કંટાળો (boredom)
કંટાળો (boredom) : એક પ્રકારની માનસિક સ્થિતિ. વ્યક્તિને જે કામ ચાલુ રાખવા અથવા પૂરું કરવા માટે ફરજ પાડવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતી વૃત્તિ તે કંટાળો. કોઈ પણ કામ કરવાનું આજે ગમે, તે કરવામાં કાલે કંટાળો પણ ઊપજે. કામ બધા જ માણસોને એકસરખું કંટાળાજનક ન પણ લાગે. કંટાળાની લાગણી કામ વાસ્તવિક રૂપમાં કેવું છે તે ઉપર નહિ, પરંતુ વ્યક્તિને કેવું લાગે છે તેના ઉપર આધાર રાખે છે. કંટાળો એ વ્યક્તિનું લક્ષણ છે, કાર્યનું નહિ.
કોઈ કામ પુન: પુન: એકધારું કરવું પડે તેના પરિણામે ઉત્પન્ન થતી એકવિધતા(monotony)ની માનસિક સ્થિતિ અને કંટાળો બંને એક નથી. એકવિધતાના અનુભવમાં કાર્ય પ્રત્યે અણગમો હોવાનો ભાવ સંકળાયેલો નથી, જ્યારે કંટાળામાં વ્યક્તિના કાર્ય પ્રત્યેના પ્રતિકૂળ વલણ તેમજ કાર્ય પ્રત્યેના અણગમાનો સમાવેશ થાય છે. એકવિધતાનો અતિરેક પણ કંટાળામાં પરિણમે.
કાર્ય કરવાથી થાક લાગે છે, કાર્ય કરવામાં કંટાળો પણ ઊપજે છે. બંનેનાં પરિણામોમાં કાર્ય-ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. પરંતુ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ થાક અને કંટાળા વચ્ચે તફાવત છે. જે કામ કરવાથી કંટાળો ઊપજતો હોય તેને બદલીને બીજું કામ કરવાથી કંટાળો દૂર થાય; પરંતુ કામ બદલવાથી થાક દૂર થતો નથી. કંટાળો કાર્યમાં પરિવર્તન લાવવા માટેની ઇચ્છાનું પ્રતિબિંબ છે, કામ કરવામાંથી છૂટવા માટેનું નહિ. કંટાળાથી માનસિક વ્યગ્રતા, અસુખ, અજંપો પ્રગટે છે અને તેથી કાર્યઉત્પાદનના વક્રમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે અને ઉત્પાદન ઘટે છે; જ્યારે થાકમાં કાર્યશક્તિમાં ઘટાડો થાય છે, પરિણામે ઉત્પાદનનો આંક એકસરખી રીતે નીચે ઊતરતો જાય છે. કંટાળો આવે ત્યારે વ્યક્તિને કામ કરવામાં અરુચિ તથા ઉત્સાહનો અભાવ ઊપજે છે, ચહેરા ઉપર ભાતભાતનાં પરિવર્તનો દેખાય છે, વારંવાર શરીરનાં આસનો બદલાય છે અને જરાક બહાનું મળતાં માણસ કામ છોડવા તૈયાર થઈ જાય છે. કંટાળો ઊપજવાથી કામમાં ધ્યાન ચંચળ બને છે, તેથી ભૂલોનું પ્રમાણ અને અકસ્માતનું પ્રમાણ પણ વધે છે. કંટાળાજનક પ્રવૃત્તિ કરવામાં વ્યક્તિનો સમયનો અંદાજ પણ વધી જાય છે.
કામ કરવામાં કર્મચારીને દિવાસ્વપ્નોમાં રાચવાની સરળતા વધારે, તેમ તેને કંટાળાનું ભાન ઓછું લાગે છે. અલબત્ત, આવી રીતે દિવાસ્વપ્નોમાં રાચવાની ટેવની પ્રતિકૂળ અસર વ્યક્તિના માનસ અને વ્યક્તિત્વ ઉપર થાય છે. કંટાળો આત્યંતિક રૂપ ધારણ કરે ત્યારે નિરાશાથી માંડીને અજંપો, વિરોધ અને ચિત્તભ્રમ જેવાં વર્તનલક્ષણો પ્રગટાવે છે અને ઘણી વાર તે ગુનાખોરી, આપઘાત, લગ્નભંગ જેવી સામાજિક સમસ્યાઓ માટે જવાબદાર બને છે.
જે કાર્યો વ્યક્તિની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિને અનુકૂળ હોય, તે માટે અભિરુચિ હોય, કાર્યસાથીઓનું જૂથ ને કાર્યસ્થળનું વાતાવરણ સાનુકૂળ હોય, કાર્યને વૈવિધ્યપૂર્ણ અને લયબદ્ધ બનાવવામાં આવે, કાર્યપદ્ધતિમાં પરિવર્તનોને સ્થાન હોય, કાર્યાવધિમાં વચમાં વિશ્રાંતિનો સમય રાખવામાં આવે, કાર્યને અર્થપૂર્ણ વિભાગોમાં વહેંચી ટુકડે ટુકડે કરવામાં આવે તેમજ કાર્ય વ્યક્તિને હેતુલક્ષી, ધ્યેયલક્ષી લાગે તો કંટાળો કે અરુચિ ઊપજવાનું પ્રમાણ ઘટે છે.
ભાનુપ્રસાદ અ. પરીખ
No comments:
Post a Comment