વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)
વૃત્તિવિરેચન (catharsis) : ભૂતકાળના આઘાત આપનારા પ્રસંગોને મનમાં ફરીથી અનુભવીને, સંબંધિત આવેગોનો સંઘરાયેલો બોજો હળવો કરવાની, અને એ દ્વારા પોતાના તણાવો અને ચિંતાઓને દૂર કરવાની પ્રક્રિયા; દા. ત., એક બાળક માબાપની જાણ વિના મિત્રો સાથે નાળામાં નહાવા જાય અને અચાનક પાણીમાં તણાવા માંડે. એને મિત્રો માંડમાંડ બચાવી લે. આને લીધે એ બાળકને આઘાત લાગવાથી એના મનમાં પાણીનો તીવ્ર ભય પેસી જાય. મોટો થયા પછી પણ એ બાથરૂમની ડોલમાં ભરેલા પાણીને જોતાં જ ફફડી ઊઠે, ત્યારે એની આ વિકૃત ભીતિને દૂર કરવા માટે મનોચિકિત્સા કરવામાં આવે છે. ચિકિત્સક એના મનના ઊંડાણમાં રહેલા પાણી સાથેના આઘાતજનક અનુભવનું અને ભયનું વિરેચન કરે છે. એ વ્યક્તિના અજ્ઞાત મનમાં ભરાઈને જામી પડેલો પાણીમાં તણાઈ જવાનો અનુભવ (વિરેચનને કારણે) એના જ્ઞાત મનમાં બહાર આવે છે. એ બાળપણનો પ્રસંગ યાદ કરવાથી, પોતે હાલ પાણીથી કેમ ગભરાઈ જાય છે તેનું મૂળ કારણ વ્યક્તિને સમજાય છે. તેથી એનો પાણીનો ભય દૂર થાય છે.
આમ વ્યક્તિની દબાઈ રહેલી જાતીયતા કે આક્રમકતા જેવી વૃત્તિઓનું, ભય કે ચિંતા જેવા આવેગોનું કે ભાવગ્રંથિઓ(complexies)નું વિરેચન થાય છે. એને ભાવવિરેચન પણ કહે છે.
બીજી વ્યક્તિ સમક્ષ પોતાના આવેગો કે લાગણીઓનો ઊભરો ઠાલવવાની ક્રિયા પણ એક જાતનું વૃત્તિવિરેચન જ છે. એને લીધે વ્યક્તિની માનસિક હાલત સુધરે છે. તેથી આ પ્રક્રિયાને ‘સંભાષણ વડે ઉપચાર’ (અં. ટૉકિંગ ક્યૉર) પણ કહે છે.
ચિકિત્સાપ્રક્રિયાના એક વ્યવસ્થિત તબક્કા તરીકે વૃત્તિવિરેચનનો આરંભ ઓગણીસમી સદીના અંતભાગમાં વિયેનામાં ચેતાશાસ્ત્રી બ્રુઅર અને મનોવિશ્લેષક ફ્રૉઇડે કર્યો. શરૂઆતમાં અસીલ(client)ને સંમોહિત કર્યા પછી જ તેની વૃત્તિનું વિરેચન કરવામાં આવતું હતું, પણ પછીથી સંમોહન(hypnosis)નો ઉપયોગ કર્યા વિના પણ વિરેચનની આ પ્રક્રિયા પ્રચલિત બની.
વૃત્તિવિરેચનને આ રીતે સમજાવવામાં આવે છે : વ્યક્તિને આઘાત લાગે એવો અનુભવ થવાથી એના મનમાં ભાવાત્મક ઉત્તેજનાનો અને માનસિક ઊર્જાનો વિશાળ જથ્થો ભેગો થાય છે. જો ટૂંક સમયમાં એ ઉત્તેજનાને સીધી રીતે કે રૂપાંતર દ્વારા બહાર લાવવાનો માર્ગ ન મળે તો તેનું દમન થાય છે. એ ઉત્તેજના વ્યક્તિના અજ્ઞાત મનમાં ચાલી જાય છે. પણ અજ્ઞાત મનમાં જવાથી એની ઊર્જાનો નાશ થતો નથી પણ એ વ્યક્તિના વિકૃત વર્તનનાં ચિહ્નો રૂપે પ્રગટે છે. જો ઊર્જાના આ જથ્થાને વિરેચન વડે વ્યક્તિના સભાન મનમાં લાવવામાં આવે તો એના ઉપરનો ઊર્જાનો બોજો હળવો થાય છે. તેથી ચિકિત્સકનું કાર્ય એ છે કે એ વ્યક્તિને એના જીવનના આવેગાત્મક કે સંઘર્ષોથી ભરેલા પ્રસંગોને યાદ કરાવી એ પ્રસંગોને પહેલાંની જેમ ફરીથી અનુભવવામાં મદદ કરવી.
આમ વૃત્તિવિરેચન દમનની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. દમનમાં વૃત્તિઓ અને આવેગોની બાહ્ય સપાટીથી મનના ઊંડાણ તરફ, નીચાણ તરફ ગતિ થાય છે. વૃત્તિવિરેચનમાં વૃત્તિઓ અને ભાવોની મનના ઊંડાણમાંથી મનની બાહ્ય સપાટી તરફ ઉપરની તરફ ગતિ થાય છે.
અજ્ઞાત વૃત્તિઓનું વિરેચન કરાવવા માટે કેટલીક પ્રવિધિઓનો ઉપયોગ થાય છે; દા. ત., વ્યક્તિને સંમોહિત કરવી, પોતાના વિચારોનું મુક્ત રીતે સાહચર્ય (જોડાણ) કરવા માટે વ્યક્તિને પ્રેરવી, વ્યક્તિ પોતાના વિચારો વ્યક્ત કરતાં વચ્ચે અટકી જાય ત્યારે મૌન રહીને પણ મુખભાવ દ્વારા તેને પ્રોત્સાહન આપીને વધારે બોલવા માટે પ્રેરવો, વ્યક્તિના વ્યક્ત થયેલા વિચારો ઉપર ટીકા-ટિપ્પણ કરવાનું ટાળવું, વ્યક્તિ પોતાના દમન કરેલા અનુભવો વર્ણવતી હોય ત્યારે તેને ધ્યાનથી સાંભળવું, તેના વર્ણનમાં દખલ ન કરવી, પણ અભિવ્યક્તિને અંતે રસ લઈને ટૂંકા પ્રશ્ર્નો પૂછવા, વ્યક્તિએ જણાવેલા વિચારોને એ જ કે સમાનાર્થી શબ્દો વડે ફરી વ્યક્ત કરવા વગેરે.
યોગ્ય રીતે વૃત્તિવિરેચન થવાને લીધે અસીલ કે દર્દી શાંતિ, રાહત, સલામતી અને પ્રસન્નતા અનુભવે છે. તે આવેગોના ભાર અને તણાવમાંથી મુક્ત થાય છે. ભૂતકાળના બનાવો કે તેના જેવી અત્યારની પરિસ્થિતિઓ તેને આકળવિકળ બનાવી દેતી નથી. તેને પોતાને થતા અનુભવોમાં સૂઝ આવે છે, અને તે પરિસ્થિતિનો સામનો સ્વસ્થ રીતે કરી શકે છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે