Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

13 June 2021

કોરોનાઃ આ ફીયર સાઇકોસિસને કેવી રીતે દૂર કરવો?

કોરોનાઃ આ ફીયર સાઇકોસિસને કેવી રીતે દૂર કરવો?


સંજય પટેલનો મિલનસાર સ્વભાવ છે, પણ આજકાલ લોકડાઉનના સમયમાં તેઓ સોસાયટીની બહાર જઈ નથી શકતા. તેઓ ઘરમાં બંધ થઈ ચૂક્યા છે. જેથી તેઓ અકળાઈ જાય છે. તેઓ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાવાળી વ્યક્તિ છે. તેમનો સમય ઘરમાં કેમે કરીને જતો નથી. તેઓ કોરોનાના દરેક સમાચાર પર ધ્યાન રાખે છે. તેઓ થોડા-થોડા સમયે સોસાયટીના ઝાંપા પર આંટો મારી આવે છે. જોકે તેમની આંખોમાં બેચેની છે. તેમની પ્રકૃતિ કામમાં વ્યસ્ત રહેવાની છે અને અચાનક નવરાધૂપ થવાથી તેમને કંટાળો થવા માંડ્યો છે. તેઓ કહે છે કે આ 21 દિવસ કેમના જશે? આને લીધે તેઓ સોસાયટીમાં આમતેમ ફર્યા કરે છે. તેમને અંદરથી ગોઠતું નથી અને બહાર જવાતું નથી. તેમને ટેન્શન થઈ ગયું છે. તેઓ જ્યારે ફ્લેટની બહાર નીકળે છે ત્યારે કુટુંબના સભ્યો ખાસ્સા નારાજ થઈ જાય છે.


લોકો દહેશતમાં જીવી રહ્યા છે કે હવે શું થશે? કેટલાક લોકો હતાશ થઈ ગયા છે, તેમને ડર છે કે લોનનો હપતો કેવી રીતે ભરીશું. તેઓ વેપારમાં મોટા નુકસાન થવાનો ડર છે. તેમને ક્રેડિટ કાર્ડનો હપતો ક્યાં અને કેવી રીતે ભરાશે. આ ઉપરાંત તેમને કોરોના થઈ જવાનો પણ ડર સતાવી રહ્યો છે. વળી, જીવનાવ્યશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાશે તો શું કરીશું. આવા કાલ્પનિક ડરથી તેઓ ધ્રૂજી ઊઠે છે. આને લીધે તેઓ હાલ સાવચેતી રીતે કરિયાણાા, દૂધ અને શાકભાજીનો વધુ પડતો જથ્થો લાવીને મૂકી દે છે. પણ શું આ લોકો ડરીને ઘરમાં કરિયાણું કે દવા વગેરેનો વધુ પડતો જથ્થો તો સંગ્રહ નથી કર્યોને?

વેલ, આ બધા ફીયર સાઇકોસિસના સંકેત-લક્ષણ છે.

શું છે ફીયર સાઇકોસિસ? અને તેનાં લક્ષણો


સરળ શબ્દોમાં કહેવું હોય તો ફીયર સાઇકોસિસનાં લક્ષણો એટલે વધુ પડતી સાવચેતી અથવા ડર, નિરાશા, ભય, કંટાળો અને ચીડિયાપણું. આ વાતને વધુ સારી રીતે સમજાવતાં ગુજરાતના જાણીતા સિનિયર સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ ચિત્રલેખા.કોમને કહ્યું હતું કે દેશભરમાં હાલ કોરોના વાઇરસને લીધે સંપૂર્ણ લોકડાઉન છે. એટલે આ દિવસોમાં મોટા ભાગના લોકો ઘરમાં નજરકેદમાં છે. સદા કામમાં વ્યસ્ત રહેતા લોકો હાલ નવરાધૂપ થઈ ગયા છે. એટલે ઘણા લોકો કાલ્પનિક ડરથી પણ દુખી થાય છે કે આ કોરોનાનો ચેપ મને તો નહીં લાગી જાયને. એમ વિચારીને વારંવાર હાથ ધુએ છે.

ક્યાંક મને તો કોરોના નહીં થાયને?
 

કેટલાક લોકો સ્વચ્છતાના બહુ આગ્રહ (વધુ પડતો) કરતા હોય છે. તેઓ પણ ઘરને ચોખ્ખુંચણાક કરી દે છે. તેઓ વારંવાર હાથ, મોં ધુએ છે. તેમને બીક પેસી જાય છે કે તેમને તો ક્યાંક કોરોના નહીં થાયને? ઘણા લોકોને સામાજિક વિકૃત ચિંતા થાય છે કે હવે શું થશે?

ઋતુનો સંધિકાળ


ડો. પ્રશાંતભાઇ કહે છે કે બે ઋતુનો સંધિકાળ છે એટલે આમ પણ લોકોને સામાન્ય શરદી, ખાંસી કે ફ્લુ થતા હોય છે. વળી કેટલાક લોકોને એલર્જિક સમસ્યા હોય છે. આમ પણ આવી બેવડી સીઝનમાં કોઈ પણ ભારતીયને શરદી-ખાંસી તો થતી જ હોય છે. આવા લોકોને નકારાત્મક વિચારો આવી જાય છે કે મને તો કંઈ નહીં થઈ જાયને. આવી વધુપડતી ચિંતા કરવાને કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. અકારણ ગુસ્સો કરવા લાગે છે.

વળી હાલ દેશમાં કોરોના વાઇરસનો ભય બહુ મોટો છે, જેથી અસામાન્ય સંજોગોમાં વ્યક્તિ નર્વસ થાય એ સ્વાભાવિક છે, પણ કેટલાક લોકોને ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડર (OCD) પણ હોય છે. એ લોકોને આવા સમયે ડિસઓર્ડર ખૂબ વધી જાય છે. આવી વ્યક્તિઓ વધુ ટેન્શનમાં આવી જાય છે. આવી વ્યક્તિઓને એકલતા, નિરાશા, ભય, કંટાળો અને ચીડિયાપણું આ જાય છે. આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ વધી જાય છે.નાની-નાની વાતે આવા લોકો અસામાન્ય વર્તન કરે છે.

આવી પરિસ્થિતિમાં ડોક્ટર સંયમ રાખવાનું કહે છે.

માનસિક ડર બીમારી નોંતરે છે

એ વાતનું ધ્યાન રાખો કે તમે વાતનું વતેસર તો નથી કરતા ને? તમે અકારણ ગુસ્સો નથી કરતા ને? તમારો સ્વભાવ શોર્ટ ટેમ્પર તો નથી થયા ને? લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે છે. કાલ્પનિક ડર લાંબો સમય રહે તો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ (વિચારોમાં નકારાત્મકતા) વધશે. જો સ્થિતિ રહે તો બ્લડ પ્રેશર અને શુગર લેવલ વધી જવાનું જોખમ રહેલું છે.

હાલના સમયમાં યોગ કરો, કેરમ, ચેસ રમો, મિત્રો સાથે સંવાદ કરો


આ સમયે યોગ કરવાથી શાંતિ મળે છે. હાલના સમયમાં તમે ઘરે રહીને કેરમ રમી શકો છો, ચેસ રમી શકો છો. તમે તમારા મિત્ર, સગાંવહાલાં સાથે ફોનમાં તો વાત કરી જ શકો છો. તમને લાગે કે ટેન્શન વધી રહ્યું છે તો તે તમારા અંગત મિત્ર કે સગાં કે કાઉન્સિલરને જણાવો.

તમને કોઈ તમાકુ કે દારૂનું સેવન કરતા હો તો એ જાણી લો કે આનાથી ટેન્શનમાં વધારો થશે. તમને અકારણ ગુસ્સો કે ચીડિયાપણું થાય તો ન્યૂઝ કે સોશિયલ મિડિયામાં વ્યસ્ત રહો.


શું તમે આ યુવતીની જેમ માનસિક અસ્વસ્થ તો નથીને? કોરોનાના વધુ પડતા ડરને કારણે આત્મહત્યા



કેટલીક વાર વાસ્તવિકતાં કરતાં તેનો કાલ્પનિક હાઉ વધારે હાનિ પહોંચાડે છે. એક 19 વર્ષીય યુવતી વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. તેને કોરોના વાઇરસથી વિશ્વથી વિખૂટા પડી જવાનો ડર લાગતો હતો, જેથી તેણે તેનું જીવન ટૂંકાવી દીધું. જોકે તેની બહેને કહ્યું હતું કે તેને ઉચ્ચ પ્રકારની માનસિક (ઓટિઝમ) બીમારી હતી. તે કોરોના વાઇરસના કહેરથી માહિતગાર હતી અને વધુ ને વધુ લોકોને આ રોગ સામે લડવા જાગ્રત કરતી હતી, પણ પોતે અંદરથી માનસિક તૂટી ગઈ હતી. તેને સમાજથી દૂર થઈ જવાનો ભય સતાવતો હતો. જેથી તે આ રોગચાળોનો સામનો કરવામાં અસમર્થ હતી. તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તે મૃત્યુ પામી હતી, એમ તેના પરિવારે કહ્યું હતું.

દુનિયા આખી તમારી સાથે છે

વર્તમાન કપરો સમય તમારા એકલા માટે નથી આવ્યો. એમ કહેવાય છે કે આ સમય પણ જતો રહેશે. જે સૌનું થશે એ આપણું થશે. માટે હંમેશાં પોઝિટિવ વિચારો અને સ્વસ્થ રહો. હાલના સમયમાં તમે સોશિયલ મિડિયા, ન્યૂઝ ચેનલોમાં વ્યસ્ત હોય. જો તમને એ પણ ના ગમતું હોય તો ઓનલાઇન નાટક કે ફિલ્મ જુઓ, પણ ખોટા અને કાલ્પનિક ભયથી ડરો નહીં.

No comments:

Post a Comment