Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

30 October 2020

વિકૃતિઓ ઉત્પન્ન કરતો ભય

વિકૃતિઓ ઉત્પન્ન કરતો ભય 

આયુર્વેદમાં કહેવાયું છે કે, કોઇ ભયની આશંકા બની રહે તો તેને ચિંતા કહેવામાં આવે છે. ચિંતા ભયથી અથવા કોઇ આશંકિત ભયથી ઉત્પન્ન થાય છે. માનસિક દુર્બળતા હોય તો આ ચિંતા વધારે પ્રમાણમાં રહે છે. અંતઃ માનસરોગોમાં ચિંતા એ સૌથી સુલભ રોગ છે. પરીક્ષા આપતા પહેલાં કે ભાષણ આપવા જતી વખતે ચિંતા અધિક રહે છે. ચિંતા થોડી હોય તો પરીક્ષા કે ભાષણ આપવામાં થોડી સહાયતા મળે છે, પરંતુ જો ચિંતા તીવ્રરૂપે હોય તો પરીક્ષા કે ભાષણમાં ખરાબી ઉત્પન્ન થાય છે. સ્વસ્થ મગજની વ્યક્તિ મોટા ભયથી પણ ભયભીત થતી નથી, પરંતુ અસ્વસ્થ કે દૃઢ મનોબળ વગરની વ્યક્તિ થોડા ભયથી પણ ભયભીત અથવા ચિંતિત થઇ જાય છે. અતિ ચિંતાની અવસ્થામાં એકાગ્રતા, વિચારશક્તિ, નિર્ણયશક્તિ તથા સ્મૃતિશક્તિ વગેરે શિથિલ પડી જાય છે. ૨૦થી ૪૦ વર્ષની વ્યક્તિઓમાં તે વધારે જોવા મળે છે. આ રોગમાં નાના નાના કારણોથી અધિક ભયભીત અથવા ચિંતિત થઇ જવાની માનસિક દુર્બળતા જ મોટાભાગે જોવા મળે છે.

મોટાભાગના આવા રોગીઓને કોઇ રોગ જેવા કે હૃદયરોગ, વંધ્યત્વ, એસિડિટી, હાઇ બ્લડપ્રેશર, લો બ્લડપ્રેશર, ક્ષયરોગ, નપુંસકતા, ઠંડાપણું, અનિદ્રા વગેરે અથવા કોઇ રોગ કે રોગનો ભય અથવા કોઇ વાતનો ભય સતત રહે છે અને તે ચિકિત્સક પાસેથી બીજા પાસે અને પછી ત્રીજા પાસે એમ ફર્યા જ કરે છે અને અનેક પરીક્ષાઓ કરાવે છે, એને કહેવું જોઇએ કે તમે અનેક પ્રકારનાં ભયોનો ભ્રમ બનેલો રહે છે અને તેથી જ તેનું ચિત્ત, દિવસ-રાત અશાંત, વ્યાકુળ અને ગભરાયેલું રહે છે. ઘણી વાર તેને આર્થિક સંકટ, નોકરી કે વ્યવસાય સંબંધી સમસ્યાઓ વ્યાકુળ બનાવે છે, વિષાદ રોગીની જેમ તે મંદ નહીં પણ ભયસૂચક ચેષ્ટાઓથી યુક્ત રહે છે. તે વધારે પડતું બોલે છે અને પોતાના ભય વિશે જ બોલે છે. તેને રાત્રે ચિંતા વધે છે અને આ કારણને લીધે જ તેને રાત્રે ઊંઘ આવતી નથી અને ઊંઘ ઊડી જતાં પુનઃ ચિત્ત વ્યાકુળ બની જાય છે અને તેને સતત ભય ચાલુ થાય છે.

ચિત્ત દુર્બળ હોય તો નકામી વાતો પર મનુષ્ય ભયભીત એવું ચિંતિત રહે છે. ચિંતાના થાકેલા રહેવાથી ચિંતાશીલ વ્યક્તિના સ્વભાવમાં વિક્ષોભત કે ચીડિયાપણું આવી જાય છે. આ રીતે નિરંતર ચિંતાગ્રસ્ત કે અશાંત રહેવાથી તે કોઇ કામ ચિત્ત લગાડીને કરી શકતો નથી. તેને બેચેની, ભય, ઉન્નિદ્રતા કોઇ વાત કે કામમાં ધ્યાન ન લાગવું, હૃદયના ધબકારા વધી જવા, શિરઃ શૂળ વગેરે આ રોગના મુખ્ય લક્ષણો છે.

આવા દર્દીની નાડીની ગતિ-હૃદયની ગતિ અને શ્વાસોચ્છ્વાસની ગતિ તીવ્ર રહે છે. પરસેવો વધારે આવે છે. આ પરસેવો ખાસ કરીને હાથ-પગની હથેળીઓ અને તળિયે વધારે થાય છે. તેનું લોહીનું દબાણ થોડું વધારે રહે છે.

અને વીર્યનું પતન શીઘ્ર થઇ જાય છે અને મૂત્ર પ્રવૃત્તિ પણ વારંવાર થવા લાગે છે. આંખની કીકીઓ થોડી પહોળી રહે છે. ચિંતાને લીધે શરીરની માંસપેશીઓમાં તણાવ રહે છે. જેથી શરીરમાં વેદના-પીડા, મગજ-માથું ભારે રહેવું, હાથમાં કંપ, નેત્રોનું થાકી જવું, કોઇ કામમાં ચિત્ત ન લાગવું, ઉત્સાહ-સ્ફૂર્તિનો અભાવ, મોઢું સૂકાયેલું રહેલું, આમાશય સ્રાવ ઘટી જવો, ભૂખ ઓછી થઇ જવી, કબજિયાત, મંદાગ્નિ, અરુચિ, આફરો વગેરે લક્ષણો રહે છે. તેને કોઈ મકાન કે રૂમમાં એકલા રહેવાથી ભય લાગે છે અને આ ભયના પણ વધતા ઓછા અનેક પ્રકારો હોય છે. તેને કોઇ મેદાનમાં એકલા જવાનો કે એકલા પ્રવાસ કરવાનો ભય રહે છે અને આ ભય જ અનેક વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. આ તકલીફમાં હળવી શામક દવાઓથી સારો ફાયદો થાય છે. આપણે ત્યાં ભય કે ચિંતાથી ઉત્પન્ન થતી સેક્સ સંબંધિત અનેક વિકૃતિઓના દર્દીઓ જોવા મળે છે.

અનેક યુવકોને મિથ્યા ભ્રમ ઉત્પન્ન થાય છે કે હસ્તમૈથુન કે સ્વપ્નદોષથી તેની પ્રજનન શક્તિ નષ્ટ થઇ ગઇ છે અને આ કારણથી જ તે અશક્ત નિર્બળ ફિક્કો બની ગયો છે. ભય નિરાધાર જ હોય છે. પ્રજનન સંબંધિત ફરિયાદો મોટા ભાગે ન્યૂરોટિક પ્રકારની જ હોય છે.

આમ ભય કે સતત ભય જનિત ચિંતાથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે.

નિરામય । વૈદ્ય મનુભાઈ ગૌદાની

No comments:

Post a Comment