Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

01 December 2020

મગજનો રોગોથી બચાવ કેવી રીતે કરશો?


મગજનો રોગોથી બચાવ કેવી રીતે કરશો?


૧. શરીરની અને મગજની કસરત કરવી પડશે : તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળે માટે તમને ગમતી ૪૦ થી ૫૦ મિનીટની કસરત શરૂ કરી દો. લાફીંગ ક્લબની કસરત શ્રેષ્ઠ છે. નજીકના ગાર્ડનમાં લાફીંગ ક્લબની કસરત ચાલતી હોય તો ત્યાં જઇને શીખી લો અને અનુકુળ સમયે તમારા ઘરમાં કરી લો. નિયમિત કસરત કરવાથી તમારા મગજના કોષને ખૂબ શક્તિ આપનાર પૌષ્ટિક પદાર્થો વાળું લોહી મળશે. આ ઉપરાંત મગજની શક્તિ વધારવા આટલી વધારાની કસરત કરો. ૧. શબ્દ વ્યૂહ ભરો. ૨. સુડોકું ભરો. ૩. કોઇપણ તમને ગમતા લખાણનું એક પાનું બરોબર વાંચી ને પછી એજ લખાણ યાદ રાખી ને કોરા કાગળમાં લખો. ૪. જેટલા સગાવહાલા, મિત્રો, સંબંધીઓ, આડોશીપાડોશી આ બધામાંથી જેમના નામ યાદ આવે તે એક ડાયરીમાં લખો. પછી તમારા પતિ/પત્નીને કે દીકરા/દીકરીને એ ડાયરી આપી અને યાદ કરીને બોલી જાઓ. રોજના અખબારના હેડિંગ મોટેથી બોલી વાંચી જાઓ પછી એ અખબાર અરીસા સામે ધરી વાંચવા પ્રયત્ન કરો. ઉપરની બધી બાબત નિયમિત કરો.

૨. કેફી પદાર્થો લેવાના બંધ કરો : તમાકુ (સિગારેટ કે ગુટકા) અને દારૂ કે બીજા કેફી પદાર્થો લેતા હો તો તે તદ્દન બંધ કરી દો. ચા, કોફી, કોલા, ડ્રીન્ક્સ પીવાનું પ્રમાણ ઓછું રાખો કારણ વધારે પડતા કેફીનથી તમારા મગજની કાર્યશક્તિને નુકશાન થાય છે.

૩. પૂરતી ઊંઘ લો : છ થી આઠ કલાકની ઊંઘ લો : તમારા મગજને જિંદગીભર તંદુરસ્ત રાખવા આ વાતનું ધ્યાન રાખશો. સમયસર સુવાની અને સમયસર ઊઠવાની ટેવ પાડો. તમે સુઇ જાઓ છો ત્યારે તમારા મગજને આરામ મળે છે આ વાત યાદ રાખો. શરૂઆતમાં જરૂર લાગે તો તમારા ઊઠવાનો અને સૂવાનો સમય નક્કી કરવા મોબાઇલ ફોનની મદદ લો.

૪. ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર: વારસાગત કારણોને લીધે તમારા શરીરમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો તેનાથી તમારા મગજને નુકશાન થશે માટે બ્લડપ્રેશર અને ડાયાબીટીસ માટે બેદરકાર ના રહેશો. બંને રોગોના સ્પેશિયાલીસ્ટ ડોકટરની સલાહ લઇને યોગ્ય સારવાર કરી બંને રોગને કાબુમાં રાખો. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ટાઇપ-૨ મોટાભાગના કિસ્સામાં વધારે વજન (ઓબેસીટી)ને કારણે થાય છે. માનસિક તણાવથી બ્લડપ્રેશર થાય એની સમયસર કાળજી ના લેવાય તો હાર્ટ એટેક પણ આવે. એજ રીતે ''બોડી માસ ઈંડિક્ષ'' ૨૫ થી વધીને ૩૦ સુધી જાય તો વધારે વજન કહેવાય. આ બંને રોગને લીધે ફક્ત હાર્ટ એટેક જ નહીં પણ મગજના રોગો ''અલ્ઝમર ડીસીઝ'' અને ''સ્ટ્રોક'' થઇ શકે. મગજને નુકશાન કરે તેવા આ બંને રોગ બ્લડપ્રેશર અને ડાયાબીટીસની યોગ્ય સારવાર કરી બંને રોગને કાબુમાં રાખો નહિ તો તમારા મગજની કાર્યશક્તિ ઉપર ઘણી અસર પડશે.

૫. મગજને શક્તિ મળે તેવો ખોરાક લો : સમતોલ, પૌષ્ટિક અને ચોખ્ખો ખોરાક લો. જેમાં ૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટીન, ૨૫૦ થી ૩૦૦ ગ્રામ કોમ્પ્લેક્ષ કાર્બોહાયડ્રેટ અને ૩૦ થી ૪૦ ગ્રામ તેલ અને ઘી જેવા ચરબીવાળા પદાર્થો ઉપરાંત કુદરતી પદાર્થો જેમાંથી તમારા શરીરને જરૂરી વિટામીન, મિનરલ અને ફાઇબર મળે માટે દિવસમાં ૨ થી ૩ તાજાફળો અને ૨૦૦ થી ૨૫૦ ગ્રામ જેટલા લીલા શાકભાજી ખાઓ. રોજના ખોરાકમાં કોઇ ધાર્મિક બાધ ના હોય તો રોજના ખોરાકમાં બે કે ત્રણ કળી લસણની લેવાથી શરીરમાં સેરોટીનીન નામના ન્યૂરોટ્રાન્સમીટરનું લેવલ વધે છે જેનાથી મગજની કાર્યશક્તિ સુધરે છે. પાલખની ભાજી : પાલખમાં વિટામિન બી-૬, વિટામિન બી-૧૨ અને ફોલિક એસિડ મળે છે જેનાથી મગજની એકાગ્રતા વધે છે. હળદરમાં ઓમેગા - ૩ ફેટી એસિડ છે જે મગજના કોષોને ચેપ લાગતો અટકાવે છે. મગજને શક્તિની ઘણી જરૂર છે કારણ તે આખી જિંદગી દિવસ રાત સતત કાર્યરત છે માટે આગળ જણાવેલી વસ્તુઓ સિવાય લીલી ચા, બદામ, ડાર્કચોકલેટ, નારંગી જાંબુ, શેતૂર, સ્ટ્રોબેરીમાંથી જે મળે તેનો નિયમિત ઉપયોગ કરવાથી મગજને રોગ થતાં અટકશે અને આ બધાંની સાથે રોજનું બેથી અઢી લીટર જેટલું પાણી પીવાનું ભૂલશો નહીં.

૬. કાનની અને આંખોની તપાસ : તમને બરોબર દેખાતું ના હોય કે બરોબર સંભળાતું ના હોય ત્યારે તમારા મગજને બધી જ બાબતો રેકોર્ડ કરવામાં મુશ્કેલી પડશે અને તેને કારણે લોકોની સાથે વાતચીતમાં તકલીફ પડશે માટે તમારા કાનની અને આંખોની તપાસ નિયમિત કરાવો.

૭. બને તેટલી ઓછી દવાઓ લો : તમારા મગજને જીવનભર યોગ્ય રીતે કામ કરી શકે માટે જરૂર પડે તેટલી જ દવાઓ લો. મગજની કાર્ય શક્તિ વધારવા શરીર સાથે કોઇ અખતરા ના કરો.

૮. અકસ્માતથી તમારો બચાવ કરો : અકસ્માત થવાથી અથવા ઘરમાં કે બહાર પડી જવાથી તમારા માથાને ઈજા થાય તો મગજના ઘણા પ્રોબ્લેમ થાય માટે અકસ્માતથી તમારો બચાવ કરો. દાદરા ચઢતી કે ઊતરતી વખતે ધ્યાન રાખો.

૯. તમારી એટીટયુડ પોઝીટીવ રાખો : જેમ જેમ ઉંમર થાય એટલે શરીરની બધી જ સીસ્ટમ ઓછું કામ કરે એવો ખ્યાલ મગજ માટે ના રાખશો. જો આગળ જણાવેલી બધી જ વાતોનું ધ્યાન રાખશો તો તમારા મગજની કાર્યશક્તિ જીવનભર અકબંધ રહેશે. આ બાબતો માટે તમારી એટીટયુડ પોઝીટીવ રાખો.

૧૦. માનસિક તનાવ વધશે તો મગજના રોગો તરત થશે : એક નિયમ કરીને સૂતા પહેલા રોજ ૩૦ મિનિટ મનને શાંત કરવા પ્રાણાયામ કરવાનું ભૂલતા નહીં.

- ફિટનેસ- મુકુંદ મહેતા
- શરીરમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો તેનાથી તમારા મગજને નુકશાન થશે માટે બ્લડપ્રેશર અને ડાયાબીટીસ માટે બેદરકાર ના રહેશો

No comments:

Post a Comment