લઘુતાગ્રંથિ (inferiority complex)
લઘુતાગ્રંથિ (inferiority complex) : શારીરિક/માનસિક ખોડ, કાર્યોમાં નિષ્ફળતા કે પ્રતિકૂળ વાતાવરણમાંથી ઉદભવતી અંગત હીનતાની એવી લાગણી, જેને આળા સ્વભાવ, ખિન્નતા અને નિરુત્સાહ દ્વારા અથવા આપવડાઈ કે આક્રમકતા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ ગ્રંથિનો ભોગ બનનાર વ્યક્તિને પોતાની જાતમાં અવિશ્વાસ હોય છે. પોતે ઘણાં રાબેતા મુજબનાં કામો કરવા પણ અસમર્થ છે એવું તે માની લે છે. સામાન્ય સંજોગોમાં પણ તે ભીરુતા (ડર) અનુભવે છે. તેને ખાસ કરીને સ્પર્ધાત્મક સંજોગોમાં નિષ્ફળ થવાનો ભય હોય છે. તે પોતાની સફળ થવાની શક્તિમાં હદ બહારની શંકા કર્યા કરે છે. કેટલીક વાર તો તે પોતાને સફળ થવા માટે તદ્દન અપાત્ર પણ ગણે છે. અન્ય વ્યક્તિઓ કે ઊભા થતા નવા નવા સંજોગો, તેની પાસેથી જે જે કાર્યની અપેક્ષાઓ રાખે છે તેને તે પહોંચી વળી નહિ જ શકે એવું તેને લાગે છે.
લઘુતાની લાગણી, પોતાની વાસ્તવિક મર્યાદાઓના ભાન ઉપરથી કરેલી માત્ર બૌદ્ધિક આશંકા નથી. પોતાની સાચી અશક્તિઓ જાણવી એ એક ગુણ છે, પણ લઘુતા-ગ્રંથિમાં વ્યક્તિ પોતાની અશક્તિઓની અતિશયોક્તિ કરે છે અને તેના પ્રત્યે ભયની આવેગાત્મક પ્રતિક્રિયા આપે છે. રોજના તણાવ વિનાના પ્રસંગોમાં પણ તે ધમકી અનુભવે છે. તેને લાગે છે કે મારાં ધ્યેયો મેળવવા માટે કે બીજાઓનું સમર્થન મેળવવા માટે જરૂરી શારીરિક, માનસિક કે સામાજિક લક્ષણો મારામાં નથી જ.
ઍડલરના વ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના સિદ્ધાંતમાં લઘુતાગ્રંથિને મહત્વ અપાયું છે. તેને મતે, લોકો મૂળભૂત રીતે જાતીય પ્રેરણાથી નહિ, પણ લઘુતાની લાગણીથી ક્રિયાતત્પર બને છે. બધી વ્યક્તિઓ બાળપણમાં લઘુતાની લાગણી અનુભવે છે, કારણ કે પુખ્ત લોકો કરતાં બાળકનું શરીર નાનું હોય છે અને તે પુખ્ત વ્યક્તિની જેમ બધાં કાર્યો કરી શકતું નથી. બાળપણની આ તીવ્ર લઘુતાની અસર વ્યક્તિના વિકાસ સાથે ઘટતી જાય, પણ તદ્દન નાબૂદ થતી નથી. તેથી પુખ્ત વ્યક્તિ પણ ઉપર દર્શાવેલાં કારણસર વધતી કે ઓછી લઘુતા અનુભવે છે. મોટાભાગના પુખ્ત લોકોમાં આ લઘુતાની લાગણી ઉચ્ચતાપ્રાપ્તિ માટેની તીવ્ર પ્રેરણા જગાડે છે; તેથી તે સિદ્ધિ, અગ્રતા અને વર્ચસ્ મેળવવા ઝઝૂમે છે. કહેવાય છે કે લૉર્ડ બાયરનને પગે ખોડ હતી, છતાં તેઓ વિક્રમી તરવૈયા બન્યા. બીથોવનની બહેરાશ વધતી જતી હતી, તો પણ તેમણે અદભુત સંગીત-રચનાઓ કરી. વ્યક્તિના ‘અહમ્’નું કાર્ય તેને પ્રગતિના પ્રયત્નો તરફ દોરીને તેને લઘુતાગ્રંથિથી બચાવવાનું છે.
‘ગ્રંથિ’ શબ્દ સૂચવે છે કે એમાં લઘુતા સાથે સંલગ્ન વિવિધ અનુભૂતિઓનો સમાવેશ થાય છે. મનશ્ચિકિત્સક વૉલિન લઘુતાગ્રંથિના વિવિધ કિસ્સાઓના અભ્યાસના આધારે તેનાં નીચેનાં પાસાં જણાવે છે : (1) વારંવાર છોભીલા પડી જવું; (2) પોતાની ક્ષમતામાં શંકા કરવી; (3) દરેક પ્રયત્ન નિષ્ફળ જ બનશે એમ માની લેવું; (4) અન્ય લોકો સાથે ભળવામાં અશક્તિ અને અરુચિ અનુભવવી; (5) વારંવાર પોતાની દયા ખાવી; (6) કાર્યનો આરંભ કરતાં બીવું; (7) પ્રવૃત્તિઓ અસાર અને નિરર્થક છે એમ માનવું; (8) બીજાંઓની સફળતાની ઈર્ષ્યા કરવી; (9) પોતે તુચ્છ, પામર છે, પોતાનું કોઈ મૂલ્ય જ નથી એમ માનવું; (10) બીજા લોકો પોતાની ઉપેક્ષા કે અનાદર કરે છે એવું લાગવું; (11) હળવાં ઉદ્દીપકો પ્રત્યે પણ વધુ પડતા સંવેદનશીલ બનવું; (12) સતત અસલામતી અનુભવવી; (13) પોતાના ભવિષ્ય વિશે અનિશ્ચિતતા અનુભવવી; (14) ક્રમશ: વધુ ને વધુ ચિંતિત, આત્મસભાન અને આળા બનવું.
જે લોકો પોતાની લઘુતાને ભૂલવા માટે અતિ પૂરક પ્રવૃત્તિ કરે છે તેમનામાં ‘ગુરુતાગ્રંથિ’ ઊપજી શકે છે. તેઓ અભિમાની, આડંબરી અને બડાઈખોર બની જાય છે.
લઘુતાગ્રંથિ અપરાધગ્રંથિ કરતાં જુદી છે. લઘુતાગ્રંથિમાં વ્યક્તિ માને છે કે ‘હું નબળો, અસમર્થ છું’; જ્યારે અપરાધગ્રંથિમાં તે માને છે કે ‘મેં કોઈ અન્યાય, ગુનો, કે પાપ કર્યું છે’ જો લઘુતાગ્રંથિવાળી વ્યક્તિને સમર્થન આપતા રહીને તેને સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે, તો તે પોતાની ઉચ્ચતા દર્શાવી આપે છે. અપરાધ-ગ્રંથિવાળી વ્યક્તિ પોતાને નૈતિક રીતે ઉતારી પાડે છે અને સજાને લાયક ગણે છે.
એક બાજુ વ્યક્તિમાં પોતાનો વિકાસ સાધીને પુખ્ત બનવાની ઇચ્છા હોય, તો બીજી બાજુ, જવાબદારીઓ ટાળીને પરાવલંબી રહેવાની પરાગામી (regressive) ઇચ્છા હોય ત્યારે તે વચ્ચેનો સંઘર્ષ લઘુતાગ્રંથિમાં પરિણમે છે.
વિવિધ શારીરિક અને માનસિક કારણોથી લઘુતાગ્રંથિ ઉદભવે છે. શરીરની ખોડ, નબળો કે અસમતોલ શરીરનો બાંધો, કોઈ અવયવનો વિકાસ અટકી જવો, રોગનો ચેપ લાગવો, માંદગી બધા જોઈ શકે એવી પ્રગટ શારીરિક ખામી – આ ગ્રંથિનાં મહત્વનાં કારણો છે. ખરેખરી ઉપરાંત કલ્પી લીધેલી મર્યાદાને લીધે પણ આ ગ્રંથિ ઉદભવે છે. એમાં શારીરિક ખામી પ્રત્યેનું વ્યક્તિનું મનોવલણ નિર્ણાયક ભાગ ભજવે છે.
માનસિક કારણો શારીરિક ખામીઓની સાથોસાથ અથવા સ્વતંત્ર રીતે પણ લઘુતા-ગ્રંથિ ઉપજાવે છે. ભૂતકાળના હતાશાના પ્રસંગો, આઘાતજનક અનુભવો, માતાપિતાએ વર્તન ઉપર મૂકેલા પ્રતિબંધો, બીજી વ્યક્તિ સાથેની તુલના દ્વારા પોતાને ઉતારી પાડવાનો પ્રયત્ન, ટીકા, અપમાન, મશ્કરી, ગજા ઉપરાંતના કાર્યની સોંપણી, વ્યક્તિનો અસ્વીકાર, તેની સાથેનું ભેદભાવભર્યું વર્તન, આર્થિક-સામાજિક–સાંસ્કૃતિક લાચારી, પરસ્પર-વિરોધી આદેશો, સ્નેહીઓ દ્વારા અસ્વીકાર કે તેમનો વિરહ વગેરે લઘુતા-ગ્રંથિ ઉપજાવે છે.
વ્યક્તિ ઉપર લઘુતાગ્રંથિની થતી મોટાભાગની અસરો નિષેધક હોય છે; પણ અપવાદ રૂપે તેની વિધાયક અસર પણ થઈ શકે.
નિષેધક અસરોમાં અનિર્ણાયકતા, નિષ્ક્રિયતા અને સ્થગિતતાનો સમાવેશ થાય છે. આવી વ્યક્તિમાં, પરિસ્થિતિમાંથી પલાયન કરવાની વૃત્તિ વધારે હોય છે. તે વ્યક્તિને સ્વ-અવમૂલ્યન કરવા પ્રેરી તેને ખિન્ન અને હતાશ કરે છે. તે વ્યક્તિમાં સતત આંતરિક સંઘર્ષ ચાલુ રાખે છે. તેને લીધે વ્યક્તિ એક વિષચક્રમાં ફસાય છે. પોતાની ખામીઓનું ભાન વ્યક્તિમાં લઘુતાગ્રંથિ ઉપજાવે છે. પછી એ જ લઘુતાગ્રંથિને લીધે તે નિષ્ક્રિય બની જાય; એને લીધે તેને વધારે નિષ્ફળતા મળે, જેમાંથી એની લઘુતાગ્રંથિમાં વધારો થાય છે.
ઘણા લઘુતાગ્રંથિનો ભોગ બનનારા માણસો દિવાસ્વપ્નશીલ અને તરંગી બની જાય છે. તેઓ પોતાની ઉંમર કરતાં વધારે અપરિપક્વ વર્તન કરે છે. કેટલાક દાખલામાં સતત, તીવ્ર લઘુતાગ્રંથિ અનુભવનારી વ્યક્તિ હળવી કે તીવ્ર મનોવિકૃતિમાં સરી પડે છે.
કેટલાક લઘુતાગ્રંથિવાળા માણસો પોતાના લઘુતાના અનુભવને દૂર કરવા માટે પૂરક પ્રવૃત્તિ કરે છે. તે ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અથવા કોઈ બીજા ક્ષેત્રમાં આગળ વધીને સિદ્ધિ મેળવવા મથે છે. આ ઇષ્ટ અને વિધાયક અસર છે; પણ કેટલાક લોકો પૂરક પ્રવૃત્તિનો પણ અતિરેક કરે છે.
લઘુતાગ્રંથિને દૂર કરવા કે કાબૂમાં લેવા માટે વ્યક્તિએ પોતાની વાસ્તવિક ખામીઓને ઓળખીને તેનો યથાર્થ સ્વીકાર કરવો, પણ તેનાથી ડઘાઈ ન જવું, વિધાયક અભિગમવાળા અને મદદ કરે એવા મિત્રો સાથે હળતા-મળતા રહેવું, અને તેમનું અનુકરણ કરવું. પોતાની સાચી શક્તિઓને ઓળખીને તેને વિકસાવવાના અને તેના ઉપયોગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધવાના પ્રયત્નો કરવા, એ આ ગ્રંથિમાંથી છૂટવાના ઉપાય ગણાય છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે
No comments:
Post a Comment