ્રભાવિત કરે જ છે. ધર્મનો પણ દરેક સમાજમાં દરેક ઐતિહાસિક તબક્કે વ્યક્તિઓના અને સમૂહોના માનસ ઉપર વ્યાપક પ્રભાવ પડ્યો છે તે હકીકત છે. તેથી પોતાનો અભ્યાસ તથ્યનિષ્ઠ છે તેવો દાવો કરનારા મનોવિજ્ઞાનીઓ કઈ રીતે આ હકીકતને અવગણી શકે ? મનોવિજ્ઞાનમાં ધર્મવિષયક માન્યતાઓના વિષયોની સત્યતા/અસત્યતા નક્કી કરવાની કોઈ પદ્ધતિ જ નથી. ધર્મનિષ્ઠ વર્તનનાં લક્ષ્યો (જેમ કે મોક્ષ) ખરેખર સિદ્ધ થાય છે કે કેમ તેનો નિશ્ચય કરવાનાં પણ મનોવિજ્ઞાન પાસે કોઈ સાધનો નથી. ધર્મવિષયક અનુભવોનું પ્રામાણ્ય પણ મનોવિજ્ઞાન નિશ્ચિત કરી શકે નહિ. મનોવિજ્ઞાન આવા વિષયો, લક્ષ્યો અને અનુભવોનો કેવળ તથ્યાત્મક અભ્યાસ કરી શકે છે.

ધર્મના અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની જેમ જ ધર્મનો મનોવૈજ્ઞાનિક અવલોકનનિષ્ઠ અભ્યાસ મુખ્યત્વે વર્ણનાત્મક, માપનલક્ષી અને સર્વેક્ષણ સ્વરૂપનો હોય છે. વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો માટે મનોવૈજ્ઞાનિક સાધનો (પ્રશ્નાવલિ વગેરે) બનાવવામાં આવે છે અને તેને આધારે વ્યક્તિની ધાર્મિકતાનાં માપનો અને વ્યક્તિના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનાં કે તેનાં મનોવલણોનાં કે તેનાં માનસિક સ્વાસ્થ્ય અંગેનાં માપનો સાથે સહસંબંધ શોધવામાં આવે છે. દા.ત., ઊંચી ધર્મભક્તિવાળા લોકો પ્રમાણમાં વધુ રૂઢિચુસ્ત છે કે ઓછા ઉદાર હોય છે ખરા ? તેઓ વધુ સ્વસ્થ કે ઓછા ચિંતાતુર હોય છે ખરા ? વિવિધ વ્યાવહારિક ક્ષેત્રોમાં તેમનું સમાયોજન કેવું હોય છે ? તેઓ અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવે છે કે કેમ ? તેઓ સમાનતામાં માને છે કે ઈશ્વરસ્થાપિત સામાજિક વ્યવસ્થામાં ઉચ્ચાવચતા હોય તો તે પણ સ્વીકારી લે છે ? આવા અનેક પ્રશ્નો લઈને મનોવૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે. આવાં સંશોધનોમાં ધર્મના વિષયની સત્યતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવતો જ નથી. જર્મનીની કોલોન (Colongue) યુનિવર્સિટીના વૉલ્ફગાંગ ઝેગોડઝિન્સ્કી અને શિકાગો તેમજ એરિઝોના યુનિવર્સિટીના એન્ડ્ર્યુ ગ્રીલીએ ધર્મ અંગેના 1991ના ઇન્ટરનૅશનલ સર્વે પ્રોગ્રામની માહિતીનું વિશ્લેષણ કર્યું છે. ધર્મવિષયક આ સર્વેક્ષણમાં પશ્ચિમ જર્મની, પૂર્વ જર્મની, હંગેરી, ઇટલી, આયર્લૅન્ડ, નોર્વે, યુ.એસ., ન્યૂઝીલૅન્ડ, ઇઝરાયલ વગેરે સત્તર દેશોના લોકોના નિદર્શ (sample) લેવામાં આવ્યા હતા. નીચેનાં છ વિધાનો પ્રત્યેના નિદર્શમાં સમાવિષ્ટ લોકોના ઉત્તરો ઉપરથી તેમનું પાકા નિરીશ્વરવાદી (નાસ્તિકો), હળવા નિરીશ્વરવાદીઓ અને અતિહળવા નાસ્તિકો એવું વર્ગીકરણ કરવામાં આવ્યું. એ છ વિધાનો આ પ્રમાણે છે :

(1) હું ઈશ્વરમાં માનતો નથી.

(2) ઈશ્વર છે કે કેમ તે હું જાણતો નથી અને તે જાણવા માટેનો કોઈ માર્ગ પણ નથી.

(3) હું વ્યક્તિસ્વરૂપ ઈશ્વરમાં માનતો નથી પણ કોઈક પ્રકારની શક્તિ(power)માં માનું છું.

(4) હું કેટલીક વાર ઈશ્વરમાં માનું છું તો વળી બીજા કેટલાક પ્રસંગે ઈશ્વરમાં માનતો નથી એવું પણ અનુભવું છું.

(5) જ્યારે મને શંકાઓ ઘેરી વળે છે ત્યારે મને જણાય છે કે હું ઈશ્વરમાં માનું છું.

(6) ઈશ્વર ખરેખર અસ્તિત્વમાં છે તે હું જાણું છું અને મારામાં તે અંગે કોઈ શંકા નથી.

આ સર્વેમાં બીજો એક પ્રશ્ન આ પ્રમાણે હતો :

મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ? તેમાં ચાર વિકલ્પો દર્શાવાયા હતા :

(1) હા, ચોક્કસ રીતે માનું છું.

(2) હા, સંભવિત છે, કદાચ તેવું હોય.

(3) ના, કદાચ તેવું સંભવિત નથી.

(4) ના, હું નિશ્ચિત રીતે તેમાં નથી માનતો.

ઉપરનાં પ્રથમ છ વિધાનોમાંથી જે પહેલું વિધાન સ્વીકારે, અને પછીનાં ચાર વિધાનોમાંથી જે છેલ્લું વિધાન સ્વીકારે તો પાકા નાસ્તિકો ગણાય. પહેલાં છ વિધાનોમાં જે બીજો વિકલ્પ સ્વીકારે તે અજ્ઞેયવાદી(agnostic) કે અતિહળવા નાસ્તિકો ગણાય. સંશોધનના પરિણામે જાણવા મળ્યું છે કે જુદા જુદા દેશોમાં અતિહળવા નાસ્તિકોથી માંડીને સંપૂર્ણ નાસ્તિકોની ટકાવારી ખૂબ જ ઓછી છે દા.ત., પશ્ચિમ જર્મનીમાં માંડ પાંચ ટકા પાકા નાસ્તિકો છે અને યુ.એસ.માં અજ્ઞેયવાદીઓ ત્રણ ટકા તો સંપૂર્ણ નિરીશ્વરવાદીઓ તો 0.9 % જ છે ! આવાં ઘણાં તારણોનું વિશ્લેષણ કરતાં વિવેચકોને સમજાયું છે કે વિજ્ઞાન-ટૅકનૉલૉજી આધારિત આધુનિકતાના પ્રભાવ હેઠળ વિવિધ પ્રજાના માનસ ઉપર ધર્મનો પ્રભાવ ઘટતો જશે તેવી ધારણા આવાં સર્વેક્ષણોથી ખોટી પડી છે. જોકે પહેલાંના જેવો જ પ્રજાઓ ઉપર તો ધર્મનો સર્વવ્યાપક પ્રભાવ અકબંધ રહ્યો છે તેમ તો કહી શકાય નહિ, કારણ કે આધુનિક વિજ્ઞાને માનવજાતની જેટલી સમસ્યાઓ ઉકેલી છે તેટલી સમસ્યાઓ પહેલાં કદી પણ કોઈ સાધનોથી કે સંસ્થાઓથી ઉકેલાઈ નથી. જુદા જુદા ધર્મોમાં માનતાં રાષ્ટ્રોએ પણ નિરક્ષરતાનિવારણ કે રોગનાબૂદીથી માંડીને પરમાણુ-પરીક્ષણ સુધીની બાબતોમાં આધુનિક વિજ્ઞાનો ઉપર જ આધાર રાખવો પડે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓએ આધુનિકતાના ઇહલોકવાદી પ્રભાવ હેઠળ ધર્મનો પ્રભાવ તદ્દન ઘટી જશે એમ કહ્યું હતું પણ તેવું હજી સુધી તો બન્યું નથી એમ પણ જણાયું છે. રાજ્યો દ્વારા જો પ્રજાઓ ઉપર ધર્મવિહીનતા બળજબરીથી લાદવામાં આવી ન હોય તો વ્યક્તિઓ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા મહદ્અંશે ધાર્મિક વર્તનનો અંગીકાર કરી લે છે. જુદાં જુદાં જૂથોની ધાર્મિકતામાં જે તફાવતો જોવા મળે છે, તે જુદા જુદા સામાજિકીકરણને લીધે જણાય છે.

માપનલક્ષી અભિગમ મનોવિજ્ઞાનમાં અત્યંત આવશ્યક છે તે અંગે કોઈ વિવાદ નથી, પણ કેટલાક મનોવિજ્ઞાનીઓને વ્યક્તિઓ ઉપરના ધર્મના પ્રભાવ અંગેનાં તથ્યાત્મક અવલોકનોને બદલે ખુદ ધર્મના સ્વરૂપનાં મનોવૈજ્ઞાનિક સૈદ્ધાન્તિક અર્થઘટનોમાં વધુ રસ છે. આવા મનોવિજ્ઞાનીઓમાં ફ્રૉઇડ, યુંગ, ઇરિક ફ્રૉમ, અબ્રાહમ મેસલો આદિનો સમાવેશ થાય છે. આવા મનોવિજ્ઞાનીઓ કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉઠાવે છે. દા.ત., ધર્મ શું છે ? શું તે એક ભ્રાન્તિ છે ? કોઈક મનોવિકૃતિ છે ? શું તેના વિકલ્પે બીજા કોઈ તંત્રો કે વ્યવહારો તેનું સ્થાન ન લઈ
શકે ? આવા પ્રશ્નો ધર્મો અંગે સૈદ્ધાન્તિક વિચારણાને કેન્દ્રમાં મૂકે છે. દા.ત. ફ્રૉઇડે જેમ સ્વપ્નોનું અર્થઘટન કર્યું તેમ જ ધર્મનું અર્થઘટન કર્યું છે.

વિશ્વના ઉદભવ, સ્વરૂપ અને તેની સંરચના અંગેની ધર્મનિષ્ઠ માન્યતાઓને કૉપરનિકસ, ડાર્વિન અને ફ્રૉઇડે અનેક રીતે આઘાત પહોંચાડ્યો છે. ધર્મની માર્કસે અફીણ સાથે તુલના કરી અને ફ્રૉઇડે ધર્મને માનસિક નબળાઈ કે બીમારી તરીકે સમજાવ્યો છે. પહેલાં મનોદબાણ (obsession) તરીકે, પછી ઇચ્છાતૃપ્તિ તરીકે અને છેલ્લે ભ્રાન્તિ તરીકે તેમજ દમન પામેલી અચેતન સામગ્રીના પુનરાગમન તરીકે ફ્રૉઇડે ધર્મની સમજૂતી આપી છે. વ્યક્તિઓ ધાર્મિક વિધિ અને ક્રિયાકાંડના યંત્રવત્ પુનરાવર્તનથી પોતાના અપરાધભાવ(guilt)ને ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેવું ફ્રૉઇડે સમજાવ્યું છે. આમ, તેમના મતે ધર્મ એક ‘ન્યુરોસિસ’ છે. ફ્રૉઇડ પ્રમાણે જીવનની કઠોર વાસ્તવિકતાનાં દબાણો અને સંઘર્ષોને પહોંચી વળવા માટે પુખ્ત વ્યક્તિઓને પણ પિતાસ્વરૂપ ઈશ્વરની કલ્પનાનો આશ્રય લેવો પડે છે. તેમાંથી તેમને સલામતી અને હૂંફ મળે છે. ફ્રૉઇડ પ્રમાણે ઈશ્વર વગેરે અંગેની ધાર્મિક માન્યતાઓને કોઈ વાસ્તવિક પુરાવાઓનું તાર્કિક સમર્થન નથી મળતું. તેથી જ, તેનો વિષય કેવળ કાલ્પનિક ઇચ્છાતૃપ્તિ તરીકે જ પ્રવર્તે છે. એટલે ધર્મ એક ‘ન્યુરોસિસ’ પ્રકારની માનસિક અવદશા છે તે ભ્રાન્તિની સ્થિતિ છે, તેમાં માનનારાઓ માનવજાતની બાલ્યાવસ્થાના અવશેષો હજી છોડતા નથી. રોમન કૅથલિક ચર્ચે ફ્રૉઇડના મનોવિશ્ર્લેષણનો ભૌતિકવાદ, પ્રકૃતિવાદ, જીવવિજ્ઞાનવાદ, યંત્રવાદ, ઉત્ક્રાંતિવાદ વગેરે જેવાં ચૌદ કારણોસર અસ્વીકાર કર્યો છે. જોકે ઘણા મનોવિજ્ઞાનીઓ ફ્રૉઇડનો ધર્મવિષયક મત આમ પણ સ્વીકારતા નથી. જેમ કે, કાર્લ યુંગ, ઇરિક ફ્રોમ, અબ્રાહમ મેસલો વગેરે. દા.ત., કર્મકાંડ અને ધાર્મિક પ્રવિધિઓ સંપૂર્ણ રીતે અતાર્કિક છે તેવું ફ્રોમ સ્વીકારતા નથી. તે જ રીતે, ફ્રોમ મનોવિશ્ર્લેષણ અને ધર્મ વચ્ચે ફ્રૉઇડે કલ્પેલો આત્યંતિક વિરોધ સ્વીકારતા નથી. આધ્યાત્મિક અનુભવોમાં જે વિષય નિરૂપાયો છે તેની સત્યતા/અસત્યતા નક્કી કરવા માટે મનોવિજ્ઞાન પાસે કોઈ પદ્ધતિ નથી, પણ તેથી આવા અનુભવો કેવળ ભ્રાન્તિ સ્વરૂપના છે કે માનસિક નબળાઈનાં લક્ષણોરૂપ છે તેવું સ્વીકારવા પણ ઘણા મનોવિજ્ઞાનીઓ તૈયાર નથી. વૈયક્તિક ધાર્મિક-આધ્યાત્મિક અનુભવોને પણ વ્યક્તિઓ પોતાની ધર્મ-પરંપરાની પરિભાષામાં વ્યક્ત કરે છે. માનસિક સારવારના ક્ષેત્રે પણ પ્રાર્થના, પૂજા, ભક્તિ, સત્સંગ, ધાર્મિક પ્રસંગોની ઉજવણીઓ વગેરેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. જોકે, વ્યક્તિની ચિંતા ઘટાડવાના એક સાધન તરીકે કે શારીરિક-માનસિક ઉપચારમાં ઉપકારક નીવડે છે માટે જ ધર્મને સ્વીકારવો અને કોઈ પારલૌકિક તત્ત્વ સાથેના અનુસંધાન માટેના પ્રયત્ન કે માર્ગ તરીકે તેનો સ્વીકાર કરવો એ બંને જુદી બાબતો છે. ધર્મનો વિષય ભ્રાન્તિરૂપ હોય તોપણ ધર્મનું મનોવિજ્ઞાન શક્ય છે કારણ કે ભ્રાન્તિનું મનોવિજ્ઞાન શક્ય છે.

ઇતિહાસ, રાજ્યવિષયક સમાજશાસ્ત્ર, સંસ્થાઓનું સમાજશાસ્ત્ર અને સામૂહિક ધાર્મિક વર્તનનું સમાજલક્ષી મનોવિજ્ઞાન – એમ અનેક રીતે ધર્મનો અભ્યાસ થાય છે. મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિગત માનસિક અને વર્તનપરક ઘટનાઓનો જ અભ્યાસ થાય છે. ઐતિહાસિક સંજોગોને અધીન એવાં ધર્મનાં સંસ્થાસ્વરૂપોને લીધે ઉદભવતા સામાજિક સ્થગિતતાના, સંઘર્ષોના, પ્રગતિબાધકતાના અને ધર્મ સાથે જોડાઈ જતી વ્યક્તિની રાજકીય, સામાજિક-સાંસ્કૃતિક સ્વ-ઓળખને લીધે ઉદભવતા રૂઢિચુસ્તતા, ધર્મજડતા અને ટોળાશાહી અસહિષ્ણુતાના પ્રશ્નો તો મુખ્યત્વે સમાજશાસ્ત્રીય પ્રશ્નો છે, મનોવિજ્ઞાનમાં તો ધર્મસંલગ્ન એવી વ્યક્તિ પરત્વે બોધાત્મક, આવેગાત્મક અને વર્તનપરક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે છે. જે તાર્કિક રીતે સિદ્ધ ન હોય અથવા તો તે સિદ્ધ થઈ શકે છે કે કેમ તેને અંગે જાણવાની કોઈ અવલોકનનિષ્ઠ પદ્ધતિઓ ન હોય તેવી ઘણી બાબતોમાં લોકો ઘણાંબધાં મનોવૈજ્ઞાનિક કારણોસર માનતા હોય છે. તેથી બીજાં ક્ષેત્રોની જેમ ધાર્મિક ક્ષેત્રોમાં પણ ધર્માનુસરણના તાર્કિક નહિ પણ મનોવૈજ્ઞાનિક કારણો શોધવામાં આવે છે. ધર્મને અનુસરીને ઊંચી નૈતિક ભૂમિકા સિદ્ધ કરવાના પ્રયત્નોને પ્રબલન મળે અને ધર્મ દ્વારા જુદા જુદા પૂર્વગ્રહો અને વિભાજનવાદી વલણો પોષાય નહિ તેવું વ્યક્તિનું સામાજિકીકરણ ઇષ્ટ છે, એવો મૂલ્ય-નિર્ણય જરૂરી છે. છેલ્લાં દશેક વર્ષમાં આ અંગેના સાહિત્યમાં વ્યૂલ્ફ(Wulff)નું પુસ્તક ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજિન’ (1991) તેમજ પેરગેમેન્ટ- (Pargament)નું પુસ્તક ‘ધ સાઇકૉલોજી ઑવ્ રિલિજસ કૉપિંગ’ (1997) ઘણાં ઉપયોગી નીવડ્યાં છે. એક અગ્રણી સંશોધક અને ચિંતક માઇકિયેલ નીલસન(અમેરિકાની જ્યૉર્જિયાના સધર્ન યુનિવર્સિટીના અધ્યાપક)નું ‘સાઇકૉલોજી ઑવ્ રિલિજન’ (1994) પણ આ ક્ષેત્રમાં એક આગવું પ્રદાન ગણાય છે. ધર્મ અંગેના સંશોધનલેખો, ‘ધ જર્નલ ઑવ્ ધ સાયન્ટિફિક સ્ટડી ઑવ્ રિલીજન’, ‘રિવ્યૂ ઑવ્ રિલિજસ રિસર્ચ’ તેમજ ‘ઇન્ટરનૅશનલ જર્નલ ઑવ્ સાઇકૉલોજી ઑવ્ રિલિજન’માં પ્રકાશિત થાય છે.

મધુસૂદન બક્ષી

No comments:

Post a Comment