Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

22 October 2021

એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ- ડેવિડ ઓસુબેલ

એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડે- ડેવિડ ઓસુબેલ


એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ મુદ્દાઓ :

  • એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ
  • ધ્યેયો
  • ધારણાઓ ( Assumptions ) :
  • એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સંરચના
  • સોપાન 1 : એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
  • સોપાન 2 : અધ્યયન વસ્તુની રજૂઆત
  • સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.
  • શિક્ષકની ભૂમિકા
  • પ્રતિચારના નિયમો / મૂલ્યાંકન

આ અધ્યાપન મોડેલ ડેવિડ ઓસુબેલે રજૂ કરેલ છે . તે જ્ઞાનાત્મકવાદી મનોવિજ્ઞાની છે. તેણે અધ્યેતાના અધ્યયનમાં તેના પૂર્વજ્ઞાનનું મહત્ત્વ સ્વીકાર્યું. એટલે કે અધ્યયનને પૂર્વજ્ઞાન સાથે જોડી તેને અર્થપૂર્ણ બનાવવા ઉપર ભાર મૂકવો. આ માટે તેણે એડવાન્સ ઓર્ગેનાઈઝર અધ્યયન મોડેલ રજૂ કર્યું.


અધ્યેતા ત્યારે જ અધ્યયન કરે છે કે જયારે તે નવું જ્ઞાન કે નવી માહિતીને પોતાને જરૂરી એવા માળખામાં ગોઠવી શકે છે અને પછી પોતાના મનમાં પૂર્વજ્ઞાનના પડેલા જ્ઞાન માળખા સાથે આ નવા માળખાનું સંયોજન થાય છે. આમ, અધ્યતા જ્ઞાનનું માળખું રચવાનું પહેલું કામ કરે છે, તેથી આને એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડેલ કહેવામાં આવ્યું.
  • ધ્યેયો
વિદ્યાર્થીને નવું વિષયવસ્તુ પ્રાપ્ત કરવામાં મદદ કરવી . શિક્ષક માહિતી રજૂ કરે છે. વિદ્યાર્થી માહિતી ગ્રહણ કરે છે. એડવાન્સ ઓર્ગેનાઈઝર વિદ્યાર્થીને માહિતી અંતર્ગત કરવામાં મદદ કરે છે.

વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ કરવી. અર્થાત્ વ્યક્તિ પાસેના કોઈપણ સમયે ચોક્કસ વિષય અંગેના જ્ઞાનને સંગઠિત, સ્પષ્ટ અને સ્થિર બનાવવું. જ્ઞાનાત્મક સંરચના એ નવા અધ્યયન વરતુની સક્ષમ અર્થપૂર્ણતા, પ્રાપ્તિ અને ધારણ પર અસર કરનારું મુખ્ય પરિબળ છે. નવી વસ્તુ અસરકારક રીતે રજૂ કરવા માટે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની સ્થિરતા અને સ્પષ્ટતા વધારવી જોઈએ. આથી વિદ્યાર્થીની જ્ઞાનાત્મક સંરચનાને સમૃદ્ધ બનાવવાથી તેની પ્રાપ્તિ અને ધારણને મદદ મળે છે.
  • ધારણાઓ ( Assumptions ) :
નવું જ્ઞાન આપતાં પહેલાં વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનની સ્થિરતા અને સ્પષ્ટતા વધારવી જરૂરી છે.
ગ્રહણશીલ અધ્યયન એ ગોખણિયું અધ્યયન નથી. અધ્યયન વસ્તુની અર્થપૂર્ણતા અધ્યયન વસ્તુ અને અધ્યેતા એમ બન્ને પર આધાર રાખે છે.
અધ્યયન વસ્તુ બિનચક્રિય અને રૂપાંતરક્ષમ હોય તેમજ અધ્યેતા પાસે સંબંધિત પૂર્વજ્ઞાન હોય ત્યારે અધ્યયન વસ્તુ અર્થપૂર્ણ ગણાય.
અર્થપૂર્ણ અધ્યયનમાં વિષયવસ્તુની સ્વીકૃતિ નિષ્ક્રિય રીતે થતી નથી. અધ્યેતા અધ્યયન વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી જોઈને; જૂના અને નવા વસ્તુઓની સમાનતા અને ભિન્નતા અંગે સમાધાન કરીને; નવા વસ્તુને પોતાની જ્ઞાનાત્મક સંરચનાના સંદર્ભમાં રૂપાંતર કરીને; એમ વિવિધ ક્રિયાઓ દ્વારા સક્રિય રહીને અધ્યયન કરે છે . પરંતુ આ આપોઆપ થતું નથી. નિગમનાત્મક અધ્યયન માટે એવી અધ્યાપન યોજનાનો ઉપયોગ કરવો જોઈએ જે આવી સક્રિય માનસિક ક્રિયાઓને મદદ કરે.
  • સંરચના : એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સંરચના


એડવાન્સ ઓર્ગેનાઇઝર મૉડેલની સમગ્ર પ્રવૃત્તિઓનાં ત્રણ સોપાનો છે.


સોપાન -1 : એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
સોપાન 2 : અધ્યયન વસ્તુની રજૂઆત
સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.


આ ત્રણ સોપાનોની ચર્ચા “ શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત ” ના શિક્ષણ માટે એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલના ઉપયોગના સંદર્ભમાં કરવામાં આવી છે.

  • સોપાન 1 :   એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત
અધ્યેતા જ્ઞાનનું માળખું રચે છે અર્થાત વિષયવસ્તુ (જ્ઞાન) ના હેતુઓના સ્પષ્ટીકરણો આપે છે, ત્યારબાદ એડવાન્સ ઓર્ગેનાઇઝરની રજૂઆત કરે છે અને છેલ્લે અધ્યેતાના પૂર્વજ્ઞાન માળખાને સક્રિય કરી અનુભવને જાગૃત કરે છે.



એટલે કે અધ્યાપન પહેલા વિષયવસ્તુના હેતુઓ સ્પષ્ટ કરવાથી અધ્યતાનું અધ્યયન ઝડપથી અર્થપૂર્ણ બની શકે છે. એટલે કે જ્ઞાનના માળખામાં પ્રથમ બાબત છે જ્ઞાન (પાઠ) ના ઉદેશો સ્પષ્ટ છે કે આ ઉદ્દેશો, ધ્યેયો કે હેતુઓ જ્ઞાનની આસપાસ ગુંથાયેલા હશે. વળી આ હેતુ સરળ અને અસંદિગ્ધ ભાષામાં કરવા જોઇએ. વળી વિષયવસ્તુના કયા મુદ્દા સાથે સંકળાયેલા છે તેનો સંદર્ભ પ્રગટ કરનારા હોવા જોઈએ.


આમ, હેતુઓની રચના કર્યા પછી આ હેતુઓને સિદ્ધ કરવા માટેની જરૂરી પ્રવૃત્તિઓની યાદી બનાવવી જોઈએ. આ જવાબદારી અધ્યેતા ઉપર છોડી શકાય.


  • સોપાન 2 :  અધ્યયન વસ્તુની રજૂઆત

આ સોપાને અધ્યયન વિષયવસ્તુની રજૂઆત અંગે વિચારણા કરવાની હોય છે. એટલે કે શિક્ષકે જ્ઞાનાત્મક વર્ગ વ્યવહાર અંગે વિચારણા કરવાની હોય છે. ટુંકમાં, આ નવું વિષયવસ્તુ અધ્યેતાના મસ્તિષ્કમાં અનુકૂળ માળખારૂપે ગોઠવાય એ જરૂરી છે. આ માટે શિક્ષક વિવિધ પ્રયુક્તિઓ અજમાવી શકે, પ્રવિધિઓ અજમાવી શકે, ટૂંકમાં, આ સોપાને અધ્યાપન વિધિ અંગે આયોજન કરવાનું રહે છે. એ દ્રષ્ટિએ શૈક્ષણિક ઉપકરણો અંગે પણ વિચારણા થવી જોઈએ.


અધ્યાપકની ફરજ છે કે તે વિષયવસ્તુને એવા સરળ અને સળંગ ક્રમમાં રજૂ કરે કે જેથી અધ્યેતા નવું જ્ઞાન માળખું સરળતાથી રચી શકે.

  • સોપાન 3 : અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચનામાં પૂર્વજ્ઞાન સાથે જોડાણ અને સ્થિરીકરણ.
જ્ઞાનનું નવું માળખું અને પૂર્વજ્ઞાનના માળખા વચ્ચે સંયોજનની વિધિ આ તબક્કે કરવાની થાય છે. આથી શિક્ષક નવા જ્ઞાન માળખાને વધુ સ્પષ્ટ, સ્વચ્છ અને સ્થિર કરે છે ( સ્થિર એટલે દઢ ) અહીં તે જ્ઞાન માળખાને પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજિત કરવાના કૌશલોને વિકસાવવા મથે છે. એટલે કે વિવેચનાત્મક વિચાર કૌશલ વિકસાવે છે; રૂપાંતરણ કૌશલ વિકસાવે છે. જ્ઞાન અને અનુભવનું અભિસંધાન કૌશલ કેળવે છે.

આ અધ્યાપન પ્રતિમાનમાં અધ્યેતા નવી માહિતી મેળવનાર નવું જ્ઞાન ધારણ કરનારની ભૂમિકામાં છે, જયારે શિક્ષક જ્ઞાન માળખાની રચનામાં અને તેના પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજન કરવામાં માર્ગદર્શક, સહાયકની ભૂમિકા ભજવે છે. આ માટે તે જ્ઞાનનું વર્ગીકરણ કરી તેમાંથી સંકલ્પના, તથ્યો અને સિદ્ધાંતોને તારવે છે. ત્યારબાદ તેમની ક્રમિક રજૂઆતની યોજના ઘડે છે, સીકરણો માટે જરૂરી ઉદાહરણ, દ્રષ્ટાંતો શોધી એકઠાં કરે છે. પછી જ્ઞાનની ક્રમિક ગોઠવણી કરે છે અને છેવટે પૂર્વાનુભવ જોડે નવા જ્ઞાનને સાંકળવા સક્રિય બને છે.

જયારે અધ્યેતા રજૂ થતા જ્ઞાનને પોતાની રીતે ગ્રહણ કરી માળખાગત કરે છે. માળખામાં સુધારો - વધારો કરે છે અને પછી પૂર્વજ્ઞાન માળખા સાથે સંયોજે છે.
  • શિક્ષકની ભૂમિકા
શિક્ષકની ભૂમિકા - એડવાન્સ ઓર્ગેનાઈઝર મોડલના અમલ દરમિયાન શિક્ષક નીચેનાં કાર્યો કરે છે. :

  1. તે નક્કી કરે છે કે કયા ખ્યાલ, સિદ્ધાંત કે ઘટના સાથે નવા અધ્યયન વસ્તુને જોડવું.
  2. અધ્યયન વસ્તુની ક્રમિક ગોઠવણી કરે છે .
  3. અધ્યયન વસ્તુ રજૂ કરે છે.
  4. પ્રવર્તમાન જ્ઞાન અને નવા અધ્યયન વસ્તુ વચ્ચેની ભિન્નતા, સંઘર્ષ અને સમાનતા રજૂ કરે છે.
  5. નવા અધ્યયન વસ્તુનું અધ્યેતાના વ્યક્તિગત અનુભવના સંદર્ભમાં રૂપાંતર કરે છે.

સામાજિક તંત્ર

સમગ્ર મૉડલના અમલ દરમિયાન એકંદરે શિક્ષક વધુ પ્રભાવી છે. પ્રથમ બે સોપાનો દરમિયાન શિક્ષક રજૂઆત કરે છે. અર્થાત શિક્ષક વધુ સક્રિય છે. આંતરક્રિયા ઓછી છે. ત્રીજા સોપાન દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા વધે છે. આ તબક્કે વિદ્યાર્થી પ્રશ્નો પૂછીને કે વિવેચન કરીને શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા શરૂ કરે છે.

  • પ્રતિચારના નિયમો / મૂલ્યાંકન

વિદ્યાર્થીમાં અધ્યયન વસ્તુનો અર્થ સ્પષ્ટ કરવા, પ્રવર્તમાન જ્ઞાન સાથેના તફાવતનું સમાધાન કરવા, પોતાના અનુભવો સાથે સંબંધિતતા સ્થાપવા, અને વિવેચનાત્મક અભિગમ વિકસાવવાના સંદર્ભમાં વિદ્યાર્થીને પૂછેલા પ્રશ્નોના સંદર્ભમાં વિદ્યાર્થીઓની ક્રિયાઓને સ્વીકૃતિ કે અસ્વીકૃતિ આપવામાં આવે છે. અધ્યયન વસ્તુનો અર્થ સમજવા વિદ્યાર્થી પ્રશ્નો પૂછે છે. જો વિદ્યાર્થી પ્રશ્ન ન પૂછે તો તેને માટે શિક્ષક દ્વારા પ્રેરિત કરવામાં આવે છે.

No comments:

Post a Comment