Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

29 July 2022

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક



પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન
Trial and Error - Theory of Learning :



પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ.થોર્નડાઈક ( 1874 – 1949 ) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા છે . તેણે બિલાડી , ઉંદર અને અન્ય પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો હતો . તેમણે ઈ.સ. 1899 થી 1939 સુધી કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી .

થોર્નડાઈકનો બિલાડી પરનો પ્રયોગ :



          થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને કોયડા પેટીમાં પૂરી . આ કોયડા પેટીને માત્ર એક માર્ગ હતો કે જેમાંથી બિલાડી બહાર આવી શકે . પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી . બિલાડી પેટીના બારણાની કડી અમુક દિશામાં ફેરવે તો બારણું ખૂલી શકે . બિલાડી બહાર નીકળવાના ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક રાખવામાં આવ્યો . પેટીની બહાર રહેલ ખોરાકની વાસ , ભૂખી બિલાડીને બહાર નીકળવા માટે પ્રેરણારૂપ બની રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી . બિલાડી કોયડાપેટીની બહાર નીકળવા પ્રયત્નો કરવા લાગી , બિલાડીએ અનેક પ્રયત્નો કર્યા , જે અસ્તવ્યસ્ત હતા . આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કડીંખૂલી ગઈ . આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી . આ સમયે બિલાડીને બહાર નીકળવામાં લાગેલો સમય પ્રથમ પ્રયત્ન કરતાં ઓછો હતો . ફરીથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા થોર્નડાઈકે જોયું કે , પછીના દરેક પ્રયત્નોમાં બિલાડી દ્વારા કરાતાં દિશાવિહીન પ્રયાસોમાં તથા તેને બહાર આવવામાં લાગેલ સમયમાં ઘટાડો નોંધાયો છેવટે બિલાડી પ્રથમ પ્રયત્ન જ કોયડા પેટીમાંથી બહાર આવતા શીખી શકી.


પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાને નીચેનાં સોપાનો દ્વારા વર્ણવી શકાય .
  1. ઇરણ : પ્રસ્તુત પ્રયોગમાં બિલાડી ભૂખી હતી . અને ખોરાકની વાસ દ્વારા તેને પ્રેરિત કરવામાં આવી .
  2. ધ્યેય : બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવવો આ બાબત અંતિમ ધ્યેય હતું .
  3. સમસ્યારૂપ પરિસ્થિતિ : બિલાડી સમક્ષ કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી . પેટીમાંથી બહાર આવવું એ સમસ્યાના ઉકેલ દ્વારા બિલાડી ખોરાકરૂપ ધ્યેય પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી .
  4. દિશાવિહીન પ્રયત્નો : ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગથી અજાણ બિલાડી બહાર આવવા માટેના અસ્તવ્યસ્ત પ્રયત્નો કરતી હતી .
  5. સાચા માર્ગની પસંદગી : અનેક અસ્તવ્યસ્ત પ્રયત્નો પૈકી ખોટા માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાચી દિશાના પ્રયત્નો જાળવી રાખવા પ્રયત્ન કરાય છે .
  6. અધ્યયન : અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે છે કે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર ધ્યેય પ્રાપ્તિ થઈ શકે .

પોતાના દષ્ટિબિંદુને સ્પષ્ટ કરવા થોર્નડાઈક જણાવે છે “ The cat does not look over the situation much less think it over and then decide what to do . It bursts out at once into the activities . helped by instincts and experiences . "

અધ્યયનના નિયમો :


વિવિધ પ્રયોગોના અંતે થોર્નડાઈકે અધ્યયન પ્રક્રિયા વિશે નીચેના નિયમો આપવામાં પ્રયત્ન કર્યો .

1. તત્પરતાનો નિયમ :

નિયમમાં થોર્નડાઈક અધ્યેતા માટે ( Conduction unit ) શબ્દનો ઉપયોગ કરે છે . તેના જણાવ્યા અનુસાર ,
  • જયારે અધ્યેતા ( વહન - એકમ ) શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ આપવું સંતોષપ્રદ બને છે .
  • જયારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર ન હોય ત્યારે શિક્ષણ આપવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે .
  • જ્યારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ ન આપવું તે બાબત પણ અધ્યયનને નિષ્ફળ બનાવે છે . 
 તેમના મતે જ્યારે બાળક શિક્ષણ મેળવવા ઉત્સુક હોય ત્યારે અચૂક શીખવવું જોઈએ . આ સમયે ઓછા પ્રયત્ન બાળક ઝડપથી શીખી શકે છે . શિક્ષક દ્વારા આ તકનો લાભ લેવાવો જોઈએ , તેમ જ બાળક શીખવા માટે પ્રેરાય તેવી અધ્યયન પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ .


2. અસરનો નિયમ :

થોર્નડાઈકના મતે અધ્યયન ત્યારે જ સાચા અર્થમાં શક્ય બને છે જયારે અધ્યયનમાંથી આનંદ અને સંતોષની લાગણી જન્મે . થોર્નડાઈકે પોતાના શબ્દોમાં આ જ વાત આ પ્રમાણે રજૂ કરેલ છે . “ When a modifiable connection between stimulus and response is made and is accompanied or followed by a satisfying state of affairs , that connection's strength is increased , when made and accompanied or followed by an annoying state of affairs , its strength is decreased . '

બાળક માટે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ કે જેના કારણે બાળક અસંતોષ કે દુઃખની લાગણી ન અનુભવે . અસંતોષ કે દુઃખદ પરિસ્થિતિ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે .

થોર્નડાઈકનો આ નિયમ અધ્યયન પ્રક્રિયામાં બદલો અને શિક્ષાની અસર સમજાવે છે . બાળકને પૂરો પડાયેલ બદલો તેને નવું શીખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે . જ્યારે શિક્ષા બાળકને અધ્યયન માટે હતોત્સાહ કરે છે.


3. પુનરાવર્તનનો નિયમઃ ( The law of exercise )

પુનરાવર્તનનો નિયમ અધ્યયનપ્રક્રિયામાં મહાવરાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે . પુનરાવર્તનને કારણે ઉદ્દીપક પ્રતિચાર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બને છે . પુનરાવર્તનના નિયમના બે પેટાનિયમો છે .

  1. ઉપયોગનો નિયમ : ઉત્તેજક અને પ્રતિચારનું જોડાણ તેના વારંવારના ઉપયોગને કારણે વધુ સુદઢ થાય છે . વારંવાર ઉપયોગમાં લેવાતી બાબતો સરળતાથી યાદ રહે છે . ટાઇપ શીખનાર વ્યક્તિ , વાહન ચલાવતાં શીખનાર વ્યક્તિને મહાવરાની જરૂર પડે છે . વારંવાર તે ક્રિયા કરવાથી વધુ સારું અધ્યયન થઈ શકે છે .
  2. અનુપયોગનો નિયમઃ થોડો સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે એટલે કે ઉત્તેજક – પ્રતિચારનું જોડાણ નબળું પડે છે . ઘણા સમય સુધી ઉપયોગમાં ન લેવાતો ફોન નંબર ભૂલાઈ જાય છે . બાળકે એક સમયે મોઢે કરેલ કાવ્ય જો ફરી ફરીને તેની પાસે બોલાવવામાં ન આવે તો બાળક તે કાવ્ય ભૂલી જાય છે .
આમ પુનરાવર્તનનો નિયમ મહાવરાને મહત્ત્વ આપે છે . બાળકને જરૂરી કૌશલ્યો શીખવવા માટે પુનરાવર્તનની જરૂર પડે છે .

4. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થઃ

શિક્ષણનાં ક્ષેત્રમાં થોર્નડાઈકના પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનું પ્રદાન ઘણું છે . વિવિધ શોધ એ પ્રયત્ન અને ભૂલનું જ પરિણામ છે .

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના ફલિતાર્થ નીચે મુજબ છે .
  1. શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્ત્વ સમજી લેવું જોઈએ . શિક્ષકે વિદ્યાર્થીઓને વિષયવસ્તુની ઉપયોગિતા સમજાવી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ .
  2. બાળકની શીખવાની ઇચ્છા , પરિપક્વતા વગેરે બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરાવવા જોઈએ .
  3. થોર્નડાઈકના મતે માત્ર મહાવરો પૂરો પાડવાથી અધ્યયન શક્ય બનતું નથી . મહાવરાની સાથે સાથે બાળકને તેનાં પરિણામ / પ્રગતિ વિશેની માહિતી પૂરી પાડવાથી બાળક વધુ શીખવા માટે પ્રેરાય છે . અધ્યયન પ્રક્રિયાને વેગ મળે છે .
  4. શિક્ષકે બાળકને સમગ્ર અધ્યયન પરિસ્થિતિની સમજ આપવી જોઇએ . તેમ જ વિવિધ વિષયમુદ્દાની સમગ્ર સમજ આપી તેમાં રહેલ સામ્ય અને તફાવત સમજાવવો જોઈએ .
  5. બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ .
  6. નવા વિષયમુદ્દાની શરૂઆત સમયે તેને બાળકના પૂર્વજ્ઞાન સાથે ખસેડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ મળે છે .
ટૂંકમાં , થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો નિયમ સમગ્ર અધ્યયન પ્રક્રિયામાં પ્રેરણા , બદલો અને મહાવરાનું મહત્ત્વ દર્શાવે છે.

No comments:

Post a Comment