Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 October 2021

માનવશાસ્ત્ર (anthropology)
અધ્યયનપદ્ધતિ

પ્રારંભિક કાળમાં માનવશાસ્ત્રીઓ, પ્રવાસીઓ, પાદરીઓ, વહીવટદારો વગેરે દ્વારા કૂતૂહલવશ ભેગી કરાયેલી વર્ણનાત્મક તથા અતિશયોક્તિભરી કે અંગત માન્યતાઓના ઘેરા રંગે રંગાયેલી માહિતી પર આધાર રખાતો અને તેને ભેગી કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ ન હતી. આ પછી 19મી સદીના મધ્યભાગમાં અમેરિકામાં સૌપ્રથમ મૉર્ગને (1870) પ્રશ્નાવલી દ્વારા ક્ષેત્રીય વ્યવસ્થિત માહિતી ભેગી કરી. જેમ્સ ફ્રેઝરે ‘ગોલ્ડન બો’ પુસ્તકમાં નિરીક્ષણને મહત્વ આપ્યું. ત્યારબાદ યુનિવર્સિટી કક્ષાએ વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો પ્રયત્ન ફ્રાન્સ બોઆસ દ્વારા 1896માં અને તેમના વિદ્યાર્થીઓ એલ. એ. ક્રોબર, રૂથ બેનેડિક્ટ, માર્ગરેટ મીડ દ્વારા અને યુરોપમાં બ્રિટિશ માનવશાસ્ત્રીઓમાં હેડન (1898, 99) દ્વારા થયો અને તે પછી તેમના વિદ્યાર્થી રેડક્લિફ બ્રાઉને 1906થી 1908 દરમિયાન આંદામાન આઇલૅન્ડર્સનો અભ્યાસ આપ્યો. આ પછી હૉબહાઉસ, રિવર્સ અને રોલિંગમૅનના અભ્યાસો ઉપરાંત તેમના વિદ્યાર્થી મેલિનૉવ્સ્કીએ 1914–18 સુધી ટ્રોબ્રિયાન્ડ ટાપુઓના લોકો સાથે સૌથી લાંબો સમય સાથે રહી, તેમની બોલી શીખીને પ્રત્યક્ષ જાતતપાસ કરી ઊંડાણભર્યું ક્ષેત્રકાર્ય કર્યું. ત્યારબાદ ક્ષેત્રકાર્ય પર આધારિત વૈજ્ઞાનિક અભ્યાસો બહાર આવ્યા, જેમાં ઇવાન્સ પ્રિચાર્ડે કરેલ સુદાનની એઝેન્ડે અને ન્યુયર જાતિઓ, મેયર ફૉર્ટિસે કરેલ પશ્ચિમ આફ્રિકાની અશાંત જાતિઓનો તેમજ ઓસ્ટ્રેલિયાની જાતિઓ વિશે એસ. એફ. નડેલે કરેલા અભ્યાસ ખાસ ઉલ્લેખનીય છે. આ સમયે બ્રિટનની રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ સોસાયટી દ્વારા ‘નોટ્સ્ ઍન્ડ ક્વેરિઝ ઑન ઍન્થ્રોપૉલોજી’ (1874) પુસ્તક આ પ્રકારના સંશોધન માટે માર્ગદર્શિકારૂપે પ્રગટ થયું. આથી માનવશાસ્ત્રીય અભ્યાસોમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય આવશ્યક બન્યું. સંશોધક અભ્યાસના સમુદાયનો ઊંડાણભર્યો, સર્વાંગીણ અભ્યાસ કરે તે માટે તથા સ્થાનિક સમુદાયનો આત્મવિશ્વાસ–મૈત્રી પ્રાપ્ત કરે તે હેતુથી સહભાગી અવલોકનપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો અને સમુદાયના જીવનના વાર્ષિક ચક્રની તથા પ્રાસંગિક બનાવોની પૂરતી માહિતી પ્રાપ્ત થઈ શકે તે હેતુથી સંશોધક ઓછામાં ઓછો 12થી 18 માસ જેટલું અભ્યાસના સમુદાય વચ્ચે સહનિવાસ કરે, તેમની ભાષા-બોલી શીખી લે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું. આ અધ્યયન અંગે ત્રણ પદ્ધતિઓ પ્રચારમાં આવી :

(1) ઐતિહાસિક પદ્ધતિ : માનવજીવન શરૂ થયું ત્યારથી તેણે સાધેલાં સાંસ્કૃતિક સ્વરૂપોને સમજવા ભૂતકાળની વિગતોને તપાસવા ઐતિહાસિક પદ્ધતિ(historical method)નો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ઑગુસ્ત કૉમ્તે, હબર્ટ સ્પેન્સરે, હૉબહાઉસે અને વેસ્ટર્ન માકર્સે History of Human Marriage(1926)માં કર્યો. એલ. એ. ક્રોબરે પણ માનવશાસ્ત્રમાં તેની અગત્ય દર્શાવી છે. સમાજ કે સંસ્કૃતિમાં વિકસેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, તંત્રો, પ્રથાઓ કેવી રીતે વિકસ્યાં તથા પરિવર્તન પામ્યાં તેમનો ક્રમિક વિકાસ સમજવા માટે તથા તે સંબંધી નિયમો તારવવા માટે આ પદ્ધતિ ઉપયોગી બની છે.

(2) તુલનાત્મક પદ્ધતિ (comparative method) : વિવિધ આદિમ સમુદાયો, સંસ્થાઓ અને સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરી સમગ્ર (total) માનવસમાજ અને સંસ્કૃતિઓની સામાન્ય વિશેષતાઓને આ પદ્ધતિ દ્વારા તારવવાનો પ્રયત્ન થાય છે. સૌપ્રથમ ફ્રેન્ચ સામાજિક માનવશાસ્ત્રી એમિલ દર્ખેમે આ પદ્ધતિનો ઉલ્લેખ કર્યો. રેડક્લિફ બ્રાઉને સ્પષ્ટ કર્યું કે તુલનાત્મક અધ્યયન એટલે વિવિધ સમાજોની સંસ્થાઓ, તંત્રોની તુલના, પણ મુશ્કેલ કાર્ય છે. વાસ્તવમાં સાંસ્કૃતિક તત્વો અથવા સાંસ્કૃતિક ક્ષેત્રો(culture areas)ને માપદંડ માનીને વિભિન્ન તત્વો કે વિસ્તારો–વિગતોની તુલના કરી તેના આધારે સામાન્ય પરિણામો તારવવાં જોઈએ. ફ્રાન્સ બોઆસે (1896) સમગ્ર વિશ્વને વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિભાજિત કરીને તુલનાત્મક અધ્યયન કરવા સૂચવ્યું છે. પરંતુ આ વધુ વ્યાપક ક્ષેત્ર હોઈ મોટેભાગે સમુદાય કે સંસ્કૃતિનાં વિવિધ તથ્યો કે પાસાં લઈને તેનું તુલનાત્મક અધ્યયન કરવાનું વધુ સુગમ પડવાથી તે અભિગમનો વધુ સ્વીકાર થયો.

(3) તંત્રકાર્ય પદ્ધતિ (functional method) : સંશોધનક્ષેત્રમાં માનવશાસ્ત્રમાં આજે આ પદ્ધતિનું વધુ પ્રચલન કે મહત્વ છે. સાંસ્કૃતિક તત્વોનું અલગ અલગ અધ્યયન કરવાને બદલે સમગ્ર (total) સંસ્કૃતિના અધ્યયન પર ભાર મૂકવામાં આવે છે. સમાજના પ્રત્યેક સાંસ્કૃતિક તત્ત્વનું કોઈ ને કોઈ પ્રકારનું સામાજિક કાર્ય હોય છે. તેથી સમાજમાં વિવિધ સંસ્થાઓ, રિવાજો, પ્રથાઓ, માન્યતાઓ વગેરે વિવિધ સાંસ્કૃતિક તત્વોના અધ્યયન દ્વારા તેમાં રહેલાં કાર્યોનું વિશ્લેષણાત્મક અધ્યયન કરવા પર ભાર મુકાય છે. આ પદ્ધતિનું માળખું પ્રથમ મેલિનૉવ્સ્કીએ 1944માં આપ્યું. અને રેડક્લિફ બ્રાઉન, ઇવાન્સ પ્રિચાર્ડ અને લૉવી સ્ટ્રૉસે તેને પરિમાર્જિત કર્યું. સંસ્કૃતિના ઘટકો સમગ્ર સંરચના સાથે સંબંધિત હોય છે. સંશોધકે આ સંબંધ કેવો છે તે શોધી તેની ક્રિયાશીલતાનું પ્રેરક તત્વ શું છે તેને સ્પષ્ટ કરવું જોઈએ. સંસ્કૃતિનાં બધાં તત્ત્વો કુટુંબ, લગ્ન, ધર્મ, રીતરિવાજો, પ્રથાઓ વગેરે પરસ્પર એકબીજાં સાથે સંકળાયેલાં છે અને દરેકનું કોઈ ને કોઈ કાર્ય (social function) છે; તેની ઉપયોગિતા છે. આમ સંસ્કૃતિ કે સમાજનાં ભિન્ન ભિન્ન પાસાંઓમાં રહેલા કાર્યસાધક (functional) સંબંધોને શોધી તેનું સમગ્ર સાંસ્કૃતિક વ્યવસ્થામાં શું કાર્ય છે તે શોધવાનો, તથા તેની ભિન્નતાનું સ્વરૂપ કેવું છે તે સ્પષ્ટ કરી તે અંગેના સામાન્ય નિયમો શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

અરવિંદ ભટ્ટ

No comments:

Post a Comment