Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

10 October 2021

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે / ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ૧૯ લાખથી વધુ લોકો માનસિક રોગનો શિકાર, સૌથી વધુ કેસ આ બીમારીના...

 આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે

ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ૧૯ લાખથી વધુ લોકો માનસિક રોગનો શિકાર, સૌથી વધુ કેસ આ બીમારીના...


ડિપ્રેશન, એન્ઝાઇટી જેવી માનસિક સ્વાસ્થ્યની બિમારીઓ આજના આધુનિક સમયની બલિહારી છે. નોકરી-વ્યવસાયમાં ગળાકાપ સ્પર્ધા, સતત નવા પડકાર પાર પાડવાનું દબાણ, મિત્ર-સ્વજનની સરખામણીએ પોતે ઘણા પાછળ રહી ગયા છે તેવી હતાશા, એકલવાયું જીવન જેવી બાબતોને લીધે માનસિક સ્વાસ્થ્યને લગતા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં જ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯ લાખ લોકો માનસિક સ્વાસ્થ્યને લગતી બિમારીનો શિકાર બન્યા છે. ૧૦ ઓક્ટોબરે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ છે ત્યારે માનસિક સ્વાસ્થ્યને લગતા કેસમાં થઇ રહેલો વધારો જોખમના એલાર્મ સમાન છે.


એક જ વર્ષમાં માનસિક સ્વાસ્થ્યને લગતા સંભવતઃ સૌથી વધુ કેસ

કોરોનાએ ગત વર્ષે માર્ચમાં પગપેસારો કર્યો ત્યારથી માનસિક સ્વાસ્થ્યને લગતી બિમારીના કેસમાં પણ વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન માનસિક રોગના ૬.૯૮ લાખ દર્દીઓની ઓપીડી થઇ હતી અને આ પૈકી ૫૬૭૫૭ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. એક જ વર્ષમાં માનસિક સ્વાસ્થ્યને લગતા સંભવતઃ આ સૌથી વધુ કેસ છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જ આ ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોનામાં ધંધા-રોજગાર પર પડેલી અસર, સ્વજનોને ગુમાવવા, એકલવાયુંપણું, લાંબા લોકડાઉનને લીધે માનસિક સ્વાસ્થ્યને લગતા દર્દીઓમાં વધારો નોંધાયો છે.તજજ્ઞાોના મતે કોરોનાકાળે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં કોઇને કોઇ રીતે માઠી અસર પડી છે. અનેક લોકોએ અચાનક જ સ્વજન ગુમાવ્યા છે તો અનેક લોકોને ધંધા-રોજગારમાં મોટો આર્થિક ફટકો પડયો છે. કોઇ સ્વજન કે મિત્રનું કોરોનાથી અવસાન થાય તો અનેક લોકોને એવો ડર હાવી થવા લાગ્યો કે ‘હવે મને પણ કોરોના થશે અને હું પણ મૃત્યુ પામીશ તો ?’ આ ઉપરાંત ચિંતા-ડરને કારણે રાત્રે ઉંઘ ન આવવી જેવા કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષમાં નાની-નાની વાતોમાં ગુસ્સો કરવો કે સાવ ક્ષુલ્લક વાત માટે સામે વાળી વ્યક્તિ સાથે ઝઘડો કરવો તેવા કેસ પણ વધી રહ્યાં છે.


માનસિક રોગના દર્દી માટે હૂંફ અક્સિર દવા સમાન કામ કરે છે

જો કે, આપણે ત્યાં સમસ્યા એ છે કે શારિરીક સ્વાસ્થ્યને જેટલી ગંભીરતાથી લેવામાં આવે છે તેટલી ગંભીરતાથી માનસિક સ્વાસ્થ્યને લેવામાં આવતું નથી. ડિપ્રેશન, બેચેની, અનિદ્રા, ઉચાટ જેવી સમસ્યા સતાવી રહી હોય તો પણ અનેક લોકો એવા ડરથી મનોચિકિત્સક પાસે જવાનું ટાળે છે કે, ‘હું માનસિક સારવાર લઇ રહ્યો છું તેવી ખબર પડતાં લોકો મારા માટે શું વિચારશે? ‘ પરંતુ એ સમજવાની જરૃર છે કે જેમ તાવ-શરદી આવે તો ડોક્ટર પાસે જઇએ છીએ તેમ માનસિક સ્વાસ્થ્યની પણ બિમારીનો પણ ક્યારેક સામનો કરવો પડે છે અને સમયસર દવા લેવાથી તેમાંથી સાજા પણ થઇ શકાય છે. માનસિક રોગના દર્દી માટે સાંત્વના અને ‘અમે તારી સાથે જ છીએ’ તેવી હૂંફ અક્સિર દવા સમાન કામ કરે છે.ગુજરાતમાં તાલુકા અને જિલ્લા સ્તરે માનસિક આરોગ્ય કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેમાં દર્દીના માનસિક સ્વાસ્થ્યની ચકાસણી કરીને કાઉન્સિલિંગ કરીને સારવાર થાય છે.


માનસિક સ્વાસ્થ્યથી કંટાળી ૩ વર્ષમાં ૨ હજારથી વધુની આત્મહત્યા

માનસિક સ્વાસ્થ્યથી કંટાળીને આત્મહત્યા કરવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાંથી ૩ વર્ષમાં ૧૬૦૪ પુરુષ અને ૯૨૧ મહિલા એમ કુલ ૨૫૨૩ વ્યક્તિઓએ માનસિક સ્વાસ્થ્યથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. આમ, આ સ્થિતિએ કહી શકાય કે દરરોજ સરેરાશ બેથી વધારે વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યથી કંટાળીને આત્મહત્યા કરે છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં માનસિક રોગના દર્દીઓ

વર્ષ            ઓપીડી         દાખલ           કુલ

૨૦૧૬-૧૭     ૪,૪૭,૮૨૪     ૫૧,૩૮૬       ૪,૯૯,૨૧૦

૨૦૧૭-૧૮     ૪,૭૨,૬૭૩     ૫૨,૮૯૫       ૫,૨૫,૫૬૮

૨૦૧૮-૧૯     ૫,૨૪,૭૩૬     ૫૩,૮૭૩       ૫,૭૮,૬૦૯

૨૦૧૯-૨૦     ૫,૮૬,૯૩૧     ૫૪,૬૮૨       ૬,૪૧,૬૧૩

૨૦૨૦-૨૧     ૬,૯૮,૧૦૮     ૫૬,૭૦૭       ૭,૫૪,૮૬૫

No comments:

Post a Comment